વેલીંગ્ટન વીષે થોડું
મોટા ભાગનું વેલીંગ્ટન ડુંગરો પર વસેલું છે. અમે અત્યારે જે ઘરમાં રહીએ છીએ તે જો કે સપાટ જમીન પર છે. અમે અહીં ન્યુઝીલેન્ડ આવ્યાં ત્યારથી આ જ સ્ટ્રીટ પર એટલે લગભગ ૩૯ વર્ષથી રહીએ છીએ. અમારા મોટા દીકરા ભરતનું ઘર પણ સપાટ જમીન પર છે. અમારી સ્વાતીનું ઘર ડુંગર પર છે, જે અમારા ઘરથી ત્રણેક કિલોમીટર દુર હશે.
આ ઘરથી પશ્ચિમ દીશામાં ડુંગરોની હારમાળા છે. હું અત્યારે જે રૂમમાં બેસીને આ લખું છું, એટલે કે અત્યારે મારું કંપ્યુટર જ્યાં છે એ રૂમમાંથી એ ડુંગરો અને તેના પરનાં ઘર દેખાય છે. ડુંગરો બહુ નજીક છે. કદાચ ૫૦૦ કે એથી ઓછા મીટર પછી જ શરૂ થઈ જાય છે. આ ડુંગરો બહુ ઉંચા નથી. વધારેમાં વધારે કદાચ ૧૦૦ મીટર જેટલા કે તેથી થોડા વધુ હશે. હીમાલય જવાનાં હતાં ત્યારે મારી પત્ની સાથે અમે બંને જણાં દરરોજ આ ડુંગરો પર ચાલવા માટે જતાં. અહીંથી આ ડુંગરોનું દૃશ્ય બહુ સુંદર લાગે છે.
ઘરથી દક્ષીણમાં બસો-ત્રણસો મીટર દૂર દરીયો આવેલો છે. અહીં અખાત બન્યો છે. પરંતુ પેસીફીક મહાસાગર સીધો જ ઘૂઘવે છે, બારા જેવું નથી. જ્યારે ઉત્તરમાં પણ લગભગ દોઢ-બે કિલોમીટર દૂર દરીયો છે, પરંતુ અખાત વળાંક લઈને બારું બનાવે છે, આથી પેસીફીક મહાસાગર સીધો લાગુ પડતો નથી. બહુ સલામત એવું વેલીંગ્ટનનું બારું છે.
બારું સલામત છે, પણ એમાં પ્રવેશતી વેળા લાંબા અખાતમાં એપ્રીલ ૧૯૬૮માં એક બોટ વાવાઝોડામાં ડુબી ગયેલી અને ઘણાં લોકો ડુબી ગયેલાં. વેલીંગ્ટનના ઈતીહાસમાં એ સૌથી ભયંકર વાવાઝોડું હતું, આથી બચાવકાર્યમાં મુશ્કેલી સર્જાતાં જમીનની સાવ નજીક થયેલા આ અકસ્માતમાં ૫૧ વ્યક્તીઓએ જાન ગુમાવેલા. આ બોટ ક્રાઈસ્ચર્ચથી વેલીંગ્ટન આવી હતી.
અમારા ઘરથી પુર્વ દીશામાં માત્ર એકાદ કિલોમીટર દૂર વેલીંગ્ટન એરપોર્ટ છે. અમારા ભરતનું ઘર એરપોર્ટથી પુર્વ દીશામાં સાવ નજીક છે. એરપોર્ટ બહુ નાનું છે, માત્ર ઑસ્ટ્રેલિયાનાં ઓવરસીઝ પ્લેન અહીં આવે છે, બીજા કોઈ દેશનાં નહીં. ન્યુઝીલેન્ડમાં ઓવરસીઝ મોટાં એરપોર્ટ બે જ છે-ઑકલેન્ડ(Auckland) અને ક્રાઈસ્ચર્ચ(Christchurch). વેલીંગ્ટનનું એરપોર્ટ અત્યારે મોટું કરવામાં આવી રહ્યું છે, પરંતુ બીજા કોઈ દેશમાંથી પ્લેન આવશે કે કેમ તે ખબર નથી.
(લુકઆઉટ પોઈન્ટ પરથી વેલીંગ્ટન)
અમારા ઘરથી ઉત્તરમાં ત્રણ-ચાર કીલોમીટર દુર લુકઆઉટ પોઈન્ટ (look out point) છે. ત્યાંથી લગભગ આખું વેલીંગ્ટન જોઈ શકાય છે. સમગ્ર વેલીંગ્ટન કેવું ડુંગરાળ છે એનો ખ્યાલ આ લુકઆઉટ પરથી જોતાં આવી શકે છે. વેલીંગ્ટનનું દૃશ્ય ખરેખર બહુ જ સુંદર છે- લગભગ બારે માસ લીલુંછમ. ભાગ્યે જ કોઈ વાર ઉનાળામાં લાંબા સમય સુધી વરસાદ ન પડે તો ઘાસ સુકાઈ જાય, પણ વૃક્ષો તો બારેમાસ લીલાંછમ રહે છે. ઑકલેન્ડ અને ક્રાઈસ્ચર્ચ વેલીંગ્ટન જેવાં ડુંગરાળ નથી. બંને શહેરોમાં થોડે દુર ડુંગરો ખરા. મારા મીત્ર મન્સુભાઈ જ્યારે ઑક્લેન્ડથી વેલીંગ્ટન આવ્યા હતા ત્યારે અહીંનું કુદરતી સૌંદર્ય જોઈ બહુ જ પ્રભાવીત થયા હતા.