હમ હોંગે કામિયાબ

હમ હોંગે કામીયાબ

બ્લોગ પર તા. 8-7-2016

(બી.જે. મિસ્ત્રીના ઈમેલમાંથી સહુની જાણ માટે)

(એક જ ઈ-ઉની જોડણી સીવાય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.)

વીશેષ – સપના દેસાઈ

મન હોય તો માળવે જવાય એ કહેવત 38 વર્ષના યુવાન, મહેનતુ અને કર્તવ્યનીષ્ઠ સરકારી અધીકારી રામદાસ કોકરેને બરાબર લાગુ પડે છે. કોઈ પણ કામને પુરું કરવાનો એક વખત નીશ્ચય કરી લીધો તો પછી એને દુનીયાની કોઈ તાકાત અટકાવી શકતી નથી. બસ તમારે ફક્ત તમારા ઉદ્દેશ્યને પુરું કરવા પર અટલ  રહેવું જોઈએ. જો એટલું કરી શકો તો આપોઆપ તમારે રસ્તે આડાં આવનારાં તમામ વીઘ્નો દુર થઈ જાય છે. એવોજ કંઈક રામદાસ કોકરેની લાઈફનો ફંદો છે.

રામદાસ કોકરે મહારાષ્ટ્રના કોંકણ જીલ્લાના પર્યટનસ્થળ તરીકે લોકોમાં જાણીતા બનેલા વેંગુર્લા શહેરના નગરપરીષદના ચીફ એક્ઝીકયુટીવ ઑફીસર છે. તેમનાં પ્લાસ્ટીક નીર્મુલન અભીયાન, કચરા નાબુદી અભીયાન અને તમામ ડમ્પીંગ ગ્રાઉન્ડને દુર કરવાના અભીયાનને કારણે તેઓ ફકત કોંકણમાં જ નહીં પણ મહારાષ્ટ્રના તમામ જીલ્લાઓમાં જાણીતા બની ગયા છે. રાજ્યની તમામ મોટા જીલ્લાઓની મહાપાલીકાઓ તેમને કમીશ્નર બનાવવા તત્પર છે અને હાલમાં જ તેમની આ કામગીરીને કારણે થાણે મહાનગરપાલીકા અને કલ્યાણ-ડોંબીવલી મહાનગરપાલીકાના નગરસેવકોએ રામદાસ કોકરેની ટ્રાન્સફર તેમને ત્યાં કરાવવાની માગણી કરી હતી. સરકારી અધીકારીથી લોકો દુર ભાગતા હોય છે, પણ આ અધીકારી એવો છે જેને પોતાને ત્યાં બોલાવવા લોકો ઉત્સુક છે.

કોઈ પણ જાતની પબ્લીસીટી સ્ટંટ કરવાને બદલે ચુપચાપ દીવસરાત પોતાના કામમાં વ્યસ્ત રહેનારા આ યુવાન અધીકારીની કામગીરીની નોંધ હાલમાં ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લીધી છે. તેમની કચરાના નીકાલ માટે અપનાવેલી વેંગુર્લા પેટર્નને રાજયભરમાં અમલમાં લાવવા બાબતે પણ સરકાર વીચારાધીન હોવાનું હાલમાં જ રાજયના ચીફ જનરલ સેક્રેટરી સ્વાધીન ક્ષત્રીયએ કહ્યું હતું. મહારાષ્ટ્રના તમામ જીલ્લાઓમાં જો તેમની કચરાના નીકાલ માટેની વેંગુર્લા પેટર્ન સફળ થાય તો ભવીષ્યમાં દેશનાં અન્ય રાજયોમાં પણ તે ઉપયોગી સાબીત થઈ શકે.

રામદાસ કોકરેએ જે પધ્ધતીએ વેંગુર્લા શહેરને શુન્ય કચરામુકત અને ડમ્પીંગગ્રાઉન્ડમુકત કરીને કચરામાંથી નગરપરીષદને આવક ઉભી કરી આપી છે, તેની નોંધ લઈને મુખ્ય પ્રધાને હાલમાં જ તેમનું સન્માન પણ કર્યું હતું. તો હાલમાં જ તેમને વસુંધરા પુરસ્કારથી પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. સંત ગાડગે બાબા સ્વચ્છતા અભીયાન અતંર્ગત તેમના કાર્યની નોંધ લઈ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

મુળ સોલાપુરના કર્નાલા તાલુકાના રીતેવાડી ગામના ખેડુત પરીવારમાં જન્મેલા રામદાસનો પરીવાર ખેતીવાડી સાથે સંકળાયેલો હોવાને કારણે નાનપણથી તેમને ગ્રીનરી અને પર્યાવરણ માટે ખાસ લાગણી રહી છે. નાનપણમાં ભણવામાં હોશીયાર પણ ખોબલા જેવા ગામડામાં રહેલી પ્રાથમીક શાળાની ઈમારત ખખડી ગયેલી હોવાને કારણે સ્કુલમાં એડમીશન લીધા બાદ પણ ભણવા માટે સ્કુલમાં જગ્યા નહીં હોવાને કારણે પહેલા ધોરણને બદલે તેમને સીધા બીજા ધોરણમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ચોથા ધોરણ સુધીનું પ્રાથમીક શીક્ષણ આ સ્કુલમાં જ લીધા બાદ બાજુના ગામમાં રહેલી શાળામાં દસમા ધોરણ સુધીનો અભ્યાસ પુરો કર્યો હતો, અને મુળ તો ખેડુત પરીવારના હોવાને કારણે દસમાની બોર્ડની પરીક્ષા પાસ કરીને પુણેની એગ્રીકલ્ચર કોલેજમાં એડમીશન લીધું હતું. કોલેજના અભ્યાસ દરમીયાન જ સરકારી નોકરીમાં જોડાઈને પોતાના ગામના અન્ય યુવાનોની માફક દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના હતી. ગ્રેજ્યુએશન કરીને એગ્રીકલ્ચરમાં એમ.એસ.સી. કર્યા બાદ તેમણે સરકારી નોકરી માટે પરીક્ષા આપી હતી અને પહેલી નોકરી તેમણે પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે કરી હતી.

પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે કામગીરી તો કરી પણ કામનો ખરો આનંદ તેમને આવતો નહોતો. પહેલેથી જ પર્યાવરણ માટે ખાસ લાગણી ધરાવતા રામદાસનું મન કંઈક અલગ કરવા તત્પર રહેતું હતું. પોલીસ ખાતાની નોકરીમાં મન નહોતું લાગતું. એ દરમીયાન તેમણે અન્ય સીવીલ પરીક્ષા આપવાની ચાલુ જ રાખી હતી. અને એમાં પાસ થતાં તેમને કોંકણ જીલ્લાના દાપોલી ગામના નગરપાલીકાના ચીફ ઍક્ઝીક્યુટીવની પોસ્ટ મળી હતી. આ પોસ્ટ એટલે ભાવતું હતું અને વૈદ્યે કીધું જેવું તેમને માટે થઈ ગયું હતું. વર્ષોથી પર્યાવરણના જતન માટે શું કરી શકાય તેની યોજનાઓ બનાવી રહ્યા હતા તેને દાપોલીમાં અમલમાં લાવવા માટેના તેમના પ્રયાસ શરુ થઈ ગયા હતા. પ્લાસ્ટીકમુક્ત, કચરામુક્ત તેમની યોજનાઓ પર તેમણે કામ શરુ કરી દીધું હતું, પણ પોતાની યોજના પુર્ણ રીતે અમલમાં લાવે એ પહેલાં જ તેમની ટ્રાન્સફર વેંગુર્લા નગરપરીષદના ચીફ ઍક્ઝીક્યુટીવ ઓફીસર તરીકે થઈ ગઈ હતી.

મહારાષ્ટ્રમાં જ નહીં પણ દેશભરમાં પર્યાવરણ માટે લોકોને જાગૃત કરવાનો નેક ઈરાદો રાખનારા રામદાસ કોકરે જે કામ દાપોલીમાં કરી શકયા નહીં તે તેમણે વેંગુર્લામાં કરી બતાવવાની ચેલેન્જ સ્વીકારી લીધી હતી, જેમાં અડચણો તો ઘણી આવી પણ પોતાની ઈચ્છાશક્તી અને સ્થાનીક નાગરીકોના સહકારથી વર્ષનું માત્ર ને માત્ર 16 કરોડ રુપીયાનું આર્થીક બજેટ ધરાવતા વેંગુર્લા શહેરને માત્ર ચાર મહીનાની અંદર પુરેપુરું કચરામુક્ત, પ્લાસ્ટીકમુક્ત અને ડમ્પીંગગ્રાઉન્ડમુક્ત કરીને મહારાષ્ટ્રની અન્ય મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓને એક આદર્શ ઉદારણ પુરું પાડયું છે.

શું છે વેંગુર્લા પેટર્ન ?

દેશના એક રાજયના આર્થીક બજેટ કરતાં પણ મોટું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલીકા માટે પણ પ્લાસ્ટીકના કચરાનો નીકાલ કરવો માથાનો દુખાવો બની ગયો છે ત્યારે રામદાસ કોકરેએ વેંગુર્લા શહેરને કચરામુક્ત કરીને એ કચરામાંથી જ વીજનું અને કોલાસાનું ઉત્પાદન કરીને નગરપાલીકાને આવક તો ઉભી કરી આપી પણ સાથે જ કચરામાં રહેલાં પ્લાસ્ટીકનો ઉપયોગ વેંગુર્લાના રસ્તા બનાવવા માટે કર્યો છે.

વેંગુર્લા પેટર્ન કઈ રીતે કામ કરે છે?

પહેલાં તો કચરાના વર્ગીકરણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. નગરસેવકોને અને જનતાને વીશ્વાસમાં લીધાં. લોકો સાથે મીટીંગ કરીને જનજાગૃતી અભીયાન ચલાવ્યું. રોજ જમા થતા કચરાનું વર્ગીકરણ કેટલું મહત્ત્વનું છે તે લોકોના ગળે વાત ઉતારી. તે મુજબ સુકો અને ભીનો કચરો અલગ, પ્લાસ્ટીકનો અલગ અને કાચ તથા અન્ય ધાતુ એમ ચાર પ્રકારે વર્ગીકરણ કરવાનું હાઉસીંગ સોસાયટીઓને માટે ફરજીયાત બનાવ્યું. આ કાર્યપધ્ધતી અમલમાં લાવવા ‘ગુડ મોર્નીંગ ટીમ’ની સ્થાપના કરી અને એના દ્વારા લોકોમાં જનજાગૃતી લાવવામાં આવી. પ્રત્યેક વોર્ડમાં નગરસેવક અને એક અધીકારી તથા અન્ય કર્મચારીઓ મળી પંદર જણની ટીમ બનાવી અને તેમના પર વેંગુર્લાના નગરઅધ્યક્ષ અને ખુદ રામદાસ કોકરે ધ્યાન આપતા હતા. કચરાનું વર્ગીકરણ કર્યું ન હોય તેમનો કચરો લેવો નહંીં અને તેમને દંડ ફટકારવો એવો સખત કાયદો બનાવ્યો. નવી સોસાયટી બનાવતા સમયે કચરાના વર્ગીકરણની શરત ફરજીયાત રાખવામાં આવી અને બેદરકારી જણાઈ આવે તો સબંધીત બીલ્ડર, સોસાયટીઓને ઓક્યુપેશન સર્ટીફીકેટ આપવામાં આવતું નથી.

લગભગ એક વર્ષથી ચાલતી આ કામગીરી દરમીયાન રામદાસ કોકર અને તેમના અધીકારીઓએ આખા વર્ષ દરમીયાન એક દીવસની પણ રજા લીધી નહોતી. વર્ષના 365 દીવસ સવારના 7 થી સાંજના 8 વાગ્યા સુધી આ જ કામમાં રચ્યા પચ્યા રહેતા હતા.

કચરામાંથી આવક ઉભી કરી

આખા વેંગુર્લામાં કચરાનું ચાર પ્રકારે વર્ગીકરણ કરીને તેને ડમ્પીંગ ગ્રાઉન્ડમાં લાવવામાં આવે છે ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેનું વર્ગીકરણ કરીને રાખવામાં આવે છે. જેમાં ધાતુ, કાચની બાટલીઓ, પ્લાસ્ટીકની વસ્તુઓને ભંગારમાં વેચી દેવાતાં પૈસાની આવક થાય છે. પ્લાસ્ટીકની થેલીઓ, પ્લાસ્ટીકના કાગળ વગેરેને ક્રશર મશીનમાં નાખીને ક્રશ કરીને 20 રુપીયે કીલો વેચવામાં આવે છે અને તેનો જ ઉપયોગ રસ્તો બનાવવામાં માટે કરવામાં આવે છે. રસ્તો બનાવવા માટે ડામરમાં આઠ ટકા પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાને કારણેે રસ્તાની લાઈફ પાંચ ટકા વધી ગઈ હોવાનું કહેવાય છે. સુકા કચરામાંથી કોલસો બનાવવા માટે ખાસ મશીન લેવામાં આવ્યું છે, અને તેમાંથી કોલસો બને છે, જેની અનેક કંપનીઓ અને કારખાનાઓ ખરીદી કરે છે. એટલું જ નહીં પણ કચરામાંથી બાયોગેસ પ્રોજેકટ પણ ચલાવવામાં આવે છે. ભીના કચરામાંથી મીથેન વાયુ ભેગો કરીને જનરેટરના માધ્યમથી વેંગુર્લા નગરપરીષદની ઓફીસ માટે વીજનું ઉત્પાદન કરવામાં આવે છે અને વેંગુર્લાની સ્ટ્રીટ લાઈટ પણ આ વીજળીના ઉપયોગથી જ ચાલે છે. સરકારી અધીકારીનું નામ પડતાં લોકોના નાકનું ટેરવું ચડી જતું હોય છે, પણ રામદાસ કોકરે એમાં અપવાદ છે. આ એવો અધીકારી છે જેનાં ઉજળાં કામ  જીવનમાં ઉજાસ લાવી દે છે અને સરકારની પ્રતીમા ઉજળી બનાવે છે.

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: