Archive for the ‘સત્યકથા’ Category

કાનજીભાઈના દીર્ઘ સ્વસ્થ જીવન અંગે

ફેબ્રુવારી 25, 2017

કાનજીભાઈના દીર્ઘ સ્વસ્થ જીવન અંગે

કાનજીભાઈના દીર્ઘ સ્વસ્થ જીવનમાંથી લોકોને પ્રરણા મળે એ હેતુથી લીધેલા ઈન્ટવ્યુમાંથી કેટલીક વીગતો એમની પરવાનગીથી રજુ કરું છું.

કાનજીભાઈની ઉમ્મર હાલ ૯૨ વર્ષની છે, અને તંદુરસ્ત જીવન અહીં વેલીંગ્ટન ન્યુઝીલેન્ડમાં ગુજારી રહ્યા છે. કોઈ પણ પ્રકારની શારીરીક તકલીફ હાલ નથી. એમનો જન્મ ભારતમાં થયો હતો. પીતાજી ખેતી કરતા. એ માટે થોડાં મજુરો પણ રોકતા, અને પીતાજી પોતે પણ સારી મહેનત કરતા. ચાર ભાઈ બેહેનો. મોટાભાઈ ૧૯૩૦માં ન્યુઝીલેન્ડ આવ્યા હતા.  કાનજીભાઈ ૧૯૩૫માં ૧૦ વર્ષની વયે ન્યુઝીલેન્ડ આવ્યા હતા. પણ દસેક માસ રહીને તેઓ પીતાજી અને મોટા ભાઈ સાથે ભારત પાછા ફર્યા હતા.

દેશમાં બચપણમાં દેશી રમતગમત અને બીજી પ્રવૃત્તીઓને લીધે શરીર કસાયેલું. ખેતીમાં પણ બધા જ પ્રકારનાં કામો પીતાજી અને મોટાભાઈ સાથે કરેલાં. એનાથી પણ સારી એવી શારીરીક કસરત મળી હતી. એ સમયે ઘરમાં ગાય-ભેંસ હતાં અને દરરોજ સવારે નાસ્તામાં રોટલો અને માખણ ખાવા મળતાં. ઉપરાંત તે સમયે શીયાળામાં વસાણા પણ અચુક બનાવવામાં આવતાં. કાનજીભાઈનું માનવું છે કે જીવનની શરુઆતમાં એમને આ પ્રકારનો ખોરાક મળ્યો હતો તે એમને આજે પણ કામ આવે છે. એ પાયાના બંધારણને લીધે એમનું સ્વાસ્થ્ય સારું છે.

કાનજીભાઈએ ૧૯૫૧થી ૧૯૭૬ એટલે ૨૫ વર્ષ સુધી ફ્રુટ રાઉન્ડનો ધંધો કરેલો. એમાં શાકભાજી, ફળ વગેરે સાફ કરીને વાહનમાં ઘર ઘર ફરીને વેચવાનાં હોય છે. તે સમયે ફળ, શાક વગેરે જે કન્ટેનરમાં ભરવામાં આવતાં તે અત્યારના કરતાં ઘણાં વજનદાર હતાં. આમ એ ધંધામાં પણ એમણે સારી એવી શારીરીક મહેનત કરેલી, અને શરીર કસાયું હતું, એટલું જ નહીં, આ ધંધાને લીધે ચોખ્ખી હવામાં લાંબા સમય સુધી રહેવાનું – ફરવાનું થયેલું. અને ફ્રેશ ફ્રુટ અને વેજીટેબલ ખાવા મળેલાં. આજે પણ સવારે ઉઠ્યા પછી કાનજીભાઈ હળવી કસરત હંમેશાં કરે છે.

કાનજીભાઈ જન્મથી જ શાકાહારી છે. તેઓ કહે છે કે એમણે કદી પણ પોતાના જીવનમાં સોફ્ટ ડ્રીન્ક એટલે સોડા-લેમન જેવાં પીણાં પીધાં નથી. પાણી પણ હંમેશાં સાધારણ હુંફાળું જ પીએ છે. ભારત જાય ત્યારે પણ કદી ફ્રીજમાંનું પાણી પીતા નથી. સવારનો નાસ્તો તથા બપોરનું જમણ ઘણું સાદુ હોય છે. સવારના નાસ્તામાં ફ્રાઈડ ટમાટો હંમેશાં હોય છે. શીયાળામાં ઓટની રાબ (પોરીજ) અને અવારનવાર વ્હીટબીક્સ દુધ સાથે હોય છે. કદી પણ ભુખ કરતાં વધુ જમતા નથી. કોઈ આગ્રહ કરીને પીરસી દે તો થાળીમાં છાંડી દેશે પણ, પેટ પર જુલમ નહીં કરે. એક સમયે રોટલી-શાક હોય તો દાળ-ભાત નહીં, અને જ્યારે દાળ-ભાત હોય ત્યારે રોટલી નહીં. આમ જમવામાં ઘણા સંયમીત છે. (એમનું વજન વધુ પણ નથી અને ઓછું પણ નથી.)

કાનજીભાઈનું માનવું છે કે પોતે ધાર્મીક વૃત્તી ધરાવે છે તે પણ એમના સ્વસ્થ જીવન માટે એક પરીબળ છે. સહુ માટે પ્રેમનો ભાવ પણ સ્વસ્થ રહેવામાં મદદગાર છે. સાત્ત્વીક વીચારો સ્વસ્થ રીતે જીવવા માટે મહત્ત્વના છે એમ કાનજીભાઈનું  કહેવું છે.

 

રખડતાંનું રખોપું

જાન્યુઆરી 28, 2016

રખડતાંનું રખોપું

(બ્લોગ પર તા. 28-1-2016 )

સોમા બસુ અને ‘ધ હિન્દુ’ની પરવાનગી અને સૌજન્યથી

Food to the Lonly

માનવતાની નીસ્વાર્થ સેવા કરનારાં કાંતિમતી જેવાં ઘણાં લોકો છે.

જે રાત્રે નવા વર્ષના વધામણા માટે લોકો પાર્ટી કરી રહ્યાં હતાં ત્યારે કાંતિમતીએ પણ પુર્વ મસી શેરીની સામેની ધુળવાળી ફરસબંધી પર નાની સરખી પાર્ટી રાખી હતી. ખાવાનું સાવ સાદું હતું-વેજીટેબલ બીરયાની અને છાસ. બરાબર બપોરે બાર વાગ્યે મહેમાનો તૈયાર. એમાંનું કોઈ આમંત્રીત ન હતું. હા, એ ૯૦ પૈકી બધાં જ ભુખ, ગરીબી અને રોગોથી પીડીત હતાં. કાંતિમતીએ એ બધાંને બહુ જ પ્રેમથી અને આદરપુર્વક જમાડ્યાં.

કાંતિમતી કંઈ નવા વર્ષના એના કોઈ સંકલ્પને લીધે આ કરતી ન હતી. એના જેવાં લોકો આવું કરવા નવા વર્ષના સંકલ્પ માટે રોકાતાં નથી હોતાં. નવા વર્ષના સંકલ્પમાં શું દાટ્યું છે? એવાં કેટલાંયે અજાણ્યાં પણ અસામાન્ય લોકો છે જેમને લોકોની મદદ કરવાના ઉમદા હેતુ માટે નવા વર્ષના સંકલ્પની જરુર હોતી નથી. જરુરતમંદોને ખાવાનું આપવામાં કાંતિમતી ગૌરવ અનુભવે છે. “ઘરનું બનાવેલું મારું ભોજન જમીને કોઈને હું ખુશખુશાલ જોઉં એટલે મારો દીવસ સફળ.” કાંતિમતી કહે છે.

કાંતિમતીનો પતી દરજીકામ કરતો, પણ હવે માંદગીમાં પટકાયો હોવાથી કેટલાંક વરસથી કામ કરી શકતો નથી. આમ એ હંમેશાં અભાવમાં જ જીવે છે, છતાં એ જરુરતમંદોને સતત મદદ કરતી રહે છે. છેલ્લાં બાર વર્ષથી આ એનો નીત્યક્રમ રહ્યો છે. એ સવારમાં વહેલી ઉઠીને ઓછામાં ઓછા 12 કીલો ચોખા અને એની સાથે જોઈતાં દાળ-શાક રાંધે છે, અને છાસ તૈયાર કરે છે. અને જો કોઈ વાર-તહેવાર હોય તો સાથે કંઈક ખાસ મીઠાઈ પણ બનાવે છે.

જોકે એને શાકભાજી ધોઈને સમારવામાં બે જણાં મદદ કરે છે, હવે એના હાથપગમાં કળતર થાય છે. “મારે સતત ઉભાં રહીને બધું રાંધતી વખતે ઉપર-તળે કરવાનું હોય છે,” એ મારું ધ્યાન દોરે છે.

કાંતિમતી પાસે ગરીબોને ખવડાવવા જેટલી સંપત્તી નથી. “આમ છતાં” એ હસતાં હસતાં ઉમેરે છે, “જ્યારે જરુર પડે ત્યારે હું ભગવાન પાસે માગું છું અને એ પુરું પાડે છે.”

૧૨ વર્ષ પહેલાં એ આ જગ્યાએ એટલે બી.એસ.એન.એલ.ની ઑફીસ સામે આવી હતી ત્યારે એણે એક સામાજીક કાર્યકર શિવા અંબાનંદનને ભીખારીઓ, રસ્તે રઝળતાં, શારીરીક કે માનસીક રીતે અપંગો, ગરીબગુરબાં અને તરછોડાયેલાંને જમાડતાં જોયાં. એ જગ્યાએ ફરીથી એ કેટલાક પ્રસંગોએ આવી, અને એણે દર વખતે આ મુજબનું દૃશ્ય જોયું. પેલા ભાઈ બધાંને ખવડાવતા હતા. એણે જાણ્યું કે શિવા અંબાનંદનને કોઈ રાંધી આપે તેની જરુર હતી. કાંતિમતી તરત જ પોતાની સેવા આપવા તૈયાર થઈ. ત્યારથી એણે કોઈ દીવસ પાડ્યો નથી.

એ માંદી હોય તો પણ રાંધી આપે છે અને કોઈ ભુખ્યું ન રહે એની કાળજી રાખે છે. “વરસાદ પડતો હોય તો પણ આ લોકો આવે જ છે, તો હું એમને ભુખ્યાં શી રીતે રાખું?”

એ દુખી હૈયે યાદ કરે છે કે એક વર્ષ પહેલાં શિવા અંબાનંદન જે દીવસે આ ફાની દુનીયા છોડી ગયો તે દીવસે પણ એણે દાળભાત અને દહીંની વ્યવસ્થા કરી હતી. “અગ્નીદાહ માટે સ્મશાને જતાં પહેલાં મેં એ બધાંને જમાડ્યાં હતાં,” એ કહે છે.

આ ઉમદા કામની સૌથી ઉત્તમ વાત તો એ છે કે આ બધાં એકબીજાંને ઓળખતાં નથી. બપોરે જમવા આવતાં લોકો બાબત કાંતિમતી કશું જ જાણતી નથી. એને માત્ર એમની આંખોમાં ભુખ જ દેખાય છે, અને એને ખબર છે કે તેઓ પોતાને માટે બે ટંકનું પુરતું ખાવાનું મેળવી શકે તેમ નથી. શિવા અંબાનંદનએ પણ કોણ જમી જાય છે એની દરકાર કદી કરી ન હતી, માત્ર તેઓ તેમની ભુખ સંતોષે એટલું જ તેઓ ઈચ્છતા.

આસપાસના દુકાનદારોએ પણ છેલ્લા કેટલાક સમયથી દાણોપાણી પુરાં પાડ્યાં હતાં. કોઈ શાકભાજી લાવી આપે તો કોઈ ચોખા અને તેલ પુરાં પાડે. એ રીતે રોજનું ગાડું ગબડતું જાય. કાંતિમતી માને છે કે આટલાં વર્ષો સુધી વગર વીઘ્ને બધું મળતું રહ્યું એમાં ભગવાનનો હાથ છે. નજીકમાં જ એણે એક ઘર ભાડે રાખ્યું છે, જેમાં બધી સાધનસામગ્રી રાખવામાં આવે છે અને રાંધવામાં આવે છે. બે મોટાં તરભાણામાં એ રાંધેલી રસોઈ ઑટોરીક્ષામાં લાવે છે. રીક્ષા ચલાવનાર અને બીજા બે છોકરાઓ એને મદદ કરે છે, કેમ કે તેઓને પણ બીજાંને કોઈ ને કોઈ રીતે મદદ કરવાનું ગમે છે.

કામચલાઉ તાણી બાંધેલા છાપરા નીચે દરરોજ બપોરે ભેગાં મળતાં આ બધાં લોકો વચ્ચે એક અસ્વાભાવીક સંબંધનો તાંતણો છે. કાંતિમતી કહે છે, “ઘણી વાર રસ્તે પસાર થતાં લોકો પણ જોવા ઉભાં રહે છે કે અહીં શું ચાલી રહ્યું છે, અને મીઠાઈ, ફળફળાદી આપે છે, વળી પ્લેટ, વાડકા અને બેસવા માટે સાદડી વગેરે પણ લોકો આપી જાય છે.

નવા વર્ષના સંકલ્પો ઘણી વખત પોતાની ક્ષમતા બહારના હોય છે. વળી એ કોઈવાર કસોટીજનક, ચીલાચાલુ કે સાવ બોરીંગ પણ હોય છે. મોટા ભાગે તો એ પોતાની જાતને લગતા જ હોય છે. પરંતુ કેટલાક તુચ્છ જણાતા સંકલ્પો અને કેટલીયે સેવાનાં કૃત્યોના સંકલ્પો જરા પણ જાણીતા ન હોય તેવા લોકો લેતા હોય છે, જેની જગતને જાણ થતી હોતી નથી, પણ તેઓ આ દુનીયાને ધબકતી રાખે છે. જેઓ ઉપકારનો બદલો વાળી ન શકે તેમ હોય તેમને પણ સુખી કરવામાં માનનારા લોકો માટે કશું અશક્ય નથી. જેમ જેમ માહીતી મળશે તેમ આના જેવા સાવ અજાણ્યા હીરાઓને પ્રસીધ્ધીના પ્રકાશમાં લાવવાનો મારો પ્રયત્ન ચાલુ રહેશે.

(‘ધ હિન્દુ’ – સોમા બસુ)

વીરાટની ષષ્ઠીપુર્તી

સપ્ટેમ્બર 7, 2014

વીરાટની ષષ્ઠીપુર્તી

(મારા એક સંબંધીની ૬૦મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે કહેલા શબ્દો. નામ અને સ્થળ બદલ્યાં છે.)

વીરાટે સાંઠ વર્ષ પુરાં કર્યાં એ પ્રસંગે હું મારા તરફથી તેમ જ અમારા પરીવાર તરફથી હાર્દિક અભીનંદન પાઠવું છું. એ સાથે જ આવાં બીજાં ઘણાં ઘણાં ઈચ્છીત વર્ષો સુધી સર્વ રીતે સુખી, આનંદી, સ્વાસ્થ્યપુર્ણ, સંતોષપ્રદ જીવન વીરાટને મળે એવી શુભેચ્છા, આશીર્વાદ અને પ્રાર્થના.

 

વીરાટનો જન્મ બારડોલીમાં ૨૨ માર્ચ ૧૯૪૫ના રોજ થયો હતો. બાલ્યાવસ્થામાં પણ વીરાટ કંઈક રમુજી હતો. હીન્દી ફિલ્મ જોવાનો એને ખુબ શોખ હતો. તે સમયે સસ્તામાં સસ્તી મળતી ચાર આનાની ટીકીટમાં થિયેટરમાં ફિલ્મો જોવા જતો, અને ત્યાં એક આનામાં મળતી ફિલ્મી ગીતોની ચોપડી એની વંદનાફોઈને માટે હંમેશાં લાવતો. ફિલ્મી ગીતો ગાવાનો શોખ ત્યારથી જ એણે કેળવ્યો હતો.

 

આઠમા ધોરણમાં દાખલ થયા સુધીનું શીક્ષણ વીરાટે ભારતમાં લીધું હતું, અને એક તેજસ્વી વીદ્યાર્થી તરીકેની છાપ ઉપસ્થીત કરી હતી.

 

વીરાટ વીષે મારા ઉપર પડેલી છાપ બહુ જ ટુંકા શબ્દોમાં કહું તો એ નીર્દંભ છે, પ્રમાણીક છે, અને પુર્વ અને પશ્ચિમની સંસ્કૃતીનો સુયોગ છે. આથી જ વીરાટને પોતાને વિષે લોકો શું વિચારશે તેની ચીંતા કર્યા વીના જે સાચું લાગે તે બેધડક કહેવામાં કોઈ ખંચકાટ થતો નથી. આજે કહેવાતા આસ્તીકો-ભગવાનમાં માનનારાઓ ખરેખર તો નાસ્તીકો જ હોય છે, પરંતુ એ કબુલ કરવાની હીંમત એ લોકોમાં હોતી નથી. વીરાટ કંઈક જુદી માટીનો છે. વીરાટના પીતાજી બહુચરભાઈ રજનીશના અનુયાયી હતા. રજનીશનું કહેવું પણ એ જ છે કે તમે કંઈ પણ જાણ્યા વીના માની લો કે જાણ્યા વીના ઈન્કાર કરી દો એટલે કે કહેવાતા આસ્તીક અને નાસ્તીક બંનેની માન્યતાની કશી કીંમત નથી. રજનીશ વીષે વીરાટે વાંચ્યું વીચાર્યું છે કે કેમ તેની મને ખબર નથી, પણ રજનીશ ધર્મ કે ઈશ્વરના વીષયમાં બહુ હળવાશથી વાતો કરે છે, ગંભીર જરાયે નથી, પ્રમાણીક જરૂર છે, તેથી સાચું લાગે તે કહેવામાં ખંચકાટ અનુભવતા નથી. એમણે કહેલી એક રમુજ રજુ કરું છું.

 

વોલ્ટર વીબલ એક સુકલકડી નાનકડો પુરુષ ચર્ચના છેવાડે એક દીવસ ભગવાનને પ્રાર્થના કરતો હતો, “હે ભગવાન,” તે કરગરતાં કહેતો હતો, “મારા ઘરનું મોર્ગેજ ભરવાની મારી શક્તી નથી, મારી પત્ની નવો ડ્રેસ માગે છે, અને મારી કાર બગડી ગઈ છે. તારે મને મદદ કરવી જ જોઈએ.”

અને એટલામાં જ ચર્ચનું બારણું ધડામ દઈને ખુલે છે અને એક કદાવર કાળો આદમી અંદર આવે છે. તે સીધો ચર્ચના આગલા ભાગમાં જાય છે, ઉપર આકાશ તરફ જોઈને મોટેથી બરાડે છે, “એય ભગવાન, સાંભળ, હું ખરેખર તને જ ખોળું છું. મને એક નવી કાર જોઈએ છે, એક નવું ઘર જોઈએ છે અને એક સરસ યુવતી. અને એ પણ તરત જ.”

એ પછી તરત જ તે બહાર ચાલ્યો ગયો.

વોલ્ટર તો આ માની જ ન શક્યો અને શાંતિથી ગણગણતો ગણગણતો ચાલતો થયો.

ફરી એક વીક પછી વોલ્ટર ચર્ચમાં પાછળ ઊભો રહીને ભગવાનને પ્રાર્થના કરતાં ત્રુટક ત્રુટક ગણગણતો હતો. “હે ભગવાન! મારી પત્ની મને ત્યજી દેવા માગે છે, મારી નોકરી હમણાં જ છૂટી ગઈ છે અને….” પરંતુ બહાર બ્રેકના તીણા અવાજથી એ વાક્ય પુરું કરી ન શક્યો. પછી ચર્ચનું બારણું ધડામ દઈને ખુલ્યું અને પેલો કાળિયો સુંદર યુવતી સાથે અંદર દાખલ થયો. તેઓ ચર્ચમાં આગળ આવ્યાં અને પેલો મોટેથી કહે છે, “એય ભગવાન, મેં તને ખરેખર ધમકાવીને ખોળી કાઢ્યો ભાઈ, કાર સરસ છે, ઘર ઉત્તમ અને યુવતી અતી સુંદર.”

વોલ્ટર માટે આ હદ બહારનું હતું. જ્યારે પેલો માણસ જતો રહ્યો ત્યારે એ આગળ આવ્યો, હાથ ઉંચા કર્યા અને કરગરતાં ધીમેથી કહે છે, “ ઓ ભગવાન, આ શું? એને જે કંઈ જોઈતું હતું તે બધું જ તેં એને આપ્યું. પરંતુ મને તો કશું જ ન આપ્યું. એમ કેમ?

એકાએક એક ગંભીર આકાશવાણી સંભળાઈ. “તારી તો મને કોઈ અસર જ જણાતી નથી, ભાઈ!”

રજનીશ વીષેનો કોઈ પુર્વગ્રહ હોય તો તે અંગે વીચાર કરવામાં આવે એ આશયથી આ રમુજ કહી છે. રજનીશે કંટાળાજનક ઉપદેશો નથી આપ્યા.

 

આ પહેલાં વીરાટનો જન્મોત્સવ કદી પણ ઉજવવામાં આવ્યો નથી. એટલે કે વીરાટની પહેલી, એકવીસમી, ચાળીસમી, પચાસમી જેવી કોઈ વરસગાંઠ ઉજવી નથી.

 

જીવનનો ભરપુર આનંદ માણવાની એક વીશીષ્ટ કળા પણ વીરાટ પાસે છે, જેનો થોડો અનુભવ અત્યારે અત્યારે મને થયો છે.

ફરીથી અંતરની શુભેચ્છા અને હાર્દીક આશીર્વાદ.

 

૬૦-૬૫ વર્ષ પહેલાંની વાત

ડિસેમ્બર 14, 2013

૬૦-૬૫ વર્ષ પહેલાંની વાત

 

લગભગ ૬૨ ઘરો અને વસ્તી લગભગ ૧૭૯ માણસોની એટલે કે દરેક ઘરમાં સરેરાશ માત્ર ૩ માણસોવાળા મારા ગામના બહુ થોડા નાના સરખા ભાગની જ આ વાત છે,  કેમ કે મોટા ભાગનાં લોકો પરદેશમાં વસવાટ કરતાં હતાં, કરે છે. મને ન્યુઝીલેન્ડમાં ૩૯ વર્ષ થયાં છે. આ વાતો છે ૬૦-૬૫ વર્ષ પહેલાંની. અમારા ગામમાં જેમ વ્યક્તીઓને ઉપનામો આપવામાં આવતાં તેમ અમારા વીસ્તારમાં બધે જ એમ થતું કે કેમ તેની મને માહીતી નથી. આજે પણ તે સમયમાં જેટલા પ્રમાણમાં આવાં નામો આપવામાં આવતાં તે પ્રમાણમાં ચાલુ છે કે કેમ તે પણ હું જાણતો નથી. આવાં નામો તે સમયે આપવામાં આવતાં એની આવનારી પેઢીઓને જાણ થાય એ માટે જે યાદ છે તે રજુ કરું છું. એમાં કોઈની ટીકા કરવાનો આશય નથી, કે ન તો કોઈને બદનામ કરવાનો હેતુ છે. અને કોઈએ બંધબેસતી પાઘડી પણ પહેરી ન લેવા વીનંતી.

સૌ પ્રથમ એક જ પ્રકારની ખોડખાંપણમાં પણ બે અલગ અલગ વ્યક્તીઓને કેવાં જુદાં નામો આપવામાં આવેલાં તે જોઈએ.

એક કાકાનો એક પગ જન્મથી જ ખોડો હતો. તેમને નામ મળ્યું મન્યો લંગડો. તે સમયે લોકો મનુભાઈ જેવા સુંદર નામને બગાડીને મન્યો કરી દેતાં. આજે એવું થાય છે કે કેમ તેની મને ખબર નથી. બીજા એક ભાઈને પણ એક પગમાં ખોડ હતી. એમને નામ આપવામાં આવેલું દામજી ખોડો. આ તફાવતનાં કારણો હું જાણતો નથી, પણ દામજીભાઈ વીષે સાંભળેલું કે ખાતર કાઢ્યા પછી ઉકરડાનો જે ખાડો હતો તે કુદી જવાની એમણે શરત બકેલી અને કુદવા જતાં ખાડામાં પડી ગયેલા, અને એ રીતે પગ ભાંગ્યો હતો.

પણ આ નામ બગાડવાની વાત આવી તો એક ભાઈનું નામ ખુબ સુંદર હતું – ધીરજભાઈ કે ધીરુભાઈ. એનું ‘ઢેકો’ નામ શી રીતે કરી દીધું હશે એ તો મને સમજાતું જ નથી. એમના પુત્રોનાં નામ પાછળ પણ પછી લોકોએ આ ‘ઢેકો’ નામ જોડી દીધું હતું. જેમ કે શીરીષ ઢેકો. શીરીષ એમના પુત્ર. બીજા ધીરજભાઈ કે ધીરુભાઈ પણ હતા, પણ તેમાંથી કોઈનું નામ આ રીતે બગાડવામાં કે બદલવામાં આવ્યું ન હતું. એમનું નામ કેમ બગાડવામાં આવ્યું હશે તે મારા માટે એક કોયડો(મીસ્ટરી) છે.

 

આ ધીરુ નામ સાથે જોડાયેલ એક જોક યાદ આવ્યો :

એક કાકા પર ફોન આવે છે :

કાકા : હલો, હલો! કોણ બોલે છે?

ધીરુ : એ તો હું ધીરુ બોલું છું.

કાકા : કોણ? કોણ બોલે છે? ધીરુ કેમ બોલે છે? મોટેથી બોલ ને.

ધીરુ : હા, કાકા, એ તો હું ધીરુ બોલું છું, ધીરુ, ધીરુ.

કાકા : અલ્યા ધીરુ શું જખ મારવા બોલે છે? મોટેથી બોલતાં શું થાય?

 

મનુકાકાની ઉંમર દામજીભાઈ કરતાં વધુ હતી. દામજીભાઈ પણ મારા કરતાં ઉમ્મરમાં ઘણા મોટા હતા.  મનુકાકાનાં બધાં જ બાળકો મારા કરતાં ઘણાં મોટાં. આથી મનુકાકાને જન્મથી ખોડ હોવા છતાં એમનું લંગડો ઉપનામ ક્યારથી શરુ થયું હશે તે હું જાણતો નથી. કદાચ અલગ અલગ રીતે આવેલી ખોડને કારણે અલગ નામો હશે? ખાડો કુદવાને લીધે આવેલી ખોડને યાદ રાખવા દામજી ખોડો? કે બંનેની ચાલવાની અલગ અલગ સ્ટાઈલને લીધે અલગ નામો હશે? મને ખ્યાલ છે ત્યાં સુધી મનુકાકાને ચાલવામાં લાકડીનો સહારો લેવો પડતો, જ્યારે દામજીભાઈ લાકડીની મદદ વીના પણ ચાલી શકતા. જો કે અમુક જાહેર પ્રસંગોએ તો દામજીભાઈ લાકડી સાથે રાખતા એવું સ્મરણ છે. તે સમયે આધેડ કે વૃદ્ધ લોકો ખાસ પ્રસંગોએ ચોક્કસ પ્રકારની લાકડી રાખતા એ રીતે પણ દામજીભાઈ કદાચ લાકડી રાખતા એમ બને, ચાલવાના સહારા માટે નહીં.

બીજા બે જણા જેમના બંનેના ઉપલા હોઠ જન્મથી જ થોડા થોડા કપાયેલા હતા. અમારે ત્યાં એને રાવળા પુરુષ કહેવામાં આવે છે. એમાં એક કાકાનો હોઠ વધુ પડતો, ઠેઠ નાક સુધી કપાયેલ હતો, જ્યારે બીજા ભાઈનો હોઠ થોડો ઓછો. આથી બુધીભાઈ ગુંગણું બોલતા અને એમને કહેતા બુધો લવો, પણ કાનજીભાઈને બોલવામાં કોઈ તકલીફ ન હતી, આથી એમને કાનજી ખાંડો કહેતા.

એક જણ બધા ભાઈઓમાં સૌથી નાના હતા. એમની માને પોતાનો એ નાનો દીકરો બહુ વહાલો. મા કદાચ કહેતાં કે એ દીકરો તો મારો નવાઈનો છે. બસ, નામ પડી ગયું રામજી નવાઈ. આ પછી એમને બધા રામજી નવાઈને નામે જ ઓળખવા લાગ્યા.

એક કાકા મોહનભાઈને બે પુત્રો હતા. એકનું નામ વીઠ્ઠલભાઈ અને બીજાનું નામ સુરેશભાઈ. વીઠ્ઠલભાઈને લોકો વીઠ્ઠલ અસલ કહેતા. બહુ મોડી મોડી મને આ નામ કેમ અપાયેલું તેની ખબર પડી. મોહનકાકાનાં સુરેશભાઈનાં બા સાથે બીજી વખતનાં લગ્ન હતાં. એટલે કે સુરેશભાઈ આ મોહનકાકાના દીકરા ન હતા, એમનાં બા એમનાં પ્રથમ લગ્નના પુત્રને પોતાની સાથે લાવ્યાં હતાં. માત્ર વીઠ્ઠલભાઈ જ કાકાના પુત્ર તો હતા. આમ મોહનકાકાના ખરેખરા પુત્ર વીઠ્ઠલભાઈ જ છે એ હકીકત દર્શાવવા લોકોએ વીઠ્ઠલ અસલ કહેવાનું શરુ કર્યું હતું. આપણી હીન્દુ સંસ્કૃતી પીતૃપ્રધાન સંસ્કૃતી હોવાને કારણે પીતાનો વંશ પુત્ર દ્વારા જ આગળ ચાલે છે એમ માનવામાં આવે છે. જો કે બંને ભાઈઓના નામ સાથે પીતા તરીકે તો મોહનભાઈ જ બોલાતું, વીઠ્ઠલભાઈ મોહનભાઈ અને સુરેશભાઈ મોહનભાઈ.

બીજું એક નામ યાદ આવે છે. એમનું નામ હતું સોમાભાઈ. લોકો એને સોમો ‘જીયો’ કહેતા. એનું કારણ હું જાણતો નથી, અને આ ‘જીયો’ શબ્દ કયા અર્થમાં લોકો વાપરતા તે પણ મને ખબર ન હતી. કેમ કે સોમાભાઈનું આખું નામ સોમાભાઈ રણધીરભાઈ પટેલ હતું. પણ ગુજરાતી લેક્સીકોનમાં જોયું તો ‘લાડકો’, ‘વરરાજા’ એવો ‘જીયો’ શબ્દનો અર્થ આપેલો છે. એ અર્થમાં આ શબ્દ અમારા  વીસ્તારમાં તે સમયે વપરાતો હશે કે કેમ અને એટલા માટે નામ પડ્યું હશે કેમ એ બાબત હું કશું કહી શકું નહીં, અને આજે તો આ અંગે કોઈ પ્રકાશ પાડી શકે તેવું હોવાની શક્યતા જણાતી નથી. કેમ કે એ નામધારી કાકાનું અવસાન મારા ખ્યાલ મુજબ ૧૯૮૭માં થયેલું, અને એમના પુત્રની ઉમ્મર પણ લગભગ મારી ઉમ્મર જેટલી હતી, અને એમના એ પુત્ર પણ ઘણાં વરસ પહેલાં ગુજરી ગયા છે.

મારા દાદાના કાકાનું નામ હતું કાળીદાસ. અમારું ઘર સાધારણ ટેકરા પર હતું. આજે ટેકરા જેવું કશું રહ્યું નથી, લગભગ રસ્તાની સપાટીએ ઘરો છે. કહો કે રસ્તો ઘરની સપાટીએ આવી ગયો છે – માટીપુરાણ  કરવાને લીધે. આ માટીકામ દ્વારા ગામમાં જ્યાં ઉંડી નાળ હતી તે પુરી દેવાનો ખ્યાલ મારા ખાસ મીત્ર સરપંચ હતા ત્યારે તેમને આવેલો અને ગામની અમુક સ્થળોની તાસીર જ એમણે બદલી નાખી હતી. મારા બાળપણમાં નદીની રેલનાં પાણી અમારા ઘર સુધી એક વાર આવેલાં મેં જોયેલાં. રસ્તો એટલો બધો નીચો હતો – ઉંડી નાળ હતી. સાઈકલ પર સવાર થઈને અમારા ઘરનો ટેકરો ચડવામાં ઘણી મુશ્કેલી રહેતી. અમારો આ ટેકરો કારાવાળાના ટેકરા તરીકે ઓળખાતો. આજે હજુ એ નામ ચાલુ છે કે કેમ તેની ખબર નથી. પણ પાંચમી પેઢીએ મારા પીતરાઈ ભાઈના એક પુત્રને લોકો કારીયા તરકે ઓળખે છે. એનું નામ ‘કારીયો’ નથી. પણ એ નામે એ ઓળખાય છે. એમાં મને આશ્ચર્ય એ બાબત છે કે એનું નામ વીનય, પણ એને વીનય કારીયો નથી કહેતા, માત્ર ‘કારીયો’ કહે છે. જેમ કે “કારીયો આજે કેમ દેખાતો નથી?” અને હા, એ કંઈ વાને શામળો તો નથી જ.

આ નામની વાત સાથે બીજા એક નામ વીશે. કોણ જાણે કેમ પણ એ સમયે અમારી આ નાની સરખી જગ્યામાં ‘ગાંડાભાઈ’ નામધારી ભાઈઓ મને યાદ આવે છે તે મુજબ સાત જણા હયાત હતા. તેમ ડાહ્યાભાઈ પણ સાત મારા ખ્યાલમાં આવે છે, કદાચ વધુ પણ હોય. અને આ તો ૧૭૯ માણસોની વસ્તી, જેમાં બહેનોનો પણ સમાવેશ થાય છે. અને એ સમયે જે હયાત હતા એમનાં જ નામ.

બહેનોનો ઉલ્લેખ થયો તો એક કાકીનું નામ યાદ આવે છે. એમને લોકો ‘પલકડી’ કહેતાં. એ નામ શી રીતે લોકોએ પાડ્યું હશે અને એનો અર્થ શું થાય એ બાબતમાં હું સાવ અજ્ઞાન છું. એમનું નામ તો ખુબ સુંદર હતું, સુશીલા કાકી. તો લોકો એને સુશીલા પલકડી કેમ કહેતા? સાથે સાથે એક કાકાનો ઉલ્લેખ કરી લઉં. એમણે જીદંગીભર કદી પગરખાં પહેર્યાં ન હતા. આથી તેઓ ‘અઢવણ’ તરીકે ઓળખાતા. એમના પગરખાં ન પહેરવા પાછળના કારણની પણ મને જાણ નથી. કદાચ વર્ષો પહેલાં હતી, પણ અત્યારે કશું યાદ આવતું નથી.

બીજું એક નામ ભંગીયો છીપકો. ખરેખર એ કાકાનું નામ હતું ભાણાભાઈ છીબાભાઈ. એનું આવું ભાણાભાઈનું ભંગીયો અને છીબાભાઈનું છીપકો કેમ  થયું હશે કે લોકોએ કરી દીધું હશે એનું મને ખરેખર આશ્ચર્ય થાય છે. મારા ખ્યાલ મુજબ આ કાકા સારા સ્વભાવના હતા.

ફરીથી જણાવવાનું કે કોઈ પણ વ્યક્તીની ટીકા, નીચાજોણું કે ખણખોદ માટે આ લખ્યું નથી. અહીં દર્શાવેલ નામધારી સહુ વ્યક્તીઓ માટે મને માન અને આદર હતાં અને છે.

શીક્ષકોનો એક પરીવાર

ડિસેમ્બર 9, 2013

શીક્ષકોનો એક પરીવાર

બાબુભાઈ પાંચમી પેઢીએ મારા પીતરાઈ ભાઈ થાય છે. મારા વડવાનાં નામ આ મુજબ છે:

ગાંડાભાઈ-વલ્લભભાઈ-લાલાભાઈ-પુનાભાઈ-જસમતભાઈ.

બાબુભાઈના વડવાનાં નામો છે:

બાબુભાઈ-લાલાભાઈ-જેરામભાઈ-કાળાભાઈ-જસમતભાઈ.

 

આમ મારા વડદાદાના પીતા અને બાબુભાઈના વડદાદાના પીતા એક જ એટલે કે જસમતભાઈ.

આઝાદીની ચળવળ વખતે લગભગ ૧૯૩૨માં અમારા મહોલ્લા નજીક મીઠાના કાયદાનો ભંગ કરવા માટે એક સભા રાખવામાં આવેલી. એમાં બાબુભાઈના પીતા લાલાકાકાએ ભાગ લીધેલો અને મીઠાના કાયદાનો ભંગ કરીને પકવેલ મીઠું હરાજીમાં ખરીદેલું. આથી એમની ધરપકડનું વૉરંટ પણ નીકળેલું, પરંતુ ધરપકડ કરવામાં આવી ન હતી. એમણે યુનીવર્સીટીનું શીક્ષણ પણ તે સમયની મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં સફળતા મેળવ્યા બાદ બે એક વર્ષ જેવું લીધું હતું. જો કે મારે વાત કરવી છે બાબુભાઈના પરીવાર વીશે, જેની માહીતી મને બહુ જ મોડી મળી – આ વર્ષે એટલે કે ૨૦૧૩ના સપ્ટેમ્બરમાં.

બાબુભાઈનો જન્મ ૧૯૩૩માં થયેલો. એમને એક મોટા ભાઈ હીરાભાઈ (જન્મ ૧૯૩૦) અને નાનાં બહેન શાંતિબહેન છે. બાબુભાઈએ એસ.એસ.સી. પસાર કરીને ખાદી ગ્રામોદ્યોગમાં અંબર ચરખા અને વણાટની તાલીમ લીધી હતી. આ પછી પી.ટી.સી. કોલેજમાં ઉદ્યોગ શીક્ષક તરીકે જોડાયા. હાલ બાબુભાઈ નીવૃત્તી જીવન માણી રહ્યા છે.

બાબુભાઈનાં પત્ની સવિતાબહેનનો જન્મ ૧૯૪૫માં થયેલો. એમણે પ્રાથમીક શીક્ષકની તાલીમ લઈને પી.ટી.સી. પ્રાપ્ત કરેલું અને વર્ષો સુધી શીક્ષક તરીકે સેવા આપ્યા બાદ હાલ નીવૃત્ત છે.

આમ આ દંપતીમાં બંને જણા શીક્ષકની સેવા આપ્યા બાદ નીવૃત્ત થયાં છે. હવે એમના પરીવારમાં પણ કેટલાં જણા શીક્ષક તરીકે સેવા આપી રહ્યાં છે કે શીક્ષક તરીકેની યોગ્યતા ધરાવે છે તે જોઈએ.

બાબુભાઈના સૌથી મોટા પુત્ર ભરતભાઈ. એમનો જન્મ ૧૯૬૬માં અને એમનાં પત્ની હેમલતાબહેનનો જન્મ ૧૯૭૦માં. ભરતભાઈએ બી.એ. થયા પછી બી.એડ. કર્યું અને એમ.આર.એડ. હાઈસ્કુલમાં સેવા આપી રહ્યા છે. હેમલતાબહેન પણ બી.એ., બી.એડ. છે.

બાબુભાઈના બીજા પુત્ર બિપીનભાઈનો જન્મ ૧૯૬૮માં થયેલો. એમણે બી.એ., બી.એડ. કર્યા બાદ શીક્ષણમાં માસ્ટર ડીગ્રી પણ પ્રાપ્ત કરી છે, એટલે કે એમ.એડ. પણ કર્યું છે. બિપીનભાઈ પી.ટી.સી. કૉલેજમાં પોતાની સેવા બજાવી રહ્યા છે. એમનાં લગ્ન માલતીબહેન સાથે થયેલાં. માલતીબહેને પણ બી.એ., બી.એડ. કર્યું છે.

બાબુભાઈના ત્રીજા પુત્ર છે વિમલભાઈ. એમણે બી.એ. કર્યા પછી મોબાઈલ કંપનીમાં સર્વીસ લીધી છે. વિમલભાઈનાં પત્નીનું નામ છે ભક્તિબહેન. ભક્તિબહેને બી.એ. કર્યા બાદ પી.ટી.સી. કર્યું છે અને પ્રાથમીક શાળામાં એમની સેવા આપી રહ્યાં છે.

આમ બાબુભાઈના પરીવારમાં શીક્ષક તરીકે લાયકાત ધરાવનારાં ભાઈ-બહેનોની સંખ્યા જુઓ:

૧. બાબુભાઈ લાલાભાઈ – પીતાજી

૨. સવિતાબહેન લાલાભાઈ – માતા

૩. ભરતભાઈ બાબુભાઈ – પુત્ર-૧

૪. હેમલતાબહેન ભરતભાઈ – પુત્રવધુ-૧

૫. બિપીનભાઈ બાબુભાઈ – પુત્ર-૨

૬. માલતીબહેન બિપીનભાઈ – પુત્રવધુ-૨

૭. ભક્તિબહેન વિમલભાઈ – પુત્રવધુ-૩

આમ આ એક જ પરીવારમાં સાત જણા શીક્ષકની લાયકાત ધરાવનારાં છે.

બાબુભાઈની પરવાનગી લઈ એમના સૌજન્યથી આ વીગતો પ્રગટ કરવામાં આવી છે.

ભારતીય હાઈકમીશન – વેલીંગ્ટન

નવેમ્બર 29, 2013

ભારતીય હાઈકમીશન – વેલીંગ્ટન

અહીં વેલીંગ્ટનમાં ભારતીય હાઈકમીશનની ઑફીસ આવેલી છે. ભારતના વીઝા માટેની કાર્યવાહી અહીંથી થાય છે. વર્ષો પહેલાં હું જે ઑફીસમાં કામ કરતો તેની બાજુમાં જ આ ઑફીસ હતી. તે સમયે મને એમનો જે અનુભવ થયેલો તેનું જે સ્મરણ છે તે લગભગ ભારતના સરકારી કર્મચારીઓ જેવી તુમાખી જેવું એમનું વર્તન હતું એવું જ કંઈક છે. હાલમાં જ એક ભાઈએ એમને થયેલો ભારતીય હાઈકમીશનની ઑફીસનો અનુભવ મને જણાવ્યો.

વર્ષોથી ન્યુઝીલેન્ડમાં રહેતાં એક શ્વેત બહેન લીન્ડાને ભારત જવા માટે વીઝાની જરુર હતી. એમની પાસે બ્રીટીશ પાસપોર્ટ હતો. મુંબઈમાં રમાનારી બહેનોની વીશ્વ ક્રીકેટ ટુર્નામેન્ટ જોવા માટે એ બહેન જવાનાં હતાં.  જીવનભર લીન્ડાએ બહેનોની ક્રીકેટની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અમ્પાયર, કૉમેન્ટટેટર અને વહીવટકાર તરીકે પુશ્કળ સેવા કરી છે. તેઓ ન્યુઝીલેન્ડના ક્રીકેટ એસોસીયેશનનાં લાઈફ મેમ્બર પણ છે.

બહેનોની  વીશ્વ ક્રીકેટ ટુર્નામેન્ટ તા. ૩૧-૧-૧૩થી ૧૭-૨-૧૩ દરમીયાન રમાનાર હતી. આથી લીન્ડાબહેન પાછલી કેટલીક મેચ જોઈ શકાય એ રીતે મુંબઈ પહોંચવા માગતાં હતાં. એમણે કરેલી વીઝાની અરજીનું કશું પરીણામ ન જણાતાં એમણે એમના ઓળખીતા એક ઈન્ડીયન ભાઈ સુખદેવભાઈનો સંપર્ક કર્યો.

સુખદેવભાઈએ શુક્રવાર તા. ૮-૨-૧૩ રોજ બપોર પછી ૪-૪૦ વાગ્યે ઈન્ડીયન હાઈકમીશનની  ઑફીસમાં ફોન કર્યો. પરંતુ કશો સંપર્ક થઈ શક્યો ન હતો.

સુખદેવભાઈએ ફરીથી તા. ૧૨-૨-૧૩ના રોજ સવારે ૯-૩૦ વાગ્યે ફોન કર્યો, તો લાઈન કપાયેલી હોવાનો ટોન હતો. ફરીથી ૧૧-૦૦થી ૧૧-૩૦ દરમીયાન ટ્રાય કરી તો દર વખતે લાઈન કપાયેલીનો જ ટોન સાંભળવા મળ્યો. બપોર પછી ૪-૧૦ કલાકે પણ એ જ ટોન હતો.

આ પછી સુખદેવભાઈએ ભારતીય હાઈકમીશનની ઑફીસના એ જ ફોન નંબર ૪૭૩૬૩૯૦ પર તા. ૧૫-૨-૧૩ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યે ટ્રાય કરી તો લાઈન બીઝીનો ટોન મળ્યો. ૧૧-૩૫, ફોન બીઝી. ૧૧-૪૦ ફોન બંધ, લાઈન કપાયેલી. આથી એ દીવસે મોબાઈલ પર બપોરે ૧૨-૦૦ વાગ્યે ફોન કર્યો તો આન્સરમશીનમાં મેસેજ સાંભળવા મળ્યો.

આ પછી સુખદેવભાઈ ભારતીય હાઈકમીશનની ઓફીસે એ દીવસે એટલે ૧૫-૨-૧૩ના રોજ ગયા. એમણે વીઝા ઑફીસરની મુલાકાત લીધી અને બહેન લીન્ડાને વીઝા આપવા બાબત શી મુશ્કેલી છે તેની તપાસ કરી. બહેન લીન્ડા પાસે બ્રીટીશ પાસપોર્ટ હોવાના કારણે વીલંબ થયો છે એમ કહેવામાં આવ્યું, જે સુખદેવભાઈને ગળે ઉતર્યું નહીં. સુખદેવભાઈની દલીલ એ હતી કે હવે બધું કામ ઈમેઈલ દ્વારા ખુબ ઝડપથી કરી શકાય. આ વાતચીત દરમીયાન એમણે વીઝા ઑફીસરને એમનું નામ પુછ્યું. આથી વીઝા ઑફીસરે સુખદેવભાઈને “ગેટ આઉટ” કહીને બહાર કાઢી મુક્યા.

સુખદેવભાઈ આ પછી તા. ૨૧-૨-૧૩ના રોજ ભારતીય હાઈકમીશ્નરના નામે એક  પત્ર લખીને એમના નીવાસસ્થાને હાથોહાથ આપી આવ્યા. હાઈકમીશ્નર તરફથી એનો જવાબ તા. ૨૫-૨-૧૩ના રોજ મળ્યો, જેમાં સૌ પ્રથમ તો જણાવવામાં આવ્યું હતું:

“તમને પડેલી મુશ્કેલી બદલ હું માફી ચાહું છું.”

હવે અહીં સરખામણી કરો – કામ કરનાર સરકારી કર્મચારી અને જેના માટે એ કામ કરે છે તે બોસના વર્તનની.

ભારતમાં સરકારી કર્મચારી માટે આચારસંહીતા અંગે હાલમાં જ મારા વાંચવામાં નીચે મુજબ આવ્યું છે.

(સરકારી ખાતાંઓ માટે સુચના)

“જાહેર જનતા સાથેના વ્યવહારમાં ક્યાંય અવીનય, તોછડાપણું કે બીનજરુરી કઠોરતા પેસી ન જાય તે જોવું. લોકશાહીમાં કદાચ કોઈ પ્રજાજનના વર્તનમાં તોછડાઈ, ક્રોધ કે અધીરાઈ દેખાય, તો પણ સરકારી અધીકારીએ પોતે ધીરજ રાખી, ગૌરવ જાળવી સામે શીષ્ટતા જ દાખવવી રહી. સહાનુભુતી કે સમભાવ સરકારી અધીકારીઓનો એક આવશ્યક ગુણ હોવો ઘટે અને તે રુબરુ મુલાકાત વેળા તેમ જ લખાણમાં સૌજન્યરુપે પ્રગટ થવો જોઈએ.”

સરકારી ખાતાની આ સુચનાને પેલા વીઝા ઑફીસર ભાઈ ધોઈને પી ગયા લાગે છે.

એય! લાઈનમાં ઉભો રહે, અલ્યા – સત્યકથા

જુલાઇ 26, 2013


એય! લાઈનમાં ઉભો રહે, અલ્યા – સત્યકથા

12.00

મારા પર આજે જ અહીં ન્યુઝીલેન્ડના આયકર વીભાગમાંથી(Inland Revenue Department- IRDમાંથી) એક ફોન આવ્યો. મેં કેટલીક વાર આપણા દેશનાં સરકારી ખાતાંમાં અધીકારીની તુમાખી વીશે વાંચ્યું છે અને સાંભળ્યું છે. મને પણ થોડાં વર્ષ પહેલાં દેશ ગયેલો ત્યારે એક અનુભવ થયેલો. આથી આ બાબત લખવા મન થયું. એ પહેલાં હાલમાં જ ગુજરાત સમાચારજે ઈન્ગલેન્ડથી પ્રગટ થાય છે તેમાં એક જોક વાંચવા મળ્યો એ મુકવાની લાલચ રોકી શકતો નથી. મારે જે કહેવાનું છે એની સાથે એનો સરસ મેળ ખાય છે.

અમેરીકનઃ અમારા કુતરા સાઈકલ ચલાવે છે.

ચાઈનીઝઃ અમારી બીલાડી બાઈક ચલાવે છે.

જાપાનીઝઃ અમારા વાંદરા વીમાન ચલાવે છે.

ભારતીયઃ અમારા ગધેડા આખો દેશ ચલાવે છે.

આ જોકની વીગતોમાં જતો નથી. લોકો પોતાની મેળે સમજી જશે.

અમારી દીકરી સ્વાતી કેટલાંક વર્ષ ઑસ્ટ્રેલીયામાં હતી. એ દરમીયાન એની પાસેનું અહીં વેલીંગ્ટનનું ઘર ભાડે આપ્યું હતું. એ ઘરનું જે ભાડું આવે તેનો આવકવેરો અહીં ન્યુઝીલેન્ડની સરકારમાં ભરવાનો હોય છે. એ સંભાળવા માટે તથા ભાડુઆતો સાથેની લેવડદેવડ, ઘરની સંભાળ, ઘર વીશે બીજી અન્ય બાબતોની કાળજી રાખવા મારી પાસે સ્વાતીનો પાવર ઑફ એટર્ની છે. દર વખતે ભાડાનો હીસાબ તૈયાર કરી આવકવેરાનાં ફોર્મ ભરવાનું કામ હું કરતો હતો. આ વર્ષે સ્વાતી ઑસ્ટ્રેલીયા છોડી કાયમ માટે ફરીથી અહીં વેલીંગ્ટન આવી, આથી એણે આવકવેરાનાં ફોર્મ ભર્યાં. એમાં કંઈક વીલંબ થયો, અને છેલ્લા દીવસે પણ એ તૈયાર થઈ શક્યાં નહીં. આથી બીજા દીવસે હું અને મારી પત્ની અહીં વેલીંગ્ટનની ઑફીસમાં રુબરુ જઈને આપી આવ્યાં. આ ફોર્મ IRDની હેડ ઑફીસમાં અહીંની વેલીંગ્ટનની ઑફીસ દ્વારા પહોંચાડવાનાં રહે.

કેટલાક દીવસો બાદ IRDમાંથી બીજાં નવાં ફોર્મ આવ્યાં. આથી મેં એમની હેડઑફીસમાં ફોન કર્યો. જવાબ આપનાર બહેને મને કહ્યું કે તમારાં (એટલે કે સ્વાતીનાં મારી પાસે પાવર ઑફ એટર્ની હોવાને કારણે જ હું સ્વાતી વતી આ વીષયમાં વાતો કરી શકું, અને એની ખાતરી તો એ બહેને કંપ્યુટરમાં બધી નોંધ જોઈને કરી જ લીધી હતી, જે માટે મારી અને સ્વાતીની વીગતો એણે પહેલાં મને પુછી હતી. આ વીગતો ગુપ્ત, અંગત હોય છે.) આવકવેરાનાં ફોર્મ મુદત વીતી જવા છતાં હજુ મળ્યાં નથી, માટે એ ફીરીથી મોકલ્યાં છે. તમારે એ ભરીને અહીં મોકલવાનાં રહેશે. મેં કહ્યું કે આવકવેરાનાં ફોર્મ ભરીને હું મારી પત્ની સાથે જઈને વેલીંગ્ટન ઑફીસમાં રુબરુ આપી જ આવ્યો છું.

બહેન : સારું, જો કે અમારા કંપ્યુટરમાં એ મળ્યાં હોવાની નોંધ જોવામાં આવતી નથી. હું વેલીંગ્ટન તપાસ કરું છું, તમે ફોન પર જરા રોકાશો?

એમણે તપાસ કરી અને ફરીથી ફોન પર આવ્યાં.

છેલ્લી ઘડીએ ખુબ ધસારો હોવાને લીધે મોડું થયું હોય એમ લાગે છે. બીજા એકાદ વીકમાં તમારાં ફોર્મ અમને મળી જવાં જોઈએ. એ મળ્યાં કે કેમ એ બાબતમાં તમને હું ફોન કરું કે તમે શું ઈચ્છો છો?

મને કદાચ યાદ ન રહે એમ માની મેં કહ્યું, “બહેન તમે ફોન કરશો?”

એમણે કહ્યું, “ફોન તમારા પર આવશે, પણ તે હું જ હોઈશ એમ ન પણ બને. અમારી ઑફીસમાંથી કોઈ પણ વ્યક્તી તમને ફોન કરશે.

અને ખરેખર મને યાદ રહ્યું ન હતું કે IRDને સ્વાતીનાં આવકવેરાનાં ફોર્મ મળ્યાં નથી અને કદાચ ફરીથી ભરવાનાં રહેશે. વળી મને એમ હતું કે જો એકાદ વીકમાં ન મળે તો જ એ લોકો ફરીથી ફોર્મ ભરવાનું જણાવવા માટે ફોન કરશે. પણ આજે મેં ઉપર કહ્યું કે IRDમાંથી ફોન આવ્યો તે એ જણાવવા માટે કે સ્વાતીનાં આવકવેરાનાં ફોર્મ મળી ગયાં છે. આજે આ ફોન કરનાર એક ભાઈ હતા. અગાઉ જે બહેને ફોન કરેલો એમણે પોતાનું નામ શરુઆતમાં જ મને કહેલું, પણ ફોનના અંતે હું ભુલી ગયેલો. એ બહેનને મેં કહ્યું કે હું તમારું નામ નોંધી લઉં? મને ફરીથી કહેશો તમારું નામ? ત્યારે એમણે મેં ઉપર જે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તી તમને IRDમાંથી ફોન કરશે એમ જણાવેલું, પણ એમણે એમનું નામ તો મને બહુ જ ખુશીથી ફરીથી પણ જણાવેલું.

પહેલા ફોન વખતે એ બહેને બહુ જ મીત્રભાવે બધી વાતો કરેલી. એમાં સહેજ પણ તુમાખી જોવા ન મળે. આજે જે ભાઈએ ફોન કર્યો તે પણ મીત્રભાવે વાતો કરતા હતા. યાદ રાખો, આવકવેરાનાં ફોર્મ ભરવાની જવાબદારી નાગરીકની. એ મુદત કરતાં મોડાં મોકલ્યાં, જે દંડને પાત્ર પણ ઠરે છે, છતાં ખુબ જ સારી રીતે અહીંના લોકો નાગરીકો સાથે વર્તે છે. અમલદારશાહી કે તુમાખી કરતાં નથી, અને તે પણ કોઈ પણ જાતના ભેદભાવ વીના. તેઓ ખરેખર માને છે કે તેમની ફરજ નાગરીકોને મદદ કરવાની, મુશ્કેલી હોય તો તે સમજવાની અને એનો ઉકેલ કરવાની છે, નહીં કે રોફ બતાવવાની.

 આવા અનુભવની કોઈ અપેક્ષા આપણા દેશનાં સરકારી ખાતાંઓમાં કામ કરનારાઓ પાસે રાખી શકાય ખરી? એ ખાતાંઓમાં કામ કરનારા તો ખાતા હોય છે, ખરું ને?

Normal
0

false
false
false

EN-NZ
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt;
mso-para-margin:0cm;
mso-para-margin-bottom:.0001pt;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

મન્સુભાઈની ખેલદિલી

જૂન 25, 2013

મન્સુભાઈની ખેલદિલી

 

આપણા કાંઠા વિભાગના એક બહુ જાણીતા રમતવીરની ખેલદિલી વિષે બહુ ઓછા લોકો જાણતા હશે. આજે તો એમની ઉમ્મર લગભગ ૭૨ વર્ષની છે. (કમનસીબે જાન્યુઆરી ૨૦૦૫માં એમનું અવસાન થયું, તે પહેલાં આ લખ્યું હતું.) એ છે ભારત વિદ્યાલય, કરાડીના નિવૃત્ત આચાર્ય શ્રી મન્સુભાઈ પટેલ. હાલ તેઓ અહીં અૉકલેન્ડ, ન્યુઝીલેન્ડમાં રહે છે.

 

આમ તો એમનું નામ હતું મનુભાઈ સુખાભાઈ પટેલ. એનું સંક્ષિપ્ત રૂપ મનુ સુ. પટેલ, પણ એનું મન્સુ પટેલ થયું અને સામાન્ય રીતે તે સમયે તો નામ સાથે ભાઈ જોડવાનું સ્વાભાવિક હતું. આથી મન્સુભાઈ તરીકે તેઓ ઓળખાવા લાગ્યા.

 

કરાડીમાં હું ધારું છું કે લગભગ ૧૯૫૫થી મુરારી વૉલીબૉલ ટુર્નામેન્ટ શરૂ થયેલી. (આ મુરારીભાઈ વિશે પણ એક લેખ લખવા જેવી માહિતી મારી પાસે છે. કદાચ કોઈએ લખ્યું પણ હોય.) હું મન્સુભાઈને તે સમયથી ઓળખું છું. અા પછી ૧૯૬૨માં ભારત વિદ્યાલયમાં એક શિક્ષક તરીકે હું પણ જોડાયો અને મન્સુભાઈનો વધુ પરિચય થયો. મન્સુભાઈના નજીકના પરિચયમાં અાવેલ હોય તે લોકો તો એમની ખેલદિલી વિષે ઘણુંખરું જાણતા હશે. મને એ બાબતમાં એક પ્રસંગ બહુ નજીકથી જોવા મળેલો તે વિષે કંઈક કહેવા ધારું છું.

 

પ્રસંગ કદાચ ૧૯૬૩ની જાન્યુઅારીની અાસપાસનો હશે, સમય મને ચોક્કસ યાદ નથી. તે સમયે વાપીમાં વૉલીબૉલની એક ટુર્નામેન્ટ રમાતી. ત્યાં પાસીંગ અને ડાયરેક્ટ એમ બન્ને પ્રકારની વૉલીબૉલની રમત રમાતી. પાસીંગ રમત માટે વાપીની એક ટીમ ઊતરતી જે મુંબઈના ચુનંદા ખેલાડીઓની બનેલી હોય. (આ ટુર્નામેન્ટ રમાડનાર સંસ્થા મુંબઈના ખેલાડીઓને લઈ આવતી?) અા ટુર્નામેન્ટમાં વીજલપોર તરફથી એક ટીમ ભાગ લેવા ગયેલી. મને વૉલીબૉલમાં રસ હોવાથી અા ટુર્નામેન્ટ જોવા માટે હું મન્સુભાઈ સાથે ગયો હતો. મન્સુભાઈ વીજલપોરની ટીમમાંથી રમવાના હતા.

 

હવે વીજલપોરની ટીમ કેવી રીતે બની હતી તે જોઈએ. એમાં  બે ખેલાડી વીજલપોરના મહેશભાઈ અને વિજયભાઈ. એ બન્ને મુ. રણધીરભાઈ દેસાઈના સુપુત્રો. રણધીરભાઈ દેસાઈ રણધીરકાકા તરીકે જાણીતા હતા, તેઓ કરાડી મુરારી ટુર્નામેન્ટમાં દર વર્ષે ભાગ લેતા, શરૂઆતમાં ખેલાડી તરીકે અને પાછળથી અમ્પાયર તરીકે. અાથી અાપણા કાંઠા વિભાગના લોકોને તેઓ પરિચિત હતા. બે ખેલાડી ગુરકુલ સુપાના સુભાષભાઈ અને લોકપતિ. અમારા કાંઠા વિભાગના મન્સુભાઈ. બીજા એક ખેલાડીભાઈ હતા દિલ્હી યુનિવર્સિટીના શ્રી ગોહીલ. આ છએ છ ખેલાડીઓ યુનિવર્સિટી ચેમ્પીઅન. મહેશભાઈ, વિજયભાઈ, મન્સુભાઈ, સુભાષભાઈ અને લોકપતિ ગુજરાત યુનિવર્સિટીના અને શ્રી ગોહીલ દિલ્હી યુનિવર્સિટીના. આમ વિજલપોરની ટીમ પણ ઘણી સધ્ધર હતી.

 

વાપીમાં આ ટુર્નામેન્ટ ચાલી તે દરમિયાન એકાદબે રાત અમે ત્યાં રોકાયા હતા. હું અને મન્સુભાઈ હોટલમાં એક જ રૂમમાં સાથે રહ્યા હતા.

 

વાપીની એટલે ખરેખર તો મુંબઈની ટીમ સાથે વિજલપોરની ટીમનો રાઉન્ડ ખરેખર જોવા જેવો હતો. મેચ બહુ જ રસાકસીભરી હતી. પહેલી ગેઈમ વિજલપોરની ટીમ જીતી ગઈ. મેં જોયું તો એ ગેઈમમાં મન્સુભાઈને રમવાની તક વધુ મળી હતી. જો કે મન્સુભાઈનો પોતાનો વૉલી અહીં ન હતો. સામાન્ય રીતે કરાડીના ધીરુભાઈ ઉંકાભાઈ મન્સુભાઈનું વૉલી કરતા. સુભાષભાઈનો પોતાનો વૉલી લોકપતિ અને વિજયભાઈનો પણ પોતાનો વૉલી મહેશભાઈ એમની પાસે હતા. (કે મહેશભાઈના વૉલી વિજયભાઈ હતા? ઘણાં વર્ષો પહેલાંની આ વાત હોવાથી મને ચોક્કસ યાદ નથી.) માત્ર મન્સુભાઈ અને ગોહીલજી પાસે જ પોતાના વૉલી ન હતા. એમ છતાં મન્સુભાઈ માટે મહેશભાઈ અજાણ્યા ન હતા. પરંતુ પહેલી ગેઈમ જે વિજલપોરની ટીમ જીતી ગઈ પછી મન્સુભાઈને રમવાની બહુ તક ન મળી અને વિજલપોરની ટીમ પછીની કોઈ ગેઈમ જીતી ન શકી.

 

મને ખ્યાલ છે ત્યાં સુધી આ મૅચ પછી અમે એક રાત વાપી રોકાયા હતા. મન્સુભાઈ બહુ વિચારપૂર્વક રમતા. બૉલ માત્ર બળપૂર્વક સ્મૅશ કરવાથી જ પૉઈન્ટ મેળવી શકાય એવું નથી હોતું. મન્સુભાઈ ઘણી વાર બુદ્ધિ વાપરી એવી રીતે બૉલ મૂકી દેતા કે જેથી પૉઈન્ટ મળી શકે. આ મૅચમાં મન્સુભાઈને મળવા જોઈએ એટલા બૉલ મળ્યા ન હતા એ મેં જોયું હતું. કેમ કે એક જ સમયે નેટ પર બે સ્મેશર અને એક વૉલી હોય. સામાન્ય રીતે વૉલી જેને બૉલ આપવાને ટેવાયેલ હોય અને કેવો બૉલ એના સ્મેશરને જોઈએ એ જાણતો હોય આથી પોતાના સ્મેશરને વધુ બૉલ મળે. મન્સુભાઈ કે શ્રી ગોહીલજીને ખાસ બૉલ મળી ન શક્યા અને વિજલપોરની ટીમ જીતી ન શકી હતી એવું જોનાર તરીકે મને લાગ્યું હતું. પરંતુ મન્સુભાઈએ હું એમનો મિત્ર છતાં તે રાત્રે કે ત્યાર બાદ કદી પણ કહ્યું નથી કે જો એમને તક આપવામાં આવી હોત તો જીતવાની શક્યતા હતી. કરાડી ભારત વિદ્યાલયમાં અમે સાથે જ શિક્ષકો હતા આથી દરરોજ મળવાનું તો થતું જ હતું. એટલું જ નહિ મન્સુભાઈએ કદી એમ પણ કહ્યું નહિ કે જો બૉલ મળ્યા હોત તો મઝા આવી જાત. આ પ્રકારની ખેલદિલી મેં બીજા કોઈ ખેલાડીમાં જોઈ નથી. એવું ન હતું કે વૉલીબૉલ વિષે મન્સુભાઈ મારી સાથે ખાસ વાતો ન કરવા ઈચ્છે કેમ કે વૉલીબૉલની રમતમાં મને ગતાગમ ન હતી, એવું ન હતું. એક વખત હું કરાડીની ટીમમાં મન્સુભાઈ સાથે ગાર્ડા કૉલેજની ટીમ સામે ફ્રેન્ડલી મૅચમાં પણ રમ્યો હતો. અમારી બોદાલીની ટીમ એક વાર મુરારી ટુર્નામેન્ટમાં રનર અપ થયેલી તેમાં પણ હું રમ્યો હતો. તે સમયના નવસારી તાલુકામાં ‘મુરારી ટુર્નામેન્ટ’ એક પ્રેસ્ટીજીઅસ ટુર્નામેન્ટ ગણાતી. કરાડીની ટીમ એમાં ઘણી વાર વિજેતા બનતી, જેના ખેલાડીઓને નવસારી તાલુકા તરફથી ગુજરાત રમતોત્સવમાં પણ રમવા માટે ચુંટવામાં આવેલા એવો ખ્યાલ છે.

