Archive for the ‘આરોગ્ય’ Category

આરોગ્ય ટુચકા 109. અરણી

નવેમ્બર 20, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 109. અરણી: એ વાયુ અને કફનાશક ઉત્તમ ઔષધ છે એટલે વાયુ અને કફજન્ય તાવ (વાઇરલ ફલ્યુ) માં પણ તે સારું પરીણામ આપે છે. અરણીનાં મુળ, સુંઠ અને હરડે આ ત્રણે ઔષધો સરખા વજને લઇ ખાંડીને અધકચરો ભુક્કો કરી લેવો. બે ચમચી જેટલો આ ભુક્કો બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવો. ઉકળતાં અડધા ગ્લાસ જેટલું પ્રવાહી બાકી રહે એટલે ગાળી, થોડું પીપરનું ચુર્ણ મેળવી, ઠંડુ પડે પછી પી જવું. સવાર- સાંજ આ પ્રમાણે તાજેતાજો ઉકાળો કરીને પીવાથી વાયુ અને કફથી થતી શરદી અને ખાંસી સાથેનો તાવ ઉતરે છે.

Advertisements

આરોગ્ય ટુચકા 108. કેન્સર

નવેમ્બર 19, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 108. કેન્સર: ધાન્ય (Whole grains), વાલ અને અન્ય કઠોળ, શાકભાજી અને ફળોમાં કેન્સર સામે લડવાની તાકાત છે. વનસ્પતીજન્ય આહારમાં ચરબી ઓછી હોય છે અને રેષાઓ વધુ હોય છે અને તે કેન્સર પ્રતીરોધક તત્ત્વોથી ભરપુર હોય છે. માંસ, ડેરી પેદાશો, ઈંડાં અને તળેલા પદાર્થો સીવાયનો આહાર તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે. નીચે જણાવેલા આહાર કેન્સરને રોકવામાં ઉપયોગી છે.
•શાકભાજી : શક્કરીયાં, ગાજર, ફુલગોબી- ફુલેવર(કૉલી ફ્લાવર), પાલખની ભાજી, કોથમીર (લીલા ધાણા)
•ફળો : સ્ટ્રોબેરી, સકરટેટી, તરબુચ, કેળાં, સફરજન
•ધાન્ય : ઘઉં, ચોખા, ઓટ વગેરે
•કઠોળ : વાલ, વટાણા, મસુરની દાળ

આરોગ્ય ટુચકા 107. દુધ અને પ્રોસ્ટેટ કેન્સર

નવેમ્બર 18, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 107. દુધ અને પ્રોસ્ટેટ કેન્સર : ઈ.સ. 1999માં વીશ્વ કેન્સર સંશોધન ફંડ અને કેન્સર સંશોધન માટેની અમેરીકન સંસ્થાએ તારણ કાઢ્યું છે કે ડેરી પેદાશો એ સંભવતઃ પ્રોસ્ટેટ કેન્સરનું એક કારણ છે અને એપ્રીલ, 2000માં એક બીજા સંશોધનમાં ડેરી પેદાશો અને પ્રોસ્ટેટ કેન્સર વચ્ચેનો સંબંધ બતાવ્યો છે. હાર્વર્ડના ડોક્ટરોએ 11 વર્ષમાં 20,885 મનુષ્યોનો આરોગ્ય વીષયક અભ્યાસ કર્યો અને તેમાં તેમણે જણાવ્યું કે રોજના અઢી કપ જેટલા દુધ કે એની પેદાશનું સેવન કરનાર લોકોમાં રોજના અડધા કપ જેટલા એ પદાર્થોનું સેવન કરનારની સરખામણીમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 34% વધુ હોય છે.
દુધ, ચીઝ, આઈસ્ક્રીમ વગેરે ડેરી પેદાશો તથા ઈંડાં, માંસ અને અન્ય પ્રાણીજ પદાર્થો કેટલાક પ્રકારના કેન્સર સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત ડેરી પ્રોડક્ટમાં પ્રચુર માત્રામાં ચરબી હોય છે જે આપણા શરીરમાં કેન્સર ઉત્પન્ન કરનાર રસાયણો અને કેન્સરની વૃદ્ધી કરનાર હોર્મોન્સ માટે પ્રવેશ દ્વાર સમાન છે. આ ઉપરાંત ડેરી પ્રોડક્ટમાં કેન્સર પ્રતીરોધક દ્રવ્યો ખુબજ ઓછા પ્રમાણમાં હોય છે અને રેષાઓ (ફાઈબર) તો બીલકુલ હોતા જ નથી. રેષાઓ માત્ર વનસ્પતીજન્ય ખોરાકમાં જ હોય છે જે સામાન્ય રીતે આપણા પાચનતંત્રમાંનાં કાર્સીનોજન્સ (Carcinogens)ને દુર કરે છે.

આરોગ્ય ટુચકા 106. વીટામીન બી-12

નવેમ્બર 16, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 106. વીટામીન બી-12: ઉત્તમ કક્ષાના લોહી તથા જ્ઞાનતંત્ર માટે વીટામીન બી-12 જરુરી છે. અલબત્ત, દરેકને આખા દીવસ દરમ્યાન ફક્ત બે માઈક્રોગ્રામ વીટામીન બી-12 જોઈતું હોય છે. વીટામીન બી-12 વનસ્પતીમાંથી મળી શકતું નથી. આપણા પાચનતંત્રમાં રહેલા બેક્ટેરીયા – જીવાણુંઓ તે પેદા કરે છે. પરંતુ કોઈ કારણને લઈને કેટલીક વાર કોઈ કોઈ લોકો એનો ઉપયોગ કરી શકતાં નથી. જ્યારે ગાય-ભેંસના પાચનતંત્રમાં તેના બેક્ટેરીયા વીટામીન બી-12 બનાવે છે અને તેનું પોતાના શરીરમાં શોષણ પણ કરે છે. આથી ડેરી પેદાશોમાં વીટામીન બી-12 જોવા મળે છે.
સંપુર્ણ શાકાહારી (Vegan) અર્થાત્ દુધ, દહીં, ઘી સહીતના કોઈપણ પ્રાણીજ પદાર્થનો ઉપયોગ જેઓ કરતાં ન હોય તેમને વીટામીન બી-12 પુરતા પ્રમાણમાં મળી શકતું નથી. વળી વીટામીન બી-12 માટે પ્રાણીજ પદાર્થો દુધ, દહીં, ઘી લેવાથી ખોરાકમાં વધુ પ્રમાણમાં કોલેસ્ટ્રોલ અને ચરબી પણ આવશે, અને એટલા પ્રમાણમાં શાકાહારી ખોરાક ઓછો લેવાશે તેથી જટીલ કાર્બોદીત પદાર્થો અને ફાઈબર પણ ઓછા મળશે. આથી ડેરી પેદાશો અને પ્રાણીજ પદાર્થો સીવાયના પદાર્થોમાંથી શાકાહારી મનુષ્યોએ વીટામીન બી-12 મેળવવું જોઈએ (દા.ત. અન્ય ઔષધીય સ્રોતો જેમ કે બૉરોકો, જેની અડધી ટેબલેટ વીકમાં ત્રણ દીવસ લેવાથી દૈનીક જરુરીયાત પુરી પડી શકે છે, તથા વીવીધ શાકાહારી વીટામીનની ગોળીઓ જેમાં વીટામીન બી-12 ઉમેરવામાં આવ્યું હોય.)

વરીયાળી

નવેમ્બર 14, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
વરીયાળી
(બ્લોગ પર તા. 14-11-2017)
સામાન્ય રીતે આપણે ખાધા પછી મુખવાસમાં વરીયાળી લઈએ છીએ, આથી ખાધેલાંની વાસ દુર થાય તથા દાંત પણ સાફ થાય છે. પણ વરીયાળી માત્ર મુખવાસ તરીકે જ ઉપયોગી નથી, એના ઔષધીય ગુણો પણ છે. એ વાત, પીત્ત અને કફ ત્રણે દોષોમાં મદદ કરે છે.
ખાધા પછી વરીયાળી ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે. એનાથી ભુખ પણ સારી લાગે છે. વરીયાળી ખાવાથી કબજીયાતમાં અને એસીડીટીમાં લાભ થાય છે. વરીયાળી વાયુનાશક છે. વરીયાળીનો અર્ક પણ મળે છે જે નાનાં કે મોટાં સહુ કોઈ લઈ શકે. જો ખાધેલું બરાબર પચ્યું ન હોય તો એક કપ પાણીમાં એક ચમચી વરીયાળી ઉકાળીને હુંફાળું થાય ત્યારે થોડું થોડું પીતા રહેવાથી લાભ થાય છે. જો પેટ ફુલી ગયું હોય તો રાત્રે પાણીમાં વરીયાળી ભીંજવીને સવારે મસળી, ગાળી પી જવું. એમાં દુધ નાખવું હોય તો નાખી શકાય.
વરીયાળી આંખ માટે પણ સારી છે. ઉંમર વધે તેમ આંખો નબળી પડે છે, વરીયાળી ખાતા રહેવાથી તેની સામે રક્ષણ મળે છે. આંખમાં બળતરા થાય, આંખ લાલ થઈ જાય કે આંખમાં થાક જણાતો હોય તો વરીયાળીનાં પાનનો રસ કે વરીયાળીનું પાણી પીવાથી ફાયદો થાય છે. રાત્રે સુતાં પહેલાં દુધમાં વરીયાળીનું બારીક ચુર્ણ અડધી ચમચી અને અડધી ચમચી સાકર નાખી થોડા દીવસો સુધી પીવાથી આંખોનું તેજ વધે છે.
વરીયાળી, ધાણા, એલચી અને સાકરનું બારીક ચુર્ણ સવાર-સાંજ હુંફાળા દુધમાં દરરોજ પીવાથી આંખોનું તેજ વધે છે, ઉપરાંત જો મોતીયો આવતો હોય તો તે વધતો અટકી જાય છે.
ઝાડા લાગ્યા હોય તો ૫૦ ગ્રામ શેકેલી વરીયાળી, ૫૦ ગ્રામ કાચી વરીયાળી અને ૧૦૦ ગ્રામ સાકરનું બારીક ચુર્ણ બનાવી બબ્બે ચમચી દીવસમાં ત્રણ વખત પાણીમાં લેવું. ખાવામાં દહીં અને ભાત લેવાં. જો દરરોજ પાંચ છ ઝાડા થતા હોય તો સમાન ભાગે વરીયાળી, જીરું અને ધાણા લઈ, તવા પર શેકીને બારીક ચુર્ણ કરવું. એમાં એટલા જ પ્રમાણમાં સુંઠ અને બીલાંના ગર્ભનો પાઉડર મેળવવો. આ ચુર્ણ પાણીમાં એક એક ચમચી દીવસમાં ત્રણ વાર લેવું. ખાધા પછી તરત ઝાડા થતા હોય તો સમાન ભાગે શેકેલી વરીયાળી અને જીરાનું ચુર્ણ બનાવી ખાધા પછી પાણી સાથે એક ચમચી જેટલું લેવું.
વરીયાળીમાં ફાઈબર સારા પ્રમાણમાં હોવાથી લોહીમાંના હાનીકારક કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ થાય છે. ઉપરાંત રક્તવાહીનીઓની દીવાલને ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. આથી ધમનીઓને નુકસાન થતું નથી, અને એ રીતે હૃદયરોગ સામે રક્ષણ મળે છે. વળી વરીયાળીમાં પોટેશ્યમનું પ્રમાણ ઘણું સારું હોવાથી બ્લડપ્રેશર સામાન્ય રહે છે.
વરીયાળી કફનાશક હોવાથી દમવાળી વ્યક્તીને માટે સારી ગણાય છે. ઉધરસમાં પણ લાભ પહોંચાડે છે. બે ચમચી વરીયાળી, એક ચમચી જેઠી મધનું ચુર્ણ અને એક મોટી એલચીના દાણાનું ચુર્ણ એક કપ પાણીમાં ઉકાળી, ગાળીને હુંફાળું હુંફાળું દીવસમાં બેત્રણ વાર પીવાથી કફ અને ઉધરસમાં આરામ થાય છે. નાક ગળતું પણ બંધ થઈ જાય છે.
હાથપગમાં થતી બળતરાનું કારણ વાયુ હોય છે. રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરીયાળી અને એક ચમચી ધાણા પલાળી, સવારે મસળીને ગાળી લઈ થોડી સાકરનું ચુર્ણ નાખી કેટલાક દીવસ પીવાથી બળતરા મટે છે. એનાથી ગરમીના દીવસોમાં ઠંડક મળશે. પેટમાં, પેશાબમાં કે આંખોમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે. હાથપગ જકડાઈ ગયા હોય કે સુજી ગયા હોય તેમાં પણ લાભ થાય છે.

આરોગ્ય ટુચકા 105. ગોળ અને જીરાનો ઉકાળો

નવેમ્બર 12, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 105. ગોળ અને જીરાનો ઉકાળો: ગોળ અને જીરાનો ઉકાળો બનાવીને પીવાથી ઘણા ફાયદા થાય છે, કેમ કે આ બંને શરીરમાં રહેલાં હાનીકારક દ્રવ્યોને બહાર કાઢે છે. આથી એ બેનું મીશ્રણ અતી ઉપયોગી છે.
એક વાસણમાં 2 કપ પાણી લઈ તેમાં એક ચમચી ગોળ અને એક ચમચી આખું જીરું નાખી ધીમા તાપે 10 મીનીટ ઉકાળો. પછી નવશેકું રહે એટલે ગાળીને પી જવું.
આ ઉકાળામાં જે પોષક તત્ત્વો હોય છે તેનાથી લોહીમાંના રક્તકણો સ્વસ્થ રહે છે. આથી લોહીની ઉણપની સમસ્યા નડતી નથી. જીરું અને ગોળનો ઉકાળો એસીડીટી મટાડે છે, અને પેટ ફુલી જવાની શક્યતા રહેતી નથી. આ ઉકાળો ઠંડો હોવાથી તાવ રહેતો હોય તો એમાં રાહત આપશે. આ ઉકાળાની અસર લોહીના પરીભ્રમણ પર થાય છે, આથી શરીર કળતું હોય તો તે દુર થશે. જીરું અને ગોળનો ઉકાળો નીયમીત પીવાથી પાચનક્રીયા સુધરે છે, અને કબજીયાત દુર થાય છે. આ ઉકાળો ઠંડો છે અને મગજને ઠંડક પહોંચાડે છે. માથાના દુખાવામાં જીરું અને ગોળનો ઉકાળો રાહત આપે છે. એ પાચનક્રીયામાં મદદ કરતો હોવાથી તેમજ ઠંડો હોવાને લીધે અપચાને કારણે પેટમાં થતો દુખાવો દુર થાય છે.

આરોગ્ય ટુચકા 104. વૃદ્ધત્વ

નવેમ્બર 10, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 104. વૃદ્ધત્વ: વૃદ્ધત્વ અટકાવવા માટે કસરત કરવી ઉપરાંત નીચેનાં આહારદ્રવ્યો નીયમીત લેવાં જોઈએ.
1. ચામડી પરની કરચલી અટકાવવા માટે નીયમીત કીવી ફ્રુટ ખાવું જોઈએ. એમાં સારા પ્રમાણમાં વીટામીન સી હોય છે, જે ઘણું શક્તીશાળી એન્ટી ઑક્સીડન્ટ છે, જે શરીરના કોશોને નુકસાનકર્તા ફ્રી રેડીકલ્સને દુર કરે છે.
2. આહારમાં મરી-મસાલાનો ઉપયોગ વૃદ્ધત્વને રોકવામાં સહાયક થાય છે. એમાં ખાસ કરીને તુલસી, હળદર, જીરુ, વરીયાળી વગેરે વધુ ઉપયોગી છે.
3. ઓટ એના દ્રાવ્ય રેસા માટે ઘણું ગુણકારક છે. એનાથી હાનીકારક કોલેસ્ટ્રોલનો નીકાલ થાય છે. ઉપરાંત એમાં સારા પ્રમાણમાં અગત્યનું એન્ટી ઑક્સીડન્ટ તત્ત્વ હોય છે, જે ફ્રી રેડીકલ્સને નષ્ટ કરે છે.
4. દ્રાક્ષની છાલમાં એક અગત્યનું તત્ત્વ હોય છે જે દાહ-સોજાને દુર કરે છે. વળી દ્રાક્ષ પારજાંબલી કીરણો અને સુર્યકીરણોની ત્વચા પરની હાનીકારક અસર સામે પણ રક્ષણ આપે છે. દ્રાક્ષમાં વીટામીન સી પણ સારું જેવું હોય છે, જેનાથી ચામડીનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

વાયુની તકલીફ અને ઉપચાર

નવેમ્બર 9, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
વાયુની તકલીફ અને ઉપચાર
(બ્લોગ પર તા. 9-11-2017 )
વાત, પીત્ત, કફ પૈકી સૌથી વધુ રોગો (૮૦ પ્રકારના રોગો) વાયુને કારણે થાય છે. તલનું તેલ, લસણ, હીંગ, સુંઠ, અજમો, નગોડ, ગુગળ, રાસ્ના, મહાયોગરાજ ગુગળ જેવાં ઔષધો વાયુના બધા રોગો પર વાપરી શકાય. વળી તુલસીના એક ચમચી રસમાં એટલું જ ઘી અને પોતાની પ્રકૃતીને અનુકુળ પ્રમાણમાં કાળા મરીનું ચુર્ણ મેળવી લેવામાં આવે તો વાયુના મોટા ભાગના રોગો મટી શકે.
વાયુને કારણે થતો બહુ પ્રચલીત રોગ સંધીવાનો છે. હાડકાંના સાંધામાં વાયુને લીધે જે પોચો જેલી જેવો પદાર્થ હોય છે તે સંકોચાઈ જવાથી દુખાવો થાય છે તેને સંધીવા કહે છે. એને અંગ્રેજીમાં આર્થરાઈટીસ કહે છે. એમાં મહાયોગરાજ ગુગળ, સીંહનાદ ગુગળ, મહારાસ્નાદી ઘનવટી જેવાં આયુર્વેદનાં કેટલાંક તૈયાર ઔષધો મળે છે તે લઈ શકાય. મહારાસ્નાદી ક્વાથનો ભુકો બે કપ પાણીમાં ધીમા તાપે ઉકાળી એક કપ પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળીને હુંફાળું હુંફાળું સવાર-સાંજ પીવાથી સારી રાહત થશે.
વાયુનો આવો જ બીજો વ્યાધી છે આમવાત, જેને ગઠીયો વા કે ફરતો વા પણ કહેવાય છે. આપણા શરીરમાં ઘુંટણ, કોણી, કાંડું, ઘુંટી, આંગળાં, કમર, ડોક વગેરે ઘણી જગ્યાએ હાડકાંના સાંધા છે. આમવાતમાં આ સાંધાઓમાં સોજો આવી દુખાવો થાય છે. વળી કેટલીક વાર એ એક સાંધામાંથી બીજા સાંધામાં પ્રવેશતો રહે છે. કોઈકને બંને હાથ કે પગમાં સોજા સાથે દુખાવો થાય છે. કેટલાક લોકોની હાથની આંગળીઓ તથા કાંડાનો આકાર બેહુદો થઈ જાય છે, કે આગળીઓ વાંકી વળી જાય છે. ખભાના સાંધા જકડાઈ જાય ત્યારે હાથ ઉંચો કરી શકાતો નથી. બેસીને ઉભા થવામાં મુશ્કેલી રહે છે. દહીં, છાસ, હાંડવો, ઢોકળાં, ખમણ, ઈડલી, ખાટાં ફળ, લીંબુનું અથાણું, આમલી, શીખંડ જેવાં કોઈ પણ ખાટા કે આથાવાળા પદાર્થો ખાવાથી તકલીફ વધી જાય છે. ક્યારેક આ કારણે તાવ પણ આવે છે કે તાવ જેવું લાગ્યા કરે છે. જમવામાં રુચી થતી નથી. આળસ આવે છે. શરીર ભારે થઈ જાય છે. ખાવાનું બરાબર પચતું નથી, આથી આમની ઉત્પત્તી થતી રહે છે. આ આમ લોહીમાં ભળી શરીરના સાંધાઓમાં સોજા લાવે છે. મોંમાં અને ઝાડામાં ચીકાશ રહે છે.
આ તકલીફમાં ત્રણથી સાત દીવસના નકોરડા ઉપવાસ કરવા જોઈએ. જો નકોરડા ઉપવાસ ન થઈ શકે તો રાંધેલા મગ, મગનું ઓસામણ, મમરા, ખાખરા જેવો હળવો ખોરાક કેટલાક દીવસો લીધા પછી જ ઔષધો લેવાં. નહીંતર ઔષધોની અસર થશે નહીં. ભુખ હોય તેનાથી અડધું જ ખાવું, વજન વધારે હોય તો ઘટાડવું. દીવસે ઉંઘવું નહીં, અને સુર્યોદય પહેલાં ઉઠી જવું.
સુંઠ અને મહારાસ્નાદી ક્વાથના ઉકાળામાં નીયમીત દીવેલ લેવાથી પણ આ રોગ મટી શકે છે. સાથે આમવાતારી રસ, મહાયોગરાજ ગુગળ તથા સીંહનાદ ગુગળની બબ્બે ગોળી સવાર-સાંજ ભુકો કરીને લેવી. જો તમારી પ્રકૃતીને અનુકુળ હોય તો એક ચમચી અજમોદાદી ચુર્ણ સવાર-સાંજ ફાકી ઉપર ગરમ પાણી પીવું. આ રોગમાં પરેજી ખુબ જ અગત્યની છે અને ધીરજપુર્વક છ-સાત મહીના સારવાર ચાલુ રાખવી પડે.
વાયુની વૃદ્ધી
આયુર્વેદ મુજબ શરીરમાં જ્યાં પણ દુખાવો હોય ત્યાં વાયુની વૃદ્ધી થયેલી હોય છે. આથી વાયુનું શમન કરે એવા ઉપાયોથી દુખાવો નાબુદ થઈ શકે. વાયુની વૃદ્ધીને કારણે વ્યક્તી કર્કશ થાય છે. વળી વાયુની વૃદ્ધીથી શરીરનું જે તે અંગ સંકોચાવા લાગે છે. પોલીયોમાં પગના સ્નાયુ સંકોચાય છે અને સુકાઈ જાય છે. વાયુથી થતા હૃદયરોગમાં હૃદયને લોહી પહોંચાડનાર નળી સુકાઈને સંકોચાઈ જાય છે. ચામડી પર કરચલીનું કારણ પણ વાયુવીકાર છે.
જ્યાં વાયુની વૃદ્ધી થઈ હોય ત્યાં સોય ભોંકાતી હોય તેવી વેદના થાય છે. વાયુથી ગ્રસીત વ્યક્તી ઉદાસ અને ચીંતીત રહે છે. જેમ વાયુ વધે તેમ જે તે ભાગમાં કાળાશ આવતી જાય છે. બાળકોની સરખામણીમાં વૃદ્ધની ચામડી પર વાયુને કારણે જ કરચલી, રુક્ષતા અને કાળાશ જોવામાં આવે છે. વાયુને કારણે શરીરની સ્વાભાવીક ક્રીયામાં અવરોધ આવે છે, હાથપગ એનું પ્રાકૃતીક કાર્ય કરી શકતા નથી. મોં જકડાઈ જવું, જડબું બરાબર ખુલે નહીં, એક કે બંને હાથ ખભામાંથી જકડાઈ જવા, ઉંચા કે નીચા કરવાથી વેદના થવી વગેરે તકલીફ થાય છે. વૃદ્ધાવસ્થામાં વાયુને કારણે આંખ-કાન બરાબર કામ કરી શકતાં નથી.
વાયુથી શરીરનાં અંગોમાં ખાલી ચડે. વાયુવાળી વ્યક્તીને ઠંડા પાણીથી સ્નાન કરવાનું ગમતું નથી, ઠંડી સહન થતી નથી. વાતવૃદ્ધીથી શરીર સુકાવા લાગે છે. અંગો સુકાઈને પાતળાં થવા લાગે છે, કેટલાક લોકોને વાયુથી કબજીયાત થાય છે. પેટમાં આફરો ચડે છે. વાછુટ પણ વધુ થાય છે.
વાયુની અતીશય વૃદ્ધી વ્યક્તીને વહેલું ઘડપણ લાવી દે છે. ઉંઘ બરાબર આવતી નથી. ચીંતાથી વાયુ વધે છે. વાયુથી શરીરમાં સણકા આવે છે. વધેલો કે વીકૃત વાયુ ઉત્સાહ, બળ, વર્ણ, સુખ અને આયુષ્યમાં ઓટ લાવે છે.
વાયુની સારવાર
જે કારણે વાયુની વૃદ્ધી થઈ હોય તે મુજબ ઉપચાર કરવા જોઈએ. ચીકાશવાળા એટલે કે ઘી, દુધ, માખણ, અડદ, ગોળ, વીદારી કંદ, શતાવરી, અશ્વગંધા, કૌંચાં, સફેદ મુસળી, બલા તેલ, વગેરે બળ અને જાતીય શક્તી વધારે એવા પદાર્થો, ગળ્યા, ખારા, ખાટા પદાર્થો તેમ જ તડકાનું સેવન તથા ગરમ પાણીથી સ્નાન અને તેલની નીયમીત માલીશ કરવાથી વાયુનું શમન થાય છે. શરીરના જે તે અંગની ચંપી કરવાથી વાયુ શાંત થાય છે. નસ્ય, ઉંઘ અને આરામ તથા પોટીસ બાંધવાથી વાયુનું શમન થઈ શકે. અડદપાક, મેથીપાક, સાલમપાક, કૌંચાંપાક વગેરે પાકો પૌષ્ટીક ઉપરાંત જાતીયશક્તીવર્ધક અને પરમ વાતનાશક પણ છે. જેમની પાચનશક્તી બળવાન હોય એવી વ્યક્તીએ પોતાને અનુકુળ પ્રમાણમાં આવા પાક લેવા જોઈએ, જેથી વાતવીકારમાં ફાયદો થઈ શકે.
કડવો, તીખો, તુરો રસ વાયુની વૃદ્ધી કરે છે (પણ કફનું શમન કરે છે) જ્યારે ગળ્યો, ખાટો અને ખારો રસ વાયુનું શમન કરે છે. (પણ કફની વૃદ્ધી કરે છે) વાયુવાળા લોકોને ખાટી વસ્તુ ખાવાનું ગમે છે. દહીં, છાસ તથા લીંબુ, ટામેટાં, લીલી દ્રાક્ષ જેવાં ખાટાં ફળો વાયુનું શમન કરે છે. માત્ર વાયુથી થતા રોગોમાં, એટલે કે જેમાં આમરસ ભળેલો ન હોય તેમાં ખાટો રસ અનુકુળ આવે છે, પણ સાંધામાં થતા આમવાતમાં ખાટા રસનું સેવન નુકસાન કરે છે.
ખારો રસ પણ વાયુનાશક છે. સંચળ, સીંધવ (સીંધાલુણ), હીંગાષ્ટક તથા લવણભાસ્કર જેવાં દ્રવ્યો પેટનો દુખાવો, આફરો અને ગેસ જેવા વાયુના રોગોમાં આપવાથી લાભ થાય છે.

કફ અને વાયુવીકાર

નવેમ્બર 8, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
કફ અને વાયુવીકાર
(બ્લોગ પર તા. 8-11-2017 )
વૃદ્ધાવસ્થામાં કેટલાક લોકોને કફ અને વાયુ બંને સતાવતા હોય છે. આ વીષે બે ભાગમાં લખવાનું વીચાર્યું છે. સામાન્ય રીતે કફકારક પદાર્થો વાયુનાશક હોય છે, અને વાયુકારક પદાર્થો કફનાશક હોય છે. આથી જેમને આ બંને સતાવતા હોય તેમણે પોતાના ખાવાપીવામાં અને ઉપચારોમાં ઘણી સાવચેતી રાખવી પડે છે. જો કે કસરત અને અમુક પ્રકારના ઉપચાર તથા પદાર્થો બંને તકલીફમાં લાભ કરે છે. જેમ કે ગરમ શેક કરવો તેમ જ અમુક ક્ષાર તથા વરીયાળી, એરંડમુળ વગેરે બંનેમાં લાભકારક હોય છે.
કફની તકલીફ અને ઉપચાર
સવારે કફનું પ્રમાણ શરીરમાં વધારે હોય છે. આથી કેળાં, દહીં, મીઠાઈ જેવા કફકારક પદાર્થો સવારે ન ખાવા, પણ મમરા, ખાખરા, દુધનો ઉકાળો, મગનું ઓસામણ જેવા સુપાચ્ય અને ગરમાગરમ તીખા પદાર્થો ખાવા. જમ્યા પછી તરત પણ કફની વૃદ્ધી થાય છે. આથી જમ્યા પછી તરત વધુ પાણી ન પીવું, કેમ કે કફની ઉત્પત્તી પાણીમાંથી થાય છે. આથી જમ્યા પછી આઈસક્રીમ કે ફળો પણ ન ખાવાં જોઈએ. જમ્યા પછી તરત ઉંઘી જવાથી પણ કફપ્રકોપ થવાની શક્યતા છે. જમ્યા પછી થોડીવાર ચાલવું જોઈએ. બપોરે તો જમ્યા પછી તરત ઉંઘવાથી આમવાત અને પ્રમેહ જેવા કફજન્ય રોગોની પ્રબળ શક્યતા રહે છે.
કફનાશક ઉપાયો : કડવો, તીખો, અને તુરો રસ કફનું શમન કરે છે. (પણ વાયુની વૃદ્ધી કરે છે.) તુલસી, આદુ, અજમો, મરી, ચીત્રક જેવા તીખા પદાર્થો કફનું શમન કરે છે. આથી જ કફ થયો હોય તેમને તીખું ખાવાનું મન વધુ થાય છે. હરડે, બાવળની છાલ તેમજ એનાં પાન, સોપારી, દાડમ વગેરેમાં તુરો રસ હોય છે, આથી એનું સેવન પણ કફ ઓછો કરવામાં સહાયક છે. આપણા દેશમાં વસંત ઋતુમાં કફપ્રકોપ થાય છે, આથી એ સમયે લીમડો, કાંચકા, અતીવીષ જેવા કડવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.
ગરમ, લુખાં, પચવામાં હળવાં, તીક્ષ્ણ અને સાદાં આહારદ્રવ્યો કફનાશક છે. તાસીરે ગરમ તેમ જ ગુણમાં ગરમ આહાર કફમાં લાભ કરે છે. એ રીતે ધાણી, ચણા, મમરા, મરી, મરચાં, હળદર વગેરે કફમાં ઉપયોગી થાય. ક્ષાર ગરમ, તીક્ષ્ણ, પચવામાં સરળ અને રુક્ષ છે, આથી છાતીમાં કફનો ભરાવો થયો હોય ત્યારે ટંકણખાર વાપરવામાં આવે છે, જ્યારે માથામાં ભરાયેલા કફમાં અપામાર્ગ ક્ષારનો ઉપયોગ કરવામાં આવે છે. અપામાર્ગ ક્ષાર અંઘેડાને બાળીને એની રાખમાંથી બનાવવામાં આવે છે. વીવીધ કસરત કરવાથી, શારીરીક શ્રમ કરવાથી પણ શરીરમાં રહેલો કફ ઘટે છે. મોંમાં કે ગળામાં બાઝેલા કફને કાઢતા રહેવાથી કફ ઓછો થાય છે. ઉજાગરાથી પણ કફ ઘટે છે, પણ એ આપણા સ્વાસ્થ્યને હાનીકારક છે.
સુંઠ, મરી, જાયફળ, વજ જેવાં ઉગ્ર દ્રવ્યોનું કે સરગવો, લીંડીપીપર, હીંગ કે એના જેવાં શીરો-વીરેચક દ્રવ્યોનું નસ્ય આપવાથી (દવા નાકમાં મુકવાથી) માથામાં રહેલો કફ પીગળીને નીકળી જાય છે. નસ્ય કફ દુર કરવાનું ઉત્તમ કર્મ છે, તો મધ એ માટેનું ઉત્તમ ઔષધ છે.
લુખો શેક કરવાથી અને લંઘનથી કફ ઓછો થાય છે. લંઘન એટલે મગનું ઓસામણ લઈને અથવા તેમ ન થઈ શકે તો દાળનું ઓસામણ, મમરા, મગ, ભાત જેવો હળવો ખોરાક પચે તેટલા અલ્પ પ્રમાણમાં લઈ શકાય.
કફના કોઈ પણ રોગનો એક ઉપચાર: આદુ, લીલી હળદર, તુલસીનાં તાજાં પાન, બે તાજાં મોટાં આમળાં અને ફુદીનાને ભેગાં કરી અડધો કપ જેટલો રસ કાઢી ત્રણ ચમચી મધ મેળવી દરરોજ પીવાથી કફથી થયેલો કોઈ પણ રોગ સારો થાય છે.

આરોગ્ય ટુચકા 103. અનીદ્રાનો ઉપાય – સર્વાંગાસન

નવેમ્બર 7, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 103. અનીદ્રાનો ઉપાય – સર્વાંગાસન: આપણા શરીરનાં બાહ્ય તેમ જ આંતરીક લગભગ બધાં જ અંગો પર આ આસનનો પ્રભાવ પડે છે. ગળા પાસે શરીરની એક બહુ જ અગત્યની ગ્રંથી થાઈરોઈડ આવેલી છે જે શરીરની તંદુરસ્તી જાળવવામાં મહત્ત્વની છે. સર્વાંગાસન યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી થાઈરોઈડ ગ્રંથી પર સૌથી વધુ અસર થાય છે, આથી એ રીતે આ આસન શરીરનાં સર્વ અંગો પર અસર કરે છે, તેથી જ એને સર્વાંગાસન કહેવામાં આવે છે.

આસન કરવાની રીત : ચત્તા સુઈને બંને હાથ બાજુ પર અને બંને પગ પુરેપુરા લંબાવેલા અને સાથે રાખો. બંને પગ સીધા સાથે જ રાખી જમીનથી ૩૦ અંશના ખુણા સુધી ઉંચા કરો, પછી ૬૦ અંશને ખુણે ઊંચકી ત્રણ-ચાર સેકન્ડ થોભો. પછી ૯૦ અંશને ખુણે બંને પગ રાખો. બંને હાથ કમર પર મુકી ટેકો આપીને ધડ અને પગ એક સીધી રેખામાં આવે ત્યાં સુધી શરીરને ઉઠાવો. આખા શરીરનું વજન ગરદનનો પાછલો ભાગ, બંને ખભાનો પાછલો ભાગ તથા ખભાથી કોણી સુધીના બંને હાથ પર વહેંચાઈ જશે. હવે બંને હાથ વડે પીઠ પર દબાણ કરી, દાઢીને ગળા પાસે છાતીમાં જે ત્રીકોણાકાર ખાડો, કંઠકુપ છે તેમાં દબાવો. આ રીતે દાઢીને દબાવી રાખવાની ક્રીયાને જાલંધર બંધ કહે છે.
આ આસન એકલું કરવાનું હોય ત્યારે વધુ સમય થઈ શકે પણ બીજાં આસનોની સાથે કરવામાં આવે તો વધુમાં વધુ સમય પાંચ-છ મિનિટ રાખવો. હું સામાન્ય રીતે આ આસન ૬ મીનીટ કે તેથી કંઈક વધતું-ઓછું કરું છું. આ આસન શરુઆતમાં ત્રીસ સેકંડથી શરુ કરી ક્રમે-ક્રમે વધારતા જવું હીતાવહ છે. આસન છોડતી વખતે ઉલટો ક્રમ લેવો. બંને હાથ જમીન પર ટેકવી કમરને નીચે લાવી બંને પગ ક્રમશઃ પ્રથમ ૯૦°ના ખુણે, પછી ૬૦° અને ૩૦°ના ખુણે અટકીને જમીન પર લાવવા. એમાં ઉતાવળ કરવી નહીં, એટલે કે શરીરને ઝટકો લાગવો ન જોઈએ.
સર્વાંગાસન કર્યા પછી એનાથી વીપરીત એવું મત્સ્યાસન કરવું અગત્યનું છે.
આ આસન કરવાથી અનીદ્રાની સમસ્યા મટી શકે છે.