Archive for મે, 2015

ગૌમુખાસન

મે 28, 2015

ગૌમુખાસન

28.Gaumukhasan 1 29.Gaumukhasan 2

આસનના નામ પરથી ખબર પડશે કે આમાં શરીરનો દેખાવ ગાયના મુખને મળતો આવે છે.

પગ લાંબા કરીને પાથરણા પર સીધા ટટાર બેસો. હવે જમણો પગ વાળીને એની એડી નીતંબ પાસે મુકો. જમણા પગની ઉપર ડાબો પગ બંને ઘુંટણ એકબીજા સાથે અડે તે રીતે મુકો. જમણો હાથ ઉપર ઉઠાવી પીઠ તરફ વાળો અને ડાબો હાથ પીઠ પાછળ લઈ જઈ જમણા હાથનાં આંગળાં ડાબા હાથ વડે પકડવાનો પ્રયાસ કરો. કમર અને ડોક તદ્દન સીધી રાખવી. એ જ રીતે ડાબા પગની ઉપર જમણો પગ રાખીને એટલે કે બીજી તરફથી પણ કરવું. એ વખતે ડાબો હાથ ઉપર ઉઠાવવાનો રહેશે અને જમણો હાથ પાછળ લેવાનો રહેશે. બંને તરફ એક એક મીનીટ સુધી આ આસનમાં રહી શકાય.

વધરાવળની તકલીફમાં આ આસનથી ફાયદો થાય છે. મોટું આંતરડું લચી પડ્યું હોય તેમાં, વારંવાર પેશાબની તકલીફમાં અને સ્ત્રીરોગોમાં પણ લાભ થાય છે. વળી ગૌમુખાસન કરવાથી યકૃત, કીડની અને છાતીના સ્નાયુ મજબુત થાય છે.

ધનુરાસન

મે 23, 2015

ધનુરાસન

 

27.Dhanurasan

આ આસનની પુર્ણ સ્થીતીમાં શરીરનો દેખાવ કમાન ચડાવેલ ધનુષ્ય જેવો થાય છે. આ આસન પણ ભુજંગાસનની જેમ ઉંધા સુઈને જ કરવાનું છે. પણ એમાં ધડ અને પગ બંનેને એકી સાથે ઉપર ઉઠાવવાનાં છે.

દાઢી જમીનને અડે એ રીતે જમીન પર ઉંધા સુઈ જાઓ. બંને પગ ઘુંટણમાંથી વાળી ઉપર ઉઠાવી જમણા પગની ઘુંટી જમણા હાથ વડે અને ડાબા પગની ઘુંટી ડાબા હાથ વડે પકડો. આમ કરતી વખતે માથું અને ધડ પણ ઉંચું કરી પાછળ લઈ જવું. હવે પગને લાંબા કરવાનો પ્રયત્ન કરો, પણ તેને હાથ વડે સખત રીતે પકડી રાખો. આથી આખું શરીર કમાનની જેમ તંગ થશે. આ આસનની આ પુર્ણ સ્થીતી થઈ. આમાં શ્વાસોચ્છ્વાસ સામાન્ય રાખવો. થાક્યા વીના જેટલો સમય રહી શકાય તેટલો સમય આસન રાખવું. શરુઆતમાં બહુ ઓછો સમય આ આસનમાં રહી શકાશે. ધીમે ધીમે સમય વધારી વધારેમાં વધારે ત્રણ મીનીટ રાખી શકાય. પછી છાતી અને જાંઘ નીચે લાવી હાથ છોડી દઈ પહેલાંની જેમ લાંબા થઈને સુઈ જવું.

આ આસન બંને પગ અડેલા રાખીને કરવામાં શરુઆતમાં કંઈક મુશ્કેલી લાગશે, પણ અભ્યાસ વધતાં એ રીતે કરી શકાશે. જો કે મને એ પ્રેક્ટીસ આ ચીત્ર લીધું ત્યારે નો’તી, આથી મારા ચીત્રમાં પગ અલગ છે. આમ આમાં ભુજંગાસન અને શલભાસન બંનેના લાભ મળે છે. કરોડ મજબુત થાય છે. ખુંધ નીકળતી હોય તો કદાચ અટકી જશે. સારી રીતે ચાલી શકાય છે. પેટ ભારે રહેતું હોય તો તેમાં ફેર પડે છે અને પેટ સપ્રમાણ બને છે, એનું બેડોળપણું દૂર થાય છે. વળી આમાં મોટા આંતરડાને કસરત મળતી હોવાથી કબજીયાત પણ મટે છે.

શલભાસન

મે 20, 2015

શલભાસન

26.Shalbhasan

શલભ એટલે તીડ અથવા પતંગીયું. આ આસનમાં શરીરનો દેખાવ બેઠેલા તીડ કે પતંગીયા જેવો થાય છે. આમાં પણ ભુજંગાસનની જેમ ઉંધા સુઈને પગનાં તળીયાં ઉપર રહે તેમ અને બંને હાથ બાજુ પર રાખવાના છે. ખભા અને માથું જમીનને અડેલું રાખો. ઉંડો શ્વાસ લઈ છાતી અને હાથ પર શરીરનું વજન રાખી પગ એકબીજા સાથે અડેલા અને સીધા રાખીને ઉપર ઉઠાવવા. પગ ઢીચણમાંથી વળવા ન જોઈએ. પગ જેટલા ઉંચે લઈ જઈ શકાય તેટલા લઈ જવા, પણ શરીરનો નાભિ સુધીનો ભાગ જમીનને અડેલો રહેવો જોઈએ.

શ્વાસ રોકી શકાય એટલો સમય આ રીતે પગ ઉઠાવેલા રાખવા. એ પછી ધીમે ધીમે પગ મુળ સ્થીતીમાં નીચે લાવવા, અને સામાન્ય શ્વાસોચ્છ્વાસ ચાલુ કરવો. આ રીતે તમારી શક્તી અને અનુકુળતા મુજબ આ આસન બેથી સાત વખત કરી શકાય. શરીર પર બળજબરી કરીને વધુ પડતા સમય સુધી શ્વાસ રોકી ન રાખવો.

સાથે સાથે આ આસન પહેલાં વારા ફરતી એક એક પગ ઉંચકીને અને પછીથી બંને પગ સાથે ઉંચકીને પણ કરવું હોય તો કરી શકાય. તેમ જ જમણો પગ અને ડાબો હાથ એક સાથે ઉંચકીને, પછી ડાબો પગ અને જમણો હાથ સાથે ઉંચકીને પણ કરી શકાય.

આ આસનથી કીડની અને પેટના અન્ય અવયવોને કસરત મળતી હોવાથી એ અવયવોની તંદુરસ્તી વધે છે. આ આસન હોજરી અને આંતરડાને ઉત્તેજીત કરે છે અને એની નબળાઈ દુર કરે છે. આથી ભુખ ઉઘડે છે. લોહીની ફરવાની ક્રીયા પણ સારી રીતે થાય છે, આથી મંદ રુધીરાભીસરણની કેટલીક ફરીયાદ જેમ કે ખાલી ચડવી, બેચેની લાગવી, આળસ આવવી વગેરે મટી શકે. આનાથી કમરના સ્નાયુઓ પણ વીકાસ પામે છે, આથી કમરનું બેડોળપણું મટે છે.

ભુજંગાસન

મે 17, 2015

ભુજંગાસન

25. Bhujangasan

કેટલાક લોકો એને સર્પાસન પણ કહે છે. ભુજંગ એટલે સર્પ-સાપ. એમાં શરીરનો દેખાવ ફેણ ચડાવેલ સાપ જેવો થતો હોવાથી એને આ નામ મળ્યું છે. આ અને આના પછીનાં બે આસનો ઉંધા સુઈને કરવાનાં છે.

આસનની રીત: લાંબા થઈને પેટના ઉપર ઉંધા સુઈ જાઓ. લલાટ જમીનને અડેલું રહેશે. હાથ બાજુ પર રાખવા. પગનાં તળીયાં ઉપર અને અંગુઠા જમીનને અડેલા રાખવા. હવે શ્વાસ લેતાં લેતાં ધીમે ધીમે માથું ઉંચું કરતા જવું એટલે એની સાથે નાભીની ઉપરનો શરીરનો સમગ્ર ભાગ પણ ઉંચકતા જવું. માથાને ધીમે ધીમે બને તેટલું પાછળ લઈ જવાનો પ્રયત્ન કરવો, પણ એમ કરતાં સહેજ પણ ઝટકો કે આંચકો લાગવો ન જોઈએ. જો કમરની લચક ઓછી હશે તો માથું વધારે પાછળ લઈ જઈ શકાશે નહીં. જેમ જેમ મહાવરો વધતો જશે અને કમરની લચક, સ્થીતીસ્થાપકતા વધતી જશે તેમ તેમ માથું વધુ પાછળ લઈ જઈ શકશો. નાભીથી શરીરનો નીચેનો ભાગ જમીનને અડેલો જ રહેશે. શરીરને પાછળ વાળવા માટે હાથના ટેકાની જરુર પડે તો લેવી. મહાવરો વધતાં હાથના ટેકાની જરુર વીના પણ શરીર વાળી શકાશે. પુરેપુરું શરીર વળી રહે અથવા તમે જેટલું વાળી શકો ત્યાં સુધી શ્વાસ લેવાનું ચાલુ રાખવું અને પછી શ્વાસ અંદર રોકી રાખવો, એટલે કે આંતર કુંભક કરવો. એ જેટલો સમય કરી શકો તેટલો સમય આ આસનની પૂર્ણ સ્થીતીમાં રહીને પછી જેમ ધીમે ધીમે શરીર વાળ્યું હતું તેમ પાછા ધીમે ધીમે મુળ સ્થતીમાં આવી જવું. શરુઆતમાં માત્ર એકાદ વખત આ મુજબ કરી ક્રમશઃ આવર્તન વધારતા જવું અને પુરેપુરી પ્રેક્ટીસ બાદ પાંચ-સાત આવર્તન કરવાં.

ખાસ સાવચેતી: આ આસન કરતી વખતે પીઠમાં દુખાવો થઈ આવે તો અતીશયતા થઈ છે, એમ જાણી એકાદ બે દીવસ આરામ કરી દુખાવો મટે પછી સાવચેતીપુર્વક ફરી શરુ કરવું. સામાન્ય રીતે કોઈ પણ આસન પછી દુખાવો કે બેચેની ન થવાં જોઈએ પણ ઉત્સાહ અને સ્ફુર્તીનો અનુભવ થવો જોઈએ.

આ આસનમાં પીઠના સ્નાયુઓને કસરત મળતી હોવાથી લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાથી કે ખુબ કામ કરવાથી પીઠમાં દુખાવો થતો હોય તો તેમાં રાહત થાય છે. કરોડ લચકીલી-સ્થીતીસ્થાપક થાય છે. પેટના સ્નાયુઓને તેમ જ મોટાં અંતરડાને કસરત મળતી હોવાથી જઠરાગ્ની તેજ બને છે અને કબજીયાત દૂર થાય છે. જમ્યા પછી જો પેટ ભારે લાગતું હોય તો આ આસન યોગ્ય રીતે કરવાથી એ તકલીફ કદાચ દુર થઈ શકે. વળી ગરદન, હાથ અને ખભાના સ્નાયુ પણ મજબુત બને છે.

બહેનો માટે પણ આ આસન ઘણું લાભદાયક છે. એનાથી ગર્ભાશય અને જનન અવયવોને ફાયદો થાય છે. અલ્પ માસીક, દુખાવા સહીતનું માસીક તથા શ્વેત પ્રદરમાં લાભકારક છે. જો કે બહેનોએ આ આસન ગર્ભાવસ્થાના પાંચ માસ પછી કરવું જોઈએ નહીં.

પાદાંગુષ્ઠનાસીકાસ્પર્શ

મે 16, 2015

પાદાંગુષ્ઠનાસીકાસ્પર્શ

 23.Padangusht Nasikagra 1  24..Padangusht Nasikagra

પાદાંગુષ્ઠ એટલે પગનો અંગુઠો. અને નાસિકા એટલે નાક સાથે અડાડવાનો પ્રયાસ કરવાનો છે. પાથરણા પર ચત્તા સુઈ જાઓ. હવે જમણા પગને વાળીને બંને હાથ વડે એના પંજાને પકડી ઉપર ઉઠાવતા જાઓ અને શ્વાસ બહાર કાઢતા જઈ માથું ઉઠાવીને પગના અંગુઠા સાથે નાક અડાડવાનો પ્રયત્ન કરો. આમ કરતી વખતે સહેજ પણ ઉતાવળ કરવી નહીં કે ઝટકા સાથે નાક અડાડવાનો પ્રયત્ન કરવો નહીં. જો શરુઆતમાં નાક અડી ન શકે તો જ્યાં સુધી પગના અંગુઠા નજીક નાક લઈ જઈ શકાય ત્યાં સુધી લઈ જવું. ધીમે ધીમે સતત પ્રયાસ ચાલુ રાખતાં આસન સીદ્ધ થઈ શકશે. એ જ રીતે ડાબા પગના અંગુઠાને પણ નાક અડકાડવું અને ત્યાર બાદ બંને પગને સાથે ઉંચકી બંને પગના અંગુઠાને નાક અડકાડવું. બંને પગ સાથે નાક અડકાડવું થોડું વધુ મુશ્કેલ લાગશે. નાભીની સમસ્યા દૂર કરવા માટે આ આસન ઉપયોગી છે. નાભીની સમસ્યા દૂર થતાં પેટનો દુખાવો, વાયુ, કબજીયાત, અતીસાર(ઝાડા), નબળાઈ અને સુસ્તી પણ દૂર થાય છે. આંતરડા માટે પણ આ આસન કંઈક અંશે મહત્ત્વનું ગણાય છે.

પવનમુક્તાસન

મે 9, 2015

પવનમુક્તાસન

22.Pavanmuktasan

પાચનક્રીયાના અવયવો પૈકી કોઈ એક કે વધુ અવયવોમાં વાયુનો ભરાવો થયો હોય અને બેચેની જેવું લાગતું હોય તો તેને દૂર કરવા માટેનું આ આસન છે. આથી એને પવનમુક્તાસન કહે છે.

