સીનીઅર સીટીઝનના પડી જવાના અકસ્માત

સીનીઅર સીટીઝનના પડી જવાના અકસ્માત

(ચંદુભાઈ રડીઆ અને પીયુષભાઈ પરીખનાં સૌજન્યથી – એમની મંજુરી સહીત. ચંદુભાઈના અંગ્રેજી લેખના આધારે)

જેમ ઉંમર વધે તેમ પડી જવાની શક્યતા પણ વધે છે. ખબર ન પડી હોય તેવી કોઈ બીમારી પણ પડી જવાનું કારણ કદાચ હોઈ શકે. ઉમર વધે તેમ પડી જવાથી કેમ બચી શકાય તે જાણવું ખુબ મહત્ત્વનું બને છે. પરદેશોમાં થયેલાં સંશોધનો મુજબ દર વર્ષે લાખો લોકો પડી જાય છે – હા, ખરેખર લાખો લોકો. પડી જનારામાં ૩૦% લોકો ૬૫થી વધુ વય ધરાવતાં હોય છે. ૭૫થી વધુ ઉંમરના લોકોની ટકાવારી એનાથી પણ વધારે હોય છે. વધુ ઉંમરના લોકોમાં મૃત્યુ અને ઈજાનું એક મુખ્ય કારણ પડી જવાના અકસ્માતને ગણવામાં આવે છે. ગત દસ વર્ષમાં મોટી ઉંમરનાં લોકોનાં પડી જવાથી થયેલાં મૃત્યુનું પ્રમાણ ઘણું જ વધ્યું છે. એમાં સ્ત્રીઓ કરતાં પુરુષોનાં મૃત્યુનું પ્રમાણ ૪૦% જેટલું વધુ હોવાનું નોંધાયું છે. મોટી ઉંમરે પડી જનારાં પૈકી ૨૫થી ૩૦% લોકો હાલવા-ચાલવા માટે અસમર્થ થઈ જાય છે અને બીજા પર આધાર રાખવાનો વારો આવે છે.

તો સીનીઅર સીટીઝન પડવાના અકસ્માતોથી બચી શકે તે માટે શું કરવું જોઈએ?

સફળ રીતે અમલમાં મુકવામાં આવેલ એવા કેટલાક ઉપાયો છે, જેના વડે પડી જવાથી બચી શકાય. એમાં સૌથી મહત્ત્વની બાબત છે નીયમીત કસરત. કસરતના અભાવે પગ નબળા પડી જાય છે. એના કારણે પડી જવાની શક્યતા વધી જાય છે. ફરીથી મને ભારપુર્વક કહેવા દોઃ નીયમીત રીતે કસરત કરો. કસરત કરતી વખતે પગને સશક્ત કરવા તરફ અને બેલેન્સ જાળવવા પ્રત્યે ધ્યાનને એકાગ્ર કરો. એમાં ખાસ કરીને તાઈચી બહુ જ અસરકારક માનવામાં આવે છે.

પડી જવાથી બચવામાં નીચેની બાબતો મહત્ત્વની છેઃ

 • સક્રીય રીતે બેલેન્સ જાળવવાની કસરત
 • સ્નાયુઓ મજબુત થાય તેવી કસરત
 • યોગ્ય રીતે ચાલવાનો અભ્યાસ
 • તાઈચી પ્રકારની કસરતો કરનાર ગૃપમાં જોડાવું

આ પૈકી તમને અનુકુળ હોય તે કસરત તમારા આરોગ્ય ચીકીત્સકની કે વ્યાયામ નીષ્ણાતની સલાહ લઈને શરુ કરવી.

તમારાં યુવાન ભાઈબહેન કોઈ હોય તો તે અથવા તમારાં મોટી ઉમરનાં બાળકો તમને પડી જવાથી કેમ બચી શકાય તે અંગે મદદ કરી શકે.

આ ઉપરાંતઃ

 • જો તમે કોઈ દવા પર હો તો કાળજી લેવી, કેમ કે કેટલીક દવા અથવા બે કે તેથી વધુ દવા ભેગી લેવાની હોય ત્યારે એની સાઈડ ઈફેક્ટ ચક્કર આવવાં કે તંદ્રાની હોઈ શકે. એનાથી પડી જવાની શક્યતા ઘણી જ વધી જાય છે. ડોક્ટર કે કેમીસ્ટની આ બાબતમાં અવશ્ય સલાહ લઈ દવામાં જરુરી ફેરફાર કરવો.
 • તમારી આંખને બરાબર સાબુત રાખો. આંખ નબળી હોય તો સલામત રીતે ચાલવાનું સરળ નથી હોતું. વધુ ઉંમરવાળાં લોકોએ દર વર્ષે આંખની તપાસ કરાવવી જોઈએ. જરુર પડે તો યોગ્ય ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ વાપરવા, જેથી ચોખ્ખું જોવામાં કોઈ અડચણ ન રહે.
 • ઘરમાં જ્યાં પડી જવાનાં ભયસ્થાનો હોય તેને દૂર કરો. પડી જવાના અડધા અકસ્માતો ઘરે થતા હોય છે. ઘરમાં જ્યાં જ્યાં એવો ડર હોય તેની તપાસ કરાવી એને દુર કરો કે સુધારો કરાવો. જેમ કે અથડાઈ જવાય તેવું કંઈ હોય, અસ્તવ્યસ્ત સામાન કે પુરતા પ્રકાશનો અભાવ હોય.

હવે ચાલવાની યોગ્ય રીત જોઈએ જેથી સંતુલન જાળવવામાં મદદ મળી શકે.

આપણી ઉંમર જેમ વધે તેમ શારીરીક નબળાઈ તેમ જ સંવેદનશીલતાની નબળાઈ આવતી જાય છે, જેની બેલેન્સ જાળવવા પર અસર પડે છે. જેમ ઉંમર વધે તેમ બેલેન્સ જાળવવું કેમ મુશ્કેલ બને છે અને આપણે પડી જઈએ છીએ તે જોઈએ.

બેલેન્સ જાળવવાની ક્ષમતાનો ટેસ્ટ કરવા માટે તમારે નીચે ચીત્રમાં બતાવ્યા મુજબ એક પગ પર ઉભા રહેવું.

(ચીત્ર ઈન્ટરનેટના સૌજન્યથી)

Standing on One Foot

કેટલા સમય સુધી તમે એક પગ પર ઉભા રહી શકો છો તેના પરથી તમે કેટલી સારી રીતે બેલેન્સ જાળવી શકો છો તે જાણી શકાશે.

ખુલ્લી આંખે ઉભા રહેવાનો સરેરાશ સમય ઉંમર મુજબઃ

૨૦ – ૩૯ વર્ષની ઉંમર                     ૧૧૦ સેકન્ડ

૪૦ – ૪૯  ” ”                         ૬૪ સેકન્ડ

૫૦ – ૫૯  ” ”                         ૩૬ સેકન્ડ

૬૦ – ૬૯  ” ”                          ૨૫ સેકન્ડ

આંખો બંધ કરીને ઉભા રહો તો સરેરાશ સમયઃ

૨૦ – ૩૯ વર્ષની ઉંમર                     ૧૨ સેકન્ડ

૪૦ – ૪૯ ” ”                          ૭ સેકન્ડ

૫૦ – ૫૯ ” ”                          ૫ સેકન્ડ

૬૦ – ૬૯  ” ”  ૩ સેકન્ડથી પણ ઓછો સમય

જો આ સરેરાશ બેલેન્સ સમય કરતાં તમે ઓછા સમય સુધી ઉભા રહી શકતા હો તો પડી જવાના તમારા ચાન્સ વધુ છે.

આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે બેલેન્સ જાળવવાની ક્ષમતામાં ૪૦ વર્ષની ઉંમર પછી એકાએક ઘટાડો થતો જોવા મળે છે. એ ધ્યાન રાખવું જોઈએ કે આ આંકડા સરેરાશ છે. ઘણા લોકો આના કરતાં વધુ સમય સુધી બેલેન્સ જાળવી શકે. તેમ કેટલાયે લોકો આના કરતાં બહુ જ ટુંકા સમય સુધી બેલેન્સ જાળવી શકતા હોય છે. એવું કેમ બને છે તે નીચે સમજાવ્યું છે.

આપણા પગના તળીયામાં સંવેદનશીલ જ્ઞાનતંતુઓ હોય છે. આખા શરીરમાં ચામડી નીચે દબાણના સંવેદનનો અનુભવ કરાવનાર જ્ઞાનતંતુના કોષ હોય છે. કેટલીક જગ્યાએ એની સંખ્યા બહુ જ જુજ હોય છે, ત્યારે અન્ય જગ્યાએ એ હજારોની સંખ્યામાં હોય છે, જેમ કે પગના તળીયામાં. આ જ્ઞાનતંતુઓ બેલેન્સ જાળવવા બાબત મગજને સંદેશો પહોંચાડે છે. જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ આ જ્ઞાનતંતુઓ નબળા પડે છે, અને પગના તળીયાની સંવેદનશીલતા ઘટે છે. જો કે આ ઉપરાંત એવી બીજી બાબતો પણ છે જેનાથી આ જ્ઞાનતંતુ નબળા પડે છે.

લોહીના પરીભ્રમણની નબળાઈઃ અભ્યાસ દરમીયાન જાણવા મળ્યું છે કે લોહીના નબળા પરીભ્રમણને કારણે પડી જવાના કીસ્સા અન્યો કરતાં લગભગ બમણા હોય છે. જેમ કે ૩ મીનીટ સુધી બરફના પાણીમાં પગ રાખવાથી બેલેન્સ જાળવવામાં મુશ્કેલી પેદા થશે, કેમ કે પગના તળીયાના જ્ઞાનતંતુઓ એનાથી અમુક પ્રમાણમાં બહેરા થઈ જાય છે.

ચાલતી વખતે આગળ લંબાવેલા પગ પર ધ્યાન આપો. જો એ પગ કંઈક સાથે અથડાય તો શરીરનું સંતુલન જળવાશે નહીં અને તમે પડી જશો.

એ તો સામાન્ય સમજની વાત છે કે ચાલતી વખતે આંખ ખુલ્લી રાખીને રસ્તા પર જોવાનું હોય છે કે તમે ક્યાં જઈ રહ્યા છો, ક્યાં પગ મુકો છો. પેલી જુની કહેવત યાદ છે ને, “સારવાર કરતાં સાવચેતી બહેતર”, “અધોળ સાવચેતી મણ ઉપાયની ગરજ સારે”, “પગ ઉપાડતાં પહેલાં નજર કરો” વગેરે.

પણ આ ઉપરાંત ચાલતાં ચાલતાં પડી જવાનાં બે અતી મહત્ત્વનાં કારણો પણ છે.

૧. તમે આગળ ડગલું ભરવા ઉપાડેલો પગ નીચે તરફ નમેલો હોય એટલે કે પગનાં આંગળાં જમીન તરફ ઝુકેલાં હોય અને એડી ઉંચી હોય તો પડી જવાની શક્યતા વધી જાય છે. આથી આગળ ઉપાડેલ પગનાં આંગળાં – પંજો ઉપરની તરફ વાળેલો રાખવો. (જુઓ ચીત્રો – ઈન્ટરનેટના સૌજન્યથી)

Front Foot (1)

               Front Foot (2)

