Archive for જાન્યુઆરી, 2018

આરોગ્ય ટુચકા 152. છાસ

જાન્યુઆરી 31, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 152. છાસ: દુધ કરતાં છાસ વધારે સુપાચ્ય છે. છાસમાંનું પ્રોટીન પચવામાં ઘણું જ હલકું હોય છે. આથી નબળી પાચનશક્તીવાળા માટે એ ઉત્તમ છે. એનાથી આંતરડાં સક્રીય થાય છે. અરુચી, મંદાગ્ની, અતીસાર તથા વાત અને કફના રોગોમાં છાસ અમૃત સમાન છે. છાસ દીપન, પાચક, બલપ્રદ અને વર્ણ સુધારનાર છે. હરસમાં છાસથી વધુ સારી કોઈ ઔષધી નથી. છાસ કમળો, મેદ, પાંડુ, સંગ્રહણી, કબજીયાત, કૃમી, અજીર્ણ, વીષમ જ્વર અને પેટના દુખાવામાં પણ લાભ કરે છે. મીઠું(નમક) નાખેલી છાસ પીવાથી અગ્ની પ્રદીપ્ત થાય છે. કફના રોગોમાં, શરદી-સળખમ, ઉધરસ, રક્તપીત્ત, મુર્છા, ભ્રમ અને સોજામાં છાસ નુકસાનકારક છે. છાસની કઢી એક પથ્યકારક પદાર્થ છે. જમ્યા પછી છાસ પીવાની ટેવ પાડવી જોઈએ.

આરોગ્ય ટુચકા 151. મગફળી

જાન્યુઆરી 30, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 151. મગફળી: કેટલાક લોકો એને સીંગ પણ કહે છે. સુકા મેવામાં સૌથી સસ્તો છતાં ઉત્તમ આહાર મગફળી છે. જેમની પાચનશક્તી નબળી હોય અને અપચાની ફરીયાદ રહેતી હોય તેમને માટે મગફળી સારી ગણાય છે. એમાં રહેલી ચરબી – તૈલી પદાર્થ અને પ્રોટીન બંને ઉચ્ચ પ્રકારનાં છે, એટલું જ નહીં એ પચવામાં પણ સરળ છે. મગફળીમાં રહેલું તેલ શારીરીક વીકાસમાં સહાયક હોવાથી ક્ષય જેવા રોગમાં મદદગાર બને છે. મગફળીમાં વીટામીન બી1, બી2 અને વીટામીન ઈ તથા કેલ્શ્યમ, લોહ(આયર્ન) તથા ફોસ્ફરસ પણ સારા પ્રમાણમાં છે. માંસ જેવા આહાર કરતાં મગફળીમાં ત્રણથી પાંચગણી કેલેરી હોય છે. મગફળી જ્યારે શેકવામાં આવે છે ત્યારે કૅન્સર અને હૃદયરોગ સામે રક્ષણ આપનાર તત્ત્વોમાં ૨૨% જેટલો વધારો થાય છે. પરંતુ ખારી મગફળી ખાવી ન જોઈએ.

કોલેસ્ટ્રોલ (સંતૃપ્ત ચરબી)

જાન્યુઆરી 28, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

કોલેસ્ટ્રોલ (સંતૃપ્ત ચરબી) :

(બ્લોગ પર તા. 28-1-2018)

ફક્ત પ્રાણીઓ અને મનુષ્યનું યકૃત (liver) જ કોલેસ્ટ્રોલ પેદા કરી શકે છે, એટલે કોલેસ્ટ્રોલ ફક્ત પ્રાણીજ પદાર્થો જેવાં કે માંસ, દુધ, પનીર અને બીજી ડેરી પેદાશોમાં જ જોવા મળે છે. શુદ્ધ શાકાહારમાં એટલે ફળો, શાકભાજી, અનાજ અને કઠોળમાં કોલેસ્ટ્રોલ બીલકુલ હોતું જ નથી.

કોલેસ્ટ્રોલ એ મીણ જેવો પદાર્થ છે. તે આપણા શરીરમાં હોર્મોન્સ તથા બીજાં તત્ત્વો તૈયાર કરે છે. સામાન્ય રીતે આપણું યકૃત (liver) જ પોતાના માટે જરુરી કોલેસ્ટ્રોલ પેદા કરી લે છે. પરંતુ મનુષ્ય જ્યારે ડેરીની પેદાશો અને માંસાહારનો ઉપયોગ કરે છે ત્યારે તેમાં કોલેસ્ટ્રોલ પણ આવે છે. આ રીતે આપણા શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ પ્રવેશે છે, જે નુકશાનકારક છે; કારણકે તે આપણી રક્તવાહીનીઓ (ધમની અને શીરા)માં જમા થાય છે. અને છેવટે ધમનીમાં ગઠ્ઠા બાઝી જાય છે. પરીણામે હૃદય રોગનો હુમલો થાય છે.

જેઓ સંપુર્ણ શુદ્ધ શાકાહારી – અતી શાકાહારી(Vegan) છે તેઓનું યકૃત (liver) જરુરીયાત કરતાં વધારે કોલેસ્ટ્રોલ પેદા કરતું નથી એટલે તેઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઉંચું રહેતું નથી.

સંતૃપ્ત અને અસંતૃપ્ત ચરબી :

સંતૃપ્ત ચરબી શરીરની સામાન્ય જરુરીયાત કરતાં વધુ કોલેસ્ટ્રોલ પેદા કરવા માટે આપણા યકૃત (liver) ને ઉશ્કેરે છે. તેથી આપણું યકૃત આપણી જરુરીયાત કરતાં વધારે કોલેસ્ટ્રોલ પેદા કરે છે અને તે આપણી રક્તવાહીનીઓમાં જમા થાય છે. બધી જ પ્રાણીજ ચરબી, ઘી અને કેટલાંક વનસ્પતી તેલો દા.ત. કોપરેલ, પામોલીન વગેરેમાં સંતૃપ્ત ચરબી હોય છે. કેટલાક શાકાહારીઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઉંચું હોય છે કારણ કે તેઓ તેમના ખોરાકમાં સંતૃપ્ત ચરબીવાળો આહાર વધુ લે છે. તેથી જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવું હોય તો સંતૃપ્ત ચરબીવાળો આહાર સંપુર્ણ બંધ કરવો જોઈએ.

બીજાં વનસ્પતી તેલોમાં મોટે ભાગે અસંતૃપ્ત ચરબી હોય છે. સંતૃપ્ત અને અસંતૃપ્ત બંને પ્રકારની ચરબી કેલરી સંગ્રહ કરવાનાં માધ્યમો છે. તેથી સૌએ પોતાના આહારમાં અસંતૃપ્ત ચરબીવાળા આહારનો પણ સૌથી ઓછો ઉપયોગ કરવો જોઈએ.

તળ્યા વગરનો અને કોઈપણ જાતના તેલ વગરનો શુદ્ધ શાકાહાર એ તંદુરસ્ત આહાર છે. આવો આહાર કરનારને કોલેસ્ટ્રોલની કોઈ તકલીફ થતી નથી.

આરોગ્ય ટુચકા 150. ઓલીવ ઓઈલ

જાન્યુઆરી 26, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 150. ઓલીવ ઓઈલ: એક સંશોધનમાં જોવામાં આવ્યું છે કે ઓલીવ ઓઈલ કંઈક અંશે પીડાશામક – પેઈનકીલર જેવી અસર પણ કરે છે. એમાં રહેલું ‘ઓલીયોકોન્થાલ’ નામનું તત્ત્વ સોજા મટાડનાર આઈબુપ્રોફેન અને એના જેવી બીજી દવાઓ જેવું જ કામ કરે છે. સોજાનો સીધો સંબંધ હૃદયરોગ અને કેન્સર જેવા વ્યાધીઓ સાથે છે એમ માનવામાં આવે છે. આથી હૃદયરોગ, સ્તન અને ફેફસાનું કેન્સર તથા ગાંડપણ જેવા રોગોમાં ઓલીવઓઈલને ફાયદાકારક માનવામાં આવે છે. ઓલીવઓઈલમાં શરીરને લાભકારક ઘણાં તત્ત્વો હોય છે, કેટલાંક એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે, પરંતુ એ દવાની જેમ વાપરી શકાય એમ કહેવું કદાચ વધારે પડતું છે. વળી એમાં ચરબી બહુ વધુ પ્રમાણમાં હોય છે, આથી એનો વપરાશ યોગ્ય પ્રમાણમાં જ કરવો જોઈએ.

આરોગ્ય ટુચકા 149. જેઠીમધ

જાન્યુઆરી 25, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 149. જેઠીમધ: હેલ્થ શોપમાં અને કોઈક સુપરમારકેટમાં પણ જેઠીમધની ચા બનાવવા માટેની ટીબેગ મળે છે. એને સામાન્ય ચા બનાવીએ તે જ રીતે વાપરી શકાય. જો જેઠીમધનાં તાજાં મુળીયાં મળી શકતાં હોય તો એને પાણીમાં ઉકાળીને આરોગ્યવર્ધક મધુર પીણુ બનાવી શકાય. થોડા પ્રમાણમાં જેઠીમધનાં મુળીયાં કોઈ પણ હર્બલ ટી બનાવતી વખતે નાખી શકાય, જેથી એ વધુ મધુર અને સ્વાદીષ્ટ બને. જેઠીમધની આદુ કે સુંઠ, ફુદીનો અથવા કેમોમાઈલ સાથે ચા બનાવીને પીવાથી લીવર અને પાચન માર્ગ ચોખ્ખા થાય છે. આથી બ્રોન્કાઈટીસમાં લાભ થાય છે.

