Archive for જૂન, 2018

લાંબું જીવવા માટે

જૂન 29, 2018

લાંબું જીવવા માટે

(બ્લોગ પર તા.29-6-2018)

100 વર્ષ કે તેથી વધુ કઈ રીતે જીવી શકાય? એટલું લાંબું જીવવા માટે શું કરવું જોઈએ? એનો જવાબ આપણે સામાન્ય રીતે ધારીએ તેવો નથી.

એક સંશોધનમાં હજારો લોકોનાં આહાર, કસરત, પરણેલાં કે કુંવારાં, ડૉક્ટરની મુલાકાતો, ધુમ્રપાન, મદીરાપાન વગેરેની તપાસ કરવામાં આવી હતી. આ પછી સાત વર્ષ બાદ  કયાં કયાં લોકો જીવીત રહ્યાં છે તે જોવામાં આવ્યું હતું. અને જે લોકો જીવીત હતાં તેમનાં જીવીત રહેવા પાછળ મુખ્યત્વે કયાં કારણો જવાબદાર હતાં તેની તપાસ કરવામાં આવી હતી.

લાંબું જીવવા માટે સૌથી ઓછામાં ઓછી મહત્ત્વની બાબતથી માંડી ઉત્તરોત્તર વધુ મહત્ત્વ ધરાતી બાબતો નીચે મુજબ જોવામાં આવી છે.

 1. ચોખ્ખી હવા લાંબું જીવવા માટે છેક છેલ્લા ક્રમે છે.
 2. લોહીનું ઉંચું દબાણ લાંબું જીવવા માટે ખાસ ચીંતાજનક નથી.
 3. મેદસ્વીતાનો અભાવ માત્ર છેલ્લેથી ત્રીજા ક્રમે છે, આથી વધુ જીવવા માટે એનું બહુ મહત્ત્વ નથી, અને તમે મેદસ્વી હો તો આભ તુટી પડવાનું નથી.
 4. કસરત પણ બહુ નીચલા ક્રમે છે. એટલે કે એનું પણ સરેરાશ મહત્ત્વ જ છે.
 5. હૃદયરોગની સારવાર કસરત કરતાં પણ વધુ અગત્યની જોવામાં આવી છે.
 6. ફ્લુની રસી (વેક્સીન) પણ લાંબું જીવવામાં કસરત કરતાં વધુ સહાય કરે છે.
 7. દારુના અતીશય નશાનો ત્યાગ લાંબું જીવવા માટે બહુ અગત્યનો છે.
 8. નજીકનાં અંગત સગાં-સંબંધીઓ જે તમને અચાનક પૈસાની જરુર પડે તો તરત ધીરી શકે, તમે માંદા પડો તો ડૉક્ટરને બોલાવી શકે કે હોસ્પીટલ લઈ જઈ શકે. અથવા તમારી સાથે બેસી તમને સાંત્વન આપી શકે. જ્યારે તમે જીવનમાં કટોકટી અનુભવતા હો, ભારે નીરાશા અનુભવાતી હોય ત્યારે જે તમારાં અંગત ગણ્યાંગાંઠ્યાં લોકો મદદે આવે, તે તમે કેટલું લાંબું જીવશો તે નક્કી કરનાર એક બહુ મોટું પરીબળ છે.
 9. સામાજીક સમરસ એ લાંબું જીવવા માટેનું સૌથી મોટું પરીબળ છે. તમે જે સમાજમાં રહો છો તેમાં કેટલા અંશે તમે લોકો સાથે ભળો છો, કેટલા લોકો સાથે વાતચીત કરો છો, જેમાં તમારા બહુ નજીકના અંગત સંબંધો અને ખાસ વધુ સંબંધ ન હોય તે બંનેનો સમાવેશ થાય છે. જેમ કે તમે ચા પીવા જતા હો તો ત્યાં ચાવાળા સાથે વાત કરો છો? ટપાલી સાથે વાતચીત કરો છો? રસ્તે મળતાં અજાણ્યા લોકો સાથે તમે વાતચીત કરો છો? તમે લોકો સાથે પાનાની રમતો રમો છો? કોઈ બુકક્લબમાં જોડાયા છો? આ પ્રકારની પ્રવૃત્તીમાં સામેલ થવું એ સૌથી વધુ મજબુત પરીબળ આ સંશોધનમાં દીર્ઘ જીવન જીવવા માટે જોવામાં આવ્યું છે.

આરોગ્ય ટુચકા 236. ગ્રીન ટી વીશે 

જૂન 27, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 236. ગ્રીન ટી વીશે

સંશોધનોમાં કહેવાયું છે કે:

 • ગ્રીન ટી એક પ્રકારનું (સ્ટેમ ઈસોફેગલ) કેન્સર રોકવામાં મદદરુપ બની શકે છે, એવું હાવર્ડ મેડીકલ સ્કુલના ૨૦૦૪ના અભ્યાસમાં જણાયું હતું.
 • ગ્રીન ટી અને વ્હાઈટ ટી મોટા આંતરડાંના કેન્સર સામે લડવામાં મદદરુપ બને છે, એમ ઓરેગન સ્ટેટ યુનીવર્સીટીના અભ્યાસમાં જણાયું હતું.
 • ગ્રીન ટીનાં તત્વો લ્યુકેમીયાના કોશોને ખતમ કરવામાં મદદ કરે છે, એમ મેયો ક્લીનીકના ૨૦૦૪ના અભ્યાસમાં માલમ પડ્યું હતું.
 • ચા શરીરની રોગપ્રતીકારક શક્તી વધારે છે, એવું નેશનલ એકેડમી ઓફ સાયન્સીસના ૨૦૦૩ના અભ્યાસમાં જણાયું હતું.

દુખાવાના સરળ ઉપચાર

જૂન 25, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

દુખાવાના સરળ ઉપચાર

(બ્લોગ પર તા. 25-6-2018 )

 1. રાત્રે એક ચમચી મેથીના દાણા એક કપ પાણીમાં પલાળી સવારે એનો ઉકાળો બનાવીને પીવાથી શરીરના દુખાવામાં લાભ થાય છે.
 2. રાત્રે સુતાં પહેલાં હળદરવાળું દુધ પીવાથી દુખાવો મટે છે.
 3. શરીરનો જે ભાગ દુખતો હોય તેને ફટકડીવાળા ગરમ પાણીનો શેક કરવાથી આરામ થશે.
 4. થાકને કારણે પગમાં થતા દુખાવામાં ગરમ પાણીમાં સીંધવ અને ખાવાનો સોડા નાખી પગને એમાં ડુબાડી રાખવાથી લાભ થશે.
 5. સરસીયાનું તેલ અને એપલ સાઈડર વીનેગર સમાન ભાગે મીક્સ કરી દુખાવાવાળા ભાગ પર માલીશ કરવાથી આરામ થશે.
 6. કમર અને ઘુંટણના દુખાવામાં એક ચમચી મધમાં આદુ અને લીંબુનો રસ મેળવીને લેવાથી દુખાવો મટી જશે.
 7. રોજ સાત-આઠ કલાકની ઉંઘ લેવાથી શરીરમાં સોજા અને દર્દની સમસ્યા રહેતી નથી.
 8. ઓછું પાણી પીવાથી પણ શરીરમાં દુખાવાની સમસ્યા રહે છે, આથી પોતાની જરુરીયાત મુજબ અને સંજોગ અનુસાર પુરતું પાણી પીવું જોઈએ. ટેબલ ટેનીસની રમત વખતે કોઈ વાર વધુ શ્રમ પડે તેવી રમત હું રમ્યો હોઉં ત્યારે રમી રહ્યા બાદ જોડા બદલતી વખતે મને પગમાં આંકડી આવી (ક્રેમ્પ્સનો) સખત દુખાવો થતો. જ્યારથી રમત દરમીયાન અને રમ્યા પછી પણ પુરતું પાણી પીવાનું શરુ કર્યું ત્યાર પછી એમાં રાહત થઈ છે.
 9. આહારમાં પુરતાં લીલાં શાકભાજી, ફળ, સુકો મેવો અને તજનો સમાવેશ કરવાથી દુખાવાની ફરીયાદ ખાસ રહેતી નથી.
 10. લાંબા સમય સુધી બેસી રહેવાથી પીઠ અને કમરમાં દુખાવો થવાની શક્યતા છે, આથી અમુક સમયે ઉઠીને થોડું ચાલવું જોઈએ અને હાથ-પગ ખેંચવા જોઈએ.
 11. કંપ્યુટર પર કામ કરવાનું હોય ત્યારે થોડા થોડા સમયે ઉભા રહીને કામ કરવાની સગવડ રાખવાથી કમરના દુખાવાથી બચી શકાય કે એમાં રાહત મળી શકે.

આરોગ્ય ટુુચકા 235.  લોહીવા-રક્તપ્રદર

જૂન 24, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુુચકા 235  લોહીવા-રક્તપ્રદર: નદી કીનારે ઘા બાજરીયાનો છોડ થાય છે. એના પર બાજરીના છોડ ઉપર હોય તેવાં ડુંડાં આવે છે. આ તાજાં ડુંડાંને લાવી તેના રુને ગોળમાં મેળવી બોર જેવડી ગોળી વાળી લેવી. આ ગોળી દીવસમાં ત્રણેકવાર ગળી જવાથી થોડા દીવસમાં જ લોહીવાની તકલીફ દુર થાય છે. ઘા બાજરીયું તાજું ન મળે તો તેના ડુંડાને તોડી સુકવ્યા બાદ શીશીમાં ભરી રાખવું, જેને ગમે તે સમયે વાપરી શકાય.

લોહીવાનું દરદ હોય તેવી સ્ત્રીએ મરચાં, લસણ, મરી જેવા તીખા પદાર્થો અને દહીં, આમલી, ખાટી છાશ, ખાટાં ફળ, અને આથાવાળા પદાર્થો બંધ કરી દેવા. દુધ, ઘી, આઈસક્રીમ, દુધપાક, બાસુદી, શીરો, શીંગોડાં વગેરે ગુણમાં ઠંડા હોય તેવા ખાદ્ય પદાર્થો જો બીજી કોઈ રીતે પ્રતીકુળ ન હોય તો લઇ શકાય.

આરોગ્ય ટુચકા 234. ગોળ

જૂન 22, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 234.  ગોળ: શીયાળામાં ગોળ અને આમળાનું નીત્ય સેવન કરવું ઘણું હીતકારી છે. અડધી ચમચી આમળાનું ચુર્ણ થોડા ગોળ સાથે રોજ સવારે લેવાથી બળ- વીર્યની વૃદ્ધી થાય છે; થાક, બળતરા અને મુત્રનો અવરોધ દુર થાય છે. જુની શરદીમાં પણ ગોળ ઉપયોગી છે. દશ ગ્રામ ગોળને પચાસ ગ્રામ તાજા મોળા દહીંમાં મેળવી તેમાં થોડું કાળા મરીનું ચુર્ણ ઉમેરી રોજ સવારે ત્રણ દીવસ સુધી સેવન કરવું. સાદી અને કફવાળી શરદીમાં પણ રાહત થવાની શક્યતા છે.

પુરુષો માટે ૧૦ આસનો

જૂન 21, 2018

પુરુષો માટે ૧૦ આસનો

બ્લોગ પર તા. 21-6-2018

(યોગ ઈન્સ્ટ્રક્ટર રત્નેશ પાંડે અને દિવ્ય ભાસ્કરના સૌજન્યથી)

યોગાસનો ખુલ્લા, હવાની અવર-જવર થઇ શકે તેવા ઓરડામાં કરવાં જોઇએ, જેથી શ્વાસ દ્વારા શરીરમાં શુદ્ધ હવા પહોંચી શકે. યોગ ઈન્સ્ટ્રક્ટર રત્નેશ પાંડે પુરૂષોના સ્વાસ્થ્ય માટે 10 ઉત્તમ યોગાસનો વિશે માહીતી આપે છે. રોજ 10 મિનિટ આ આસનો કરવાથી પુરૂષોનું સ્વાસ્થ્ય સારું રહેશે. આસનો યોગ્ય માર્ગદર્શની સલાહ અનુસાર પોતાને અનુકુળ હોય તો જ અને તે જ આસનો કરવાં. શરુઆતથી જ કોઈ પણ આસન બળજબરી કરીને સીદ્ધ કરવાનો પ્રયાસ કરવો નહીં. એનાથી નુકસાન થવાની શક્યતા છે.

 1. નૌકાસન

નૌકાસન

નૌકાસન માટે ચત્તા સુઈ જાઓ. હવે બંને પગ અને માથું એક સાથે ઉપર ઉઠાવો અને  નૌકા જેવો આકાર બનાવો. બંને હાથ પણ ઉંચા કરીને પગ તરફ લંબાવો. આ સ્થીતીમાં 10 સેકન્ડ રહો. આ પ્રમાણે 10 વખત કરવું.

2. વીરભદ્રાસન:

વીરભદ્રાસન

વીર ભદ્રાસન કરવા માટે એક પગ પાછળ ખેંચો અને બીજા પગને આગળ કાટખુણો બને તે રીતે વાળો. હવે આકાશ જોતા હો તેમ મોં ઉપર કરો અને બંને હાથ જોડીને માથાને ઉપર તરફ લઈ જાઓ. આ સ્થીતીમાં 10થી 15 વાર ઉંડો શ્વાસ લો અને છોડો. આ પ્રમાણે 10 વખત કરો.

3. પશ્ચીમોત્તાનાસન:

35.Pashchimottanasan

બંને પગ સામે લાંબા કરીને બેસો. ઉંડો શ્વાસ લો. હવે શ્વાસ છોડતાં શરીરને આગળ ઝુકાવી બંને હાથ વડે જે તે પગના અંગુઠા પકડો અને માથાને ઘુંટણ સાથે અડાવવાનો પ્રયાસ કરો. થોડી સેકન્ડ આ સ્થીતીમાં રહી મુળ સ્થતીમા આવી જાઓ. આ પ્રમાણે 8-10 વખત કરો.

4. પાદહસ્તાસન:

34.Hastpadasan 2            33.Hastpadasan 1

પાદહસ્તાસન: પગના બંને પંજા જોડીને પગ લાંબા કરીને બેસી જાઓ હવે એક પગને વાળીને એની એડી શીવની નાડીને અડાડો. બીજા પગનું ઘુંટણ સીધું રાખો. હવે શ્વાસ છોડતાં આગળ વાંકા વળો. બંને હાથ વડે પગના અંગુઠાને પકડો અને નાકને ઘુંટણ સાથે અડાડવાનો પ્રયાસ કરો. થોડી સેકન્ડ આ સ્થીતીમાં રહી મુળ સ્થીતીમાં આવી જાઓ. આ મુજબ વારાફરતી બંને પગ સાથે 8-10 વાર કરો.

5. પદ્માસન:

પદ્માસન

પદ્માસન: સીધા ટટ્ટાર બેસો. ડાબા પગને વાળી જમણા પગની જાંઘ પર રાખો, અને જમણા પગને વાળી ડાબા પગની જાંઘ પર રાખો. બંને હાથને ઘુંટણ પર રાખો. જે તકલીફ હોય તે મુજબ હાથની મુદ્રા બનાવી ધ્યાન કરવું. જેટલો સમય ધ્યાનમાં બેસવું હોય તેટલો સમય બેસી શકાય.

6. સર્વાંગાસન: 

સર્વાંગાસન પગને સીધા રાખી પીઠના બળે સુઈ જાઓ. હવે પગને વાળ્યા વીના ઉપર બતાવ્યા મુજબ ઉપર તરફ ધીમે ધીમે ઉઠાવો. કોણીના ટેકાથી કમર અને પીઠને ઉપર ૯૦ અંશનો ખૂણો બનાવો. ૧૦થી ૨૦ સેકન્ડ આ સ્થીતીમાં રહી મુળ સ્થીતીમાં આવી જાઓ. આ પ્રમાણે ૧૦ વખત કરો.

7. હલાસન

હલાસન

પગને સીધા રાખી પીઠના બળે સુઈ જાઓ. હવે પગને ધીરે ધીરે ઉપર ઉઠાવી માથાની આગળની જમીન પર સ્પર્શ કરાવો. બંને હાથ ભેગા કે અલગ રાખી શકાય. થોડી વાર આ સ્થીતીમાં રહી મુળ સ્થીતીમાં આવી જાઓ. આ મુજબ ૮-૧૦ વખત કરો.

8. વૃક્ષાસન:

વૃક્ષાસન

વૃક્ષાસન: સીધા ઉભા રહો. બંને હાથ ઉપર સીધા ઉઠાવી જોડેલા રાખો. હવે ડાબા પગને ઘુંટણથી વાળી જમણા પગની જાંઘ પર રાખો. પછી આંખો બંધ કરી પાંચ મીનીટ આ સ્થીતીમાં સ્થીર રહો.

9. ભદ્રાસન:

ભદ્રાસન

ભદ્રાસન: સીધા બેસી પગને એવી રીતે વાળો કે જેથી પંજા એકબીજામાં મળી જાય. હાથ વડે બંને પંજાને પકડો. માથું આગળ ઝુકાવી પગને સ્પર્શવાની કોશીશ કરો. આ સ્થીતીમાં શ્વાસ થોડીવાર રોકી રાખો. આ મુજબ ૮-૧૦ વાર કરો.

10. વજ્રાસન:

આ આસન ખાધા પછી થોડીવારમાં પણ કરી શકાય છે.

વજ્રાસન

વજ્રાસન માટે ઘુંટણને વાળીને સીધા બેસો. બેસતી વખતે નીતંબને પગની એડી પર રાખો. આંખો બંધ કરી ઉંડો શ્વાસ લો. આ સ્થતીમાં ૫-૬ મીનીટ બેસી રહો.

એક ખેડુતની કહાણી

જૂન 20, 2018

એક ખેડુતની કહાણી

(બ્લોગ પર તા. 20-6-2018 )

પીયુષભાઈ તરફથી મળેલ અંગ્રેજી વીડીઓ પરથી ગુજરાતીમાં – ગાંડાભાઈ વલ્લભ

એક પહાડી પર એક ગરીબ ખેડુત અને એની પત્ની જેમતેમ જીવન નીર્વાહ ચલાવતાં હતાં. આથી ખેડુતે નોકરીની શોધમાં જવાનું વીચાર્યું. જતાં પહેલાં એણે પોતાની પત્નીને કહ્યું,

“હું કદાચ ઘણા લાંબા સમય સુધી બહાર હોઈશ, પણ હું હંમેશાં તને વફાદાર રહીશ. શું તું પણ મને વફાદર રહેવાનું વચન આપી શકે?”

“હા, હું તારી પ્રતીક્ષા કરીશ, અને હંમેશાં તને વફાદાર રહીશ.” પત્નીએ વીદાય આપતાં કહ્યું.

 

ઘણા દીવસે ચાલતાં ચાલતાં એ ભાઈ એક કસ્બામાં આવ્યો અને એને કામ પણ મળી ગયું. એણે એના શેઠને એના વેતનના બધા જ પૈસા એ પોતાના ઘરે જાય ત્યાં સુધી રાખી મુકવા માટે કહ્યું. શેઠ એમ કરવા માટે રાજી થયો.

20 વર્ષ પછી આ ભાઈએ એના શેઠને કહ્યું, “હવે હું મારા ઘરે જવા વીચારું છું. મારી કમાણીના પૈસા મને આપવા વીનંતી કરું છું.”

શેઠે કહ્યું, “તેં બહુ જ સખત કામ કર્યું છે અને ઘણું સારું કમાયો છે. પણ હું તારી સામે એક દરખાસ્ત મુકું છું. ક્યાં તો તું તારા બધા પૈસા લઈ જા અથવા હું તને ત્રણ શીખામણ આપું તે લઈને જા. આ બેમાંથી માત્ર એક જ મળશે. નીર્ણય કરતાં પહેલાં વીચારી જો, ઉતાવળ કરવાની જરુર નથી.”

આ ભાઈએ પુરા બે દીવસ સુધી વીચાર કર્યો, અને પછી એના શેઠને કહ્યું, “મેં પૈસા લેવાનું માંડી વાળ્યું છે, મને ત્રણ શીખામણ વીશે જણાવો.”

શેઠે હસતાં હસતાં કહ્યું, “પહેલી વાત, જીવનમાં કદી ટુંકો રસ્તો લઈશ નહીં (Don’t take shortcut). એની કદાચ કોઈવાર ભારે કીંમત ચુકવવી પડે કે જીવન પણ ગુમાવવું પડે. બીજું, કદી પણ વધુ પડતી જીજ્ઞાસા રાખીશ નહીં. બુરી બાબતમાં જીજ્ઞાસા જીવનનો અંત પણ લાવી દે. અને છેલ્લે, કદી પણ ગુસ્સામાં હોય કે અપમાનીત થયા જેવું હોય તો ઉતાવળો નીર્ણય લઈશ નહીં, નહીંતર તને તારા જીવનના અંત સુધી પસ્તાવાનો વારો આવશે.”

આ પછી શેઠે તેને ત્રણ બ્રેડ આપીને કહ્યું, “બે બ્રેડ તારે રસ્તે ખાવામાં વાપરવી, અને ત્રીજી બ્રેડ તારા ઘરે જઈને પછી જ ખાવી.”

એણે શેઠનો આભાર માન્યો અને ઘરે જવા નીકળી પડ્યો. પહેલા દીવસે એને એક વટમાર્ગુ મળ્યો. તેણે એને પુછ્યું કે એ ક્યાં જઈ રહ્યો છે?

“20 વર્ષ નોકરી કરીને મારા ઘરે જઈ રહ્યો છું. આ રસ્તે મારા ઘરે પહોંચતાં મને 3 દીવસ લાગશે.”

એ અજાણ્યા પુરુષે કહ્યું, “હું ટુંકો રસ્તો જાણું છું. એ રસ્તે તું બે દીવસમાં જ તારા ઘરે પહોંચી જશે.”

આથી આ માણસે ટુંકે રસ્તે ચાલવા માંડ્યું. પણ એકાએક એને પહેલી શીખામણ કે ટુંકો રસ્તો કદી ન લેવો યાદ આવી. અને પાછા ફરીને પેલા જુના રસ્તે વળી ગયો. આથી એ એક લુંટારાઓના છાપાનો શીકાર બનતાં બચી ગયો.

 

રાત થતાં એ એક ગામમાં આવ્યો, અને તપાસ કરી કે એ એકાદ છાપરીમાં રાતવાસો કરી શકે એવી જગ્યા એને મળી શકે કે કેમ. એને જગ્યા મળી. ઉંઘી ગયા પછી એ એક મોટા ઘોંઘાટથી જાગી ગયો. જીજ્ઞાસાવશ એ પથારીમાં કુદી પડી બારણું ખોલવા જતો જ હતો, અને ત્યાં એને ખોટી જીજ્ઞાસા ન કરવાની બીજી શીખામણ યાદ આવી, અને પાછો સુઈ ગયો. સવારે એને પેલી છાપરીના માલીકે કહ્યું,

“એક વાઘ કોઈ કોઈવાર આ ગામમાં આવે છે. બધાં જ લોકો પોતાના ઘરનાં બારણાં રાત્રે બંધ જ રાખે છે. મને ખુશી થઈ કે તમે છાપરીમાં સલામત રહ્યા છો.”

 

ત્રણ દીવસ-રાતની પરેશાની પછી એ ઘરે પહોંચ્યો. સાંજ થઈ ગઈ હતી, અને બારીમાંથી ઘરમાં લાઈટ દેખાતી હતી. ઉત્સાહમાં એ બારી પાસે પહોંચ્યો. પરંતુ એનો ઉત્સાહ આઘાત અને ક્રોધમાં ફેરવાઈ ગયો, કેમકે એણે પોતાની પત્નીને બીજા કોઈ પુરુષના બાહુમાં જકડાયેલી જોઈ. એના દીલમાં ધીક્કારનો જુવાળ ઉછળી આવ્યો અને જઈને એ બંનેનો ખુરદો બોલાવી દેવાની અદમ્ય ઈચ્છા જાગી. પણ તેવામાં એને ત્રીજી શીખામણ યાદ આવી અને એણે પોતાની જાત પર કાબુ મેળવ્યો. રાત્રે તે બહાર ઢાળીયામાં જ સુઈ રહ્યો. સવારે સુર્યોદય થતામાં એનું મગજ શાંત થઈ ગયું હતું. એણે વીચાર્યું,

“હું શેઠને મારી નોકરી પાછી આપવાનું કહીશ અને મારી પત્ની અને એના પ્રેમીને મારી નાખવાનો વીચાર માંડી વાળું. પણ હું પાછો જાઉં તે પહેલાં મારે એને કહેવું છે કે આ બધા સમય દરમીયાન હું એને વફાદાર રહ્યો છું.”

 

એણે બારણું ઠોક્યું, એની પત્નીએ જેવું બારણું ખોલ્યું કે એને બાઝી પડી. પણ એણે તો એને ધક્કો મારીને હડસેલી દીધી અને દુખી થઈને કહ્યું, “આટલા વરસ સુધી હું તો તને વફાદાર રહ્યો છું, પણ તેં મને છેતર્યો!”

“ના, મેં તમને છેતર્યા નથી…”

“મેં તને ગઈ રાત્રે એક પુરુષ સાથે જોઈ છે.” એણે કહ્યું.

“એ આપણો દીકરો છે. તમે ગયા ત્યારે હું ગર્ભવતી હતી, અને આપણો દીકરો આજે 20 વર્ષનો થયો.”

 

અને આ સાથે જ બંનેએ એકબીજાંને બાહુપાશમાં જકડી લીધાં.

પછી છેલ્લી વધેલી બ્રેડ ત્રણે જણા વહેંચીને ખાવા બેઠાં. જ્યારે એ ભાઈએ બ્રેડ તોડી ત્યારે એમાંથી પૈસા નીકળ્યા જે એના શેઠે એના માટે અંદર મુક્યા હતા. 20 વર્ષમાં એણે કરેલી કમાણી ઉપરાંત એનું વ્યાજ પણ શેઠે એમાં ઉમેર્યું હતું.

 

જીવન હાડમારી અને લાલચોથી ભરેલું હોય છે. આપણને આ સંકટોથી નષ્ટ થતાં બચાવનાર માત્ર જીવનનાં મુલ્યો અને સંયમ જ છે. જીવનની કપરી કસોટીઓ પૈકી ધીરજ સૌથી વધુ કપરી કસોટી છે.

 

ઘણીવાર કુદરત અને પરંપરાગત શુભમાં આપણી શ્રદ્ધા અને વીશ્વાસની કસોટી તરીકે આપણને ભોગ આપવાની જરુરત પડે છે. કટોકટીની વેળાએ આપણામાં રહેલ શુભ ભાવનાને જો આપણે વળગી રહી શકીએ તો પરીણામ નીશ્ચીતરુપે સારું જ હોય છે.

આરોગ્ય ટુચકા 233. કેન્સરનો ઉપચાર-શતાવરી (Asparagus)

જૂન 18, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 233. કેન્સરનો ઉપચાર-શતાવરી (Asparagus)

એક સંશોધનમાં જોવામાં આવ્યું છે કે શતાવરીના સેવનથી ઘણાં પ્રકારનાં કેન્સર મટી શકે છે. એ માટે તાજી કે ડબ્બાપેક શતાવરી પણ વાપરી શકાય. શતાવરીને થોડા પાણીમાં સારી રીતે ઉકાળવી અને સાધારણ ઠંડી થયા પછી મશીન (લીક્વીડાઈઝર) વડે કે અન્ય રીતે એકરસ કરી ફ્રીજમાં રાખી શકાય. એમાંથી પા (૧/૪) કપ એટલે લગભગ ૬૦ મીલીલીટર લઈ જરુરી પાણી ઉમેરી પીણું તૈયાર કરવું. આ પીણું સવારે તથા સાંજે પીવાથી કેન્સર મટી શકે છે. પોતાની રુચી મુજબ એને ગરમ કે ઠંડું પી શકાય.

આરોગ્ય ટુચકા 232 ગૅસની સમસ્યા

જૂન 15, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 232  ગૅસની સમસ્યા: ગૅસ બનતો અટકાવવા અને ઉત્પન્ન થયેલા ગૅસને દુર કરવા વાયુકારક આહાર-વીહાર તજવા. વાલ, વટાણા, ચોળા, ચણા, પાપડી, ગુવાર, બટાટા, શક્કરીયાં વાલોડ, કોદરી, જાંબુ, મકાઈ વગેરે વાયુ કરે છે. આથી ગૅસની તકલીફવાળાએ આ પદાર્થો છોડી દેવા. ભજીયાં, ગાંઠીયા, ચોળાફળી, ખમણ, ખાંડવી, ખમણી, ફરસાણ, ચણાના લોટમાંથી બનતી વાનગી જેવો આહાર પણ વાયુકારક છે. ગૅસમાં વાસી ખોરાક ન ખાવો. તાજો અને ગરમાગરમ આહાર લેવો.

ગૅસ થવાનું એક મહત્ત્વનું કારણ મંદાગ્ની અને અજીર્ણ છે. ખાધેલો ખોરાક બરાબર પચે નહીં, આંતરડામાં પડ્યો રહે તો તેમાં આથો આવી ગૅસની ઉત્પત્તી થાય છે. આથી જે આહાર કે ઔષધ ભુખ લગાડે, ભોજન પ્રત્યે રુચી ઉત્પન્ન કરે અને ખાધેલા ખોરાકનું પાચન કરે તે ગૅસને ઘટાડવામાં મદદ કરે છે.

લસણ, ફુદીનો, આદુ, લીંબુ, મરી, કોથમીર, બીજોરું, મેથી, હીંગ, તલનું તેલ, અજમો, સુવા, સંચળ વગેરે વાયુનું શમન કરે છે, પેટમાંનો ગૅસ ઉપર કે નીચેથી બહાર કાઢે છે, અને પાચન સુધારે છે. આંતરડામાંથી આમવીષ દુર થતાં પાચન સુધરે છે અને ગૅસ થતો નથી. આહાર-વીહારમાં નીયમીતતા હોય અને જરુરી શ્રમ કરવામાં આવે તો ગૅસ થવાની શક્યતા ઘટે છે. મળ, મુત્ર, વાછુટ અને ઉંઘ જેવા કુદરતી આવેગોને રોકવા ન જોઈએ.

રાત્રે જમ્યા બાદ થોડી વાર ખુલ્લા વાતાવરણમાં ચાલવા જવું. જમીને તરત સુઈ ન જવું કે બેસી ન રહેવું. જમ્યા બાદ થોડી વારમાં મૈથુન કરવાથી પણ પાચન ક્રીયા બગડી શકે, ને ગૅસ થાય છે. આગળનો ખોરાક પચી જાય તે પહેલાં ખાવાથી અને ઠાંસી ઠાંસીને ખાવાથી ગૅસ થાય છે. જૈનોનું ઉણોદરી વ્રત-ભુખ કરતાં થોડું ઓછું ખાવું, પેટને ઉણું (થોડું ખાલી રાખવું) અપનાવવામાં આવે તો અપચો અને ગૅસ નહીં થાય. ઉતાવળમાં ખોરાક બરાબર ન ચાવવાથી પણ ગૅસ થાય છે.

ઘઉં

જૂન 14, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

ઘઉં

પીયુષભાઈ પરીખના અંગ્રેજી ઈમેલ પરથી (બ્લોગ પર તા. 14-6-2018)

ડૉ. વિલિયમ ડેવીસ કહે છે: થોડા સમયમાં જ રોટલીનું અસ્તીત્વ નહીં રહેશે. પ્રખ્યાત હૃદયરોગના નીષ્ણાતનું કહેવું છે કે આહારમાં ઘઉં છોડી દેતાં આપણું સ્વાસ્થ્ય ઘણું જ સુધરી જાય છે. હૃદયરોગ નીષ્ણાત ડૉ. વિલિયમ ડેવીસ એમ.ડી.એ પોતાની કારકીર્દી હૃદયની સારવાર એન્જીઓપ્લાસ્ટી અને બાયપાસ ઓપરેશનોથી કરી હતી. તેઓ કહે છે, એ માટેની જ ટ્રેનીંગ એણે લીધી હતી. પણ જ્યારે એની પોતાની જ મા હૃદયની સર્વોત્તમ સારવાર છતાં હાર્ટએટેકથી ૧૯૯૫માં મૃત્યુ પામી ત્યારે એને પોતાના વ્યવસાય વીશે સતત શંકા થવા લાગી.

“હું દર્દીના હૃદયની સારવાર કરી તેને સારો કરું, પણ થોડા સમય પછી એની એ જ ફરીયાદ લઈ દર્દી પાછો આવે છે. જાણે કે એ સારવાર માત્ર એક થીંગડું મારવા જેવી હતી, જેમાં રોગનું કારણ જાણી તેને દુર કરવાનો કોઈ પ્રયાસ જ ન હતો.”

એણે એનું ધ્યાન ડૉક્ટરી ક્ષેત્રે અણખેડાયેલ ભાગ તરફ ફેરવ્યું – રોગ થતો અટકાવવો. એમણે પોતાના દર્દીઓને હૃદયની તકલીફ થવાનાં કારણો શોધી કાઢવામાં ૧૫ વર્ષ કાઢ્યાં. એના પરીણામે એમણે “Wheat Belly” નામે ન્યુયોર્ક ટાઈમ્સનું સર્વોત્તમ વેચાણ ધરાવતું પુસ્તક લખ્યુ. એમાં હૃદયરોગ, ડાયાબીટીસ, મેદવૃદ્ધી જેવા રોગોને માટે ઘઉં જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું છે. ઘઉં છોડી દેવાથી આપણું જીવન આ રોગોથી મુક્ત થઈ શકે.

Wheat Belly એટલે શું?

ડૉ. ડેવીસ કહે છે: ઘઉંથી આપણા શરીરમાં રક્તશર્કરા ખુબ જ વધી જાય છે. ખરેખર ઘઉંની બ્રેડના બે ટુકડા એક સ્નીકર બાર કરતાં વધુ રક્તશર્કરા શરીરમાં ઉમેરે છે. જ્યારે ઘઉં છોડી દેવામાં આવે છે ત્યારે દર્દીના વજનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે-ખાસ કરીને પેટની ચરબીમાં. એક જ મહીનામાં કેટલાક ઈંચ જેટલો ઘટાડો જોવા મળે છે. ઘઉંથી આપણે કેટલાક રોગોને આમંત્રીએ છીએ.

“મારા દર્દીઓ પૈકી ૮૦%ને ડાયાબીટીસ હતો કે ડાયાબીટીસની શરુઆત હતી. મને ખબર પડી કે લગભગ કોઈ પણ આહાર કરતાં ઘઉં સૌથી વધુ રક્તશર્કરામાં ઉમેરો કરે છે. આથી મારા દર્દીઓને મેં કહ્યું કે તમારા આહારમાંથી ઘઉં છોડી દો અને આપણે જોઈએ કે શું થાય છે. જેમણે ઘઉં છોડી દીધા હતા તે દર્દીઓ જ્યારે ૩થી ૬ મહીના પછી મારી પાસે પાછા આવ્યા ત્યારે તેમની રક્તશર્કરા ધ્યાનપાત્ર રીતે ઘટી ગયેલી મને જોવા મળી. આ ઉપરાંત તેમને બીજા પણ લાભ થયેલા જોવા મળ્યા. એક જણનું 17 કીલોગ્રામ વજન ઘટ્યું, કોઈકના દમ(અસ્થમા)માં સુધારો થયો, અને ઈન્હેલર વાપરવાની જરુરત નહીં રહી. એક દર્દીએ જણાવ્યું કે 20 વર્ષની એની આધાશીશી(માઈગ્રેન)ની તકલીફ માત્ર ત્રણ દીવસમાં ગાયબ થઈ ગઈ. એક જણને ખાટા ઓડકાર આવતા તે જતા રહ્યા. બીજાં લોકો કહે છે તેમનાં હોજરીનાં ચાંદાં, સંધીવા, અનીદ્રા વગેરે વગેરે બધું સારું થયું, તેમની માનસીક સ્થીતી પણ સુધરી.

