સદા સુખી રહો

સદા સુખી રહો

અંગ્રેજીમાં મળેલ એક ઈમેલ પરથી

બ્લોગ પર તા. ૨૧-૫-૨૦૧૬

સદા સુખી રહો, પણ એ માટે તમારે પંદર બાબતોને છોડવી પડશે. આ રહ્યું એ પંદર બાબતોનું લીસ્ટ. જો આ બાબતો તમે છોડી શકશો તો તમારું જીવન ખુબ જ સરળ અને સુખી બની જશે. આપણે ઘણી છોડી દેવા જેવી બાબતોને પકડી રાખીએ છીએ જેનાથી આપણે ઘણું બધું દુખ ભોગવીએ છીએ. એનાથી આપણને સ્ટ્રેસ પણ થાય છે અને ઘણું સહન કરવું પડે છે. આજથી નીર્ણય કરો કે હવે એ બધું છોડી દેવું જ છે. ચાલો તો તૈયાર થઈ જાઓ.

૧. તમે હંમેશાં સાચા જ છો એવો તમારો આગ્રહ છોડી દો. આપણામાં ઘણા લોકો એવા છે જે પોતે ખોટા છે એવું સ્વીકારી શકતા નથી. પોતે ખોટા હોઈ શકે એમ તેઓ કદી કબુલ કરતા નથી હોતા, ભલે પછી એનાથી સંબંધોમાં તીરાડ પડે, કે પછી ભારે સ્ટ્રેસ અને દુખ થાય. ખરેખર આ પ્રકારનો આગ્રહ પોતાના માટે કે બીજા માટે યોગ્ય નથી. જ્યારે તમને કોણ ખોટું ને કોણ સાચું એ સાબીત કરવાની ચળ ઉપડે ત્યારે તમે તમારી જાતને આ પ્રશ્ન પુછો: હું સાચો છું એ સાબીત કરવામાં ભલું છે કે હું એ આગ્રહ છોડી દઉં એમાં બધી રીતે ભલું છે? શું ફરક પડશે? ખરેખર તમારો અહંકાર એટલો બધો મહત્ત્વનો છે?

૨. બધી બાબતોમાં કબજો જમાવવાનું છોડી દો. તમારી બાબતમાં કે તમારી આસપાસ જે કંઈ બનાવો, ઘટના બની રહી હોય એના પર તમારો અંકુશ રહે એવી અપેક્ષા છોડી દો. એટલું જ નહીં તમારો જેની સાથે સંબંધ હોય તે લોકો પર પણ હંમેશાં તમારો કાબુ રહેવો જોઈએ એવું ન ઈચ્છો. એ લોકો તમારાં સગાંસંબંધી હોય, સાથે કામ કરતાં લોકો હોય કે પછી કોઈ અજાણ્યા લોકો હોય. એ લોકોને પોતાની રીતે જીવવા દો.

દરેક બાબતને અને દરેક જણને જેમ હોય તેમ જ રહેવા દો. અને તમે જોશો કે તમે કેટલી હળવાશ અનુભવો છો.

લાઓત્સુ કહે છે, “બધી બાબતો અને બધાં લોકોને તેમના પર છોડી દેવાથી બધું આપમેળે ઠરીઠામ થઈ જતું હોય છે. દુનીયા તેમની થઈ જાય છે, જેઓ બાંધછોડ કરે છે. પણ જો તમે પ્રયત્ન ને પ્રયત્ન જ કરતા રહેશો તો દુનીયા તમારી જીતથી દુર ને દુર જ રહેશે.”

૩. બીજાના માથે દોષ ઢોળવાનું છોડો. તમે કંઈકથી વંચીત હો કે તમને કંઈક અનીચ્છનીય આવી મળ્યું હોય, તમને જે લાગણી થતી હોય કે ન થતી હોય એ માટે બીજાને દોષ દેવાની ટેવ છોડો. તમારી સત્તા બીજાંને સોંપવાનું બંધ કરો અને તમારા જીવનની જવાબદારી જાતે સ્વીકારવાનું શરુ કરો.

૪. પોતે નબળા છો, હંમેશાં હારતા રહેવાના છો એવી મનની લાગણી છોડી દો. કેટલા બધા લોકો પોતાની બાબત આવી વારંવાર નકારાત્મક, અનીચ્છનીય લાગણી ધરાવતા હોય છે? તમારા મનની આવી લાગણી, ખાસ કરીને જો એ નકારાત્મક હોય તો એમાં ફસાઈ જશો નહીં. તમે એવા નથી, એનાથી વધુ સારા છો.

“જો યોગ્ય રીતે વાપરવામાં આવે તો મન એક ઉત્તમ ઉપકરણ છે. પણ જો અયોગ્ય રીતે વાપરવામાં આવે તો એ એક ખતરનાક વીધ્વંસક સાધન છે.”

૫. તમારે માટે શું શક્ય છે કે અશક્ય છે, તમે શું કરી શકો કે ન કરી શકો એ અંગેની તમારી ગેરમાન્યતાનો ત્યાગ કરો. તમારી પાસે અમર્યાદ કેપેસીટી છે. હવેથી તમારી જાતને બંધનમાં રાખવાની જરુર નથી. પાંખો ફફડાવી આખું આકાશ આંબી દો.

“માન્યતા એ મન વડે બાંધેલ વીચાર નથી, પણ માન્યતા મનને જકડી લેતું બંધન છે.”

૬. ફરીયાદ કરવાનું બંધ કરો. હંમેશાં કાયમ ફરીયાદ જ કરતા રહેવાની તમારી ટેવ છુટી જવી જોઈએ. એ પછી લોકો બાબત હોય, પરીસ્થીતી વીષે હોય, કે પ્રસંગો અંગે હોય, જેનાથી તમને દુખ થયું હોય, જેનાથી તમને અણગમો હોય કે જેનાથી તમે હતાશામાં સરી પડ્યા હોય. તમને બીજું કોઈ દુખી કરી ન શકે, કોઈ પણ પરીસ્થતી તમારામાં અણગમો પેદા કરી ન શકે, કે તમને હતાશ કરી ન શકે, સીવાય કે તમે એમ થવા દેવાને રાજી હો. આ લાગણીઓ કંઈ પરીસ્થીતીને લીધે પેદા થતી નથી, પણ એ પરીસ્થીતીને કઈ દૃષ્ટીથી તમે જુઓ છો તેના પર એનો આધાર છે. વીધાયક-positive વીચારોની તાકાતને કદી પણ ઓછી આંકશો નહીં.

૭. ટીકા કરવાના આનંદનો ત્યાગ કરો.  વસ્તુ, પ્રસંગ કે લોકો જે તમારાથી અલગ લાગતાં હોય, વીપરીત લાગતાં હોય તેની ટીકા કરવાનું છોડી દો. આપણે બધાં જ જુદાં છીએ અને છતાં સમાન પણ છીએ. આપણે બધાં જ સુખી થવા માગીએ છીએ, આપણે બધાંને પ્રેમ કરવા ચાહીએ છીએ, અને બધાં આપણને પ્રેમ કરે એમ ઈચ્છીએ છીએ. અને આપણે બધાં જ બીજાં લોકો આપણને સમજી શકે એમ ઈચ્છીએ છીએ. આપણને બધાંને જ કંઈક ને કંઈક જોઈએ છે, બધાંની જ કંઈક ને કંઈક ઈચ્છા હોય છે.

૮. બીજાં પર પ્રભાવ પાડવાની તમારી જરુરત છોડી દો. તમે જે નથી તેવો દેખાડો કરવાની તમારી મહેનત છોડી દો. જેવા તમે આ છોડી દેશો, જેવા તમે બધાં મુખોટાં ઉતારી મુકશો, જેવા તમે જેવા છો તેને સ્વીકારી લેશો કે તમે જોશો કે લોકો તમારા તરફ ખેંચાતા આવશે, આપોઆપ.

૯. પરીવર્તનનો વીરોધ કરવાનું છોડી દો. પરીવર્તન સારા માટે છે. પરીવર્તન તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે – પ્રગતી છે. પરીવર્તન તમારા જીવનને વધુ સારું બનાવવામાં તમને મદદ કરશે, અને તમારી આસપાસના લોકોનાં જીવનને પણ. આનંદો, પરીવર્તન સ્વીકારી લો, એનો વીરોધ ન કરો.

“આનંદના માર્ગને અનુસરો અને જગત એનાં દ્વાર તમારી સામે ખોલી દેશે, જ્યાં પહેલાં દીવાલ હતી ત્યાં દ્વાર હશે.”

૧૦. લેબલ લગાવવાનું છોડો. જેને તમે સમજી ન શકતા હો એવી વસ્તુઓ, એવા લોકો કે પ્રસંગો પર લેબલ લગાવવાનું છોડી દો કે એ વીચીત્ર છે કે વાહીયાત છે. એના બદલે ખુલ્લા મન વડે એને સમજવાનો પ્રયત્ન કરો. મન ત્યારે જ કામ કરે છે જ્યારે એ ખુલ્લું હોય છે. “સૌથી મહાન અજ્ઞાન એ જ છે કે જેને વીષે તમે કશું જ જાણતા ન હો એને એ નકામું છે કહીને તમે તરછોડી દો છો.”

૧૧. ભયનો ત્યાગ કરો. ભય માત્ર એક ભ્રમણા છે. એનું કોઈ અસ્તીત્ત્વ નથી- તમે પોતે એનું સર્જન કર્યું હોય છે. એ માત્ર તમારા મનમાં જ હોય છે. અંદરને સાચવી લો અને બહાર એની મેળે જ બધું બરાબર થઈ જશે. “આપણે માત્ર એક જ બાબતનો ભય રાખવાનો છે અને તે છે ભય પોતે જ.” ભયનો જ ભય રાખો, જોજો ભય પેસી ના જાય.

૧૨. બહાનાં બતાવવાનું છોડો. એ બધાં બહાનાંઓનું પોટલું બાંધીને એમને કહી દો કે એ બધાંને નોકરીમાંથી છુટાં કરવામાં આવ્યાં છે. એ બધાંની તમને હવે જરુર નથી. આપણે ઘણાં બધાં બહાનાંઓને કારણે કેટલીયે વાર આપણી જાતને સીમીત કરી દઈએ છીએ. પ્રગતી કરવાને બદલે, આપણી જાતને સુધારવાને બદલે આપણે સ્થગીત થઈ જઈએ છીએ, પોતાના જુઠાણાથી, દરેક જાતનાં બહાનાં વાપરી – એવાં બહાનાં જે ખરેખર ૯૯.૯% તો સાચાં હોતાં જ નથી.

૧૩. ભુતકાળને ભુલી જાઓ. હું જાણું છું, હું જાણું છું. એ સહેલું નથી. ખાસ કરીને જ્યારે એ ભુતકાળ વર્તમાન કે ભવીષ્ય કરતાં એટલો બધો સુંદર લાગતો હોય અને ભવીષ્ય ભયજનક જણાતું હોય. પરંતુ આ અફર તથ્ય જાણી લો કે તમારી પાસે માત્ર ને માત્ર વર્તમાન ક્ષણ જ હોય છે, ભુતકાળ કે ભવીષ્ય નહીં જ હોય. જે ભુતકાળને તમે અત્યારે ઝંખી રહ્યા છો, જે ભુતકાળનાં સ્વપ્નો તમે હાલ જોઈ રહ્યા છો, એ જ્યારે વર્તમાન હતો ત્યારે તમે એના પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હતું. તમારી જાતને છેતરવાનું બંધ કરો. તમે જે કંઈ કરો તે સમયે વર્તમાનમાં રહેવા પ્રયાસ કરો, જીવનને માણો. છેવટે તો જીવન એક સતત પ્રવાસ છે, ગંતવ્ય, અંતીમ પડાવ (destination) નહીં. ભવીષ્યનો સ્પષ્ટ નકશો હોય, પુરેપુરી તૈયારી હોય, પણ હંમેશાં વર્તમાનમાં મોજુદ રહો.

૧૪. આસક્તી છોડો. આ એક એવી વીભાવના (concept) છે જે આપણામાંથી મોટા ભાગના લોકો માટે સમજવી મુશ્કેલ છે. પણ એ અશક્ય તો નથી. પ્રેક્ટીસ વડે સમયના વહેવા સાથે વધુ સમજણ આવતી જાય. એક સમય આવશે ને તમે બધી વસ્તુઓથી તમને અલીપ્ત કરી દઈ શકશો. એનો અર્થ એવો નથી કે તમે એ બધાં પરનો પ્રેમ ત્યાગી દો – કેમ કે પ્રેમ અને આસક્તી એકબીજાંના પર્યાય નથી. આસક્તી આવે છે જેના પર તમારી માલીકી છે તે છુટી જવાના ભયના કારણે. જ્યારે પ્રેમ – સાચો પ્રેમ શુદ્ધ, પવીત્ર અને નીસ્વાર્થ હોય છે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં કદી ભય હોઈ ન શકે. આ કારણે આસક્તી અને પ્રેમ સાથે સાથે રહી શકતાં નથી. તમે એટલા બધા શાંત, સહનશીલ, દયાળુ અને નીર્મળ થઈ જાઓ છો. તમે એવા સ્થળે પહોંચી જાઓ છો કે વીના પ્રયાસે તમે બધું જ સમજવાને શક્તીમાન થાઓ છો, એવી સ્થીતી જે શબ્દોથી પર છે.

૧૫. બીજાઓની અપેક્ષા મુજબ જીવવાનું બંધ કરો. શા માટે આટલા બધા લોકો એવું જીવન જીવે છે જે તેમનું પોતાનું નથી. તેઓ એવું જીવન જીવે છે જે બીજાઓને લાગે છે કે એમના માટે શ્રેષ્ઠ છે. તેઓ એવું જીવન જીવે છે કે જે એમનાં માબાપને સારું લાગે. જે તેમના મીત્રો, દુશ્મનો, શીક્ષકો, સરકાર અને સમાચાર માધ્યમોને લાગે કે એમના માટે શ્રેષ્ઠ છે. તેઓ પોતાના અંતરાત્માના અવાજને અવગણે છે. તેઓ બીજાં બધાંને રાજી કરવામાં, બીજાંઓની અપેક્ષા મુજબ જીવવામાં એટલા બધા વ્યસ્ત હોય છે, કે તેઓ પોતાના જીવન પરનો કાબુ ગુમાવી દે છે. તેઓ ભુલી જાય છે કે તેમને સુખ શાનાથી મળી શકે, તેમને શું જોઈએ છે, તેમની જરુરત શું છે, અને આમ છેવટે તેઓ પોતાને જ ભુલી જાય છે. તમારી પાસે માત્ર એક જીન્દગી છે – આ જ એક માત્ર, હાલની – તમારે એ જીવવી જોઈએ, એના માલીક બનો, અને ખાસ કરીને બીજા લોકોના અભીપ્રાયો તમારા માર્ગથી તમને ચલીત ન કરે તેની કાળજી લો.

Advertisements

ટૅગ્સ:

2 Responses to “સદા સુખી રહો”

  1. pravinshastri Says:

    વિનોદભાઈએ પણ વિનોદ વિહારમાં આવી જ વાતો લખી છે. ખુબ સરસ સંદેશ છે.

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    હાર્દીક આભાર પ્રવીણભાઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: