Archive for માર્ચ, 2018

આરોગ્ય ટુચકા 195.  કફનાશક એક ઔષધ-સીતોપલાદી ચુર્ણ

માર્ચ 31, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 195.  કફનાશક એક ઔષધ-સીતોપલાદી ચુર્ણ: એમાં મુખ્ય ઔષધ સાકર છે. સાકરની સાથે બીજાં ચાર ઔષધો મેળવીને સીતોપલાદી બનાવવામાં આવે છે. સાકર ૧૬૦ ગ્રામ, વંશલોચન(વાંસકપુર-silicious concretion) ૮૦ ગ્રામ, લીંડીપીપર ૪૦ ગ્રામ, મોટી એલચીના દાણા ૨૦ ગ્રામ અને તજ ૧૦ ગ્રામ. એને ખૂબ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરવું. ફાર્મસીમાં આ ચુર્ણ તૈયાર પણ મળે છે. એને ઘી, મધ કે આદુના રસ સાથે જરુરત મુજબ લેવું. સુકી ઉધરસમાં ઘી સાથે, કફવાળીમાં મધ સાથે અને ખાવાની અરુચી હોય તો આદુના રસ સાથે સવાર-સાંજ એક એક ચમચી લેવું. વંશલોચનની અવેજીમાં  કદાચ સુવા લઈ શકાય? મને એની ચોક્કસ ખાતરી નથી.

આરોગ્ય ટુચકા 194. કમરના દુખાવાનો એક ઉપાય-શલભાસન

માર્ચ 30, 2018

આરોગ્ય ટુચકા 194. કમરના દુખાવાનો એક ઉપાય-શલભાસન:

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

26.Shalbhasan

શલભ એટલે તીડ અથવા પતંગીયું. આ આસનમાં શરીરનો દેખાવ બેઠેલા તીડ કે પતંગીયા જેવો થાય છે. ઉંધા સુઈને પગનાં તળીયાં ઉપર રહે તેમ અને બંને હાથ બાજુ પર રાખવા. ખભા અને માથું જમીનને અડેલું રાખો. ઉંડો શ્વાસ લઈ છાતી અને હાથ પર શરીરનું વજન રાખી પગ એકબીજા સાથે અડેલા અને સીધા રાખીને ઉપર ઉઠાવવા. પગ ઢીંચણમાંથી વળવા ન જોઈએ. પગ જેટલા ઉંચે લઈ જઈ શકાય તેટલા લઈ જવા, પણ શરીરનો નાભી સુધીનો ભાગ જમીનને અડેલો રહેવો જોઈએ.

શ્વાસ રોકી શકાય એટલો સમય આ રીતે પગ ઉઠાવેલા રાખવા. એ પછી ધીમે ધીમે પગ મુળ સ્થીતીમાં નીચે લાવવા, અને સામાન્ય શ્વાસોચ્છ્વાસ ચાલુ કરવો. આ રીતે તમારી શક્તી અને અનુકુળતા મુજબ આ આસન બેથી સાત વખત કરી શકાય. શરીર પર બળજબરી કરીને વધુ પડતા સમય સુધી શ્વાસ રોકી ન રાખવો.

સાથે સાથે આ આસન પહેલાં વારા ફરતી એક એક પગ ઉંચકીને અને પછીથી બંને પગ સાથે ઉંચકીને પણ કરવું હોય તો કરી શકાય. તેમ જ જમણો પગ અને ડાબો હાથ એક સાથે ઉંચકીને, પછી ડાબો પગ અને જમણો હાથ સાથે ઉંચકીને પણ કરી શકાય.

આરોગ્ય ટુચકા 193.  કબજીયાતનો એક સરળ ઉપાય

માર્ચ 28, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 193.  કબજીયાતનો એક સરળ ઉપાય: જો સવારે હાજત ન થાય, પેટ વાયુથી ફુલી જાય, આફરો ચઢે, પેટ, પેઢુ, છાતી, કે પડખામાં વાયુના દબાણથી દુખાવો થાય, મોટા મોટા ઓડકાર આવે તો સવારે બ્રશ કર્યા પછી મોટા બે પ્યાલા જેટલા હુંફાળા પાણીમાં એક લીંબુ નીચોવીને અને અજમાનું ત્રણચાર ગ્રામ ચુર્ણ મેળવીને ધીમે ધીમે પી જવું, પછી થોડુંક ચાલવું. નીયમીત ભોજન લેવું. એક ટાણા-ઉપવાસ ન કરવા. દરરોજ પુરતા પ્રમાણમાં પાણી પીવું. પાણી ઓછું પીનારનાં આંતરડાં કમજોર બને છે. પાણીથી મળનો નીકાલ કરવાની શક્તી વધે. એનાથી બેત્રણ દીવસમાં જ લાભ જણાશે.

આરોગ્ય ટુચકા 192. સુકી ઉધરસના સરળ ઉપાય

માર્ચ 26, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 192. સુકી ઉધરસના સરળ ઉપાય: (1) બહેડાની છાલનો ટુકડો એટલાજ સીંધવ સાથે ચુસવો.

(2) એક કપ દુધમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ નાખી ગરમ કરીને સવારે લેવું. (3) રાત્રે સુતી વખતે એક ગ્લાસ દુધ ગરમ કરીને હુંફાળું કર્યા પછી એક ચમચી દીવેલ નાખીને પીવું.

(4) આહારમાં કડવા, તીખા, તુરા તેમજ સુકા, ઠંડા અને લઘુ ગુણવાળા પદાર્થો ન લેવા, અને ઉજાગરા ન કરવા. આ ઉપચારોથી ઉધરસ મટી જશે, ઉપરાંત વાયુની તકલીફ પણ દુર થશે.

આરોગ્ય ટુચકા 191. વાતરક્ત

માર્ચ 24, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 191. વાતરક્ત: વાતરક્તને અંગ્રેજીમાં ગાઉટ કહે છે.

(૧) અગથીયાનાં ફુલ જુની શરદી અને વાતરક્ત (ગાઉટ) મટાડનાર છે. અગથીયો મધ્યપ્રદેશ, બંગાળ, મુંબઈ અને ગંગા-જમનાની આસપાસના પ્રદેશોમાં ખાસ થાય છે. વધુ પાણીવાળી જમીનમાં તેનાં ઝાડ પુશ્કળ ઝડપથી વધે છે અને ૧૫થી ૩૦ ફુટ જેટલાં ઉંચાં થાય છે. એનાં વૃક્ષોનું આયુષ્ય સાતથી આઠ વર્ષનું જ હોય છે. એના પર ચંદ્રકળા જેવાં વળાંકયુક્ત સુંદર ફુલો આવે છે. ફુલનાં વડાં, ભજીયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે. આયુર્વેદ દવા વેચનારાને ત્યાં અગથીયો મળતો હોય તો એની માહીતી મને નથી.

(૨) મળી શકે તો લીલી શતાવરીનો તાજો રસ કાઢી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો. એનાથી જીર્ણ જ્વર, મીરગી-વાયુ, આંતરીક ચાંદાં, ગાઉટ, ફેફસાના રોગો વગેરે મટે છે.  જો લીલી શતાવરી ન મળે તો જ્યારે મળે ત્યારે શતાવરી ઘૃત પકાવી લેવું. ૫૦૦ ગ્રામ ગાયનું ઘી, ૨ કીલોગ્રામ શતાવરીનો રસ અને ૨૦૦ ગ્રામ શતાવરીના મુળીયાનું ચુર્ણ મીશ્ર કરી ઉકાળવું. પાણીનો ભાગ ઉડી જાય ત્યારે ઉતારીને ગાળી લેવું. એક ચમચી આ શતાવરી ઘૃત દીવસમાં ત્રણ વખત લેવાથી ઉપરોક્ત સમસ્યા મટે છે.

(૩) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ મોટો ચમચો મધ નીયમીત ચાટવાથી આર્થરાઈટીસ, ગાઉટ તથા અન્ય સાંધાના રોગો મટે છે, કેમ કે મધ શરીરમાં એકઠો થયેલો યુરીક એસીડ ઝડપથી બહાર ફેંકી દે છે. મધ ચોખ્ખું હોવું જોઈએ, નહીંતર આ પ્રયોગ નુકસાન કરી શકે.

આરોગ્ય ટુચકા 190. કફ

માર્ચ 23, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 190.  કફ: સવારમાં શરીરમાં વધુ પડતો કફ હોય છે આથી સવારના સમયે કેળાં, દહીં, મીઠાઈ વગેરે કફ વધારે તેવા પદાર્થો ન ખાવા. એના બદલે મમરા, ખાખરા, દુધનો ઉકાળો, ઓસામણ જેવા હળવા, સુપાચ્ય, તીખા અને ગરમા ગરમ પદાર્થોનો જ ઉપયોગ કરવો.

જમ્યા પછી તરત પણ કફની વૃદ્ધી થાય છે. માટે જમ્યા બાદ વધુ પ્રમાણમાં પાણી ન પીવું. વળી જમ્યા પછી આઈસ્ક્રીમ અને ફળો ખાવાની પ્રથા પણ યોગ્ય નથી. જમ્યા પછી તરત ઉંઘી જવું એ પણ બરાબર નથી. થોડીવાર ચાલવું જોઈએ અને બપોરે તો જમ્યા બાદ ઉંઘવું એ સ્થુળતા, સુસ્તી, આમવાત અને પ્રમેહ જેવા કફજન્ય રોગોને નીમંત્રણ આપવા જેવું છે.

કફની ઉત્પત્તી પાણીમાંથી થાય છે, આથી વધુ પડતું પાણી પીવાથી પણ શરીરમાં કફ વધે છે.

આરોગ્ય ટુચકા 189. તુલસી

માર્ચ 22, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 189. તુલસી: હીન્દુ સંસ્કૃતીમાં તુલસીને પવીત્ર માનવામાં આવે છે, અને એટલે જ દરેક ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે. તુલસીનું વૈદકીય મુલ્ય પણ છે. તુલસીમાં છ પ્રકારો છે તેમાં જાંબલી રંગની કોરવાળાં પાંદડાં અને કાળા રંગની ડાળખીઓવાળી કૃષ્ણ તુલસી અથવા શ્યામ તુલસી શ્રેષ્ઠ છે. તમામ પ્રકારની તુલસીના પાંદડાંમાંથી મળતા એસેન્શલ ઓઇલમાં methyl cinnamate નામનું તત્વ જોવા મળે છે અને આ તત્વ જ બીમારી સામે રક્ષણ આપે છે. કૃષ્ણ તુલસીના પર્ણોમાં કપુરનું પ્રમાણ વીશેષ મળી આવે છે. અને તેના કારણે જ કૃષ્ણ તુલસી શરદી-ખાંસી જેવી સમસ્યામાં ઉપયોગી થાય છે. તુલસીનાં પાન ચોખ્ખા પાણીથી ધોઇને સ્વચ્છ કરીને સીધાં જ ઉપયોગમાં લઇ શકાય છે, તે ઉપરાંત ચા અને દુધમાં ઉકાળીને પણ ઉપયોગ કરી શકાય છે. તુલસીનાં પાનને ક્રશ કરીને તેની સાથે મધ, લીંબુ અને મરી ઉમેરીને શરબત પણ બનાવી શકાય છે. તુલસીને તડકામાં સુકવ્યા બાદ તેનો પાવડર કરીને વીવીધ વાનગીમાં પણ ઉમેરી શકાય.

આરોગ્ય ટુચકા 188. ઓછો આહાર, લાંબું આયુષ્ય

માર્ચ 21, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 188. ઓછો આહાર, લાંબું આયુષ્ય: એક સંશોધનમાં બહાર આવ્યું છે કે ઓછા પ્રમાણમાં ખાવાથી લાંબું જીવી શકાય છે, અને તંદુરસ્તી પણ સારી રહે છે. અગ્રણી સંશોધકોએ જણાવ્યું છે કે ઓછો આહાર લેવાથી આયુષ્યમાં ઓછામાં ઓછાં પાંચ વર્ષનો વધારો કરી શકાય છે.

સંશોધનના એક અહેવાલ મુજબ આરોગતી વખતે પેટમાં થોડી જગ્યા રાખવાથી કેલરી નીયંત્રણમાં રહે છે અને તેને પગલે યુવાની જળવાઇ રહે છે. અત્યાર સુધી આવી વાતોમાં વીશ્વાસ ના ધરાવતા વીજ્ઞાનીઓ પણ આ તથ્યનો સ્વીકાર કરતા થયા છે કે ઓછું આરોગવાથી કેટલાક રોગોનાં જોખમ ઘટે છે અને શરીરના કોષ કાર્યરત રહે છે.

સેન્ટ લુઇસ યુનીવસીર્ટીના સંશોધક એડવર્ડ વેઇસના જણાવ્યા મુજબ કેલરી નીયંત્રણથી કેન્સર, ડાયાબીટીસ અને હૃદયરોગનાં જોખમો ઘટે છે. તેમના જણાવ્યા મુજબ ૨૫ વર્ષની વયથી જ જેટલી ભુખ હોય તેના ૧૫ ટકા ભુખ રાખીને આરોગો તો તમારા આયુષ્યમાં ૪.૫ વર્ષનો વધારો કરી શકો. આ હકીકતને માનવા જેવી છે. વીજ્ઞાનીઓ સમજી શકતા નથી કે ઓછો આહાર લેવાથી આયુષ્ય કઇ રીતે વધે? પરંતુ આ બાબતનો સ્વીકાર જરુર કરતા થયા છે.

આરોગ્ય ટુચકા 187. ઑલીવ ઑઈલ

માર્ચ 19, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 187. ઑલીવ ઑઈલ: ઓલીવ ઓઈલ વીટામીનોનો અમુલ્ય ખજાનો છે. તેમાં વીટામીન એ, ડી, ઈ તથા કે સમાયેલાં છે, જે ત્વચાને ઘણાં ઉપયોગી થઈ શકે છે. આ વીટામીન તંદુરસ્તીની સાથે સાથે સુંદરતા પણ બક્ષે છે. ઓલીવ ઓઈલનો બાહ્ય ઉપયોગ મસાજ કરવામાં પણ થાય છે. તે સુંદર ત્વચા સાથે સરસ તંદુરસ્તીની પણ ભેટ આપે છે. ઓલીવ ઓઈલમાંનાં વીટામીન એને માટે આભારી છે. વીટામીન ડી હાડકાંને યોગ્ય પોષણ આપે છે. વીટામીન ઈ શારીરીક વૃદ્ધીમાં ફાળો આપે છે. વીટામીન કે શરીરની આંતરીક દરેક અનીયમીતતાને અટકાવે છે. વીટામીન ઈ પ્રજનન ક્રીયામાં અને રક્તકણના સર્જનમાં ઉપયોગી છે. વીટામીન ‘ઈ’ની લાંબાગાળા સુધી શરીરમાં ગેરહાજરીથી રક્તકણોનો ક્ષય થવાની શક્યતા રહે છે. વીટામીન કે પ્રાણવાયુ અર્પવાનું કાર્ય કરે છે. વીદેશમાં પ્રખ્યાત ઓક્સીજન થેરાપીમાં વીટામીન ‘કે’નો ફાળો મહત્વનો છે. લોહીની જામી જવાની ક્રીયામાં વીટામીન ‘કે’નો ફાળો મહત્વનો છે. શરીરમાંની કોશીકાઓમાં ગ્લુકોઝ પ્રવેશ કરાવવાનું કામ તથા ગ્લુકોઝના ગ્લાયકોજનમાં પરીવર્તનના કામમાં પણ વીટામીન ‘કે’નો ફાળો મહત્વનો છે. ઓલીવ ઓઈલમાં લગભગ ૩૫ ટકાથી ૪૦ ટકા જેટલી ચરબી છે. તેથી તે લો-ફેટ ડાયેટમાં પણ વપરાય છે.

આરોગ્ય ટુચકા 186.  શારીરીક ક્ષમતાની કસોટી

માર્ચ 18, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 186.  શારીરીક ક્ષમતાની કસોટી:

ભોજન બાદ ઓછામાં ઓછા બે કલાક પછી આ પ્રયોગ કરવો.

(1) એક ઉંડો શ્વાસ લો. છોડી દો. ફરીથી ઉંડો શ્વાસ લઈ રોકી રાખો. જો 55 સેકન્ડ કે તેથી વધુ રોકી શકો તો 1 ગુણ.

(2) એક જગ્યાએ ઉભા રહી અડધી મીનીટમાં 20 વખત પંજા પર કુદો. નાડીના ધબકારા અડધી મીનીટમાં 32 કે એનાથી ઓછા થાય તો 2 ગુણ, 33થી 39ની વચ્ચે 1 ગુણ અને 40 કે તેથી વધુ શુન્ય ગુણ.

(3) ટટાર ઉભા રહો. કુદકો મારી હાથ અને પગ એકી સાથે પહોળા કરો. પગ ઓછામાં ઓછા દોઢ ફુટ પહોળા થવા જોઈએ, અને પછી કુદકો મારી મુળ સ્થીતીમાં આવી જવું. અડધી મીનીટમાં 25 વખત કરો. નાડીના ધબકારા ઉપર મુજબ  માપીને ગુણ ગણવા.

(4) 1 ફુટ ઉંચા સ્ટુલ પર મીનીટમાં 30 વખત ચઢ-ઉતર કરવું. ઉપર મુજબ ગુણ ગણવા.

(5) ઉઠ-બેસ કરો. જો 10 કરી શકો તો 1 ગુણ. ન થઈ શકે તો શુન્ય.

(6) દોરડીકુદ. જો 30 કે તેથી વધુ એકી સાથે કરી શકો તો 2 ગુણ, 20 કરી શકો તો 1 અને તેથી ઓછું શુન્ય.

કુલ 8 કે તેથી વધુ ગુણ સરસ. 5થી 7 ગુણ સરેરાશ – પણ ચીંતાનું કારણ નહીં. 5થી ઓછા ગુણ હોય તો ચાલવાની કસરત આજથી જ શરુ કરી દો.