Archive for the ‘ચીંતન’ Category

390. પછીથી

સપ્ટેમ્બર 13, 2019

390. પછીથી
(પીયુષભાઈના અંગ્રેજી ઈમેલમાંથી)
ચાલો આપણે “પછીથી”ને અલવીદા કહેવાનો પ્રયાસ કરીએ…
હું એ પછીથી કરીશ
હું એ પછીથી કહીશ
હું એના પર પછીથી વીચારીશ

આપણે બધું જ ‘અત્યારે નહીં’ પણ ‘પછીથી’પર મુલતવી રાખીએ છીએ, જાણે “પછીથી” આપણા હાથમાં હોય!

પણ આપણે જે નથી સમજી શકતા તે:
પછીથી, કોફી ઠંડી થઈ જાય છે…
પછીથી, પ્રાથમીકતા બદલાઈ જાય છે…
પછીથી, આકર્ષકતા વીલાઈ જાય છે…
પછીથી, સ્વાસ્થ્ય જતું રહે છે…
પછીથી, બાળકો મોટાં થાય છે..
પછીથી, માબાપ વૃદ્ધ થાય છે…
પછીથી, વચનો ભુલાઈ જાય છે…
પછીથી, દીવસ રાત્રી બને છે… અને
પછીથી, જીવન સમાપ્ત.
અને આ બધાં ‘પછીથી’ આપણને ઘણુંખરું ખબર પડે છે કે બહુ મોડું થઈ ગયું.
આથી ‘મોડેથી’ પર કશું છોડો નહીં.
કેમકે હંમેશાં મોડે સુધી રાહ જોવામાં આપણે
ઉત્તમ ક્ષણો ગુમાવી શકીએ.
ઉત્તમ અનુભવો ગુમાવી શકીએ.
ઉત્તમ મીત્રો ગુમાવી શકીએ.
ઉત્તમ પરીવાર ગુમાવી શકીએ.

આથી, દીવસ તો આજનો જ, ક્ષણ તો અત્યારની જ…

આરોગ્ય ટુચકા 284 ઈન્દ્રીઓ

નવેમ્બર 9, 2018

આરોગ્ય ટુચકા 284   ઈન્દ્રીઓ: (ક્યાંકથી મળેલું) જે લોકો દૃષ્ટીનું વરદાન પામ્યાં છે એમને માટે એક સુચન : આવતી કાલે અંધાપો આવવાનો છે એમ માનીને તમારાં નેત્રોનો ઉપયોગ કરજો. અને, અન્ય ઇન્દ્રીયોની બાબતમાં પણ એવું જ કરજો : ગીતો સાંભળજો, પંખીગાન સુણજો, અનેક વાદ્યોના લહેરાતા સમુહ-સ્વરોને કાનમાં ભરી લેજો – એમ માનીને કે આવતીકાલે જ તમે શ્રવણેન્દ્રીય ગુમાવવાના છો. દરેક પદાર્થને એમ સમજીને સ્પર્શી લેજો કે તમે સ્પર્શનું સંવેદન ખોઈ બેસવાના છો. હરએક પુષ્પના પરીમલનું પાન એ રીતે કરી લેજો કે જાણે ગંધ તમારા નાસીકાદ્વારે ફરી આવી શકવાની નથી. પ્રીય સ્વાદ માણી લેજો – કદાચ સ્વાદેન્દ્રીય દગો દેવાની હોય. સર્વ ઇન્દ્રીયોને મહત્તમ માણજો, આનંદનો પ્રત્યેક આહ્‌લાદ ગ્રહી લેજો. પ્રકૃતીએ નીર્મેલાં સૌંદર્ય અને આનંદનાં સકલ નીમીત્તો સેવી લેજો, પણ સર્વ ઇન્દ્રીયોમાં ચક્ષુ એ સહુથી વધુ આનંદદાયક છે એવું માનજો.

મીલકત અને સંપત્તી, કોની?

જુલાઇ 21, 2018

મીલકત અને સંપત્તી, કોની?

(બ્લોગ પર તા. 21-7-2018)

મને મળેલ એક અંગ્રેજી ઈમેલ પરથી.

આપણે જે કમાણી કરીએ છીએ તે બીલ્ડરો, મકાનનું રંગરોગાન કરનારા, અને સંભાળ રાખનારાઓ માટે છે? આપણી મોટી બીલ્ડીંગ અને ભપકાદાર લગ્ન સમારંભો દ્વારા આપણે કોને આંજી નાખવા માગીએ છીએ? કોઈના લગ્ન વખતે શું ખાધેલું તે તમને બે દીવસ બાદ પણ યાદ રહે છે ખરું?

આપણા જીવનનાં કીમતી વર્ષો દરમીયાન આપણે શા માટે ગધ્ધાવૈતરું કરીએ છીએ? આપણે હવે પછીની આપણી કેટલી પેઢીને પોષવા ઈચ્છીએ છીએ?  આપણને મોટે ભાગે બે સંતાનો અને ઘણાને માત્ર એક સંતાન હોય છે. એ માટે કેટલું કમાવાની જરુર અને આપણે કેટલાની ઈચ્છા રાખીએ છીએ એ વીશે વીચાર કરો. આપણાં બાળક કમાવાને માટે અશક્ત હશે, કે એમને માટે આપણે આટલી બધી બચત કરીએ? શું આપણે સપ્તાહમાં દોઢ દીવસ મીત્રો, પરીવાર અને પોતાને માટે કાઢી ન શકીએ? તમારી માસીક કમાણીમાંથી શું તમે ૫% પણ તમારા પોતાના આનંદપ્રમોદ માટે વાપરો છો ખરા? એનો જવાબ ઘણુંખરું ‘ના’માં આવશે.

તમારી કરોડનો મણકો ખસી જાય કે કોલેસ્ટ્રોલ હૃદયમાં જમા થઈ જાય તે પહેલાં પોતાના આનંદ માટે સમય કાઢો. મીલકત આપણી નથી, માત્ર કામચલાઉ આપણું નામ દસ્તાવેજમાં હોય છે. જ્યારે કોઈ કહે, “હું આ જમીનનો માલીક છું”, ત્યારે કુદરત મર્મમાં હસે છે.

કોઈની મોટી કાર જોઈને એ માણસ વીશે અભીપ્રાય આપશો નહીં. સાઈકલ વાપરનારો પણ મહાન હોઈ શકે. ધનવાન હોવું ખરાબ નથી, પણ માત્ર ધનવાન હોવું બરાબર ન કહેવાય, પુરતું ન ગણાય. આપણે જીવનને માણી લઈએ – જીવન આપણને માણી લે તે પહેલાં. એક દીવસ આપણે બધા છુટા પડી જઈશું. આપણી જરુરી બીનજરુરી બધી વાતચીત અને આપણાં સ્વપ્નો માટે આપણે ઝુરીશું. દીવસો, મહીનાઓ, વર્ષો પસાર થઈ જશે અને આપણો સંપર્ક અલભ્ય થશે. એક દીવસ આપણાં બાળકો ફોટા જોશે અને પુછશે, “કોણ છે આ લોકો?”

અને આપણે અદૃશ્ય અશ્રુઓ સહીત સ્મીત કરીશું, કેમકે હૃદયમાં બળતરા સહીત કઠોર શબ્દોના ઘા થશે. તમે કહેશો, “ એ લોકો છે જેમના માટે મેં મારા જીવનના ઉત્તમ દીવસો ખર્ચ્યા હતા.

મૃત્યુ સમયે દીલગીરી

જૂન 8, 2018

મૃત્યુ સમયે દીલગીરી

(બ્લોગ પર તા. 8-6-2018 )

એક ઑસ્ટ્રેલીઅન નર્સે સેંકડો દર્દીઓની તેમના અંતીમ દીવસોમાં સંભાળ લીધી હતી. એ કહે છે કે જ્યારે દર્દી છેલ્લા શ્વાસ લેતો હોય છે ત્યારે એને સૌથી વધુ પસ્તાવો થતો હોય તે વીષે એ જણાવે છે. એમાં લોકોએ વધારેમાં વધારે જે પાંચ હકીકત કહી છે તે નીચે મુજબ છે.

  1. જે રીતનું જીવન જીવવાની મારી ઈચ્છા હતી તે મુજબ જીવવાની હીંમત મારાથી રાખી શકાઈ નહીં, પણ બીજાં લોકો જે ઈચ્છતાં હતાં તે મુજબ જીવન જીવાઈ ગયું. મારું જીવન મારી રીતે જીવી ન શકાયું એનો મને પસ્તાવો થાય છે.
  2. મને પસ્તાવો થાય છે કે મારા જીવનમાં મારે આટલી સખત મહેનત કરવી જોઈતી ન હતી.
  3. મને એ બાબત પસ્તાવો થાય છે કે મારી લાગણી મારાથી વ્યક્ત કરી ન શકાઈ. મારામાં એ જણાવવાની હીંમત હોત એમ હું ઈચ્છું છું.
  4. મને પસ્તાવો થાય છે કે મારાથી મારા મીત્રોના સંપર્કમાં રહી ન શકાયું.
  5. મને પસ્તાવો થાય છે કે મેં મારી જાતને આનંદ માણવા ન દીધો. મારાથી સતત આનંદમાં રહી ન શકાયું.

જીવન દરમીયાન આપણે ધન-વૈભવ પાછળ દોડીએ છીએ, અને સ્વાસ્થ્ય, પરીવાર કે નીતી-ધર્મની પરવા કરતાં નથી. કદાચ આમાં બદલાવ લાવવાનો સમય પાકી ગયો છે. આપણે સમયસર ચેતી જવું જોઈએ અને જીવનમાં યોગ્ય બાબતોને જ મહત્ત્વ આપવું જોઈએ.

આરતી અને રાકેશ

જૂન 4, 2018

આરતી અને રાકેશ

(બ્લોગ પર તા. 4-6-2018 )

(નોંધ: કેટલાંક વર્ષ પહેલાં એક લગ્ન વખતે મેં કહેલા આ શબ્દો અહીં રજુ કરું છું. વર-વધુનાં આ બંને નામ સાચાં છે. એ નામોના અર્થનો વીચાર કરતાં મને બહુ સુખદ આશ્ચર્ય થયેલું, આથી જ આ સરસ યુગલ વીશે અહીં મુકવાની ઈચ્છા થઈ.)

આરતી અને રાકેશ આજે લગ્નગ્રંથી વડે જોડાયાં. ગ્રંથી એટલે ગાંઠ. આ બંને નામોનો કેવો સરસ મેળ છે એ વીશે અને આ ગાંઠ બાબત પણ જરા વીચારવા જેવું છે, તેના વીશે થોડી વાત જોઈએ. લગ્નની ગાંઠ એ બીજી ગાંઠ જેવી સ્થુળ નથી, સુક્ષ્મ છે. સ્થુળ ગાંઠ તો કઠે, ખુંચે, દેખાયા કરે, પણ આ ગાંઠ એવી નથી. જેમણે સુતર કાંત્યું હશે (આપણા દેશ ભારતમાં ઘણા સમય સુધી મેં જાતે કાંતેલા સુતરની ખાદીનાં કપડાં પહેર્યાં હતાં.) તેમને ખ્યાલ હશે કે કાંતતી વખતે તાર તુટી જાય તેને સાંધીએ ત્યારે ગાંઠ દેખાતી હોતી નથી, જોડવા છતાં. આ ગાંઠ તેવી છે. આ જોડાણ તેવું છે.

બીજી એક વાત કહું? આપણા ભારતીય સમાજમાં બે પ્રકારે સંબંધો બને છે, જન્મથી અને સગાઈથી. માબાપ અને સંતાન, ભાઈ અને બહેન, કાકા અને ભત્રીજા વગેરે ઘણા બધા સંબંધો જન્મથી બને છે. અને અરસપરસ પ્રેમ, લાગણી જન્મે છે. પણ લગ્નનો સંબંધ સગાઈથી બને છે. પહેલાં તો એની વીધી કરવામાં આવતી, આજે પણ કેટલાક લોકો પરંપરાને અનુસરી એ સગાઈની વીધી કરે છે, પણ આજે ખરેખર આ સંબંધ સગાઈથી નહીં પ્રેમ વડે બને છે. બે વ્યક્તી પહેલાં તો એકબીજાથી અજાણ હોય છે, પછી પરીચયમાં આવે છે અને એકબીજા પ્રત્યે પ્રેમ જન્મે છે. પછી સગાઈ થાય છે. પહેલાં સગાઈ થતી અને પછી પ્રેમ. કેમ કે પહેલાં લગ્નો ગોઠવવામાં આવતાં અને પછી સગાઈ કરવામાં આવતી.

હવે જોઈએ આરતીની વાત. આરતી શબ્દનો એક અર્થ છે ઈચ્છા, હોંસ. પણ આરતીનો બીજો પણ બહુ અગત્યનો અર્થ છે અને તે છે શાંતી, વીરામ. હવે આપણે જાણીએ છીએ કે ઈચ્છા, હોંસ પુરી થયા પછી શાંતી થાય, વીરામ આવે. આમ આ બે અર્થ એક જ શબ્દમાં છે. કેવું સરસ ચમત્કારી નામ છે!! પણ થોભો, હજુ વધુ આશ્ચર્ય છે આ નામના અર્થમાં. આરતી શબ્દનો ત્રીજો અર્થ છે વૈરાગ્ય, ત્યાગવૃત્તી, નીવૃત્તી. છે ને અદ્ભુત મેળ!!! શાંતી મળ્યા પછી, વીરામ કર્યા પછી ત્યાગવૃત્તી, વૈરાગ્ય જન્મે. અને પછી આપોઆપ નીવૃત્તી આવે.

અને રાકેશ એટલે? રાકેશ શબ્દનો અર્થ જાણો છો? હા, એ અર્થ પણ બહુ મઝાનો છે. રાકેશ શબ્દ બન્યો છે રાકા અને ઈશ વડે. રાકા એટલે પુર્ણીમા, ઈશ એટલે સ્વામી. પુર્ણીમાનો સ્વામી કોણ? ચંદ્રમા. આમ રાકેશ એટલે પુર્ણીમાનો ચંદ્રમા. પણ આ ચંદ્રને ભગવાન શંકરે ધારણ કર્યો છે. આથી રાકેશનો બીજો અર્થ શંકર ભગવાનનું નામ પણ છે. અને શંકર ભગવાન અને વૈરાગ્યના ગાઢ સંબંધ વીશે તો બધા જાણે જ છે. છે ને સુંદર મેળ આરતી અને રાકેશ!!

સમયનું વહેણ

મે 26, 2018

સમયનું વહેણ

(બ્લોગ પર તા. 26-5-2018 )

સમયનું વહેણ? ખરેખર સમય વહે છે? સંસ્કૃતમાં ભર્તૃહરિ શતકમાં એક શ્લોક છે:

भोगो न भोक्ता वयमेव भोक्ता तपो न तप्ता वयमेव तप्ता ।

तृष्णा न जीर्णा वयमेव जीर्णा कालो न यातो वयमेव याता ॥

એમાં એમ કહે છે કે સમય પસાર થતો નથી, સમય વહી જતો નથી, આપણે જ પસાર થઈ જઈએ છીએ, આપણે જ વહી જઈએ છીએ.

कालो न यातो  સમય જતો નથી એટલે એનો અર્થ તો સમય જ્યાં છે ત્યાં ને ત્યાં જ હોય છે.

તો સમય શું છે? મહાન વૈજ્ઞાનીક આઈન્સ્ટાઈને એને ચોથું પરીમાણ કહ્યું છે.

