Archive for માર્ચ, 2016

જીવનની ક્રીકેટ

માર્ચ 31, 2016

જીવનની ક્રીકેટ

બ્લોગ પર તા. ૩૧-૩-૨૦૧૬

તાજેતરમાં રમાયેલી ભારત-બાંગ્લા દેશ વચ્ચેની ટી-૨૦ ક્રીકેટ મેચ બાબત પીયુષભાઈ પરીખ તરફથી સરસ ઈ-મેલ ઉપરના હેડીંગ સાથે અંગ્રેજીમાં મળી છે. એમના સૌજન્યથી મારા બ્લોગ પર ગુજરાતીમાં અનુવાદ -ગાંડાભાઈ.

પીયુષભાઈ કહે છે કે પેલી છેલ્લી વીલક્ષણ ઓવર ખરેખર જીવનનું સત્ય દર્શાવનાર ઓવર હતી. કેવી રીતે તે બતાવું છું.

બાંગ્લાદેશને છેલ્લી ઓવરમાં જીતવા માટે સાત રન જોઈતા હતા. એક અબજ કરતાં વધુ લોકોના જીવ આશા-નીરાશામાં તાળવે ચોંટ્યા હતા.

૧. પંડ્યાએ પહેલા ત્રણ બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા. આ તબક્કે લાગ્યું કે ભારત માટે ખેલ ખલાસ થઈ ગયો. પરંતુ હજુ પણ પંડ્યાએ છેલ્લા ત્રણ બોલ તો રમવાના હતા.

જીવન માટે પહેલો બોધપાઠ:

જ્યાં સુધી તમે અંતે હાર્યા નથી ત્યાં સુધી હારી ગયા એમ માની ન લેવું-ભલે ને હાર તમારી સન્મુખ તાકી રહી હોય.

૨. મુશફકર છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારે છે, અને હવામાં મુક્કા ઉછાળે છે. ૩ બોલમાં માત્ર બે જ રન કરવાના છે. આથી એને લાગ્યું કે એ લોકો જીતી ગયા. બંગાળીઓ ઉછળી ઉછળીને તાળી પાડવા લાગ્યા. ખોટી ધારણા.

જીવન માટે બીજો બોધપાઠ: ભરોસાની ભેંસ પાડો પણ વીયાય, (Don’t count chickens before they hatched) ખરેખરું પરીણામ આવ્યા પહેલાં ગણતરી માંડી ન બેસાય.

૩. છેલ્લા બોલમાં બે રન જીતવા માટે કરવા જરુરી હતા. એક અબજ (બીલીઅન) લોકોના જીવ અધ્ધર હતા. ધોની સાવ શાંત હતો, કોઈ પણ પ્રકારના ભાવ દર્શાવ્યા વીના. છેલ્લાં બોલની ધમાચકડીમાં જ્યારે અબજો લોકોનાં માનસ અસંજસમાં હતાં, ત્યારે ધોનીએ બુદ્ધી વાપરીને રનઆઉટ કરવા બોલ સ્ટમ્પ પર મારવાને બદલે એણે દોડીને બોલ સ્ટમ્પ પર અડાડ્યો. એને પુરી ખાતરી હતી કે એ લોકો જીતી ગયા, છતાં ધોની ઉત્તેજીત થઈ ન તો ઉછળી પડ્યો  ન તો મુક્કા ઉછાળ્યા.

જીવનનો ત્રીજો બોધપાઠ: સ્વસ્થતા અને લાગણીઓ પર કાબુ હોવો એ મન પર કાબુ રાખવાની ચાવી છે. સફળતામાં વધુ પડતા આનંદનો ઉદ્વેગ નહીં અને નીષ્ફળતામાં વધુ પડતું દુખ પણ નહીં.

૪. માત્ર એક જ ચીલાચાલુ નહીં એવો ફટકો અને બાંગ્લાદેશની જીત. છેલ્લી ઓવરમાં એક રન થાય એટલે ટાઈ થાત. કંઈ પણ બની શકત, જેમ શતરંજની રમતમાં ટોસ ઉછાળતી વખતે કશું કહી ન શકાય તેમ.

