સ્વસ્થ દીર્ઘ જીવનની ચાવી

સ્વસ્થ દીર્ઘ જીવનની ચાવી

(બ્લોગ પર તા. ૬-૫-૨૦૧૭)

આ એક સાદું સમીકરણ જુઓ: દીર્ઘ જીવન + સુંદર સ્વાસ્થ્ય = સાચું સુખ

આ હકીકત દેખીતી રીતે જ સરળ અને સમજાય તેવી છે. વર્ષોનાં વર્ષો સુધી જીવ્યા તો કરીએ પણ રોગોની પીડા ભોગવતાં જીવીએ તો તે આપણા પોતાના માટે અને પરીવાર માટે પણ બોજારુપ અને પીડાકારી નીવડે. આજે દરેકને માટે ૧૦૦ વર્ષ કે તેથી પણ વધુ સ્વસ્થ રીતે જીવવાની પુરી શક્યતા છે. આજનો મંત્ર છે સફળતા પુર્વકનું દીર્ઘ જીવન, જેમાં સુંદર સ્વાસ્થ્ય, સ્વાતંત્ર્ય અને સતત આનંદનો સમાવેશ થાય છે. આપણે કેટલું જીવીશું એનો આધાર ૩૦% આપણને મળેલા જીન્સ પર રહે છે, અને ૭૦% આપણી પોતાની જીવનશૈલી પર રહે છે. એટલે કે આપણે કેટલું જીવવું છે એની બહુ જ મોટી જવાબદારી આપણા પોતાના ઉપર રહેલી છે.

તો દીર્ઘ સ્વસ્થ જીવન માટે શું કરવું જોઈએ?

સૌ પ્રથમ આપણો અહાર. સામાન્ય રીતે આપણે સવારમાં ચા કે કોફી પીતા હોઈએ છીએ. પણ સ્વાસ્થ્યની દૃષ્ટીએ શરુઆત ગ્રીન ટી (એટલે લેમન ગ્રાસ નહીં)  લઈને કરવી જોઈએ. એમાં સારા પ્રમાણમાં એન્ટીઑક્સીડન્ટ હોય છે, જે આપણી તબીયત માટે ઘણું સારું છે. જો કે એક જ ધડાકે આપણા આહારમાં આપણે ફેરફાર કરી ન શકીએ, પણ ધીમે ધીમે એ બદલાવ લાવવો જોઈએ. સવારના નાસ્તામાં ધારોકે પહેલો એક ફેરફાર ચા કે કોફીમાં કરી શકાય. પછી સવારે જો તળેલી વાનગી કે રાંધેલી વાનગી લેતા હો તો તેને બદલે સુકો મેવો લેવો જોઈએ.

ભોજનમાં સફેદ પોલીશ કરેલા ચોખાને બદલે હાથછડના ચોખા, માંસને બદલે મચ્છી, બટર ન લેતાં ઓલીવ ઓઈલ, મીઠાઈને બદલે ફળફળાદી અને સોડા-લેમન ન પીતાં સાદું પાણી પીવું. આ પ્રકારના ફેરફાર જીવનની લંબાઈ વધારવામાં બહુ જ મોટો ભાગ ભજવશે. ખાંડ કે ગોળને બદલે જટીલ કાર્બોહાઈડ્રેટ, શાકાહારી પ્રોટીન, અને સ્વાસ્થ્યવર્ધક અસંપૃક્ત ફેટની પસંદગી હંમેશાં કરવી જોઈએ.

આ સાથે આહારના પ્રમાણની પણ કાળજી રાખવી પડે. આપણે ઘણુંખરું જરુર કરતાં વધુ ખાઈ લેતા હોઈએ છીએ. ખરેખર ભુખ હોય તેના કરતાં થોડું ઓછું ખાવું જોઈએ. શરુઆત સાંજના જમણથી કરી શકાય. દરરોજ ખાતા હો તેના કરતાં સાંજે ઓછું ખાવાનું શરુ કરો. અગાઉ કહ્યું તેમ ફેરફાર ધીમે ધીમે થાય. આ પછી નાસ્તાનું પ્રમાણ અને બપોરના જમણમાં ઘટાડો કરી શકાય. જો કે એ સાથે જરુરી વીટામીન, મીનરલ અને બધાં પોષક તત્ત્વો મળી રહે તે પણ જોવું જોઈએ. આથી ખાવાનું પ્રમાણ ઘટાડીએ પણ બધાં તત્ત્વો મળી રહે એવી વીવીધતા જળવાવી જોઈએ. આહારનું પ્રમાણ ઘટાડતાં એની સારી અસર બ્લડપ્રેશર, ડાયાબીટીસ, કોલેસ્ટરોલ અને યોગ્ય વજન જાળવી રાખવા પર પણ થાય છે.

ત્રીજી બાબત સક્રીય રહેવાની છે. એ આપણને જે રીતે અનુકુળ હોય તે રીતે કરી શકાય. લીફ્ટને બદલે દાદરાનો ઉપયોગ કરવો, કામ પર ચાલતા જવું કે બસમાંથી બેએક સ્ટોપ વહેલા ઉતરી જઈ ચાલવું. બાળકો સાથે થોડી દોડધામ કરવી. અડધા કલાક સુધી શ્વાસોચ્છ્વાસ વધી જાય એવી કોઈ પણ પ્રવૃત્તી દરરોજ કરવી. એની માનસીક સ્વાસ્થ્ય ઉપર સારી અસર પડશે ઉપરાંત બ્લડપ્રેશર, બ્લડસુગર અને એવી ઘણી બધી સમસ્યામાં પણ સારો લાભ થશે. આધેડ વયે વધુ સક્રીય રહેવાનું શરુ કરવાથી પણ જીવન લંબાતું હોવાનું જોવામાં આવ્યું છે.

માંદગીને આમંત્રણ આપવામાં અને જીવન ટુંકાવવામાં ફ્રી રેડીકલ્સ નામના શરીરમાં પેદા થતા અણુઓ આપણા સ્વસ્થ કોષોને જે નુકસાન કરે છે તે મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ફ્રી રેડીકલ્સ સામે આપણને રક્ષણ આપે છે એન્ટીઑક્સીડન્ટ. એ રંગીન ફળફળાદી અને શાકભાજીમાં સારા પ્રમાણમાં હોય છે. વીટામીન એ, સી અને ઈ, સીલેનીયમ અને ઝીન્કમાં પણ એન્ટીઑક્સીડન્ટ હોય છે. અલઝાઈમરના દર્દીઓના મગજના કોષોને તથા વૃદ્ધાવસ્થાને લીધે મગજના કોષોને ફ્રી રેડીકલ્સ દ્વારા નુકસાન થયેલું જોવા મળે છે. આથી જીવાદોરી લંબાવવાની ઈચ્છા રાખનારે શાકભાજી, ફળો તથા અહીં નીર્દેશીત આહારતત્ત્વો લેવાં જોઈએ.

અરસપરસના સંબંધોની કાળજી: સુખી લગ્નજીવન માણનારા પુરુષો અવીવાહીત કે એકલવાયા પુરુષો કરતાં સરેરાશ ૬ વર્ષ વધુ જીવે છે. પતીને એના પોતાના શરીરની કાળજી રાખવા માટે પત્નીઓ હંમેશાં ચેતવતી રહે છે. પતીપત્નીના અરસપરસના સંબંધો લાંબું જીવવામાં સહાયક બને છે. તમારાં પેરેન્ટ્સ, ગ્રાન્ડપેરેન્ટ્સ કે ફેમીલી સાથે આનંદપ્રમોદ કરવા માટે ફાધર્સ ડે કે મધર્સ ડેની રાહ ન જુઓ. કોઈ પણ બહાને કે તહેવારો ઉજવવાના બહાને એમને ત્યાં પહોંચી જાઓ – જો તમારે બધાંએ લાંબું આયુષ્ય ભોગવવું હોય તો. જુના મીત્રો સાથે રમતો રમો, ગપ્પાં મારો. તમારાં બાળકો કદાચ પરદેશ હોય, પણ આજે સંપર્કમાં રહેવા માટે અંતર આડે આવતું નથી. એમની સાથે બને તેટલો સંપર્ક ચાલુ રાખો.

તમારા શરીરની જરુર પ્રમાણેની કાળજી લો. ઠંડી ગરમીમાં શરીરને રક્ષણ મળે તે મુજબનાં કપડાં પસંદ કરો. શીયાળામાં યોગ્ય તે તેલ વડે માલીશ કરવી. તડકામાં ચામડીના રક્ષણ માટે જરુરી કાળજી લેવી. શરીરનો દેખાવ સુંદર રાખવાથી મન આનંદમાં રહેશે જેની આપણા આયુષ્ય પર પોઝીટીવ અસર જોવા મળશે.

સ્મૃતીભ્રંશ (અલઝાઈમર્સ)ના દોષથી બચવા માટે માનસીક રીતે સક્રીય રહેવું. શબ્દવ્યુહ, સુડોકુ જેવામાં રસ લેવો કે કોઈ નવી ભાષા કે કંપ્યુટર કે કંઈ પણ નવું શીખવાના વર્ગમાં જોડાવું. ચેસ કે કાર્ડની રમતમાં પણ મગજને કસી શકાય.

સંશોધકોએ જોયું છે કે નવરાશના સમયનો કોઈને કોઈ પ્રવૃત્તીમાં ઉપયોગ કરવાથી, તે પછી માત્ર મીત્રોને મળવામાં કે મુવી જોવામાં કેમ ન હોય, સ્મૃતીભ્રંશથી બચી શકાય છે. ઉપરાંત શારીરીક કસરત અને એન્ટીઑક્સરીડન્ટથી ભરપુર આહાર પણ મગજને સતેજ રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે.

ઉપર તેલમાલીશ વીશે કહ્યું છે, એનો બીજો લાભ સ્ટ્રેસ દુર કરવાનો પણ છે. સ્ટ્રેસ દુર કરવા માટે શ્વાસોચ્છ્વાસના પ્રાણાયામ, હાસ્ય અને સારી નીંદર પણ લાભદાયક સાબીત થશે. એનાથી મગજ શાંત અને સતેજ રહેશે.

જો વૃદ્ધાવસ્થામાં તમારે આર્થીક રીતે કોઈના ઓશીયાળા ન થવું હોય અને શાંતીથી સુખે સ્વતંત્ર રીતે જીવવું હોય તો પહેલેથી જ બચત કરવાનું શરુ કરવું. એ બચત કંઈ તમારા વંશજોને મોટો વારસો આપવા માટે નહીં, પણ તમે એને સારા સ્વાસ્થ્યવર્ધક આહાર, જરુરી દવાદારુ અને તબીયતની કાળજીમાં વાપરી શકો એ માટે. શક્ય છે કે કદાચ તમે દુનીયા ફરવા માટે પણ એનો ઉપયોગ કરવાનું વીચારો.

લાંબું અને સુખી રીતે જીવવા માટે ડૉક્ટર પાસે નીયમીત ચેકઅપ કરાવવું જરુરી છે. આપણે કેટલીક વેળા આ બાબતમાં બેદરકાર થઈ જઈએ છીએ. ઘણી બધી સમસ્યાઓ, હૃદયની કે કેન્સર જેવા પ્રોબ્લેમ જો શરુઆતમાં જ જાણવામાં આવી જાય તો એમાંથી સંપુર્ણપણે સારા થઈ શકાય છે. એવું જોવામાં આવે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ ડોક્ટર પાસે વધુ જાય છે, અને કદાચ તેથી જ પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ લાંબું જીવે છે. 100 વર્ષની ઉંમર ધરાવતાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ 8:1નું છે. (આ સરખામણી અમેરીકાની છે.)

 

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: