Archive for ફેબ્રુવારી, 2018

આરોગ્ય ટુચકા 176 નસીબવંતા લોકો

ફેબ્રુવારી 28, 2018

આરોગ્ય ટુચકા 176  નસીબવંતા લોકો: તમે જે પરીસ્થીતીમાં છો તેમાં તમે તમારી જાતને ખુબ સુખી અને નસીબદાર માનશો તો તમે ખુબ તંદુરસ્ત રહેશો. માયામી અને કેલીફોર્નીઆના બે સાયકોલોજીસ્ટે ઘણા લોકો ઉપર પ્રયોગ કર્યો. એક ગ્રુપને રોજના તેમના જીવનમાં બનતા બનાવો નોંધવાનું કહ્યું. બીજા ગ્રુપને આખા જીવનમાં પડેલી નાની મોટી તકલીફોની નોંધ કરવા કહ્યું. જયારે ત્રીજા ગ્રુપને તેઓ પોતાની હાલની પરીસ્થીતી માટે કોના આભારી છે તેની નોંધ કરવા કહ્યું. પહેલાં બે ગ્રુપ કરતાં ત્રીજા ગ્રુપની શારીરીક ક્ષમતા સરસ હતી. તેઓની યાદ શક્તી સારી હતી. તેઓ જબરજસ્ત આશાવાદી હતા.

તેઓને બધેથી આભારના બદલામાં પ્રેમ મળતો હતો. સંશોધકોએ એવું નક્કી કર્યું કે નાની મોટી દરેક બાબતમાં ‘આભારવશ’ બનતા બધા જ લોકોની માનસીક સમતુલા પણ સરસ હતી. નાની મોટી કોઇ પણ તકલીફથી તેઓ ગભરાતા નહોતા. બલ્કે તેમને જબરજસ્ત આત્મવીશ્વાસ હતો. શારીરીક તકલીફો પણ તેમને લગભગ નહોતી. જીવનની દરેક પળે જે પરીસ્થીતી છે તેનો સ્વીકાર કરી બીજાનો હૃદયપુર્વક આભાર માનવામાં આવશે તો જીંદગી જીવવા જેવી લાગશે.

આરોગ્ય ટુચકા 175.   બંધ નાક અને સંગીત

ફેબ્રુવારી 27, 2018

આરોગ્ય ટુચકા 175.   બંધ નાક અને સંગીત: શરદીને લીધે સાઈનસ ભરાઈ ગયાં હોય તો મનગમતું સંગીત ગણગણવાથી એ ખુલી જાય છે. સ્વીડનમાં ૧૦ વ્યક્તીઓ ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. શરદી ઉધરસ થયાં હોય ત્યારે રેડીઓ કે ટેપ ઉપર મનપસંદ ગીત સાંભળી તેને ગણગણાવા માંડો. એક જ લીટી ગણગણવાથી નાકમાં ૧૫ ટકા વધારે ‘નાઇટ્રીક ઓકસાઇડ’ નામનો વાયુ જશે. આને લીધે સાઇનસ જે ઝેરી વાયુથી ભરાઇ ગયાં છે તે ચોખ્ખાં થઇ જશે. ગીત નાકથી ગણગણવાથી વધુ ફાયદો થાય છે. ગમતાં ગીત દીવસમાં બે વખત મુકી ગણગણાવાની ક્રીયા ચાલુ રાખવાથી સાઇનસ ખુલી જશે અને ભારે થઈ ગયેલો અવાજ સરસ થઇ જશે.

આરોગ્ય ટુચકા 174.  લાંબુ જીવવામાં મીત્રો ઉપર આધાર

ફેબ્રુવારી 26, 2018

આરોગ્ય ટુચકા 174.  લાંબુ જીવવામાં મીત્રો ઉપર આધાર: કુટુંબના સભ્યોના સતત સહવાસ કરતાં પણ મીત્રો સાથેનો સંપર્ક લાંબુ જીવાડે છે એવું સંશોધન ઓસ્ટ્રેલીઅન એજીંગ સોસાયટીએ કર્યું છે. આનો અર્થ એમ નથી કે કુટુંબીજનો મદદ નહીં કરે. ૧૫૦૦ વ્યક્તીઓ ઉપર ૧૦ વર્ષ સુધી પ્રયોગ કરવામાં આવ્યો હતો. સામાજીક મોભો, આર્થીક સધ્ધરતા, શારીરીક તંદુરસ્તી અને જીવન શૈલી બધાંનો ખ્યાલ આ સંશોધનમાં રાખવામાં આવ્યો હતો. જે લોકો વધારે જીવ્યા તેમની વીગતો તપાસતાં એવી ખબર પડી કે જે લોકોને ઘણા મીત્રો અને જેની ઉપર વીશ્વાસ મુકી શકાય તેવી વ્યક્તીઓની સંખ્યા વધારે હતી તેઓ ઘણું જીવ્યા. ઘરની વ્યક્તીઓ સાથે લોહીનો સંબંધ હોવા છતાં પણ તેઓના વ્યવહાર અને વર્તનમાં જેટલું નજીકપણુ હતું તેના કરતાં મીત્રોમાં વધારે મળ્યું. આજથી વધારે મીત્રો બનાવો અને લાંબુ જીવવા તૈયાર થઇ જાઓ. ઘરના લોકો પ્રત્યે આ માટે ઉદાસીન થવાની જરુર નથી. તેઓની સાથે પણ પ્રેમભાવભરી લાગણી રાખો. તેમાંથી પણ મીત્ર બનાવી શકશો. દાદાનો મીત્ર પૌત્ર કે પૌત્રી હોઇ શકે. ધારે તો પતી-પત્ની પણ સારા મીત્ર બની શકે. સાસુ અને વહુ પણ સારા મીત્ર બની શકે. મુળ વાત છે વીશ્વાસ, શ્રદ્ધા અને નીષ્ઠાની. જુઓ પ્રયત્ન કરો. મરવાની કોને ઉતાવળ છે ? ખરુંને ?

આરોગ્ય ટુચકા 173. ચીર યૌવન

ફેબ્રુવારી 25, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 173. ચીર યૌવન: ફોતરાં કાઢી નાખેલા જવ 50 ગ્રામ અને ઉત્તમ પ્રકારના ચોખા ૫૦ ગ્રામ દળીને તેમાં ૫૦ ગ્રામ લીંડી પીપરનું ચુર્ણ ઉમેરવું. એને ગાયના ૧૨૫ ગ્રામ ઘીમાં ધીમા તાપે શેકી ૪૦૦ ગ્રામ સાકરની બેતારી ચાસણીમાં નાખવું. ઘટ્ટ થાય ત્યારે ઉતારીને ઠરે એટલે ૫૦-૫૦ ગ્રામના લાડુ વાળવા. રોજ રાત્રે એક લાડુ ખાઈ ઉપર એક મોટો ગ્લાસ જાયફળવાળું દુધ પીવું. ખારા અને ખાટા પદાર્થો ન લેવા. આ પાકનું સેવન કરવાથી લાંબા સમય સુધી યૌવન ટકી રહે છે.

આરોગ્ય ટુચકા 172 લોહીની ઉણપ

ફેબ્રુવારી 24, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 172. લોહીની ઉણપ: શરીરમાં લોહીની ઉણપ હોય તો એક કપ પાણીમાં બે ચમચી આમળાનો રસ, એક ચમચી મધ અને થોડો લીંબુનો રસ ભેળવી સવારે નરણા કોઠે પીવાથી લાભ થાય છે. તાજાં આમળાં ન મળતાં હોય તો સુકાં આમળાં આખી રાત પાણીમાં પલાળી રાખી સવારે તેનો રસ ઉપયોગમાં લઈ શકાય. ખજુરમાં લોહતત્ત્વ સારા પ્રમાણમાં છે, આથી લોહીની ઉણપમાં બહુ સારું છે. જો કે એનું પ્રમાણ પોતાની પાચનશક્તી મુજબ રાખવું, કેમકે ખુજુર પચવામાં ભારે છે. આ ઉપરાંત કાજુમાં પણ લોહ વધુ માત્રામાં હોય છે, આથી જે લોકોમાં લોહીની ઉણપ હોય તે લોકોએ શિયાળામાં કાજુ ખાવાં જોઈએ.

આરોગ્ય ટુચકા 171. પીપર

ફેબ્રુવારી 23, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 171. પીપર – એને લીંડીપીપર પણ કહે છે.

  1. ચોખાના દાણા જેટલું અથવા ચણાના દાણા જેટલું (૦.૧૬ ગ્રામ) ચોસઠ પ્રહરી પીપરનું ચુર્ણ એક ચમચી મધમાં મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે લેવાથી અરુચી, ઉધરસ, શ્વાસ-દમ, શરદી, એલર્જી, હેડકી વગેરેમાં ફાયદો થાય છે.
  2. બે લીંડીપીપરનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવાથી

શરીરની સાતે ધાતુઓની વૃદ્ધી થઈ વૃદ્ધાવસ્થા દુર રહે છે, રોગો થતા નથી, અને જીવન લંબાય છે.

  1. પીપરનો ઉકાળો પીવાથી પેટનો વાયુ-ગોળો મટે છે.

આરોગ્ય ટુચકા 170. જાયફળ

ફેબ્રુવારી 22, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 170. જાયફળ

  1. જાયફળ આહારના પાચનમાં મદદ કરે છે, તેથી ઉબકા, ઉલટી વગેરે ઉપર કાબુ આવે છે. મધ, થોડાં ટીપાં લીંબુ અને જરાક જેટલા આદુના રસ સાથે જાયફળનું ચુર્ણ ચાટવાથી મરડામાં સારી રાહત થાય છે. (બે કે ત્રણ વખત દીવસમાં આ ચાટવું.)
  2. માથાના ઉગ્ર દુખાવામાં કે કમરના દુખાવામાં જાયફળ પાણીમાં કે દારુમાં (આલ્કોહોલમાં) ઘસી ચોપડવાથી લાભ થાય છે.
  3. અનીદ્રામાં (ઉંઘવાની સમસ્યા હોય તો) ૦.૩ થી ૦.૬ ગ્રામ(બેથી ચાર રતી) જાયફળ અને એટલું જ પીપરીમુળનું ચુર્ણ, દુધ સાથે સુવાના અર્ધા કલાક પહેલાં લેવું.

આરોગ્ય ટુચકા 169. મેથી

ફેબ્રુવારી 20, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 169. મેથી

  1. મેથી એક અકસીર ઔષધ છે. એને મીઠાના પાણીમાં પલાળીને સુકવ્યા પછી શેકીને લેવાથી તેનો અત્યંત કડવો સ્વાદ દુર થાય છે. થોડાક જ દાણા દીવસમાં આઠ દસ વખત ચાવવાથી મોઢું સ્વચ્છ રહે છે સાથે લોહીમાં કૉલેસ્ટરલ પણ ઘટે છે. આવી મેથી બંધકોષ કરતી નથી, ઉલટાની બંધકોષમાં રાહત કરે છે. વળી મેથી પ્રસુતા મહીલાઓને માટે ઉપયોગી છે. એનાથી દુધનું પ્રમાણ વધે છે.
  2. ખોડો થયો હોય તો મેથીના ભુકાનો લેપ માથામાં લગાડવાથી ખોડો દુર થાય છે. એકાદ કલાક જેટલો સમય આ લેપ માથામાં રાખી પછી માથું હુંફાળા પાણીથી બની શકે તો અરીઠાં સાથે ધોવાથી ખોડો દુર થાય છે. અરીઠાં પણ ખોડા ઉપર ખુબ સારું કામ કરે છે. સોજા ઉપર પણ મેથીનું ચુર્ણ અને હળદરનો લેપ શ્રેષ્ઠ ઔષધ છે.

આરોગ્ય ટુચકા 168. તજ

ફેબ્રુવારી 19, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 168. તજ

  1. એક ચમચી તજના ચુર્ણમાં થોડાં ટીપાં લીંબુના રસનાં નાખી તેમાં થોડું પાણી નાખી પાતળો લેપ ખીલ ઉપર ખુબ ઉપયોગી થાય છે. વળી, તજના ભુકાને લીંબુના રસ સાથે ઠંડા પાણીમાં મેળવી તેને ગાળી કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ પણ દુર થાય છે.
  2. તજ મધુ પ્રમેહ (ડાયાબીટીસ) ઉપર સૌથી વધુ અસરકારક ઔષધ છે. તે ‘‘ટાઈપ-૨’’ ડાયાબીટીસને કાબુમાં રાખે છે. રોજ ત્રણથી ચાર વખત અર્ધી ચમચી તજનો ભુકો પાણીમાં મેળવીને લેવાથી મધુપ્રમેહ કાબુમાં રહે છે. તેથી શરદી તેમજ મરડામાં પણ રાહત રહે છે. ચામાં પણ તજ નાખીને પીવાથી એની સુગંધ તો સરસ આવે જ છે, સાથે તે કફ શરદી વગેરેમાં પણ રાહત કરે છે.

નોંધ: તજનું વધુ પડતું સેવન નપુસંકતા લાવી શકે. વળી એ ગરમ હોવાથી પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ લઈ શકાય.

આરોગ્ય ટુચકા 167. જીરું

ફેબ્રુવારી 18, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 167. જીરું

જીરાંને ખાંડી તેને ઝીણાં કપડાંથી ગાળી, પાણીમાં ઉકાળી, તે લેપ હુંફાળો હોય ત્યારે ગુમડાં ઉપર લગાડવાથી કે ખીલ ઉપર લગાડવાથી, ગુમડાં કે ખીલ પાકી જઈ તેની ફોલ્લી દુર થાય છે. જીરું આંતરડાના રોગમાં પણ ઉપયોગી છે. ખાસ કરીને મોટા આંતરડાના રોગમાં (મરડા વ.માં) તો ઘણી રાહત આપે છે. જાડી છાશમાં થોડું જીરું જરા જેટલી મીઠાવાળી શેકેલી મેથીને ખાંડી સાથે જરા મીઠું નાખીને, ઠંડી કરેલી છાશ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

ચામડીના રોગમાં પણ થોડી હળદર સાથે જીરાના ભુકાને ભેળવી તેને જરુર જેટલા પાણીમાં ઉકાળી, તે પાણી ઠરે પછી તે હુંફાળો લેપ લગાડવાથી ચામડીના રોગોમાં રાહત રહે છે.