શ્વસન વડે ઉપચાર

જાન્યુઆરી 24, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
શ્વસન વડે ઉપચાર
(બ્લોગ પર તા. 24-1-2018)
એક અંગ્રેજી ઈમેલ પરથી
આપણા નાકનાં ડાબી બાજુ અને જમણી બાજુ એમ બે નસકોરાં છે. આપણે બંને વડે શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ. ખરેખર આ બંનેના અલગ અલગ ઉપયોગ છે. જમણી તરફનું નસકોરું સુર્ય સાથે સંબંધીત છે, જેને સુર્યનાડી પણ કહે છે, અને ડાબી તરફનું ચંદ્ર સાથે જે ચંદ્રનાડી કહેવાય છે. એટલે જમણી તરફના નસકોરાથી જ શ્વાસ લેવામાં આવે તો શરીરની ગરમીમાં વધારો થાય અને ડાબા નસકોરાથી ઠંડીમાં વધારો થાય.
જો માથું દુખતું હોય તો જમણું નસકોરું આંગળી વડે બંધ કરીને ડાબા નસકોરા વડે શ્વાસોચ્છ્વાસ કરી જુઓ. પાંચેક મીનીટમાં માથાનો દુખાવો ગાયબ થઈ જશે.
જો થાક જેવું લાગતું હોય તો ડાબું નસકોરું બંધ કરી જમણા વડે શ્વાસોચ્છ્વાસ કરો. થોડા સમયમાં તાજગી અનુભવશો. જમણી બાજુ ગરમી માટે છે, આથી એનો ઉપયોગ કરવાથી ગરમાવો લાગે છે. ડાબી બાજુ ઠંડક માટે છે.
મોટા ભાગે સ્ત્રીઓ ડાબા નસકોરાનો ઉપયોગ વધુ કરે છે, આથી તેઓ ઝડપથી ઠંડાં થઈ જાય છે. મોટા ભાગના પુરુષો જમણા નસકોરા વડે શ્વાસોચ્છ્વાસ કરે છે, આથી તેઓ જલદી ગરમીનો અનુભવ કરે છે.
સવારે ઉઠતાંની સાથે કઈ બાજુથી વધુ શ્વાસોચ્છ્વાસ થાય છે તે તરફ કોઈવાર ધ્યાન આપ્યું છે? ડાબી કે જમણી? જો ડાબી બાજુ વધુ સક્રીય હશે તો તમે જલદી થાકી જશો. એ વખતે ડાબું નસકોરું બંધ કરી જમણા વડે શ્વાસ લેશો તો થોડા સમયમાં જ તાજા થઈ જશો. જો કે ઠંડીની મોસમમાં સવારે ઉઠતી વખતે ડાબું નસકોરું બંધ અને જમણું ચાલુ હશે એ શક્યતા વધુ છે. શરીર પોતે જ આ પ્રમાણે કરતું રહે છે, પણ આપણે સભાનપણે એમાં બદલાવ કરવો હોય તો કરી શકીએ છીએ.
બાળકોને પણ આ શીખવી શકાય, પણ મોટાંઓમાં આ વધુ અસરકારક હોય છે.
એક ભાઈને કાયમ માથાનો દુખાવો રહ્યા કરતો, અને હંમેશાં ડૉક્ટરને ત્યાં જવું પડતું. રાત્રે રોજે રોજ તેને માથાનો દુખાવો સતાવતો અને એ એનો અભ્યાસ કરી શકતો નો’તો. વળી પેઈન કીલરની પણ કશી અસર થતી ન હતી. એણે શ્વાસોચ્છ્વાસનો આ પ્રયોગ કરી જોયો. જમણું નસકોરું બંધ કરી ડાબા વડે શ્વાસોચ્છ્વાસ શરુ કર્યા. એક અઠવાડીયા કરતાં પણ ઓછા સમયમાં એના માથાનો દુખાવો જતો રહ્યો. એણે મહીના સુધી આ પ્રયોગ ચાલુ રાખ્યો. કોઈ પણ જાતની દવા વીનાના આ કુદરતી ઉપચારનો એને સરસ અનુભવ થયો.
તો આ કરી જોવામાં શું વાંધો?

આરોગ્ય ટુચકા 148. ચામડીની કાળજી

જાન્યુઆરી 22, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 148. ચામડીની કાળજી
જાપાનનાં લોકોની યુવાની અને સૌંદર્યનું રહસ્ય: એક આરોગ્યદાયક લેપ જે ચહેરાને કેટલાંય વર્ષ ભુંસી દઈ યુવાન કરી દેશે!
સમગ્ર દુનીયામાં જાપાનની યુવતીઓ સૌથી વધુ સૌંદર્ય ધરાવે છે. લગભગ દરેક યુવતી નીષ્કલંક સૌંદર્યવાન જોવામાં આવે છે. એમની ત્વચા અત્યંત સુંદર હોય છે. સૈકાઓથી જાપાનની યુવતીઓને સૌંદર્ય બક્ષતી પ્રક્રીયાનું રહસ્ય અહીં આપવામાં આવે છે.
બજારમાં સેંકડો અને હજારો યુવાની જાળવી રાખનારાં ક્રીમ જોવા મળે છે. પણ એ હકીકત છે કે એમાંનું કોઈ ક્રીમ કારગત નીવડતું નથી. એનું કારણ એ છે કે ત્વચા પર જે કંઈ લગાડવામાં આવે છે તે સીધું જ લોહીમાં શોષાઈ જાય છે. જ્યારે રસાયણયુક્ત ક્રીમ ચામડી પર લગાડવામાં આવે છે ત્યારે એનું કોઈ પરીણામ જોવા મળતું નથી, પરંતુ જો સ્વાસ્થ્યવર્ધક કુદરતી ઔષધોનો ઉપયોગ કરવામાં આવે તો એનો લાભ જોવા મળશે.
રાંધેલા ચોખા એટલે કે ભાત ચામડીને લગભગ સંપુર્ણ ખામી રહીત સુંવાળપવાળો દેખાવ આપે છે, એટલું જ નહીં સમય જતાં ચામડી ઉજળી પણ કરે છે. અને એનાથી ચામડી ભરાવદાર તેમજ કરચલી વીનાની પણ થાય છે. ત્વચાનાં છીદ્રો નાનાં થાય છે. એમાં ભરપુર વીટામીન, મીનરલ્સ અને એન્ટીઑક્સીડન્ટ હોય છે, જેની ચામડી પર ઠંડક આપનારી અને સોજાવીરોધી અસર થાય છે.
એ માટે આટલી વસ્તુઓ જોઈશે:
૨-૩ ચમચા (ટેબલસ્પુન) ચોખા
૧ ચમચો ગરમ કરેલું દુધ
૧ ચમચો મધ
રીત: ચોખામાં ઠંડું પાણી નાખી ધીમા તાપે બીલકુલ નરમ થાય ત્યાં સુધી ચેડવો. પછી એને ઓસાવીને ભાતને અને ઓસામણને અલગ અલગ વાડકામાં રાખો. ભાતને ફરીથી ઠંડા પાણીથી ધોઈ લો. એમાં એક ચમચો ગરમ દુધ નાખી બરાબર મીક્સ થઈ જાય ત્યાં સુધી હલાવો. હવે એમાં એક ચમચો મધ ઉમેરી મીક્સ કરો. એનો સારો એવો લેપ ધોઈને સ્વચ્છ કરેલી ચામડી પર લગાવો. અડધા કલાક પછી એને દુર કરી અલગ રાખેલા ભાતના ઓસામણ વડે ધુઓ.
વધુ માટે જુઓ:
http://eleganceandbeautyreviews.com/rice-water-skin-care/
http://thebeautygypsy.com/rice-water-beauty-benefits/
http://eleganceandbeautyreviews.com/rice-water-skin-care/

આરોગ્ય ટુચકા 147. આંખોની કાળાશ

જાન્યુઆરી 21, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 147. આંખોની કાળાશ (૧) આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન ભાગે સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.
(૨) કાળા તલને બારીક વાટી મધમાં મેળવી સવાર-સાંજ ધીમે ધીમે કાળાં કુંડાળાં પર ઘસવાથી આઠ-દસ દીવસમાં જ આંખો નીચેનાં એ કાળાં કુંડાળાં દુર થાય છે. સાથે સાથે પ્રોટીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ.
(૩) બટાટાના રસમાં બેત્રણ ટીપાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂનાં પુમડાં બોળી આંખો પર મુકવાથી આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે.
(4) મોઢાની કાળાશ, ખીલ મટાડવા અને મુખસૌંદર્ય માટે આમળાનો ઉકાળો કરી ગાળી એ પાણીથી મોં ધોવું અને આંખો પર છાંટવું. સુકાં આમળાં કફ અને ચીકાશને દુર કરે છે, તથા ચાંદાં મટાડે છે.

સાત ઉખાણાં

જાન્યુઆરી 20, 2018

સાત ઉખાણાં
(બ્લોગ પર તા. 20-1-2018 )
સાત ઉખાણાના બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ઉકેલ
૧. જગતમાં સૌથી વધુ તીક્ષ્ણ વસ્તુ કઈ?
બુદ્ધના શીષ્યોએ કહ્યું, “તલવાર”
બુદ્ધ: મનુષ્યની જીભ, કેમ કે જીભ વડે માણસો બહુ જ સહજતાથી બીજાંનો વધ કરે છે. હૃદય પર ઘા કરે છે, લોકોની લાગણી દુભાવે છે, વગેરે.
૨. આ દુનીયામાં આપણાથી સૌથી દુરની વસ્તુ કઈ?
કેટલાકે કહ્યું, “અવકાશ, ચંદ્ર, સુર્ય.”
બુદ્ધે જણાવ્યું, “સૌથી દુર ભુતકાળ, વીતેલો સમય છે. આપણે ગમે તે હોઈએ, ગમે તેટલા ધનવાન હોઈએ, આપણે વીતેલા સમયમાં પાછા જઈ શકતા નથી. આથી આપણે આજના સમયનો અને આવનાર સમયનો સદુપયોગ કરવો જોઈએ.
૩. દુનીયામાં સૌથી મોટી વસ્તુ કઈ?
કોઈકે કહ્યું, “પર્વત, પૃથ્વી, સુર્ય.”
બુદ્ધ: “દુનીયામાં સૌથી મોટી વાસના છે. ઘણા લોકો વાસનામાં ડુબી જતાં કંગાળ બની જાય છે. સ્વપ્નો અને વાસના પુરી કરવા માટે કંઈ પણ કરવામાં આવે છે. આથી વાસનાથી સાવધાન રહો!
4. જગતમાં સૌથી વજનદાર, સખત વસ્તુ કઈ?
કોઈકે કહ્યું, “પોલાદ, લોખંડ, હાથી.”
બુદ્ધ: સખત બાબત છે વચન. એ આપવું સહેલું છે, પણ નીભાવવું મુશ્કેલ છે.
5. જગતમાં સૌથી ઓછા વજનની વસ્તુ કઈ?
કોઈકે કહ્યું, “રુ, પવન, ધુળની રજકણ, પાંદડાં.”
બુદ્ધ: જગતમાં સૌથી ઓછું વજન છે, “હું”ને ભુલવું અને “હું”ને તજવું. જુઓને મોટા ભાગના લોકો સંપત્તી પાછળ દોડે છે, પદ મેળવવા દોડે છે, કેટલાક માત્ર “હું” ત્યજી દે છે.
6. જગતમાં આપણી સૌથી નજીક શું છે?
જવાબ મળ્યો, “માબાપ, મીત્રો, સંબંધીઓ.”
બુદ્ધ: આપણી સૌથી નજીક મૃત્યુ છે. કેમ કે મૃત્યુ નીશ્ચીત છે, અને કોઈ પણ ક્ષણે સંભવી શકે છે.
7. છેલ્લો પ્રશ્ન: જગતમાં કઈ વસ્તુ કરવી સહેલામાં સહેલી છે?
લોકોએ જવાબ આપ્યો, “ખાવું, ઉંઘવું, લટાર મારવી.”
બુદ્ધ: સહેલામાં સહેલું છે જ્ઞાનનો ફેલાવો કરવો અને સૌને વહેંચવું.

આરોગ્ય ટુચકા 146. કફ

જાન્યુઆરી 19, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 146. કફ: રોજ સવારે અને રાત્રે નાગરવેલના એક પાન પર સાત તુલસીનાં પાન, ચણાના દાણા જેવડા આદુના સાત ટુકડા, ત્રણ કાળાં મરી, ચણાના દાણા જેવડા આઠથી દસ હળદરના ટુકડા અને આ બધા પર દોઢ ચમચી જેટલું મધ મુકી બીડું વાળી ધીમે ધીમે ખુબ ચાવીને ખાવાથી ૧૦-૧૫ દીવસમાં કફ મટે છે.
ફેફસામાં જામી ગયેલો કફ નીકળતો ન હોય તો જેઠીમધ(મુલેઠી) અને આમળાનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ ૧-૧ ચમચી સવાર-સાંજ પાણી સાથે લેવાથી થોડા દીવસોમાં કફ નીકળી જઈ ફેફસાં સ્વચ્છ થાય છે.