Archive for ઓગસ્ટ, 2017

આરોગ્ય ટુચકા 51. ત્રણ રસ – તીખો, તીક્ત, તુરો

ઓગસ્ટ 31, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 51. ત્રણ રસ – તીખો, તીક્ત, તુરો: તીખો રસ ભુખ લગાડે, ખોરાકનું પાચન કરે, મુખ ચોખ્ખું કરે, કૃમી મટાડે, શરદી અને ચામડીના રોગ દુર કરે, કફનો નાશ કરે અને ઠંડીથી વધેલા વાયુને મટાડે છે. તીખાં દ્રવ્યોમાં આદુ સર્વશ્રેષ્ઠ છે. એનો વીપાક મધુર હોવાથી ગરમ પડતું નથી કે અતીયોગથી નુકસાન કરતું નથી. તીખાં દ્રવ્યોમાં સુંઠ, આદુ, મરી, લીંડીપીપર અને લસણ વધુ સારાં છે.
તીક્ત (કડવો) રસ પાચન કરાવનાર, બુદ્ધી વધારનાર, પીત્ત-કફનાશક, તમોગુણ ઘટાડનાર, લોહીવીકાર, ચામડીના રોગ, ઝેર, બળતરા, તાવ અને કૃમીનાશક છે. કારેલાં, મેથી, હળદરમાં કડવો રસ સારા પ્રમાણમાં તથા આમળાં અને તેલમાં થોડા પ્રમાણમાં છે.
તુરો રસ પીત્ત અને કફનું શમન કરનાર, વાયુ વધારનાર, લુખો, લઘુ એટલે પચવામાં હલકો અને ઠંડો છે. એ ત્વચાને મજબુત કરે છે. દાંતને બળ આપે છે, મળને બાંધે છે, સ્નાયુને શક્તી આપે છે અને વહેતા લોહીને અટકાવે છે. તુરાં દ્રવ્યોમાં સર્વશ્રેષ્ઠ હરડે છે. તે ગરમ, પાંચ રસવાળી અને મધુર વીપાકવાળી હોવાથી ઘણા લાભ કરે છે.

આરોગ્ય ટુચકા 50. દીવાળીનાં ખાનપાન

ઓગસ્ટ 30, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 50. દીવાળીનાં ખાનપાન: ભાદરવામાં કેળાં, ખીર, દુધપાક, વગેરે ખાવાથી પીત્ત શાંત થાય છે. છતાં જો ન થાય તો દીવાળીમાં મીઠાઈ ખાવાથી પીત્ત શાંત થાય છે. પીત્ત ગરમ, હલકું, તીક્ષ્ણ અને દુર્ગંધીવાળું હોય છે. આથી મધુર, કડવા, તુરા રસથી શાંત થાય છે. દુધ, ઘી માવાની વાનગીઓ એ માટે અનુકુળ છે, પરંતુ તીખી, ગરમ, તળેલી વાનગીઓ નુકસાનકારક છે. ચા-કૉફી વીષયુક્ત હોવાથી નુકસાનકારક છે. એનાથી જઠરાગ્ની પણ મંદ પડે છે. ઠંડાં, મધુર, લઘુ પીણાં જેમ કે લીંબુ, દ્રાક્ષ, ફાલસાનું શરબત કે બીજાં મળી શકતાં ફળોનું શરબત અથવા આઈસક્રીમ ચાલી શકે. દીવાળીમાં સુકો મેવો ખાસ કરીને કાજુ, અખરોટ, પીસ્તાં સારાં. કેળાં, મોસંબી, નારંગી પણ પીત્તશામક હોવાથી લાભકારક છે. ઘઉંના લોટની સેવ પાણીમાં બાફી ઉપર દળેલી ખાંડ અને ભરપુર ઘી લઈને ખાવાથી લાભ કરે છે, કેમ કે ઘઉં, ઘી, ખાંડ પીત્તશામક છે. સેવને ઘીમાં શેકી દુધ નાખી દુધપાક બનાવી ખાવાથી પણ લાભ થાય. તે જ રીતે ધનતેરસના દીવસે લાપસી, કાળી ચૌદશના દીવસે ખીર, વડાં, ચણા ઋતુચર્યાની દૃષ્ટીએ ઉત્તમ છે. દીવાળીના દીવસે મીઠાઈ તથા નવા વર્ષના દીવસે લાપસી કે સેવનો રીવાજ આ કારણને લીધે છે. શરદ ઋતુ રોગોની જનની છે. દીવાળીના દીવસોમાં માંદગી આવી હોય તો કડવી દવા લેવાથી મટે છે. સુદર્શન ચુર્ણ, કડું, કરીયાતું વગેરે પીત્તશામક છે. હળવો જુલાબ, એરંડીયું, હરડે, ત્રીફળા, કાળી દ્રાક્ષ વગેરેમાંથી કોઈ એક લેવાથી પણ દીવાળીમાં પીત્તનો પ્રકોપ થતો નથી. કારતક માસમાં સ્વાસ્થ્ય જાળવી રાખવા મુળા ખાવા જોઈએ. ચામડીના રોગોમાં મુળા સારા છે.

