Archive for the ‘કાંઠાના સ્વાતંત્ર સૈનીકો’ Category

ડાહીબેન

નવેમ્બર 28, 2008

ડાહીબેનઃ મારાં પત્ની

મારાં લગ્ન એક મીત્રપત્નીના સહકારથી તા. ૧૮-૫-૧૯૪૨ના રોજ થયેલાં. ખેતી અને પશુપાલન એ મારું મુખ્ય કાર્ય. ૧૯૪૨ના ઑગષ્ટમાં લડત આવી. એમાં મેં ઝંપલાવ્યું. હું અને મારાં પત્ની ભુગર્ભવાસમાં ગયાં. તવડી, કાદીપોર, ધામણ, રાજપીપળા અને અંતે દેલવાડામાં એક ઝુંપડીમાં સાથે ત્રણ માસ રહ્યાં. હરીભાઈ અને ડાહ્યાભાઈએ જબરો સાથ આપ્યો. નીકટના મીત્ર બન્યા. ભાગ્યા બાદ ફરીથી દેલવાડાના સીમાડામાં બે માસ કાઢ્યા. અંતે ૧૯-૨-૪૩ના રોજ વહેલા પરોઢે સીમાડામાંથી ગીરફતાર થયેલા. દરમીયાન મારી પત્નીએ મારો સાથ છોડેલો નહીં. જ્યારે જ્યારે જેલોમાં મળવા આવતાં ત્યારે હંમેશાં ખાવાનું લાવતાં. અને મારા માટે ધોયેલાં કપડાં લાવતાં. મારી પત્નીએ લડત દરમીયાન મને ખુબ જ સહકાર આપેલો. મારી ૧૯ માસની જેલ દરમીયાન વીયોગ સહન કરેલો. મારા અનેક પ્રસંગોની એ ભાગીદાર છે. પુર્ણા નદી એણે મારા કરતાં વધુ વાર ઓળંગી છે. અમને ૨૦ વર્ષની સજા થશે તો એની શું દશા થશે? તે વીચારે જેલમાં અનેક રાત્રે હું ઉંઘતો નહીં. ઠીક થયું કે ભગવાને તેમ ન કર્યું.

આ પુસ્તક મણીભાઈ, માતાજી અને પત્નીને સમર્પણ.

લાલીબેન

નવેમ્બર 26, 2008

લાલીબેનઃ મારી મા

મારી માતાજીનું નામ લાલીબેન. એમની કુખે હું ૧૯૧૯માં કરાડીમાં જન્મેલો. મારી માની ઉંમર આસરે ૨૬ વર્ષની. ભણેલાં ખાસ નહીં. પરંતુ પાછળથી પ્રૌઢ શીક્ષણના વર્ગમાં થોડું શીખેલાં. મને બાળપણમાં વીનય અને વીવક શીખવનાર એ હતાં. મહોલ્લામાં રહેતાં દરેક ભાઈબહેનોને મામા-મામી, માસી, ભાઈ-બહેન વીગેરેથી સંબોધન કરતાં. અરે હરીજનવાસમાં પણ માસી મામા કહેતાં. મારે લડતમાં પડવું હતું અને લગ્ન નહોતાં કરવાં, પરંતુ માતાજીના ખુબ દબાણથી મેં લગ્ન કરેલાં.

ક્રાંતી દરમીયાન મારી માતાજીએ અનેક રીતે મારી દેખરેખ રાખેલી. ૨૨મી ઑગષ્ટની રાત્રે મારી માને બરડા પર અને પગની જાંઘ પર ગંભીર માર પડેલો. તે શરીર અને પગ બ્લુ થઈ ગયેલા. પાંચ પેઢીની સગાઈ શોધી માસીના ઘરે તવડી અમને મોકલેલા. રાજના જંગલમાંથી (રાજપપળા) આવ્યા બાદ ફરીથી લાંબી સગાઈ શોધી ફોઈબાના ઘરે દેલવાડા ગોઠવેલા. કરાડીમટવાડથી દુધ, ઘી, અનાજ વીગેરે મોકલતાં. સોડીયાવડથી ભાગી ગયેલો ત્યારે મને નદી તરીને દેલવાડા મુકવા માટે આવેલાં. પછીથી જેટલી જેલોમાં ગયો તેટલી જેલમાં એ નીયમીત જેલની મુલાકાતે આવતાં. નવસારી, જલાલપોર અને સુરત ખાસ આવેલાં. (સાબરમતી નહીં.) દરેક કટોકટીના પ્રસંગે હીંમત રાખતાં. મુલાકાત વખતે દરેક જાતનું ખાવાનું લાવતાં.

પી.સી.પટેલ (ગતાંકથી ચાલુ)

નવેમ્બર 14, 2008

પી.સી.પટેલ (ગતાંકથી ચાલુ) પી.સી.નું જીવન બીજી સામાજીક પ્રવૃત્તીઓ સાથે સંકળાયેલું રહેલું. વર્ષો સુધી બે મીત્રોની જમીન અને વાડી સાચવી ને પાછી સ્વેચ્છાએ આપી દીધી. કાંઠા વીભાગની કેળવણીમાં રસ ધરાવતા. ભાગ લેતા. ઘણાં વર્ષોથી કોઈની સાથે લાંબીટુંકી નહીં. દેલવાડા ગામમાં એમનું આગલું સાસરું. તે સગાઈ મરણ તક સાચવેલી. દેલવાડા સંગ્રામ સ્મારકનો આગ્રહ એમનો. તે બધાએ સંયુક્ત થઈને સરજાવ્યું. મટવાડ શહીદ સ્મારકની પાયાની પ્રવૃત્તીમાં પ્રભુભાઈ, મોરારી વગેરે. જાળવણીમાં જી.સી.નો મુખ્ય ભાગ.

આવડા ફળીયા, મોખલા ફળીયા, આટ, બોરી ફળીયા, ઓંજલ, દાંડી, સામાપોર વીગેરે સ્થળોએ એમના સંખ્યાબંધ મીત્રો. એમનાં પત્ની રામીબેન થકી એમને ચાર પુત્રો અને બે પુત્રીઓ. હાલ બધાં જ પરદેશ-કેનેડા, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડમાં સ્થીર થયાં છે. બધાં નીયમીત માતાપીતાની મુલાકાત લેતાં રહે છે.

આવા એક રાષ્ટ્રસેવકને વીદાય આપતાં હૈયું ભરાઈ આવે છે. ઈશ્વર એમના આત્માને ચીર શાતી આપે એવી હાર્દીક પ્રાર્થના. પ્રભુભાઈ સરદાર પટેલના મીત્ર, મણીભાઈ શ.ના મીત્ર, અમુલભાઈ, ઈશ્વરભાઈ, હકુમતભાઈ વગેરેના મીત્ર.

એમના જીવનનાં વીધ વીધ પાસાંઓનો મને ગાઢ પરીચય. એમના શીક્ષણમાં એમના જેરામ મામાનો ખાસ સહકાર. એ ન પકડાયેલા ત્યારે મામાને પકડી ગયેલા. એમના પકડાયા બાદ છોડી મુકેલા.

લી. દ. કેસરી.

પી.સી.પટેલ (ગતાંકથી ચાલુ)

નવેમ્બર 13, 2008

પી.સી.પટેલ (ગતાંકથી ચાલુ) દેશમાં મોટામાં મોટી સંસ્થા રાષ્ટ્રીય મહાસભા, પરંતુ એની સાથે સંકળાયેલી કોંગ્રેસ સોસીયાલીસ્ટ પાર્ટીને કોંગ્રેસે સંપુર્ણપણે સ્વીકારેલી. છતાં વર્તણુંકમાં ગંભીર ભેદભાવ. આવા એક ગંભીર ભેદભાવનો ભોગ પ્રભુભાઈ બનેલા. કારણ કે પ્રભુભાઈ સમાજવાદી વીચારના. અને પ્રશ્નને સમજ્યા વીના મુંગે મોંએ હા પાડે નહીં. જેથી એમને બાકાત રાખવાનું કાવતરુ રચાયેલું. આ સમાજવાદી પક્ષમાં તે વખતે ખાસ કોણ કોણ હતા તેવા મીત્રોનાં થોડાં નામો વાંચવાથી આછો ખ્યાલ આવશે. ૧. રામ મનોહર લોહીયા. ૨. જયપ્રકાશ નારાયણ. ૩. અશોક મહેતા. ૪. અચ્યુત પટવર્ધન. ૫. મીનુ મસાણી. ૬. મહેરઅલી. ૭. અસરફ અલી. ૮. ઈશ્વલાલ દેસાઈ. ૯. નીરુ દેસાઈ. ૧૦. મધુ લીમયે. ૧૧. અમુલ દેસાઈ. ૧૨. છોટુભાઈ પુરાણી. ૧૩. ચંદ્રશંકર ભટ્ટ. ૧૪. બલ્લુભાઈ મજમુદાર. ૧૫. મણીભાઈ શનાભાઈ. ૧૬. ચુનીલાલ શાહ. ૧૭. હકુમત દેસાઈ. ૧૮. ચરોતર અને અમદાવાદ ડીસ્ટ્રીક્ટના અનેક સમાજવાદી મીત્રો. ૧૯. પી.સી. પટેલ. ૨૦. ભાઈ મોરારી. ૨૧. દયાળ કેસરી. ૨૨. મોહનરામ. આ ઉપરાંત મણીભાઈની નીકટના અનેક વીદ્યાર્થીઓ.

અમુક વર્ગના કાર્યકર્તાઓના મનમાં જે ભેદ હતો તે અંતે પી.સી. પર પ્રગટ થયો, કારણ કે એ જ આગળ પડતો કાર્યકર્તા હતો. છેવટે ધારાસભાની ચુંટણીનો પ્રસંગ આવ્યો. ગુજરાતની મહાસભાના કાર્યકરોમાં પાર્લામેન્ટ બોર્ડના ચાર સભ્યો સરદાર પટેલ, કાનજીભાઈ દેસાઈ, મોરારજીભાઈ અને રાવજીભાઈ. ધારાસભાના ઉમેદાવારની પસંદગી આ ચાર ભાઈઓની મંજુરીથી થાય. એમની નીચેના કાર્યકરોની સલાહ સુચનને માન્ય રાખી દરેક સીટ માટે કોંગ્રેસ ફક્ત એક જ ઉમેદવાર ઉભો રાખે અને તેને જ ઉમેદવારી પત્ર ભરવાનું કહેવામાં આવે. કોંગ્રેસ તે મંજુર કરે તે પ્રમાણે આગળ ચાલવાનું. એટલે કોંગ્રેસની પસંદગી મુજબ એકનું જ પત્ર ભરાવું જોઈએ, એવી ગોઠવણ બધે જ કરેલી. પણ તે આપણા માટે નહીં. આપણા વીભાગમાંથી ત્રણ ભાઈઓ પાસે પત્રકો ભરાવ્યાં. ૧. લલ્લુભાઈ મકન. ૨. પી.સી. પટેલ અને ૩. ગણેશભાઈ સુખા. આ ત્રણમાંથી એક જ પત્રક ભરાવું જોઈએ. એ માટે પરસોત્તમભાઈ, મોરારી અને મેં ઘણા પ્રયત્નો કરેલા. ગણેશભાઈએ કહ્યું કે તમે કહો તે મને માન્ય છે. પી.સી.એ પણ કહ્યું કે તમે કરો તે મારે માન્ય છે. પરંતુ લલ્લુભાઈ ન કહી શક્યા. કારણ કે વહીવટ કરનારાઓએ લલ્લુભાઈને કહેલું કે તારે તો ભરવાનું જ છે. અમે આ પ્રશ્નનો ઉકેલ ન લાવી શક્યા જેથી પાટીદાર આશ્રમના ગૃહપતી નરોત્તમભાઈને વચ્ચે પાડ્યા. તેમની યોજના પણ લલ્લુભાઈએ ન સ્વીકારી. (કારણ કે એમણે આગળથી જ ગોઠવેલું.) છેવટે ત્રણેનાં પત્રકો ગયાં, અને લલ્લુભાઈનું મંજુર થયું. તે વખતે રાષ્ટ્રની સેવામાં પ્રભુભાઈ મોખરે હોવા છતાં આ ભેદભર્યો બનાવ અમુક સત્તાધારીઓએ બનાવેલો. આવા બીજા બનાવોના પણ પાકા મુદ્દા સાથે અનુભવ છે. પ્રભુભાઈને ચુપ રાખવા માટે મજુર સંગઠનના પ્રમુખ માટેની ઑફર કરેલી, પરંતુ પ્રભુભાઈએ તે સ્વીકારેલી નહીં. મને પણ શાંત રાખવા માટે જીલ્લા બોર્ડનો મોહ આપેલો. મેં સીધો જ જવાબ આપેલો કે મારે તમારી સાથે અનેક મતભેદો છે, જે મટે નહીં એટલે હું કાંઈ ન સ્વીકારું. એ લોકોની નીતીની ઘણે મોડેથી લલ્લુભાઈને સમજ પડેલી. તે એમણે મને કહેલું. આવી રાજરમતમાં ભલભલાનાં ભાવી પલટાઈ જાય છે. ઈન્દુલાલ યાજ્ઞીકનું જીવન પલટાઈ ગયેલું. આખા જ સમાજવાદી પક્ષને ઘણો જ અન્યાય થયેલો. (વધુ આવતા અંકમાં)

પી.સી.પટેલ (ગતાંકથી ચાલુ)

નવેમ્બર 11, 2008

પી.સી.પટેલ (ગતાંકથી ચાલુ) કાંઠા વીભાગના વીદ્યાર્થીઓ માટે જે કાર્ય મણીભાઈએ અને નાગરજીએ કર્યું અને જાગૃતી આણી તે પ્રકારનું કાર્ય પ્રભુભાઈએ મટવાડ વીદ્યાર્થી મંડળ સ્થાપીને કર્યું. મંડળમાં અનેક વીદ્યાર્થીઓને સભ્યો બનાવ્યા અને નવસારી કોળી વીદ્યાર્થી આશ્રમના સંચાલન કાર્યમાં માર્ગદર્શન આપી સંપુર્ણ સહકાર આપ્યો. એટલું જ નહીંં વીદ્યાર્થીઓમાં રાષ્ટ્રસેવાની પ્રેરણા પુરી. રજાના દીવસોમાં કાંઠાનાં ગામોમાં ગામસફાઈ, પ્રૌઢશીક્ષણ વગેરેની વ્યવસ્થીત પ્રવૃત્તી કરી અને આ વીદ્યાર્થી મંડળની પ્રવૃત્તીનો હેવાલ દર વર્ષે પ્રગટ થતો. આ બધાં કાંઠાનાં અન્ય ગામોના વીદ્યાર્થીઓને પ્રભુભાઈ પ્રત્યે સારું એવું માન હતું. અને આ બધાં કાર્યથી રાષ્ટ્રીય કોંગ્રેસમાં એ એક આગળ પડતા કાર્યકર્તા હતા. એઓ યુવાન વયે ગુજરાત પ્રાંતીય સમીતીના સભ્ય હતા. ગુજરાતના તમામ રાષ્ટ્રીય કાર્યકર્તાઓ એમને ઓળખતા અને સુમેળ રાખતા.

૧૯૨૮ની બારડોલી સત્યાગ્રહની લડત વેળા સુરત પાટીદાર આશ્રમમાંથી સત્યાગ્રહ પત્રીકા માટે એક ખાસ સમીતી નીમેલી, જેમાં પી.એસ. મુખ્ય તંત્રી, અને પ્રભુભાઈ વીગેરે અન્ય સભ્યોનો ગૃપ ફોટો પણ છે. આ બારડોલી સત્યાગ્રહ પત્રીકા પર સરકારે પ્રતીબંધ મુકેલો અને એ પ્રસીદ્ધ કરનારાઓ પર વોરંટ કાઢેલાં. તેમાં પી.એસ. પટેલ મુખ્ય, પણ પી.એસ. વોરંટથી પકડાયેલા નહીં, જેથી એની ગીરફતારીની માહીતી આપે તેને રોકડ ઈનામની જાહેરાત સરકારે મુંબઈ ગેઝેટમાં કરેલી. છતાં પણ પી.એસ. પકડાયેલા નહીં. પત્રીકાની નકલ મોજુદ છે. ગાંધીજીની દાંડીકુચની નીમક યાત્રામાં સુરતના આંગણેથી પી.એસ. અને પી.સી. જોડાયેલા. નીમક માટે દાંડીની પસંદગી અંગે પાટીદાર આશ્રમની સભામાં દાંડીનું સુચન કલ્યાણજીભાઈને ભાઈ પી.એસ.એ કહેલું કે દાંડી શું ખોટું છે? જેના પર કલ્યાણજીકાકાએ જલાલપોર તાલુકાની પ્રવૃત્તી પર વીશાળતા પુર્વક વીચાર કરી સરદાર વગેરેની મંજુરીથી દાંડી પસંદ થયેલું અને ગાંધીજીએ દાંડીને હરદ્વાર કહેલું. પી.સી. પટેલને અને પી.એસ. પટેલને રાષ્ટ્રીય પ્રવૃત્તીમાં જુદા પાડી શકાય નહીં. કાંઠા વીભાગના અનાજસંકટ સમયે કાંઠાના આગેવાનોની એક સભા રાત્રે આટ ગામની પશ્ચીમે આવેલી ટેકરી પર રાખેલી. ચર્ચા વીચારણાને અંતે લોન ઉઘરાવેલી. તે રકમ રુપીયા ૬૦ હજાર જેટલી થયેલી. નવસારીના એક વાણીયા વેપારીએ ૱ ૯૦ હજારનો માલ આપેલો. આ સભાના સંચાલનમાં પ્રભુભાઈ, પી.એસ.એ ખાસ ભાગ ભજવેલો. પાછળથી ભાઈ પરસોત્તમ અને જી.સી. વગેરેએ પણ ઘણો ભાગ ભજવેલો. આ સમીતીનું નામ કાંઠા વીભાગ રાહત સમીતીરાખેલું. એના મંત્રીઓ પૈકી ભાઈ પરસોત્તમ એક મંત્રી હતા. આ સમીતીની મુખ્ય ત્રણ દુકાનો હતી-બોરી ફળીયા, આટ અને મટવાડ. શરુઆતનાં વર્ષોમાં આ દુકાનો ઘણી સારી ચાલેલી. પાછળથી અમુક દુકાનોમાં હીસાબી ગોટાળા થયેલા જેના સંશોધન અને નીકાલમાં પ્રભુભાઈ વગેરેએ અગત્યનો ભાગ ભજવેલો. રેશનીંગના જમાનામાં સરકારે અનાજ, કાપડ, ખાંડ, કેરોસીન વગેરેનો વહીવટ રાહત સમીતીને સોંપેલો. જેના હીસાબનું ઓડીટીંગ સરકારી અધીકારી કરતા. આ બધાં કાર્યક્ષેત્રોમાં પ્રભુભાઈનો અવાજ જોરદાર રહેતો.

છેવટે આ બધાં સમાજસેવાનાં ક્ષેત્રોમાં રાજરમતની ગંદી રમત મીશ્ર થઈ. અને સત્તાની લગામ માટે ભેદી પ્રવૃત્તી અમુક વર્ગે શરુ કરી. (વધુ આવતા અંકમાં)

પરભુભાઈ છીબાભાઈ પટેલ

નવેમ્બર 11, 2008

પરભુભાઈ છીબાભાઈ પટેલ (પી.સી. પટેલ)

આપણા સમાજના અને આપણા વીભાગના એક રાષ્ટ્રીય કાર્યકરે આપણી વચ્ચેથી ૯૧ વર્ષની વયે વીદાય લીધી છે. આ દુ:ખદ પ્રસંગે એમના જીવનના અનેક સારા નબળા પ્રસંગો આપણા સમાજ અને આપણા દેશની પ્રવૃત્તી સાથે સંકળાયેલા છે, તે યાદ કરી નોંધવાની જરુર છે. પ્રભુભાઈનું રાષ્ટ્રીયત્ત્વ ગુરુજી નાગરજીભાઈ લલ્લુભાઈ નાયકને આભારી છે. ૧૯૨૧ પછીથી રાષ્ટ્રીય શાળાઓના પ્રારંભથી જ એક વડલાના છાંયડે, લોકોના ઓટલા પર અને છેવટે બંધાયેલી રાષ્ટ્રીય શાળામાં ગુરુ નાગરજીએ ભણાવેલા. અંગ્રેજી બીજી પુરી કર્યા બાદ હાંસાપોર- મંદીર ગામે ચોથી અંગ્રેજી સુધી અભ્યાસ કરેલો. ત્યાંથી પરવારી સુરત સાર્વજનીક હાઈસ્કુલમાં ગયેલા. વધુ અભ્યાસ માટે સુણાવ પણ ગયેલા. મુંબઈમાં રાષ્ટ્રીય પ્રવૃત્તીમાં જોડાયેલા અને અસહકારની પ્રવૃત્તીમાં ફક્ત ૧૬ વર્ષની ઉંમરે ગીરફતાર થયેલા. ત્યારે મુંબઈથી પ્રસીદ્ધ થતા ગુજરાતી દૈનીક જન્મભુમીછાપામાં પ્રભુભાઈનો ફોટો પ્રસીદ્ધ થયેલો. મટવાડ રાષ્ટ્રીય શાળાના વીદ્યાર્થીઓને નાગરજીભાઈ ગુરુજીએ એ ફોટો બતાવેલો, તે મારી નજરે મેં જોયેલો. પછીથી ૧૯૩૩માં ઓક્લેન્ડમાં પી.સી.ના મીત્ર પ્રભુભાઈ રણછોડના ઘરે એમના ઓરડાની દીવાલ પર જોયેલો જે મને આજે પણ સ્પષ્ટપણે યાદ છે. (વધુ આવતા અંકમાં)

સી.કે.પટેલ(ગતાંકથી ચાલુ)

નવેમ્બર 10, 2008

સી.કે.પટેલ(ગતાંકથી ચાલુ) છીબુભાઈનો જન્મ સને ૧૮૯૮માં બોરીફળીયા મુકામે થયો હતો. બાળપણ, શીક્ષણ, ઉછેર બોરીફળીયામાં જ થયું. પણ તે વખતની હવા જ એવી કે થોડું ભણેલા પણ સ્વતંત્ર મીજાજના યુવાનને ગાંધીનો રંગ લાગ્યા વીના ન રહ્યો. દેશની આઝાદીનો થનગનાટ સી.કે.એ પણ અનુભવ્યો. પરંતુ કૌટુંબીક સ્થીતી એવી કે કામધંધો કર્યા વીના જીવાય જ નહીં. એટલે તદ્દન યુવાન વયે રંગુન ગયા અને ત્યાં કામધંધે જોડાયા.

એટલામાં સને ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ શરુ થયો. રાષ્ટ્રીય ભાવનાવાળા યુવાનો ખુબ આકર્ષાયા. રંગુનમાં બેઠા બેઠા પણ સી.કે. દેશની હાલત જાણતા રહ્યા. એટલામાં સરદારે દેશના યુવાનોને લડતમાં જોડાવાની હાકલ કરી. સ્વયંસેવકોની માગણી કરી. સી.કે.નું મન ઝાલ્યું ન રહ્યું. રંગુનનો ધીકતો ધંધો છોડી દેશ આવી ગયા, અને બારડોલીની લડતમાં સામેલ થઈ ગયા.

ત્યાર પછી ૧૯૩૦માં દાંડીકુચ યોજાઈ. કાંઠાવીભાગના યુવાન અગ્રણીઓમાં સી.કે.ની ગણના થઈ. ઓંજલ – બોરફળીયાના ચારેક સ્વયંસેવકો સાથે તેઓ પણ દાંડી પહોંચી ગયા, અને મીઠાના કાનુનભંગમાં સામેલ થઈ ગયા. ગરીબાઈ તો તે વખતે પણ ઘણી હતી. પણ વ્યક્તીગત લાભાલાભ કે સુખદુઃખ કરતાં દેશ માટે કંઈક કરી છુટવાની તમન્ના ખુબ પ્રબળ હતી.

હવે જાહેર જીવન એમના માટે સહજ બની ગયું. એક સમયે તેઓ જલાલપોર કોંગ્રેસ સમીતીના પ્રમુખ હતા. જીલ્લા લોકલ બૉર્ડના સભ્યપદે રહીને તેમણે અનેક જાહેર સેવાનાં કાર્યો કર્યાં છે.

દેશ આઝાદ થયા પછીનું શેષ જીવન વ્યવસાયની સાથોસાથ શક્ય તેટલું લોકસેવાર્થે વીતાવ્યું. ૯૦ વર્ષ પુરાં થયાં. જીવનની અવસ્થા કોઈને છોડતી નથી. માંદગી આવી પડી. નવસારી દાબુ હોસ્પીટલમાં દાખલ કર્યા. કાંઠા વીભાગનાં લોકોને થયું કે સી.કે.ની જીવન દરમીયાન કોઈ કદર કરી નથી. મોડે મોડે પણ કંઈક કરવું જોઈએ. એમ વીચારી હોસ્પીટલમાં જ એમનું સન્માન કરી રુપીયા ૯૧, ૦૦૦/- એકાણું હજારની થેલી એમને અર્પણ કરી. અને બન્યું એવું કે બીજે જ દીવસે તેઓ અવસાન પામ્યા!

એમના અવસાન બાદ એમના નામનું એક ટ્રસ્ટ બનાવ્યું છે. સ્વ. છીબુભાઈ કેશવજી પટેલ સ્મારક ટ્રસ્ટઃ બોરી ફળીયા”. આ ટ્રસ્ટ દ્વારા એમને અર્પણ થયેલી રકમ બેંકમાં ફીક્ષ ડીપોઝીટમાં મુકી છે. તેના વ્યાજની રકમમાંથી મફત મેડીકલ કેમ્પ, કાંઠા વીભાગની પ્રાથમીક તથા માધ્યમીક શાળામાં ભણતા ગરીબ વીદ્યાર્થીઓને દર વર્ષે નોટબુક તથા યુનીફૉર્મ આપવામાં આવે છે. એ રીતે સી.કે.ની સ્મૃતી જળવાઈ રહી છે.

સી.કે. સાચે જ નમ્ર, નીર્મોહી, નીષ્ઠાવાન સ્વાતંત્ર્ય સેનાની અને કાંઠા વીભાગના મોભી પુરુષ હતા.

સી.કે.પટેલ (છીબુભાઈ કેશવજી પટેલ)

નવેમ્બર 9, 2008

સી.કે.પટેલ (છીબુભાઈ કેશવજી પટેલ)

સી.કે. પટેલના હુલામણા નામે ઓળખાતા શ્રી.છીબુભાઈ કેશવજી પટેલ સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓમાં અનોખા સૈનીક હતા. એમના હાથે એક એવું સરસ કામ થઈ ગયું કે જેનાથી તેઓ ચીરસ્મરણીય બની રહ્યા.

દાંડીમાં ગાંધીજી છઠ્ઠી એપ્રીલ ૧૯૩૦ના રોજ મીઠાના કાયદાનો ભંગ કરે તે પહેલાં વહેલી સવારે દરીયા કીનારે સમુદ્રસ્નાન કરવા ગયા. તે દરમીયાન ગાંધીજીનો ઉતારો જે મકાન(સૈફવીલા)માં હતો તેની સામે જ ખારપાટવાળી જમીનમાં કુદરતી મીઠું પાકેલું હતું. તે ઉપાડી ગાંધીજી સત્યાગ્રહ કરવાના હતા. તે જગ્યાએ સરકારે તમામ મીઠું મજુરો દ્વારા પાવડા વડે કાદવ-પાણીમાં ભેળવી દઈ ગાંધીજી માટે મીઠું ઉપાડવા જેવું રાખ્યું જ નહીં!

સદ્નસીબે તે સમયે ત્યાં સી.કે. પણ હાજર હતા. એમણે ઢોરના એક પગલામાં થોડું મીઠું રહી ગયેલું તેના ઉપર પાંદડાં, ઝાંખરાં નાખી ઢાંકી દીધેલું. સી.કે.એ તે બતાવ્યું ત્યારે ત્યાં હાજર રહેલાં સૌને હાશ વળી. અને ગાંધીજીએ નીચા નમી જમણા હાથે ચપટી મીઠું ઉપાડીને કાયદાનો ભંગ કર્યો. नमक का कानून तोड़ दिया ॥ જો સી.કે.એ આટલી અગમચેતી અને હીંમત ન દાખવ્યાં હોત તો…?!

તો બીજે અનેક સ્થળે મીઠું પાકતું હતું ત્યાં જઈને સત્યાગ્રહ તો થયો હોત; પણ આજે જે સ્થળે દાંડીમાં ગાંધી સ્મારકનું નીર્માણ થયું છે, તે ત્યાં ન હોત. કદાચ બીજી જ જગ્યાએ હોત. દાંડીમાં હાલમાં ગાંધી સ્મારક જે સ્થળે છે, તે ત્યાં નીર્માણ થયાનો મોટા ભાગનો યશ સી.કે.ને ફાળે જાય છે. કમનસીબી એ છે કે, સી.કે.નું આ કાર્ય ઘણું મહત્ત્વનું હોવા છતાં ઈતીહાસને પાને એની કોઈ નોંધ લેવાઈ નથી. (વધુ આવતા અંકમાં)

મીઠુબેન પીટીટ

નવેમ્બર 6, 2008

મમતામયી મીઠુબેન

૪૨ની ક્રાંતી એટલે હીન્દુસ્તાનના અણુએ અણુમાં પ્રગટેલી સ્વાધીનતાની જ્યોત. સ્વરાજ્ય માટેની હીન્દુસ્તાનની તલપ, હીન્દુસ્તાનને બ્રીટીશ સામ્રાજ્યની બેડીમાંથી મુક્તી મળે એવી તલપ, એવી લગન જેટલી બ્રીટીશ હકુમતવાળા વીભાગમાં હતી એટલી જ પાડોશના ગાયકવાડી રાજ્યમાં પણ હતી. તે માટે જે કંઈ જોખમો ઉઠાવવાં પડે તે ઉઠાવવાની તૈયારી હતી.

દક્ષીણ ગુજરાતમાં આવેલ મરોલી સેવાશ્રમતે સમયે સ્વરાજ્યની ચળવળને ચાલના આપવા માટે તત્પર રહેતો હતો. લડતમાં ભાગ લેનારાઓને અનેક રીતે મદદ પણ કરતો.

૧૯૪૨ની ક્રાંતી દરમીયાન મરોલી આશ્રમનાં સંચાલીકા હતાં મીઠુબેન પીટીટ. પારસી બાનુ. પારસી ઘરાનાનું પારીજાત. માયજીના નામે આખા પંથકમાં મશહુર. એમનામાં પણ દેશ માટેની ભક્તી હતી. આ દેશ આઝાદ થાય એવી લગન હતી. તેથી તેઓ સ્વતંત્રતા માટે ચાલતી લડતને મદદરુપ બનતાં હતાં. એક કે બીજી રીતે તેમાં ભાગ લેતાં હતાં. તેમાં કામ કરનારાંઓને આશરો આપતાં હતાં. તેમનું ક્ષેમકુશળ ઈચ્છતાં હતાં. સ્વતંત્રતા સેનાનીઓ પણ તેમના સંપર્કમાં રહેતા.

એક વાર એમણે તવડીના વલ્લભભાઈ ડાહ્યાભાઈને તાત્કાલીક સંદેશો મોકલી બોલાવ્યા. સંદેશો મળતાં આવ્યા. ચોમાસાના દીવસો. કાચા રસ્તા. સડક તો હતી નહીં. કાદવકીચડનો પાર નહીં.

વલ્લભભાઈ જેવા નીષ્ઠાવાન યુવાનને સામે જોતાં જ મીઠુબેને કહ્યું કે અત્યારે જ દેલવાડા જાવ. દેલવાડા જઈને કરાડીવાળા મણીભાઈ શનાભાઈને સંદેશો આપો કે તમારી સાથે વૉરંટવાળા જે ભાઈઓ છે તેઓ તાત્કાલીક ત્યાંથી સલામત જગ્યાએ ચાલ્યા જાય. એમને મળેલી બાતમીને આધારે પોલીસો દેલવાડા ગામમાં દરોડો પાડવાના છે. સુચના મળતાં જ વલ્લભભાઈ દેલવાડા આવ્યા. વાત કરી. વૉરંટવાળા ભાઈઓને પોતાની માસીને ત્યાં કરાંખટ લઈ ગયા. રહેવાની સગવડ કરી. આવીને મીઠુબેનને વાત કરી. મીઠુબેને તો પોતાની પારસી ઢબે કહ્યુંઃ મુઆ, કરાંખટ તો સડકની બાજુમાં આવેલું ગામ છે. તારો પોલીસદાદો દરોડો પાડવા તાં તરત પોંચી જાહે. માટે જા પાછો જા. એવણને કોઈ બીજા સલામત ગામમાં પહોંચાડ.અને માયજીનો બોલ. કોઈથી ઉથાપાય નહીં. દેવવાણી.

તાબડતોબ પાછા કરાંખટ આવ્યા. વૉરંટવાળા ભાઈઓને વાત કરી.

હવે? ક્યાં જવું?

વૉરંટવાળા ભાઈઓ પણ કંઈ કાચી માટીના નહોતા. એમણે વલ્લભભાઈને કહ્યું કે તમે મુંઝાવ નહીં. અમે અમારું ફોડી લઈશું.

વલ્લભભાઈ પાછા વકટલેણ કરતા કરતા મરોલી આવ્યા. મીઠુબેનને સમાચાર આપ્યા. મીઠુબેનને સંતોષ ન થયો. નારાજ પણ થયાં. પણ એ લોકો કરાંખટ છોડી ગયા એથી સંતોષ માન્યો.

આ બાજુ વલ્લભભાઈ પાછા ૬૪ કીલોમીટરનો ચક્રાવો મારીને તવડી પાછા આવ્યા. ત્યારે તમરાંના સંગીતની સુરાવલીઓ હવામાં ગુંજતી હતી.

અમે ચારેય રાષ્ટ્રવાદીઓ કરાંખટ ગામમાંથી તરત જ નીકળી ગયા. સાંજ થવા આવી હતી. ક્યાં જવું? ચાલતા ચાલતા નીમળાઈ ગામે આવી પહોંચ્યા. મેં એક ઘરની બારી ખખડાવી. યજમાન અને મહેમાન બંને ચકીત થઈ ગયા! અરે, દયાળ તમે? અત્યારે ક્યાંથી? આવો, આવો….વરસો પછી આ રીતે મામા ભાણેજનું મીલન થયું.

વરસો પહેલાં પીતાની દુકાનમાં સેવા આપી ગયેલા નારણભાઈ વાલાભાઈને આ રીતે મળવાનું થયું.

નીયતી પણ કેવા કેવા ખેલ ખેલે છે!

ન્યુઝીલેન્ડવાસી નારણભાઈ વાલાભાઈ અને કેશવભાઈ મકનભાઈ ભગતે વૉરંટવાળા ચારેચાર ભાઈઓને સાચવી લીધા.

નાનુભાઈ

નવેમ્બર 5, 2008

સેવાવ્રતી નાનુભાઈ

કરાડીનું એક આગવું વ્યક્તીત્વ તે નાનુભાઈ સોમાભાઈ. આપણા વીભાગમાં ખાસ બહુ જાણીતા નહીં. જ્યાં જાણીતા હતા ત્યાં પણ ખાસ જાણીતા નહીં. મુકસેવક. ગાંધીજીની ગ્રામસેવાની પ્રવૃત્તીમાં એકનીષ્ઠ થઈને વેડછી આશ્રમમાં જુગતરામભાઈ દવે અને ચીમનભાઈ ભટ્ટના અંતરંગ સાથીદાર તરીકે જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કર્યું.

પાછામાં પાછા, નીચામાં નીચા,

દુબળાં બાપડાં જ્યાં, બીરાજે ચરણ આપનાં ત્યાં.

તેવા આદીવાસીઓની વચ્ચે પલાંઠી વાળીને બેઠા. વેડછી આશ્રમમાં શીક્ષક તરીકે જીવ્યા. કાંતણ, વણાટની તાલીમ આપી. વેડછી આશ્રમના છાત્રાલયોના એ મુખ્ય ગૃહપતી. આદર્શ ગૃહપતી કેવો હોવો જોઈએ તેનું ઉત્તમ દૃષ્ટાંત તેઓ પુરું પાડતા. ખેપાનીમાં ખેપાની વીદ્યાર્થી પણ નાનુભાઈ આગળ રાંક. વીદ્યાર્થીઓને વશ કરવાનું એમનું મોટામાં મોટું શસ્ત્ર તે વીદ્યાર્થી માટેનો એમનો પ્રેમ. નીર્વ્યાજ પ્રેમ. એ પ્રેમ થકી જ તેઓ એક સફળ ગૃહપતી તરીકે પંકાયેલા. નાનુભાઈ એટલે આશ્રમની મુછાળી માએમ કહેવાતું. અને તે સાચું કહેવાતું. અતીશયોક્તી અલંકાર ન હતો એ. વીદ્યાર્થીઓ તે એમનો પ્રીય વીષય. વીદ્યાર્થીઓનું ચારીત્ર્યઘડતર થાય, વીદ્યાર્થીઓ દેશના સાચા ઉત્તમ નાગરીકો બને તે એમનું લક્ષ્ય. તે માટે થાય તેટલું કરી છુટે. એમની મનગમતી પ્રવૃત્તી તે વેડછી આશ્રમની ગાયો. વેડછી આશ્રમની ગૌશાળા. એકેએક ગાયને નામ દઈને બોલાવે. ગાયો પણ એમને બરાબર ઓળખે. એયે ગાયોને વીદ્યાર્થીઓની જેમ સાચવે. આશ્રમની ગૌશાળા એટલે નમુનેદાર ગૌશાળા. વેડછી આશ્રમની મુલાકાતે તમે જાવ ત્યારે નાનુભાઈ કાં તો છાત્રાલયમાં હોય કાં તો ગૌશાળામાં. હોંશે હોંશે તમને ગૌશાળાની ગાયના દુધમાંથી બનાવેલો પેંડો પણ પ્રસાદરુપે આપે. આ જ એમની મુડી. મુડીમાં બીજું કંઈ ક્યાં હતું? બે ધોતીયાં ને બે સદરા. કફની પહેરી હોય ત્યારે માની લેવાનું કે નાનુભાઈ આજે બહાર જવાના છે. સત્યાગ્રહની અનેક લડતોમાં એમણે ભાગ લીધો હતો. ૧૯૩૦, ૧૯૩૨, ૧૯૪૨ની લડત વખતે માર પણ ખાધો હતો અને જેલ પણ ભોગવી હતી. વાલોડથી પકડાયા હતા. નાનુભાઈએ પોતાનું જીવન વેડછી આશ્રમને સમર્પીત કર્યું હતું. જુગતરામભાઈની અને ચીમનભાઈની માંદગી વખતે એમણે કરેલી સેવા કોઈ આશ્રમવાસી ભુલી શકે નહીં. તેઓ આજીવન બ્રહ્મચારી હતા. શ્વેત ખાદીનાં વસ્ત્રોમાં શોભતા ગાંધી જમાતના અકીંચન સાધુ. તપસ્વી મુક સેવક. નારાયણભાઈ દેસાઈએ ભુમીપુત્રમાં એમને વીષે એક સુંદર લેખ લખ્યો હતો, જેનું શીર્ષક હતું સેવાવ્રતી સત્યાગ્રહી નાનુભાઈ”. નારાયણ દેસાઈ દ્વારા આવું સન્માન મેળવવું તે બધાના નસીબમાં નથી હોતું.