૨. તમે કેવી રીતે ડગલાં ભરો છો તેના પર તમારા પડી જવાના ચાન્સીસ ઘણા છે. એનાથી બચવા માટે આગળ ડગલું ભરવા માટે ઉપાડેલો પગ જ્યારે ઘુંટણ ઉપાડીએ ત્યારે જમીનથી થોડો ઉંચકેલો હોવો જોઈએ – ઓછામાં ઓછો ૫ સે.મી. જેટલો. (જુઓ ચીત્ર – ઈન્ટરનેટના સૌજન્યથી)

Front Foot (3)

આ સંવેદનશીલ જ્ઞાનતંતુઓ આખા શરીરમાં બધે જ અને પગના તળીયે આવેલા છે, જે સ્નાયુનાં સંકોચન તથા સાંધાઓના હલનચલનના સંદેશા મગજને પહોંચાડે છે. જ્યારે આ સંદેશા મગજને પુરી

રીતે પહોંચી શકતા નથી, જે ઉંમર વધતાં બને છે, ત્યારે એની હલનચલન પર અસર પડે છે. એમાં નબળાઈ આવે છે અને બરાબર ચાલી શકાતું નથી. પગને જમીનથી પુરેપુરો ઊંચે ઉઠાવવાનું મુશ્કેલ બને છે. પગ જમીન સાથે ઘસાય છે.

પડી જવાથી, ગોથું ખાવાથી કે સરકી પડવાથી કેવી રીતે બચવું?

૧. ઘરને ચોખ્ખું રાખો

ઘરમાં ઘણી બધી વસ્તુઓ હોય અને તે અસ્તવ્યસ્ત ઢગલામાં પડેલી હોય તો તમે પડી જાઓ કે ગબડી પડો. તમારો બધો સરસામાન અને બીજી બીનજરુરી વસ્તુઓ હંમેશાં નડે નહીં તેમ રાખો કે યોગ્ય જગ્યાએ મુકી રાખો. ભલે પછી એ ન્યુઝપેપર, રીમોટ કંન્ટ્રોલ કે લોન્ડ્રી જમીન પર પડેલ કેમ ન હોય. એ બધાંને અડફટમાં ન આવે તેમ વ્યવસ્થીત રાખવાં.

૨. પગને અને ઘુંટણ-ઘુંટીને લંબાવો અને ખેંચતા રહો

તમને કદાચ થતું હશે કે શરીરનાં બીજાં બધાં અંગોની જેમ પગની કસરત કે લાંબાટુંકા કરવાની જરુર નથી હોતી. પણ ખરેખર તો પગને લંબાવીને ખેંચાણ આપવાની કસરત બેલેન્સ જાળવવામાં મદદગાર બને છે.

૩. ઘરને હવા-ઉજાસવાળું અને પુરતું ગરમ રાખો

ઠંડીને લીધે સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓ સારી રીતે કામ કરી શકતા નથી, અને મગજના સીગ્નલોને બરાબર પકડી શકતા નથી. નીચા ટેમ્પરેચરમાં સ્નાયુઓ અશક્ત અને ઓછા સ્થીતીસ્થાપક હોય છે. જેનાથી અકસ્માતની શક્યતા રહે છે.

ઘરને હંમેશાં હુંફાળું રાખો અથવા જરુરી કપડાં અને પગરખાં પહેરો, ખાસ કરીને શીયાળામાં. પડી જવાના મોટા ભાગના બનાવો ઘરમાં થતા હોવાથી ઘરને પુરતાં હવા- ઉજાસવાળું રાખો.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “સીનીઅર સીટીઝનના પડી જવાના અકસ્માત”

 1. pareejat Says:

  મારે માટે આ લેખ બહુ કામનો છે. આ તાઇચી શું હોય?

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  નમસ્તે પારીજાત,
  મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર. તાઈચી એક ચાઈનીઝ માર્શલ આર્ટ છે. અમુક સ્વાસ્થ્ય લાભ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં હાથ-પગની જુદી જુદી ક્રીયા એના હેતુ મુજબ કરવામાં આવે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: