અપવિત્રઃ પવિત્રો વા

અપવિત્રઃ  પવિત્રો  વા

(બ્લોગ પર તા. 14-10-2016)

હીન્દુ ધર્મની પુજાવીધીઓમાં બહોળા પ્રમાણમાં બોલાતા એક શ્લોકની વાત કરવી છે. એ શ્લોક છે:

अपवित्रः पवित्रो वा सर्वावस्थाંगतोऽिप  वा ।

यः स्मरेत्पुंडरीकाक्षं  स बाह्याभ्यंतरः शुचिः ॥

મેં જ્યારે હીન્દુ ધર્મની વીધીઓ કરવાનું શરુ કર્યું ત્યારે મને આ શ્લોકના सर्वावस्थाંगतोऽिप वा શબ્દોનો અર્થ સમજાતો ન હતો. આથી ઘણા લોકોને મેં એનો અર્થ જાણવા પુછેલું. આ શ્લોકના બાકીના બધા શબ્દો હું સમજી શકતો હતો.

આ શ્લોક બોલતી વખતે પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને એને પવીત્રીકરણનો શ્લોક કહેવામાં આવે છે. મને લાગે છે કે એની પાછળનું કારણ એમાં સાથે સાથે આવતા પવિત્ર અને અપવિત્ર શબ્દોને કારણે અર્થ બરાબર ન જાણતા લોકોએ આવું ખોટું અર્થઘટન કર્યું હશે. જુદા જુદા લોકોને મેં એનો અર્થ જાણવા કરેલી પૃચ્છા પરથી પણ એવું જણાય છે.

સંસ્કૃત બરાબર જાણતા ન હોય તે લોકોને અર્થ પુછીએ તો મોટા ભાગના લોકો તરત જ કહેશે, જે અપવીત્ર હોય તે પવીત્ર થાય છે. પણ એ અર્થ તો અહીં નથી.

अपवित्रः पवित्रः वा સંસ્કૃત वा શબ્દનો અર્થ છે અથવા. એટલે અહીં તો કહ્યું છે કે અપવીત્ર હોય કે પવીત્ર હોય. અહીં સંસ્કૃત ભાષાનું અદ્ભુત સૌંદર્ય પણ જોવા મળે છે, કેટલી સચોટ રીતે અને સરળ શબ્દો વડે રજુઆત કરવામાં આવે છે. ઉપર કહ્યું તેમ મને મુશ્કેલી હતી માત્ર सर्वावस्थाંगतोऽिप वा સમજવામાં. આથી જ્યારે હું કોઈને  પુછતો ત્યારે હું કહેતો કે મને અમુક બાબત આ શ્લોકમાં સમજાતી નથી માટે જ તમને પુછું છું, કોઈ પરીક્ષા માટે નહીં, આથી તમને આ શ્લોકનો અર્થ ખબર હોય તો કહો. પણ મોટા ભાગના લોકોએ એમને ખબર નથી એમ કહ્યું નથી, અને પુછતાં જ કહેશે “જે અપવીત્ર હોય તે પવીત્ર થાય છે”. હા, એકવાર એક જણ જે એમ.એ.માં સંસ્કૃત વીષયમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવી સુરતની એમ.ટી.બી. કૉલેજમાં લેક્ચરર રહી ચુકેલ વ્યક્તીની સાથે વાત થયેલી, એમણે કહેલું કે આ શ્લોકનો અર્થ એમને ખબર નથી. નીખાલસતાથી કબુલ કરેલું કે “મને તો અમારા અભ્યાસક્રમમાં જે ભણવામાં આવેલું હોય તે જ આવડે છે.” જે વ્યક્તીએ આ કબુલાત કરેલી તેમની સાથે મારે ઘણો નીકટનો પરીચય છે.

એક વાર બ્રાહ્મણનો ઈન્ટર્વ્યુ લેવા માટે મને બોલાવેલો. એમને આ શ્લોક મેં પુછેલો, અને એમનો જવાબ પણ એવો જ હતો, ‘અપવીત્ર હોય તે પવીત્ર થાય.’ પણ એમણે પણ અર્થની ખબર નથી એવું કહ્યું ન હતું. આ વખતે તો મને અર્થની જાણ હતી, એની પરીક્ષા માટે જ મેં પુછેલું, જેમાં એ નીષ્ફળ નીવડ્યા હતા.

હું તો સંસ્કૃત માત્ર હાઈસ્કુલનાં ત્રણ વર્ષો દરમીયાન જ ભણ્યો છું. અને એ પણ ઘણાં  વર્ષો પહેલાં, (એ વર્ષો એટલે 1953થી 1956નાં વર્ષો) આથી અન્વય કરવાથી સંસ્કૃતના શ્લોકોનો અર્થ નીકળી શકે તે વાત હું ભુલી ગયો હતો. એ હકીકત મને અહીં વેલીંગ્ટનમાં જ રહેતા રમેશભાઈ જેમણે મુખ્ય વીષય ગુજરાતી અને પેટા વીષય સંસ્કૃત સાથે એમ.એ. કરેલું તેમણે યાદ અપાવી હતી. આથી મને જે સમજાતું ન હતું તે सर्वावस्थाંगतोऽिप वा સમજવા માટે એમણે મને કહેલું કે અન્વય કરતાં सर्व अपि अवस्थान् गतः वा અર્થ નીકળી શકે છે.  सर्व अपि એટલે કોઈ પણ. “અથવા કોઈ પણ અવસ્થામાં મુકાયા હો” એવો અર્થ આ શબ્દોનો છે. અહીં સંસ્કૃત કાવ્યમાં અંત્ય પ્રાસ માટે वा શબ્દ છેલ્લે છે તે આપણે ગુજરાતીમાં ગદ્ય લખાણમાં અર્થ સમજવા માટે પહેલાં લેવો પડે.

આ શ્લોકનો અર્થ ખુબ જ મહત્ત્વ ધરાવે છે, આથી એને દરેક પુજાની શરુઆતમાં બોલવામાં આવે છે. આ પહેલાં કહ્યું તેમ પુજાની શરુઆતમાં જ એ બોલાતો હોવાથી અને  અપવીત્ર તથા પવીત્ર શબ્દો પહેલા જ આવતા હોવાથી અજ્ઞાન લોકોએ એને પવીત્રીકરણનો શ્લોક કહી દીધો. જાણે કે પાણીનો છંટકાવ કરવાથી જ જે અપવીત્ર હોય તે પવીત્ર થઈ જાય છે. ખરેખર એમ નથી.

સંસ્કૃતનો वा શબ્દ તો મહાભારતમાં  પાંડવ-કૌરવોના યુદ્ધ વખતે યુધીષ્ઠીરે પોતે સત્યથી ચ્યુત નથી થતા એવું આશ્વાસન લેવા કહેલું नरो वा कुंजरो वा એના કારણે બહુ જ જાણીતો છે. એને લઈને જ આપણે કેટલીક વખત કહીએ છીએ કે ‘એ તો નરો વા કુંજરો વા’ જેવું કરે છે. સંસ્કૃત ભાષાની કમનીયતા અહીં પણ જોઈ શકાશે. ગુજરાતીમાં તો नरो वा कुंजरो वा એટલે ‘ક્યાં તો નર અથવા હાથી’.

આ શ્લોકનો સામાન્ય શબ્દાર્થ અને પછી એનો વધુ વીગતવાર અર્થ જોઈએ.

“(તમે) અપવીત્ર હો કે પવીત્ર હો, અથવા કોઈ પણ અવસ્થામાં મુકાયા હો, પણ જે ભગવાનનું સ્મરણ કરે છે, તેનું આંતર બાહ્ય બધું જ શુદ્ધ અને પવીત્ર થઈ જાય છે.”

અપવીત્ર અને પવીત્ર શબ્દો તો સમજવાના સહેલા છે, પણ તમે કોઈ પણ અવસ્થામાં હો (સંસ્કૃતમાં શબ્દ છે गतः એનો ધાતુ છે गम  એટલે જવું) એટલે કે જઈ પડ્યા હો. અહીં અવસ્થા એટલે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, સ્વસ્થ અવસ્થા, અસ્વસ્થ અવસ્થા, સમૃદ્ધ અવસ્થા, ગરીબ અવસ્થા, સબળ અવસ્થા, નીર્બળ અવસ્થા વગેરે જે કંઈ તમે કલ્પી શકો તે અવસ્થા હોય, (પણ) જે પુંડીરીકાક્ષ એટલે ભગવાનનું સ્મરણ કરે છે, પણ ભગવાનનું સ્મરણ એટલે રામ, રામ, રામ જપવું તે? કે તમારા ઈષ્ટ દેવના નામનો જપ કરવો તે? મને નથી લાગતું કે એવા અર્થમાં અહીં સ્મરણ શબ્દ વપરાયો છે. હીન્દુ ધર્મની માન્યતા મુજબ જન્મ પહેલાં તો મનુષ્યને પોતે આત્મા છે અને પરમાત્માનો અંશ છે એનું સ્મરણ હોય છે, પણ જન્મતાંની સાથે જ એનું વીસ્મરણ થઈ જાય છે. ફરીથી જેને એનું સમરણ થાય છે તેનું આંતર-બાહ્ય બધું જ શુદ્ધ અને પવીત્ર થઈ જાય છે. સંસ્કૃત शुचि શબ્દમાં શુદ્ધ અને પવીત્ર એ બંને અર્થ રહેલા છે.

આમ અહીં પવીત્ર થવાની વાત તો છે, પણ પવીત્રીકરણ કરવાનો અર્થ તો નથી. પાણી છાંટીને કોઈ કોઈને પવીત્ર કરી શકતું નથી. માત્ર પાણી છાંટવાથી દેહ પણ શુદ્ધ થઈ જતો નથી. યોગ્ય રીતે સ્નાન કરવાથી દેહની શુદ્ધી થાય.

 

Advertisements

ટૅગ્સ:

2 Responses to “અપવિત્રઃ પવિત્રો વા”

  1. હરીશ દવે Says:

    સુંદર સમજૂતિ …. આપનું અર્થઘટન વિચાર પ્રેરક છે.
    .. હરીશ દવે

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હરીશભાઈ,
    આપની કૉમેન્ટ બદલ હાર્દીક આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: