Archive for the ‘આપણી ભાષા’ Category

આરતી અને રાકેશ

જૂન 4, 2018

આરતી અને રાકેશ

(બ્લોગ પર તા. 4-6-2018 )

(નોંધ: કેટલાંક વર્ષ પહેલાં એક લગ્ન વખતે મેં કહેલા આ શબ્દો અહીં રજુ કરું છું. વર-વધુનાં આ બંને નામ સાચાં છે. એ નામોના અર્થનો વીચાર કરતાં મને બહુ સુખદ આશ્ચર્ય થયેલું, આથી જ આ સરસ યુગલ વીશે અહીં મુકવાની ઈચ્છા થઈ.)

આરતી અને રાકેશ આજે લગ્નગ્રંથી વડે જોડાયાં. ગ્રંથી એટલે ગાંઠ. આ બંને નામોનો કેવો સરસ મેળ છે એ વીશે અને આ ગાંઠ બાબત પણ જરા વીચારવા જેવું છે, તેના વીશે થોડી વાત જોઈએ. લગ્નની ગાંઠ એ બીજી ગાંઠ જેવી સ્થુળ નથી, સુક્ષ્મ છે. સ્થુળ ગાંઠ તો કઠે, ખુંચે, દેખાયા કરે, પણ આ ગાંઠ એવી નથી. જેમણે સુતર કાંત્યું હશે (આપણા દેશ ભારતમાં ઘણા સમય સુધી મેં જાતે કાંતેલા સુતરની ખાદીનાં કપડાં પહેર્યાં હતાં.) તેમને ખ્યાલ હશે કે કાંતતી વખતે તાર તુટી જાય તેને સાંધીએ ત્યારે ગાંઠ દેખાતી હોતી નથી, જોડવા છતાં. આ ગાંઠ તેવી છે. આ જોડાણ તેવું છે.

બીજી એક વાત કહું? આપણા ભારતીય સમાજમાં બે પ્રકારે સંબંધો બને છે, જન્મથી અને સગાઈથી. માબાપ અને સંતાન, ભાઈ અને બહેન, કાકા અને ભત્રીજા વગેરે ઘણા બધા સંબંધો જન્મથી બને છે. અને અરસપરસ પ્રેમ, લાગણી જન્મે છે. પણ લગ્નનો સંબંધ સગાઈથી બને છે. પહેલાં તો એની વીધી કરવામાં આવતી, આજે પણ કેટલાક લોકો પરંપરાને અનુસરી એ સગાઈની વીધી કરે છે, પણ આજે ખરેખર આ સંબંધ સગાઈથી નહીં પ્રેમ વડે બને છે. બે વ્યક્તી પહેલાં તો એકબીજાથી અજાણ હોય છે, પછી પરીચયમાં આવે છે અને એકબીજા પ્રત્યે પ્રેમ જન્મે છે. પછી સગાઈ થાય છે. પહેલાં સગાઈ થતી અને પછી પ્રેમ. કેમ કે પહેલાં લગ્નો ગોઠવવામાં આવતાં અને પછી સગાઈ કરવામાં આવતી.

હવે જોઈએ આરતીની વાત. આરતી શબ્દનો એક અર્થ છે ઈચ્છા, હોંસ. પણ આરતીનો બીજો પણ બહુ અગત્યનો અર્થ છે અને તે છે શાંતી, વીરામ. હવે આપણે જાણીએ છીએ કે ઈચ્છા, હોંસ પુરી થયા પછી શાંતી થાય, વીરામ આવે. આમ આ બે અર્થ એક જ શબ્દમાં છે. કેવું સરસ ચમત્કારી નામ છે!! પણ થોભો, હજુ વધુ આશ્ચર્ય છે આ નામના અર્થમાં. આરતી શબ્દનો ત્રીજો અર્થ છે વૈરાગ્ય, ત્યાગવૃત્તી, નીવૃત્તી. છે ને અદ્ભુત મેળ!!! શાંતી મળ્યા પછી, વીરામ કર્યા પછી ત્યાગવૃત્તી, વૈરાગ્ય જન્મે. અને પછી આપોઆપ નીવૃત્તી આવે.

અને રાકેશ એટલે? રાકેશ શબ્દનો અર્થ જાણો છો? હા, એ અર્થ પણ બહુ મઝાનો છે. રાકેશ શબ્દ બન્યો છે રાકા અને ઈશ વડે. રાકા એટલે પુર્ણીમા, ઈશ એટલે સ્વામી. પુર્ણીમાનો સ્વામી કોણ? ચંદ્રમા. આમ રાકેશ એટલે પુર્ણીમાનો ચંદ્રમા. પણ આ ચંદ્રને ભગવાન શંકરે ધારણ કર્યો છે. આથી રાકેશનો બીજો અર્થ શંકર ભગવાનનું નામ પણ છે. અને શંકર ભગવાન અને વૈરાગ્યના ગાઢ સંબંધ વીશે તો બધા જાણે જ છે. છે ને સુંદર મેળ આરતી અને રાકેશ!!

Advertisements

બાળક બોલે અક્ષર પહેલો

ડિસેમ્બર 11, 2015

બાળક બોલે અક્ષર પહેલો

૭૦૭૧ વર્ષ પહેલાં પ્રાથમીક શાળામાં આ કવીતા સાંભળેલી એવું સ્મરણ છે.

બાળક બોલે અક્ષર પહેલો બા બા બા

એ જ અક્ષર સહેલામાં સહેલો બા બા બા

તે સમયમાં મા માટે બા શબ્દનો પ્રયોગ વધુ પ્રચલીત હતો. કોઈ લોકો જો કે મા પણ કહેતાં. મા શબ્દ વાપરનાર માટે મામા કહેવાનું ઘણું સહેલું થઈ પડે. પીતા માટે બાપુજી કહેવાનો રીવાજ હતો. બાપુજી શબ્દ બાળક માટે બહુ સરળ નથી, આથી બાપુજી બોલતાં એ થોડું મોડું શીખતું.

બા શબ્દ બોલાવાનું બાળક માટે બહુ જ સરળ છે. એમાં માત્ર બે હોઠનો જ ઉપયોગ કરવાનો હોય છે અને સહેજ ઉચ્છ્વાસ બહાર કાઢવાનો હોય છે. ‘વ્યંજન અલ્પપ્રાણ છે.

આપણા દેશ પર અંગ્રેજો પહેલાં મુસલમાનોએ કબજો કરેલો. આથી એમની ભાષાના ઘણા શબ્દો ગુજરાતીમાં (અને કદાચ અન્ય ભારતીય ભાષાઓમાં પણ) આવ્યા છે. હવે તો કેટકેટલાયે શબ્દો એ લોકોની ભાષામાંથી આપણી ભાષામાં આત્મસાત થઈ ગયા છે અને આપણને ખ્યાલ પણ નહીં હોય કે એ મુસલમાનોની ભાષામાંથી ગુજરાતીમાં આવેલો શબ્દ છે. પણ આપણે બા અને બાપુજી માટેના શબ્દો એમની પાસેથી લીધા નથી. કોઈ હીન્દુ બાળક બા માટે અમ્મા શબ્દનો પ્રયોગ કરતું નથી, કે બાાપુજી માટે અબ્બા કે અબ્બાજાન શબ્દ વાપરવામાં આવતો નથી.

મુસલમાનો પછી અંગ્રેજો આવ્યા અને એમની ભાષા લાવ્યા. હવે આજે તો બાબાપુજી માટેના અંગ્રેજી શબ્દો આપણા દેશમાં કદાચ બધે જ ખુબ પ્રચલીત થઈ ગયા છે. મારા ખ્યાલ મુજબ બાપુજી માટે પહેલાં પપ્પા શબ્દ વપરાતો. આજે પણ કદાચ કોઈ કોઈ એ વાપરતા હશે. પણ તે સમયે પણ શરુઆતમાં બા શબ્દ ચાલુ રહેલો. પછી પપ્પાનું ડેડ કે ડેડી થયું પણ તે પહેલાં બા મમ્મી થઈ ગયાં હતાં. બા શબ્દ હવે દાદીને મળ્યો છે. કેટલીક વાર દાદી માટે મા શબ્દ પણ સાંભળવા મળે છે. જો કે મેં અહીં દાદી શબ્દ કરતાં એની જગ્યાએ વધુ તો બા કે મા શબ્દો સાંભળ્યા છે.

દાદીની વાત નીકળી તો દાદા બાબત પણ જરા જોઈ લઈએ. આપણા રીવાજ મુજબ બાપુજીના પીતાને દાદા કહેવાય અને માના પીતાને આજા કે કેટલાક લોકો મમાતા (સંસ્કૃત શબ્દ મમાતૃ પરથી) કહેવાય છે. પણ હવે કેટલાક લોકોએ એ ભેદ કાઢી નાખ્યો છે અને દાદા અને આજા બંને માટે માત્ર દાદા શબ્દ જ વાપરે છે. જો કે ડેડ શબ્દ આવવાથી બાપુજી શબ્દ અમુક લોકોએ દાદાને ભેટ ધર્યો છે એમ મારા જોવામાં આવ્યું છે. એનું કારણ કદાચ ડેડ હજુ બાપુજીને બાપુજી જ કહેતા હશે, (ડેડ થોડા જુના સમયના હશે ને?) આથી ગ્રાન્ડ ચીલ્ડ્રન દાદાને ડેડને અનુસરી બાપુજી કહેતાં હોય. વળી દાદી (અને હવે બા કે મા) શબ્દ તો પીતાની મા માટે વપરાતો, પણ હવે કેટલીક જગ્યાએ એ મમ્મીની મા માટે પણ વપરાવા લાગ્યો છે.

કાકા અને કાકી માટે પણ હવે અંગ્રેજી શબ્દનું ચલણ જોવા મળે છે. મોટે ભાગે હવે જુવાનીયાંને આપણે અંકલ અને આન્ટી શબ્દ વાપરતાં સાંભળીએ છીએ. સાસુમા માટે પહેલાં સંબોધન કરતી વેળા તો પુરુષો પણ બા શબ્દ વાપરતા. હવે આન્ટી શબ્દ વપરાય છે. અને સસરા માટે જે બાપુજી શબ્દ હતો તેનું સ્થાન અંકલને મળ્યું છે. પણ અહીં પરદેશમાં આ શબ્દોને બદલે મમ્મીડેડ સાસુસસરા માટે પણ આવી ગયા છે. કદાચ દેશમાં પણ હવે એમ જ હશે? મને એની માહીતી નથી.

અહીં ન્યુઝીલેન્ડમાં બા કે બાપુજીની જે સગાઈ હોય તે જ એમનાં બાળકો પણ સંબોધન માટે વાપરે છે. જેમ કે મારા સાડુભાઈનાં છોકરાંઓનો હું માસાજી થાઉં. આથી એ લોકો મને માસાજી કહે, પણ મારા સાડુભાઈનાં છોકરાંનાં છોકરાં પણ મને માસાજી કહે છે. હવે આપણી ભારતીય સંસ્કૃતી મુજબ સાડુભાઈની છોકરીનાં છોકરાંએ મને આજા કહેવાનો હોય અને સાડુભાઈના છોકરાનાં છોકરાંએ દાદા. પણ આ ભેદ પણ અહીં તો નીકળી ગયો છે. અમારા તરફ દાદા માટે બાપા શબ્દ પ્રચલીત હતો, આજે પણ કદાચ હશે. એ રીતે દાદી માટે બાપી શબ્દનું ચલણ હતું, અને આજે પણ કદાચ ક્યાંક હશે. ખરેખર તો બાપા શબ્દનો અર્થ બાપુજી થાય છે. મારાં સૌથી મોટાં બહેનને એ અર્થમાં બાપા શબ્દ વાપરતાં મેં જોયેલાં. આપણે સામાન્ય રીતે અજાણ્યા પુરુષને, જેની સાથે કોઈ સગાઈ ન હોય તેને પુરુષ હોય તો કાકા કહેવામાં આવે છે, પણ સ્ત્રીને માસી કહેવામાં આવે છે. આપણી સંસ્કૃતીમાં બધા પુરુષો ભાઈ, પણ એમની જ સ્ત્રીને પણ કાકી નહીં કહેવાય, માસી કહેવાય. વળી પુરુષ પરણ્યો હોય કે કુંવારો હોય તો પણ એને કાકા કહેવાયઉંમરના તફાવત અનુસાર, પણ સ્ત્રી પરણેલી હોય તો જ કાકી હોઈ શકે, કુંવારી હોય તો પણ માસી તો હોઈ શકે.

ગામડાંઓમાં આખું ગામ એક કુટુંબ જેવું હોય છે. એમાં ઘનીષ્ટ સગાઈ ન હોય તો પણ પરંપરા મુજબ કાકા કે દાદા કહેવાનું ચાલી આવતું હોય છે. એમાં કેટલીક વાર પોતાનાથી નાની ઉંમરના ભાઈ (અહીં ભાઈ શબ્દ બ્રધરના અર્થમાં નથી, પણ વ્યક્તીના અર્થમાં છે) કાકા થતા હોય એમ બને છે. વળી મોટું કુટુંબ હોય તો સગીબહેનનાં છોકરાંનાં છોકરાં ભાઈનાં છોકરાં કરતાં મોટાં હોય એમ બને અને એ રીતે મામા કરતાં ભાણેજની ઉંમર વધારે હોય છે. મારી બાબતમાં આમ બન્યું છે. મારા ફાધરના ફેમીલીમાં ચાર બહેનો અને ચાર ભાઈઓ હતા. એમાં સૌથી મોટાં મારાં ફોઈ હતાં, અને મારા ફાધરનો નંબર છઠ્ઠો હતો. મારી ફોઈની દીકરીની દીકરી (જે અહીં વેલીંગ્ટનમાં જ હતાં) મારા કરતાં ખાસ્સી મોટી હતી, પણ હું એનો મામો થતો.

પશ્ચીમની સંસ્કૃતીમાં કેટલાક લોકો માબાપને પણ નામ લઈને બોલાવે છે. એ હજુ આપણી સંસ્કૃતીમાં શરુ થયું હોય એમ લાગતું નથી. અહીં કેટલાક લોકો પોતાના બાપ જ્હોનને જ્હોનકહીને બોલાવે છે, કે મમ્મીને વીક્ટોરીઆ કહે છે. આપણે ત્યાં ઈન્ડીયામાં હું ઘણો નાનો હતો ત્યારે એની માને એનું નામ લક્ષ્મી કહેતાં એક છોકરાને સાંભળેલો. પણ એનું કારણ તો એ છોકરાનો બાપ એની પત્નીને નામ દઈને બોલાવતો તે હતું. તે સમયે મોટાભાગે પુરુષો પોતાની પત્નીને નામ લઈને બોલાવતા. પણ પત્ની કદી પોતાના પતીનું નામ લેતી નહીં. બોલાવતી વખતે કે કોઈને વાત કરતી વખતે પોતાના મોટા છોકરાનું નામ લઈ મગનનો બાપએમ કહેતી. કોઈ કોઈ પુરુષો પણ પત્નીનું નામ ન લેતાં અને મગનની માતરકે ઉલ્લેખ કરતા. પતી માટે સ્ત્રીઓ માનવાચક બહુવચન વાપરતી, પણ પુરુષો તો એકવચન જ વાપરતા. હવે એ જમાનો જતો રહ્યો છે. પ્રેમની નીકટતા દર્શાવવા બંને પક્ષે એકવચનનો પ્રયોગ કરવામાં આવે છે.

એક જ વ્યક્તી સાથે બે તરફથી સગાઈ હોય તો પુરુષ સાથે અને સ્ત્રી સાથે જુદી જુદી સગાઈ રાખવામાં આવે છે. પુરુષ સાથે પુરુષ તરફી સગાઈ અને સ્ત્રી સાથે સ્ત્રી તરફી. મારા કીસ્સામાં આ બન્યું છે. મારા ફાધરનાં પહેલાં પત્નીના અવસાન પછી એમણે બીજાં લગ્ન કરેલાં. મારા ફાધરની પહેલી પત્નીની સગી બહેનની દીકરીનાં લગ્ન ફાધરની ચોથી પેઢીના કઝીનના દીકરા જોડે થયેલાં. આમ મારી સાવકી માસીની દીકરી એટલે કે બહેનનાં લગ્ન મારા કાકાના દીકરા ભાઈ જોડે થયેલાં. કાકાના દીકરાને ભાઈ કહેતો, પણ એમની પત્નીને ભાભી નહીં, બહેન કહેતો. તે જ રીતે મારી માને મારા કાકાના દીકરાનાં છોકરાં આજી કહેતાં, દાદી નહીં (મા તરફથી સગાઈ), પણ મને એ છોકરાં કાકા કહેતાં. (પીતા તરફથી સગાઈ). અહીં સ્ત્રી તરફી સગાઈ ઘણી નજીકની છે, અને પુરુષ તરફી સગાઈ થોડી દુરની (ચાર પેઢીનું અંતર) હોવા છતાં સ્ત્રી સાથે પુરુષ તરફી સગાઈને ગણવામાં આવી ન હતી.