આરોગ્ય ટુચકા 49. હરસ

ઓગસ્ટ 29, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 49. હરસ: હરસના રોગમાં હરડે કરતાં ઉત્તમ કોઈ ઔષધ નથી. હરડેથી હરસ મટી જતા નથી, પરંતુ એનાથી મૃત્યુ પર્યંત પીડા વીના જીવી શકાય છે. હરસ હોય તો જુનો મરડો, આમ, ઝાડાનો વ્યાધી અને ગ્રહણીનો વ્યાધી પણ થાય. આ બધાનું મુળ કારણ જઠરાગ્નીની મંદતા છે. આથી જો જઠરાગ્ની પ્રદીપ્ત થાય તો આ બધા રોગ જતા રહેશે. આથી જ હરસમાં સુંઠ, મરી, પીપર, ચીમક વગેરે વાપરવામાં આવે છે. ગોળ સાથે સુંઠ અથવા ગોળ અને લીંડીપીપર અથવા ગોળ અને હરડે લેવાથી અજીર્ણ, હરસ, કબજીયાત વગેરે મટે છે. છાસ અને/અથવા સુરણથી સુકા (લોહી ન પડતું હોય તેવા) હરસ મટે છે. પરંતુ છાસ અને સુરણ કબજીયાત કરતાં હોવાથી એ લેતી વખતે સવારે હરડે જરુર લેવી, નહીંતર હરસ વધી જશે. લોહી પડતું હોય તેવા હરસમાં છાસ કે સુરણ વાપરવાં નહીં. લોહી પડતું હોય તો કાચી કે શાકમાં બને તેટલી ડુંગળી વાપરો. અથવા ડુંગળીનો રસ મધ અને ઘી (ઘી કરતાં મધ બમણું લેવું) મીશ્ર કરી ચાટવું. સુકા હરસમાં સુરણ બાફી, સહેજ સીંધવ નાખી તેલમાં વઘારીને ખાવું. સુરણને તલના તેલ અને ગોળ સાથે મીશ્ર કરીને લેવાથી પણ હરસ મટે છે. અથવા સુરણને બાફી સહેજ સાકર સાથે ખાવાથી પણ હરસ મટે છે. વળી માખણમાં મધ ઉમેરી ચાટવાથી હરસમાં લાભ થાય છે. મુળાનાં પાન ચાવી તેનો રસ ગળવો અને કુચા ફેંકી દેવા. અથવા મુળાના પાનની ભાજી બનાવી છુટથી ઉપયોગ કરવાથી સુકા અને દુઝતા બંને હરસ સારા થાય છે. હરસવાળાએ સવારે હરડે કાયમ લેવી.

