Archive for the ‘શ્રદ્ધાંજલી’ Category

નારાયણ દેસાઈ

માર્ચ 15, 2015

નારાયણ દેસાઈ

આજે પ્રખર ગાંધીવાદી નારાયણભાઈ દેસાઈના અવસાનના સમાચાર મળ્યા. એમના માર્ગદર્શનમાં અખીલ ભારત સર્વોદય શીબીરમાં મેં ભાગ લીધો હતો. આ શીબીર ૧૯૭૦ની આસપાસ વેડછીમાં હતો, જે નારાયણભાઈનું કાર્યક્ષેત્ર હતું. તે સમયે એમનો જે થોડો પરીચય થયેલો તેના આધારે એમને શ્રદ્ધાંજલીના રુપમાં થોડી રજુઆત કરું છું.

નારાયણભાઈના મુખે ત્યાં અવારનવાર સાંભળ્યું કે તેઓ ગાંધીજીના ખોળામાં મોટા થયા હતા. ગાંધીજી તે સમયે પણ ભારતમાં શીક્ષણ સંસ્થાઓમાં જે રીતે શીક્ષણ અપાતું તેનાથી સંતુષ્ઠ ન હતા. નારાયણભાઈએ કદી કોઈ શાળા-મહાશાળામાં શીક્ષણ લીધું ન હતું.

૧૫ દીવસના આ શીબીરમાં સમગ્ર ભારતના જુદાં જુદાં રાજ્યોમાંથી શીબીરાર્થી આવ્યા હતા. આમ બધા શીબીરાર્થી કોઈ એક જ ભાષા બોલતા ન હતા. એમાં જે વક્તા આવ્યા હતા તે પૈકી કોઈ હીન્દીમાં પ્રવચન કરતા અને કોઈ અંગ્રેજીમાં. જ્યારે હીન્દીમાં પ્રવચન હોય અને જે શીબીરાર્થી હીન્દી જાણતા ન હોય તેમને નારાયણભાઈ અંગ્રેજીમાં સમજાવતા. આ ઈન્ટરપ્રીટેશન અન્ય જગ્યાએ જેમ કે હોસ્પીટલ કે કોર્ટમાં ઈન્ટરપ્રીટેશન કરવામાં આવે તે પ્રકારનું ન હતું. એમાં મારા ઈન્ટરપ્રીટર તરીકેના અનુભવ મુજબ બોલનાર આપણે એનો અનુવાદ કરીએ તે માટે સમય આપતા હોય છે. અહીં શીબીરમાં તો નારયણભાઈ એક તરફ સાંભળતા જાય અને સાથે સાથે એનો અનુવાદ પણ કરતા જાય. એ જ પ્રમાણે જ્યારે અંગ્રેજીમાં પ્રવચન થતું હોય તેનું ઈન્ટરપ્રીટેશન હીન્દીમાં કરતા જાય. આ બંને ભાષા પરનો એમનો કાબુ આશ્ચર્યજનક હતો એ મેં એમની સાવ નજીક બેસીને જોયું હતું. મેં તો અનુભવ્યું હતું કે તેઓ ભાગ્યે જ કોઈ મુદ્દો સાંભળવામાં કે અનુવાદ કરવામાં ચુકી જતા હતા.

શીબીરમાં બધાં કામમાં એમણે સક્રીય ભાગ લીધો હતો, એ માટીકામ હોય કે અનાજ સાફ કરવાનું હોય. અનાજ સાફ કરતાં કરતાં અંતકડી રમવાનું સુચન પણ એકવાર એમના તરફથી થયેલું. મને એ પાછળનો એમનો હેતુ પછી સમજાયો. કોઈ શરમાળ હોય તો પોતાની મેળે સવારની પ્રાર્થાનામાં ગાવાનું પસંદ ન કરે. અંતકળી રમતી વખતે કદાચ એ અડચણ ન નડે. આથી એવા ગાનારાને આ રીતે જાણી શકાય. અને એવું થયેલું મેં ત્યાં પ્રત્યક્ષ જોયું.

૧૫ દીવસના શીબીરમાં પણ મનોરંજન કાર્યક્રમ રજુ કરવામાં આવેલો. એમાં એક નાટક રજુ કરવાનું નારાયણભાઈએ પસંદ કર્યું. એ માટે તૈયારીનો સમય મળી ન શકે. નારાયણભાઈએ નાટકની વાર્તા એમાં ભાગ લેનારા બધાને કહી સંભળાવી. દરેકને પાત્રો સોંપ્યાં, અને વાર્તા યાદ રહે તે મુજબ સંવાદો બોલવાનું. એમાં તમે બધું જ યથાતથ યાદ રાખી ન શકો તો પણ વાંધો નહીં એમ એમનું કહેવાનું હતું. તમે પ્રસંગોચીત તમારો પોતાનો બનાવેલો સંવાદ બોલી શકો. અને આ રીતે અમે એક નાટક ત્યાં ભજવ્યું હતું.

ગાંધીજીએ પસંદ કરેલી સર્વધર્મ પ્રાર્થના દેશમાં બધા સ્વરાજ આશ્રમોમાં તથા ઉત્તર બુનીયાદી શાળાઓમાં હોસ્ટેલમાં ગવાતી. (મેં ઉત્તર બુનીયાદી શાળામાં શીક્ષણકાર્ય કર્યું છે.) અહીં હું ન્યુઝીલેન્ડ ૧૯૭૪માં આવ્યો ત્યારે અને આજે પણ દર રવીવારે આપણા મંદીરમાં એ પ્રાર્થનાના જ કેટલાક અંશો ગાવામાં આવે છે. પણ નારાયણભાઈએ પોતે સર્વધર્મ પ્રાર્થના રચી હતી જે હું ધારું છું કે આખા દેશમાં ગવાતી. સમયાનુસાર ફેરફાર કરવા આવશ્યક હોય છે.

નારાયણભાઈની સ્મરણશક્તી પણ ગજબની હતી. એમને તો દરરોજ કેટલાયે લોકોને મળવાનું થતું હશે. વેડછીના એ માત્ર ૧૫ દીવસના શીબીર બાદ કેટલાક મહીના પછી મારે નારાયણભાઈને નવસારીમાં એક મીટીંગમાં મળવાનું થયેલું. મને આશ્ચર્ય થયું કે એમને મારું નામ આટલા સમય પછી પણ યાદ હતું.

દેશમાં હતો ત્યાં સુધી ‘ભૂમિપુત્ર’માં આવેલા એમના લેખો બહુ રસપુર્વક વાંચ્યા હતા.

સ્વ. સોમાભાઈ ભાણાને શ્રદ્ધાંજલિ

ઓક્ટોબર 25, 2013

સ્વ. સોમાભાઈ ભાણાને શ્રદ્ધાંજલિ

આ વર્ષના જુલાઈ માસમાં અમારા ગામના વડીલ સોમાભાઈ ભાણાનું લગભગ 97 વર્ષની પાકટ વયે નીધન થયું. સોમાભાઈ પહેલાં નાઈરોબી, કેન્યામાં હતા અને ત્યાર બાદ લેસ્ટર, ઈન્ગ્લેન્ડમાં વર્ષો સુધી રહ્યા. અંતીમ વેળા તેઓ ગામમાં હતા. ઈન્ગ્લેન્ડમાં બોદાલીના મંડળે એમની શ્રદ્ધાંજલી મીટીંગ રાખી હતી, તે સમયે મેં શ્રદ્ધાંજલીના જે શબ્દો લખી મોકલ્યા હતા તે આ સાથે મારા બ્લોગ પર મુકું છું.

સ્વ. સોમાભાઈ ભાણાને શ્રદ્ધાંજલિ

સોમાભાઈ ભાણા આપણા બોદાલી ગામના એક બહુ જ સન્માન્ય વ્યક્તિવિશેષ હતા. એમના જવાથી બોદાલી ગામને તો ખરેખર બહુ મોટી ખોટ રહેવાની. પ્રભુ એમની બ્રહ્મપ્રાપ્તિની યાત્રા શીઘ્ર, સરળ અને નિષ્કંટક બનાવે એવી હાર્દિક પ્રાર્થના.

સોમાભાઈનાં માબાપ એમને બહુ જ નાના મુકીને સ્વર્ગવાસી થયાં હતાં, આથી તેઓ અમારા મહોલ્લામાં અમારી લગભગ  પાડોશમાં જ મામાના ઘરે મોટા થયેલા. ફકીરકાકા એમના મામા. આથી મારા પિતાજીને પણ સોમાભાઈ મામા કહેતા. આમ ઉંમરમાં સોમાભાઈ મારા કરતાં ખાસા મોટા હોવા છતાં મારા તો ભાઈ થતા હતા. વળી સોમાભાઈએ અમારા મહોલ્લાના ઋણના સ્વીકાર તરીકે અમારે ત્યાં પણ એમનાં માતા-પિતાની સ્મૃતિમાં બાંકડો મુકાવ્યો છે.

સોમાભાઈનાં અનેકવિધ સેવાનાં કાર્યોથી તો માત્ર આપણા ગામનાં જ નહીં, પણ આપણા વિસ્તારનાં એટલું જ નહીં દૂર દૂર સુધીનાં લોકો પરીચિત છે. જેમ કે ‘કોળી કોમનો ઐતિહાસિક પરિચય’ (જેનું સંપાદન સૌરાષ્ટ્રવાસી ભાઈએ કર્યું છે.) પુસ્તકમાં પણ એમના ફોટા સહીત કોળી કોમના એક અગ્રણી અને દાનવીર તરીકેની નોંધ લેવામાં આવી છે.

મારે સોમાભાઈ વિશે એક બીજી વાત કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે તે જણાવવી છે.

એક પ્રસંગ મેં ઘણાં વર્ષો પહેલાં સાંભળેલો- કદાચ ૫૦-૬૦ વર્ષ પહેલાં. એ પ્રસંગે સોમાભાઈની ઉંમર કેટલી હશે તેની મને ખબર નથી. સોમાભાઈ કેવા નીડર, સાહસિક અને સ્પષ્ટવક્તા હતા તે દર્શાવતો આ પ્રસંગ છે.

એક વાર રાત્રે સોમાભાઈ સાઈકલ પર નીકળ્યા હતા. બોદાલીથી ઘણે દૂર પહોંચ્યા. ત્યાં કેટલાક તોફાની યુવકોનો ભેટો થયો. સોમાભાઈ પાસે હથિયાર તરીકે એક નાની કુહાડી સાઈકલના પાછલા કેરિયરમાં મુકેલી હતી.

પેલા તોફાનીઓએ કહ્યું, “એઈ! આ કુહાડી અમને આપી દે.”

સોમાભાઈ : “તમને આપવા માટે આ કુહાડી મેં સાથે નથી રાખી, પણ તને કુહાડી જોઈએ છે? આવીને લઈ જોને.”

અહીં યાદ રાખવાનું કે પેલા તોફાની યુવકો વધુ સંખ્યામાં હતા, સોમાભાઈ એકલા જ હતા. સોમાભાઈ કદાચ તે તોફાનીઓના ગામની સાવ નજીક અને બોદાલીથી ઘણા દૂર હતા. છતાં પેલા તોફાનીઓમાંથી કોઈની પણ સોમાભાઈને પડકારવાની હિંમત કે તાકાત ન હતી, કેમ કે એમનો પ્રભાવ અને વ્યક્તિત્વ એવાં હતાં કે કોઈએ એ સમયે સોમાભાઈની નજીક ફરકવાની હિંમત કરી નહીં.

અંત વેળાએ સોમાભાઈને એમની વિદાયની જાણે કે જાણ થઈ ગઈ હતી. આથી વ્હીલ ચૅરમાં પણ ગામમાં જેમને ખાસ મળવા જેવું લાગ્યું તેમને મળવા ગયેલા. એમાંના એક એમના ખાસ મિત્ર દુર્લભકાકા – છોટુભાઈના પિતાજી. છોટુભાઈના પિતાજીની ઉંમર ૧૦૧ વર્ષની હતી. એમને સોમાભાઈએ કહ્યું કે હવે તો આપણે ‘ઉપર’ મળીશું. ત્યારે દુર્લભકાકા કહે કે, “ભાઈ, હું તમારાથી મોટો છું, આથી પહેલાં તો હું જઈશ.”

પરંતુ એવું ન થયું સોમાભાઈએ પહેલી વિદાય લીધી અને માત્ર પાંચ જ દિવસમાં દુર્લભકાકાએ પણ.

ફરીથી એમની મોક્ષપ્રાપ્તીની આકાંક્ષા ત્વરાથી સંપન્ન હો અને એમના કુટુંબીજનો, સ્નેહીજનો અને સહુ મિત્રોને આ ખોટ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના.

ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

ગાંધી બાપુને અંજલી

જાન્યુઆરી 30, 2009


હે દિવ્ય આલોકિત બાપુ

 

હે દિવ્ય આલોકિત બાપુ

પ્રેમે અંજલિ આજે આપું

દૂર કર્યું અંધારું આવી,

દશે દિશામાં રહ્યો પ્રકાશી

તારી ઉગ્ર તપસ્યાને અંજલિ આપું. ..પ્રેમે

પેટાવ્યા તેં અનેક દિવા

રહ્યા પ્રકાશી તે પણ એવા

તારી દૂરંદેશીને અંજલી આપું  …પ્રેમે

ઝળહળતો પ્રકાશ થયો

આજ અરેરે ક્યાંયે અલોપ

તારા દિવ્ય તેજને આજે અંજલિ આપુંપ્રેમે

તેજ વેરાયું અવનિ માંહી

ઘટ ઘટમાં તે રહ્યું પ્રકાશી

તારી માનવતાને અંજલિ આપું .. પ્રેમે

દયાળભાઈ કેસરીને શ્રદ્ધાંજલી

નવેમ્બર 10, 2008

દયાળભાઈ કેસરીને શ્રદ્ધાંજલી

(દયાળભાઈની અંતીમક્રીયા વખતે હીન્દુ ધર્મની વીધી કરવાનું મને કહેવામાં આવ્યું હતું, તે સમયે તા. ૮-૧૧-૨૦૦૮ના રોજ આપેલી શ્રદ્ધાંજલી.)

તા. ૫ નવેમ્બર ૨૦૦૮ના બુધવારે સવારે લગભગ ૧૦-૩૦ના સમયે દયાળભાઈએ અનંતની યાત્રા આરંભી. ૮૯ વર્ષની વયે લીધેલી એ બહુ જ શાંતીપુર્ણ વીદાય હતી.

દયાળભાઈનો પ્રથમ પરીચય મને પરોક્ષ રીતે થયેલો- અમારા મુ. શ્રદ્ધેય ભાઈ સ્વ. નરસીંહભાઈ દ્વારા. દયાળભાઈ જ્યારે ન્યુઝીલેન્ડ ઈન્ડીયન એસોસીયેશનના પ્રમુખ હતા ત્યારે નરસીંહભાઈ સેક્રેટરી હતા. એ પરીચય મુજબ દયાળભાઈ કેસરી એમના નામ પ્રમાણે નીડર અને સાહસીક તો હતા જ સાથે સ્પષ્ટવક્તા પણ હતા. મારા મન પર તો તેઓ એક પ્રખર રાષ્ટ્રભક્ત અને નીસ્વાર્થ સેવકની છાપ મુકતા ગયા છે.

એમના આ ગુણોના અનુસંધાનમાં નરસીંહભાઈએ એક-બે પ્રસંગો કહેલા. તે સમયે ૧૯૬૦ની આસપાસ સમગ્ર ન્યુઝીલેન્ડમાં વસતા ઈન્ડીયનોના પ્રશ્નોની રજુઆત ગમે તેવા ચમરબંધી સામે સ્પષ્ટ શબ્દોમાં કરતાં તેઓ સહેજ પણ ખંચકાતા નહીં.

ભારતમાં જ્યારે જેલમાં હતા ત્યારે જેલના એક અંગ્રેજ ઉપરી અધીકારીએ જેલની મુલાકાત લીધી. તેમને સ્પષ્ટ શબ્દોમાં કહેવું કે તમને અમારી મુશ્કેલીઓ કહેવાનો કશો અર્થ નથી, કેમ કે તમે કશું કરી શકો તેમ નથી. ગુલામ ભારતમાં અંગ્રેજ અમલદારને આવું સીધું કહેવું તે કાચા-પોચા માણસનું કામ નથી. તે જ રીતે જ્યારે ફોજદાર કહે છે કે તમને તો ફાંસીના માંચડે લટકાવીશું, ત્યારે તેને સીધું જ કહેવું કે તમારા કહેવાથી કંઈ અમને ફાંસી મળવાની નથી, એ માટે તો કોર્ટમાં કેસ ચલાવવો પડશે અને જજનું જજમેન્ટ જોઈશે. આવું ફોજદારને કહેવા માટે પણ છાતીની જરુર છે. ફરીથી યાદ રાખવું જોઈએ કે આ બ્રીટીશ ઈન્ડીયાની વાત છે.

આ ઉપરાંત સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવગાથામાં એક પ્રસંગ લેવાનો રહી ગયો છે, જે મેં એમની પાસે સાંભળ્યો છે. નીડરતા અને સાહસનો એ પ્રસંગ આ પુસ્તકની ઈન્ટરનેટ આવૃત્તીમાં લેવામાં આવશે. આ પ્રસંગ તે રાજપીપળાથી નવસારી છુપા વેશે ચાલતા આવવાનો પ્રસંગ. એમના પર ધરપકડનું વૉરંટ હતું, છતાં આ રીતે આવવાની હીંમત કરી હતી, અને માર્ગમાં બેએક જગ્યાએ પોલીસોનો ભેટો પણ થયેલો.

બીજો સાહસનો પ્રસંગ તે સોડીયાવડવાળો પ્રસંગ. ચાર કેદીઓ પૈકી માત્ર દયાળભાઈ જ ભાગી જાય છે અને પુર્ણા નદી તરીને દેલવાડા પહોંચી જાય છે. એ પ્રસંગ જે રીતે બન્યો હતો તે પ્રમાણે આ ભાગી જવું ખરેખર બહાદુરીનું કામ ગણાય.

દયાળભાઈનો તો ન્યુઝીલેન્ડમાં કાયમી નીવાસનો અધીકાર હતો. એમના પીતાશ્રી અહીં હતા. છતાં માતૃભુમીની ગુલામી સહન ન થતાં અહીંની સ્વતંત્રતાનો ત્યાગ તે સમયે કર્યો હતો અને આઝાદીના જોખમકારક અને યાતનામય જંગમાં ઝંપલાવ્યું હતું. એમાં જાનનું જોખમ પણ હતું જ. અત્યારે તો આપણે તે સમયની પરીસ્થીતીની કલ્પના કરી ન શકીએ. વળી આ જંગમાં જોડાવામાં એમનો કોઈ સ્વાર્થ ન હતો. આથી જ રાજકીય લાભ મેળવવા એમણે પોતાની સમાજવાદી વીચારસરણીનો ત્યાગ કર્યો ન હતો. માત્ર માભોમની સેવા એ જ ધ્યેય હતું.

આવા એક નીડર, સાહસીક, સ્પષ્ટવક્તા, રાષ્ટ્રભક્ત સેવક સ્વાતંત્ર્ય સેનાનીને આપણે ગુમાવ્યા છે. એમને આપ સહુ વતી આ શ્રદ્ધાંજલી અર્પણ કરું છું.

દયાળભાઈ એમની પાછળ પોતાનાં ધર્મપત્ની ડાહીબેન, ઉપરાંત ચાર ચાર પેઢી સુધીનો વીશાળ પરીવાર, અનેક સગાં-સંબંધીઓ, બહોળો ચાહકવર્ગ અને મીત્રોનો સમુદાય મુકતા ગયા છે. એ સહુને અને ખાસ કરીને ડાહીબેનને એમની ભારે ખોટ રહેશે. આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ એ સહુને આ ખોટની સંવેદના સહન કરવાની શક્તી આપે. સાથે સાથે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ દયાળભાઈના આત્માની બ્રહ્મપ્રાપ્તીની યાત્રા શીઘ્ર, સરળ અને નીષ્કંટક બનાવે.

हरि ॐ शातिः शांतिः शांतिः॥