Archive for સપ્ટેમ્બર, 2017

સરગવો અને એનાં પાંદડાં

સપ્ટેમ્બર 29, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સરગવો અને એનાં પાંદડાં
(બ્લોગ પર તા. 29-9-2017)
શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. ભરપુર પોષણયુક્ત સરગવાને શાકભાજીનો રાજા ગણાવી શકાય.
સરગવો મુખ્યત્વે બે રીતે ખવાય છે, એક તો એની શીંગ, અને બીજાં એનાં પાંદડાં. મોટાભાગે લોકો સરગવાની શીંગનું ચણાના લોટવાળું શાક બનાવે છે, સરગવાની બાફેલી શીંગો ખાય છે, સરગવાની શીંગને સાંભાર કે કઢીમાં પણ નાખે છે; પરંતુ સરગવાનાં પાન ખાવામાં ભાગ્યેજ વાપરતા હશે.
સરગવાનાં પાન પોષણનો ભંડાર છે. જે લોકો એના પોષણનું મહત્વ સમજે છે તેઓ આ પાનનો મુઠીયાં-થેપલામાં નાખીને ઉપયોગ કરે છે. ઘણા આયુર્વેદીક કે નેચરોપથીવાળા લોકો આ પાનનો પાઉડર બનાવીને વેચે છે તો ઘણા લોકો જ્યુસના રુપમાં પણ એને પીએ છે.
સરગવાનાં પાન એવાં છે જેમાંથી પ્રોટીન પણ મળે છે. સામાન્ય રીતે શાકભાજીમાંથી પ્રોટીન મળતું નથી, પરંતુ સરગવામાંથી દુધ કરતાં પણ વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે. ૧૦૦ મીલીલીટર દુધમાંથી ૪ ગ્રામ પ્રોટીન મળે છે, જ્યારે ૧૦૦ ગ્રામ સરગવાનાં પાનમાંથી ૧૦ ગ્રામ પ્રોટીન મળે છે. ફક્ત પ્રોટીન જ નહીં, દુધ કરતાં પણ વધુ સારું કેલ્શીયમ સરગવામાંથી મળે છે.
આ ઉપરાંત, સરગવામાંથી ખુબ વધુ માત્રામાં આયર્ન પણ મળે છે. ગાજર કરતાં વધુ વીટામીન ‘એ’, પેરુ જેટલું વીટામીન ‘સી’, અને કેળા કરતાં વધુ ફોસ્ફરસ તેના પાનમાં હોય છે. વળી આ બધાં જ પોષકતત્વો સોલ્યુબલ ફોર્મમાં હોય છે. મતલબ કે એ શરીરમાં જઈને પચશે જ અને શરીરને લગભગ પુરી માત્રામાં મળશે જ એની ગેરન્ટી હોય છે. બીજાં શાકભાજીમાં આવા ગુણ બહુ ઓછા જોવા મળે છે.
સરગવાની શીંગમાંથી પણ આ બધાં જ પોષકતત્વો મળે છે, પરંતુ પાન કરતાં શીંગમાં એનું પ્રમાણ ઓછું હોય છે. આમ પાન વધુ ગુણકારી છે, પરંતુ શીંગ પણ બીજાં શાકભાજી કરતાં વધુ ગુણકારી છે.
સરગવાની શીંગ તો આપણે અલગ-અલગ રીતે ખાઈએ જ છીએ, પરંતુ સૌથી શ્રેષ્ઠ રીત છે સરગવાની શીંગ અને દુધીનો જ્યુસ. સરગવાની શીંગને બાફીને દુધીની સાથે ક્રશ કરીને જ્યુસ બનાવવામાં આવે છે. શીંગને ખાલી બાફેલી ખાવામાં આવે તો પણ એ ઘણી જ ગુણકારી સાબીત થાય છે.
સરગવાનાં પાનને કઈ રીતે ખાવાં જોઈએ?