જીવનનો ચોથો બોધપાઠ: જીવનમાં એકંદરે અણધારેલી ઘટના ઘટતી હોય છે. અંતે તમે અમુકમાં જીત મેળવો છો, તો અમુકમાં હાર મળે છે શતરંજના પાસાની જેમ એ અજ્ઞાત છે. કે કદાચ અજ્ઞેય છે.

આ છે ક્રીકેટ જીવનના ખેલ જેવી.

 

કાવાકાવા પાંદડાં

માર્ચ 24, 2016

કાવાકાવા  પાંદડાં

(બ્લોગ પર તા. ૨૪-૩-૨૦૧૬)

અહીં ન્યુઝીલેન્ડમાં થતી એક વનસ્પતીના વૈદકીય ઉપયોગની જાણકારી મળી છે તેના વીશે માહીતી આપવાનું વીચારું છું.

ફીજીમાં કાવા નામનું પીણુ બનાવીને પીવામાં આવે છે. એ પીણુ કાવાકાવા નામના છોડમાંથી  ફર્મેન્ટેશન કરીને બનાવવામાં આવે છે કેમ તેની મને ખબર નથી. જો કે એને છોડ કહેવો કે વૃક્ષ તે હું નક્કી કરી શકતો નથી, કદાચ એને ઝાડી કહેવું યોગ્ય થશે, કેમ કે છોડ કરતાં એ ઘણા મોટાં થાય છે, લગભગ 2-3 મીટર. પણ ઝાડ કહેવા જેટલાં મોટાં થતાં નથી. વળી એ એકી સાથે ઝુંડમાં ઉગતાં મેં જોયાં છે. એનો સરસ વૈદકીય ઉપયોગ થોડા સમય પહેલાં મને જાણવા મળ્યો છે. પણ એની વીગતો જણાવું તે પહેલાં એક વાત.

અમે ઉનાળામાં અહીં ખાસ કરીને ડુંગરો પર ચાલવા જઈએ છીએ. ત્યાં પુશ્કળ ઝાડી-ઝાંખરાં જોવા મળે છે. એક વાર એક માઓરી બાઈને મેં એક ઝાડીનાં પાંદડાં ભેગાં કરતી જોઈ. હું તો અહીં આપણા ભારતીય લોકો અમારી પહેલાં આવેલા તેમની સરખામણીમાં નવો ગણાઉં. (મને અહીં ૪૧ વર્ષ થયાં હોવા છતાં.) અહીં વર્ષોથી, (કદાચ એમનો જન્મ પણ અહીં થયો હશે) આવેલા એક ભાઈને પુછ્યું કે આ લોકો એટલે કે માઓરી લોકો આ પાંદડાંનું શુ કરતાં હશે? એ ભાઈએ જવાબ આપ્યો, “ટોઈલેટ માટે વાપરે.”

આ પાંદડાંની સરસ સુગંધ હોય છે, અને એના ઉત્તમ વૈદકીય ઉપયોગો છે. એ જોતાં આ જવાબ આપનાર ભાઈ બાબત આપણે શું ધારીએ? કદાચ કોઈ સાવ અબુધ, આછકલો માણસ હશે. ના, અહીંના ભારતીય સમાજમાં આગળ પડતું સ્થાન અને હોદ્દો ધરાવનાર એ માણસ છે. પણ એને ક્યારે શું બોલવું એની કોઈ ગતાગમ હોય એમ લાગતું નથી. તો જ કોઈ આવું બોલી શકે.  સજ્જન હોય તે તો કહે કે ભાઈ મને ખબર નથી. ગમ્મતમાં કહેવું હોય તો પણ કંઈક બીજું કહેવાનું હોય, પણ આવું ગંદુ?!

થોડા વખત પહેલાં જ મારે એક ભાઈને મળવાનું થયું. એમના ફ્રન્ટ યાર્ડના ગાર્ડનમાં આ ઝાડી જેને કાવાકાવા કહે છે તે હતી. એમણે કહ્યું, “મારે એક વાર એક માઓરી ભાઈને મળવાનું થયેલું. એ ઘણા જ યંગ દેખાતા હતા. પણ એમણે કહ્યું કે એમની ઉંમર ઘણી વધુ છે, અને એમના યંગ દેખાવાનું કારણ આ કાવાકાવાનાં પાંદડાં છે. એ કહેતા હતા કે હંમેશાં તેઓ કાવાકાવાનાં પાંદડાં ખાતા રહે છે, અને એના કારણે એમનું સ્વાસ્થ્ય ઘણું સરસ રહે છે.”

