Archive for the ‘ભાષાશુદ્ધી’ Category

આરોગ્ય ટુચકા 431. આંખોની કાળાશ

ઓક્ટોબર 25, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 431. આંખોની કાળાશ : આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.

ગુજરાતી લખાણ

માર્ચ 18, 2016

ગુજરાતી લખાણ

(બ્લોગ પર તા. ૧૮-૩-૨૦૧૬ )

આજકાલ ગુજરાતી ભાષાના લખાણમાં ઘણી બધી ભુલો જોવામાં આવે છે. જે લોકો સાર્થ જોડણીકોશ મુજબ લખે છે તેમના લખાણમાં પણ હ્રસ્વ-દીર્ઘની ભુલો જોવામાં આવે છે. (હું એક જ ઈ-ઉ વાપરું છું.) એ ઉપરાંત અનુસ્વારની ભુલો, જ્યાં હોવું જોઈએ ત્યાં નથી હોતું અને જ્યાં ન હોવું જોઈએ ત્યાં એને પધરાવવામાં આવ્યું હોય છે.

મારો આશય એક જ ઈ-ઉની ચર્ચા કરવાનો નથી. ઉલટું મને કેટલાક વખત પહેલાં અનુભવ તો એવો થયેલો કે જે ભાઈ ઉંઝા જોડણી વાપરે છે, એના પ્રચારક છે, ગુજરાતીના શીક્ષક હતા, તેમણે જ જ્યારે “કસ્તુરબા માંદા પડ્યા” વાક્યમાં અનુસ્વાર હોવાં જોઈએ એમ મેં કહેલું તો એમણે ટીકા કરેલી, “અનુસ્વાર ન હોય તો કસ્તુરબા માદા નહીં પડે?”

પડે ભાઈ પડે. એટલે કે અર્થ લોકો સમજી જશે, પણ કોણ? જે ગુજરાતીથી પરીચીત હોય તે. તે જાણતા હોય છે કે કસ્તુરબા સ્ત્રીવાચક નામ છે. આથી અનુસ્વાર ન મુક્યાં હોય તો પણ જાણકાર લોકોને કોઈ મુશ્કેલી નહીં હોય. પણ કોઈ બીનગુજરાતી ગુજરાતી શીખતો હોય તેની બાબતમાં શું?

મારી જ વાત કરું. મને બરાબર યાદ છે. હું ઘણો નાનો હતો ત્યારે વિનોબા ભાવેનું નામ છાપામાં વાંચવામાં આવેલું. મને તે વખતે એમ લાગેલું કે વિનોબા કોઈ સ્ત્રી હશે-પાછળ લાગતા ‘બા’ને કારણે. (કસ્તુરબાની જેમ જ.) હવે જો અનુસ્વાર વીના કોઈ વાક્ય હોય “વિનોબા અહીં આવ્યા હતા.” તો ખબર પડે કે વિનોબા પુરુષ છે. પણ જો અનુસ્વાર મુક્યાં હોય તો? “વિનોબા અહીં આવ્યાં હતાં.” એટલે વિનોબા કોઈ સ્ત્રી હોવાં જોઈએ એમ ફલીત થાય.

ગુજરાતી લેક્સીકોન હાથવગુ (ખરેખર કંપ્યુટરવગુ? કે હવે તો બધાં જ ઓનલાઈન વીજાણુ સાધનવગુ) કરી આપનાર સહુનો અને ખાસ કરીને રતિલાલ ચંદરિયાનો ખુબ ખુબ આભાર. છતાં ખોટી જોડણી લોકો કેમ કરવાનું ચાલુ રાખે છે એ આશ્ચર્યજનક છે. પછી તમે એક જ ઈ-ઉ વાપરતા હો કે સાર્થ જોડણીકોશ મુજબની જોડણીનો ઉપયોગ કરતા હો. હા, તમારી જોડણી બાબત તમને શંકા થવી જરુરી છે, તો જ તમે સાચી જોડણી શું હશે તે જોવાનું વીચારશો ને?

પણ આજે તો ગુજરાતી લખનારાઓની બેદરકારી બહુ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખુબ પ્રસીદ્ધ લેખકોના લખાણમાં પણ પાર વગરની ભુલો જોવામાં આવે છે. વળી કેટલાક લોકો તો કહે છે કે ભાઈ, ગુજરાતી ભાષાને ચાલુ રાખવી હોય, વધુ ને વધુ લોકો એને વાપરતા રહે એમ ઈચ્છતા હો તો એની શુદ્ધતાની વેવલાઈ કરવાનું જવા દો. અર્થ સમજાવો જોઈએ.

હું કાળજી રાખું છું, અને મને સાચી જોડણી કરી હોય તે ગમે છે, તે પછી ઉંઝા જોડણી હોય કે એથી પણ વધુ સરળ બનાવેલી હોય. છતાં હું કબુલ કરું છું કે મારા લખાણોમાં પણ ભુલો રહી જાય છે, એકથી વધુ વખત તપાસવા છતાં. પણ લોકો કદાચ થોડી કાળજી રાખે એમ માની આ લખ્યું છે.

અનુસ્વાર-ક્યાંક સુકાળ, ક્યાંક દુકાળ

સપ્ટેમ્બર 21, 2008

અનુસ્વાર-ક્યાંક દુકાળ, ક્યાંક સુકાળ
આજે ગુજરાતી ભાષામાં અનુસ્વારના ઉપયોગમાં કેવી અરાજકતા છે, તેનાં ઉદાહરણો એક દૈનીકમાંથી આપું છું. જોડણીના ગોટાળા માત્ર હ્રસ્વ-દીર્ઘના જ છે એવું નથી. મને ખબર નથી કે આ બેદરકારી છે કે આજની ગુજરાતી ભાષા જ આ પ્રકારની છે? એક જ ‘ઈ-ઉ’વાળી જોડણીની ટીકા કરનારાઓને આ દેખાય છે ખરું? પેલા અજ્ઞાત ભાઈ જે નવી જોડણીની અભદ્ર શબ્દો વાપરી ટીકા કરે છે, તેમનું ધ્યાન આ બાબત પ્રત્યે છે ખરું? આ ઉદાહરણો તો એક જ અખબારમાંથી થોડા સમયમાં જ લીધાં છે.
(1) 20 વર્ષની પોલીસ કારકીર્દીમાં એમ.સી. શર્માને તેમની બહાદુરી માટે 6 પોલીસ મેડલથી સમ્માનિત કરવામાં આવ્યા હતાં. તેમણે પોતાની પોલીસ કારકીર્દીમાં 35 એન્કાઉન્ટર કર્યા હતાં. (‘આવ્યા’ માં અનુસ્વાર નથી, ‘હતાં’ માં છે. શું સમજવું? ‘શર્મા’ પુરુષ કે સ્ત્રી?)
(2) આ લોકોએ વેલ્વેટના અને ભરતકામ-જરીકામવાળા વસ્ત્રો પહેર્યા હતાં. (અહીં પણ “પહેર્યા હતાં”)
(3) સુનિતાનાં સસરાજી થાય.
(4) એને સારા દિવસો જતાં હતાં.
(5) એમના ચહેરા ઉપર પીડા અને પરેશાની બેય ફિફટી-ફિફટીનાં સરખા ભાગમાં વહેંચાયેલી અને લીંપાયેલી હતી.
(6) દવાઓનાં ત્રણ હજાર જુદા. (રુપીયા વીશે કહ્યું છે.)
(7) એટલે જે બે મુખ્ય પક્ષો છે એમાંના ભાજપને અને ખાંસ કરીને આડવાણીને ચૂંટણીઓ કરાવવાની બહુ ઉતાવળ છે.
(8) અને વડાપ્રધાન માયાવતી જ બનવાના! (જાણે માયાવતી પુરુષ હોય!)
(9) બન્ને કામ કોંગ્રેસે સાથે કરવાના રહેશે.
(10) ઘરમાં ઉડતા જીવડા વઘુમાં વઘુ ૧૪ જ દિવસ જીવે છે. અને ચોમાસાના જંતુ તો ૧૪ કલાક પણ નથી જીવતા!
(11) વિશ્વમાં ત્રણ ચતુર્થાંશ જંગલી પક્ષીઓના મરણ એમના જન્મ પછી ૬ મહિનામાં જ થાય છે.
(12) ‘સર, મારુંં માનવું છે કે આતંકવાદી પહેલા હવામાન ખાતામાં કામ કરતો હશે !’
(13) તમને પગાર તમારા માસી આપે છે ?’ ‘એ બીચારા ક્યાંથી પગાર આપવાના,
(14) અને દરેક વખત અમેરિકાનાં અખબારો ઉકળી ઉકળીને બર્નાર્ડ શૉને પ્રત્યુત્તર આપવામાં લાગી જતા હતા.
(15) આ બધા નામો કોઈ અંગ્રેજી પુસ્તકોના કે અંગ્રેજી ફિલ્મોના નથી પણ હિંદી ફિલ્મોના છે.