બંને પગ લાંબા કરી પાથરણા પર ચત્તા સુઈ જાઓ. જમણો પગ ઘુંટણમાંથી વાળી શ્વાસ બહાર કાઢતા જઈ છાતી તથા પેટ પર દબાવો અને માથું ઉંચું કરીને નાક ઘુંટણને અડાડો. જ્યાં સુધી સરળતાથી શ્વાસ રોકી શકો ત્યાં સુધી રોકેલો રાખો અને પછી શ્વાસ છોડતા જઈ પગ ધીમે ધીમે સીધો કરી દો. એ જ રીતે ડાબા પગ વડે પણ કરો.

હવે બંને પગ એકી સાથે વાળીને ઉપર મુજબ કરો. આમ એક ચક્ર થયું. આ રીતે ૩થી૪ વખત કરવું. અથવા વાયુથી છુટકારો થાય ત્યાં સુધી કરવું.

થોડું પાણી પીને આ આસન બેત્રણ વાર કરવાથી કબજીયાત દૂર થાય છે. યોગ્ય રીતે કરવાથી ઘુંટણનો દુખાવો પણ દૂર કરી શકાય. આ આસનથી યકૃત (લીવર) અને બરોળનું સ્વાસ્થ્ય પણ સુધરે છે, તેમ જ આંતરડાં મજબુત થાય છે, આથી પાચનશક્તી સુધરે છે.

ચક્રાસન ૧ અને ચક્રાસન ૨

મે 5, 2015

 

ચક્રાસન ૧ અને ચક્રાસન ૨

ચક્રાસન ૧

20. Chakrasan 1

ચત્તા સુઈ જઈ બંને પગ સાથે રાખો. બંને હાથ જમીનને માથા પાછળ લાંબા કરો. હવે બંને હાથ તથા બંને પગ સીધા ટટ્ટાર રાખી ઉપર ઉઠાવતા જાઓ અને જમણા પગના અંગુઠાને જમણા હાથ વડે અને ડાબા પગના અંગુઠાને ડાબા હાથ વડે પકડી લો. એ સ્થીતીમાં ૩ સેકન્ડ રહી મુળ સ્થીતીમાં આવી જાઓ, એટલે કે હાથ માથા તરફ લંબાવીને પગ સીધા લંબાવીને ચત્તા સુઈ જાઓ. અને આરામ કરો.

આ આસનથી પેટ, હાથપગ અને કમરના સ્નાયુ મજબુત થાય છે.

ચક્રાસન ૨

21. Chakrasan 2

ઉપરની સ્થીતીમાં જમીન પર ચત્તા સુતા છો. હવે બંને પગને ઘુંટણ આગળથી વાળી પકડીને વારાફરતી નીતંબ પાસે મુકો. હાથને કોણીમાંથી વાળી હથેળી ખભા પાસે મુકો. શ્વાસ લઈ ધડને જમીનથી અધ્ધર ઉંચકો જેથી શરીરનો આકાર કમાન જેવો થાય. આ આસનની આ સરળ અને સલામત રીત છે. બીજી રીતે બાળકો ગુલાંટ મારીને, આગળથી ઉછળીને આ આસન કરે છે, કેમ કે એમની કરોડ ઘણી સ્થીતીસ્થાપક હોય છે. જો કમર કંઈક સ્થીતીસ્થાપક હોય અને ટટ્ટાર ઉભા રહી પાછળ વાંકા વળતા જઈ બંને હાથને પણ પાછળ લંબાવતા જઈ જમીનને અડીને કમાન જેવો આકાર તમે બનાવી શકતા હો તો એ રીતે પણ ચક્રાસનની સ્થીતી મેળવી શકાય. જો કે મોટી ઉમ્મરે આ આસન એ રીતે ભાગ્યે જ કરી શકાય. વળી શરુઆતમાં આ આસન બહુ મુશ્કેલ લાગશે, કેમ કે હાડકાં બહુ બરડ થઈ ગયાં હોય છે,પરંતુ અભ્યાસ ચાલુ રાખતાં પછીથી કદાચ મુશ્કેલી રહેશે નહીં. વધુ મહાવરો થતાં પગ અને હાથ વચ્ચેનું અંતર ઘટાડી શકાય, જેથી કમર અહીં ચીત્રમાં જુઓ છો તેના કરતાં વધુ ઉંચી થઈ શકે. આમ છતાં આ આસન કરતી વખતે કરોડ, ગરદન અને પેટના સ્નાયુઓને નુકસાન થાય એટલું બધું દબાણ કે ખેંચાણ કરવું નહીં.