સમય એટલે પરીવર્તનનો આપણને થતો બોધ, આપણને જે ફેરફારો થઈ રહ્યા હોય તેનું થતું ભાન. આપણે જોઈએ છીએ કે સતત પરીવર્તન થયા જ કરે છે – બધાંમાં જ બધે જ. આપણા પોતાનામાં, શારીરીક રીતે માનસીક રીતે, આપણી આસપાસ, સજીવમાં, નીર્જીવમાં, નજીક, દુર, સર્વત્ર એકેએક બાબતમાં પરીવર્તન થતું રહે છે. વીજ્ઞાન કહે છે કે નીર્જીવ વસ્તુના પરમાણુમાં પણ ઈલેક્ટ્રોન એના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની ફરતે પ્રદક્ષીણા કરે છે. જો કે નરી આંખે તો આપણે એને જોઈ શકતા કે અનુભવી શકતા નથી. પણ આપણે આસપાસ નજર કરીએ તો બધું જ પરીવર્તીત થતું જોવા મળે છે, અનુભવવા મળે છે. સવારે સુર્ય ઉગે છે, માથે આવે છે, આથમી જાય છે. કશું જ સ્થીર નથી, બધું જ પરીવર્તનશીલ છે. આ પરીવર્તનનો બોધ થાય તેને આપણે સમય પસાર થાય છે એમ કહીએ છીએ.

મને એક ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારે સંપુર્ણ બેભાન કરવામાં આવ્યો હતો – ટોટલ એનેસ્થેશીયા આપવામાં આવ્યું હતું. તે વખતે મને જે અનુભવ થયો હતો તે પરથી મને લાગે છે કે ખરેખર સમય એટલે આપણને થતા પરીવર્તનનો બોધ. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં પુછ્યું હતું કે મને ઓપરેશન થીયેટરમાંથી અહીં કેટલા સમય પહેલાં લાવવામાં આવ્યો? પણ કોઈ કદાચ કહે કે તો પછી ઉંઘમાં પણ આપણને પરીવર્તનનો બોધ નથી હોતો છતાં સમયનો બોધ હોય છે. ના, ઉંઘમાં આપણે ભાન ગુમાવતા હોતા નથી. જુદા લેવલ પર પરીવર્તન અનુભવતા હોઈએ છીએ, જેમ કે સ્વપ્નો જોવાં. ગાઢ નીદ્રાનો પણ આપણે અનુભવ કરીએ છીએ. તેથી જ સવારે ઉઠ્યા પછી કહીએ છીએ કે રાત્રે ખુબ સરસ ગાઢ ઉંઘ આવી હતી.

 

અંતીમ સમય

મે 2, 2018

અંતીમ સમય

(બ્લોગ પર તા. 2-5-2018)

અંતીમ સમય, મૃત્યુની ઘડી વીષે એકવાર મરણાસન્ન લોકોની સંભાળ રાખનાર એક જણનો અનુભવ જાણવા મળ્યો હતો. એ બહેન હોસ્પીટલોમાં અને વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોની સંભાળ લેતાં હતાં. તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો, “તમે એવાં કેટલાં લોકોને જોયાં છે કે જે તેમના મૃત્યુ સમયે ખરેખર ખુબ જ પીડા ભોગવતાં હોય?”

તેમણે કહ્યું, “હજારો લોકો સાથે મને થયેલા અનુભવમાં બહુ જ ઓછાં લોકો મરતી વખતે પીડા કે દુખ ભોગવતાં મારા જોવામાં આવ્યાં છે.”

એનું કારણ એ છે કે મૃત્યુ સમયે આપણા જ્ઞાનતંત્રની સંવેદન અનુભવવાની શક્તી ક્ષીણ થઈ જાય છે કે કેટલાક સંજોગોમાં બીલકુલ બંધ થઈ જાય છે. આપણા વીચારો સ્થગીત થઈ જાય છે અને લાગણીઓ, ઉર્મીઓ છેલ્લી ઘડીમાં લુપ્ત થઈ જાય છે. આથી લોકો બહુ જ શાંતીપુર્વક દેહ છોડી શકે છે; અથવા કહો કે દેહમાંથી ચૈતન્ય, જીવ, આત્મા – જે કહો તે નીકળી જઈ શકે છે.

આપણને લગભગ બધાંને પાકી વયે શાંતીપુર્વકનું મૃત્યુ આવે એવી ઈચ્છા હોય છે. પણ કદાચ બધાંના નસીબમાં એવું ન પણ બને. કોઈ વીસીમાં, ત્રીસીમાં, ચાળીસીમાં કે બાળવયે પણ મરણનો ભોગ બની જાય છે. તે વખતે તેમને મરવાનું બીલકુલ પસંદ ન હોય એ સ્વાભાવીક છે. એ લોકોને ત્યારે પ્રશ્ન થાય, “મને જ કેમ આવું? આ કંઈ બરાબર નથી.” પણ આનો કોઈ જવાબ નથી.

 

દર્દથી પીડાતા, અસાધ્ય રોગોથી પીડાતા અને હોસ્પીટલમાં કટોકટી વીભાગમાં દાખલ કરવામાં આવેલા લોકોની સેવા કરતા લોકોએ જોયું છે કે મૃત્યુ સમયે કોઈક જ લોકો અસહ્ય પીડા ભોગવતાં હોય છે. અંતીમ સમયે મોટા ભાગનાં લોકો બહુ જ શાંતીથી વીદાય લે છે. એનું કારણ આપણા જ્ઞાનતંત્રની કુદરતી રીતે રચના જ એ પ્રકારે કરવામાં આવી છે કે મરણ સમયે સંવેદન અનુભવવાની ક્ષમતા લગભગ નષ્ટ થઈ જતી હોય છે. કુદરત આપોઆપ વીચારશુન્યતાની સ્થીતી પેદા કરે છે, તથા લાગણી અનુભવવાની પ્રક્રીયા પણ લગભગ શુન્ય બની જાય છે. આથી લોકો બહુ જ શાંતીપુર્વક મૃત્યુને વરે છે.

જો કે કોઈક કીસ્સામાં આથી ઉલટું પણ જોવામાં આવે છે. અંતીમ સમય બધાં માટે હંમેશાં  શાંતીપુર્વકનો જ હોય છે એવું નથી. તેમ છતાં મૃત્યુ આપણે ધારીએ તેવું કાયમ મુશ્કેલ કે દુખદાયક હોતું નથી. ઘણુંખરું એ સહજ હોય છે. સામાન્ય રીતે વૃદ્ધ લોકો વીદાય લેવા રાજી હોય છે. એમના માટે દેહ પહેલાં જે હતો તે હવે નથી રહ્યો. કોઈ કોઈ તો કદાચ છેલ્લે દેહ અનુભવી શકતાં નથી હોતાં, કે દેહથી થાકી ગયાં હોય છે. દેહથી પોતાંને અળગાં કરી દીધાં હોય છે,  આથી છોડી દેવા રાજી હોય છે. હાલમાં જ આવો એક અનુભવ મારા જાણવામાં આવ્યો જેમાં લગભગ 83 વર્ષના એક વૃદ્ધ પુરુષે કહ્યું હતું કે હવે મારે બીજી કોઈ પળોજણ જોઈતી નથી, મને વીદાય લેવા દો. જો કે આ બાબત બધાં જ વૃદ્ધોને લાગુ પડતી નથી, કેટલાંક વૃદ્ધ લોકો મૃત્યુ સમયે ખુબ ડરી પણ જતાં જોવામાં આવ્યાં છે.

ટેવ અને સંતોષ

જાન્યુઆરી 13, 2018

ટેવ અને સંતોષ
(બ્લોગ પર તા. ૧૩-૧-૨૦૧૮)
કેટલાક લોકો એવું માને છે કે જો તમે સંતોષી હો તો તમારે કશું જ કરવાનું હોતું નથી, બસ આખો દીવસ પડ્યા રહો. જો તમને બધી વાતનો સંતોષ હોય તો પછી કશું કરવાની જરુરત જ શું?
પણ ખરેખર સંતુષ્ટી એટલે આપણને જેનાથી અસુખ હોય તે સ્વીકારીને બહેતર રીતે ફેરફાર કરવો. જો આપણને લાગે કે આપણામાં કંઈક એવું નઠારું છે જેને સુધારવાની જરુર છે, તો આપણે એને સુધારવા પ્રયત્નશીલ થઈશું. છતાં આપણે એમાં સફળ થઈએ કે ન પણ થઈએ. ધારો કે આપણે કોઈ ટેવ સુધારવામાં નીષ્ફળ થઈએ તો આપણને આપણી જાત પ્રત્યે ખરાબ લાગશે. પછી પડતીની પરંપરા સર્જાશે. દર વખતે આપણે સુધરવાનો પ્રયાસ કરીએ અને નીષ્ફળતા મળે. અને જાત પ્રત્યે વધુ ને વધુ વસમું લાગતું જાય. પછી આપણે જાતે જ જાણે પોતાની જાતને દગો દેતા હોઈએ તેવું થવા લાગે છે, કેમ કે આપણને ખરેખર એવું ઠસી જાય છે કે પોતાની ટેવ આપણે સુધારી શકીએ તેમ છે જ નહીં. ભુતકાળના અનુભવો જોઈને આપણો પોતાની જાત પરથી વીશ્વાસ ઉઠી જાય છે. આથી વધુ ખરાબ લાગણી જન્મે છે.
આ તો જો આપણે સફળ ન થઈએ તો. પણ ધારો કે આપણે સફળ થયા, અને સફળતા મેળવવાનું આપણા માટે ખરેખર સરળ હોય, અને આપણને પોતાની જાત માટે સરસ લાગણી થાય છે. વળી એક બાબતમાં સફળતા મળ્યા પછી તરત બીજી લાગણી બીજી કોઈ બાબત સુધારવા અંગે જન્મે છે. ધારો કે આપણે પોતાનું વજન ઘટાડવામાં સફળ થયા. હવે થાય કે સ્નાયુ એવા મજબુત નથી. કે બીજી કોઈ બાબતમાં ખામી લાગશે. કંઈ ને કંઈ આપણે નબળું શોધી જ કાઢીશું. અને કદી અંત ન આવે એવી પરંપરા જીવન પર્યંત ચાલતી રહેશે. એને આપણે પહોંચી વળશું નહીં. જો આપણે મેળવવાની, સુધરવાની વાસના લઈને ચાલીશું અને અસફળ થઈશું કે સફળતા મેળવીશું, પણ આપણે હંમેશાં બાહ્ય બાબતોમાંથી સુખ મેળવવાની ઝંખના રાખીશું. એટલે કે આપણને પોતાની અંદર સુખ દેખાતું નથી.
કેટલાયે લોકોને એમ લાગે છે કે જો આપણે સંતોષી થઈ જઈએ તો આળસુની જેમ પડી નહીં રહીએ? કશું જ કરવાનું નહીં, કોઈ સુધારાની ફીકર નહીં. પરંતુ મને લાગે છે કે એમ માનનારા લોકો સંતોષીપણાને સાચી રીતે સમજ્યા નથી.
આપણે સંતોષી હોઈએ અને પડ્યા રહીએ એવું બને, પણ આપણે સંતોષી હોઈએ છતાં બીજાં લોકોને મદદ કરવાનું પણ ઈચ્છીએ એમ પણ બને. આપણે સંતોષી હોઈએ અને બીજા પ્રત્યે સહાનુભુતી પણ ધરાવતા હોઈએ. આપણે જેમની પણ સાથે હોઈએ મજામાં હોઈએ, અને સાથે જ બીજા લોકોને મદદ કરવા પણ ઈચ્છીએ, અને તેમના દુખમાં સહાયભુત થઈએ. અને એ રીતે આપણે જગતને સમર્પીત થઈ જઈએ, અને જગત માટે મહાન કાર્યો પણ કરી શકીએ. પણ ધારો કે આપણું એ કામ છીનવાઈ જાય તો પણ આંતરીક રીતે આપણો સંતોષ તો ત્યાં ને ત્યાં જ રહેશે.
સંતોષી થવાના વ્યવહારુ તબક્કા
૧. આત્મવીશ્વાસ: એ માટેનો એક માત્ર ઉપાય નાના નાના ડગલાં ભરવાનો છે. નાની બાબત અમલમાં મુકવાનું શરુ કરો, જેને વીશે આપણને ખાતરી હોય કે આપણે એ પાર પાડી શકીએ. અને જુઓ કે વીશ્વાસ પેદા થાય છે કે નહીં. ધીમે ધીમે એ આત્મવીશ્વાસ વધતો જશે. દાખલા તરીકે દરરોજ એક ગ્લાસ પાણી સવારે ઉઠ્યા પછી પીવું છે. એ સાવ સરળ છે. જો આપણે સતત એકબે વીક સુધી આ કરી શકીએ તો વીશ્વાસ જરુર વધતો જશે. ઘણા લોકો મુશ્કેલ બાબતથી શરુ કરે છે અને પછી હારી જાય છે.
૨. તમારા આદર્શો નીહાળો: સંતોષ મેળવવામાં આડખીલીનું બીજું કારણ એ છે કે આપણે પોતાની જાત વીશે બહુ સારો અભીપ્રાય ધરાવતા નથી હોતા, કેમ કે જે આદર્શો આપણે પોતાના માટે નક્કી કર્યા હોય છે તેને પામી શકતા નથી. તે આદર્શો આપણે કોઈ જાહેરાતો પરથી કે સીનેતારકોને જોઈને માની લીધા હોય. અથવા આપણે કેવા સંપુર્ણ થઈ શકીએ તે પ્રકારના વીચારોમાંથી પેદા થયા હોય.
સત્ય તો એ છે કે વાસ્તવમાં આપણે નબળા નથી, એ નબળાઈ માત્ર આપણે માની લીધેલા આદર્શોના અનુસંધાનમાં જોવા મળે છે. જ્યારે આપણે એ આદર્શોને પડતા મુકીએ ત્યારે આપણે વાસ્તવીક ભુમી પર પગ મુકીએ છીએ અને આપણે પણ મહાન બની શકીએ છીએ. દરેક મનુષ્ય અદ્વીતીય છે અને પોતાની રીતે સુંદર છે. એ માટે જાગૃતીની જરુર છે. જાગો અને જુઓ – આપણા માની લીધેલા આદર્શોને.
૩. આદર્શો છોડી દો: આદર્શોને ઓળખીને આપણી જાતને એની સાથે સરખાવવાનું છોડવું પડે. આદર્શોને પડતા મુકો. એ માટેનો એક માત્ર રસ્તો છે એ આદર્શોને લીધે થતું દુખ જોવાનો, અને એવી સમજણ પેદા કરવાનો કે એ દુખમાંથી આપણે મુક્ત થવા માગીએ છીએ. જે આદર્શોને કારણે દુખ અનુભવીએ છીએ તેને છોડી દેવાનો અર્થ આપણે પોતાની જાત પ્રત્યે અનુકંપા ધરાવીએ છીએ. દુખને જુઓ. આદર્શો સાથે સરખામણી કરીને દુખી થવાનું બંધ કરો.

ટેવ વીશે વધુ

જાન્યુઆરી 8, 2018

ટેવ વીશે વધુ
(બ્લોગ પર તા. ૮-૧-૨૦૧૮ )
આપણી દરેક ટેવ, સારી કે નરસી, આપણે આજ પર્યંત લીધેલા ઘણા બધા નાના નાના નીર્ણયોનું પરીણામ છે. આમ છતાં જ્યારે આપણે એ ટેવને બદલવા ઈચ્છતા હોઈએ ત્યારે કેટલી સહજતાથી આપણે એ ભુલી જઈએ છીએ!
કેટલીયે વાર આપણે આપણી જાતને કહેતા હોઈએ છીએ કે ટેવ તો ત્યારે જ બદલી શકાય જ્યારે એને લગતું કોઈ મોટું, પ્રત્યક્ષ પરીવર્તન થાય. એ વજન ઘટાડવા બાબત હોય, કે ધંધો વધારવો હોય, વીશ્વપ્રવાસ કરવો હોય કે એવું કોઈ લક્ષ્ય હોય.
વળી માત્ર ૧% જેટલો ફેર કરવો એ વાત તો ધ્યાનમાં પણ ન આવે. એનાથી ફેરફાર કરી શકાય એવું માનવાનું મન પણ ન થાય. આમ છતાં એનું મહત્ત્વ છે, ખાસ કરીને લાંબે ગાળે. આ વાત બીજી રીતે જોઈએ. જો આપણને ખરાબ ટેવની સમસ્યા હોય તો એ કંઈ રાતોરાત પડી નથી. એ ઘણા બધા આપણે લીધેલા નાના નાના નીર્ણયોનું પરીણામ છે. દર વખતે એકાદ ટકા જેટલા પ્રમાણમાં બગડતાં જતાં જતાં છેવટે એ સમસ્યારુપ બને છે.
શરુઆતમાં ૧% સુધારો હોય કે ૧% બગાડ હોય તો એની કોઈ સારી કે નબળી અસર માલમ પડતી નથી. નીચેનની લીન્કની કોપી કરીને તમારા બ્રાઉઝરમાં મુકી ચીત્ર જુઓ:
https://files.acrobat.com/a/preview/df9c1b19-d0ea-4507-afaf-4e31c7c846a4
બીજા શબ્દોમાં કહીએ તો આજે તો આપણા પર એની કોઈ અસર નહીં પડે. પરંતુ સમય જતાં આ નાનો સુધારો કે બગાડ બેવડાતો જાય છે, અને અંતે આપણને દેખાશે કે જે લોકો સાચો નીર્ણય લે છે તે અને જે લોકો રોજે રોજ ખોટો નીર્ણય લે છે તેમની વચ્ચે મોટો તફાવત પડી ગયો છે. આથી જ નાના નીર્ણય (જેમ કે મારે આજે બર્ગર અને તળેલું ખાવું છે.) હાલ પુરતી તો કોઈ અસર કરશે નહીં, પણ સમય જતાં એનું પરીણામ જોવા મળશે.
આથી જ મહત્ત્વની બાબતોનું સમયપત્રક નક્કી કરી દેવું જોઈએ. હાર મળે તો શું કરવું તેનો પ્લાન કરી એકની એક ભુલ ફરી ન કરવી એ નીયમનો અમલ કરવો. હા, એ ખરું કે આપણને એમ થાય છે કે ટેવ પડી હોય તો કોઈ કોઈ વાર ચ્યુત પણ થઈ જવાય, પણ સમસ્યા એટલા માટે પેદા થાય કે ગાડી ફરી પાટા પર ચડતી જ નથી. બીજી વખત તો ચુકાય જ નહીં એ રીતનું સમયપત્રક ગોઠવવાથી આપણે સહજ ભુલોને વારંવાર થતી અટકાવી શકીએ.
જીમ રૉન કહે છે, “સફળતા એટલે સહજ, સાદી શીસ્તનો રોજે રોજ અમલ કરવો તે, અને અસફળતા એટલે કેટલીક સહજ, સાદી ભુલોનું રોજે રોજ કરેલું પુનરાવર્તન.”
તમે જોઈ છે ફ્રાન્સની સાઈકલ ટુર? રોજના થોડા થોડા સમયની સરસાઈ છેવટે વીજય અપાવે છે.
મોટા ભાગના લોકો સફળતાને કે નીષ્ફળતાને (અને ઘણું ખરું જીવનને પણ) એક અવસર તરીકે ગણે છે. પણ સત્ય એ છે કે જીવનની મોટા ભાગની ખાસ મહત્ત્વ ધરાવતી બાબતો એકલી અટુલી સંભવતી નથી, પરંતુ એ બધી બાબતોનો સરવાળો હોય છે, જેને આપણે એક એક ટકા જેટલી પણ વધુ સારી રીતે કે ખરાબ રીતે અમલમાં મુકી હોય છે. આથી જ યોજના ખરેખર લક્ષ્ય કરતાં મહાન છે. આથી જ ટેવ પર કબજો હોવો (એના ગુલામ થવા કરતાં) અમુક પરીણામ મેળવવાના પ્રયત્ન કરતાં વધુ મહત્ત્વનું છે.
આપણા જીવનમાં ૧ ટકાની સુધારણા છે ખરી? વીચારવું જોઈએ.

ટેવમાંથી શી રીતે મુક્ત થવું

જાન્યુઆરી 1, 2018

ટેવમાંથી શી રીતે મુક્ત થવું
બ્લોગ પર તા. 1-1-2018

સૌજન્ય લીઓ બબૌતા (ઝેનહેબીટ્સ.નેટ)
પડેલી ટેવમાંથી મુક્ત થવા માટે
૧. શરુઆત થોડા જ નાના સરખા ફેરફારથી કરવી
૨. એક સમયે માત્ર એક જ ફેરફાર કરવો
૩. વર્તમાનમાં જીવો અને તમારી પ્રવૃત્તીમાં આનંદમગ્ન રહો
૪. દરેક તબક્કે તમને મળેલી સફળતા બદલ તમારી જાતનો આભાર માનો
તમે કેટલીયે વાર કંઈક સરસ વાંચીને ઉમદા વીચારોથી પ્રેરાઈ તમારી ટેવમાંથી મુક્ત થવાનું વીચાર્યું હશે, પણ કશો અમલ કરી શક્યા? નક્કી કરવા છતાં પોતાની ટેવ બદલી ન શકાવાથી ભારે નીરાશા સાંપડે છે.
પણ એ માટે ગાડીને ગીઅરમાં નાખવી પડે. મને યાદ છે, અગણીત સમયે મને કેટલીયે બાબત શરુ કરવાની પ્રેરણા થઈ હતી, પણ પછી જ્યાંનું ત્યાં જ. મારે મેરાથોન દોડવું હતું, પુસ્તક લખવું હતું, મારો બ્લોગ શરુ કરવો હતો, વજન ઘટાડવું હતું, દેવામાંથી મુક્ત થવું હતું, વહેલા ઉઠવાનું ચાલુ કરવું હતું, જીવનને સરળ બનાવવું હતું. પણ આ બધાંમાંથી હું કશું જ કરી ન શક્યો. હું ઘણો જ વ્યસ્ત હતો. થાકી ગયો હતો. મારે બીજું ઘણું બધું કરવાનું હતું. પણ એ ખરેખર તો બધાં બહાનાં હતાં.
પણ પછીથી મને કેટલીક બાબત શીખવા મળી જેનાથી સુંદર સફળતા મળી. અને એકાદ વર્ષમાં ઉપરોક્ત બધી બાબતો મેં પાર પાડી. બહાનાં બધાં હારી ગયાં.
આ રહી મારી કહાણી.
જે કરવા માગતા હો તેને વીશે કોઈને કહો કે તમે એ કરવાના છો. જો તમે માત્ર તમારા મનમાં જ એ કરવાનું નક્કી કરો તો તમને એના નીશ્ચયનું બળ મળતું નથી. ઉઠતાંની સાથે તમારી નજીકના કોઈકને કહો – તરત જ. અથવા કોઈને ઈમેલ કરો. હવે એ માટે સમય કાઢવો પડશે. ઘણા લોકો આ પહેલે તબક્કે તો પહોંચે છે, પણ આ બીજું પગલું ભરવાનું શું? એ માટે દરરોજ માત્ર દસ જ મીનીટની જરુર હશે, પણ એ સમય કાઢવો શી રીતે? ક્યારે કરશો? તમારા રુટીનમાં એને કઈ જગ્યાએ મુકશો? જો તમારું કોઈ રુટીન નીશ્ચીત ન હોય તો પણ દરરોજ તમે કોઈ ને કોઈ પ્રવૃત્તી કરો જ છો. ઉઠવું, દાતણપાણી, શાવર, નાસ્તો કે પછી મોડા ઉઠ્યા હો તો બપોરનું ભોજન, કંપ્યુટર પર ઈમેલ વગેરે, કામ પર કે સ્કુલમાં. સાંજે આવીને સાંજનું ખાવાનું અને સુઈ જવાનું. આમાંથી કોઈ એક જગ્યાએ એને ગોઠવવું જ રહ્યું. માત્ર દસ મીનીટ.
શરુઆત બહુ ઓછાથી જ કરવી. ઘણા લોકો શરુઆતમાં જ વધુ પડતું કરી નાખવાનો નીર્ણય લેવાની ભુલ કરે છે. પરંતુ જો તમે પહેલેથી જ એક કલાકની કસરત કરવાનો કે કંઈકમાં પારંગત થવા બે કલાકની પ્રેક્ટીસ કરવાનો નીર્ણય લો તો એ તમે કરી શકશો એની શક્યતા બહુ જ નજીવી છે. અરે, રોજની ૩૦ મીનીટ પણ બહુ વધારે પડતી ગણાય. શરુઆત માત્ર ૧૦, કે ૫ કે માત્ર ૨ મીનીટ રોજની કાઢવાનો નીર્ણય લઈ શકાય.
ખરેખરો નીશ્ચય કરો. મોટા ભાગના લોકોની અસફળતાનું કારણ તેમનો નીશ્ચય ડગુમગુ હોય છે. તમારો ઈરાદો તમે કોઈકને કહ્યો છે અને તમે માનો છો કે તમે ખરેખર એ કરવાનો નીર્ણય લીધો છે, પણ ના ભાઈ, તમે તમારા નીર્ણમાં પાક્કા નથી. જો તમે ખરેખર કરવા જ માગતા હો તો તમારા બ્લોગ પર લખો, ફેસબુકમાં લખો, કે ટ્વીટરમાં લખો. ૧૦૦ લોકોને જાણ કરો. એના પર પૈસા મુકીને શરત લગાવો. તમારે કરવું જ પડે એ માટે લોકો તમને ઉત્તરદાયી ઠેરવે એવું કરો.
તમને કોઈ રીતે યાદ અપાવે તેવું કરો. શરુઆત કર્યા પછી ભુલી જવાનું સહજ હોય છે. જો સવારે ઉઠીને તરત ૧૦ મીનીટ દોડવા જવાનું તમે નક્કી કર્યું હોય તો એ ભુલી ન જવાય તે માટે તમારે કંઈક કરવું પડે. તમારા દોડવાના જોડા તમારા બેડની બાજુમાં રાખીને સુઈ જવું, કે દોડવાનાં કપડાં પહેરીને સુવું. મોટી સાઈન તરત નજરે પડે તેમ મુકી રાખો. કંપ્યુટર પર લખાણ ચોંટાડીને મુકો. ફોનમાં એલાર્મ મુકો.
જ્યારે તમને થાય કે આજે માંડી વાળવું છે, તો જરા થોભજો. એવું પણ કોઈ વાર થશે કે, “ચાલ હવે કાલે કરીશ, આજનો દહાડો દોડવા જવું નથી.” આ ક્ષણ તમારે સંભાળી લેવાની છે. આળસ કરવી નહીં, ઢીલ મુકવી નહીં, એક વખત માટે પણ નહીં જ. જરા વીચાર કરજો બેસીને, કંપ્યુટર ખોલીને બેસી ન જતાં ઉંડો વીચાર કરજો કે તમને શું અટકાવી રહ્યું છે? એ કરવાની જે અગવડ છે તે તમને રોકી રહી છે – અગવડ. એનાથી તમે ભાગવા માગો છો. એને હસી કાઢો અને શરુ કરી દો. દોડવાની ક્ષણનો આનંદ માણો. તમને મજા પડશે.