Archive for the ‘શહીદો’ Category

ગામડાંમાં જાગૃતી

સપ્ટેમ્બર 8, 2008

મુંબઈની હાકલ મટવાડમાં

૧૯૪૨ની ક્રાંતી દરમીયાન કાંઠા વીભાગમાં જે ઘટનાઓ બની છે તેની નોંધ જેવી લેવાવી જોઈએ તેવી લેવાઈ નથી, એ એક અફસોસની વાત છે. સ્વરાજ્ય માટે જેમણે સક્રીય ભાગ લીધો હતો તેની કદર નથી રાજ્ય સરકારે કરી, નથી કેન્દ્ર સરકારે કરી. જેમણે લડતમાં ઝંપલાવ્યું હતું એેમણે કોઈ સ્વાર્થની ભાવનાથી નહોતું ઝંપલાવ્યું. પણ સ્વેચ્છાએ માભોમની મુક્તીના યજ્ઞમાં આહુતી આપવા કટીબદ્ધ થયા હતા. સ્વરાજ્યના યજ્ઞમાં સ્વને હોમી દેવાનાં સ્વપ્નો સેવતા હતા. કર્મયોગે પુર્ણાનો ઉત્તર કાંઠો અને નવસારી શહેર ગાયકવાડી હકુમત હેઠળ હતાં. બ્રીટીશ સામ્રાજ્યની આણ ત્યાં નહોતી.
આ લડતના સમયમાં જલાલપુર તાલુકાનાં કાંઠાનાં ગામોમાં વીશેષ જાગૃતી હતી. અનેક પ્રવૃત્તીઓ ચાલતી હતી. સરઘસો નીકળતાં હતાં. સભાઓ થતી હતી. તેમાં ભારત વીદ્યાલય કરાડીના વીદ્યાર્થીઓ અને તેના શીક્ષકો હંમેશાં મોખરે રહેતા હતા.
૧૯૩૦માં ગાંધીજી નમક સત્યાગ્રહ માટે આવેલા ત્યારે દાંડી અને કરાડીના નીવાસ દરમીયાન આજુબાજુનાં તમામ ગામડાંઓમાં અને શહેરોમાં ફરેલા. લોકોને મળેલા. એને કારણે ગાંધી સહુને પોતાના લાગતા. ગાંધીએ સ્વદેશાભીમાન જાગૃત કરી દીધું હતું. કાંઠાની પ્રજામાં સ્વરાજ્ય માટે કુરબાન થવાની ભાવના પ્રવર્તતી હતી.
૧૯૪૨ના ઑગષ્ટની ૧૯મી તારીખે ભારત વીદ્યાલય કરાડીથી એક પ્રભાતફેરી નીકળી મટવાડના ઉતારા પાસે પહોંચી. પોલીસો ધુઆંપુઆં થઈ ગયા. સરઘસને અટકાવ્યું. અચાનક જ કારણ વીના લાઠીમાર શરુ કરી દીધો. કોઈના માથા પર તો કોઈના શરીર પર માર પડ્યો. હાથપગ ભાંગ્યા. આ બનાવથી લોકોનો પીત્તો ગયો.
મેં કાંઠાના વિશાળ વડલા સમા આચાર્ય મણિભાઈને એવું સૂચન કર્યું કે આ અન્યાય અને અપમાન સાંખી ન લેવાય. એનો પ્રતિકાર થવો જોઈએ. તેના અનુસંધાનમાં ૨૨મી ઑગષ્ટે મટવાડના આઝાદ મેદાન ખાતે એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં કાંઠાનાં ગામેગામથી બધા આવે એવું નક્કી કરવામાં આવ્યું હતું. પૂર્વ બાજુથી બોદાલી, મછાડ અને કરાડી ભેગાં થઈને આવે. પશ્ચિમ બાજુથી દાંડી, સામાપોર અને મટવાડ આવે. પેથાણ, કોથમડી, ઓંજલ, આટ અને આવડાફળિયા સીધા આઝાદ મેદાન ખાતે આવી પહોંચે એમ નક્કી થયું હતું. તે પ્રમાણે બધાં આવ્યાં. આવેલ ગ્રામજનોને શ્રી મગનભાઈ છીબાભાઈ, શ્રી પરસોત્તમભાઈ હીરાભાઈ અને શ્રી મનુભાઈ પાઠકે સંબોધન કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. આ સરઘસને મટવાડની પોલીસચોકીએ ન લઈ જવું, વીનયપુર્વક બધા વીખરાઈ જાય અને પોતપોતાને ગામ ચાલ્યા જાય, એવું નક્કી કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે દાંડી, સામાપોર અને મટવાડના ભાઈઓવાળું સરઘસ ઉતારા પાસેની મટવાડની નાળમાંથી પસાર થતું હતું. (પોલીસથાણું એની નજીક જ હતું.) ત્યાં અચાનક પોલીસો ધસી આવ્યા. પોલીસોના આગેવાન જમાદાર મુસ્તફાને શ્રી છીમાભાઈ દુભાભાઈ, ઉંકાભાઈ રણછોડભાઈ અને ઉંકાભાઈ પાંચાભાઈએ નમ્રતાપુર્વક કહ્યું કે મહેરબાની કરીને લાઠીમાર કરશો નહીં. અમે બધાને સમજાવીને પાછા વાળીએ છીએ. પરંતુ પોલીસે વીનંતી માન્ય ન રાખી. આવેશમાં આ ત્રણે આગેવાનો પર લાઠીના ફટકા શરુ કરી દીધા. નજીકમાં ઉભેલા યુવાનો આ સહન ન કરી શક્યા. મેં (દયાળભાઈ કેસરી) અને રામભાઈ ઊંકાભાઈએ પોલીસો પાસેથી લાઠી ઝુંટવી લીધી. અને અમે તેમને ભોંયભેગા કરી દીધા. વીફરેલ ટોળાએ પોલીસો પાસેથી લાઠી-બંદુક ઝુંટવી લીધી. જોતજોતામાં ઝપાઝપી, મારામારી શરુ થઈ ગઈ. એક બાજુ હથીયાધારી પોલીસો, બીજી બાજુ નીશસ્ત્ર લોકો. ઝપાઝપી દરમીયાન ત્રણ પોલીસો પાસેથી તેમની બંદુક ઝુંટવી લેવામાં આવી. એ દરમીયાન રામુ સદાશીવ નામનો ચોથો પોલીસ પોતાની બંદુક લઈને વડની ઓથે સંતાઈ ગયો. ત્યાંથી ગોળીબાર કરવા લાગ્યો. ૨૮ ગોળીબાર કર્યા, તેનાથી ૨૧ માણસોને ઈજા પહોંચી. ૧૦ જણ ગંભીર રીતે ઘવાયા. ૩ જણાને તાત્કાલીક હોસ્પીટલ ભેગા કરવા પડ્યા. જેઓ પછીથી મૃત્યુ પામ્યા. કરાડીના મોરારભાઈ પાંચીયાભાઈ (૪૫ વર્ષ), રણછોડભાઈ લાલાભાઈ (૨૨ વર્ષ) અને મોખલા ફળીયાના મગનભાઈ ધનજીભાઈ (૧૬ વર્ષ).
આ જંગમાં મટવાડના રણછોડભાઈ લાલીયા, સામાપુરના મંગાભાઈ ગોવીંદજી, કરાડીના ભીખુભાઈ ટેલર, મછાડના ભવનભાઈ છીકાભાઈ અને પ્રેમાભાઈ છીકાભાઈને ગંભીર ઈજાઓ થયેલી. કરાડીના રામાભાઈ ઉંકાભાઈ અને મને (મટવાડના દયાળભાઈ કેસરીને) પણ ઈજાઓ થયેલી. મારા હાથ પર આજે પણ તે નીશાની છે.
પોલીસોના હાથમાંથી ઝુંટવી લીધેલી એક બંદુક બોરીફળીયેનાં વાલીબેન પરસોતના હાથમાં આવી પડી ત્યારે તેઓ સીંહણની જેમ ઘુરક્યાં હતાં. એમની નસોમાં કાંઠાનું લોહી ધબકતું હતું. છતાં સમતુલા જાળવી રાખી હતી.
પોલીસોના આ હીચકારા વર્તનથી ટોળાનો જુસ્સો અને ગુસ્સો એટલો તાને ચડ્યો કે એમની જ લાઠીઓ ઝુંટવી લઈને એમને માર્યા હતા. લાલાભાઈ છીબાભાઈ અને ગોસાંઈભાઈ સુખાભાઈએ કોઈ કસર બાકી નો’તી રાખી.
આ જંગમાં એક પોલીસનું પણ મરણ થયું હતું. ઘાયલ થયેલ એક પોલીસનો હાથ કાપી નાખવો પડ્યો હતો. એક પોલીસ માનસીક સમતુલા ગુમાવી બેઠો હતો. કાંઠામાં ખેલાયેલ આ જંગે સરકારને પડકાર આપ્યો હતો. સત્તા સામેના આ ધમસાણે કાંઠાના પાણીનો પરચો બતાવ્યો હતો.
ઘાયલ થયેલ સૌને સ્થાનીક ડૉક્ટરની સારવાર આપવામાં આવી હતી. ગંભીર ઈજા પામેલાઓને નવસારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોને નવસારી હોસ્પીટલમાં લઈ જતી વેળા કરાડી-મટવાડના કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી. જે ત્રણ જણ શહીદ થઈ ગયા હતા તેમના પ્રત્યે નવસારીના પ્રજાજનોએ, વેપારીવર્ગે ખુબ જ સહાનુભુતી બતાવી હતી. તેમની ભવ્ય સ્મશાન યાત્રા જ્યારે નવસારીના રાજમાર્ગો પરથી પસાર થઈ ત્યારે લોકોએ ગજબની શીસ્ત જાળવી હતી. માનવમેદની સમાતી ન હતી. અગાશીઓ પરથી પુષ્પવૃષ્ટી થતી હતી. આ દૃશ્ય પ્રજાના હૃદયમાં ઉમટેલ સ્વયંભુ રાષ્ટ્રીય ગૌરવને તાદૃશ કરતું હતું. ધર્મના, જ્ઞાતીના, કોમકોમના ભેદો ભુલાઈ ગયા હતા. “સૌ ભારતવાસી એક”ની ભાવનાનાં દર્શન થતાં હતાં. વેરાવળની સ્મશાન ભૂમીમાં અગ્નીસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે અગ્નીની જ્વાળાઓમાંથી આઝાદીની ઘોષણા વ્યક્ત થતી હતી. જાણે કલકલ વહેતી ધીરગંભીર પુર્ણાનો જળપ્રવાહ પણ થંભી ગયો હતો.
નવસારીના મહાજને સ્વંયસેવકોને મદદરૂપ થવા ડૉક્ટર ખંડુભાઈ દેસાઈના પ્રમુખપદે એક સમીતીની રચના કરી હતી. ઘાયલોની સારવાર માટે સુંદર ફાળો એકઠો કર્યો હતો. તે જમાનામાં આ ગાયકવાડી શહેર અગત્યનું શહેર ગણાતું. એની ઉદારતા, એનું સૌજન્ય પ્રસંશનીય ગણાતું. કાંઠા વીભાગનાં લોકો પર આવી પડેલી આ આપત્તીમાં સૌ સાથે હતાં.
તે જમાનામાં લોકોની આર્થીક પરીસ્થીતી નબળી હતી. કુટુંબો પર આવી પડેલી આ અણધારી આફતનો ખ્યાલ કરીને ન્યુઝીલેન્ડ નીવાસી કરાડીના ડાહ્યાભાઈ પ્રેમાભાઈ તથા મટવાડના ભાણાભાઈ હરીભાઈએ શહીદોનાં કુટુમ્બીજનોને સહાયરૂપ થવા ફાળો એકઠો કર્યો હતો. તે રકમ તેમણે પેથાણના એક ભાઈ મારફત મોકલાવી હતી. આચાર્ય મણીભાઈએ તે રકમ મારા દ્વારા શહીદોનાં કુટુમ્બીજનોને અપાવી હતી.