ફરીથી યુવાન થવા માટે

ફરીથી યુવાન થવા માટે

મહેન્દ્રભાઈ ઠક્કર દ્વારા મને એક ઈમેલ મળી હતી: The Fountain of Youth એના આધારે ગુજરાતીમાં ટુંકો સાર -સૌજન્ય પીટર કેલ્ડર

વૃદ્ધોએ યુવાન થવું હોય તો શરીરનાં સાત ચક્રો ફરીથી એની સ્વાભાવીક ગતીમાં ચાલુ થાય એ માટેની કસરત કરવી જોઈએ, જેને બૌદ્ધ પરંપરામાં એક પ્રકારની ધાર્મીક સાધના ગણવામાં આવે છે.

આ સાત ચક્રો સાત નલીકાવીહીન ગ્રંથીઓ પર અસર કરે છે. એનાં સ્થાન અને જેના પર અસર કરે છે તે ગ્રંથીઓ નીચે મુજબ છે.

  1 2 3 4 5 6 7
ચક્ર મુલાધાર સ્વાધીષ્ઠાન મણીપુર અનાહત વીશુદ્ધ આજ્ઞા સહસ્રાર
સ્થાન સીવની કામેન્દ્રીય નાભી હૃદય કંઠ લલાટ મગજ
ગ્રંથી અંડકોશ સ્વાદુપીંડ એડ્રીનલ થાઈમસ થાઈરોઈડ પીનીઅલ પીચ્યુટરી

આ બધાં ચક્રો જો એકસરખી ઝડપી ગતીએ ફરતાં રહે તો શરીર તંદુરસ્ત રીતે કાર્ય કરે છે. જ્યારે કોઈ એક કે વધુ ધીમું પડી જાય ત્યારે વૃદ્ધત્વ શરુ થાય છે, અને આરોગ્ય કથળે છે. આથી ફરીથી આ ચક્રોને એની કુદરતી ગતીએ ફરતાં કરવાથી આરોગ્ય, શક્તી અને યુવાની પાછી મેળવી શકાય. આ માટે પાંચ સાદી કસરતો છે. કોઈ એક જ કસરતથી પણ લાભ મળી શકે, પરંતુ પુરો લાભ મેળવવા માટે પાંચે પાંચ કસરત કરવી જોઈએ. ઉપર કહ્યું તેમ આ એક ધાર્મીક સાધના ગણાય છે, આથી આપણે એને સાધના કહીશું.

સાધના 1

સાધના1

હાથ બંને બાજુ જમીનને સમાંતર લાંબા કરીને ટટ્ટાર ઉભા રહી ડાબેથી જમણે (ઘડીયાળના કાંટાની દીશામાં) ફેરફુદરડી ફરવા માંડો. સાધારણ ચક્કર આવવાનાં શરુ થાય ત્યારે ફરવાનું બંધ કરી દેવું. પહેલવહેલા આ સાધના શરુ કરો તો વધુ પડતી કરવાનો પ્રયત્ન ન કરવો. મોટા ભાગના વૃદ્ધો વધારેમાં વધારે છ વખત પહેલી વખતે ફરી શકે છે. જો ચક્કર આવવાને લીધે તમને બેસી પડવા કે સુઈ જવા જેવું લાગે તો અવશ્ય તેમ કરવું. શરુઆતમાં તો જરાતરા ચક્કર આવવા જેવું લાગે ત્યાં સુધી જ આ કસરત કરવી. સમય જતાં પાંચે સાધનાની પ્રેક્ટીસ પછી ચક્કર આવ્યા વીના વધારે ફેરા ફરી શકાશે. આમ છતાં એક ચેતવણી યાદ રાખવી. આ સાધના વધારેમાં વધારે ૨૧ ફેરાની જ છે. વધુ પડતા ફેરા ફરવાથી એની વીપરીત અસર થાય છે. કેમ કે ચક્રોની ગતી અતીશય થયા પછી એની ક્ષમતા તેઓ ગુમાવી દે છે.

સાધના 2

સાધના 2

આ સાધના પણ સરળ જ છે. જમીન પર ચત્તા સુઈ જાઓ. એ માટે લગભગ 60 સે.મી. પહોળું અને બે મીટર લાંબું એક જાડું પાથરણું રાખવું, એને કારપેટ પર પાથરવું, જેથી ફ્લોરની ઠંડક શરીરને ન લાગે.

ચત્તા સુઈને બંને બાજુ હાથને શરીરને સમાંતર લંબાવો. હથેળીને ફ્લોર પર દાબી રાખો. આંગળાં એકબીજાંને અડેલાં રાખો. હવે માથું ઉંચકી હડપચીને છાતી સાથે અડાડી દો. એની સાથે બંને પગ ઘુંટણને સીધાં રાખી ઉંચકતા જઈ કાટખુણો બનાવો. પગને બની શકે તેટલા વધુ શરીર ઉપર માથા તરફ લઈ જાઓ, (આ હલાસન નથી, કેમ કે આ સાધનામાં માથું ફ્લોરને અડેલું નહીં, પણ હડપચીને છાતી સાથે દબાવી રાખવા માટે ઉંચું કરેલું હોય છે.) પરંતુ ઘુંટણ વાળશો નહીં. પછી માથું અને પગ ધીમે ધીમે ફ્લોર પર ઘુંટણ વાળ્યા સીવાય લઈ જાઓ. શરીરને ઢીલું છોડી દો. ફરીથી આ જ પ્રમાણે કરો. જો તમે ઘુંટણ સીધાં રાખી શકો નહીં તો જરુર જણાય તેટલાં વાળીને સાધના કરવી, પણ ધીમે ધીમે વાળ્યા વીના કરવાની કોશીશ કરવી.

પગ ઉંચકતી વખતે ધીમે ધીમે પુરેપુરો શ્વાસ લેતા જવો અને પાછા મુકતી વખતે શ્વાસ છોડવો. શ્વાસ લેવાની અને છોડવાની ક્રીયા બને તેટલી ધીમી પણ પુરેપુરી રીતે કરવી. એટલે કે ફેફસાં પુરાં ભરવાની અને ખાલી કરવાની કોશીશ કરવી. આ અને બીજી બધી સાધના કેટલી વખત કરવી એને વીશે આગળ માહીતી આપવામાં આવી છે.

સાધના ૩

સાધના 3

સાધના 2 પછી તરત જ સાધના 3 કરવી જોઈએ. એ પણ ઘણી સરળ છે. બંને પગ વાળીને ઘુંટણ પર સીધા ઉભા રહો. બંને હાથ પાછળ થાપા પર રાખો.

હવે માથું નમાવી હડપચીને છાતી સાથે અડાવી દો. પછી માથું અને ડોક પાછળ બને તેટલી લઈ જાઓ. એ માટે પાછળ કરોડ નમાવી વળી શકાય તેટલા વાંકા વળો. એ વખતે ટેકા માટે હાથને થાપા પર રાખો. હવે મુળ સ્થીતીમાં પાછા આવી જાઓ. અને ફરીથી આ જ ક્રીયા કરો. અહીં પણ શ્વાસોચ્છ્વાસની ક્રીયા સાધના 2માં જણાવ્યા મુજબ કરવી.

સાધના 4

સાધના 4

આ સાધના પ્રથમ વખત કરતી વખતે થોડી મુશ્કેલ લાગશે, પણ એકાદ વીક પછી બીજી બધી સાધનાની જેમ જ સરળતાથી કરી શકાશે.

પગ સામે લંબાવી ફ્લોર પર બેસો. બંને પગ 30 સે.મી. જેટલા પહોળા રાખો. શરીરને સીધું ટટાર રાખી હાથની હથેળી હાથ શરીરને સમાંતર રહે તેમ ફ્લોર પર મુકો. ડોક આગળ નમાવી હડપચી છાતીને અડાડો. પછી ડોક પાછળ નમાવતા જઈ ઘુંટણ વાળી શરીરને ઉંચકો. હાથ સીધા જ રહેશે. શરીર પગના ઉપલા ભાગ સાથે સીધી રેખામાં ફ્લોરને સમાંતર રહેશે. બંને હાથ અને પગ સીધા અને એકબીજાને સમાંતર તથા ફ્લોર સાથે કાટખુણો બનાવશે. આ સ્થીતીમાં શરીરના એકેએક સ્નાયુને બને તેટલા તંગ કરો. છેવટે મુળ સ્થીતીમાં બેસતી વખતે શરીરને ઢીલું છોડી દો. ફરીથી આ ક્રીયા કરતાં પહેલાં જરુર હોય તેટલો આરામ કરો.

આ સાધનામાં પણ શ્વાસોચ્છ્વાસ મહત્વનો છે. શરીરને ઉંચકતી વખતે ઉંડો શ્વાસ લો, અને સ્નાયુઓને તંગ કરતી વેળા શ્વાસ રોકી રાખો. ધડ નીચું લાવતી વખતે શ્વાસ બહાર કાઢી ફેફસાં પુરેપુરાં ખાલી કરો. ફરીથી કરવા પહેલાં આરામની સ્થીતીમાં પણ આ પ્રકારે શ્વસન ચાલુ રાખવું.

સાધના 5

આ સાધનામાં તમે ફ્લોર પર ઉંધા હશો.

સાધના 5

બંને હાથની હથેળી ફ્લોર પર રાખી પગનાં આંગળાં વાંકાં વાળીને શરીરને ટેકો આપો. માત્ર પગનાં આંગળાં અને હથેળી જ ફ્લોરને અડેલી હશે. આ સાધના દરમીયાન બંને હાથ વચ્ચે અને બંને પગ વચ્ચે આશરે 30 સે.મી.નું અંતર રાખવું.

શરુઆતમાં બંને હાથ ફ્લોર પર સીધા કાટખુણે રાખો. આથી શરીર વળેલું રહેશે. એ સ્થીતીમાં ડોક બને તેટલી પાછળ લઈ જાઓ. પછી કમરને ઉપર તરફ વાળી શરીરને ઉંધા V જેવો આકાર આપો. એ સાથે હડપચીને આગળ લાવી છાતી સાથે અડાવી દો. હવે મુળ સ્થીતીમાં પાછા આવી જાઓ અને ફરીથી આ ક્રીયા શરુ કરો.

એક વીક પછી સરેરાશ વ્યક્તીને આ સાધના સૌથી વધુ સરળ લાગશે. એક વાર તમે આ સાધનામાં પારંગત થઈ જાઓ પછી ઉંચું કરેલ શરીર એકાએક લગભગ ફ્લોરને અડી જાય તેટલું નીચું લાવી દેવું, પણ ફ્લોરને અડવા દેવું નહીં. શરીર ઉંચું હોય ત્યારે અને નીચું કરો ત્યારે એમ બંને વખત સ્નાયુઓને ખેંચીને તંગ કરો. શરુઆતની સાધનામાં જેમ શ્વાસોચ્છ્વાસ કરવામાં આવે છે તેમ આ સાધનામાં પણ કરવા. શરીરને ઉંચકતી વખતે ઉંડો શ્વાસ લેવો અને નીચું કરતી વખતે શ્વાસ પુરી રીતે છોડી દેવો.

આ પાંચે સાધનામાં અકડી ગયેલા સ્નાયુઓ અને સાંધાઓને મદદ પહોંચે છે, પરંતુ એનો મુળભુત આશય એ નથી. એનો ખરેખરો લાભ તો શરીરનાં ચક્રોની ગતીને સામાન્ય કરવામાં છે. આ સાધનાથી માણસો 25 વર્ષની વયનાં દેખાય અને શક્તીશાળી તથા સ્વસ્થ બને તેવી રીતે બધાં ચક્રો એકસરખી ગતીથી ફરતાં થાય છે.

કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તરો.

  • દરેક સાધના કેટલી વાર કરવી જોઈએ?

શરુઆત કરતી વખતે પહેલા વીકમાં દરરોજ દરેક સાધના ત્રણ વખત કરવી. આ પછી દર વીકે બબ્બે વધારતા જવું. એ રીતે 21 વખત સુધી પહોંચવું. એટલે કે બીજા વીકમાં દરેક સાધના 5 વખત, ત્રીજામાં 7 વખત, ચોથા વીકમાં 9 વખત વગેરે. દસ વીકમાં 21 વખત સુધી પહોંચી જશો. જો પહેલી સાધના વધુ વખત કરવાથી ચક્કર વધારે આવે અને તમે કરી શકતા ન હો તો બીજી બધી સાધના ઉપર મુજબ વધારતા જવી, પણ પહેલી સાધના જેટલી વખત સરળતાથી કરી શકતા હો તેટલી વખત જ કરવી. વખત જતાં તમે પહેલી સાધના પણ 21 વખત કરી શકશો. કેટલાક લોકો પહેલી સાધના બીલકુલ કરી શકતા હોતા નથી. તેઓ બાકીની સાધના કરતા રહે તો 5-6 મહીનામાં પહેલી સાધના પણ કરી શકાશે.

  • આ સાધના કયા સમયે કરવી?

સવારે કે સાંજે જે સમય અનુકુળ હોય ત્યારે કરી શકાય. બંને સમયે પણ કરી શકાય, પરંતુ એટલી બધી લાયની શરુઆતમાં કોઈ જરુર ન ગણાય. ચારેક મહીના સાધના કર્યા પછી સવારે બધી સાધના ૨૧ વખત કરી શકાય, અને સાંજે માત્ર ત્રણ વખત કરો તે પુરતું છે. આ પછી આગળ જોયું તેમ એને ધીમે ધીમે વધારીને ૨૧ વખત સુધી કરવાનું રાખી શકાય. પણ સવારે કે સાંજે ૨૧ કરતાં વધુ કરવાની જરુર નથી.

  • શું આ બધી સાધના સરખું મહત્ત્વ ધરાવે છે?

પાંચેપાંચ સાધના એકબીજીની પુરક છે અને સરખું જ મહત્ત્વ ધરાવે છે. થોડો સમય આ સાધના પાછળ આપ્યા પછી તમને એમ લાગે કે બધી સાધના જરુરી સંખ્યામાં કરી શકાય તેમ નથી, તો તમે એને બે વીભાગમાં વહેંચી દઈ સવારે અને સાંજે એમ બે સમયે કરી શકો. જો એમાંની કોઈ એક થઈ શકતી જ ન હોય તો તેને છોડી દઈ બાકીની ચાર કરવી. આ પછી અમુક સમય સાધના કરીને જે કરી શકાતી ન હતી તેની ટ્રાય કરવી. આ પ્રમાણે કરતાં પરીણામ મળતાં થોડી વધુ વાર લાગશે. પણ ફળ જરુર મળશે જ. કોઈ પણ સંજોગોમાં તમારી જાત પર વધુ પડતું દબાણ લાવવું નહીં. માત્ર જેટલું સરળતાથી થઈ શકતું હોય તેટલું જ કરવું. ધીમે ધીમે શક્તી વધારતા જવી, પણ કદી નાસીપાસ થશો નહીં. કોઈક જ લોકો એવા હશે જે ખંતપુર્વક સાધના ચાલુ રાખે તો પાંચેપાંચ સાધના ૨૧ વખત કરી ન શકે.

  • આમાંની કોઈ એક સાધના સંપુર્ણપણે છોડી દેવામાં આવે તો?

એકાદ સાધના બીલકુલ છોડી દઈને બાકીની ચાર પુરેપુરી સંખ્યામાં નીયમીત કરવામાં આવે તો પણ સુંદર પરીણામ મેળવી શકાય, કેમ કે આ સાધનાઓ બહુ જ શક્તીશાળી છે. એટલું જ નહીં માત્ર એક જ સાધનાથી પણ આશ્ચર્યજનક પરીણામ મળશે.

  • બીજી કોઈ કસરત સાથે સાથે આ સાધના કરી શકાય?

જરુર કરી શકાય. તમે જો કોઈ કસરત નીયમીત કરતા હો તો એને પણ ચાલુ રાખવી, એટલું જ નહીં કોઈ કસરત શરુ કરવાનું આ સાધના સાથે વીચારતા હો તો તે પણ કરી શકો. બીજી કસરતો સાથે આ સાધના વીક્ષેપકારક બનશે નહીં.  અને ખાસ કરીને હૃદય પર અસર કરતી કસરતો વધુ લાભદાયી થશે, કેમ કે એ યુવાની ટકાવી રાખવામાં સહાયક હોય છે. ઉપરાંત આ પાંચ સાધના શરીરનાં ચક્રોની ગતીને સામાન્ય કરતી હોવાથી શરીર બીજી કસરતો માટે વધુ અનુકુળ બનશે.

  • આ પાંચ સાધના સાથે બીજાં કશાંકનો સમાવેશ થઈ શકે?

