વજન અને સ્વાસ્થ્ય

વજન અને સ્વાસ્થ્ય

બ્લોગ પર તા. 18-1-2017

 

 1.  સુર્યોદય પહેલાં ઉઠો

વહેલા સુઈ વહેલા ઉઠવાથી પૃથ્વીના 24 કલાકના ભ્રમણ સાથે તાલમેળ બેસે છે, આથી જે ઉંઘ મળે તે વધુ આરામદાયક હોય છે. આ પ્રકારની ઉંઘ આપણા શરીરમાં થયેલી ભાંગફોડને યોગ્ય રીતે મરામત કરી શકે છે. આથી વધુ તાજગી અનુભવાય છે.

 1.  સવારમાં ઉઠીને ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીઓ

એનાથી ખોરાકના પાચન પછી પેદા થયેલા નકામા પદાર્થો પાચનમાર્ગમાંથી દુર થશે અને પાચનમાર્ગ ચોખ્ખો બની જશે. વળી એક લીંબુના રસમાંથી 30 મી.ગ્રા. વીટામીન સી મળે છે. પુરુષોને રોજના 90 મી.ગ્રા. ની જરુર પડે છે અને સ્ત્રીઓને 75 મી.ગ્રા.. જે લોકો વધુ વીટામીન સી લે છે તેમની પાચનશક્તી વધુ સારી રહે છે. વળી લીંબુનો રસ રોગપ્રતીકારક શક્તી વધારે છે અને શરદી અને ફ્લ્યુ સામે રક્ષણ આપે છે. લીંબુ જંતુનાશક છે, જે બૅક્ટેરીયા અને વાઈરસ બંનેનો નાશ કરે છે. એમાં પોટેશ્યમ અને મેગ્નેશ્યમ હોવાથી માનસીક શક્તી વધારે છે, આથી ડીપ્રેશન અને સ્ટ્રેસ દુર થશે. લીંબુમાં રહેલ એન્ટીઑક્સીડન્ટ કેટલાક પ્રકારનાં કેન્સર સામે રક્ષણ આપે છે.

 1.  માથા પર તથા શરીરે કોપરેલનું માલીશ કરો

કોપરેલમાં સંપૃક્ત ચરબી બહુ મોટા પ્રમાણમાં હોવા છતાં વજન ઘટાડવામાં એ ઉપયોગી ગણાય છે. એનું કારણ એમાં રહેલ મધ્યમ બાંધણીના ફેટી એસીડ છે. આ ફેટી એસીડ લંબાણવાળા ફેટી એસીડ કરતાં સરળતાથી પચી જાય છે, એમાંની શક્તી સરળતાથી અને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, વળી એની ચરબી શરીરમાં જમા થતી નથી. આથી વજન ઘટાડવા માલીસ ઉપરાંત આહારમાં પણ કોપરેલનો સમાવેશ કરવો જોઈએ.

 1.  સવારે આખા શરીરની ચામડી પર બ્રશ કરો

ચામડી પર બ્રશ કરવાથી લોહીનું પરીભ્રમણ વધુ થાય છે અને નકામા પદાર્થોનો ઝડપથી નીકાલ થાય છે. ખાસ કરીને થાપા અને કમરની ચામડી નીચે અમુક પ્રકારનો એકઠો થયેલો કચરો સરળતાથી દુર થતો નથી. સુકું બ્રશ કરવાથી આ કચરો દુર કરી શકાય છે. એનાથી ચામડી નીચે આંતરીક માલીશ થાય છે. એ માટે સાવ નરમ પણ લાંબા હાથાવાળું બ્રશ લેવું અને દીવસમાં એક વાર વહેલી સવારે સ્નાન પહેલાં બ્રશ કરવું. પણ જો તમને બહુ ઠીક લાગતું ન હોય તો દીવસમાં બે વખત બ્રશ કરવાથી અવશ્ય લાભ થશે.

 1. તલના તેલનું પાંસળીના નીચેના ભાગે માલીશ કરવું

એનાથી પાચનશક્તી સુધરે છે. આમ તો આખા શરીરે તલના તેલનું માલીશ કરવાથી અદ્ભુત ફાયદા થાય છે. એનાથી લોહીનું ભ્રમણ વધવાથી શરીર હલકું થાય અને સ્ફુર્તીનો અનુભવ થાય છે, સારી ઉંઘ આવે છે, અને સ્ટ્રેસ દુર થાય છે. આથી જે બહેનોને સ્ટ્રેસને લીધે માસીક અનીયમીત રીતે આવતું હોય તેમને તેમાં લાભ થાય છે. ત્વચા ચમકીલી અને મુલાયમ બને છે.

 1.  મીઠાવાળા નવશેકા પાણી વડે નસકોરાં સાફ કરવાં

એ માટે નેતી લોટાનો ઉપયોગ કરી શકાય, અથવા બીજી રીતે નાકે પાણી ચડાવી મોં વાટે બહાર કાઢી શકાય. એનાથી માથું પણ હળવું ફુલ થઈ જાય છે અને સાઈનસની સમસ્યા રહેતી નથી. નેતી માટેનું પાણી નળમાંથી ન લેવું, કેમ કે એમાં જે બૅક્ટેરીયા કે અન્ય જીવાણું હોય તેનો ચેપ લાગી શકે. પીવામાં તો હોજરીમાંના એસીડથી એ નાશ પામે. નેતી માટે પાંચ મીનીટ ઉકાળેલું પાણી, ડીસ્ટીલ્ડ પાણી, કે મીઠું નાખેલું પાણી વાપરી શકાય. (હું મીઠું નાખેલું પાણી વાપરું છું. -ગાંડાભાઈ)

 1. સવાર-સાંજ 30 મીનીટ યોગાસન કરો

જોગીંગ, તરવું કે સાઈકલીંગ જેવી કસરત અને યોગ કરવાથી શરીર આમતેમ વાળવામાં સરળતા રહે છે, બેલેન્સ જાળવી શકાય તેમ જ શક્તી જળવાઈ રહે છે.

 1. પ્રાણાયામ – 10 મીનીટ

કંઈ નહીં તો દસ મીનીટ સુધી તો પ્રાણાયામ કરવા જોઈએ. એનાથી શરીરમાં સ્ફુર્તી રહેશે, માનસીક સમતુલા જળવાઈ રહેશે, પેટની ચરબી વધી જશે નહીં અને પાચનશક્તી સુધરશે.

પ્રાણાયામ હંમેશાં સવારમાં ખાલી પેટે અથવા ચા-કોફી પછી 15 મીનીટ બાદ નાહીને કરવા. જમીન પર સાદડી પાથરી પદ્માસનમાં સીધા બેસવું. બને તેટલો ઉંડો શ્વાસ ધીમે ધીમે લો અને સરળતાથી રોકી શકાય ત્યાં સુધી રોકી રાખો. શ્વાસ બહાર કાઢતી વખતે શ્વાસ લેતી વખતે લીધેલા સમય કરતાં બમણો સમય લેવો. આ એક પ્રાણાયામ થયો. એવા 3થી 10 પ્રાણાયામ કરવા. એક પ્રાણાયામ 2 મીનીટથી વધુ હોવો ન જોઈએ. જો પ્રાણાયામ કરતાં ચક્કર આવવા લાગે કે શ્વાસોચ્છ્વાસમાં તકલીફ પડે તો તરત જ અટકી જવું.

 1. ધ્યાન-મેડીટેશન

20-20 મીનીટ સવાર-સાંજ ધ્યાન કરવાથી સ્ફુર્તીમાં વધારો થાય છે અને માનસીક સ્વસ્થતા મળે છે.

 1. એક પણ સમયનું ભોજન છોડી ન દેવું, પણ ભુખ લાગે ત્યારે ખાવું

જ્યારે એકાદ ટંકનું ભોજન જતું કરવામાં આવે છે ત્યારે પાચનક્રીયા ખોરવાઈ જાય છે. યોગ્ય રીતે પાચનની અને ચયાપચયની ક્રીયા માટે ત્રણ ટંક ભોજન અને બે વખત નાસ્તો કરવો જોઈએ. દીવસ દરમીયાન ભુખ્યા રહેવામાં આવે અને પછી એક જ વખત ખાવાથી વધુ પડતું ખવાય છે. એનાથી પાચન અને ચયાપચયની ક્રીયામાં જે ગરબડ પેદા થાય છે તેથી લોહીમાંના ગ્લુકોઝનું સ્તર ખોરવાઈ જતાં ઈન્સ્યુલીન પેદા થવામાં વીક્ષેપ પડે છે. આ સ્થીતી લાંબો સમય ચાલુ રહે તો ડાયાબીટીસ થઈ શકે. (પશ્ચીમના દેશોમાં પ્રચલીત રુઢી મુજબ પાંચ વખત ખાવાનું કદાચ બધી વ્યક્તીઓને અનુકુળ આવી ન શકે. વળી ઉંમર વધતાં પાચનશક્તી નબળી પડે આથી પોતાની પાચનશક્તી મુજબ આહારનું પ્રમાણ અને સંખ્યા પોતે નક્કી  કરે તે વધુ યોગ્ય ગણાય. -ગાંડાભાઈ)

 1.  દર વખતે મુખ્ય ભોજનની શરુઆત આદુના ટુકડાથી કરો

ભોજન પહેલાં આદુ ખાવાથી પાચનશક્તી સતેજ બને છે. આદુનો રસ અને લીંબુનો રસ મીક્સ કરીને પણ લઈ શકાય અથવા આદુનું અથાણું પણ લઈ શકાય.

 1. વીરોધી ખાનપાન

જ્યારે બે કે ત્રણ આહાર દ્રવ્યો અલગ અલગ સ્વાદ, પ્રકૃતી અને વીપાક ધરાવનારાં હોય ત્યારે તેને સાથે ખાવાથી પાચકાગ્ની પર વધુ પડતો બોજો આવી પડે છે. આથી પાચકરસોનો યોગ્ય સ્રાવ થતો નથી અને ઝેરી પદાર્થો પેદા થાય છે.

વીરોધી ખાનપાન નીચે મુજબ છે:

દુધ સાથે: કેળાં, ખજુર, લીંબુ, પપૈયાં, વગેરે ફળો; અને ગોળ, લસણ, ડુંગળી, મુળા, ગાજર, તુલસી, આદુ, દહીં, છાસ, કઢી, ઢોકળાં, અથાણાં, માંસ, મચ્છી, ઈંડાં, કોડલીવર ઑઈલ વગેરે વીરુદ્ધ આહાર છે.

દહીં સાથે: ગોળ, દુધ, મુળા અને કેળાં વીરુદ્ધ છે.

ગોળ સાથે: મુળા, તેલ, લસણ, અડદ, દુધ, દહીં વીરુદ્ધ છે.

ઘી અને મધ સાથે લેવાનાં હોય તો સરખા ભાગે ન લેવાય. ક્યાં તો ઘી બમણુ કે મધ બમણુ લેવું.

બીજા એક અભીપ્રાય મુજબ વીરોધી ખાનપાન નીચે મુજબ છે:

આ વસ્તુ આની સાથે ન ખાવી
કઠોળ ફળ, ચીઝ, ઈંડાં, મચ્છી, દુધ, દહીં, માંસ
ઈંડાં ફળ-ખાસ કરીને તરબુચ, સકરટેટી જેવાં, કઠોળ, ચીઝ, મચ્છી, દુધ, દહીં, માંસ
ફળ ખરી રીતે કોઈ પણ વસ્તુ સાથે સીવાય કે ખજુર અને દુધ જે રસ, વીર્ય અને વીપાકમાં સરખાં જ હોય છે.
અનાજ ફળ, સાબુદાણા
મધ ઘી સાથે સમાન વજને નહીં, ઉકાળેલું કે રાંધવામાં મધ નહીં
હોટ ડ્રીન્ક્સ કેરી, ચીઝ, મચ્છી, માંસ, દહીં

 

 1.  ભોજન સાથે ગરમ પાણી

જમતી વખતે થોડું થોડું ગરમ પાણી પીતા રહેવાથી પાચનક્રીયાને વેગ મળે છે, કીડનીના કાર્યને મદદ મળે છે, લોહીમાંની શર્કરા પર નીયમન રહે છે અને ગળ્યુ ખાવાની ઈચ્છા પર કાબુ રહે છે. પરંતુ જમતી વખતે વધુ પડતુ પાણી પીવું નહીં, કેમ કે એથી પાચકરસો મંદ થવાથી લાભને બદલે નુકસાન થશે. જો તમે કોઈ અદ્ભુત ઉત્તમ પીણાની શોધમાં હશો તો નીરાશ થશો. ગરમ પાણી જ એક માત્ર એવું પીણુ છે. યોગ્ય પ્રમાણમાં ગરમ પાણી પીતા રહેવાથી જરુરી એવી શરીરની બધી પ્રકીયાઓ વેગવંતી બને છે.

 1.  સૌથી અગત્યનું – વધુમાં વધુ ભોજન બપોરે અને સાંજનું માત્ર હળવું અને સુપાચ્ય

હાલમાં થયેલાં સંશોધનો અનુસાર શરીરનું યોગ્ય વજન જાળવી રાખવા માટે દીવસ દરમીયાન 2-3 વાર ભોજન કરવું જોઈએ. એનાથી રોગો સામે રક્ષણ મળશે અને ઉંમરમાં પણ વધારો થશે. જો કે કેટલી વાર અને કેટલું ખાવું તે ઉંમર, સ્વાસ્થ્ય અને બીજી કેટલીક બાબતો પર આધાર રાખે છે. પણ થોડું થોડું અવારનવાર ખાવાથી જરુર કરતાં વધુ ખવાઈ જાય છે. કેમ કે એમાં ખાવાની ઈચ્છા સતત થતી રહે છે, એ રીતે વજન ઘટાડવામાં એ સહાયક નથી.

 1.  થોડું ઘી પણ ખાવું જોઈએ

આયુર્વેદ અનુસાર ઘી ખાસ કરીને પાચકાગ્નીને સતેજ કરે છે. ઘી જ માત્ર એવી ચરબી છે જે પાચનશક્તી વધારે છે. વળી ઘી ઘણું સુક્ષ્મ હોવાથી એ કોષોની અંદર ઉંડે સુધી પ્રવેશ કરી જાય છે અને એ રીતે લુબ્રીકેશનનું કામ કરે છે અને ઠંડક પહોંચાડે છે.

ઘી એ દુધમાંની શુદ્ધ ચરબી છે. એમાં સંપૃક્ત અને અસંપૃક્ત (saturated and unsaturated) ચરબીના મીશ્રણનું બેલેન્સ છે. એમાંની સંપૃક્ત ચરબી પણ ટુંકી ચેનના ફેટી એસીડ છે. આથી નુકસાનકર્તા નથી. આ વાત ગાયના ઘીની છે.

 1.  કુદરતી આખાં આહારદ્રવ્યોને રાંધીને ઉપયોગમાં લો

ખોરાક રાંધીને ખાવાથી પાચકાગ્નીને અદ્ભુત સહાય થાય છે, જે પાચનક્રીયા માટે અત્યંત ઉપયોગી બાબત છે.

સામાન્ય ખ્યાલ એવો છે કે રાંધ્યા વીનાના આહારમાં કુદરતી પોષક તત્ત્વો અને પાચકરસ ઉત્તેજીત કરનાર પદાર્થો વધુ હોય છે. પણ આયુર્વેદ અનુસાર ખાસ કરીને ચરક સંહીતા મુજબ રાંધેલો ખોરાક ઘણી સરળતાથી પચી જતો હોવાથી તથા પ્રાણ (મુળ જીવનશક્તી) પ્રોત્સાહક હોવાથી એ જ ઉત્તમ છે.

 1.  10 મીનીટ વરાળનો બાફ લો

અઠવાડીયામાં એક કે બે વખત નીલગીરી તેલ નાખી વરાળનો બાફ લો. ખાસ કરીને જો તમારું નાક બંધ થઈ ગયું હોય કે શ્વાસની કોઈ સમસ્યા હોય તો આ ઉપાય ઘણો કામનો છે. વળી ચહેરાનું સૌંદર્ય વધારવા માટે પણ બાફ લઈ શકાય. એનાથી ચામડી નીચે એકઠો થયેલો કચરો નીકળી જવાથી ખીલ પણ થતા નથી, અને થયા હોય તો મટી જાય છે.

 1.  ગાજર, બીટ અને કાકડીનો રસ પીઓ

10 ભાગ ગાજર, 3 ભાગ બીટ અને 3 ભાગ કાકડી (વજન અનુસાર) લઈ એક ગ્લાસ જેટલો રસ કાઢીને પીવો જોઈએ.  સવારે કશું ખાધા પહેલાં કે સવારનો નાસ્તો પચ્યા પછી કે બપોર પછી, પણ બપોરનું જમણ પચ્યા પછી પી શકાય.

 1.  દીવસમાં બે વખત ચ્યવનપ્રાશ લો

ચ્યવનપ્રાશ રોગો સામે રક્ષણ આપતું ઉત્તમ પ્રકારનું ઔષધ છે. એમાં સારા પ્રમાણમાં વીટામીન સી અને બીજા એન્ટી ઑક્સીડન્ટ હોય છે. એના પાઠમાં મુખ્ય ઘટક આમળાં હોય છે જે વીટામીન સીનો ભંડાર છે. આ ઉપરાંત એમાં બીજાં 40 ઔષધો હોય છે, જે બધાં સારી જાતનાં એન્ટી ઑક્સીડન્ટ છે. આથી એ રોગપ્રતીકારક શક્તીમાં વધારો કરે છે.

 1.  રાત્રે સુતાં પહેલાં ત્રીફળા લો

સુતાં પહેલાં ત્રીફળા લેવાથી પાચનમાર્ગ સ્વચ્છ થાય છે. ત્રીફળામાં હરડે, આમળાં અને બહેડાં સમાન ભાગે મેળવવામાં આવે છે.

ટૅગ્સ:

2 Responses to “વજન અને સ્વાસ્થ્ય”

 1. vijay Says:

  pachan mate su karavu joia
  pachan khub j ochhu thay chhe
  ayurvedik stor ma mali rahe tevi dava lakhi apavi
  vajanvadharava ni dava lakhi apavi vajsn khub ochho chhe
  pls aldi ans apavo

 2. ગાંડાભાઈ વલ્લભ Says:

  ભાઈ શ્રી વિજયભાઈ,
  તમારા બંને પ્રશ્નના જવાબ મારા બ્લોગમાંથી મળશે. એ માટે નીચેની ત્રણ લીન્ક આપું છું એ ખોલવા વીનંતી. એમાં જણાવેલ કોઈ પણ ઉપચાર કરતાં પહેલાં એ તમને અનુકુળ છે કે કેમ તેની ખાતરી તમારા આરોગ્ય ચીકીત્સક સાથે કરી લેવી. આયુર્વેદમાં એક જ તકલીફ માટે ઘણા ઈલાજ આપવામાં આવે છે, કેમ કે દરેકની પ્રકૃતી અલગ હોય છે માટે બધાને એક સરખો ઈલાજ કામ આવી ન શકે. વળી એક જ તકલીફ પાછળ અલગ અલગ કારણો હોઈ શકે. આથી કયા કારણથી તકલીફ છે તે જાણીને ઈલાજ કરવાનો રહે. દા.ત. નબળા પાચનનાં ઘણાં કારણો હોય છે. કયા કારણથી પાચન નબળું છે તે જાણીને ઉપાય કરવાનો રહે.
  નીચેની લીન્ક પર ક્લીક કરો:
  વજન વધારવા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/09/
  પાચન http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/29/
  પાચનચુર્ણ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2009/06/06/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: