Archive for ડિસેમ્બર, 2015

અખરોટ

ડિસેમ્બર 31, 2015

અખરોટ

(બ્લોગ પર તા. ૩૧-૧૨-૨૦૧૫ )

અખરોટ ખાઓ લાંબું જીવો

સુકો મેવો (ડ્રાય ફ્રુટ) સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકાક હોય છે. ખાસ કરીને લાંબા આયુષ્ય માટે અખરોટ બહુ જ લાભકારક છે. અખરોટમાં બહુ જુજ પ્રમાણમાં ફેટ હોય છે. એક રીસર્ચ પ્રમાણે અખરોટના નીયમીત સેવનથી આયુષ્યમાં પાંચથી દશ વરસનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે, અને કોલેસ્ટરોલ પણ ઘટાડે છે. અખરોટને સલાડમાં, દળીને બીજી વાનગીઓમાં મીક્સ કરીને કે નાસ્તામાં પણ ખાઈ શકાય. અખરોટની સ્પેશ્યલ વાનગીઓ બનાવીને પણ એનો ઉપયોગ થઈ શકે.

અખરોટ ઉપરાંત કાજુ, પીસ્તાં, બદામ જેવા સુકા મેવા પણ એમાં રહેલા ઉત્તમ પ્રકારના પ્રોટીનને કારણે દરરોજ યોગ્ય પ્રમાણમાં ખાવા જોઈએ. ડ્રાય ફ્રુટ ખાઓ અને સ્વસ્થ રહો. પરંતુ યોગ્ય પ્રમાણ એટલે તમારી પ્રકૃતીને માફક આવે તેટલા પ્રમાણમાં જ એનું સેવન કરવું જોઈએ, વધુ પડતું નહીં, અતીરેક કરવો નહીં, નહીંતર લાભને બદલે નુકસાન થવાની શક્યતા છે.

 

 

 

લાઈફ મેમ્બરશીપ સમયે

ડિસેમ્બર 20, 2015

લાઈફ મેમ્બરશીપ સમયે

(બ્લોગ પર તા. ૨૦૧૨૨૦૧૫)

મારા ખાસ મીત્ર મનુભાઈને વેલીંગ્ટન ઈન્ડીયન એસોસીયેશન તરફથી તા. ૧૦૧૦૨૦૦૯ના રોજ લાઈફ મેમ્બરશીપ એનાયત કરવામાં આવી હતી. તે સમયે એમણે જે શબ્દો કહ્યા હતા તે અહીં એમની પરવાનગીથી મેં રજુ કર્યા છે. મનુભાઈએ કહ્યું હતું કે આ મંડળના તેઓ માત્ર એક સામાન્ય સભ્ય જ રહ્યા છે, કદી કોઈ હોદ્દા પર કે કારોબારી કમીટીમાં પણ રહ્યા ન હતા. થોડુંઘણું કામ પત્રીકા માટે ગુજરાતી લખવાનું કામ કર્યું છે, અને વીસેક વર્ષ સુધી બ્રાહ્મણ તરીકે સેવા આપી હતી.

એમણે કહ્યું, “મારે બહુ જ ટુંકમાં કહેવું છે, આથી એ સુત્ર રુપે હશે, અને એના કારણે ગેરસમજ થવાની શક્યતા છે.

ગીતાનું પ્રસીદ્ધ વચન છે: कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।

कर्मण्येव કર્મનો જ (માત્ર કર્મનો) અને मा फलेषु कदाचन ફળનો કદી નહીં. આમ આ બંને જગ્યાએ ભાર મુકવામાં આવ્યો છે.

અધીકાર શબ્દનો અર્થ હક, કાબુ, સત્તા વગેરે ઘણા થાય છે. અહીંના આ સંદર્ભમાં મને લાગે છે કે મુખ્ય અર્થ છે કાબુ. કર્મ વર્તમાનમાં થાય, ફળ ભવીષ્યમાં. વર્તમાન આપણા હાથમાં છે, ભવીષ્ય નહીં. કેમ કે આપણે વર્તમાનમાં છીએ. છતાં આપણું મન, આપણું ધ્યાન કર્મ કરતી વખતે ભવીષ્યમાં જતું રહે છેએના ફળના વીચારોમાં. આથી કર્મમાં ધ્યાન નથી. આનંદની પ્રાપ્તી વર્તમાનમાં થાય, પણ આપણે ભવીષ્યમાં હોઈએ છીએ, આથી આપણે કર્મનો આનંદ મેળવી શકતા નથી. અને કર્મ પણ યોગ્ય રીતે થઈ શકતું નથી. આથી એનું ફળ પણ બગડવાનું. આમ બાવાનાં બેય બગડે એવી સ્થીતી સંભવે છે.

કર્મ એવી રીતે કરો કે એ કરતાં કરતાં જ આનંદની પ્રાપ્તી થાય. પછી બીજા કોઈ બદલાની અપેક્ષા શા માટે? પુજા કરાવતાં એવા તલ્લીન થઈ જઈએ કે એમાંથી જ આનંદની વર્ષા થાય. કંપ્યુટર પર કામ કરતાં કરતાં જ આનંદ મળી રહે. (વેલીંગ્ટન ઈન્ડીયન એસોસીયેશનની પત્રીકા માટે મનુભાઈ ગુજરાતી લખતા તે સંદર્ભમાં કહ્યું છે.) પછી એ કામનો બીજો કોઈ બદલો મળે એવી અપેક્ષા ન રહે, કે એ બદલો મળે ત્યાં સુધી મારો આનંદ મુલતવી ન રહે.

બાળક બોલે અક્ષર પહેલો

ડિસેમ્બર 11, 2015

બાળક બોલે અક્ષર પહેલો

૭૦૭૧ વર્ષ પહેલાં પ્રાથમીક શાળામાં આ કવીતા સાંભળેલી એવું સ્મરણ છે.

બાળક બોલે અક્ષર પહેલો બા બા બા

એ જ અક્ષર સહેલામાં સહેલો બા બા બા

તે સમયમાં મા માટે બા શબ્દનો પ્રયોગ વધુ પ્રચલીત હતો. કોઈ લોકો જો કે મા પણ કહેતાં. મા શબ્દ વાપરનાર માટે મામા કહેવાનું ઘણું સહેલું થઈ પડે. પીતા માટે બાપુજી કહેવાનો રીવાજ હતો. બાપુજી શબ્દ બાળક માટે બહુ સરળ નથી, આથી બાપુજી બોલતાં એ થોડું મોડું શીખતું.

બા શબ્દ બોલાવાનું બાળક માટે બહુ જ સરળ છે. એમાં માત્ર બે હોઠનો જ ઉપયોગ કરવાનો હોય છે અને સહેજ ઉચ્છ્વાસ બહાર કાઢવાનો હોય છે. ‘વ્યંજન અલ્પપ્રાણ છે.

આપણા દેશ પર અંગ્રેજો પહેલાં મુસલમાનોએ કબજો કરેલો. આથી એમની ભાષાના ઘણા શબ્દો ગુજરાતીમાં (અને કદાચ અન્ય ભારતીય ભાષાઓમાં પણ) આવ્યા છે. હવે તો કેટકેટલાયે શબ્દો એ લોકોની ભાષામાંથી આપણી ભાષામાં આત્મસાત થઈ ગયા છે અને આપણને ખ્યાલ પણ નહીં હોય કે એ મુસલમાનોની ભાષામાંથી ગુજરાતીમાં આવેલો શબ્દ છે. પણ આપણે બા અને બાપુજી માટેના શબ્દો એમની પાસેથી લીધા નથી. કોઈ હીન્દુ બાળક બા માટે અમ્મા શબ્દનો પ્રયોગ કરતું નથી, કે બાાપુજી માટે અબ્બા કે અબ્બાજાન શબ્દ વાપરવામાં આવતો નથી.

મુસલમાનો પછી અંગ્રેજો આવ્યા અને એમની ભાષા લાવ્યા. હવે આજે તો બાબાપુજી માટેના અંગ્રેજી શબ્દો આપણા દેશમાં કદાચ બધે જ ખુબ પ્રચલીત થઈ ગયા છે. મારા ખ્યાલ મુજબ બાપુજી માટે પહેલાં પપ્પા શબ્દ વપરાતો. આજે પણ કદાચ કોઈ કોઈ એ વાપરતા હશે. પણ તે સમયે પણ શરુઆતમાં બા શબ્દ ચાલુ રહેલો. પછી પપ્પાનું ડેડ કે ડેડી થયું પણ તે પહેલાં બા મમ્મી થઈ ગયાં હતાં. બા શબ્દ હવે દાદીને મળ્યો છે. કેટલીક વાર દાદી માટે મા શબ્દ પણ સાંભળવા મળે છે. જો કે મેં અહીં દાદી શબ્દ કરતાં એની જગ્યાએ વધુ તો બા કે મા શબ્દો સાંભળ્યા છે.

દાદીની વાત નીકળી તો દાદા બાબત પણ જરા જોઈ લઈએ. આપણા રીવાજ મુજબ બાપુજીના પીતાને દાદા કહેવાય અને માના પીતાને આજા કે કેટલાક લોકો મમાતા (સંસ્કૃત શબ્દ મમાતૃ પરથી) કહેવાય છે. પણ હવે કેટલાક લોકોએ એ ભેદ કાઢી નાખ્યો છે અને દાદા અને આજા બંને માટે માત્ર દાદા શબ્દ જ વાપરે છે. જો કે ડેડ શબ્દ આવવાથી બાપુજી શબ્દ અમુક લોકોએ દાદાને ભેટ ધર્યો છે એમ મારા જોવામાં આવ્યું છે. એનું કારણ કદાચ ડેડ હજુ બાપુજીને બાપુજી જ કહેતા હશે, (ડેડ થોડા જુના સમયના હશે ને?) આથી ગ્રાન્ડ ચીલ્ડ્રન દાદાને ડેડને અનુસરી બાપુજી કહેતાં હોય. વળી દાદી (અને હવે બા કે મા) શબ્દ તો પીતાની મા માટે વપરાતો, પણ હવે કેટલીક જગ્યાએ એ મમ્મીની મા માટે પણ વપરાવા લાગ્યો છે.

કાકા અને કાકી માટે પણ હવે અંગ્રેજી શબ્દનું ચલણ જોવા મળે છે. મોટે ભાગે હવે જુવાનીયાંને આપણે અંકલ અને આન્ટી શબ્દ વાપરતાં સાંભળીએ છીએ. સાસુમા માટે પહેલાં સંબોધન કરતી વેળા તો પુરુષો પણ બા શબ્દ વાપરતા. હવે આન્ટી શબ્દ વપરાય છે. અને સસરા માટે જે બાપુજી શબ્દ હતો તેનું સ્થાન અંકલને મળ્યું છે. પણ અહીં પરદેશમાં આ શબ્દોને બદલે મમ્મીડેડ સાસુસસરા માટે પણ આવી ગયા છે. કદાચ દેશમાં પણ હવે એમ જ હશે? મને એની માહીતી નથી.

અહીં ન્યુઝીલેન્ડમાં બા કે બાપુજીની જે સગાઈ હોય તે જ એમનાં બાળકો પણ સંબોધન માટે વાપરે છે. જેમ કે મારા સાડુભાઈનાં છોકરાંઓનો હું માસાજી થાઉં. આથી એ લોકો મને માસાજી કહે, પણ મારા સાડુભાઈનાં છોકરાંનાં છોકરાં પણ મને માસાજી કહે છે. હવે આપણી ભારતીય સંસ્કૃતી મુજબ સાડુભાઈની છોકરીનાં છોકરાંએ મને આજા કહેવાનો હોય અને સાડુભાઈના છોકરાનાં છોકરાંએ દાદા. પણ આ ભેદ પણ અહીં તો નીકળી ગયો છે. અમારા તરફ દાદા માટે બાપા શબ્દ પ્રચલીત હતો, આજે પણ કદાચ હશે. એ રીતે દાદી માટે બાપી શબ્દનું ચલણ હતું, અને આજે પણ કદાચ ક્યાંક હશે. ખરેખર તો બાપા શબ્દનો અર્થ બાપુજી થાય છે. મારાં સૌથી મોટાં બહેનને એ અર્થમાં બાપા શબ્દ વાપરતાં મેં જોયેલાં. આપણે સામાન્ય રીતે અજાણ્યા પુરુષને, જેની સાથે કોઈ સગાઈ ન હોય તેને પુરુષ હોય તો કાકા કહેવામાં આવે છે, પણ સ્ત્રીને માસી કહેવામાં આવે છે. આપણી સંસ્કૃતીમાં બધા પુરુષો ભાઈ, પણ એમની જ સ્ત્રીને પણ કાકી નહીં કહેવાય, માસી કહેવાય. વળી પુરુષ પરણ્યો હોય કે કુંવારો હોય તો પણ એને કાકા કહેવાયઉંમરના તફાવત અનુસાર, પણ સ્ત્રી પરણેલી હોય તો જ કાકી હોઈ શકે, કુંવારી હોય તો પણ માસી તો હોઈ શકે.

ગામડાંઓમાં આખું ગામ એક કુટુંબ જેવું હોય છે. એમાં ઘનીષ્ટ સગાઈ ન હોય તો પણ પરંપરા મુજબ કાકા કે દાદા કહેવાનું ચાલી આવતું હોય છે. એમાં કેટલીક વાર પોતાનાથી નાની ઉંમરના ભાઈ (અહીં ભાઈ શબ્દ બ્રધરના અર્થમાં નથી, પણ વ્યક્તીના અર્થમાં છે) કાકા થતા હોય એમ બને છે. વળી મોટું કુટુંબ હોય તો સગીબહેનનાં છોકરાંનાં છોકરાં ભાઈનાં છોકરાં કરતાં મોટાં હોય એમ બને અને એ રીતે મામા કરતાં ભાણેજની ઉંમર વધારે હોય છે. મારી બાબતમાં આમ બન્યું છે. મારા ફાધરના ફેમીલીમાં ચાર બહેનો અને ચાર ભાઈઓ હતા. એમાં સૌથી મોટાં મારાં ફોઈ હતાં, અને મારા ફાધરનો નંબર છઠ્ઠો હતો. મારી ફોઈની દીકરીની દીકરી (જે અહીં વેલીંગ્ટનમાં જ હતાં) મારા કરતાં ખાસ્સી મોટી હતી, પણ હું એનો મામો થતો.

પશ્ચીમની સંસ્કૃતીમાં કેટલાક લોકો માબાપને પણ નામ લઈને બોલાવે છે. એ હજુ આપણી સંસ્કૃતીમાં શરુ થયું હોય એમ લાગતું નથી. અહીં કેટલાક લોકો પોતાના બાપ જ્હોનને જ્હોનકહીને બોલાવે છે, કે મમ્મીને વીક્ટોરીઆ કહે છે. આપણે ત્યાં ઈન્ડીયામાં હું ઘણો નાનો હતો ત્યારે એની માને એનું નામ લક્ષ્મી કહેતાં એક છોકરાને સાંભળેલો. પણ એનું કારણ તો એ છોકરાનો બાપ એની પત્નીને નામ દઈને બોલાવતો તે હતું. તે સમયે મોટાભાગે પુરુષો પોતાની પત્નીને નામ લઈને બોલાવતા. પણ પત્ની કદી પોતાના પતીનું નામ લેતી નહીં. બોલાવતી વખતે કે કોઈને વાત કરતી વખતે પોતાના મોટા છોકરાનું નામ લઈ મગનનો બાપએમ કહેતી. કોઈ કોઈ પુરુષો પણ પત્નીનું નામ ન લેતાં અને મગનની માતરકે ઉલ્લેખ કરતા. પતી માટે સ્ત્રીઓ માનવાચક બહુવચન વાપરતી, પણ પુરુષો તો એકવચન જ વાપરતા. હવે એ જમાનો જતો રહ્યો છે. પ્રેમની નીકટતા દર્શાવવા બંને પક્ષે એકવચનનો પ્રયોગ કરવામાં આવે છે.

એક જ વ્યક્તી સાથે બે તરફથી સગાઈ હોય તો પુરુષ સાથે અને સ્ત્રી સાથે જુદી જુદી સગાઈ રાખવામાં આવે છે. પુરુષ સાથે પુરુષ તરફી સગાઈ અને સ્ત્રી સાથે સ્ત્રી તરફી. મારા કીસ્સામાં આ બન્યું છે. મારા ફાધરનાં પહેલાં પત્નીના અવસાન પછી એમણે બીજાં લગ્ન કરેલાં. મારા ફાધરની પહેલી પત્નીની સગી બહેનની દીકરીનાં લગ્ન ફાધરની ચોથી પેઢીના કઝીનના દીકરા જોડે થયેલાં. આમ મારી સાવકી માસીની દીકરી એટલે કે બહેનનાં લગ્ન મારા કાકાના દીકરા ભાઈ જોડે થયેલાં. કાકાના દીકરાને ભાઈ કહેતો, પણ એમની પત્નીને ભાભી નહીં, બહેન કહેતો. તે જ રીતે મારી માને મારા કાકાના દીકરાનાં છોકરાં આજી કહેતાં, દાદી નહીં (મા તરફથી સગાઈ), પણ મને એ છોકરાં કાકા કહેતાં. (પીતા તરફથી સગાઈ). અહીં સ્ત્રી તરફી સગાઈ ઘણી નજીકની છે, અને પુરુષ તરફી સગાઈ થોડી દુરની (ચાર પેઢીનું અંતર) હોવા છતાં સ્ત્રી સાથે પુરુષ તરફી સગાઈને ગણવામાં આવી ન હતી.

વાતરોગ

ડિસેમ્બર 5, 2015

રોગોનો ઉપચાર તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવો. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે, જાતે ઉપચાર કરવા માટે નહીં.

વાતરોગ

(બ્લોગ પર તા. ૧૨૨૦૧૫ )

જે કફ ઘટ્ટ થઈ નાક, ગળા, આંતરડાં અને સાંધામાં ચોંટે છે તેને આમ કહે છે. વાના રોગમાં વાયુવીકાર ઉપરાંત વત્તા કે ઓછા પ્રમાણમાં આ કફ કે આમ પણ હોય છે જ. જ્યારે આમનું પ્રમાણ વધી જાય, શરીરના કોષેકોષમાં ફેલાઈ જાય અને દરેક કોષને બગાડી મુકે ત્યારે આ વ્યાધીને આમવાતકહે છે. વાતવ્યાધીમાં આમ સાથે હોવાથી એ જલદી મટતો નથી હોતો. આથી આ પ્રકારનો કોઈ પણ વ્યાધી મહાવ્યાધી ગણાયછે.

વાતવ્યાધી મટાડવા માટે કોઈ પણ પ્રકારના લોટમાંથી બનાવેલી આહારની ચીજો છોડી દેવી. વાયુ કરનાર પદાર્થો અને ઠંડી ચીજો લેવી નહીં. રોટલા, રોટલી, પુરી જેવી કોઈ પણ ચીજ લેવી નહીં. જ્યાં સુધી રોગમાંથી મુક્તી ન મળે ત્યાં સુધી માત્ર દાળ, ભાત, ખીચડી, શાક ખાવાં, અને દવા લેવી.

આહારમાં તુવેરની દાળ, મગની દાળ, મગ, મગનું પાણી, ચડી અને પસંદ કરેલાં શાક જ લેવાં. શાકમાં સૌથી પ્રથમ પસંદગી વેંગણ, પછી સરગવો, મુળા, મોગરી, સુવાની ભાજી, પાલખ (સ્પીનીચ), મેથીવાળું શાક, મેથીની ભાજી. વળી દુધી, પરવળ, તુરીયાં, ગલકાં પણ થોડા પ્રમાણમાં ચાલે. આમાં પણ જે શાક તમારી પ્રકૃતીને વાયુકારક જણાતાં હોય તે ન લેવાં. બીજાં બધાં શાક બંધ કરવાં. કંદમાં લસણ અને સુરણની છુટ છે. ખાઈ શકાય એ રીતે લસણ ખાાવું. જેમ કે તેલમાં બ્રાઉન થાય તેટલું ગરમ કરીને જમતી વખતે લસણ લઈ શકાય. વાના રોગોનો લસણ શત્રુ છે. આમ છતાં જેમને લસણથી ગરમીની તકલીફ થતી હોય તેમણે એનું પ્રમાણ ઘટાડવું કે પોતાને માફક આવે તેટલું જ લેવું.

બીજી મહત્ત્વની બાબતોમાં દુધ બને તેટલું ઓછું લેવું, ખટાશ અને તળેલી ચીજો બંધ કરવી. વાસી ખોરાક ન ખાવો.

જેમ બને તેમ તેલનો ઉપયોગ કરવો. તેલ ગરમ કરી તેમાં લસણની સાતઆઠ કળી ફોલીને નાખવી. જેમને લસણ વધુ ગરમ પડતું હોય તેમણે આ તેલનો ઉપયોગ કરવો. આ તેલ ખચડીમાં ખાઈ શકાય. તેલ બને ત્યાં સુધી તલનું કે સરસીયું વાપરવું.

મહારાસ્નાદી ક્વાથ સવારે ઉકાળી ગાળીને તેમાં ૫ ગ્રામ સંુઠ નાખી ૧થી ૨ તોલા દીવેલ ઉમેરી પી જવું. સાંજે ફરીથી સવારના કુચામાં પાણી નાખી ઉાકાળી માત્ર સુંઠ નાખીને પીવું, સાંજે દીવેલ ન લેવું.

રોગના પ્રમાણ અનુસાર આ ઉપચાર કરતા રહેવાથી કદાચ એમાંથી છુટકારો મળી શકે.