આરોગ્ય ટુચકા 48. મીઠું (નમક)

ઓગસ્ટ 28, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 48. મીઠું (નમક): વધારે પ્રમાણમાં નમક લેતાં ક્યારેક લોહીનું ઉંચું (સીસ્ટોલીક) દબાણ વધે છે, લોહી પર તથા હૃદય પર માઠી અસર થાય છે. સૌથી વધારે નુકસાન મુત્રપીંડ(કીડની)ને થાય છે. મુત્રપીંડ નબળા પડે છે, સોજો આવે છે, ક્યારેક પથરી થાય છે. સાધારણ પ્રમાણમાં મીઠું લેવું જરુરી છે, પરંતુ હૃદયરોગ થયો હોય, પાંડુરોગ હોય, જલોદર (પેટમાં પાણી ભરાવાનો રોગ) હોય, શરીરે સોજા આવ્યા હોય, શરીરે ખંજવાળ આવતી હોય, ખસ, ખરજવું, દાદર થયેલ હોય, લોહીમાં અશુદ્ધી હોય, હાઈ બ્લડપ્રેશર હોય, આંખો નબળી પડી હોય કે યકૃત(લીવર)ના રોગમાં મીઠું બને તેટલું ઓછું લેવું કે થોડો સમય મીઠું બંધ કરી દેવું, જેથી રોગ નાબુદ થાય.

આરોગ્ય ટુચકા 47. તંદુરસ્તી માટે ચાલો

ઓગસ્ટ 27, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 47. તંદુરસ્તી માટે ચાલો: ચાલવા જાઓ ત્યારે ટહેલવું નહીં, પણ ઝડપથી ચાલવું. આઠ કીલોમીટર ઝડપથી ચાલવું ખુબ જ ફાયદાકારક છે. ઝડપથી ચાલનારને ભાગ્યે જ કોઈ રેચક દવાની જરુર પડે છે. પીઠની નીચેના સ્નાયુઓને ઝડપી ગતીથી સારો ફાયદો થાય છે. આથી વૃદ્ધાવસ્થામાં પીઠના દુખાવાથી બચી જવાય છે. હલનચલન, નમવું જેવી ક્રીયા સરળતાથી થઈ શકે છે. ઝડપી ચાલવાનો વ્યાયામ યુવાવસ્થા વધુ સમય સુધી ટકાવી રાખે છે. એક કીલોમીટર ઝડપથી ચાલો તે ત્રણ કીલોમીટર આંટા મારો તેના જેટલું લાભદાયક થશે.

