Archive for the ‘બોધકથા’ Category

ખોવાયેલું નં. 3 બકરું

જુલાઇ 27, 2018

 ખોવાયેલું નં. 3 બકરું

(બ્લોગ પર તા. 27-7-2018 )

મને મળેલ એક અંગ્રેજી ઈમેલ પરથી

આ વાત છે કેનેડાના શહેર ટોરોન્ટો નજીકના એક કસબાની. એક રવીવારની સાંજે શાળાના બે છોકરાઓને એક મજાક સુઝી.

નજીકથી તેઓ ત્રણ બકરાંને ઉપાડી લાવ્યા. તેમની પર તેઓએ 1, 2 અને 4 એમ નંબર રંગ વડે ચીતર્યા, અને સ્કુલના મકાનના કંપાઉન્ડમાં તે રાત્રે આ બકરાંને છુટાં મુકી દીધાં.

જ્યારે બીજે દીવસે સવારે શાળાના કર્મચારી આવ્યા ત્યારે તેમને કંઈક વીચીત્ર વાસ આવતી લાગી. તે લોકોએ બકરાંની લીંડી દરવાજા નજીક અને પગથીયાં પર પડેલી જોઈ. તેઓને લાગ્યું કે બકરું કે બકરાં સ્કુલમાં આવ્યાં હોવાં જોઈએ.

તપાસ કરવામાં આવી અને ત્રણ બકરાં તરત જ મળી આવ્યાં. પરંતુ સ્કુલના કર્મચારીઓને ચીંતા સતાવવા લાગી કે બકરું નંબર 3 ક્યાં છે? આખો વખત તે લોકોએ બકરું નં. 3ને શોધવામાં કાઢ્યો. ન મળ્યું. તે લોકોને હતાશા અને ગભરામણ થવા લાગી. બાકી રહેલ દીવસ માટે તેઓએ છોકરાંને સ્કુલમાંથી રજા આપી દીધી.

શીક્ષકો, પટાવાળા, રખેવાળ, કેન્ટીનમાં કામ કરનારાં, સ્કુલના છોકરાઓ બધા જ બકરું નં. 3ને શોધવા મંડ્યા. દેખીતું જ છે કે એ મળ્યું જ નહીં, કારણ કે બકરું નં. 3નું અસ્તીત્વ જ ન હતું.

વીચારણીય હકીકત: આપણામાંથી જેઓને સુંદર જીવન મળ્યું છે તેઓ પણ “કંઈક ખુટે છે” એમ માની અસંતોષની લાગણી ધરાવે છે. તેઓ એક ભ્રામક, જેનું અસ્તીત્વ જ નથી તે બકરુ નં 3ની અપેક્ષા રાખે છે. એ અપેક્ષા કે ફરીયાદ ગમે તેની હોય – સંબંધો, વ્યવસાયીક સંતોષ કે સંપત્તીની પ્રાપ્તી.

કોઈ બાબતનો અભાવ હંમેશાં જે પોતાની પાસે હોય તેના કરતાં મોટો જ લાગતો હોય છે.

બકરું નં. 3ની ચીંતા છોડો અને ચીંતામુક્ત બનીને જીવન પસાર કરો.

એક ખેડુતની કહાણી

જૂન 20, 2018

એક ખેડુતની કહાણી

(બ્લોગ પર તા. 20-6-2018 )

પીયુષભાઈ તરફથી મળેલ અંગ્રેજી વીડીઓ પરથી ગુજરાતીમાં – ગાંડાભાઈ વલ્લભ

એક પહાડી પર એક ગરીબ ખેડુત અને એની પત્ની જેમતેમ જીવન નીર્વાહ ચલાવતાં હતાં. આથી ખેડુતે નોકરીની શોધમાં જવાનું વીચાર્યું. જતાં પહેલાં એણે પોતાની પત્નીને કહ્યું,

“હું કદાચ ઘણા લાંબા સમય સુધી બહાર હોઈશ, પણ હું હંમેશાં તને વફાદાર રહીશ. શું તું પણ મને વફાદર રહેવાનું વચન આપી શકે?”

“હા, હું તારી પ્રતીક્ષા કરીશ, અને હંમેશાં તને વફાદાર રહીશ.” પત્નીએ વીદાય આપતાં કહ્યું.

 

ઘણા દીવસે ચાલતાં ચાલતાં એ ભાઈ એક કસ્બામાં આવ્યો અને એને કામ પણ મળી ગયું. એણે એના શેઠને એના વેતનના બધા જ પૈસા એ પોતાના ઘરે જાય ત્યાં સુધી રાખી મુકવા માટે કહ્યું. શેઠ એમ કરવા માટે રાજી થયો.

20 વર્ષ પછી આ ભાઈએ એના શેઠને કહ્યું, “હવે હું મારા ઘરે જવા વીચારું છું. મારી કમાણીના પૈસા મને આપવા વીનંતી કરું છું.”

શેઠે કહ્યું, “તેં બહુ જ સખત કામ કર્યું છે અને ઘણું સારું કમાયો છે. પણ હું તારી સામે એક દરખાસ્ત મુકું છું. ક્યાં તો તું તારા બધા પૈસા લઈ જા અથવા હું તને ત્રણ શીખામણ આપું તે લઈને જા. આ બેમાંથી માત્ર એક જ મળશે. નીર્ણય કરતાં પહેલાં વીચારી જો, ઉતાવળ કરવાની જરુર નથી.”

આ ભાઈએ પુરા બે દીવસ સુધી વીચાર કર્યો, અને પછી એના શેઠને કહ્યું, “મેં પૈસા લેવાનું માંડી વાળ્યું છે, મને ત્રણ શીખામણ વીશે જણાવો.”

શેઠે હસતાં હસતાં કહ્યું, “પહેલી વાત, જીવનમાં કદી ટુંકો રસ્તો લઈશ નહીં (Don’t take shortcut). એની કદાચ કોઈવાર ભારે કીંમત ચુકવવી પડે કે જીવન પણ ગુમાવવું પડે. બીજું, કદી પણ વધુ પડતી જીજ્ઞાસા રાખીશ નહીં. બુરી બાબતમાં જીજ્ઞાસા જીવનનો અંત પણ લાવી દે. અને છેલ્લે, કદી પણ ગુસ્સામાં હોય કે અપમાનીત થયા જેવું હોય તો ઉતાવળો નીર્ણય લઈશ નહીં, નહીંતર તને તારા જીવનના અંત સુધી પસ્તાવાનો વારો આવશે.”

આ પછી શેઠે તેને ત્રણ બ્રેડ આપીને કહ્યું, “બે બ્રેડ તારે રસ્તે ખાવામાં વાપરવી, અને ત્રીજી બ્રેડ તારા ઘરે જઈને પછી જ ખાવી.”

એણે શેઠનો આભાર માન્યો અને ઘરે જવા નીકળી પડ્યો. પહેલા દીવસે એને એક વટમાર્ગુ મળ્યો. તેણે એને પુછ્યું કે એ ક્યાં જઈ રહ્યો છે?

“20 વર્ષ નોકરી કરીને મારા ઘરે જઈ રહ્યો છું. આ રસ્તે મારા ઘરે પહોંચતાં મને 3 દીવસ લાગશે.”

એ અજાણ્યા પુરુષે કહ્યું, “હું ટુંકો રસ્તો જાણું છું. એ રસ્તે તું બે દીવસમાં જ તારા ઘરે પહોંચી જશે.”

આથી આ માણસે ટુંકે રસ્તે ચાલવા માંડ્યું. પણ એકાએક એને પહેલી શીખામણ કે ટુંકો રસ્તો કદી ન લેવો યાદ આવી. અને પાછા ફરીને પેલા જુના રસ્તે વળી ગયો. આથી એ એક લુંટારાઓના છાપાનો શીકાર બનતાં બચી ગયો.

 

રાત થતાં એ એક ગામમાં આવ્યો, અને તપાસ કરી કે એ એકાદ છાપરીમાં રાતવાસો કરી શકે એવી જગ્યા એને મળી શકે કે કેમ. એને જગ્યા મળી. ઉંઘી ગયા પછી એ એક મોટા ઘોંઘાટથી જાગી ગયો. જીજ્ઞાસાવશ એ પથારીમાં કુદી પડી બારણું ખોલવા જતો જ હતો, અને ત્યાં એને ખોટી જીજ્ઞાસા ન કરવાની બીજી શીખામણ યાદ આવી, અને પાછો સુઈ ગયો. સવારે એને પેલી છાપરીના માલીકે કહ્યું,

“એક વાઘ કોઈ કોઈવાર આ ગામમાં આવે છે. બધાં જ લોકો પોતાના ઘરનાં બારણાં રાત્રે બંધ જ રાખે છે. મને ખુશી થઈ કે તમે છાપરીમાં સલામત રહ્યા છો.”

 

ત્રણ દીવસ-રાતની પરેશાની પછી એ ઘરે પહોંચ્યો. સાંજ થઈ ગઈ હતી, અને બારીમાંથી ઘરમાં લાઈટ દેખાતી હતી. ઉત્સાહમાં એ બારી પાસે પહોંચ્યો. પરંતુ એનો ઉત્સાહ આઘાત અને ક્રોધમાં ફેરવાઈ ગયો, કેમકે એણે પોતાની પત્નીને બીજા કોઈ પુરુષના બાહુમાં જકડાયેલી જોઈ. એના દીલમાં ધીક્કારનો જુવાળ ઉછળી આવ્યો અને જઈને એ બંનેનો ખુરદો બોલાવી દેવાની અદમ્ય ઈચ્છા જાગી. પણ તેવામાં એને ત્રીજી શીખામણ યાદ આવી અને એણે પોતાની જાત પર કાબુ મેળવ્યો. રાત્રે તે બહાર ઢાળીયામાં જ સુઈ રહ્યો. સવારે સુર્યોદય થતામાં એનું મગજ શાંત થઈ ગયું હતું. એણે વીચાર્યું,

“હું શેઠને મારી નોકરી પાછી આપવાનું કહીશ અને મારી પત્ની અને એના પ્રેમીને મારી નાખવાનો વીચાર માંડી વાળું. પણ હું પાછો જાઉં તે પહેલાં મારે એને કહેવું છે કે આ બધા સમય દરમીયાન હું એને વફાદાર રહ્યો છું.”

 

એણે બારણું ઠોક્યું, એની પત્નીએ જેવું બારણું ખોલ્યું કે એને બાઝી પડી. પણ એણે તો એને ધક્કો મારીને હડસેલી દીધી અને દુખી થઈને કહ્યું, “આટલા વરસ સુધી હું તો તને વફાદાર રહ્યો છું, પણ તેં મને છેતર્યો!”

“ના, મેં તમને છેતર્યા નથી…”

“મેં તને ગઈ રાત્રે એક પુરુષ સાથે જોઈ છે.” એણે કહ્યું.

“એ આપણો દીકરો છે. તમે ગયા ત્યારે હું ગર્ભવતી હતી, અને આપણો દીકરો આજે 20 વર્ષનો થયો.”

 

અને આ સાથે જ બંનેએ એકબીજાંને બાહુપાશમાં જકડી લીધાં.

પછી છેલ્લી વધેલી બ્રેડ ત્રણે જણા વહેંચીને ખાવા બેઠાં. જ્યારે એ ભાઈએ બ્રેડ તોડી ત્યારે એમાંથી પૈસા નીકળ્યા જે એના શેઠે એના માટે અંદર મુક્યા હતા. 20 વર્ષમાં એણે કરેલી કમાણી ઉપરાંત એનું વ્યાજ પણ શેઠે એમાં ઉમેર્યું હતું.

 

જીવન હાડમારી અને લાલચોથી ભરેલું હોય છે. આપણને આ સંકટોથી નષ્ટ થતાં બચાવનાર માત્ર જીવનનાં મુલ્યો અને સંયમ જ છે. જીવનની કપરી કસોટીઓ પૈકી ધીરજ સૌથી વધુ કપરી કસોટી છે.

 

ઘણીવાર કુદરત અને પરંપરાગત શુભમાં આપણી શ્રદ્ધા અને વીશ્વાસની કસોટી તરીકે આપણને ભોગ આપવાની જરુરત પડે છે. કટોકટીની વેળાએ આપણામાં રહેલ શુભ ભાવનાને જો આપણે વળગી રહી શકીએ તો પરીણામ નીશ્ચીતરુપે સારું જ હોય છે.

માંકડાને કેવી રીતે સપડાવવું

મે 11, 2018

માંકડાને કેવી રીતે સપડાવવું

(બ્લોગ પર તા.11-5-2018 )

એ માટેની બહુ જ જાણીતી યુક્તી છે. નાળીયેરમાં એક થોડું મોટું છીદ્ર જેમાંથી વાંદરાનો હાથ મુઠ્ઠી વાળેલી ન હોય તો જઈ શકે, પણ બંધ મુઠ્ઠી હોય તો હાથ નીકળી ન શકે તેવું પાડવામાં આવે છે. પછી બધું કોપરું કાઢી નાખીને અંદર કોઈક ફળ મુકવામાં આવે છે જે એ વાંદરાને ભાવતું હોય. એ નાળીયેરને કોઈ ઝાડ સાથે બાંધવામાં આવે છે. વાંદરાને પકડનારા લોકો એના લોભને જાણે છે. વાંદરો એનો હાથ નાળીયેરમાં ઘાલી અંદરનું ફળ પકડી બહાર કાઢવા મથે છે, પણ એનો હાથ એ ફળ સાથે બહાર કાઢી શકતો નથી. છતાં ફળના લોભમાં એ મથતો રહે છે.  એને પકડવા માટે આવતા પેલા માણસને એ જુએ છે, છતાં ફળનો લોભ એને એટલો બધો જકડી રાખે છે કે એ પોતાની મુઠ્ઠી છોડી શકતો નથી, ફળ કાઢવાની સખત મહેનત કરતો જ રહે છે. અને પેલા માણસના હાથમાં એ સપડાઈ જાય છે.

વાંદરાએ તો મુક્ત થવા માટે માત્ર એની મુઠ્ઠી જ છોડી દેવાની હતી, પણ ફળના લોભમાં એ મુઠ્ઠી છોડી શકતો નથી. કેમ કે ફળના લોભમાં એ અંધ બની જાય છે. ફળની આસક્તી એટલી બધી તીવ્ર છે કે જેના કારણે એની જીન્દગીનું, એના સ્વાતંત્ર્યનું એ બલીદાન આપી દે છે. મુર્ખ વાંદરો ખરું ને?

પણ આપણે પણ કોઈ એક કે વધુ નાળીયેર પકડીને આપણા સ્વાતંત્ર્યનું બલીદાન નથી આપી રહ્યા? આપણાં એ નાળીયેર કયાં કયાં છે? કદાચ આપણે પણ એ છોડી દઈ સાવ મુક્ત થઈ શકીએ. કદાચ એ નાળીયેર ધન હોય, સંપત્તી હોય, સુખી થવાના અમુક વીચારો હોય જેને આપણે જડબેસલાક રીતે જકડી રહ્યા હોઈએ. જો એને છોડી દઈએ તો કદાચ સાચું સુખ પ્રાપ્ત કરી શકાય. કદાચ આપણો ક્રોધ? આપણો અહંકાર? જો આપણે તે માણસને માફ કરી દઈએ, આપણું એને વીશેનું મંતવ્ય જતું કરીએ, એનો ન્યાય તોળવાનું માંડી વાળીએ તો કદાચ મુક્ત થઈ જઈએ. બની શકે કે આપણા મનમાં પોતાના પાર્ટનર બાબત અમુક આદર્શ હોય, એનું સૌંદર્ય, એની વર્તણુંક, એની પસંદ-નાપસંદ અને એનાથી આપણે ચસકવા માગતા ન હોઈએ, તો આપણે બંધાઈ જઈએ છીએ. પણ જો આ આદર્શોને પડતા મુકીએ તો વાસ્તવીકતા જોઈ શકીશું અને વાસ્તવીકતા સ્વતંત્રતા છે.

આસક્તી શાની છે એ પ્રશ્ન નથી, પણ એ નાળીયેરની અંદરના ફળના લોભમાં જીવનનાં સુખશાંતીનું બલીદાન આપવું ન જોઈએ. સીવાય કે આપણે એક માંકડું થવાનું પસંદ કર્યું હોય, આપણામાં એક માંકડાની મનોવૃત્તી હોય.

સાત ઉખાણાં

જાન્યુઆરી 20, 2018

સાત ઉખાણાં
(બ્લોગ પર તા. 20-1-2018 )
સાત ઉખાણાના બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ઉકેલ
૧. જગતમાં સૌથી વધુ તીક્ષ્ણ વસ્તુ કઈ?
બુદ્ધના શીષ્યોએ કહ્યું, “તલવાર”
બુદ્ધ: મનુષ્યની જીભ, કેમ કે જીભ વડે માણસો બહુ જ સહજતાથી બીજાંનો વધ કરે છે. હૃદય પર ઘા કરે છે, લોકોની લાગણી દુભાવે છે, વગેરે.
૨. આ દુનીયામાં આપણાથી સૌથી દુરની વસ્તુ કઈ?
કેટલાકે કહ્યું, “અવકાશ, ચંદ્ર, સુર્ય.”
બુદ્ધે જણાવ્યું, “સૌથી દુર ભુતકાળ, વીતેલો સમય છે. આપણે ગમે તે હોઈએ, ગમે તેટલા ધનવાન હોઈએ, આપણે વીતેલા સમયમાં પાછા જઈ શકતા નથી. આથી આપણે આજના સમયનો અને આવનાર સમયનો સદુપયોગ કરવો જોઈએ.
૩. દુનીયામાં સૌથી મોટી વસ્તુ કઈ?
કોઈકે કહ્યું, “પર્વત, પૃથ્વી, સુર્ય.”
બુદ્ધ: “દુનીયામાં સૌથી મોટી વાસના છે. ઘણા લોકો વાસનામાં ડુબી જતાં કંગાળ બની જાય છે. સ્વપ્નો અને વાસના પુરી કરવા માટે કંઈ પણ કરવામાં આવે છે. આથી વાસનાથી સાવધાન રહો!
4. જગતમાં સૌથી વજનદાર, સખત વસ્તુ કઈ?
કોઈકે કહ્યું, “પોલાદ, લોખંડ, હાથી.”
બુદ્ધ: સખત બાબત છે વચન. એ આપવું સહેલું છે, પણ નીભાવવું મુશ્કેલ છે.
5. જગતમાં સૌથી ઓછા વજનની વસ્તુ કઈ?
કોઈકે કહ્યું, “રુ, પવન, ધુળની રજકણ, પાંદડાં.”
બુદ્ધ: જગતમાં સૌથી ઓછું વજન છે, “હું”ને ભુલવું અને “હું”ને તજવું. જુઓને મોટા ભાગના લોકો સંપત્તી પાછળ દોડે છે, પદ મેળવવા દોડે છે, કેટલાક માત્ર “હું” ત્યજી દે છે.
6. જગતમાં આપણી સૌથી નજીક શું છે?
જવાબ મળ્યો, “માબાપ, મીત્રો, સંબંધીઓ.”
બુદ્ધ: આપણી સૌથી નજીક મૃત્યુ છે. કેમ કે મૃત્યુ નીશ્ચીત છે, અને કોઈ પણ ક્ષણે સંભવી શકે છે.
7. છેલ્લો પ્રશ્ન: જગતમાં કઈ વસ્તુ કરવી સહેલામાં સહેલી છે?
લોકોએ જવાબ આપ્યો, “ખાવું, ઉંઘવું, લટાર મારવી.”
બુદ્ધ: સહેલામાં સહેલું છે જ્ઞાનનો ફેલાવો કરવો અને સૌને વહેંચવું.

વીપુલતા સીદ્ધાંત

જૂન 10, 2017

વીપુલતા સીદ્ધાંત

બી. જે. મિસ્ત્રીના અંગ્રેજી ઈમેલ પરથી (બ્લોગ પર તા. 10-6-2017 )

વિજય અજમેરા

એકવાર એક ભાઈ જંગલમાં ભુલો પડી ગયો. બે દીવસ પહેલાં એની બેગમાંનું પાણી ખલાસ થઈ ગયું હતું. તે એની મુસાફરી પુરી કરવાના છેલ્લા ચરણમાં હતો. એને થયું કે જો એ જલદી પાણી મેળવી ન શકે તો ચોક્કસ એનું મૃત્યુ થવાનું જ. એણે થોડે જ દુર એક ઝુંપડી જોઈ. એને લાગ્યું કે એ માત્ર મૃગજળ જુએ છે, એને તરસને લીધે ભ્રમ થાય છે, પરંતુ બીજો કોઈપણ ઉપાય ન હતો આથી એ આગળ વધ્યો. જ્યારે એ નજીક પહોંચ્યો તો એણે જોયું કે એ ભ્રમ ન હતો, હકીકત હતી. એ મહામહેનતે છેલ્લા શ્વાસ લેતાં લેતાં જેમ તેમ ત્યાં પહોંચ્યો.

ઝુંપડીમાં કોઈ રહેતું હોય એમ ન લાગ્યું. એ ઝુંપડી ઘણા વખતથી કોઈ છોડી ગયું હોય એમ લાગતું હતું. એ ભાઈ ઝુંપડીમાં ગયો, નીરાશામાં પણ એક આશાનું તણખલું લઈને કે કદાચ અંદર પાણી મળશે.

એનું હૃદય એક ધડકન ચુકી ગયું જ્યારે એણે જોયું કે ત્યાં પાણી માટે એક હેન્ડપંપ હતો. જમીનની નીચે એક પાઈપ જતો હતો, કદાચ જમીનમાં ઉંડે પાણી હશે તે કાઢવા માટે ઉતારેલો હોય એમ લાગતું હતું.

એણે હેન્ડપંપ ચલાવવાનું શરુ કર્યું, પણ પાણી નીકળ્યું નહીં. છેવટે થાકીને લોથપોથ અને નીરાશ થઈ એણે પ્રયત્ન પડતો મુક્યો. હતાશામાં માથે હાથ મુકી બેસી ગયો. એને થયું છેવટે એનો મરવાનો વારો આવવાનો. તેવામાં એણે એક ખુણામાં એક બોટલ જોઈ. બોટલ પાણીથી ભરેલી હતી, અને પાણી બાષ્પીભવન થઈને ઉડી ન જાય એ માટે એને બુચ મારેલો હતો. એણે બુચ ખોલ્યો અને મીઠું, અમૃત સમાન જીવન બક્ષનાર પાણી પીવા જતો હતો તેવામાં એણે બોટલ સાથે બાંધેલી એક ચબરખી જોઈ જેના પર લખ્યું હતું કે, “આ પાણી પંપ ચાલુ કરવા માટે વાપરજો. (લાંબા સમય સુધી પંપ ચાલુ કર્યો ન હોય ત્યારે એમાં પાણી નાખો તો જ એ ચાલુ થઈ શકે.) અને જ્યારે તમે પરવારો ત્યારે જતાં પહેલાં આ બોટલ પાણીથી ભરી જવાનું ભુલશો નહીં.”

આ માણસ ચબરખી વાંચીને દ્વીધામાં પડ્યો. સુચનાનો અમલ કરી એ પાણી પંપમાં રેડે કે ભયંકર તરસને વશ પાણી પી લે. શું કરવું? જો એ પાણી પંપમાં રેડી દે, તો શું ખાતરી કે પંપ ચાલશે જ? પંપ ન ચાલે તો શું? શું ખબર કદાચ પાઈપ કાણો પણ થઈ ગયો હોય તો? કદાચ જમીનની અંદરનું પાણી સુકાઈ પણ ગયું હોય તો?

પણ …. કદાચ સુચના સાચી પણ હોય. શું એણે જોખમ લેવું જોઈએ? જો આ સુચન કામ ન કરે, સફળ ન થાય તો જે પાણીનાં એણે છેલ્લાં દર્શન કર્યાં છે તે વેડફાઈ જશે, અને કદાચ એનું જીવન પણ પુરું થશે..

ધ્રુજતા હાથે એણે પંપમાં પાણી રેડ્યું. આંખો બંધ કરી પ્રભુને પ્રાર્થના કરી, અને પંપ ચાલુ કરવા લાગ્યો. એણે ખળખળ અવાજ સાંભળ્યો, અને પાણીનો ધોધ ચાલુ થઈ ગયો. એ વાપરે એના કરતાં પણ ઘણું વધારે. એણે ઠંડા પાણીની મજા માણી. એની જીદંગી બચી ગઈ!

ધરાઈને પાણી પીવાથી એને ખુબ જ સારું લાગ્યું. એ ઝુંપડીની આસપાસ જોવા લાગ્યો. એણે એક પેન્સીલ અને એ વીસ્તારનો નકશો જોયો. નકશા પરથી એને ખ્યાલ આવ્યો કે એ હજુ વસ્તીથી ઘણો દુર છે. પણ કંઈ વાંધો નહીં, હવે એને ખબર છે કે એ ક્યાં છે અને એણે કઈ દીશામાં જવાનું છે.

એણે બાકીનો રસ્તો કાપવા એની વોટરબેગ ભરી લીધી. એણે બોટલ પણ ભરી દઈ બુચ લગાવ્યો. જતાં પહેલાં પેલી કાપલીમાં એણે વધારાનું લખાણ ઉમેર્યું: “વીશ્વાસ રાખો, આ ચબરખીમાં લખેલું ખરેખર જ સત્ય છે.”

આ વાત જીવનને લાગુ પડે છે. એનો બોધ છે, “કંઈપણ મેળવવા માટે પહેલાં આપણે આપવું જોઈએ.” આ ઉપરાંત એક બહુ અગત્યની વાત એમ પણ કહે છે કે “ભરોસો રાખવો એ પણ આપવામાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે.” આ ભાઈને ખબર ન હતી કે એ જે કરવા જઈ રહ્યો હતો તેનું ફળ એને મળશે કે નહીં, આમ છતાં એ આગળ વધ્યો. શું થશે તે જાણતો ન હતો છતાં એણે વીશ્વાસનું ડગલું ભર્યું.

આ વાર્તામાં પાણી જીવનની સારી બાબતોનું પ્રતીક છે – જે આપણને ખુશ કરી દે. એ જેને જોઈ ન શકીએ એવું જ્ઞાન હોય, અથવા એ ધન, પ્રેમ, પરીવાર, મૈત્રી, આનંદ, માન-મોભો અથવા એવી કોઈ પણ વસ્તુ જેને આપણે મહત્ત્વ આપીએ, કીમતી ગણીએ. એવી વસ્તુ જે આપણે જીવનમાં પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ છીએ તેને પાણીના પ્રતીક તરીકે લીધી છે.

પાણીનો પંપ કર્મયોગને પ્રયોજવાની પ્રક્રીયાનું પ્રતીક છે. કંઈક (પાણી) આપો જો કાર્ય સીદ્ધ કરવું હોય તો, અને એનો બદલો તમે આપ્યું હશે તેના કરતાં અનેકગણો વધારે તમને મળશે.

મહાકવી કાલીદાસ

મે 24, 2017

મહાકવી કાલીદાસ

મને મળેલ હીન્દી ઈમેલ પરથી (બ્લોગ પર તા. 24-5-2017)

મહાકવી કાલીદાસ એમના સમયમાં મોટા વીદ્વાન હતા. એમના કંઠમાં સાક્ષાત્ સરસ્વતીનો વાસ હતો. શાસ્ત્રાર્થમાં એમને કોઈ પરાજીત કરી શકતું નહીં. અપાર યશ, પ્રતીષ્ઠા, સન્માન એમને મળી ચુક્યાં હતાં. આથી એકવાર એમને પોતાની વીદ્વત્તાનું ઘમંડ થયું. એને થયું કે દુનીયા આખીનું બધું જ જ્ઞાન એણે મેળવી લીધું છે, અને શીખવા માટે કશું બાકી રહ્યું નથી. એનાથી મોટો જ્ઞાની સંસારમાં કોઈ નથી.

એકવાર પાડોશી રાજ્યના રાજાએ શાસ્ત્રાર્થ માટે એને આમંત્રણ આપ્યું. મહારાજ વીક્રમાદીત્યની રજા લઈ ઘોડા પર સવાર થઈ જવા માટે નીકળ્યો. ઉનાળાના દીવસો હતા, તડકો ઘણો સખત હતો. સતત યાત્રા કરતાં એને તરસ લાગી. જંગલનો રસ્તો હતો, અને દુર દુર સુધી કોઈ વસ્તી નજરે પડતી ન હતી. થોડી તપાસ કરતાં એણે એક તુટીફુટી ઝુંપડી જોઈ. પાણીની આશામાં એણે તે તરફ જવા માંડ્યું. ઝુંપડીની સામે એક કુવો પણ હતો. કાલીદાસે વીચાર્યું કે કોઈ ઝુંપડીમાં હોય તો તેની પાસે પાણી માગી શકાય. તે જ સમયે ઝુંપડીમાંથી એક નાની બાળા મટકી લઈને નીકળી. છોકરીએ પાણી ભર્યું અને જવા લાગી.

કાલીદાસે એની પાસે જઈને કહ્યું, “બાળા, બહુ જ તરસ લાગી છે, જરા પાણી પીવડાવ.”

છોકરીએ કહ્યું, “આપ કોણ છો? હું આપને ઓળખતી નથી, પહેલાં આપનો પરીચય આપો.”

કાલીદાસને થયું મને કોણ નહીં જાણતું હોય, મારે પરીચય આપવાની શું જરુર? તેમ છતાં તરસથી બેહાલ થયા હતા આથી કહ્યું, “બાળા, હજુ તું નાની છે, આથી તું મને ઓળખતી નથી. ઘરમાં કોઈ મોટું માણસ હોય તો તેને મોકલ, તે મને જોતાંની સાથે જ ઓળખી જશે. મારી દુર દુર સુધી ખ્યાતી અને સન્માન છે. હું ઘણો જ મોટો વીદ્વાન છું.”

કાલીદાસનાં મોટાપણાનાં અને ઘમંડયુક્ત વચનોથી પ્રભાવીત ન થતાં બાળાએ કહ્યું, “આપ અસત્ય બોલી રહ્યા છો. સંસારમાં માત્ર બે જ બળવાન છે, અને એ બંનેને હું જાણું છું. જો આપ તરસ છીપાવવા ઈચ્છતા હો તો એ બંનેનાં નામ કહો.

થોડીવાર વીચારીને કાલીદાસ કહે, “મને ખબર નથી, તું જ કહે. પણ મને પાણી પીવડાવી દે, મારું ગળું સુકાઈ રહ્યું છે.”

છોકરીએ કહ્યું, “બે બળવાન છે ‘અન્ન’ અને ‘પાણી’. ભુખ અને તરસમાં એટલી શક્તી છે કે મોટામાં મોટા બળવાન માણસને પણ નમાવી દે. જુઓને સખત તરસે આપની હાલત કેવી કરી નાખી છે.”

કાલીદાસ ચકીત થઈ ગયા. છોકરીનો તર્ક અતુટ હતો. મોટામાં મોટા વીદ્વાનોને હરાવનાર કાલીદાસ એક બચ્ચીની સામે નીરુત્તર ઉભો હતો.

બાળાએ ફરી પુછ્યું, “સાચેસાચું કહો, આપ કોણ છો?”

તે છોકરી ચાલવાની તૈયારીમાં હતી. કાલીદાસ કંઈક નમ્ર થઈને બોલ્યા, “હું મુસાફર છું બાળા.”

મર્માળું હસતાં છોકરીએ કહ્યું, “આપ હજુ પણ જુઠું જ કહો છો. સંસારમાં માત્ર બે જ મુસાફર છે, એ બંનેને હું જાણું છું. બોલો, એ બે કોણ છે?

સખત તરસને લીધે પહેલેથી જ કાલીદાસની બુદ્ધી બહેર મારી ગઈ હતી, પરંતુ લાચાર થઈ એણે પોતાની અજ્ઞાનતા જાહેર કરી.

બાળાએ કહ્યું, “આપ પોતાને મોટો વીદ્વાન કહો છો, અને આટલું પણ જાણતા નથી? એક જગ્યાથી બીજી જગ્યાએ થાક્યા વીના જનાર મુસાફર કહેવાય છે. એવા મુસાફર માત્ર બે જ છે, એક ચંદ્રમા અને બીજો સુર્ય, જે થાક્યા વીના ચાલતા જ રહે છે. આપ તો થાકી ગયા છો. ભુખ અને તરસથી વ્યાકુળ થઈ રહ્યા છો. આપ મુસાફર શી રીતે હોઈ શકે?”

આટલું કહીને છોકરીએ પાણી ભરેલી મટકી ઉપાડી અને ઝુંપડીમાં જતી રહી. આથી તો કાલીદાસ વધુ દુખી થઈ ગયો. આટલો બધો અપમાનીત એના આખા જીવનમાં એ કદી થયો ન હતો.

તરસને લીધે શરીરની શક્તી ક્ષીણ થઈ રહી હતી. મગજ ઘુમરાવા લાગ્યું હતું. એણે આશાભરી નજરે ઝુંપડી તરફ જોયું. એવામાં ઝુંપડીમાંથી એક વૃદ્ધ સ્ત્રી નીકળી. એના હાથમાં ખાલી મટકી હતી. તે કુવામાંથી પાણી કાઢવા લાગી. અત્યાર સુધીમાં બહુ જ વીનમ્ર બની ચુકેલ કાલીદાસે કહ્યું, “મા, તરસથી મારી હાલત બહુ જ બુરી થઈ ગઈ છે. પેટ ભરીને પાણી પીવડાવો, બહુ પુણ્ય મળશે.”

વૃદ્ધ માએ કહ્યું, “બેટા, હું તને ઓળખતી નથી. તારો પરીચય આપ. હું જરુર પાણી પીવડાવીશ.”

કાલીદાસે કહ્યું, “હું મહેમાન છું, કૃપા કરીને પાણી પીવડાવો.”

“તું મહેમાન કેવી રીતે હોઈ શકે? સંસારમાં માત્ર બે જ મહેમાન છે, એક ધન અને બીજું યૌવન. એ બંનેને જતાં વાર લાગતી નથી. સાચું કહે, તું કોણ છે?”

અત્યાર સુધીના બધા જ તર્કોમાં હારી ગયેલ હતાશ કાલીદાસ કહે, “હું સહનશીલ છું. પાણી પીવડાવી દો મા.”

“નહીં, સહનશીલ તો બે જ છે, એક તો ધરતી, જે પાપી-પુણ્યાત્મા બધાનો જ બોજ સહન કરે છે. એની છાતી ચીરીને બી વાવવામાં આવે છે તોયે અનાજના ભંડાર ભરી દે છે. બીજું વૃક્ષ, જેને પથરો મારવા છતાં મીઠાં ફળ આપે છે. તું સહનશીલ નથી. સાચું કહે તું કોણ છે?”

કાલીદાસ લગભગ મુર્છીત જેવો થઈ ગયો, અને તર્કવીતર્કથી કંટાળીને કહે, “હું હઠીલો છું.”

“વળી પાછું જુઠાણું. હઠીલા તો બે જ છે, એક તો નખ અને બીજા વાળ. ગમે તેટલા કાપો, તોયે વારંવાર પાછા ઉગી નીકળે છે. સાચું કહે હે બ્રાહ્મણ તું છે કોણ?”

સંપુર્ણપણે હારી ગયેલ અને અપમાનીત થયેલ કાલીદાસ કહે,“તો તો પછી હું મુર્ખ જ છું.”

“ના, ના. તું મુર્ખ શી રીતે હોઈ શકે? મુર્ખ માત્ર બે જ છે, એક તો રાજા જે લાયકાત વીના બધાંના પર શાસન ચલાવે છે, અને બીજો દરબારી પંડીત જે રાજાને રાજી રાખવા ગલત વાતને પણ તર્ક લડાવીને સાચી ઠરાવવાનો પ્રયત્ન કરે છે.”

કશું જ બોલી ન શકવાની સ્થીતીમાં કાલીદાસ વૃદ્ધાના પગમાં પડી ગયો, અને પાણી માગતાં કરગરવા લાગ્યો.

“ઉઠો વત્સ,” સાંભળતાં કાલીદાસે ઉચું જોયું તો સાક્ષાત માતા સરસ્વતી ત્યાં ઉભાં હતાં.

કાલીદાસ ફરીથી નતમસ્તક થઈ ગયો.

“શીક્ષણથી જ્ઞાન આવવું જોઈએ, નહીં કે અહંકાર. તેં શીક્ષણથી મળેલા માન અને પ્રતીષ્ઠાને જ પોતાની ઉપલબ્ધી માની લીધી, અને અહંકાર કરવા લાગ્યો. આથી મારે તારાં ચક્ષુ ખોલવા માટે આ સ્વાંગ રચવો પડ્યો.”

કાલીદાસને પોતાની ભુલ સમજાઈ અને ધરાઈને પાણી પીને આગળ પ્રયાણ કર્યું.

 

દરેક પતીદેવે ધ્યાનપુર્વક વાંચવું

એપ્રિલ 16, 2017

દરેક પતીદેવે ધ્યાનપુર્વક વાંચવું

બી.જે. મિસ્ત્રીના ઈમેલમાંથી

બ્લોગ પર તા. 16-4-2017

એક યુવક બગીચામાં બહુ જ ગુસ્સામાં બેઠો હતો. બાજુમાં જ એક વડીલ બેઠા હતા. એમણે આ યુવકને પુછ્યું,

“શું થયું છે બેટા? કેમ આટલો બધો દુખી છે?”

યુવકે ગુસ્સામાં પોતાની પત્નીની ભુલ બતાવવાનું શરુ કર્યું.

વડીલે મલકાતાં મલકાતાં યુવકને પુછ્યું,

“બેટા, તમે મને કહેશો કે તમારો ધોબી કોણ છે?”

યુવકે આશ્ચર્ય પામી પુછ્યું, “ કાકા, તમારો મતલબ?”

વડીલે કહ્યું, “તમારાં મેલાં કપડાં કોણ ધુએ છે?”

યુવકે કહ્યું, “મારી પત્ની.”

વડીલે પુછ્યું, “તમારો રસોયો કોણ છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ: “તમારા કુટુંબ-કબીલાની અને ઘરવખરીની કાળજી કોણ લે છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ : “કોઈ મહેમાન આવે તો એની સરભરા કોણ કરે છે?”

યુવક: “મારી પત્ની.”

વડીલ : “તારા સુખદુખમાં તને કોણ સાથ આપે છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ : “પોતાનાં માબાપનું ઘર છોડીને જીદંગીભર તમારી સાથે કોણ આવ્યું છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ : “માંદગીમાં તમારી સેવા કોણ કરે છે, તમારું ધ્યાન કોણ રાખે છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ : “બીજી એક વાત, તમારી પત્ની આટઆટલું કામ કરે છે, બધાંનું ધ્યાન રાખે છે, શું એણે કદી આ બધાં માટે તમારી પાસેથી પૈસા લીધા છે?”

યુવક : “ના,  કદી નહીં.”

છેવટે વડીલે કહ્યું, “પત્નીની એક જ ખામી તમારી નજરમાં આવી ગઈ, પરંતુ એની આટલી બધી ખુબીઓ કદી તમને દેખાઈ જ નહીં! પત્ની ઈશ્વરે આપેલી એક સ્પેશ્યલ ભેટ છે, આથી એની ઉપયોગીતાને જાણો. અને એની કાળજી લો.

 

સુખી જીવન માટે એક અગત્યનો બોધપાઠ

માર્ચ 4, 2017

સુખી જીવન માટે એક અગત્યનો બોધપાઠ

પીયુષભાઈના ઈમેલમાં મળેલ અંગ્રેજી વીડીઓ પરથી

બ્લોગ પર તા. 4-3-2017

એક પ્રોફેસર વર્ગમાં દાખલ થાય છે અને પોતાની બેગમાંથી એક બરણી કાઢે છે. એ કહે છે, “આપણી પાસે માત્ર એક જ જીવન છે, આપણને એક જ જીવન જીવવાનું મળે છે. પણ એમાં આપણે જે કંઈ પ્રાપ્ત કરવા માગતા હોઈએ તે મેળવવાની ક્ષમતા છે- ખરેખર જે ઈચ્છીએ તે આપણે મેળવી શકીએ. શરત એટલી જ કે જો આપણે આપણો સમય યોગ્ય રીતે વાપરીએ તો, ગમે તેમ વેડફી ન નાખીએ તો.

આ બરણી હું લાવ્યો છું. જુઓ એમાં હું ગોલ્ફના બોલ ભરું છું. તમને બધાંને શું લાગે છે: બરણી આખી ભરાઈ ગઈ છે?”

“હા, સાહેબ” બધા વીદ્યાર્થીઓને બરણી ભરાઈ ગયેલી લાગે છે.

અધ્યાપક મહાશય એ બરણીમાં નાના નાના કાંકરા ભરે છે, અને પુછે છે: “હવે કેમ લાગે છે? બરણી આખી ભરેલી છે ને?”

બધાં ભાઈ-બહેનોને હવે તો બરણી ભરાયેલી લાગે છે. એમાં બીજું કશું ભરી શકાય એમ લાગતું નથી.

પણ પ્રોફેસર સાહેબ રેતી લાવ્યા હતા તે એ બરણીમાં ભરે છે. હવે તો બરણીમાં કોઈ જગ્યા કશું ભરવા બાકી રહી હોય એવું વીદ્યાર્થીઓને લાગતું નથી. બધાં આશ્ચર્યથી જોતાં રહે છે કે સાહેબ શું સમજાવવા માગતા હશે.

અને હવે સાહેબ બીયરની બે બોટલ કાઢીને ટેબલ પર મુકે છે, અને ધીમે રહીને બરણીમાં બીયર રેડે છે, જેને માટે થોડી જગ્યા હતી.

“જુઓ, આ બરણીને આપણા જીવનનું પ્રતીક સમજો. ગોલ્ફના બોલ જીવનમાં મહત્ત્વ ધરાવતી બાબતોના પ્રતીક તરીકે છે. જેમ કે આપણું કુટુંબ, આપણા મીત્રો, પોતાનું સ્વાસ્થ્ય, આકાંક્ષા વગેરે. કાંકરા બીજી અગત્યની બાબતોના પ્રતીક તરીકે છે: તમારી કાર, ઘર, વ્યવસાય વગેરે. રેતી બહુ ઉપયોગી ન હોય તેવી બાકીની બધી બાબતોના પ્રતીક તરીકે છે.

જો તમે બરણીમાં રેતી પહેલી ભરી દો તો એમાં આ બધા ગોલ્ફ બોલ અને કાંકરા ભરી શકાશે નહીં. જીવનનું આ સત્ય છે. જો તમે તમારી બધી શક્તી અને સમય નાની નાની બાબતોમાં વાપરતા રહો તો જીવનમાં મહત્ત્વ ધરાવતી બાબતો માટે સમય કે શક્તી બચી શકશે નહીં. તમારું ધ્યાન જીવનમાં અતી મહત્ત્વની બાબતોમાં કેન્દ્રીત કરો જે તમને સુખ પ્રદાન કરી શકે. પહેલું ધ્યાન ગોલ્ફ બોલો પર આપો, જે ખરેખર મહત્ત્વ ધરાવે છે. પ્રાયોરીટી નક્કી કરો. નક્કી કરો કે કઈ બાબતો માત્ર રેતીનું મહત્ત્વ ધરાવે છે.

એક જણ પુછે છે: “સાહેબ, બીયર શાનું પ્રતીક છે?”

“સરસ, તમે આ પુછ્યું તે સારું કર્યું. એ બતાવે છે કે તમે ગમે તેટલા જીવનમાં મહત્ત્વની બાબતોમાં ખોવાઈ ગયા હો, વ્યસ્ત હો તો પણ એકબે કલાક આનંદપ્રમોદ માટે નીકળી શકે છે. ખરેખર બરણી ભરાઈ ગયેલી લાગે, પણ એમ હોતું નથી.

સત્ય

જુલાઇ 12, 2016

સત્ય

(બ્લોગ પર તા. 12-7-2016)

જે દીવસે મૃત્યુ થશે, તે દીવસે બધા પૈસા બેન્કમાં જ રહી જશે.

જ્યારે આપણે જીવતા હોઈએ છીએ ત્યારે આપણને લાગતું હોય છે કે આપણી પાસે ખર્ચવા માટે પુરતા પૈસા નથી. સાચું તો એ છે કે જ્યારે મૃત્યુ થશે ત્યારે મોટા ભાગનું ધન ખર્ચ્યા વગરનું રહી જશે.

એક ચીની સોફ્ટવેર એન્જીનીઅરનું મૃત્યુ થયું. એ પોતાની વીધવા પત્ની માટે બેન્કમાં ૨.૯ મીલીઅન ડૉલર મુકી ગયો. પછી વીધવાએ જવાન નોકર સાથે લગ્ન કરી લીધાં.

નોકરે કહ્યું, “હું હંમેશાં વીચારતો હતો કે હું મારા માલીક માટે કામ કરું છું. પણ હવે મને સમજાયું કે આ તો માલીક આખી જીંદગી મારા માટે કામ કરતા હતા.”

બોધ: જરુરી તો એ છે કે વધારે ધન ભેગું કરવાને બદલે વધારે જીવવું.

સારા અને સ્વસ્થ શરીર માટે પ્રયત્ન કરો.

– મોંઘા ફોનના ૭૦% ફંક્શન બીનઉપયોગી રહી જાય છે.

– મોંઘી કારની ૭૦% સ્પીડનો ઉપયોગ જ નથી થતો.

– આલીશાન મકાનનો ૭૦% હીસ્સો હંમેશાં ખાલી જ રહે છે.

– પુરા કબાટમાંથી ૭૦% કપડાં તો પડ્યાં જ રહે છે.

– પુરા જીવનની કમાણીનો ૭૦% હીસ્સો બીજા માટે રહી જાય છે.

– ૭૦% ગુણોનો જીવનમાં ઉપયોગ પણ થતો નથી હોતો.

પણ જે ૩૦% વાપરીએ છીએ તે કેવી રીતે વાપરશો?

સ્વસ્થ હો તો પણ નીયમીત ચેકઅપ કરાવો. તરસ ના હોય તો પણ પાણી પીતા રહો. પોતાના અહંનો ત્યાગ કરો. શક્તીશાળી હોવા છતાં પણ સરળ અને સૌમ્ય રહો. ધનીક ના હો તો પણ પરીપુર્ણ રહો. જીવનનો સાચો મતલબ સમજો.

 

જીવનનું મુલ્ય

જૂન 26, 2016

જીવનનું મુલ્ય

બ્લોગ પર તા. 26-6-2016

પીયુષભાઈના ઈમેલમાંથી મળેલું. અંગ્રેજીમાંથી ગુજરાતી – ગાંડાભાઈ

એક માણસ ભગવાનને મળ્યો, અને પુછ્યું, “જીવનની કીમત શું?”

ભગવાને એને એક નાનો પથ્થર આપ્યો, અને કહ્યું કે આની કીમત શોધી લાવ, પણ એને વેચી દઈશ નહીં.

એ માણસ એક મોસંબી વેચનારને ત્યાં ગયો અને પુછ્યું, “આની કેટલીક કીમત આવે?”

મોસંબી વેચનારે એ ચળકતા પથ્થરને જોઈને કહ્યું, “હું તને એ પથ્થરના બદલામાં બાર મોસંબી આપું, જો તારે એ વેચવો હોય તો.”

એ માણસે માફી માગતાં કહ્યું કે ભગવાને મને એ વેચવાની ના પાડી છે.

એ આગળ ગયો ત્યાં એક શાકભાજી વેચનાર મળ્યો. “આ પથ્થરની કેટલીક કીમત હશે?” એણે શાકભાજી વેચનારાને પુછ્યું.

એ ફેરીયાએ ચમકદાર પથ્થર જોયો અને કહ્યું, “આ એક ગુણ બટાટાની લઈ જા, અને મને એ પથ્થર આપ.”

એ માણસે એની પણ માફી માગી અને કહ્યું કે એ વેચી શકે તેમ નથી.

આગળ જતાં એ એક ઝવેરીની શોપમાં જઈ ચડ્યો અને એ પથ્થરની કીમત પુછી.

ઝવેરીએ એ પથ્થરને લેન્સ નીચે મુકીને તપાસ્યો અને કહ્યું, “હું તને આના 50 લાખ રુપીયા આપીશ.” એ માણસે જ્યારે નકારમાં ડોકું હલાવ્યું તો ઝવેરી કહે, “સારું ભાઈ સારું, બે કરોડ લઈ લે, પણ પથ્થર મને આપ.”

એ માણસે ખુલાસો કર્યો કે આ પથ્થર એ વેચી શકે તેમ નથી. આગળ જતાં એણે એક હીરા-ઝવેરાતની દુકાન જોઈ. દુકાનદારને એણે પથ્થર બતાવ્યો અને કીમત પુછી.

જ્યારે હીરાના વેપારીએ એ મસમોટું માણેક જોયું તો એણે એક લાલ રુમાલ પાથર્યો, તેના પર એ માણેક મુક્યું અને એની પ્રદક્ષીણા કરી અને એણે માણેકની સામે માથું ટેકવ્યું.

“ભાઈ, આવું સુંદર, અલભ્ય માણેક જેની કીમત આંકી ન શકાય તેવું તું લાવ્યો ક્યાંથી?” એણે પુછ્યું. “હું આખું જગત અને મારું જીવન વેચી દઉં તો પણ આ અમુલ્ય માણેક ખરીદી ન શકું.”

આશ્ચર્યચકીત અને વ્યગ્ર એ માણસ ભગવાન પાસે પાછો ફર્યો, અને બનેલી બીના જણાવી. “ભગવાન હવે તો મને કહો કે જીવનની કીમત શું?”

ભગવાને કહ્યું, “મોસંબીનો વેપારી, શાકભાજીવાળો, ઝવેરી, હીરાનો વેપારી વગેરે પાસેથી તને મળેલા ઉત્તર આપણા જીવનની કીમત બતાવે છે. તમે એક હીરા જેવા કીમતી હો, કદાચ અમુલ્ય હો, પણ લોકો તમારી કીમત તો પોતાની જાણકારી મુજબ જ કરશે, તમારી બાબત તેમની માન્યતા અનુસાર, તેમની આશા-અપેક્ષા, મહત્ત્વાકાંક્ષા, તમને ખુશ કરવા પાછળ તેમનો ઈરાદો ને જોખમ ખેડવાની તેમની શક્તી, આવડત વગેરે મુજબ તમારી કીમત લોકો આંકશે. પરંતુ ગભરાઈશ નહીં, જરુરથી કોઈક તો તને મળશે જ જે તમારું સાચું મુલ્ય આંકશે.

ભગવાનની નજરમાં તમે ખુબ ખુબ મુલ્યવાન છો. હંમેશાં યાદ રાખો. તમે અદ્વીતીય છો. તમારું સ્થાન બીજું કોઈ પણ જણ લઈ ન જ શકે.