નીષ્ણાતો કહે છે કે જે રીતે આપણે પાલકની ભાજી(સ્પીનીચ)નો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે આપણે સરગવાનાં પાનનો ઉપયોગ પણ કરી શકીએ. સરગવાનાં પાન ચડતાં વાર લાગે છે અને એનો સ્વાદ ખાસ હોતો નથી. જો એ ખોરાકમાં ઉપયોગમાં લો તો મસાલેદાર વાનગીમાં કરવો જેથી એનો સ્વાદ અલગથી ન આવે. જો વાનગી ન બનાવો તો સરળ જ્યુસ બનાવી નાખો.
દરરોજ ૧૫ મીલીલીટર જેટલો સરગવાનાં પાનનો જ્યુસ ખુબ જ ગુણકારી રહેશે.
સરગવાના ફાયદા
નીષ્ણાત ડાયેટીશ્યન કહે છે:
• સરગવાનાં પાન અને સરગવાની શીંગ ગર્ભવતી મહીલાઓ, સ્તનપાન કરાવતી મહીલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહીલાઓ, ટીબીના દરદીઓ, રુમેટોઈડ આર્થરાઈટીસના દરદીઓ, કોઈ પણ જાતની માંદગીમાંથી ઉભા થયા હોય તેવા લોકો માટે અકસીર સાબીત થઈ શકે છે.
• જે કોઈને પાચનને લગતી કોઈ મુશ્કેલી હોય, ગેસ, એસીડીટીની તકલીફ હોય તેમને પણ સરગવાથી ઘણો લાભ થાય છે.
• સરગવામાં રહેલાં પોષકતત્વો વ્યક્તીનો રેઝીસ્ટન્સ પાવર વધારે છે, જેથી તેની રોગપ્રતીકારક શક્તી પ્રબળ બને છે અને રોગો સામે લડી શકવા તે વધુ સક્ષમ બને છે.
• સરગવાના સેવનથી નાડીને લગતા પ્રોબ્લેમ્સ જેમ કે, ખાલી ચડી જવી, મેમરી લોસ, સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન જેવી માનસીક બીમારીઓમાં પણ રાહત મળે છે.
• ડાયાબીટીસના દરદીઓ માટે પણ એ અત્યંત ફાયદાકારક છે.
• સરગવો આંખનું તેજ વધારે છે, હાડકાંને મજબુત બનાવે છે.
• જાતજાતનાં બેક્ટેરીયલ અને વાઈરલ ઈન્ફેક્શન સામે એ રક્ષણ આપે છે; જેને કારણે ડેન્ગી, મલેરીયા, ચીકનગુનીયા કે સ્વાઈન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે.
• સરગવો ઘટાડવા અને કાબુમાં રાખવા માટે પણ ખુબ જ ઉપયોગી છે, કારણ કે એ ખાવાથી શરીરનું મેટાબોલીઝમ સુધરે છે, પાચનક્રીયા સુધરે છે અને ફેટ્સ બળવાની શરુ થાય છે.
• સરગવો કેન્સરના દરદીઓ માટે અત્યંત ઉપયોગી સાબીત થાય છે, કારણ કે કેન્સરમાં કેમોથેરપી દ્વારા જે સાઈડ ઈફેક્ટ્સ વ્યક્તીને નડે છે એ સાઈડ ઈફેક્ટમાં સરગવાથી ઘણો ફાયદો થાય છે.
• સરગવો ડીટોક્સીફીકેશન માટે પણ અત્યંત ઉપયોગી છે. એ શરીરમાં ફરતા નકામા કચરા જેને ફ્રી રેડીકલ્સ કહે છે, એને બાંધે છે અને શરીરમાંથી દુર કરે છે. આથી ત્વચા અને વાળને થતું નુકસાન પણ અટકે છે.