અહીં વેલીંગ્ટનમાં મારી સાથે એક ભાઈ ટેબલ ટેનીસ રમે છે. અમે જ્યાં ટેબલ ટેનીસ રમીએ છીએ ત્યાં પણ કાવાકાવાની ઝાડી છે. એમની સાથે કાવાકાવા વીશે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે શરદી થાય ત્યારે કાવાકાવાનાં પાંદડાંનો રસ મધ મેળવીને પીવાથી ખુબ જ ત્વરીત લાભ થાય છે.

Kawa Plant 2       Kawa Plant 1                                                                  ચીત્ર ૧                                           ચીત્ર ૨

 

Kawa Plant 3

ચીત્ર ૩

કાવાકાવાની ઝાડી ઓળખવા માટે મેં એનાં ચીત્રો અહીં મુક્યાં છે. સૌ પ્રથમ એનો ઉગતો છોડ જુઓ. આ છોડ મુળીયાં સહીત ઉખેડીને હું લાવ્યો છું. એમાં થડમાંથી જ બે છોડ સાથે ઉગતા જોવા મળે છે. જેમ એ મોટા થતા જાય તેમ એમાંથી તો ડાળીઓ નીકળે જ છે અને થડમાંથી છેક નીચે જમીન પાસેથી પણ વધુ ને વધુ ડાળી નીકળતી જાય છે. કાવાકાવાને ઓળખવા માટે એનાં પાંદડાંનાં ચીત્રો ઉપયોગી થશે. વધુ સ્પષ્ટ જોવા માટે ચીત્રને મોટું કરીને જુઓ. અહીં વેલીંગ્ટનમાં તો આ ઝાડી ઠેર ઠેર જોવા મળે છે. ન્યુઝીલેન્ડમાં એ દરીયાની નજીકના પ્રદેશમાં આખા ઉત્તર ટાપુમાં (નૉર્થ આઈલેન્ડમાં) અને દક્ષીણ ટાપુના ઉત્તરના ભાગમાં થાય છે.

માઓરી શબ્દ કાવાકાવાનો અર્થ ‘કડવાશ’ જેવો થાય છે. જો કે મને એનાં પાંદડાં ખાવામાં ખાસ કડવાં લાગતાં નથી. કદાચ થોડો કડવો સ્વાદ છે, બહુ નહીં. અમુક છોડ પરનાં પાંદડાં એક જાતનાં પાંખોવાળાં જીવડાંની ઈયળ આરોગે છે અને કાણાં પાડી દે છે. એક ભાઈ કહેતા હતા કે જે પાંદડાં ઈયળે ખાઈને કાણાં પાડેલાં હોય તે વધુ ગુણકારી હોય છે.

એનાં ફુલ ઘણાં જ નાનાં હોય છે, જે સીધી ઉભી જતી નાના કદની દાંડી પર આવે છે. એ એટલાં નાનાં હોય છે કે નરી આંખે જોઈ શકાતાં નથી.

જુઓ ચીત્ર:    Kawa Plant 4    Kawa Plant 5

એમાં નર અને માદા બે પ્રકારના છોડ હોય છે. નર છોડ પર ફળ બેસતાં નથી, માત્ર માદા છોડ પર જ ફળ આવે છે. એ પાકે ત્યારે ફળવાળી નારંગી રંગની નરમ દાંડીમાં બી હોય છે. આ નરમ દાંડી અમુક પક્ષીઓનો બહુ ભાવતો આહાર છે. આ પક્ષીઓ એને ખાઈને કાવાકાવાનાં વૃક્ષોનો ફેલાવો કરે છે.

મારા અનુભવમાં કાવાકાવાનાં પાંદડાં તાસીરે ઘણાં ગરમ છે. મેં એક વાર વધારે પાંદડાં ખાધાં હતાં, તો મોંમાં બળતરાનો અનુભવ એકાદ દીવસ પછી કે કદાચ થોડા કલાકો બાદ થયેલો. હવે હું એકી સાથે એક-બે પાંદડાંથી વધુ લેતો નથી. એ ગરમ હોવાના કારણે જ શરદી પર બહુ અસરકારક છે. મધ પણ ગરમ છે અને મધનો બીજો ગુણ જે ઔષધ સાથે એને લેવામાં આવે તે ઔષધના ગુણોનું એ વહન કરે છે. એ રીતે કાવાકાવાના રસ સાથે મધ મેળવીને લેવાથી શરદી સારી થઈ જાય છે. વળી કાવાકાવાનાં પાંદડાંનો ઉકાળો બનાવીને પણ લઈ શકાય.

આ ઉપરાંત પણ એના બીજા ગુણકારી ઉપયોગો મને ઈન્ટરનેટ પરથી જાણવા મળ્યા છે, જે નીચે મુજબ છે.

 1. એનાં પાંદડાં પાણીમાં નાખી બાષ્પસ્નાન લેવાથી ગોનોરીયા જેવા ગુપ્ત ઈન્દ્રીયના રોગો મટે છે.
 2. કાવાકાવાનાં પાંદડાં ચાવવાથી દાંતનો દુખાવો મટે છે.
 3. પેટમાં દુખતું હોય તો કાવાકાવાનાં પાંદડાં અને છાલનો ઉકાળો પીવો.
 4. મરડાને લીધે ઝાડા થયા હોય તો કાવાકાવાનાં મુળીયાં ચાવવાથી લાભ થાય છે.
 5. સંધીવામાં એની વરાળનો શેક કરવો.
 6. કાવાકાવાનાં પાંદડાંનો ધુમાડો કરવાથી મચ્છરોનો ઉપદ્રવ મટે છે.
 7. કાવાકાવાનાં પાંદડાંનો રસ લોહી શુદ્ધ કરે છે.

અહીં માઓરી લોકો ઘણી જુદી જુદી 200 જેટલી અહીંની મુળ વનસ્પતીઓના વૈદકીય ઉપયોગો જાણે છે. એક નાનો છોડ જેને ‘પુહા’ કહે છે તેને વીશે મેં સાંભળ્યું છે. એનો ભાજી તરીકે એ લોકો ઉપયોગ કરે છે. વર્ષો પહેલાં પુહાનાં પાંદડાં સેન્ડવીચમાં મુકીને ખાઈ શકાય એમ એક ભાઈએ મને કહ્યું હતું.

કેળાં

માર્ચ 20, 2016

કેળાં

(બ્લોગ પર તા. 20-3-2016)

મને અંગ્રેજીમાં મળેલ એક ઈમેલ પરથી ગુજરાતીમાં. એ ઈમેલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે બધાંને આ માહીતીનો લાભ આપો.

કેળાના આરોગ્યપ્રદ દસ લાભ નીચે મુજબ છે.

 1. ધુમ્રપાન છોડવાની ઈચ્છા રાખનારને એમાં મદદ કરે છે.
 2. માનસીક શક્તીમાં વધારો કરે છે.
 3. માસીકના દુખાવામાં રાહત આપે છે.
 4. મચ્છરના કરડવાથી થતા ખંજવાળમાં રાહત આપે છે.
 5. લોહીની અછતમાં લાભ કરે છે.
 6. હાડકાં મજબુત કરે છે.
 7. ડીપ્રેશનમાં રાહત આપે છે.
 8. હૃદયરોગ અને લોહીના ઉંચા દબાણમાં રાહત આપે છે.
 9. કબજીયાત મટાડે છે.
 10. હોજરીના ચાંદામાં રાહત આપે છે.

Banana 1Banana Ten Health Benefits

સારી રીતે પાકી ગયેલું કેળું એટલે પીળી છાલ પર તપખીરીયાં ચાંઠાં પડેલાં હોય તેવું કેળું. એ કેળામાં ટી.એન.એફ. (ટ્યુમર નેક્રોસીસ ફેક્ટર) નામનું રસાયણ પેદા થાય છે. જે શરીરના રોગીષ્ટ કોષોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આવા ઘાઢ ચાંઠાં જેમ વધુ હોય તેમ રોગ સામે રક્ષણ આપવાની એની ક્ષમતા પણ વધુ હોય છે. આથી જેમ કેળું વધારે પાકેલું હોય તેમ કૅન્સર સામે રક્ષણ આપવાની એની શક્તી પણ વધારે હોય છે.

Banana Ripe

 

આરોગ્યદાયક કેળાં:

 1. આંખ: દૃષ્ટીલાભ

રતાંધતા સામે રક્ષણ આપે છે.

 1. હૃદય: લોહીના ઉંચા દબાણ સામે રક્ષણ આપે છે.
 2. જઠર: હોજરીના ચાંદા સામે રક્ષણ આપે છે.
 3. હાડકાં: અસ્થીભંગ સામે રક્ષણ આપે છે.
 4. આંતરડાં: ઝાડા થયા હોય તો તેમાં ગુમાવેલ પ્રવાહીની પુર્તી કરે છે.   કબજીયાત દુર કરે છે.
 5. કીડની: કૅન્સરનું જોખમ ઘટાડે છે.

Banana How It Helps

માનવચક્ષુની અદ્ભુત વાતો

 1. સામાન્ય મનુષ્યની આંખ એક મીનીટમાં 12 વખત પલકારા મારે છે.
 2. આંખમાં 20 લાખથી પણ વધુ કાર્યશીલ પુર્જા હોય છે.
 3. આંખ 576 મેગા પીક્ષલ ધરાવે છે.
 4. માનવશરીરમાં અક્ષીપટલ (કોર્નીઆ) એક માત્ર એવી પેશી છે જેને લોહીની જરુર પડતી નથી.
 5. એ દર કલાકે 36000 માહીતીઓ પર પ્રક્રીયા કરે છે.
 6. માનવઆંખનો ડોળો 28 ગ્રામ વજનનો હોય છે.
 7. ખુલ્લી આંખે છીંક ખાવી શક્ય નથી.
 8. દીવસ દરમીયાન આંખ લગભગ 10,000 વખત પલકારા મારે છે.

ગુજરાતી લખાણ

માર્ચ 18, 2016

ગુજરાતી લખાણ

(બ્લોગ પર તા. ૧૮-૩-૨૦૧૬ )

આજકાલ ગુજરાતી ભાષાના લખાણમાં ઘણી બધી ભુલો જોવામાં આવે છે. જે લોકો સાર્થ જોડણીકોશ મુજબ લખે છે તેમના લખાણમાં પણ હ્રસ્વ-દીર્ઘની ભુલો જોવામાં આવે છે. (હું એક જ ઈ-ઉ વાપરું છું.) એ ઉપરાંત અનુસ્વારની ભુલો, જ્યાં હોવું જોઈએ ત્યાં નથી હોતું અને જ્યાં ન હોવું જોઈએ ત્યાં એને પધરાવવામાં આવ્યું હોય છે.

મારો આશય એક જ ઈ-ઉની ચર્ચા કરવાનો નથી. ઉલટું મને કેટલાક વખત પહેલાં અનુભવ તો એવો થયેલો કે જે ભાઈ ઉંઝા જોડણી વાપરે છે, એના પ્રચારક છે, ગુજરાતીના શીક્ષક હતા, તેમણે જ જ્યારે “કસ્તુરબા માંદા પડ્યા” વાક્યમાં અનુસ્વાર હોવાં જોઈએ એમ મેં કહેલું તો એમણે ટીકા કરેલી, “અનુસ્વાર ન હોય તો કસ્તુરબા માદા નહીં પડે?”

પડે ભાઈ પડે. એટલે કે અર્થ લોકો સમજી જશે, પણ કોણ? જે ગુજરાતીથી પરીચીત હોય તે. તે જાણતા હોય છે કે કસ્તુરબા સ્ત્રીવાચક નામ છે. આથી અનુસ્વાર ન મુક્યાં હોય તો પણ જાણકાર લોકોને કોઈ મુશ્કેલી નહીં હોય. પણ કોઈ બીનગુજરાતી ગુજરાતી શીખતો હોય તેની બાબતમાં શું?

મારી જ વાત કરું. મને બરાબર યાદ છે. હું ઘણો નાનો હતો ત્યારે વિનોબા ભાવેનું નામ છાપામાં વાંચવામાં આવેલું. મને તે વખતે એમ લાગેલું કે વિનોબા કોઈ સ્ત્રી હશે-પાછળ લાગતા ‘બા’ને કારણે. (કસ્તુરબાની જેમ જ.) હવે જો અનુસ્વાર વીના કોઈ વાક્ય હોય “વિનોબા અહીં આવ્યા હતા.” તો ખબર પડે કે વિનોબા પુરુષ છે. પણ જો અનુસ્વાર મુક્યાં હોય તો? “વિનોબા અહીં આવ્યાં હતાં.” એટલે વિનોબા કોઈ સ્ત્રી હોવાં જોઈએ એમ ફલીત થાય.

ગુજરાતી લેક્સીકોન હાથવગુ (ખરેખર કંપ્યુટરવગુ? કે હવે તો બધાં જ ઓનલાઈન વીજાણુ સાધનવગુ) કરી આપનાર સહુનો અને ખાસ કરીને રતિલાલ ચંદરિયાનો ખુબ ખુબ આભાર. છતાં ખોટી જોડણી લોકો કેમ કરવાનું ચાલુ રાખે છે એ આશ્ચર્યજનક છે. પછી તમે એક જ ઈ-ઉ વાપરતા હો કે સાર્થ જોડણીકોશ મુજબની જોડણીનો ઉપયોગ કરતા હો. હા, તમારી જોડણી બાબત તમને શંકા થવી જરુરી છે, તો જ તમે સાચી જોડણી શું હશે તે જોવાનું વીચારશો ને?

પણ આજે તો ગુજરાતી લખનારાઓની બેદરકારી બહુ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખુબ પ્રસીદ્ધ લેખકોના લખાણમાં પણ પાર વગરની ભુલો જોવામાં આવે છે. વળી કેટલાક લોકો તો કહે છે કે ભાઈ, ગુજરાતી ભાષાને ચાલુ રાખવી હોય, વધુ ને વધુ લોકો એને વાપરતા રહે એમ ઈચ્છતા હો તો એની શુદ્ધતાની વેવલાઈ કરવાનું જવા દો. અર્થ સમજાવો જોઈએ.

હું કાળજી રાખું છું, અને મને સાચી જોડણી કરી હોય તે ગમે છે, તે પછી ઉંઝા જોડણી હોય કે એથી પણ વધુ સરળ બનાવેલી હોય. છતાં હું કબુલ કરું છું કે મારા લખાણોમાં પણ ભુલો રહી જાય છે, એકથી વધુ વખત તપાસવા છતાં. પણ લોકો કદાચ થોડી કાળજી રાખે એમ માની આ લખ્યું છે.

ધાર્મીકતા-એક પ્રસંગ

માર્ચ 6, 2016

ધાર્મીકતા-એક પ્રસંગ

આજની આ બીજી પોસ્ટ પહેલી પોસ્ટ “ઉતાવળો અભીપ્રાય” સાથે કંઈક સંબંધ ધરાવે છે. અહીં પણ ઉતાવળો અભીપ્રાય જોવા મળે છે.

મારા એક મીત્ર ગીરીશભાઈએ એમના જીવનમાં બનેલી એક ઘટના વીશે કેટલાક સમય પહેલાં મને વાત કરી હતી. ગીરીશભાઈ પણ ન્યુઝીલેન્ડમાં જ રહે છે, પણ એમની આઈડેન્ટીટી ગુપ્ત રાખવા માટે મેં નામ બદલ્યાં છે. પ્રસંગ ગીરીશભાઈના જ શબ્દોમાં વર્ણવું છું.

મારા એક ઑપરેશન વખતે હોસ્પીટલ જવાનું થયું. વેઈટીંગ રુમમાં દાખલ થયાં ત્યારે એમાં બીજાં કેટલાંક લોકો પણ બેઠાં હતાં. મારી સાથે મારી પત્ની અને દીકરી પણ હતાં. રુમમાં દાખલ થયા પછી બેસવા માટે ડાબી બાજુની દીવાલ પાસે ત્રણચાર સીટ ખાલી હતી. શરુઆતની એ તરફની સીટ પર ત્રણ શ્વેત લોકો બેઠાં હતાં, જેમાં એક દર્દી બહેન આશરે ૨૦ની આસપાસની, એક ભાઈ લગભગ ૧૮-૧૯ની ઉંમરનો અને બીજાં બહેન આધેડ વયનાં હતાં. કદાચ એ એમનાં મમ્મી હશે.

દર્દી બહેનના પગ પર પાટો હતો. કદાચ એને એ પગનું ઑપરેશન કરવાનું હશે. એ બહેન વ્હીલચેરમાં બેઠાં હતાં. એણે પાટાવાળો પગ બીજી ખુરસી પર રાખ્યો હતો, કદાચ એ પગ એનાથી ફ્લોર પર રાખી શકાતો નહીં હોય-દુખાવાને કારણે.

એ લોકોની પછીની સીટ પર અમે બેઠાં ત્યાર બાદ મારી પત્નીનું કહેવું હતું કે પેલી શ્વેત દર્દી યુવતી એના તરફ જોયા કરતી હતી. મારી પત્ની સાડી પહેરે છે. અહીં હવે સાડી પહેરેલાં બહેનો બહુ જ ઓછાં જોવા મળે છે. પણ મારી પત્નીને એ યુવતીનું જોયા કરવાનું કારણ એવું લાગ્યું કે એને ઈન્ડીયન ગમતાં નથી. થોડી વાર પછી એ લોકો જગ્યા બદલીને એક ખુણામાં ત્રણ ખુરસી ખાલી હતી ત્યાં ખસી ગયાં. ત્યાં પણ પગ મુકવા માટે બીજી ખુરસી પેલા તરુણે લાવી આપી.

મારી પત્ની કહે કે એ યુવતી રેસીસ્ટ હતી આથી એ લોકો આપણી બાજુમાંથી ખસી ગયાં. એનો સ્વભાવ એવો હોવાને કારણે જ એનો પગ ભાંગ્યો હશે. એ એ જ લાગની છે.

મારી પત્ની ધાર્મીક છે, લોકો જે અર્થમાં ધર્મ સમજે છે તે અર્થમાં. દરરોજ ભગવાનના ફોટા આગળ દીવો કરે છે, પ્રાર્થના કરે છે. હીન્દુ ધર્મની ઘણી બધી માન્યતાઓનું પાલન કરે છે. પ્રાર્થનામાં “સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો….” પણ ગાતાં મેં એને સાંભળી છે. આથી મેં એને કહ્યું, “તું આવી પ્રાર્થના કરે છે, તો આ યુવતી રેસીસ્ટ હોવાને કારણે એનો પગ ભાંગ્યો તે બરાબર જ છે, એ એજ લાગની છે એમ કેવી રીતે કહી શકે? ‘સર્વથા સૌ સુખી થાઓ’ એમ કહીએ એમાં સૌ એટલે બધાં જ આવી જાય. તારા જેવાં ધાર્મીક હોય તે જ સુખી થાય એમ તું માને છે? સૌમાં તો સજ્જન, દુર્જન, દુષ્ટ, પુણ્યાત્મા, પાપી બધાં જ. બધાં જ સુખી થાય એમ એક તરફ પ્રાર્થના કરે અને પાછાં અમુક લોક દુખ ભોગવે તે બરાબર જ છે એમ કહેવું એ તો વીરોધાભાસ થયો.”

આનો એની પાસે જવાબ ન હતો.

ગીરીશભાઈ કહે છે મને તો એમ લાગ્યું હતું કે એ લોકો પેલા ખુણામાં એટલા માટે ગયાં હતાં, જેથી બીજાં લોકોને અડચણ ન પડે – પેલાં દર્દી બહેને બીજી ખુરસી પર પગ મુકવો પડતો હતો એને કારણે. એ ખુણા તરફ આ વેઈટીંગ રુમમાં આવનારને જવાની જરુર પડવાની ન હતી. એ તરફ ખુણામાં બીજી કોઈ ખાલી ખુરસી બાકી રહેતી ન હતી. વળી કેટલો સમય વેઈટીંગ રુમમાં રોકાવું પડે તે નીશ્ચીત ન હતું.

આપણું મન જ આપણા સુખદુખનું કારણ હોય છે. એ લોકોના એ ખુણામાં ખસી જવાથી ગીરીશભાઈ કહે છે કે એ રુમમાંની પરીસ્થીતી જોતાં એમને તો કશું ખરાબ નહીં પણ સારું જ લાગ્યું હતું. બીજા લોકો વીષે જાણ્યા વીના કશું માની લેવું ન જોઈએ.

ઉતાવળો અભીપ્રાય

માર્ચ 6, 2016

ઉતાવળો અભીપ્રાય

બ્લોગ પર તા. ૬-૩-૨૦૧૬

આજે એકબીજા સાથે સંબંધીત બે પોસ્ટ મુકી રહ્યો છું. એમાંની આ પહેલી છે. બંને સત્ય ઘટના છે.

પીયુષભાઈના ઈમેલમાંથી મળેલું. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં -ગાંડાભાઈ.

એક પ્રવાસી શીપને દરીયામાં અકસ્માત નડ્યો. એમાં એક કપલ પ્રવાસ કરી રહ્યું હતું. જેવાં તે બંને બચવા બોટ પાસે પહોંચ્યાં તો જોયું કે એમાં માત્ર એક જ જણ જઈ શકે તેમ હતું. પેલો પુરુષ તરત જ પોતાની પત્નીને પાછળ ધકેલી દઈ પોતે બોટમાં ધસી ગયો. એની પત્ની ડુબતા વહાણમાં ઉભી રહી ગઈ, અને પોતાના પતીને મોટા અવાજે એક જ વાક્ય કહ્યું.

શીક્ષીકા વાત આગળ વધારતાં પહેલાં અટકી. એણે પુછ્યું, “તમને શું લાગે છે બાળકો, પેલી સ્ત્રી શું બોલી હશે?”

મોટા ભાગના વીદ્યાર્થીઓએ ઉશ્કેરાઈને કહ્યું, “હું તને ધીક્કારું છું, હું અંધ હતી.”

પણ શીક્ષીકાએ જોયું કે એક છોકરો આખા સમય દરમીયાન સાવ શાંત હતો. શીક્ષીકાએ તેને પુછ્યું, “તારો જવાબ શું છે?”

તેણે કહ્યું, “બહેન, મને લાગે છે કે એની પત્નીએ મોટેથી કહ્યું હશે – આપણા બાળકની સારી સંભાળ લેજે.”

શીક્ષીકાને આશ્ચર્ય થયું. પુછ્યું, “તેં આ વાત પહેલાં સાંભળી છે?”

છોકરો માથું ધુણાવી કહે છે, “ના, પણ આ મતલબનું જ મારી મમ્મી જ્યારે જીવલેણ વ્યાધીને કારણે અવસાન પામી ત્યારે તેણે મારા ડૅડીને કહ્યું હતું.”

બહેને કહ્યું, “તારો જવાબ સાચો છે.”

શીપ ડુબી ગયું. પેલો માણસ ઘરે ગયો, અને તેમની દીકરીને તેણે એકલપંડે બાપ ઉપરાંત માની પણ જવાબદારી નીભાવીને ઉછેરી.

ઘણાં વર્ષો પછી એ માણસના અવસાન બાદ એની દીકરીને ડૅડીની ડાયરી મળી. દીકરીને ત્યારે ખબર પડી કે શીપમાં એ લોકો ગયાં તે પહેલાં એની માને જીવલેણ બીમારી લાગુ પડી હતી. અણીના સમયે એ માણસે ત્વરીત નીર્ણય લીધો અને એક માત્ર બચવાની તક ઝડપી લઈ બોટમાં કુદી પડ્યો.

એની ડાયરીમાં લખ્યું હતું, “તારા સંગાથે દરીયાના પેટાળમાં કાયમ માટે સુઈ રહેવાનો નીર્ણય હું શી રીતે લઈ શકું? હું તો એ જ પસંદ કરત, પણ આપણી દીકરીનું શું? હું માત્ર તને એકલીને જ કાયમ માટે દરીયાના પેટાળમાં જવા દઈ શકું.”

વાત પુરી થઈ. વર્ગ મુંગોમંતર.

શીક્ષીકાને ખાતરી હતી કે બધાં છોકરાં વાર્તાનો બોધ પામી ગયાં હતાં. દુનીયામાં ભલાઈ અને બુરાઈ છે, પણ આપણે ધારીએ તેવું એ સાદુસીધું નથી હોતું, બહુ પેચીદું હોય છે, જે સમજવું બહુ મુશ્કેલ છે. આથી જ આપણે કદી ઉપર ઉપરથી, પુરી વીગતો જાણ્યા વીના, માણસોને સમજ્યા વીના અભીપ્રાય બાંધી લેવો ન જોઈએ.