Archive for એપ્રિલ, 2016

પરીવર્તન અને દુખ

એપ્રિલ 20, 2016

પરીવર્તન અને દુખ

(બ્લોગ પર તા. ૨૦-૪-૨૦૧૬ )

જો તમને કંઈક ન ગમતું હોય તો એને બદલી નાખો. જો તમે એને બદલી ન શકો તો તમારો અભીગમ બદલી લો. (તમારામાં બદલાવ લાવો, તમે બદલાઈ જાઓ.)– માયા એન્જેલો

આપણા દુખનું કારણ આપણે પરીવર્તનનો વીરોધ કરીએ છીએ તે છે. પણ જીવનનો અર્થ જ તો છે સતત પરીવર્તન. જીવનમાં તો હંમેશ બધું બદલાતું જ રહે છે, માત્ર મૃત્યુ સ્થીર હોય છે, અપરીવર્તનશીલ હોય છે. પરીવર્તનનો અસ્વીકાર કરવાથી દુખ પેદા થાય છે. આપણે અનુકુલન શીખવું જોઈએ. થોડી બાંધછોડ કરતાં શીખવું જોઈએ. એક વાત સમજી લેવી જોઈએ કે બધું જ પરીવર્તનશીલ છે. અને એ સારું છે. જરા વીચાર કરોને. જો જીવનમાં કશું બદલાતું જ ન હોય, બધું જ જેમનું તેમ રહેતું હોય તો શું થાય!!

સામાન્ય રીતે આપણને લાગે છે કે પરીવર્તન બાબત આપણી પાસે બે વીકલ્પ છે. આપણે ક્યાં તો નકારાત્મક વલણ લઈએ અથવા હકારાત્મક. એટલે કે કોઈ પરીવર્તન આપણને ગમે અને કોઈ ન ગમે, પણ ત્રીજો એક વીકલ્પ પણ છે, અને તે છે પરીવર્તનની વાસ્તવીકતાનો સ્વીકાર. એટલે કે કોઈ પ્રતીભાવ નહીં, રીએક્શન નહીં. સતત પરીવર્તન પામતા જીવનના સંજોગોનો સ્વીકાર કરતાં જ એ આપણા વીકાસ અને વૃદ્ધીમાં સહાયક બને છે. પછી એ પરીવર્તન કોઈ પણ પ્રકારનું ભલે ને હોય.

ડાયાબીટીસ-વધુ વીચાર

એપ્રિલ 12, 2016

ડાયાબીટીસ-વધુ વીચાર

(બ્લોગ પર તા. ૧૨-૪-૨૦૧૬)

આ વીગતો શૈક્ષણીક હેતુસર માહીતી માટે આપવામાં આવે છે, વાંચીને પોતાની મેળે ઉપચાર કરવા માટે નહીં.

ભાઈ શ્રી પીયુશભાઈ તરફથી મળેલ એક ઈમેલમાં આયુર્વેદ અંગે સ્વામીનારાયણ સંપ્રદાયના ઋષિજીવન સ્વામીના વાર્તાલાપના આધારે આ માહીતી આપવામાં આવી છે. લેખ મેં મારા શબ્દોમાં તૈયાર કર્યો છે, સ્વામીજીની ભાષામાં નહીં, અને ટુંકાવ્યો છે. સ્વામીજીએ તો હરડે, સુંઠ અને મરીને બહુ જ ભારપુર્વકના શબ્દોમાં જડીબુટ્ટી તરીકે વર્ણવ્યાં છે. મેં એવો ભાર મુક્યો નથી. એમાં જણાવેલ ઉપચારો પોતાની પ્રકૃતીનો ખ્યાલ કરીને અને પોતાના સ્વાસ્થ્ય માર્ગદર્શકને અનુસરીને કરવા. કેટલીક માહીતી સાથે કદાચ બધા સંમત ન પણ થાય, અને મારા માટે પણ અમુક બાબતો તદ્દન નવી છે. એનો કોઈ પ્રયોગ મેં કર્યો નથી, આથી એની અસરકારકતા અંગે હું કશું કહી ન શકું.

 

આયુર્વેદ મુજબ આપણા શરીરમાં વાત, પીત્ત અને કફ આ ત્રણ તત્ત્વો રહેલાં છે. એમાં આપણા આહાર–વીહાર મુજબ ફેરફાર થતા રહે છે, આપણા આહાર-વીહારની એના પર અસર થાય છે. વાત વધે તો રોગ થાય, વાત ઘટે તો પણ રોગ થાય, એ જ રીતે પીત્ત વધે તો રોગ થાય અને ઘટે તો રોગ થાય, અને કફ વધે તો શરીર રોગીષ્ટ બને અને ઘટે તો પણ રોગ લાવે. એટલે કે વાત, પીત્ત અને કફ સમ હોય તો શરીર નીરોગી રહે. વાયુવીકારથી એટલે કે વધવાથી કે ઘટવાથી ૮૦ પ્રકારના રોગો થાય છે, પીત્તના કારણે ૪૦ જાતના રોગો થાય છે અને કફના લીધે ૨૦ પ્રકારના રોગો શરીરમાં પ્રવેશે છે. આ ત્રણમાં વાયુ સૌથી વધુ તોફાન શરીરમાં મચાવે છે.

 

સ્વામી ઋષિજીવન કહે છે કે ડાયાબીટીસનું એલોપથીના ડૉક્ટરો જે નીદાન કરે છે તે ૯૫% ખોટું જ હોય છે. આયુર્વેદમાં ડાયાબીટીસને મધુપ્રમેહ કહેવામાં આવે છે. આ રોગ પહેલાંના વખતમાં રાજા-મહારાજાઓ હતા તેમને થતો, કેમ કે તેઓ વીષયભોગમાં પડેલા રહેતા, મીષ્ટાન્ન અને અન્ય ભારે આહાર વધુ પ્રમણમાં લેતા, અને શારીરીક શ્રમ હતો જ નહીં. વળી ખરેખર જેને ડાયાબીટીસ થયો હોય તે છ માસથી વધારે જીવી શકે જ નહીં એમ સ્વામી ઋષિજીવનનું કહેવું છે. તો પછી આ ડૉક્ટરો જેને ડાયાબીટીસ કહે છે તે છે શું?

 

જે આહાર આપણે લીધો હોય તેનું યોગ્ય પાચન ન થાય તો એનો કાચો રસ બને છે, જેને આયુર્વેદમાં આમ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે પચેલો આહાર લોહીમાં ભળીને શરીરનાં અંગોને પોષણ આપે છે. આ કાચો આહાર-આમ લોહીમાં ભળે છે એને આ ડૉક્ટરો ડાયાબીટીસ તરીકે નીદાન કરે છે, એમ સ્વામીજી કહે છે. આથી ડૉક્ટરે જેમને ડાયાબીટીસ કહ્યો હોય તે લોકો જો મુખ્ય ભોજનના એક કલાક પહેલાં એક ચમચો સુંઠ પાણી સાથે લે તો કાચા આમનું પાચન થઈ જશે અને ડાયાબીટીસ જતો રહેશે. જો કોઈ વાર સંજોગવશાત્ એક કલાક પહેલાં સુંઠ લઈ ન શકાય, તરત જ ક્યાંક જવાનું હોય તો અપવાદ તરીકે સુંઠ લીધા પછી તરત જ ખાઈ લો તો પણ કશો વાંધો નહીં. આ સુંઠ આ રીતે કાયમ લેવાની કાળજી સ્વસ્થ લોકો પણ રાખે તો તેમને પછી આ ડાયાબીટીસની તકલીફ થશે જ નહીં. સુંઠ જમ્યા પછી લેવાથી માત્ર ખોરાકનું જ પાચન કરે, પણ કલાક પહેલાં લેવાથી ખોરાક ઉપરાંત આમનું પણ પાચન કરશે.

 

જો કે મારા અનુભવમાં આયુ્ર્વેદનાં ઔષધો પણ દરેકને એક સરખી અસર કરશે એમ કહી શકાય નહીં. દરેકની પ્રકૃતી અલગ અલગ હોય છે, આથી કોઈ પણ ઔષધ તમને અનુકુળ છે કે કેમ એ જોઈને, ખાતરી કરીને લેવાનું ચાલુ રાખવું. જો સહેજ પણ પ્રતીકુળ લાગે તો બંધ કરી દેવું, અથવા એની પ્રતીકુળતાનું કારણ શોધી યોગ્ય તે કરવું. દાખલા તરીકે સુંઠનો પ્રયોગ મને અનુકુળ આવતો નથી, મને આમની તકલીફ રહેતી હોવા છતાં. જો કે મેં અહીં સ્વામીજીએ કહ્યું છે તે રીતે સુંઠનો સતત પ્રયોગ કર્યો નથી.

ઘણાં વર્ષ અગાઉ એક આયુર્વેદીક દવાની મને આડઅસર થયેલી, જેનો ઈલાજ મેં પાણીપ્રયોગ વડે કર્યો હતો. પાણીપ્રયોગ એટલે સવારે ઉઠ્યા પછી શૌચાદી પતાવી બ્રશ કર્યા સીવાય કે કશું પણ ખાધાપીધા પહેલાં ૧.૨ લીટર જેટલું પાણી પી જવું અને ત્યાર પછી ૪૦ મીનીટ સુધી કશું ખાવુંપીવું નહીં. આ પ્રયોગ મને અનુકુળ નીવડેલો. અને જે પ્રતીકુળ અસર ગંધશક્તી પાછી મેળવવા આયુર્વેદીક દવા લેવાને કારણે થયેલી તે માત્ર ચાર જ દીવસના પાણીપ્રયોગથી નાબુદ થયેલી. પણ ગંધશક્તી પાછી મળી શકી ન હતી.

૫૦ સેન્ટમાં આપ

એપ્રિલ 8, 2016

૫૦ સેન્ટમાં આપ

(બ્લોગ પર તા. ૮-૪-૨૦૧૬ )

ઘણાં વર્ષો પહેલાંની – લગભગ ચોવીસેક વર્ષો પહેલાંની આ વાત છે. અમારાં એક સંબંધી પાસે વેલીંગ્ટનમાં શોપ હતી. એ શોપ વેલીંગ્ટનના એક પરામાં અમે રહીએ છીએ ત્યાંથી લગભગ ૩૦થી ૩૫ કીલોમીટીર દુર છે. એ લોકો હોલીડે કરવા કેટલાક સમય માટે દેશ જવાનાં હતાં આથી એ શોપ સંભાળવાનું અમને કહ્યું.

જે વીસ્તારમાં એ શોપ હતી ત્યાંની લોકાલીટી કંઈ બહુ સારી તો ન હતી, પણ અમારાં એ સંબંધીઓને હેલ્પ થાય એટલા માટે અમે, એટલે કે મેં અને મારાં પત્નીએ શોપ સંભાળવાનું સ્વીકાર્યું હતું. હા, કુદરતી સૌંદર્યની દૃષ્ટીએ તો સ્થળ ઘણું જ રળીયામણું છે. એક ડુંગર પાર કર્યા પછી આ નાનકડો કસ્બો શરુ થાય છે, કંઈક અંશે થોડો ઉચ્ચ પ્રદેશ કહી શકાય એવો એ એરીયા છે. આથી જ કદાચ વેલીંગ્ટન કરતાં ત્યાં ઠંડી વધુ હોય છે. વેલીંગ્ટનમાં સ્નો ભાગ્યેજ પડે છે – અમારા ચાળીસ વર્ષના અહીંના વસવાટમાં માત્ર એક જ વાર સાવ નજીવો સ્નો પડેલો અમે જોયો છે, પણ જે સ્થળની હું વાત કરું છું ત્યાં કોઈ કોઈ વાર શીયાળામાં સ્નો પડે છે.

શોપમાં આવનારાં મોટા ભાગનાં લોકો બહુ ફ્રેન્ડલી હોવા છતાં પણ કોઈ કોઈ ચોરી કરી જતાં. નાની વસ્તુ બાંયમાં સંતાડીને લઈ જતાં અમુક લોકોને અમે જોયેલાં. એટલું જ નહીં, અમે શોપ સંભાળી ને થોડા સમયમાં રાત્રીના સમયે શોપનું તાળું તોડીને ચોરી થયેલી.

એક દીવસ એક ભાઈ આવ્યા. ચીપ્પીઝ (પોટેટો ચીપ્સ)ની નાની બેગ એને જોઈતી હતી. એણે ભાવ પુછ્યો, “આનું શું લેવાના?”

મેં કહ્યું, “૮૦ સેન્ટ”

એ કહે, “કેમ એટલા બધા?”

“ભાઈ, આ પ્રકારની શોપમાં એનો બધે આ જ ભાવ હોય છે.”

“તમે લોકો અમને લુંટો છો, મને એ ૫૦ સેન્ટમાં આપ.”

“ના, ૫૦ સેન્ટમાં નહીં મળી શકે, તમારે લેવી હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાવ.”

આ રીતે એમણે ઘણી જીભાજોડી કરી. છેવટે એને મેં કહ્યું, “તમારા માગેલા ભાવે તમને એ મળી શકશે નહીં. તમને જોઈતી હોય તો ૮૦ સેન્ટ આપીને લઈ જાઓ.”

ત્યારે એ મારા પર ખુબ જ ગુસ્સે ભરાયો અને મને કહે,

“તું બહાર આવ, તને બતાવી આપું.”

આમ કહેવા પાછળનું કારણ અહીંના કાયદા પ્રમાણે એ મારી મારપીટ દુકાનમાં જ, એટલે કે મારી જ પ્રોપર્ટીમાં કરે તો એ ઘણો મોટો ગુનો ગણાય.

મેં એને કહ્યું, “જુઓ, હું કંઈ જંગલમાં નથી રહેતો, જંગલી નથી, હું કાયદાને અનુસરીને ચાલનારો છું. વસ્તુ તમારે ખરીદવી હોય તો એનો અમારો જે ભાવ છે તે આપીને લઈ જાઓ.”

“સારું, હું તને જોઈ લઈશ.”

અને એ ચીપ્પીઝ લીધા વીના ચાલી ગયો.

આ પછી શોપમાં દુધની ડીલીવરી કરનારું કપલ આવ્યું. એ લોકોએ કદાચ અમારી વચ્ચેની વાતચીત, જીભાજોડી ઘણીખરી સાંભળી હશે. એ બંને જણાં ઘણાં ઓલ્ડ હતાં. ઓલ્ડ લેડી મને કહે, “મી. પટેલ, તમે જાણો છો કે તમારી સાથે દલીલ કરનાર કોણ હતો? એ અહીંનો નામચીન અને પહેલા નંબરનો ગુંડો છે. પોલીસ પણ એને કશું ન કરે.”

દેખીતું છે કે અમે એ વીસ્તારથી અજાણ્યાં હતાં, આથી અમને તો કશી જ ખબર ન હતી, કે એ કોણ હતો અને કેવો હતો. પણ મારા સ્વભાવ મુજબ કોઈ ગેરવ્યાજબી માગણી કરે તો તેને તાબે ન થવું, એ રીતે મેં એની સાથે દલીલ કરી હતી. શારીરીક રીતે તો મને એ ચપટીમાં રોળી નાખે તેવી હાઈટવાળો અને મજબુત દેખાતો હતો.

શોપમાં તે દીવસે અમે બંને જણાં હતાં. બાકી કેટલીક વાર શોપમાં મારાં પત્ની એકલાં જ હોય, કેમ કે મારે શોપ માટે ખરીદી કરવા જવાનું હોય. અને કોઈક વાર હું પણ શોપમાં એકલો હોઉં. વળી શોપ સાથે રહેવાની વ્યવસ્થા ન હતી. એટલે કે એ લોકઅપ શોપ હતી. આથી રાત્રે શોપ બંધ કરીને ઘરે જવાનું થાય. પણ મને નવાઈ એ વાતની લાગી કે એ માણસ ફરી મને કદી રસ્તામાં મળ્યો નથી અને નડ્યો નથી કે ફરી કદી અમારી એ શોપમાં પણ આવ્યો નથી. જે મને ધમકી આપીને ગયેલો અને નંબર વન ગુંડાગીરી કરનાર હતો એમ કહેવાતું હતું, તો પછી એણે કેમ કશું કર્યું નહીં હોય? હા, એ ખરું કે મેં એનું કશું બગાડ્યું ન હતું. જે સત્ય હકીકત હતી તે જ મેં એને કહી હતી, કે ૫૦ સેન્ટમાં એ વસ્તુ આપવાનું અમને પરવડે નહીં કે એને એ ભાવમાં આપવામાં આવશે નહીં.

ધાર્મીક અસહીષ્ણુતા – સત્ય ઘટના

એપ્રિલ 1, 2016

ધાર્મીક અસહીષ્ણુતા – સત્ય ઘટના
બ્લોગ પર તા. ૧-૪-૨૦૧૬

પીયુષભાઈના ઈમેલમાંથી અંગ્રેજી પરથી ગુજરાતી -ગાંડાભાઈ

એમણે (પીયુષભાઈએ) લખ્યું છે: Please pass on, & be ready to defend your religious rights!

આ એક સત્ય ઘટના છે, જે આ રજાના દીવસોમાં બની હતી. આ ઘટના આપણને વીચારતા કરી મુકે તેવી છે. આપણામાંથી કોઈની પણ સાથે આવું બની શકે.

૧૭ વર્ષની વયનો એક તરુણ સ્પોર્ટ્સ સ્ટોરમાં કંઈક ખરીદી કરતો હતો.  કેશીયર એક મુસલમાન મહીલા હતી. તેણે માથે રુમાલ બાંધ્યો હતો. ૧૭ વર્ષના તરુણે ગળામાં સોનાની ચેઈન પહેરી હતી જેમાં ક્રોસ હતો. પેલી મહીલાએ કહ્યું, “તારો ક્રોસ શર્ટની નીચે સંતાડી દે, મને એનાથી ઠેસ પહોંચે છે, દુખ થાય છે. (I am offended)”

તરુણે તેમ કરવાની ના પાડી. પછી એણે તે મહીલાને કહ્યું,  “મને લાગે છે કે તમારે તમારા માથા પરનો આ રુમાલ હટાવી લેવો જોઈએ.”

મહીલાએ એ પછી મેનેજરને બોલાવ્યો. મેનેજરે આવીને તરુણને પોતાનો ક્રોસ શર્ટ નીચે સંતાડી દેવાનું જણાવ્યું. એમ કરવાથી બધી તકલીફનો અંત આવશે એમ તેણે એ તરુણને કહ્યું. તરુણે ફરીથી તેમ કરવાની ના સુણાવી. અને એને જે વસ્તુઓ જોઈતી હતી તે બધી ત્યાં જ છોડી દઈને ખરીદી કર્યા વીના સ્ટોરમાંથી જતો રહ્યો.

એ તરુણની પાછળ લાઈનમાં બીજાં કેટલાંક ઘરાક જેમણે આ બધું જોયું-સાંભળ્યું હતું તે બધાં પણ ટ્રોલી ત્યાં જ મુકીને ખરીદી કર્યા વીના જતાં રહ્યાં.

મને લાગે છે કે ૧૭ વર્ષના તરુણનું આ પગલું ઘણું જ વ્યાજબી છે. આપણે સહુ જાણીએ છીએ કે આપણે એક બહુ જ પરીવર્તનશીલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આ પ્રકારની પરીસ્થીતીમાં હું ઈચ્છું કે આપણા બધાની પાસે આ તરુણે બતાવી તેવી હીંમત હોય.

(મને આશ્ચર્ય થાય છે કે હવે શું? શું તેઓ બધી ઘરેણાની દુકાનોમાં ક્રોસવાળાં ઘરેણાં વેચવા પર પ્રતીબંધ લાદશે?? કોઈએ પણ અન્યના ધર્મ પર તરાપ મારવી જોઈએ નહીં.)