આરોગ્ય ટુચકા 74. અથાણાંની સાચવણી

સપ્ટેમ્બર 28, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 74. અથાણાંની સાચવણી: અથાણામાં સરકો અથવા સોડીયમ બેન્ઝોઇટ નાખવાથી અથાણું ખરાબ થતું નથી. જો લીંબુનું અથાણું ખરાબ થતું લાગે તો, તેમાં થોડી દળેલી સાકર ભેળવી દેવી. કેરીના અથાણામાં તેલ ગરમ કરતી વખતે તેમાં ત્રણ લવીંગ નાખી દેવાથી અથાણું બગડતું નથી. અથાણું હંમેશાં મોટા પહોળા મોઢાવાળી ચીનાઇ માટીના બરણીમાં રાખવું. અને રોજના ઉપયોગ માટે નાની બરણીમાં કાઢી લેવું. અથાણું કાઢ્યા બાદ તેને નીચેથી ઉપર હલાવી લેવું. અથાણાંની બરણીના મોઢા પર પાતળું મલમલનું કપડું બાંધવું.
અથાણું કાઢતી વખતે હાથ બીલકુલ ભીના ન હોવા જોઇએ. જરા અમથી ભીનાશ અથાણાંને બગાડવા પુરતી છે. અથાણાં કાઢવા માટે ઉપયોગમાં લેવાતો ચમચો પણ ભીનો ન હોવો જોઇએ. અથાણાં ભેજથી ખરાબ થઇ જાય છે. તેથી તેને રાખવાનું સ્થાન ઠંડુ હોવું જરુરી છે. વરસાદ પછી અથાણાંને થોડો તડકો આપવો સલાહ ભરેલું છે.

આરોગ્ય ટુચકા 73. અજમો

સપ્ટેમ્બર 27, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 73. અજમો: આફરો-ગોળો-શુળની શ્રેષ્ઠ દવા અજમો છે. એક ચમચી અજમાના ચુર્ણમાં બે-ત્રણ ગ્રામ ખાવાનો સોડા તથા એક ગ્રામ સંચળ મેળવીને હુંફાળા પાણી સાથે ફાકી જવું. આ પ્રયોગ વાયુને નીચે ઉતારી દે છે અને પેટના ગોળાનું શમન કરે છે. અજમો પેટના ગોળા અને શુળનો ત્વરીત નાશ કરે છે. આવા દર્દીઓએ ઉપવાસ-એક ટાણાંથી બચવું. સમયસર તાજો, માપસર આહાર લેવો. સર્વ રોગોનું સર્વ પ્રથમ કારણ તો વ્યક્તીનો આહાર અને વીહાર છે.

આરોગ્ય ટુચકા 72. અખરોટ ખાઓ, લાંબું જીવો

સપ્ટેમ્બર 26, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 72. અખરોટ ખાઓ, લાંબું જીવો
સુકો મેવો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદકારક છે. તેમાંયે લાંબા આયુષ્ય માટે અખરોટ ખુબ ફાયદાકારક છે. અખરોટમાં ખુબ ઓછા પ્રમાણમાં ચરબી હોય છે. એક શોધ પ્રમાણે અખરોટના નીયમીત સેવનથી આયુષ્યમાં પાંચથી દસ વર્ષનો વધારો થાય છે. તે હૃદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલને પણ ઘટાડે છે. અખરોટને સલાડમાં, દળીને કે નાસ્તામાં ખાઈ શકાય. સ્પેશીયલ વાનગીમાં પણ તેનો ઉપયોગ કરી શકાય. અખરોટ ઉપરાંત કાજુ, બદામ, પીસ્તાં પણ પ્રોટીન અને વીટામીનોથી ભરપુર હોય છે. આથી આવો સુકો મેવો ખાવાથી સ્વસ્થ રહેવામાં મદદ મળી શકે.

આરોગ્ય ટુચકા 71.  સુંઠ

સપ્ટેમ્બર 25, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 71. સુંઠ: શરીર એકદમ ઠંડું થઈ જાય, અરુચી, ચુંક કે આંકડી આવી હોય તો ગોળ સાથે સુંઠ ખાવી અથવા પાણી સાથે સુંઠ ફાકવી.
ઉંઘ આવતી ન હોય તો 3 ગ્રામ પીપરીમુળના ગંઠોડાનું ચુર્ણ પાણી સાથે ફાકવું, અથવા પગના તળીયે ગાયના ઘીનું કે દીવેલનું માલીશ કરવું.

આરોગ્ય ટુચકા 70.  ચણા

સપ્ટેમ્બર 24, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 70. ચણા: 15 કાચા ચણા 65 મી.લી. પાણીમાં 24 કલાક બોળી રાખી સવારે ભુખ્યા પેટે એક એક ચણો ખુબ ચાવીને ખાવો. વધેલું પાણી પી જવું. આથી શક્તી વધે છે. ચણા પચવામાં ભારે હોય છે, આથી શારીરીક શ્રમ કરનાર અને પાચનશક્તી પ્રબળ હોય એવા લોકોને આ પ્રયોગ કામનો છે. નબળી પાચનશક્તી હોય તો ઘણા ઓછા પ્રમાણમાં પ્રયોગ કરવાનું વીચારી શકો.

આંખોનું તેજ

સપ્ટેમ્બર 23, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આંખોનું તેજ
(બ્લોગ પર તા. 23-9-2017 )
આંખોના સ્વાસ્થ્ય માટેના કેટલાક નુસખા.
1. દરરોજ હળવા હાથે કાનપટ્ટી પર ગાયના ઘીનું માલીશ કરવાથી આંખોને ફાયદો થાય છે.
2. રાત્રે પલાળી રાખેલા ત્રીફળાના પાણી વડે સવારે આંખ ધોવાથી આંખોનું તેજ વધે છે.
3. નીયમીત ગાજરનો રસ પીવાથી કે રોજીંદા આહારમાં ગાજર લેવાથી આંખોનું તેજ વધે છે.
4. સમાન ભાગે જીરું અને સાકરનું ચુર્ણ એક ચમચી ઘી સાથે દરરોજ ખાવાથી આંખો સારી રહે છે.
5. દરરોજ સવાર-સાંજ આમળાનો મુરબ્બો ખાવાથી આંખોનું તેજ વધે છે.
6. રાત્રે પાંચેક બદામ પાણીમાં પલાળી રાખી સવારે ખાવાથી આંખોનું તેજ સુધરે છે.
7. રાત્રે સુતાં પહેલાં નીયમીત પગના તળીયે ગાયના ઘીનું માલીશ કરવાથી આંખોને લાભ થાય છે.
8. રાત્રે સુતાં પહેલાં એક ચમચી વરીયાળીનું ચુર્ણ, બે બદામ અને અડધી ચમચી સાકર દુધ સાથે લેવાથી આંખોનું તેજ વધે છે.
9. ગ્રીન ટીમાં રહેલું એન્ટીઑક્સીડન્ટ આંખોના સ્વાસ્થ્ય માટે લાભકારક છે. દીવસમાં બેત્રણ કપ આ ચા પીવાથી લાભ થાય છે. આ ફાયદો મેળવવા ચામાં દુધ-ખાંડ નાખવાં નહીં.
10. પાલક, મેથી જેવી લીલાં પાંદડાંવાળી ભાજીઓ તથા કચુંબરમાં પણ એન્ટીઑક્સીડન્ટ હોય છે, જે આંખોનું તેજ વધારે છે.
11. ૩-૪ એલચીનું ચુર્ણ અને એક ચમચી વરીયાળીનું ચુર્ણ દુધમાં પીવાથી આંખોને ફાયદો થાય છે.
12. અખરોટના તેલ વડે આંખોની ચારે તરફ માલીશ કરવાથી આંખોનું તેજ વધે છે.
13. એક ચમચી જેઠીમધનું ચુર્ણ, એક ચમચી મધ અને અડધી ચમચી ઘી સવાર-સાંજ દુધ સાથે લેવાથી આંખોનું સ્વાસ્થ્ય સુધરે છે.
14. વહેલી સવારે ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલવાથી આંખોને ફાયદો થાય છે.
15. રાત્રે તાંબાના વાસણમાં ભરી રાખેલું એકબે ગ્લાસ પાણી સવારે નરણા કોઠે પીવાથી આંખોને લાભ થાય છે.

આરોગ્ય ટુચકા 69. ઉમ્મર

સપ્ટેમ્બર 22, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 69. ઉમ્મર: એ વાત સાચી છે કે જેમ સમય પસાર થાય તેમ વય વધતી જાય છે. પરંતુ એની અસર ન દેખાય એમ બની શકે. જો આપણા વીચારો સકારાત્મક, સારા, બધાંનું ભલું ઈચ્છનારા જ હોય તો આ શક્ય છે. આશાવાદીઓ પર નીરાશાવાદીઓ કરતાં ઉમ્મરની અસર ઓછી માલમ પડે છે. દુખી રહેતા લોકો જલદી વૃદ્ધ થાય છે, જ્યારે દરેક પરીસ્થીતીમાં ખુશ રહેનારા યુવાન દેખાય છે. ઉપરાંત જો તમને એમ લાગે કે લોકોને તમારી જરુર છે, તમે લોકો માટે ઉપયોગી છો, તમે લોકો માટે કંઈક પ્રદાન કરી રહ્યા છો, તો પણ તમે વધુ સમય સ્વસ્થ રહી શકો. જે લોકોને એમ થાય કે પોતે હવે કંઈ કામના રહ્યા નથી, કોઈને મારી હવે કશી જરુર નથી, તે લોકો વહેલા વૃદ્ધ થશે.

આરોગ્ય ટુચકા 68. કેન્સરનો ઈલાજ દ્રાક્ષનાં બી

સપ્ટેમ્બર 21, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 68. કેન્સરનો ઈલાજ દ્રાક્ષનાં બી: હાલમાં થયેલા એક સંશોધનમાં સાબીત થયું છે કે દ્રાક્ષનાં બીનું સત્ત્વ અથવા અર્ક લ્યુકેમીયા અને કેન્સરના અન્ય પ્રકારોને બહુ જ સારી રીતે મટાડવામાં મદદગાર થાય છે. સંશોધનમાં જોવામાં આવ્યું છે કે દ્રાક્ષનાં બી માત્ર 48 કલાકમાં દરેક પ્રકારનાં કેન્સરને 76 ટકા જેટલું નષ્ટ કરવા માટે સમર્થ છે. અમેરીકાન એસોસીએશન જર્નલમાં પ્રકાશીત એ રીસર્ચ મુજબ દ્રાક્ષના બીમાં જે JNK પ્રોટીન હોય છે તે કેન્સરના કોષોની વૃદ્ધીને નીયંત્રીત કરવાનું કાર્ય કરે છે. તો હવે સ્વાસ્થ્ય માટે માત્ર દ્રાક્ષ જ નહીં પણ એનાં ચમત્કારીક બી ખાવાનું શરુ કરવું. કેન્સરના ઘરગથ્થુ ઉપાયમાં દ્રાક્ષનાં બી ઘણાં અસરકારક છે. આયુર્વેદમાં પણ આ સંશોધનને સમર્થન જોવા મળે છે.

આરોગ્ય ટુચકા 67. અસુખ

સપ્ટેમ્બર 20, 2017

આરોગ્ય ટુચકા 67. અસુખ: દરેક જણ સુખ ઈચ્છે છે, પણ અસુખનો અનુભવ કરે છે. શા માટે? કારણ સુખી થવું સહેલું નથી. કેમ કે લોકો પોતાની જાતને બીજાં સાથે સરખાવે છે અને એવું લાગે છે કે જાણે બીજાં બધાં પોતાના કરતાં વધુ સુખી છે. આ જ એક મોટી સમસ્યા છે. તમારે એક એવું સમીકરણ જાણવું છે જે તમને કેટલા પ્રમાણમાં અસુખ છે તે દર્શાવે? એવું સમીકરણ નીચે મુજબ છે:
અ = આ – વા
અ એટલે અસુખ, આ એટલે આકાંક્ષા અને વા એટલે વાસ્તવીકતા.
આપણી આકાંક્ષા અને વાસ્તવીકતા વચ્ચેનો જે તફાવત હોય છે તેટલા પ્રમાણમાં આપણું અસુખ હોય છે. એના પરથી આપણને ખ્યાલ આવશે કે આપણી આકાંક્ષા આપણને દુખ પહોંચાડવામાં કેટલી બધી શક્તીશાળી અસર કરે છે. અને આ સમજી શકાય તેમ છે. દરેક જણ જેમ મોટું થતું જાય તેમ તેનામાં આકાંક્ષા પેદા થતી જાય છે.