Archive for the ‘માહીતી’ Category

આરોગ્ય ટુચકા 301 પ્રેરણાદાયક

ફેબ્રુવારી 20, 2019

આરોગ્ય ટુચકા 301  પ્રેરણાદાયક: એક અંગ્રેજી ઈમેલમાંથી

 • વારંવાર હસો અને પુશ્કળ પ્રમાણમાં હસો.
 • બુદ્ધીશાળી લોકોમાં આદરપાત્ર બનો અને બાળકોના પ્રેમપાત્ર બનો.
 • પ્રામાણીક ટીકાકારોની કદરને યોગ્ય બનો.
 • બનાવટી મીત્રોની દગાખોરી સહી લો.
 • સૌંદર્યના કદરદાન બનો.
 • અન્યોના સદ્ગુણો નીહાળો.
 • દુનીયાને બહેતર છોડીને વીદાય લો – સ્વસ્થ સંતાન દ્વારા, સુંદર બગીચો બનાવીને અથવા સમાજનું ઋણ ચુકવીને.
 • અને હા, આ બાબતો તમારા આરોગ્યને પણ મદદકર્તા બની રહેશે. (ગાંડાભાઈ)

-Ralph Waldo Emerson

Advertisements

આરોગ્ય ટુચકા 300: આંખ વીશે જાણવા જેવું

ફેબ્રુવારી 15, 2019

આરોગ્ય ટુચકા 300: આંખ વીશે જાણવા જેવું

સામાન્ય રીતે માણસ એક મીનીટમાં 12 વખત આંખ પટપટાવે છે. એટલે કે આખા દીવસમાં આ પલકારા 10000 જેટલા થાય છે.

આંખમાં 20 લાખ કરતાં પણ વધુ કાર્યરત કોષો હોય છે.

મનુષ્ય આંખ 576 મેગા પીક્ષલ કેમેરા જેવી છે.

શરીરમાં આંખની એક માત્ર પેશીજાળ કોર્નીઆ એવી છે જેને લોહીની જરુર હોતી નથી.

આંખ 36000 બીટ્સની માહીતી એક કલાકમાં સંભાળે છે.

આપણી આંખના ડોળાનું વજન લગભગ 28 ગ્રામ જેટલું હોય છે.

આંખ ખુલ્લી રાખીને છીંક ખાવી અશક્ય છે.

ભારતમાં વીના મુલ્યે હોસ્પીટલ સારવાર

જાન્યુઆરી 3, 2019

ભારતમાં વીના મુલ્યે હોસ્પીટલ સારવાર

બહેન પ્રજ્ઞા વ્યાસ તરફથી મળેલ એક ઈમેલમાં આ સમાચાર સહુને જણાવવાનું કહેવામાં આવ્યું છે, એને અનુસરી આ માહીતી મારા બ્લોગ પર મુકું છું. આશા છે કે જરુરતમંદ લોકોને આપ આ માહીતી પહોંચાડશો.

વીના મુલ્યે હોસ્પીટલ સારવાર

આરોગ્ય ટુચકા 285  એસ્પીરીનના અન્ય 10 ઉપયોગો

નવેમ્બર 17, 2018

આ પ્રયોગો પોતાને અનુકુળ હોય તો જ કરવા. મેં પોતે અમલમાં મુકી આ માહીતીની ખાતરી કરી નથી તેની નોંધ લેવા વીનંતી.

આરોગ્ય ટુચકા 285  એસ્પીરીનના અન્ય 10 ઉપયોગો:

નોંધ: જેના પર કોઈ પણ પ્રકારનું પડ ચડાવવામાં આવ્યું ન હોય તે જ એસ્પીરીનનો નીચેની બાબતોમાં ઉપયોગ કરવાનો હોય છે.

 1. ચહેરા પરના ખીલ દુર કરવા: 3-4 એસ્પીરીનનું ચુર્ણ કરી લીંબુના રસમાં પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર લગાવી પંદરેક મીનીટ સુધી રહેવા દઈ ચહેરો પાણીથી ધોઈને સ્વચ્છ કરો. ખીલ સારા ન થાય ત્યાં સુધી આ ઉપચાર કરતા રહો.
 2. વાળ દુરસ્ત કરવા માટે: 10 એસ્પીરીનને એક કપ હુંફાળા પાણીમાં ઓગાળો. આ મીશ્રણને ચોખ્ખા વાળમાં લગાવી પંદરેક મીનીટ રહેવા દો. આ પછી વાળ ધોઈ કાઢતાં એ ચમકદાર થઈ જશે.
 3. કપડાં પર પડેલા પરસેવાના ડાઘ દુર કરવા: કપડાં પરના પરસેવાના ડાઘા દુર કરવા બહુ મુશ્કેલ હોય છે. પણ એમાં એસ્પીરીન અકસીર છે. થોડી એસ્પીરીન હુંફાળા પાણીમાં ઓગાળો. એને પરસેવાના ડાઘા પર લગાવી આખી રાત રહેવા દઈ બીજે દીવસે ધોવાથી ડાઘા જતા રહેશે.
 4. ફુલોને વધુ સમય તાજાં રાખવા: ફ્લાવરવાઝના પાણીમાં થોડી એસ્પીરીન ઓગાળી દેવાથી ફુલ લાંબા સમય સુધી તાજાં રહે છે.
 5. મચ્છરના ડંખ પર: માખી-મચ્છર કરડ્યાં હોય અને ખંજવાળ આવતી હોય તો એકાદ મોટી ચમચી જેટલા પાણીમાં એસપીરીન ભીજવી ડંખ પર દસેક મીનીટ મુકી રાખવાથી ખંજવાળ, દુખાવો, સોજો બધું જ સારું થઈ જશે.
 6. ઉંદરી: ઉંદરીને લીધે માથાના વાળ ખરવાની સમસ્યામાં બે એસ્પીરીનનું ચુર્ણ વાળ ધોવાના શેમ્પુમાં મીક્સ કરીને વાળ ધોવાથી એ સમસ્યા દુર થશે.
 7. સાબુના ડાઘા: સીન્કમાં પડેલા સબુના ડાઘા દુર કરવા માટે થોડી એસ્પીરીનનું ચુર્ણ સીન્ક ધોવાના પ્રવાહીમાં મીક્સ કરીને ડાઘા પર લગાડી અર્ધો કલાક રહેવા દઈ પછી ધોવાથી સરળતાથી ડાઘા નીકળી જશે.
 8. પગની કણી-કપાસીની સમસ્યા: પગની કણી દુર કરવા જેના પર કોઈ પડ ચડાવેલું ન હોય તેવી 7 એસ્પીરીનનું ચુર્ણ કરી એક ચમચી લીંબુના રસમાં પેસ્ટ બનાવો. પગના તળીયા પર આ પેસ્ટ લગાવીને ગરમ કપડું લપેટી દો. એને દસેક મીનીટ સુધી રહેવા દઈ ધોઈ કાઢવાથી કપાસીની સમસ્યાથી છુટકારો મળશે.
 9. ચહેરાની સુંદરતા વધારવા: ત્રણ ચમચા દહીં અને એક ચમચો મધ લઈ તેમાં સાત એસ્પીરીનનું ચુર્ણ મીક્સ કરો. એને ચહેરા પર લગાવી 15 મીનીટ સુધી રહેવા દઈ ચહેરો ધોઈ નાખો.
 10. કારની બેટરી સજીવન કરવી: રસ્તામાં અચાનક કારની બેટરી ડેડ થઈ જાય તો બે એસ્પીરીન બેટરીમાં નાખતાં એમાંના સેલીસેલીક એસીડની સલ્ફ્યુરીક એસીડ સાથે પ્રતીક્રીયા થતાં બેટરી થોડો વખત ચાલી શકે તેટલી ચાર્જ થશે, જેથી તમે નજીકના સર્વીસ સ્ટેશન પહોંચી શકો.

આરોગ્ય ટુચકા 284 ઈન્દ્રીઓ

નવેમ્બર 9, 2018

આરોગ્ય ટુચકા 284   ઈન્દ્રીઓ: (ક્યાંકથી મળેલું) જે લોકો દૃષ્ટીનું વરદાન પામ્યાં છે એમને માટે એક સુચન : આવતી કાલે અંધાપો આવવાનો છે એમ માનીને તમારાં નેત્રોનો ઉપયોગ કરજો. અને, અન્ય ઇન્દ્રીયોની બાબતમાં પણ એવું જ કરજો : ગીતો સાંભળજો, પંખીગાન સુણજો, અનેક વાદ્યોના લહેરાતા સમુહ-સ્વરોને કાનમાં ભરી લેજો – એમ માનીને કે આવતીકાલે જ તમે શ્રવણેન્દ્રીય ગુમાવવાના છો. દરેક પદાર્થને એમ સમજીને સ્પર્શી લેજો કે તમે સ્પર્શનું સંવેદન ખોઈ બેસવાના છો. હરએક પુષ્પના પરીમલનું પાન એ રીતે કરી લેજો કે જાણે ગંધ તમારા નાસીકાદ્વારે ફરી આવી શકવાની નથી. પ્રીય સ્વાદ માણી લેજો – કદાચ સ્વાદેન્દ્રીય દગો દેવાની હોય. સર્વ ઇન્દ્રીયોને મહત્તમ માણજો, આનંદનો પ્રત્યેક આહ્‌લાદ ગ્રહી લેજો. પ્રકૃતીએ નીર્મેલાં સૌંદર્ય અને આનંદનાં સકલ નીમીત્તો સેવી લેજો, પણ સર્વ ઇન્દ્રીયોમાં ચક્ષુ એ સહુથી વધુ આનંદદાયક છે એવું માનજો.

આરોગ્ય ટુચકા 283. કીચન ટીપ્સ

ઓક્ટોબર 31, 2018

આપને અનુકુળ જણાય તો જ આ ટીપ્સ અજમાવવી. વીપરીત અસર જણાય તો એની જવાબદારી આ માહીતી આપનારની રહેશે નહીં તેની નોંધ લેવા વીનંતી.

આરોગ્ય ટુચકા 283.  કીચન ટીપ્સ: (મને મળેલ એક અંગ્રેજી ઈમેલ પરથી)

 1. સ્ટ્રોબેરીને ફ્રેશ રાખવા માટે એક વાસણમાં પાણી લઈ તેમાં થોડો એપલ સાઈડર વીનેગર નાખો. સ્ટ્રોબેરીના બોક્ષનું ઢાંકણ ખોલી આ પાણીમાં એને ઝબોળીને પછી ઢાંકીને ફ્રીજમાં રાખવાથી ઘણા વખત સુધી એ બગડશે નહીં.
 2. બ્રેડને બગડતી અટકાવવા માટે બ્રેડની બેગમાં સેલેરીનો મોટો ટુકડો મુકી રાખવો.
 3. દુધને બગડતું અટકાવવા માટે એની બોટલમાં સહેજ મીઠું (નમક) નાખી બોટલને બરાબર હલાવવી અને પછી ફ્રીજમાં રાખવી. (જો કે આયુર્વેદ મુજબ દુધ અને સીંધવ સીવાયનું મીઠું સાથે લઈ શકાય નહીં, એ વીરોધી આહાર ગણાય છે. આથી માત્ર સીંધવ મીઠું જ વાપરવું.)
 4. કેળાંને બગડતાં અટકાવવા માટે એની લુમના ડીચા પર પ્લાસ્ટીક વીંટાળી ડીચાને પુરેપુરું ઢાંકી દેવું.
 5. ભાજીનાં પાંદડાંને કીચન ટાઉલમાં વીંટાળી કન્ટેનરમાં ઢાંકીને ફ્રીજમાં રાખવાથી લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.

જપાન

જુલાઇ 5, 2018

જપાન

(બ્લોગ પર તા. 5-7-2018 )

પિયુષભાઈના ઈમેલમાંના અંગ્રેજી વીડીઓ પરથી

અગણીત કારણોસર જપાન અદ્ભુત છે. પણ એની મહત્ત્વની બાબતને ત્રણ શબ્દોમાં મુકી શકાય: અન્યોનું ધ્યાન રાખવું. જપાનમાં લોકો બીજાઓનું ધ્યાન રાખીને વર્તે છે. એક સામાન્ય બાબત જોઈએ. એસ્કેલેટરનો ઉપયોગ કરતી વખતે બધા જ લોકો એવી રીતે એક લાઈનમાં રહે છે કે જેથી બીજાં લોકોને જલદી જવું હોય તો જવાની જગ્યા મળી રહે. બીજા દેશોમાં આ અંગે સુચના લખી રાખી હોય છે, પણ તેને ધ્યાનમાં લઈ એનો અમલ કોઈ કરતું હોતું નથી.

જપાનમાં દરેક જણ યોગ્ય રીતે વર્તે છે, જેથી જીવવું બીજાં બધાંને માટે સરળ  બની રહે. ભરચક સબવેમાં પણ તમે એક ઉંઘ ખેંચી લઈ શકો, કેમ કે ત્યાં કોઈ જાતની વાતચીત લોકો કરતાં હોતાં નથી, બીલકુલ શાંતી હોય છે.

જપાનમાં બધી જ શેરીઓ તદ્દન સ્વચ્છ હોય છે, કેમ કે લોકો કચરો ગમે ત્યાં ફેંકતાં નથી. જપાનમાં તમે જાણે રાજવંશી હો એવું અનુભવશો, કેમકે લોકો તમને નમી નમીને સ્મીત સહીત તમારી સેવા બજાવશે. ત્યાંની સંસ્કૃતી માની ન શકાય તેવું સલામત વાતાવરણ પેદા કરે છે, જે આજના સમયનું એક આશ્ચર્ય છે. ઘણી ઘરાકીવાળાં ખાવાના કાફેમાં પણ તમે તમારો ફોન કે લેપટોપ ભુલી જાઓ તો પણ એ ચોરાઈ નહીં જાય. તમારી સાઈકલ તમે બહાર મુકીને શોપમાં જાઓ, અને પાછા આવો ત્યારે તમને એ ત્યાં જ જોવા મળશે. એને લોક કરેલી ન હોય અને કોઈ પણ એ લઈને ચાલતું થઈ શકે તેમ હોય તો પણ. કેમ કે જપાનમાં એવું કોઈ કરતું જ નથી. ઈગ્નીશનમાં ચાવી રહી ગયેલી હોય તેવાં સ્કુટર પણ તમને શેરીઓમાં જોવા મળશે.

જે સમાજે લોકો બીજાંઓની દરકાર કરે એવી સંસ્કૃતી વીકસાવી હોય ત્યાં જીવન સહુને માટે સુગમ બની જાય છે. આ બોધ બાકીની દુનીયાએ જપાન પાસેથી લેવા જેવો છે.

મૃત્યુ સમયે દીલગીરી

જૂન 8, 2018

મૃત્યુ સમયે દીલગીરી

(બ્લોગ પર તા. 8-6-2018 )

એક ઑસ્ટ્રેલીઅન નર્સે સેંકડો દર્દીઓની તેમના અંતીમ દીવસોમાં સંભાળ લીધી હતી. એ કહે છે કે જ્યારે દર્દી છેલ્લા શ્વાસ લેતો હોય છે ત્યારે એને સૌથી વધુ પસ્તાવો થતો હોય તે વીષે એ જણાવે છે. એમાં લોકોએ વધારેમાં વધારે જે પાંચ હકીકત કહી છે તે નીચે મુજબ છે.

 1. જે રીતનું જીવન જીવવાની મારી ઈચ્છા હતી તે મુજબ જીવવાની હીંમત મારાથી રાખી શકાઈ નહીં, પણ બીજાં લોકો જે ઈચ્છતાં હતાં તે મુજબ જીવન જીવાઈ ગયું. મારું જીવન મારી રીતે જીવી ન શકાયું એનો મને પસ્તાવો થાય છે.
 2. મને પસ્તાવો થાય છે કે મારા જીવનમાં મારે આટલી સખત મહેનત કરવી જોઈતી ન હતી.
 3. મને એ બાબત પસ્તાવો થાય છે કે મારી લાગણી મારાથી વ્યક્ત કરી ન શકાઈ. મારામાં એ જણાવવાની હીંમત હોત એમ હું ઈચ્છું છું.
 4. મને પસ્તાવો થાય છે કે મારાથી મારા મીત્રોના સંપર્કમાં રહી ન શકાયું.
 5. મને પસ્તાવો થાય છે કે મેં મારી જાતને આનંદ માણવા ન દીધો. મારાથી સતત આનંદમાં રહી ન શકાયું.

જીવન દરમીયાન આપણે ધન-વૈભવ પાછળ દોડીએ છીએ, અને સ્વાસ્થ્ય, પરીવાર કે નીતી-ધર્મની પરવા કરતાં નથી. કદાચ આમાં બદલાવ લાવવાનો સમય પાકી ગયો છે. આપણે સમયસર ચેતી જવું જોઈએ અને જીવનમાં યોગ્ય બાબતોને જ મહત્ત્વ આપવું જોઈએ.

આરતી અને રાકેશ

જૂન 4, 2018

આરતી અને રાકેશ

(બ્લોગ પર તા. 4-6-2018 )

(નોંધ: કેટલાંક વર્ષ પહેલાં એક લગ્ન વખતે મેં કહેલા આ શબ્દો અહીં રજુ કરું છું. વર-વધુનાં આ બંને નામ સાચાં છે. એ નામોના અર્થનો વીચાર કરતાં મને બહુ સુખદ આશ્ચર્ય થયેલું, આથી જ આ સરસ યુગલ વીશે અહીં મુકવાની ઈચ્છા થઈ.)

આરતી અને રાકેશ આજે લગ્નગ્રંથી વડે જોડાયાં. ગ્રંથી એટલે ગાંઠ. આ બંને નામોનો કેવો સરસ મેળ છે એ વીશે અને આ ગાંઠ બાબત પણ જરા વીચારવા જેવું છે, તેના વીશે થોડી વાત જોઈએ. લગ્નની ગાંઠ એ બીજી ગાંઠ જેવી સ્થુળ નથી, સુક્ષ્મ છે. સ્થુળ ગાંઠ તો કઠે, ખુંચે, દેખાયા કરે, પણ આ ગાંઠ એવી નથી. જેમણે સુતર કાંત્યું હશે (આપણા દેશ ભારતમાં ઘણા સમય સુધી મેં જાતે કાંતેલા સુતરની ખાદીનાં કપડાં પહેર્યાં હતાં.) તેમને ખ્યાલ હશે કે કાંતતી વખતે તાર તુટી જાય તેને સાંધીએ ત્યારે ગાંઠ દેખાતી હોતી નથી, જોડવા છતાં. આ ગાંઠ તેવી છે. આ જોડાણ તેવું છે.

બીજી એક વાત કહું? આપણા ભારતીય સમાજમાં બે પ્રકારે સંબંધો બને છે, જન્મથી અને સગાઈથી. માબાપ અને સંતાન, ભાઈ અને બહેન, કાકા અને ભત્રીજા વગેરે ઘણા બધા સંબંધો જન્મથી બને છે. અને અરસપરસ પ્રેમ, લાગણી જન્મે છે. પણ લગ્નનો સંબંધ સગાઈથી બને છે. પહેલાં તો એની વીધી કરવામાં આવતી, આજે પણ કેટલાક લોકો પરંપરાને અનુસરી એ સગાઈની વીધી કરે છે, પણ આજે ખરેખર આ સંબંધ સગાઈથી નહીં પ્રેમ વડે બને છે. બે વ્યક્તી પહેલાં તો એકબીજાથી અજાણ હોય છે, પછી પરીચયમાં આવે છે અને એકબીજા પ્રત્યે પ્રેમ જન્મે છે. પછી સગાઈ થાય છે. પહેલાં સગાઈ થતી અને પછી પ્રેમ. કેમ કે પહેલાં લગ્નો ગોઠવવામાં આવતાં અને પછી સગાઈ કરવામાં આવતી.

હવે જોઈએ આરતીની વાત. આરતી શબ્દનો એક અર્થ છે ઈચ્છા, હોંસ. પણ આરતીનો બીજો પણ બહુ અગત્યનો અર્થ છે અને તે છે શાંતી, વીરામ. હવે આપણે જાણીએ છીએ કે ઈચ્છા, હોંસ પુરી થયા પછી શાંતી થાય, વીરામ આવે. આમ આ બે અર્થ એક જ શબ્દમાં છે. કેવું સરસ ચમત્કારી નામ છે!! પણ થોભો, હજુ વધુ આશ્ચર્ય છે આ નામના અર્થમાં. આરતી શબ્દનો ત્રીજો અર્થ છે વૈરાગ્ય, ત્યાગવૃત્તી, નીવૃત્તી. છે ને અદ્ભુત મેળ!!! શાંતી મળ્યા પછી, વીરામ કર્યા પછી ત્યાગવૃત્તી, વૈરાગ્ય જન્મે. અને પછી આપોઆપ નીવૃત્તી આવે.

અને રાકેશ એટલે? રાકેશ શબ્દનો અર્થ જાણો છો? હા, એ અર્થ પણ બહુ મઝાનો છે. રાકેશ શબ્દ બન્યો છે રાકા અને ઈશ વડે. રાકા એટલે પુર્ણીમા, ઈશ એટલે સ્વામી. પુર્ણીમાનો સ્વામી કોણ? ચંદ્રમા. આમ રાકેશ એટલે પુર્ણીમાનો ચંદ્રમા. પણ આ ચંદ્રને ભગવાન શંકરે ધારણ કર્યો છે. આથી રાકેશનો બીજો અર્થ શંકર ભગવાનનું નામ પણ છે. અને શંકર ભગવાન અને વૈરાગ્યના ગાઢ સંબંધ વીશે તો બધા જાણે જ છે. છે ને સુંદર મેળ આરતી અને રાકેશ!!

વૃદ્ધાવસ્થા વીશેની ભ્રમણાઓ

મે 17, 2018

વૃદ્ધાવસ્થા વીશેની ભ્રમણાઓ

(બ્લોગ પર તા. 17-5-2018)

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

૧. ઘરડા થતાં કાયમ માંદા રહી બીજાંઓને ભારરુપ થઈ જઈશું: આ માન્યતા બરાબર નથી. ઉંમર વધવાથી શારીરીક શક્તી ઘટે છે, પરંતું યોગ્ય પોષક તત્ત્વોવાળો પાચક આહાર પોતાની પાચનશક્તી અનુસાર લેવામાં આવે, કસરત અને યોગ કરવાનું ચાલુ રાખવામાં આવે તો માંદા પડવાની શક્યતા ઘટી જાય છે.

૨. ઘડપણમાં હાડકાં નબળાં પડી જાય છે: જો પુરતું ધ્યાન રાખી પચી શકે તેવા કેલ્શીયમયુક્ત પાદાર્થોનો યોગ્ય પ્રમાણમાં આહારમાં સમાવેશ કરતા રહેવામાં આવે તો હાડકાં બાબત ખાસ કોઈ સમસ્યાનો ડર રાખવાની જરુર નથી.

૩. ઉમ્મર વધતાં સાંધાઓમાં દુખાવો થાય જ: એ ખરું કે વધતી ઉમ્મર સાથે પાચનશક્તી નબળી પડે આથી વાયુવીકારની શક્યતા રહે. એનાથી દુખાવો થાય. પરંતુ જો ખાવાપીવામાં યોગ્ય કાળજી રાખવામાં આવે અને ઉપર જણાવ્યું તેમ યોગ્ય કસરત, ખાસ કરીને યોગાસનની કસરત કે ચાલવાની કસરત અથવા તમને અનુકુળ કોઈ પણ કસરત કરવાનું કે રમત રમવાનું ચાલુ હોય તો આ મુશ્કેલી પણ મોટા ભાગે નીવારી શકાય તેમ છે.

૪. ઘરડાં લોકોની ઉંઘ ઓછી થઈ જાય છે: આ પણ એક ભ્રમણા છે. કેમ કે ઉંઘનો આધાર માણસની માનસીક સ્થીતી પર રહે છે. જો કોઈ સમસ્યા સતાવતી ન હોય, કોઈ બાબત ચીંતા કરતા રહેવાની ટેવ ન રાખો તો ઉંઘની સમસ્યા રહેતી નથી. કેટલાક વૃદ્ધ લોકો પોતાની યુવાનીમાં જેટલી ઉંઘ લેતા હોય તેના કરતાં વધુ ઉંઘ પણ લેતા હોય છે. કેમ કે તેમને હવે નોકરીએ જવાનું, દુકાન ચલાવવાનું કે કોઈ પણ વ્યવસાયમાં રોકાવાનું ન હોવાથી વધુ સમય ઉંઘ માટે મળી રહે છે, જેનો લાભ તેઓ નીરાંતે ઉંઘવામાં લઈ શકે છે. હા, એ ખરું કે આઠ કલાકથી વધારે ઉંઘવાથી કોઈ વધુ ફાયદો થાય એમ માનવાની જરુર નથી. સીવાય કે કોઈ શારીરીક તકલીફને કારણે વધુ આરામની જરુર હોય.

૫. વૃદ્ધ લોકોને એકલતા પસંદ હોય છે: હવે તો ઘણા લોકો નીવૃત્ત થવાને બદલે નોકરી કે વ્યવસાયમાં ચાલુ  રહેવાનું અથવા તો કોઈ બીનવેતન સેવા કરવાનું પસંદ કરે છે. પ્રવૃત્તીમય રહેતા લોકોને જીવન જીવવાનું વધુ સરળ લાગે છે, અને તેઓ બીજાઓની સરખામણીમાં લાંબું જીવતા પણ જોવા મળે છે. કારણ કે એ રીતે વધુ ને વધુ મીત્રો મળી રહે અને મીત્રોના સંપર્કમાં રહેવાથી જીવન આનંદીત રહેતાં વધુ જીવવાની સંભાવના રહે છે.

૬. માનસીક શક્તીમાં ઘટાડો: બધા લોકોની બાબતમાં આમ બનતું નથી. કેટલાક લોકોનું મગજ વૃદ્ધાવસ્થામાં પણ ખુબ તેજ હોય છે. મગજને પોષણ આપનાર સુપાચ્ય આહારદ્રવ્યો લેવાનું ચાલુ રાખવાથી માનસીક શક્તીમાં ઘટાડો થવાની ચીંતા કરવાની જરુર રહેતી નથી. યાદ રાખવા માટેની કેટલીક ટ્રીક પણ હોય છે, જેનાથી સ્મરણશક્તી જાળવી રાખી શકાય. એક ટ્રીક હું વાપરું છું તે પતી-પત્નીના નામના આદ્યાક્ષરો જેમ કે દિન – દિલીપ અને નયના. આવી અન્ય જુદી જુદી ટ્રીક તમે તમારા માટે શોધીને, બનાવીને વાપરી શકો.

૭. વૃદ્ધ લોકોની કાર્યક્ષમતા નજીવી થઈ જાય છે: એવું નથી. ઘડપણમાં પણ દરેક પ્રકારની કાર્યક્ષમતા જાળવી શકાય છે. વૃદ્ધોએ બધી બાબતમાં બીજાઓ પર જ આધાર રાખવો પડે છે એમ માનવાની જરુર નથી. એથી ઉલટું ઘણી બાબતોમાં એમની સલાહ પોતાના વીશાળ અનુભવને લઈને બહુ જ કીમતી હોય છે.

૮. ખાવાપીવામાં ફેરફાર: આ બાબતનું ખાસ ધ્યાન વૃદ્ધ લોકોએ રાખવાનું રહે છે. જો શારીરીક અને માનસીક બધા પ્રકારનું સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય તો યુવાનીમાં જે પ્રકારના અને જે પ્રમાણમાં આહાર અને વીહાર હતા તે ચાલુ રાખી શકાય નહીં. પહેલાં કરતાં હવે વૃદ્ધ થયા પછી આહાર-વીહારમાં પોતાને શું અને કેટલું અનુકુળ છે તેનો ખ્યાલ કરીને તે મુજબ જ પસંદગી કરવી જોઈએ.

૯. શરીર-મન પર ઉંમરની અસર દેખાવી સ્વાભાવીક છે: એમાં કોઈ તથ્ય નથી. અમુક બાબતો આપણે બદલી શકતા નથી, પણ આપણા વીચાર અને દૃષ્ટીકોણ પોતાને વીશે તેમ જ અન્ય લોકો બાબત, આપણી જીવનશૈલી વગેરે ઉપર ઉંમરની અસર દેખાવાનો આધાર રહેલો છે. આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો પોતાની ઉંમર કરતાં ઘણા જ યુવાન દેખાતા હોય છે. જો આપણે પોતાને બધી રીતે સ્વસ્થ રાખી કાયમ યુવાન જોતા રહીએ તો શરીર-મન પર ઉંમરની કોઈ ખાસ અસર આપણે ધારીએ તેવી દેખાશે નહીં.