આરોગ્ય ટુચકા 46. વૃદ્ધાવસ્થામાં સંભાળ

ઓગસ્ટ 26, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 46. વૃદ્ધાવસ્થામાં સંભાળ: વૃદ્ધાવસ્થામાં પાચક અવયવો અને પાચક રસો પુરતા કાર્યક્ષમ રહેતા નથી, આથી પોષક આહાર ખુબ ચાવીને શાંત ચીત્તે ખાવો. સાંજનો ખોરાક હલકો લેવો. રોટલી, દાળ-ભાત ને શાક અથવા ખીચડી, રોટલા કે ભાખરી ને શાક અથવા રોટલા ને છોડાંવાળી દાળ. દુધ, દહીં, છાસ, કચુંબર અને શાકભાજીનું પ્રમાણ વધારે લેવું. રોટલી-રોટલા સાથે સારી જાતનો ગોળ લેવો. પાંદડાંવાળી ભાજી, કોબીજ, દુધી, ટામેટાં, તલ, ગોળ, થુલાવાળો આટો, હાથછડના કે પોલીશ કર્યા વગરના ચોખા, વીવીધ ફળ વગેરે પુરતું લેવું. તાંદળજાની ભાજી ૧૨૫ ગ્રામ દરરોજ લેવામાં આવે તો જરુરી કેલ્શ્યમ મળી રહે છે. આપણા ધાન્ય આહારમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોવાથી કેલ્શ્યમવાળા પદાર્થો- દુધ, દહીં વગેરે લેવા જરુરી છે. આખું અનાજ, ફોતરાંવાળી દાળ, પાલખ, મેથી, તાંદળજો, બીટ, વેંગણ, મોગરી, ગાજર, ટામેટાં, તલ, ગોળ, ખજુર, દ્રાક્ષ, દાડમ, આમળાં વગેરેમાંથી લોહ મળે છે. વધારે પડતા પ્રોટીનવાળા ચણા, વાલ, વટાણા વગેરે વાયુ પેદા કરે છે, આથી એનું પ્રમાણ ઓછું લેવું. ઘી, તેલ પ્રમાણમાં લેવાં. જરુર પ્રમાણે પાણી પીતા રહેવું. ખાવાના અર્ધા કલાક પહેલાં અને ખાધા પછી એક કલાક સુધી પાણી ન પીવું. સુતાં પહેલાં ૩ ગ્રામ પીપરીમુળના ગંઠોડાનું ચુર્ણ ૬ ગ્રામ ગોળ મેળવી ખાઈ જવું. દુધ ને ખજુર અથવા અંજીર સવારે લેવાનું રાખવું. ધીમા ઉંડા શ્વાસોછ્વાસ કરવા.

આરોગ્ય ટુચકા 45. સરગવો

ઓગસ્ટ 25, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 45. સરગવો: સ્વાદે તીખાશ પડતો મીઠો, જરાક કડવાશયુક્ત, ગરમ, પચવામાં હળવો, રુચીકારક, લુખો, અગ્નીદીપક, વધુ પડતો ખાવામાં આવે તો દાહ કરનાર, તીક્ષ્ણ, હૃદય માટે અને આંખ માટે હીતકારી, કફ-વાયુના દોષ દુર કરનાર, વીર્યવર્ધક તથા પીત્ત અને રક્તનો પ્રકોપ કરનાર છે. શરીરમાં ચરબીના થર જામતા હોય તો સરગવો ખાવાથી ઘટે છે. શરદી, સળેખમ અને શ્વાસના દર્દીને સરગવાની શીંગોનું શાક ખાસ આપવું. વજન ઉતારવું હોય તેવા લોકોએ રોજ એક ગ્લાસ સરગવાનું સુપ પીવું, અને ખાખરા, શેકેલા ચણા, ધાણી અને હળવા લુખા ખોરાક પર રહેવું.

આરોગ્ય ટુચકા 44. લોહીનું ઉંચું દબાણ

ઓગસ્ટ 22, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 44. લોહીનું ઉંચું દબાણ: હાઈ બ્લડપ્રેશરના એક ઉપાય તરીકે પેશાબ છુટથી આવવો જોઈએ. એ માટે દીવસે અને રાત્રે પુરતા પ્રમાણમાં પાણી પીવું, જેથી પેશાબ વધારે થાય. એનાથી લોહીનું ઉંચું દબાણ ઘટે છે. આ રોગને કાબુમાં રાખવા મીઠું (નમક) બને તેટલું ઓછું વાપરવું. બની શકે તો થોડા દીવસ મીઠા વગરનું જ ખાવું. રોજ બે-ત્રણ કીલોમીટર ચાલવું. ફરસાણ, અથાણાં, મીઠાઈ, વધુ પ્રમાણમાં ખાંડ, ખાટા પદાર્થો તેમ જ વાયુ કરનાર આહાર લેવો નહીં. મીઠું વધારે ખાવાથી અનેક રીતે શરીરને નુકસાન થાય છે.

આરોગ્ય ટુચકા 43. મેદવૃદ્ધી:

ઓગસ્ટ 21, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 43. મેદવૃદ્ધી: વજન ઓછું કરવા એક માસ કે તેથી વધુ આ મુજબ ઉપચાર કરવા: (૧) પહેલા અઠવાડીયામાં સવાર-સાંજ મગ બાફીને એનું મોળું પાણી પીવું. એમાં માત્ર સુંઠ નાખવી. સાથે દુધીનું બાફેલું મોળું શાક ખાવું. (૨) બીજા અઠવાડીયામાં જરાક મીઠું (નમક), મરચું, હળદર નાખવાં અને કાકડી-ગાજરનું કચુંબર ખાવું. (૩) ત્રીજા અઠવાડીયે ઉપર મુજબના ખોરાક ઉપરાંત એક એક ખાખરો લેવો, તથા દુધનો મોળો ઉકાળો સવાર-સાંજ લેવો. ખાંડ નાખવી નહીં. (૪) ચોથા અઠવાડીયે બબ્બે ખાખરા તથા મગના પાણીને બદલે આખા મગ, મઠ, તુવેર, ચણા કે કોઈ પણ એક કઠોળની બાફેલી દાળ લેવી, બાફેલાં શાકભાજી ખાવાં. એક ગ્લાસ પાતળી છાસ લેવી. નાસ્તામાં શેકેલા ચણા લેવા. ચાર અઠવાડીયાંમાં પુરતું વજન ઘટી જાય તો ધીમે ધીમે તેલ, ઘી, ખાંડ, ભાતની છુટ લેવી. ભુખ્યા ન રહેવું. ચાર વખત ખાવું, પણ ઉપર બતાવેલી વાનગીઓ જ લેવી. લો બ્લડપ્રેશરના દર્દી હો તો નમકનો ત્યાગ ન કરવો તથા સવાર-સાંજ એક એક ચમચી ગ્લુકોઝ લેવું.

સીંધવ અને કાળું મીઠું

ઓગસ્ટ 20, 2017

સીંધવ અને કાળું મીઠું
બી.જે. મિસ્ત્રીના અંગ્રેજી ઈમેલમાંથી
ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુ સર આપવામાં આવે છે, કોઈ સમસ્યાનો જાતે ઉપચાર કરવા માટે નહીં.
(બ્લોગ પર તા. 20-8-2017)

– રાજન સિંઘ જોલીના સૌજન્યથી

સીંધવ

સીંધવને કેટલાક લોકો સીંધાલુણ પણ કહે છે. આયુર્વેદાનુસાર ખાવામાં સૌથી ઉત્તમ મીઠું(નમક) સીંધવ છે. બીજા નંબરે કાળું મીઠું ખાવામાં સારું ગણાય છે.

એ મોટા મોટા ગાંગડામાં મળે છે. એને જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે. જે સુકાઈ ગયેલાં ખારા પાણીનાં સરોવરોમાંથી બનેલું હોય છે. એ પરીષ્કૃત કર્યા વીનાનું, આયોડીન રહીત અને બીજી કોઈ પણ જાતની મેળવણી વીનાનું હોય છે. એ સફેદ, ગુલાબી કે વાદળી રંગનું હોય છે.

સામાન્ય રીતે બજારમાં જે મીઠું મળે છે તેના કરતાં એમાં સોડીયમનું પ્રમાણ ઓછું હોય છે. વળી એમાં ૯૪ જેટલાં ટ્રેસ મીનરલ્સ હોય છે, જ્યારે સાદા મીઠામાં માત્ર ૩ હોય છે. આ સીંધવ મીઠું શુદ્ધ હોવાના કારણે જ હીન્દુઓ ધાર્મીક ઉપવાસમાં એને વાપરે છે. દરીયાના પર્યાવરણથી દુષીત પાણીને કારણે સાદા મીઠામાં જે હાનીકારાક રસાયણ હોવાની શક્યતા હોય છે તે સીંધવમાં નથી.

આયુર્વેદીક દવાઓમાં સીંધવ વાપરવામાં આવે છે, જે ત્રીદોષ(વાત, પીત્ત, કફ)ની વીષમતાને લીધે પેદા થયેલી તકલીફોને દુર કરી શકે છે. હૃદય માટે સીંધવ સારું ગણાય છે, ડાયાબીટીસમાં લાભકારક છે, હાડકાની તકલીફનો ઑસ્ટીઓપોરોસીસ રોગ થતો અટકાવે છે, ડીપ્રેસન અને સ્ટ્રેસમાં ઉપયોગી છે, સ્નાયુઓના ક્રેમ્પ્સ (ગોટલા) અને ખાલી ચડી હોય તેને દુર કરે છે. સીંધવ વાપરવાથી બ્લડપ્રેશર કાબુમાં રહે છે, રક્તવાહીનીઓની લચકતા જળવાઈ રહે છે, અમ્લતા-ક્ષારત્વનું પ્રમાણ જળવાઈ રહે છે, પાચનમાં મદદ કરે છે, ત્વચાની કેટલીક સમસ્યા હલ કરે છે અને સંધીવામાં લાભ કરે છે.

સાદા દરીયાઈ મીઠા કરતાં આ મીઠું વધુ ઠંડક પહોંચાડે છે, અને જ્યાં બીજું કોઈ મીઠું વાપરવાની મનાઈ હોય ત્યાં પણ થોડા પ્રમાણમાં વાપરી શકાય છે. ભારતમાં સીંધવ ચટણી, રાયતાં (જેમાં દહીં વપરાય છે તે)માં, ચાટ, ચવાણાં અને બીજી ઘણી વાનગીઓમાં વપરાય છે.

કીડનીના રોગમાં પણ સીંધવ બીજાં મીઠાં કરતાં વધુ લાભકારક છે.

કાળું મીઠું – સંચળ

કાળું મીઠું ઘેરા તપખીરીયા(ડાર્ક બ્રાઉન) રંગનું એટલે લગભગ કાળું અને પાસાદાર હોય છે. એને દળીને ચુર્ણ બનાવવાથી એ ગુલાબી તપખીરીયો રંગ ધારણ કરે છે. એ સંચળ પણ કહેવાય છે. એની વાસ ગંધક જેવી, લગભગ બાફેલા ઈંડા જેવી હોય છે, કેમ કે એમાં ગંધક રહેલું છે.

સંચળમાં લોહનું પ્રમાણ સારું હોય છે, અને બીજાં ઘણાં ટ્રેસ મીનરલ્સ પણ હોય છે. એ તાસીરે ઠડું છે. એનો ઘેરો રંગ એમાં રહેલા લોહને આભારી છે. ઉત્તર ભારતની તથા પાકીસ્તાનની કુદરતી નમકની ખાણોમાંથી એને ખોદી કાઢવામાં આવે છે.

આયુર્વેદની દવાઓમાં સંચળનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ભારતીય રસોઈમાં વ્યંજન તરીકે પણ એ વપરાય છે. એ ચાટમાં, ચટણીમાં, ફળો તથા બીજાં ચવાણા ખાતી વખતે ભભરાવવામાં એ વપરાય છે. સમારેલાં શાકભાજીમાં એનો અનેરો સ્વાદ માણવામાં આવે છે. કાળું મીઠું બહુ ઓછું સોડીયમ ધરાવે છે. આયુર્વેદમાં એ અપચો, કબજીયાત, ઓડકાર, વાયુ, બેચેની અને દીલના દાઝરા (હાર્ટબર્ન) જેવી સમસ્યાઓ મટાડવા દવામાં વપરાય છે. એ કંઠમાળ(ગોઈટર), આંકડી (અપસ્માર), આંખની નબળાઈ, લોહીનું ઉંચું દબાણ, લોહીની ઓછપ અને એવા ઘણા રોગોમાં વપરાય છે. એનાથી સોડીયમ-ફોસ્ફરસની સમતુલા જળવાઈ રહે છે. આયુર્વેદીક ટુથપેસ્ટમાં પણ સંચળ હોય છે.