બીજી બે બાબતો છે જે મદદગાર થશે. આગળ જણાવ્યા મુજબ સાધના વખતે પુનરાવર્તન કરતાં પહેલાં આરામના ગાળામાં લયબદ્ધ ઉંડા શ્વાસોચ્છ્વાસ કરવાનું ભુલવું નહીં. ઉપરાંત એક સાધના પછી બીજી શરુ કરતાં પહેલાં સીધા ઉભા રહી,  કમર પર હાથ મુકીને ઉંડા શ્વાસ લેવા અને મુકવાની ક્રીયા લયબદ્ધ રીતે કેટલીક વાર કરવી. ઉચ્છ્વાસ વખતે કલ્પના કરો કે તમારા શરીરમાં જો કશું ટેન્શન હોય તો તે નીકળી જઈ રહ્યું છે, તમે હળવાશ અનુભવો છો. શ્વાસ લેતી વખતે કલ્પના કરો કે તમારામાં સ્વાસ્થ્ય પ્રવેશી રહ્યું છે અને તમે સંતોષની લાગણી અનુભવો છો.

બીજી વાત કે સાધના પછી હુંફાળા પાણીથી સ્નાન કરવું, પણ ઠંડા પાણી વડે નહીં. અથવા ભીનો ટાઉલ શરીર પર ઘસીને પછી સુકા ટાઉલ વડે શરીર લુછી લેવું એ કદાચ વધુ ઉપયોગી થશે. ખાસ ચેતવણી આપવાની કે સાધના પછી તરત કદી પણ ઠંડા પાણીથી શાવર કે બાથ ન લેવો કે ભીનો ટાઉલ શરીરને લગાડવો નહીં, જેથી શરીર એકદમ ઠંડું થઈ જાય. જો એમ થાય તો સાધના વડે મળતા લાભ તમે ખોઈ દેશો.

  • ખરેખર તમે જે રીતે આ વર્ણવ્યું છે તેટલી સરળતાથી આ સાધના વડે યુવાની પાછી મેળવી શકાય?

હા, જરુર માત્ર એટલી જ છે કે આ દરેક સાધના દરરોજની ત્રણ વખતથી શરુ કરીને ધીમે ધીમે વધારતા જઈ 21 વખત નીયમીત રીતે  કરવી જ. હા, કદાચ કોઈ વાર વીકમાં એકાદ દીવસ ન થાય તો વાંધો નહીં. પણ એથી વધુ વાર સાધના કરવાનું ચુકવું ન જોઈએ. ખરેખર તો જે લોકો આ સાધના શરુ કરે છે એમાંનાં મોટા ભાગનાં લોકોને એ સરળ  લાગે છે એટલું જ નહીં એમાં એમને આનંદ મળે છે અને સારો લાભ થતો અનુભવે છે. અને આમ તો આ પાંચ સાધના કરતાં માત્ર વીસેક મીનીટ જ લાગે છે. વળી સારું સ્વાસ્થ્ય ધરાવનાર તો દસ મીનીટ કે એથી પણ ઓછા સમયમાં કરી શકે છે.

આ પાંચ સાધના તો સારું સ્વાસ્થ્ય મેળવી યુવાન જેવી શક્તી પ્રાપ્ત કરવા માટે છે. બીજી કેટલીક બાબતો તમારા યુવાન દેખાવા માટે છે, જેમાંની બે, માનસીક અભીગમ અને મનોરથ. આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો 40 વર્ષની ઉમ્મરે વૃદ્ધ દેખાય છે, જ્યારે કેટલાક 60 વર્ષે પણ યુવાન દેખાય છે. આ તફાવત માનસીક અભીગમને કારણે હોય છે. જો તમે તમારી જાતને વધુ ઉમ્મર હોવા છતાં યુવાન જોઈ શકો તો બીજા લોકો પણ તમને યુવાન જોશે. આ પાંચ સાધના ચાલુ કરી તમે તમારી જાતને શક્તીહીન વૃદ્ધ જોવાનું બંધ કરી દો. કલ્પનામાં તમે યુવાન હતા તે જ ચીત્ર તમારે માટે જોવાનું ચાલુ કરો.  કેટલાક લોકો માટે આ થોડું મુશ્કેલ હશે, કેમ કે પોતાની જાતને જે રીતે જોવાને ટેવાયેલા હોય તે બદલવું સહેલું નથી. લોકો માને છે કે શરીર સમય જતાં વૃદ્ધ અને નબળું થવાને જ સરજાયેલું છે. આ માન્યતામાંથી એમને ડગાવવા સહેલું નથી. આમ છતાં આ પાંચ સાધના ચાલુ કરતાં તેઓ વધુ સ્ફુર્તી સાથે પોતાને યુવાની પાછી આવેલી અનુભવશે. એનાથી એમની માન્યતા બદલાશે. બીજા લોકો પણ એમને કહેવા લાગશે કે તેઓ વધારે યુવાન દેખાય છે.

ખરેખર યુવાન દેખાવા માટે બીજી પણ એક ખુબ જ મહત્ત્વ ધરાવતી બાબત છે. એ છે છઠ્ઠી સાધના.

સાધના ૬

સાધના 6

આ સાધના આપણી જીવનઉર્જાને ઉર્ધ્વગામી બનાવવા માટે છે. યુવાની ટકાવી રાખવા કે પાછી મેળવવા માટે આ ઉર્જાને વેડફી દેવી ન જોઈએ. એને ઉપરની તરફ લઈ જવાથી બધાં ચક્રોને એ પ્રાપ્ત થશે, ખાસ કરીને સાતમા અને સૌથી મહત્ત્વના ચક્ર સહસ્રારને. આ મુળભુત જીવનશક્તીને વાળીને ઉપર લઈ જવાનું કામ આપણે ધારીએ તેવું મુશ્કેલ નથી, પણ સરળ છે. આમ છતાં સૈકાંઓથી મનુષ્યના એ માટેના પ્રયત્નો નીષ્ફળ ગયા છે. પશ્ચીમની ધાર્મીક સંસ્થાઓએ આ માટે પ્રયાસ કર્યા અને બીલકુલ સફળ ન થયા, કારણ કે એ લોકોએ પ્રજોત્પાદનની આ શક્તી-કામશક્તીના દમનનો માર્ગ અપનાવ્યો. આ અતીશય પ્રબળ શક્તીને દબાવીને નહીં, પણ એનું રુપાંતર કરીને જ ઉપર તરફ લઈ જઈ શકાય.

ખરેખર આ સાધના ખુબ જ સરળ છે, પણ એ તમારે ત્યારે જ કરવાની છે જ્યારે તમે કામવાસનાની જોરદાર ભરતીનો અનુભવ કરો. જ્યારે તમે એને સંતોષવા માટેનો કુદરતી વેગ અનુભવો. આ સાધના તમે ગમે ત્યારે ગમે ત્યાં કામવાસનાની ઈચ્છા પકડે એટલે કરી શકો. એ માટે સીધા ટટ્ટાર ઉભા રહીને તમારા ફેફસાંમાથી બધી જ હવા મોં વાટે બહાર કાઢી નાખો. આમ કરતી વખતે વાંકા વળીને બંને હાથ જે તે ઘુંટણ પર રાખો. બળપુર્વક હવાનો છેલ્લો અણુ સુધ્ધાં બહાર કાઢવો. પછી ફેફસાં બીલકુલ ખાલી થઈ જાય ત્યારે ખાલી ફેફસાં સાથે ટટ્ટાર ઉભા થઈ જાઓ. હાથ કેડ પર રાખી સજ્જડ દબાવી પેટને બને તેટલું અંદર ખેંચો અને છાતીને બહાર કાઢો. (એને ઉડ્ડીયાન બંધ કહે છે. -ગાંડાભાઈ) આ રીતે જેટલા સમય સુધી શ્વાસ લીધા વીના રહી શકો ત્યાં સુધી રહેવું. (એક રીતે આને બાહ્ય પ્રાણાયામ કહી શકાય, કારણ કે આમાં બાહ્ય કુંભક મહત્ત્વનો છે. – ગાંડાભાઈ.) જ્યારે ન જ રહેવાય અને શ્વાસ લેવાની ફરજ પડે ત્યારે નાક વડે શ્વાસ લેવો. જ્યારે ફેફસાં પુરાં ભરાઈ જાય ત્યારે મોં વાટે શ્વાસ બહાર કાઢો. શ્વાસ બહાર કાઢતી વખતે હાથને ઢીલા છોડી દઈ સહજ રીતે બાજુમાં લટકતા રહેવા દો. હવે કેટલાક ઉંડા શ્વાસોચ્છ્વાસ કરો. આ રીતે સાધના 6નો એક રાઉન્ડ થયો ગણાય. મોટા ભાગનાં લોકોએ કામશક્તીનું ઉર્ધ્વગમન કરવા માટે આવા ત્રણ રાઉન્ડ કરવા જોઈએ.

 

Advertisements

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: