કાવાકાવા પાંદડાં

કાવાકાવા  પાંદડાં

(બ્લોગ પર તા. ૨૪-૩-૨૦૧૬)

અહીં ન્યુઝીલેન્ડમાં થતી એક વનસ્પતીના વૈદકીય ઉપયોગની જાણકારી મળી છે તેના વીશે માહીતી આપવાનું વીચારું છું.

ફીજીમાં કાવા નામનું પીણુ બનાવીને પીવામાં આવે છે. એ પીણુ કાવાકાવા નામના છોડમાંથી  ફર્મેન્ટેશન કરીને બનાવવામાં આવે છે કેમ તેની મને ખબર નથી. જો કે એને છોડ કહેવો કે વૃક્ષ તે હું નક્કી કરી શકતો નથી, કદાચ એને ઝાડી કહેવું યોગ્ય થશે, કેમ કે છોડ કરતાં એ ઘણા મોટાં થાય છે, લગભગ 2-3 મીટર. પણ ઝાડ કહેવા જેટલાં મોટાં થતાં નથી. વળી એ એકી સાથે ઝુંડમાં ઉગતાં મેં જોયાં છે. એનો સરસ વૈદકીય ઉપયોગ થોડા સમય પહેલાં મને જાણવા મળ્યો છે. પણ એની વીગતો જણાવું તે પહેલાં એક વાત.

અમે ઉનાળામાં અહીં ખાસ કરીને ડુંગરો પર ચાલવા જઈએ છીએ. ત્યાં પુશ્કળ ઝાડી-ઝાંખરાં જોવા મળે છે. એક વાર એક માઓરી બાઈને મેં એક ઝાડીનાં પાંદડાં ભેગાં કરતી જોઈ. હું તો અહીં આપણા ભારતીય લોકો અમારી પહેલાં આવેલા તેમની સરખામણીમાં નવો ગણાઉં. (મને અહીં ૪૧ વર્ષ થયાં હોવા છતાં.) અહીં વર્ષોથી, (કદાચ એમનો જન્મ પણ અહીં થયો હશે) આવેલા એક ભાઈને પુછ્યું કે આ લોકો એટલે કે માઓરી લોકો આ પાંદડાંનું શુ કરતાં હશે? એ ભાઈએ જવાબ આપ્યો, “ટોઈલેટ માટે વાપરે.”

આ પાંદડાંની સરસ સુગંધ હોય છે, અને એના ઉત્તમ વૈદકીય ઉપયોગો છે. એ જોતાં આ જવાબ આપનાર ભાઈ બાબત આપણે શું ધારીએ? કદાચ કોઈ સાવ અબુધ, આછકલો માણસ હશે. ના, અહીંના ભારતીય સમાજમાં આગળ પડતું સ્થાન અને હોદ્દો ધરાવનાર એ માણસ છે. પણ એને ક્યારે શું બોલવું એની કોઈ ગતાગમ હોય એમ લાગતું નથી. તો જ કોઈ આવું બોલી શકે.  સજ્જન હોય તે તો કહે કે ભાઈ મને ખબર નથી. ગમ્મતમાં કહેવું હોય તો પણ કંઈક બીજું કહેવાનું હોય, પણ આવું ગંદુ?!

થોડા વખત પહેલાં જ મારે એક ભાઈને મળવાનું થયું. એમના ફ્રન્ટ યાર્ડના ગાર્ડનમાં આ ઝાડી જેને કાવાકાવા કહે છે તે હતી. એમણે કહ્યું, “મારે એક વાર એક માઓરી ભાઈને મળવાનું થયેલું. એ ઘણા જ યંગ દેખાતા હતા. પણ એમણે કહ્યું કે એમની ઉંમર ઘણી વધુ છે, અને એમના યંગ દેખાવાનું કારણ આ કાવાકાવાનાં પાંદડાં છે. એ કહેતા હતા કે હંમેશાં તેઓ કાવાકાવાનાં પાંદડાં ખાતા રહે છે, અને એના કારણે એમનું સ્વાસ્થ્ય ઘણું સરસ રહે છે.”

અહીં વેલીંગ્ટનમાં મારી સાથે એક ભાઈ ટેબલ ટેનીસ રમે છે. અમે જ્યાં ટેબલ ટેનીસ રમીએ છીએ ત્યાં પણ કાવાકાવાની ઝાડી છે. એમની સાથે કાવાકાવા વીશે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે શરદી થાય ત્યારે કાવાકાવાનાં પાંદડાંનો રસ મધ મેળવીને પીવાથી ખુબ જ ત્વરીત લાભ થાય છે.

Kawa Plant 2       Kawa Plant 1                                                                  ચીત્ર ૧                                           ચીત્ર ૨

 

Kawa Plant 3

ચીત્ર ૩

કાવાકાવાની ઝાડી ઓળખવા માટે મેં એનાં ચીત્રો અહીં મુક્યાં છે. સૌ પ્રથમ એનો ઉગતો છોડ જુઓ. આ છોડ મુળીયાં સહીત ઉખેડીને હું લાવ્યો છું. એમાં થડમાંથી જ બે છોડ સાથે ઉગતા જોવા મળે છે. જેમ એ મોટા થતા જાય તેમ એમાંથી તો ડાળીઓ નીકળે જ છે અને થડમાંથી છેક નીચે જમીન પાસેથી પણ વધુ ને વધુ ડાળી નીકળતી જાય છે. કાવાકાવાને ઓળખવા માટે એનાં પાંદડાંનાં ચીત્રો ઉપયોગી થશે. વધુ સ્પષ્ટ જોવા માટે ચીત્રને મોટું કરીને જુઓ. અહીં વેલીંગ્ટનમાં તો આ ઝાડી ઠેર ઠેર જોવા મળે છે. ન્યુઝીલેન્ડમાં એ દરીયાની નજીકના પ્રદેશમાં આખા ઉત્તર ટાપુમાં (નૉર્થ આઈલેન્ડમાં) અને દક્ષીણ ટાપુના ઉત્તરના ભાગમાં થાય છે.

માઓરી શબ્દ કાવાકાવાનો અર્થ ‘કડવાશ’ જેવો થાય છે. જો કે મને એનાં પાંદડાં ખાવામાં ખાસ કડવાં લાગતાં નથી. કદાચ થોડો કડવો સ્વાદ છે, બહુ નહીં. અમુક છોડ પરનાં પાંદડાં એક જાતનાં પાંખોવાળાં જીવડાંની ઈયળ આરોગે છે અને કાણાં પાડી દે છે. એક ભાઈ કહેતા હતા કે જે પાંદડાં ઈયળે ખાઈને કાણાં પાડેલાં હોય તે વધુ ગુણકારી હોય છે.

એનાં ફુલ ઘણાં જ નાનાં હોય છે, જે સીધી ઉભી જતી નાના કદની દાંડી પર આવે છે. એ એટલાં નાનાં હોય છે કે નરી આંખે જોઈ શકાતાં નથી.

જુઓ ચીત્ર:    Kawa Plant 4    Kawa Plant 5

એમાં નર અને માદા બે પ્રકારના છોડ હોય છે. નર છોડ પર ફળ બેસતાં નથી, માત્ર માદા છોડ પર જ ફળ આવે છે. એ પાકે ત્યારે ફળવાળી નારંગી રંગની નરમ દાંડીમાં બી હોય છે. આ નરમ દાંડી અમુક પક્ષીઓનો બહુ ભાવતો આહાર છે. આ પક્ષીઓ એને ખાઈને કાવાકાવાનાં વૃક્ષોનો ફેલાવો કરે છે.

મારા અનુભવમાં કાવાકાવાનાં પાંદડાં તાસીરે ઘણાં ગરમ છે. મેં એક વાર વધારે પાંદડાં ખાધાં હતાં, તો મોંમાં બળતરાનો અનુભવ એકાદ દીવસ પછી કે કદાચ થોડા કલાકો બાદ થયેલો. હવે હું એકી સાથે એક-બે પાંદડાંથી વધુ લેતો નથી. એ ગરમ હોવાના કારણે જ શરદી પર બહુ અસરકારક છે. મધ પણ ગરમ છે અને મધનો બીજો ગુણ જે ઔષધ સાથે એને લેવામાં આવે તે ઔષધના ગુણોનું એ વહન કરે છે. એ રીતે કાવાકાવાના રસ સાથે મધ મેળવીને લેવાથી શરદી સારી થઈ જાય છે. વળી કાવાકાવાનાં પાંદડાંનો ઉકાળો બનાવીને પણ લઈ શકાય.

આ ઉપરાંત પણ એના બીજા ગુણકારી ઉપયોગો મને ઈન્ટરનેટ પરથી જાણવા મળ્યા છે, જે નીચે મુજબ છે.

  1. એનાં પાંદડાં પાણીમાં નાખી બાષ્પસ્નાન લેવાથી ગોનોરીયા જેવા ગુપ્ત ઈન્દ્રીયના રોગો મટે છે.
  2. કાવાકાવાનાં પાંદડાં ચાવવાથી દાંતનો દુખાવો મટે છે.
  3. પેટમાં દુખતું હોય તો કાવાકાવાનાં પાંદડાં અને છાલનો ઉકાળો પીવો.
  4. મરડાને લીધે ઝાડા થયા હોય તો કાવાકાવાનાં મુળીયાં ચાવવાથી લાભ થાય છે.
  5. સંધીવામાં એની વરાળનો શેક કરવો.
  6. કાવાકાવાનાં પાંદડાંનો ધુમાડો કરવાથી મચ્છરોનો ઉપદ્રવ મટે છે.
  7. કાવાકાવાનાં પાંદડાંનો રસ લોહી શુદ્ધ કરે છે.

અહીં માઓરી લોકો ઘણી જુદી જુદી 200 જેટલી અહીંની મુળ વનસ્પતીઓના વૈદકીય ઉપયોગો જાણે છે. એક નાનો છોડ જેને ‘પુહા’ કહે છે તેને વીશે મેં સાંભળ્યું છે. એનો ભાજી તરીકે એ લોકો ઉપયોગ કરે છે. વર્ષો પહેલાં પુહાનાં પાંદડાં સેન્ડવીચમાં મુકીને ખાઈ શકાય એમ એક ભાઈએ મને કહ્યું હતું.

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: