Archive for સપ્ટેમ્બર, 2018

આરોગ્ય ટુચકા 273.  હરડે અને કાળી દ્રાક્ષ

સપ્ટેમ્બર 29, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 273.  હરડે અને કાળી દ્રાક્ષ: બીજ વગરની સુકી કાળી દ્રાક્ષ ૫૦૦ ગ્રામ અને હરડેનું ચુર્ણ ૧૦૦ ગ્રામને ખુબ લસોટી એક ચમચી જેટલા મીશ્રણની મોટી મોટી ગોળીઓ વાળી લેવી. એક કપ પાણીમાં એક ગોળી ૨૦ થી ૨૫ મીનીટ પલાળી રાખવી. પછી તેને પાણીમાં ખુબ મસળી સવારે પી જવું. શરીરમાં ઉત્પન્ન થયેલા અનેક વીકારો- કબજીયાત, ગૅસ, જ્વર, મળની દુર્ગંધ, હૃદયરોગ, લોહીના વીકારો, ત્વચાના રોગો, ઉધરસ, કમળો, અરુચી, પ્રમેહ અને મંદાગ્ની જેવા રોગોમાં આ ઉપચાર ઉત્તમ પરીણામ આપે છે.

આરોગ્ય ટુચકા 272. અનીદ્રામાં સર્વાંગાસન

સપ્ટેમ્બર 25, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 272. અનીદ્રામાં સર્વાંગાસન. અનીદ્રાના રોગીઓ માટે આ આસન વધુ લાભકારી છે. આપણા શરીરનાં બાહ્ય તેમ જ આંતરીક લગભગ બધાં જ અંગો પર આ આસનનો પ્રભાવ પડતો હોવાથી એને સર્વાંગાસન કહે છે. ગળા પાસે શરીરની એક બહુ જ અગત્યની ગ્રંથી થાઈરોઈડ આવેલી છે જે શરીરની તંદુરસ્તી જાળવવામાં મહત્ત્વની છે. સર્વાંગાસન યોગ્ય રીતે કરવામાં આવે તો થાઈરોઈડ ગ્રંથી પર સૌથી વધુ અસર થાય છે, આથી એ રીતે આ આસન શરીરનાં સર્વ અંગો પર અસર કરે છે, તેથી જ એને સર્વાંગાસન કહેવામાં આવે છે.

સર્વાંગાસન

આસન કરવાની રીત : ચત્તા સુઈને બંને હાથ બાજુ પર અને બંને પગ પુરેપુરા લંબાવેલા અને સાથે રાખો. બંને પગ સીધા સાથે જ રાખી જમીનથી ૩૦ અંશના ખુણા સુધી ઉંચા કરો, પછી ૬૦ અંશને ખુણે ઊંચકી ત્રણ-ચાર સેકન્ડ થોભો. પછી ૯૦ અંશને ખુણે બંને પગ રાખો. બંને હાથ કમર પર મુકી ટેકો આપીને ધડ અને પગ એક સીધી રેખામાં આવે ત્યાં સુધી શરીરને ઉઠાવો. આખા શરીરનું વજન ગરદનનો પાછલો ભાગ, બંને ખભાનો પાછલો ભાગ તથા ખભાથી કોણી  સુધીના બંને હાથ પર વહેંચાઈ જશે. હવે બંને હાથ વડે પીઠ પર દબાણ કરી, દાઢીને ગળા પાસે છાતીમાં જે ત્રીકોણાકાર ખાડો, કંઠકુપ છે તેમાં દબાવો. આ રીતે દાઢીને દબાવી રાખવાની ક્રીયાને જાલંધર બંધ કહે છે.

આ આસન એકલું કરવાનું હોય ત્યારે વધુ સમય થઈ શકે પણ બીજાં આસનોની સાથે કરવામાં આવે તો વધુમાં વધુ સમય પાંચ-છ મિનિટ રાખવો. હું સામાન્ય રીતે આ આસન ૬ મીનીટ સુધી કરું છું. આ આસન શરુઆતમાં ત્રીસ સેકંડથી શરુ કરી ક્રમે-ક્રમે વધારતા જવું હીતાવહ છે. આસન છોડતી વખતે ઉલટો ક્રમ લેવો. બંને હાથ જમીન પર ટેકવી કમરને નીચે લાવી બંને પગ ક્રમશઃ પ્રથમ ૯૦°ના ખુણે, પછી ૬૦° અને ૩૦°ના ખુણે અટકીને જમીન પર લાવવા. એમાં ઉતાવળ કરવી નહીં, એટલે કે શરીરને ઝટકો લાગવો ન જોઈએ.

સર્વાંગાસન કર્યા પછી એનાથી વીપરીત એવું મત્સ્યાસન કરવું અગત્યનું છે.

આરોગ્ય ટુચકા 271.  અપચો અને ગેસ

સપ્ટેમ્બર 24, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 271.  અપચો અને ગેસ: અપચો અને ગેસના દર્દીએ કુમળા આદુના ટુકડા કરી જરુરી પ્રમાણમાં લીંબુનો રસ તથા સીંધવ મેળવી ખાવા પહેલાં ચાવી જવું. અથવા લીંબુ તથા આદુના રસમાં થોડું મધ મેળવી શરબત બનાવી પીવું. કોથમીર, ફુદીનો અને લીલું કે સુકું લસણ રોજના ખોરાકમાં લેવાં. લસણની કે કોથમીરની ચટણી, રાયતાં, અથાણાં, પાપડ વગેરેનો ઉપયોગ ખાસ કરવો. લીંબુ પણ રુચીકર અને પાચનશક્તી વધારનારું છે. આથી રોજીંદા ખોરાકમાં ખાસ કરીને દાળશાકમાં એનો ઉમેરો ખાસ કરવો. સંગ્રહણીના દરદી માટે તો છાસ જેવું ઉત્તમ ઔષધ એક પણ નથી. કુમળા મુળા, મોગરી, લીલાં મોળાં મરચાં વાપરવાં સારાં. તીખા રસ માટે આદુ, લીલાં મરીનું અથાણું કે લસણ પુરતું છે.

જમતી વખતે પ્રસન્ન રહેવું, મન ઉદાસ હોય ત્યારે થોડી વાર માટે જમવાનું મુલતવી રાખવું. તન્મય થઈને જમવું. મનમેળ હોય અને પ્રસન્નતામાં વધારો કરી શકે એવા લોકો સાથે સમુહમાં જમવું. જમતી વખતે ચીંતા, ઉદાસીનતા કે વીખવાદમાં વધારો કરે એવી કોઈ વાત ન છેડવી.

આરોગ્ય ટુચકા 270.  સંગીત દ્વારા સ્વાસ્થ્ય

સપ્ટેમ્બર 23, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 270.  સંગીત દ્વારા સ્વાસ્થ્ય: મનગમતું સંગીત સાંભળવાથી સ્વાસ્થ્યમાં લાભ થાય છે. લંડનની ચેલ્સી અને વેસ્ટમીન્સ્ટર હોસ્પીટલમાં પ્રયોગ કરવામાં આવ્યા અને પરીણામ ઘણાં ઉત્સાહજનક જોવા મળ્યાં. જે રોગીઓ સંગીતનો આનંદ લેતા હતા તેમને દવાની જરુરત ઓછી રહી, અને તેઓ જલદી સારા થયા.

ડૉ. રોસાલીયા સ્ટારીકૉફનું કહેવું છે કે સંગીતથી શારીરીક પરીવર્તન થાય છે, અને તેથી આરોગ્ય સુધરે છે. શારીરીક પરીવર્તનો માપવામાં આવ્યાં, અને જોવા મળ્યું કે બ્લડપ્રેશર, હૃદયના ધબકારા અને ચીંતા પેદા કરનાર હૉરમનમાં ઘટાડો થયો હતો.

આરોગ્ય ટુચકા 269  મગફળી અને ટી.બી.

સપ્ટેમ્બર 21, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 269  મગફળી અને ટી.બી.: આર્જીનાઈન એ એમીનો એસીડનો એક પ્રકાર છે, જે આપણા શરીરમાં નાઈટ્રીક એસીડ બનાવે છે. મગફળીમાં આર્જીનાઈન હોય છે, આથી મગફળી ખાવાથી આપણા શરીરમાં નાઈટ્રીક ઑક્સાઈડમાં વધારો થાય છે, જે શરીરની રોગપ્રતીકારક શક્તી વધારે છે. ટી.બી.ના જીવાણુ શરીરમાં દાખલ થયા પછી એના ચેપની અસર મોટા ભાગના લોકોમાં તરત દેખાતી નથી, આથી જો રોગપ્રતીકારક શક્તી મજબુત થાય તો ટી.બી. થાય તે પહેલાં એનાં જીવાણુ નષ્ટ થઈ શકે. વૈજ્ઞાનીકોનું માનવું છે કે શરીરમાં નાઈટ્રીક ઑક્સાઈડની કમીને કારણે લોકો ટી.બી.ના શીકાર બની જાય છે. એટલે કે મગફળી ખાવાથી એમાં સારા પ્રમાણમાં રહેલ આર્જીનાઈનના કારણે ટી.બી. સામે રક્ષણ મળી શકે. મગફળીને મીઠું (નમક) નાખ્યા વીના શેકીને ખાવાથી એનાં પોષક તત્ત્વોમાં 22 % જેટલો વધારો થાય છે.

આરોગ્ય ટુચકા 268. ચા અને પાણી

સપ્ટેમ્બર 20, 2018

આરોગ્ય ટુચકા 268. ચા અને પાણી: કેટલાક લોકો માને છે કે ચા પીવાથી શરીરમાં પાણીની ખોટ વર્તાય છે. પરંતુ લંડનની કીંગ્સ કોલેજનાં આહાર વીશેષજ્ઞ બહેન કૅરી રસ્ટનનું કહેવું છે કે, “કૅફીન પર કરવામાં આવેલા સંશોધન મુજબ માત્ર વધુ પડતી ચા પીવાથી શરીરમાં પાણીની ઘટ પડે છે, કેમ કે બધા જાણે છે કે કૅફીનને કારણે પાણીની થોડી ઘટ પડે છે. તેમ છતાં ચામાં જે પાણી છે તેનો લાભ તો શરીરને મળશે જ, ઉપરાંત ચામાં ફ્લોરાઈડ પણ હોય છે જે દાંતને લાભકારક છે.”

આ સંશોધનમાં ચા નુકસાનકારક હોવાનું માલમ પડ્યું નથી. હા, એ ખરું કે ચા પીવાથી શરીરમાં લોહ તત્ત્વના અભીશોષણમાં મુશ્કેલી પેદા થાય છે. એનો અર્થ જે લોકોમાં લોહીની ઉણપ હોય તેમણે ખાતી વખતે ચા પીવી જોઈએ નહીં.

ખરેખર તો પાણી પીવા કરતાં પણ ચા પીવાથી વધુ લાભ થાય છે. પાણી શરીરને માત્ર પ્રવાહી પુરું પાડે છે, જ્યારે ચામાં પાણી ઉપરાંત એન્ટીઑક્સીડન્ટ પણ હોય છે. પણ ચાના આ લાભ માત્ર દુધ-ખાંડ વીનાની ચાના છે. જે રીતે સામાન્ય રીતે ચીનમાં લોકો ચા પીએ છે. વળી વધુ પડતી ચા એમાં રહેલા ટેનીનને કારણે પણ નુકસાન કરે.

આરોગ્ય ટુચકા 267. અજીર્ણ અને ગેસ

સપ્ટેમ્બર 18, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 267. અજીર્ણ અને ગેસ: લીંબુના રસમાં સીંધવ મેળવી એને આઠ દીવસ સુધી ભીંજવી રાખવું. એને છાયામાં સુકવી ચુર્ણ બનાવવું. સવાર-સાંજ ૩ ગ્રામ જેટલું આ ચુર્ણ ચાટી જવાથી પાચન સુધરે છે, અજીર્ણ મટે છે અને ગેસની તકલીફ દુર થાય છે. ખુબ ગેસ રહ્યા કરતો હોય તો એમાં તકલીફ અને પોતાની પ્રકૃતી અનુસાર જરુરી પ્રમાણમાં સુવાદાણા, અજમો અને સંચળ ઉમેરવાથી લાભ થઈ શકે.

આરોગ્ય ટુચકા 266.  આફરો, ગોળો અને શુળ

સપ્ટેમ્બર 16, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 266.  આફરો, ગોળો અને શુળ: એની ઉત્તમ દવા અજમો છે. એક ચમચી અજમાના ચુર્ણમાં બે ગ્રામ ખાવાનો સોડા અને એક ગ્રામ સંચળ મેળવી હુંફાળા પાણી સાથે ફાકી જવું. એનાથી વાયુ નીચે ઉતરી જાય છે અને પેટનો ગોળો તથા શુળ મટી જાય છે. જેમને આ તકલીફ થતી હોય તેમણે ઉપવાસ કે એકટાણાં કરવાં નહીં. તાજો, પચી શકે તેટલા પ્રમાણમાં સાત્ત્વીક આહાર લેવો. આ ત્રણે ઔષધો તાસીરે ગરમ હોવાથી પોતાની પ્રકૃતી મુજબ જરુર જણાય તો પ્રમાણ ઘટાડી શકાય.

આરોગ્ય ટુચકા 265. જેઠીમધની ચા

સપ્ટેમ્બર 11, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 265. જેઠીમધની ચા: સામાન્ય ચાને સ્થાને જેઠીમધની ચા બનાવીને પીવી આરોગ્યને ઘણી લાભકારક છે. એ માટે જેઠીમધનાં મુળીયાંને અધકચરાં ખાંડીને અથવા સુપરમાર્કેટ કે હેલ્થ શોપમાં એની ટીબેગ મળતી હોય તો તેની ચા બનાવીને પી શકાય. એની સાથે આદુ કે સુંઠ અને ફુદીનો પણ નાખી શકાય. એનાથી પાચનક્રીયાના અવયવો અને યકૃત (લીવર)ને વધુ લાભ થાય છે.

ચેતવણી: જેઠીમધનો વધુપડતો ઉપયોગ પોટેશ્યમનું પ્રમાણ ભયજનક સપાટી સુધી ઘટાડી દઈ શકે, આથી લોહીના ઉંચા દબાણની સમસ્યા હોય તો જેઠીમધનો ઉપયોગ કરવો નહીં.

આરોગ્ય ટુચકા 264. ફ્રી રેડીકલ્સ

સપ્ટેમ્બર 9, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 264.  ફ્રી રેડીકલ્સ: કેટલાક વૈજ્ઞાનીકોએ આપણા શરીરમાંના કેટાલેઝ (catalase) તરીકે ઓળખાતા એક ઉત્પ્રેરક દ્રવ્ય(એન્ઝાઈમ)નો અભ્યાસ કર્યો. આ એન્ઝાઈમ શરીરમાં ચયાપચયની ક્રીયા દરમીયાન પેદા થતા નકામા પદાર્થ હાઈડ્રોજન પેરોક્સાઈડનું પાણી અને ઓક્સીજનમાં વીઘટન કરે છે. હાઈડ્રોજન પેરોક્સાઈડ ફ્રી રેડીકલ્સનો પુરોગામી હોઈ શકે છે. એનાથી શરીરને નુકસાન થાય છે અને કોષોની રાસાયણીક પ્રક્રીયામાં ખામી સર્જાય છે. આથી વધુ ફ્રી રેડીકલ્સ પેદા થાય છે. ફ્રી રેડીકલ્સ બીનજરુરી રાસાયણીક પ્રતીક્રીયા પેદા કરે છે, જેનાથી શરીરના કોષોને નુકસાન થાય છે. એમાં ડી.એન.એ.નો પણ સમાવેશ થાય છે. કેટલાક વૈજ્ઞાનીકો માને છે કે ફ્રી રેડીકલ્સ હૃદયરોગ, કેન્સર અને બીજા ગંભીર રોગો થવા માટે મુખ્યત્વે જવાબદાર છે.

ફ્રી રેડીકલ્સથી મુક્તી મેળવવા વીટામીન ‘ઈ’, વીટામીન ‘એ’ કે એનું પુરોગામી તત્ત્વ બીટા કેરોટીન તથા વીટામીન ‘સી’યુક્ત પદાર્થોનો આપણા આહારમાં સમાવેશ કરવો જોઈએ.