Archive for ઓક્ટોબર, 2018

આરોગ્ય ટુચકા 283. કીચન ટીપ્સ

ઓક્ટોબર 31, 2018

આપને અનુકુળ જણાય તો જ આ ટીપ્સ અજમાવવી. વીપરીત અસર જણાય તો એની જવાબદારી આ માહીતી આપનારની રહેશે નહીં તેની નોંધ લેવા વીનંતી.

આરોગ્ય ટુચકા 283.  કીચન ટીપ્સ: (મને મળેલ એક અંગ્રેજી ઈમેલ પરથી)

  1. સ્ટ્રોબેરીને ફ્રેશ રાખવા માટે એક વાસણમાં પાણી લઈ તેમાં થોડો એપલ સાઈડર વીનેગર નાખો. સ્ટ્રોબેરીના બોક્ષનું ઢાંકણ ખોલી આ પાણીમાં એને ઝબોળીને પછી ઢાંકીને ફ્રીજમાં રાખવાથી ઘણા વખત સુધી એ બગડશે નહીં.
  2. બ્રેડને બગડતી અટકાવવા માટે બ્રેડની બેગમાં સેલેરીનો મોટો ટુકડો મુકી રાખવો.
  3. દુધને બગડતું અટકાવવા માટે એની બોટલમાં સહેજ મીઠું (નમક) નાખી બોટલને બરાબર હલાવવી અને પછી ફ્રીજમાં રાખવી. (જો કે આયુર્વેદ મુજબ દુધ અને સીંધવ સીવાયનું મીઠું સાથે લઈ શકાય નહીં, એ વીરોધી આહાર ગણાય છે. આથી માત્ર સીંધવ મીઠું જ વાપરવું.)
  4. કેળાંને બગડતાં અટકાવવા માટે એની લુમના ડીચા પર પ્લાસ્ટીક વીંટાળી ડીચાને પુરેપુરું ઢાંકી દેવું.
  5. ભાજીનાં પાંદડાંને કીચન ટાઉલમાં વીંટાળી કન્ટેનરમાં ઢાંકીને ફ્રીજમાં રાખવાથી લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.

આરોગ્ય ટુચકા 282.  એલર્જીનાં ચકામાનો એક ઉપાય

ઓક્ટોબર 29, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 282.  એલર્જીનાં ચકામાનો એક ઉપાય: એલર્જીનાં ચકામા જેને થાય તેને આખી રાત ઉંઘવા ન દે તેવો ત્રાસ થાય છે. સાંજ પછી શરીર પર ચકામા ઉપસી આવે. ખુજલી પ્રબળ વેગથી આવે. એમાં મીઠાઈ, નમક અને ખટાશ સંપુર્ણ બંધ કરવી. ચારોળીના દાણા પાણીમાં લસોટીને ચામડી પર ચકામા નીકળે ત્યારે તેના પર લેપ કરવો.

આયુર્વેદમાં આ રોગને ‘ઉદર્દ’ કહેવામાં અવે છે. ચકામા ઉપસે તે વચ્ચેના ભાગમાં દબાયેલાં હોય છે અને તેની કીનારી ઉપસેલી હોય છે. ઉપર મુજબના ઉપચારથી સાતેક દીવસમાં ફેર પડવાની શક્યતા છે. એકાદ માસ સુધી ઉપર નીર્દેશેલ પરેજી અવશ્ય પાળવી, અને જ્યાં સુધી ચકામા સંપુર્ણ નાબુદ થયેલાં ન લાગે ત્યાં સુધી પરેજી સહીત ચારોળીનો લેપ કરવાનું ચાલુ રાખવું.

આરોગ્ય ટુચકા 281 ખાંડ

ઓક્ટોબર 26, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 281  ખાંડ: એક પુસ્તક છે, “કદી માંદા નહીં પડો” જે એક અમેરીકન ડૉક્ટરે લખ્યું છે. એમાં એમનું કહેવું છે કે માંદગીનું મુખ્ય કારણ ખાંડ છે. આહારમાંથી ખાંડને સંપુર્ણપણે વીદાય આપવામાં આવે તો કોઈ પણ રોગ થવાની શક્યતા રહેતી નથી. ખાંડને લીધે આપણી રોગપ્રતીકારક શક્તી નષ્ટ થઈ જાય છે.

માત્ર એક ચમચી ખાંડ આહારમાં લેવામાં આવે તો તેને લીધે 6થી 8 કલાક સુધી આપણા શરીરમાં ચાલતી જૈવીક રાસાયણીક પ્રક્રીયા ખોરવાઈ જાય છે, અને માત્ર બે કલાકમાં જ રોગપ્રતીકારક શક્તી 20% જેટલી નબળી પડી જાય છે. શરીરનું સ્વાસ્થ્ય જાળવવા માટે જૈવીક રાસાયણીક પ્રક્રીયા યોગ્ય રીતે ચાલવી જોઈએ. એનાથી રોગપ્રતીકારક શક્તી જળવાઈ રહે છે. અને આપણે રોગમાં સપડાતા નથી.

આરોગ્ય ટુચકા 280. દવા અંગે ડૉ. હેગડેનો મત

ઓક્ટોબર 23, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 280. દવા અંગે ડૉ. હેગડેનો મત

ડૉ. હેગડે દેશ અને દુનીયામાં ખુબ જ જાણીતા એલોપથીના ડૉક્ટર છે. તેઓ કહે છે, એલોપથીની દવા પાછળ ૧ રુપીયાનો પણ ખર્ચ કરવાની જરુર નથી. આપણા શરીરને ઠીક કરવાની કુદરતી વ્યવસ્થા છે. શરીર જાતે દરેક બીમારી સામે લડી શકે છે.  જીવવા માટે દવાની કોઈ જરુર નથી. દવાઓ તો નાણાં કમાવાનું સાધન છે. કુદરતને સમજો. સ્વસ્થ મન અને રોગપ્રતીકારક શક્તીને મજબુત બનાવો એ જ શ્રેષ્ઠ દવા છે. એ માટે યોગ, પ્રાણાયામ અને આયુર્વેદની મદદ લો. સારું વીચારો, સારી ઉંઘ લો, શ્રમ કરો, કામ કરો, કસરત કરો, ખુબ હસો, તો દવાની કોઈ જરુર નથી.

હાલ લોકો પ્રોટીન પાછળ ભાગતાં જોવા મળે છે. વધુ પ્રોટીનની શરીરને કોઈ જરુર નથી. વધુ પડતું પ્રોટીન શરીર માટે નુકસાનકારક છે.

આરોગ્ય ટુચકા 279. કાકડી

ઓક્ટોબર 21, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 279. કાકડી: આપણને રોજેરોજ જરુરી વીટામીન પૈકીનાં મોટા ભાગનાં કાકડીમાં હોય છે. વીટામીન બી1, વીટામીન બી2, વીટામીન બી3, વીટામીન બી5, વીટામીન બી6, ફોલીક એસીડ, વીટામીન સી, કેલ્શ્યમ, લોહ, મેગ્નેશ્યમ, ફોસ્ફરસ, પોટેશ્યમ, ઝીન્ક વગેરે કાકડીમાંથી મળે છે.
બપોર પછી થાક અનુભવાતો હોય તો કેફીનયુક્ત સોડાલેમન જેવું પીણુ લેવા કરતાં કાકડી ખાવાથી ઝડપથી શરીરમાં સ્ફુર્તી અનુભવશો, અને કેફીન કરતાં વધુ લાંબા સમય સુધી એ તાજગી જળવાઈ રહેશે.

આરોગ્ય ટુચકા 278.  કેન્સરથી બચવા માટે

ઓક્ટોબર 17, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 278.  કેન્સરથી બચવા માટે: આપણા આહારમાં 80% તાજાં શાકભાજી અને ફળરસ, આખું અનાજ, સુકો મેવો અને થોડાં ફળફળાદી હોવાં જોઈએ. લગભગ 20% રાંધેલી વાનગીઓ લઈ શકાય, જેમાં કઠોળ પણ હોઈ શકે. તાજી શાકભાજીના રસમાંથી આપણને જે પોષક દ્રવ્યો મળે છે, તેને શરીર સહેલાઈથી માત્ર 15 મીનીટમાં જ આત્મસાત કરી લે છે, અને શરીરના કોષોમાં પહોંચી જાય છે. જેનાથી ઉત્તમ પોષણ પ્રાપ્ત થાય છે, અને સ્વસ્થ કોષોની વૃદ્ધી થાય છે. આથી જ દીવસ દરમીયાન બેત્રણ વાર કાચાં ખાઈ શકાય તે શાકભાજી ખાવાં જોઈએ. એમાંનાં પોષક દ્રવ્યો 40°સે. ગરમીમાં નષ્ટ થઈ જાય છે. આથી જ એને કાચાં ખાવાથી એનો પુરેપુરો લાભ મળી શકે.

આરોગ્ય ટુચકા 277. ખાંડ અને કેન્સર

ઓક્ટોબર 14, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 277. ખાંડ અને કેન્સર: ખાંડ કેન્સરના કોષોને પોષણ પુરું પાડે છે. આપણા આહારમાં જ્યારે આપણે ખાંડ લઈએ ત્યારે કેન્સરના કોષ ઝડપથી વૃદ્ધી પામે છે. કેન્સરના કોષ દરેકના શરીરમાં અમુક પ્રમાણમાં હોય જ છે. ખાંડ છોડી દેવાથી કેન્સરના કોષોને મળતું પોષણ બંધ થઈ જાય છે. ખાંડની અવેજીમાં વપરાતા ઈક્વલ, ન્યુટ્રાસ્વીટ, સ્પુનફુલ કે એના જેવા કોઈ પણ અન્ય ગળપણ માટે વપરાતા કૃત્રીમ પદાર્થો પણ એમાં વપરાતા એક રસાયણને કારણે હાનીકારક હોય છે. એને બદલે કુદરતી ગળપણ ધરાવનાર ચોખ્ખું મધ કે ગોળની રસી (મોલાસીસ) વાપરી શકાય, પણ તે પણ બહુ જ ઓછા પ્રમાણમાં. સામાન્ય મીઠુને સફેદ બનાવવા માટે એમાં જે રસાયણ ઉમેરવામાં આવે છે તે હાનીકારક હોય છે. આથી સાદું દરીયાઈ મીઠું કે સીંધવ અથવા કાળું મીઠું વાપરવું જોઈએ.

આરોગ્ય ટુચકા 276. અક્કલકરો

ઓક્ટોબર 12, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 276. અક્કલકરો: ઑલીવ ઑઈલ સાથે અક્કલકરો વાટી ચોળવાથી મસ્તકના રોગ, સાંધાના રોગ, સ્નાયુના રોગ મોઢાના અને છાતીના રોગ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કુબડાપણું, હાથપગમાં શુન્યકાર જેવા જુના, હઠીલા રોગો મટે છે. અક્કલકરાનું ચુર્ણ સડેલા, પોલા, દાંતની ઉપર રાખવાથી દુખાવો મટે છે. પા ચમચી જેટલું અક્કલકરાનું ચુર્ણ મધ સાથે ચાટવાથી અથવા ચપટી ચુર્ણ નાકમાં નાખવાથી અપસ્માર નામનો વાયુનો રોગ મટે છે. અક્કલકરાનું ચુર્ણ મોઢામાં ઘસીને કોગળા કરી નાખવાથી મોઢાની વીરસતા મટી જાય છે. અક્કલકરાદી ચુર્ણ બજારમાં મળે છે. તેનાથી મંદાગ્ની, અરુચી, ઉધરસ, સળેખમ, દમ, ઉન્માદ, અપસ્માર મટે છે.

આરોગ્ય ટુચકા  275. સુંઠ્યાદી ચુર્ણ

ઓક્ટોબર 9, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા  275. સુંઠ્યાદી ચુર્ણ: સુંઠ ૬૦ ગ્રામ, લીંડીપીપર ૬૦ ગ્રામ, મરી ૪૦ ગ્રામ, નાગરવેલનાં સુકવેલાં પાન ૩૦ ગ્રામ, તજ ૨૦ ગ્રામ, એલચી ૧૦ ગ્રામ અને ૨૨૦ ગ્રામ સાકરનું બારીક વસ્ત્રગાળ ચુર્ણ સુંઠ્યાદી ચુર્ણ કહેવાય છે. (નોંધ: સુંઠ સાથે બીજાં ઔષધો મેળવી અન્ય સુંઠ્યાદી ચુર્ણ પણ બનાવવામાં આવે છે, જેના ગુણ એમાં મેળવેલાં ઔષધો અનુસાર અલગ અલગ હોય છે.) અડધી ચમચી જેટલું આ ચુર્ણ ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે સવાર-સાંજ લેવાથી મંદાગ્ની, અરુચી, અપચો, દમ, ઉધરસ, શરદી, કંઠ-ગળાના રોગો અને હૃદયના રોગોમાં ફાયદો થાય છે. બે મહીના બાદ નવું ચુર્ણ બનાવવું જોઈએ.

શરીરના દુખાવા પર બાહ્ય પ્રાણાયામ

ઓક્ટોબર 6, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

શરીરના દુખાવા પર બાહ્ય પ્રાણાયામ

મારા બ્લોગમાં આ વીષય ઉપર મેં પહેલાં પણ લખ્યું છે. આજે એક અનુભવ થયો તેથી એની ઉપયોગીતા પર ભાર મુકવા માટે ફરીથી લખું છું.

બાહ્ય પ્રાણાયામ એટલે શ્વાસ બહાર કાઢી રોકી રાખવો તે. એટલે કે બાહ્ય કુંભકને લંબાવવાથી બાહ્ય પ્રાણાયામ બને છે. નાક કરતાં મોં દ્વારા શ્વાસ બહાર કાઢવાથી વધુ શ્વાસ બહાર કાઢી શકાય છે. પરંતુ શ્વાસ લેતી વખતે હંમેશાં નાક વડે જ લેવો.

આજે ટેબલ ટેનીસ રમીને ખભા પર બેકપેક ભેરવી ચાલતો ઘરે આવતો હતો ત્યારે ડાબા ખભામાં એકાએક ઘણો દુખાવો શરુ થયો. સામાન્ય રીતે આવા દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે, જે કેટલીક વાર ચાલવાથી પણ દુર થાય છે. આથી ચાલતો રહ્યો પણ દુખાવો વધતો જતો હતો. ચાલતાં ચાલતાં જ બાહ્ય પ્રાણાયામ કરવાનું શરુ કર્યું અને ચારપાંચ પ્રાણાયામ કર્યા પછી દુખાવો લગભગ પુરેપુરો જતો રહ્યો.

બાહ્ય પ્રાણાયામ શરીરના ઘણા પ્રકારના દુખાવાને દુર કરવા માટે અજમાવી શકાય. થોડાં વર્ષ પહેલાં મને કમરનો સખત દુખાવો થયેલો તે વખતે પણ મેં બાહ્ય પ્રાણાયામ કરીને રાહત મેળવેલી, જેનું વર્ણન મારા બ્લોગમાં મેં પહેલાં કર્યું છે.