માત્ર ઘઉંમાં જ જોવામાં આવતું એમીલોપેક્ટીન નામે જે રસાયણ છે, તે હૃદયરોગ માટે પહેલા નંબરનું જવાબદાર કારણ ખરાબ કોલેસ્ટ્રોલના પુશ્કળ કણના ઉત્પાદનની પરંપરા પેદા કરી દે છે. જ્યારે ઘઉં છોડી દેવામાં આવે છે ત્યારે આ કોલેસ્ટ્રોલના કણો  80થી 90 ટકા જેટલા ઘટી જાય છે.

ઘઉંમાં એક ગ્લાઈડીન નામનું પ્રોટીન ઘણા મોટા પ્રમાણમાં હોય છે. આ પ્રોટીન ભુખને સતેજ કરે છે. આથી ઘઉં લેવાથી સરેરાશ રોજની 400 કેલેરી જેટલો આહાર વધારે લેવામાં આવે છે. વળી આ પ્રોટીન લેવાની ટેવ પડી જાય એ પ્રકારની એની પ્રકૃતી છે. આહાર નીષ્ણાતોને આ માહીતીની જાણ લગભગ 20 વર્ષોથી હતી.

ઘઉં વીનાનો આહાર એટલે શું ગ્લુટીન (ઘઉંમાં રહેલું બીજા એક પ્રકારનું પ્રોટીન, જેની કેટલાકને એલર્જી હોય છે) વીનાનો આહાર?

ગ્લુટીન ઘઉંમાં રહેલાં ઘણાં ઘટકો પૈકી એક છે. ઘઉંમાંથી ગ્લુટીન દુર કરવામાં આવે તો પણ એ ઘઉં નુકસાનકારક જ હશે, કેમ કે ઉપર જણાવ્યાં તે બે નુકસાનકર્તા એમીલોપેક્ટીન અને ગ્લાઈડીન અને તે સીવાયનાં પણ અનીચ્છનીય ઘટકો એમાં રહેશે. ગ્લુટીન વીનાનો આટો બનાવવામાં ચાર મુખ્ય ઘટકો જે વપરાય છે તે છે: મકાઈનો સ્ટાર્ચ, ચોખાનો સ્ટાર્ચ અને સાબુદાણાનો સ્ટાર્ચ અથવા બટાટાનો સ્ટાર્ચ. અને આ ચારેચાર સ્ટાર્ચ રક્તશર્કરામાં ઉલટો વધુ ઉમેરો કરે તેવા છે.

સારો, ઉપયોગી આહાર નીચે મુજબ હોવો જોઈએ:

ફળો, શાકભાજી, સુકો મેવો, પ્રક્રીયા કર્યા વીનાના દુધની ચીઝ, ઈંડાં-ચીકન અને માંસ-મચ્છી. (આ અભીપ્રાય એક એલોપથી ડૉક્ટરનો છે, આયુર્વેદનો નથી. આયુર્વેદ તથા કુદરતી ઉપચાર મુજબ ઈંડાં-ચીકન અને માંસ-મચ્છીને કદાચ સ્વાસ્થ્યપ્રદ ગણી ન શકાય. અને સ્વાસ્થ્ય માટે સારાં હોય તો પણ પર્યાવરણની જાળવણી માટે તો નુકસાનકારક છે.-ગાંડાભાઈ)

ઘઉંનું ઉત્પાદન વધારવા માટે 1970-1980ના દાયકામાં એને હાઈબ્રીડ કરીને બદલી નાખવામાં આવ્યો છે. દાણો વધુ મજબુત, ટુંકો અને ભુખને સતેજ કરનાર ઘટક ગ્લાઈડીનમાં વધારો કરે એવો બનાવવામાં આવ્યો છે. આજે આપણે જે ઘઉં ખાઈએ છીએ તે 100 વર્ષ પર આપણે ખાતા તે નથી.

જો ઘઉંની બધી જ બનાવટો ખાવામાં બંધ કરવામાં આવે અને એની જગ્યાએ ચોખાનો ઉપયોગ ચીકન અને શાકભાજી સાથે કરવામાં આવે તો પણ વજન ઘટાડી શકાય, કેમ કે ચોખાથી રક્તશર્કરા ઘઉંની જેમ વધતી નથી, ઉપરાંત એમાં ઘઉંનાં જેવાં હાનીકારક ઘટકો નથી. ઘઉં લેવાથી જે વધુ પડતી કેલરી લેવાય છે તે ચોખા લેવાથી અટકશે. જે દેશના લોકો ઘઉં વાપરતા નથી તેઓ સ્થુળકાય નથી હોતા એનું આ પણ એક કારણ છે.

દરેક જણે ઘઉં છોડી દેવા જોઈએ. જીવન બદલાઈ જાય એવી આ બાબતના મારા અંગત અનુભવના આધારે હું આ કહું છું. – ડૉ. વિલિયમ ડેવીસ