Archive for ઓગસ્ટ 5th, 2017

ટાઈપ 2 ડાયાબીટીસ

ઓગસ્ટ 5, 2017

આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

ટાઈપ 2 ડાયાબીટીસ

બ્લોગ પર તા. 5-8-2017

પીયુષભાઈના અંગ્રેજી ઈમેલ પરથી ટુંકાવીને

ટાઈપ 2 ડાયાબીટીસ ન થાય એ માટે કે ડાયાબીટીસ કંટ્રોલમાં રાખવા કે એમાંથી સારા થવા માટે ઘણા લોકો સંપુર્ણપણે શાકાહારી થતા નથી, કે નીયમીત કસરત કરવાની ટેવ પણ અપનાવતા નથી હોતા. તેઓ ગળપણનો ત્યાગ કરતા નથી હોતા, કે પ્રોસેસ કરેલ સ્ટાર્ચ પણ છોડી દેતા હોતા નથી. પરંતુ જો ડાયાબીટીસથી બચવું હોય તો લોકોએ આ નુકસાનકારક ટેવો છોડવી જ પડે. જેમ લોકો હાનીકારક ડ્રગની કુટેવ પ્રયત્નપુર્વક છોડે છે તે જ રીતે ખાવાની આવી ટેવ પણ છોડવાની રહેશે.

બેઠાડુ જીવન જીવતા લોકો પર કરવામાં આવેલા સંશોધનની વીગતો ડાયાબીટીસના એક મેગેઝીનમાં પ્રગટ થઈ છે. ટાઈપ 2 ડાયાબીટીસના દર્દીઓ માટે થોડા સમય માટે કરેલી ભારે કસરત (આ કીસ્સામાં સાઈકલીંગ) કરતાં થોડા થોડા સમય માટે ઉઠીને સામાન્ય ગતીથી ચાલવું લોહીમાંની શર્કરાને કાબુમાં રાખવા માટે વધુ અસરકારક માલમ પડ્યું છે.

તમારે ચુસ્ત શાકાહારી જ બનવું જોઈએ એ જરુરી નથી. જરુર છે ડાયાબીટીસને ધ્યાનમાં રાખી માત્ર સ્વાસ્થ્યને લાભ થાય, નુકસાનકારક ન નીવડે એવા આહાર તરફ ધીમે ધીમે વળવાની, અનુકુળતા મુજબ ફેરફાર કરતા જવાની. એ માટે જરુરી પ્રેરણા મેગેઝીન, વર્તમાનપત્રો અને એમાં આવતી સ્વાસ્થ્યવર્ધક રેસીપી વાંચવાથી મળી શકે.

આપણું સ્વાસ્થ્ય આપણી દરેક પ્રકારની પ્રગતી માટે કેટલું મહત્ત્વનું છે એ આપણે સમજી શકીએ છીએ. આપણા આહારની અને કસરતની ટેવો બદલવાથી ડાયાબીટીસથી તો મુક્ત થવાશે જ, એ ઉપરાંત બીજા ઘણા ફાયદાનો અનુભવ થશે. બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કાબુમાં આવી જશે. કેટલાય લોકો આજે રેસ્ટોરાંમાં અને સુપર માર્કેટમાં તૈયાર મળતો ખોરાક આરોગે છે. એમાં મોટા ભાગે સ્વાસ્થ્યને લાભકારક ખાસ કશું હોતું નથી. એટલું જ નહીં ઘણુંખરું એ સ્વાસ્થ્યને હાનીકારક હોય છે. એના કરતાં ઘરે જાતે રાંધેલા ખોરાકમાં આપણે આહારમાં જરુરી બધાં સત્ત્વો સાચવી શકીએ, એટલું જ નહીં આપણને મનપસંદ વીવીધતા લાવી સ્વાદીષ્ટ અને રુચીપુર્ણ ભોજનનો આનંદ માણી શકીએ. આપણે જાતે બનાવેલ ભોજનમાં સ્વચ્છ, પાચનને મદદ કરે તેવા મસાલા ઉમેરી શકીએ. સ્વાદીષ્ટ, આનંદપુર્વક ખાઈ શકાય તેવી વાનગીઓ ખાંડ, મીઠું કે તેલ-ઘી વાપર્યા વીના કે ઓછામાં ઓછું વાપરીને પણ બનાવી શકાય.

ટાઈપ 2 ડાયાબીટીસના દર્દીઓને રક્તશર્કરાનું લેવલ ઘટાડવા માટેની અને ઈન્સ્યુલીન ક્ષમતા વધારવાની દવા આપવામાં આવે છે. જો કે ટાઈપ 2 ડાયાબીટીસ પુરેપુરો મટાડવાની કોઈ દવા હજુ સુધી શોધાઈ નથી, પણ જીવનશૈલીમાં ધરમુળથી ફેરફાર અતી લાભદાયક નીવડે છે. કેટલાયે અભ્યાસોમાં જોવામાં આવ્યું છે કે જો વધુ પડતું વજન હોય તો વજન ઘટાડવાથી, પરીષ્કૃત કરેલ કાર્બોહાઈડ્રેટમાં અને ખાંડવાળા આહારમાં કાપ મુકવાથી અને બેઠાડુ જીવન ત્યજી દેવાથી દવા પર રહેવાનું ઘટાડી શકાય છે, અને કેટલીક વાર તો દવાની બીલકુલ જરુર ન પડે એવું પણ બની શકે.

વધુ વજન ધરાવતા લોકોમાં એવું જોવામાં આવ્યું છે કે માત્ર 5% કે 10% જેટલું વજન ઉતારવાથી જ ડાયાબીટીસ કાબુમાં આવી જાય છે. ખુબ જ વધુ પડતું વજન ધરાવતા લોકો જો ઘણી ઓછી કેલેરીવાળો ખોરાક લે અથવા હોજરીને નાની કરી દેવાનું ઓપરેશન કરાવે તો કેટલીક વાર એમનો રોગ કાબુમાં આવી જાય છે.

ઈન્ગ્લેન્ડમાં કરવામાં આવેલ એક નાના અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે ટાઈપ 2 ડાયાબીટીસના જે દર્દીઓએ આઠ સપ્તાહ સુધી બહુ જ ઓછી કેલેરીવાળો પ્રવાહી ખોરાક લીધો હતો તેમાંના લગભગ અડધા દર્દીઓ એ રોગથી મુક્ત થઈ ગયા હતા. આઠ વીક પછી સામાન્ય આહાર શરુ કર્યા પછી પણ તેઓ બીજા છ માસ સુધી રોગમુક્ત રહ્યા હતા. મોટા ભાગના લોકોએ જો ડાયાબીટીસ સારો કરવો હોય તો તેમની આહારની ટેવ અને કસરત કરવાનું નીયમીત રીતે ચાલુ રાખવું પડે.

Advertisements