Archive for the ‘રાજકારણ’ Category

આપણા નેતા મહાશય

જૂન 7, 2016

આપણા નેતા મહાશય

બ્લોગ પર તા. 7-6-2016

(બી.જે. મિસ્ત્રીના સૌજન્યથી એમણે મોકલાવેલ ઈમેલમાંથી

હીન્દીમાંથી ગુજરાતીમાં સહુની જાણ માટે)

ચુંટણી નજીક આવી ગઈ. નેતાજી પ્રચાર માટે નીકળી પડ્યા.

નેતાજી: હા, હવે ખરો સમય છે.

જનતા: શું તમે દેશને લુંટવાનો ધંધો કરશો?

નેતા: બીલકુલ નહીં.

જનતા: અમારા માટે કામ કરશો ને?

નેતા: હા, હા. પુશ્કળ.

જનતા: મોંઘવારી વધારશો?

નેતા: એ બાબતમાં તો વીચારશો જ નહીં.

જનતા: આપ અમને નોકરીએ લગાડવામાં મદદ તો કરશો ને?

નેતા: હા, જરુર કરીશ.

જનતા: શું તમે દેશમાં ભ્રષ્ટાચાર કરશો?

નેતા: પાગલ થયા છો, જરા પણ નહીં.

જનતા: શું અમે તમારા પર ભરોસો રાખી શકીએ?

નેતા: હા.

જનતા: નેતાજી…

ચુંટણી જીતીને નેતાજી જનતા વચ્ચે આવ્યા.

હવે તમે આને નીચેથી ઉપર વાંચતા જાઓ.

૨૬ જાન્યુઆરી ૨૦૧૦

ફેબ્રુવારી 3, 2014

૨૬ જાન્યુઆરી ૨૦૧૦

મેરા ભારત મહાન!

(પ્રજાસત્તાક દીને મને વેલીંગ્ટન ઈન્ડીયન એસોસીયેશન તરફથી ધ્વજવંદન માટે આમંત્રણ આપવામાં આવેલું. તે સમયે કહેલા બે શબ્દો.)

નમસ્તે.

 ૧૫ ઑગષ્ટ ૧૯૪૭ના રોજ ભારત દેશ આઝાદ થયો, પછી એનું નવું બંધારણ ઘડવામાં આવ્યું, જેનો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી કરવામાં આવ્યો. એટલે કે શાસનની સત્તા પ્રજાના હાથમાં આવી. આથી આજનો દીવસ ભારતનો પ્રજાસત્તાકદીન છે. ઑગષ્ટ ૧૯૪૭થી જન્યુઆરી ૧૯૫૦ સુધી દેશ આઝાદ હોવા છતાં એનો વહીવટી વડો તો ઈંગ્લેન્ડનો રાજા જ્યોર્જ છઠ્ઠો હતો. તેના વતી ગવર્નર જનરલ લૉર્ડ માઉન્ટ બેટન દીલ્હીમાં બેઠો હતો. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દીવસે ગવર્નર જનરલ વીદાય થયા અને ભારતના રાષ્ટ્રપતી એ સ્થાને આવ્યા. પ્રથમ રાષ્ટ્રપતી હતા ડૉ. રાજેન્દ્ર પ્રસાદ.

આઝાદી પછીનાં આટલાં વર્ષોમાં ભારત દેશે ખુબ ખુબ પ્રગતી કરી છે. આઝાદી સમયે તો એ ગરીબ દેશો પૈકીનો એક દેશ હતો. ભુતકાળની મોટાભાગની સમૃદ્ધી ગુલામી કાળમાં ઈંગ્લેન્ડ ખેંચી ગયું. હવે આજે ભારત કેટલો સમૃદ્ધ છે તેનો ખ્યાલ આ એક જ વાત પરથી મળશે. ઈન્ટરનેટ પર હાલમાં જ મેં એક અખબારમાં વાંચ્યું કે ૨૦૧૨ સુધીમાં એટલે કે માત્ર બે જ વર્ષમાં આર્થીક રીતે સમૃદ્ધ દેશોમાં ભારત દુનીયામાં ત્રીજા ક્રમે હશે. ભારતે બધાં જ ક્ષેત્રોમાં પ્રગતી કરી છે.

આજે પ્રજાસત્તાકદીને મારે જે ખાસ વાત કહેવી છે તેના પ્રત્યે દેશમાં રહેતા કે દુનીયામાં બીજે રહેતા કોઈ પણ ભારતીયનું ધ્યાન કેમ જતું નથી તે બહુ જ દુખદ અને આશ્ચર્યજનક છે. આજ સુધીમાં આ વીષે કોઈ બોલ્યું હોય એવું મારી જાણમાં નથી. (નોંધ: તા. ૪ ઑક્ટોબર ૨૦૧૩ના ‘દિવ્ય ભાસ્કર’માં રાહુલ ગાંધીએ નીચે મુજબ કહ્યું હોવાનું વાંચવા મળ્યું:

“દેશમાં જો સાચી લોકશાહી લાવવી હશે તો આ ડિસીસન મેકીંગ ગ્રાસરૂટ લેવલ સુધી લોકોના હાથમાં આપવું પડશે. હું એજ કામ કરૂં છું. મારા પિતાનું આ સપનુ હતું અને જો આજે તેઓ જીવતા હોત તો તેઓ પણ આ જ કરતા હોત.”)

આનો સ્પષ્ટ અર્થ એ થયો કે રાજીવ ગાંધીએ પણ આ વીષે વીચારેલું ખરું, પણ કશું કરી શક્યા નહીં. રાહુલ ગાંધી કહે છે કે એ આ કામ કરી રહ્યા છે. ખરેખર?

બહુ ટુંકાણમાં કહીશ આથી કદાચ સ્પષ્ટતા ન થવાની શક્યતા છે. ભારત પ્રજાસત્તાક છે, બરાબર છે, પ્રજા જ રાજ્ય કરે છે-દરેક કક્ષાએ, ગ્રામપંચાયત, તાલુકાપંચાયત, જીલ્લાપંચાયત, રાજ્યસરકાર, કેન્દ્રસરકાર. બધે પ્રજાએ ચુંટેલા પ્રતીનીધીઓ હોય છે. કોઈ રાજા નથી, નામ પુરતા રાજ્યપાલ (ગવર્નર) અને રાષ્ટ્રપ્રમુખ(ગવર્નર જનરલ) હોય છે, પણ તેની પાસે ખાસ સત્તા હોતી નથી. અને એની નીમણુંકમાં પ્રજા સીધી સંડોવાયેલી પણ હોતી નથી. પણ ખરેખર આજે દેશમાં પ્રજાના પ્રતીનીધીઓ રાજ કરે છે ખરા? હજારો વર્ષ પહેલાં પણ ભારતમાં લોકશાહી હતી એમ કહેવાય છે. તે જનપદો કહેવાતાં. પણ આજે જે રીતે પ્રજાના પ્રતીનીધીઓ નક્કી થાય છે તે રીતે જ ત્યારે પણ થતા હશે કે કઈ રીતે થતા તેની કશી માહીતી મારી પાસે નથી.

લોકશાહીમાં ઓછામાં ઓછા બે પક્ષો જોઈએ. ભારતમાં છે, અનેક છે. પક્ષોના પોતાના સભ્યો હોય છે. તેનાં સંગઠનો હોય છે-દરેક સ્ટેજે, ઉપર જણાવ્યું છે તેમ તાલુકા, જીલ્લા, રાજ્ય, કેન્દ્ર(એટલે કે દેશની કક્ષાએ). આ દરેક કક્ષાએ ચુંટણી વખતે ઉમેદવારો ઉભા રહે. આ ઉમેદવારો કોણ નક્કી કરે? અહીં ન્યુઝીલેન્ડમાં તો દરેક મતવીસ્તારમાં બધા પક્ષોના પોતપોતાના પ્રાથમીક સભ્યોનાં મંડળો હોય છે, ઉમેદવાર એ મંડળો બહુમતીથી નક્કી કરે. ભારતમાં? ત્યાં એવું નથી. ત્યાં ઉમેદવારની મંજુરી દીલ્હીથી લેવાની હોય છે. રાજ્ય માટે પણ પક્ષનો આખા દેશનો જે વડો(હાઈ કમાન્ડ) હોય તેની મંજુરી લેવી પડે. અને  બધા પક્ષોમાં આ જ પ્રથા છે, માત્ર જુનામાં જુના રાજકીય પક્ષ કોંગ્રેસમાં જ નહીં. રાજકીય ચુંટણીમાં એટલે કે પાર્લામેન્ટ અને વીધાનસભાની ચુંટણીમાં આમ થાય અને રાજકીય પક્ષોની ચુંટણીમાં જીલ્લા અને રાજ્યના પક્ષના પ્રમુખની પસંદગી પણ જે તે પક્ષનો દેશ કક્ષાનો વડો કરે.

આ પ્રથા આઝાદી પહેલાંથી ચાલી આવે છે. ૧૯૩૭માં અંગ્રેજોએ સ્થાનીક કક્ષાએ લોકપ્રતીનીધી ચુંટવાની છુટ આપેલી. ત્યારે આઝાદી માટે લડત ચલાવતા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા દેશનેતાઓએ આ પ્રથા અપનાવેલી. હાલ સ્વ. દયાળભાઈ કેસરીની આઝાદીની લડત વીષેનું પુસ્તક જોવામાં આવ્યું તેમાં એની વીગતો છે. આમ લોકશાહીના મુળમાં લોકો નથી, નેતાઓ છે. રાજાશાહી ગઈ, પણ નેતાશાહી આવી. આ નેતાશાહીના પરીણામે જ દેશના લગભગ બધા જ રાજકીય પક્ષોમાં વંશપરંપરાશાહી પણ લગભગ સ્થાપીત થઈ ચુકી છે. લોકોને પોતાનો ઉમેદવાર ચુંટવાની તક જ નથી, કેમ કે પોતાનો ઉમેદવાર ચુંટણીમાં ઉભેલો જ નથી હોતો. તે વખતે ફરજીયાત મતદાનનો કાયદો લાવવો એ વળી લોકશાહીની વધુ એક મશ્કરી સમાન છે.

આનાં ઉદાહરણો તો દેશના મોટા ભાગનાં લોકો જાણતા જ હશે. આથી એની વીગતોમાં જવાની કોઈ જરુર હું જોતો નથી.

તા.૨૫-૯-૨૦૧૦