 

આ સિવાય બીજા એક પ્રસંગે પણ મને મન્સુભાઈની ખેલદિલીનો અનુભવ થયેલો. એકવાર અમે અમારા કાંઠા વિભાગનું ડેપ્યુટેશન લઈ તે સમયના વલસાડ જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના  પ્રમુખશ્રી પાસે ગયેલા. મન્સુભાઈ વૉલીબૉલ ઉપરાંત ક્રિકેટ પણ ઘણું સારું રમતા.  એમની સાથે મન્સુભાઈએ ઘણી જ નમ્રતાપૂર્વક વાતો કરી હતી. પોતે ક્રિકેટના ઘણા સારા ખેલાડી હોવાની કોઈ છાપ એમણે પડવા દીધી ન હતી. જો કે એ પ્રમુખશ્રી મન્સુભાઈને કદાચ ઓળખતા હશે. એ ડેપ્યુટેશનનો આશય કાંઠા વિભાગના તે સમયના બહુ જ આશાસ્પદ યુવાન ખેલાડીઓને વલસાડની ટીમમાં સ્થાન મળવું જોઈએ એ હતો, પરંતુ એ ભાઈ તરફથી કોઈ સાનુકૂળ પ્રતિસાદ મળી શક્યો ન હતો. તે સમયે પણ કાંઠા વિભાગમાં કેટલાક ઘણું સરસ ક્રિકેટ રમનારા યુવાનો હતા.

 

કરાડીમાં રમાતી મુરારી ટુર્નામેન્ટ સમયે પણ મન્સુભાઈની આ ખેલદિલીનો અનુભવ ઘણાને થયો હશે.

 

એક શિક્ષક તરીકે પણ મેં મન્સુભાઈ સાથે કામ કરેલું અને એ રીતે પણ મને એમનો પરિચય થયેલો.

 

સાથે સાથે મન્સુભાઈ માત્ર ક્રિકેટ અને વૉલીબૉલ જ નહિ પણ હોકી અને ટેબલ ટેનિસ પણ રમતા. જો કે મેં એમને હોકી રમતા જોયા ન હતા. ટેબલ ટેનિસ તો હું એમની સાથે રમ્યો છું. મન્સુભાઈ ટેબલ ટેનિસ પણ ઘણું સારું રમતા.

હાર્ટ એટેક-સત્યકથા

જુલાઇ 30, 2012

હાર્ટ એટેક-સત્યકથા

મારા સ્નેહી મિત્ર મનુભાઈ ગીજુને થોડા સમય પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો. એમણે એ અનુભવનું જે વર્ણન કર્યું છે તે આવા સંજોગમાં મુકાયેલ વ્યક્તિને ઉપયોગી થાય એ હેતુથી એમની તથા ભાઈ શ્રી કિશોરભાઈની સંમતિ અને એમનાં સૌજન્યથી આ પોસ્ટ સાદર રજુ કરું છું.

“યસ, હી ઇઝ અવેક

 

રાત્રિના ભોજન પછી હું લેપ-ટોપ ઉપર મારું કામ કરવા લાગ્યો.  લગભગ નવ વાગ્યા હશે.  મને ધીમે ધીમે ઓડકાર આવવા લાગ્યા, સાથે સાથે છાતીના વચ્ચેના ભાગમાં થોડો દુખાવો પણ થવા લાગ્યો.  દુખાવો સામાન્ય હતો, અસહ્ય ન હતો.  દસ-બાર મિનિટ પછી ઓડકાર અપચાના હશે એમ વિચારી અડધી ચમચી ઇનો (ENO) પાણીમાં લીધો.  બેડરૂમમાં જઈ બે-પાંચ મિનીટ આરામ કર્યો પણ કાંઈ ફેર પડ્યો નહીં.  બીજી અડધી ચમચી ઇનો પીધો છતાં ઓડકાર કે દુખાવામાં ફેર પડ્યો નહી.  દુખાવો ફ્ક્ત છાતીના વચ્ચેના ભાગમાં જ હતો.  શરીરના બીજા કોઈ ભાગમાં ન હતો.

મારી પત્ની હસુ સાથે બેઝમેન્ટમાં જઈને અમે બે વખત બ્લડપ્રેસર માપ્યું. (૧) ૧૬૭/૯૯ (૨) ૧૬૩/૯૭ આવ્યું.  સામાન્ય રીતે મારુ બ્લડપ્રેસર સિસ્ટોલિક (Systolic) ૧૩૦થી નીચે અને ડાયોસ્ટોલિક (Diastolic) ૮૦થી નીચે રહેતું.  આજે વધારે આવ્યું એટલે થોડી ચિંતા થઈ પરંતુ આવી વધઘટ, ચડઊતર ડિજિટલ મીટર ઘણી વખત બતાવતું હોય છે.  અમે બંને ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા. હું પગથિયાં પૂરી સરળતાથી ચઢ ઉતર કરી શકતો હતો.  સ્વસ્થપણે હાલીચાલી શકતો હતો.  પૂરી સભાન અવસ્થામાં વાતચીત કરતો હતો.  શું કરવું તે સમજાતું ન હતું.

વીસ-પચ્ચીસ મિનિટ પસાર થઈ ગઈ હશે. હવે ઓડકાર અને દુખાવાની સાથે સાથે કપાળ અને માથાની ફરતે થોડો ઘણો પરસેવો પણ થવા લાગ્યો.  જોકે મને ગભરાટ થતો ન હતો.  કપાળનો થોડો ભાગ સહેજ ભારે લાગતો હતો.  ઊલટી કે બીજી કોઈ જાતની તકલીફ પણ ન હતી.  મને કોઈક વખત ભૂખે પેટે અથવા તો વધારે જમ્યો હોઉં ત્યારે ઓડકાર આવતા પરંતુ આજે હું વધારે પડતું જ્મ્યો પણ ન હતો.  આ રીતે પહેલાં કદી ઓડકાર સાથે છાતીમાં દુખાવો પણ થયો ન હતો.  ત્રણ દિવસ પહેલાં, રવિવારે બપોરે, સખત ગરમીમાં એકાદ કલાક ક્રિકેટ રમ્યા બાદ આ રીતે થોડા ઓડકાર સાથે દુખાવો થયો હતો. પરંતુ પાણી પીવા બાદ દશેક મિનિટમાં શરીર યથાવત થઈ ગયું હતું.

ઘરમાં હું, મારી પત્ની દીકરો અને વહુ હતા.  પૌત્રી સૂતી હતી.  હૉસ્પિટલમાં જવું કે ન જવું, કાર લઈને જવું કે એમ્બ્યુલન્સ બોલાવવી એની ચર્ચા વિચારણા દરમ્યાન મેં જ નિર્ણય લઈ લીધો: “આઈ થીંક ધીસ ઈઝ હાર્ટએટેક, લેટ્સ કોલ ઍમ્બ્યુલન્સ.”  હસુએ ૯૧૧ નંબર જોડ્યો.  થોડી વારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. ઍમ્બ્યુલન્સ સેવકે મને છાતીમાં દુખાવાના દર્દની માત્રા પૂછી.  દશમાથી ૬-૭ જેટલી લાગતી હતી.  તુરત ઇસીજી ટેસ્ટ (electrocardiogram) કર્યો, ગ્રાફ જોઈને ડિક્લેઅર કર્યું: “યુ આર હેવીંગ અ હાર્ટ અટેક.”  જલ્દીથી જીભની નીચે ટેરવા આગળ નાઇટ્રોગ્લિસરીનના બેત્રણ સ્પ્રે આપ્યા.  એક ચૂએબલ ઍસ્પિરિન ખવડાવી, ઑક્સીજનની ટ્યૂબ નાકમાં મૂકતાં મને કહ્યું: “ડોન્ટ વરી, યુ આર ઇન ગુડ હેન્ડઝ.”

ઍમ્બ્યુલન્સના એક સેવકે મારો હેલ્થ કાર્ડ લીધો.  ટ્રીલીયમ હૉસ્પિટલના એક ઓન કોલ ડોક્ટરને, જેઓ એમના ઘરે બેઝબોલ ગેમ જોતા હતાં, ફોન કરી મારા હાર્ટએટેકની વિગતો આપી.  એમ્બ્યુલન્સ મને અને હસુને લઈને સ્ટ્રીટલાઇટના ઝાંખા પ્રકાશ અને આસપાસના અંધકારને ભેદતી પૂરજોશમાં દોડી રહી હતી. થોડા થોડા સમયે ઍમ્બ્યુલન્સ સેવક દુખાવાના દર્દનું પ્રમાણ પૂછતો હતો.  દર્દ હવે થોડું ઓછું થયું હતું.

હૉસ્પિટલ પહોંચતા જ મને સીધા ઓપરેશન થીયેટરમાં લઈ ગયા.  ડોક્ટર આવી ગયા હતાં.  મને સહેજ પણ ગભરાટ ન હતો.  હું સભાનપણે અન્ય મેડિકલ સેવકોના માર્ગદર્શનને અનુસરતો હતો.  “યુ આર ઇન ગુડ હેન્ડઝ.”  એ શબ્દો વારંવાર મારા મનમાં ગૂંજતા હતાં.  મને ખાતરી થઈ ગઈ હતી કે જે હૃદય ઉપર હુમલો થયો છે તેનું રક્ષણ કરવા શસ્ત્ર સજ્જ હાથો પહોંચી ગયા છે.

હૃદય ને લોહી પહોંચાડતી બે આર્ટરિઓ બ્લોક હતી.  એક 100 ટકા અને બીજી ૮૦-૯૦ ટકા જેના કારણે મને હાર્ટએટેક આવ્યો હતો.  ત્રણ દિવસ પહેલાં ક્રિકેટ રમ્યા બાદ આવી જ રીતે થયેલા મંદ દુખાવાની વાત ડોક્ટરને જણાવી.  ડોક્ટરના માનવા મુજબ હૃદયરોગના હુમલાની શરૂઆત ત્યારે જ થઈ ચૂકી હતી.  એ પહેલો સંકેત હતો.

ડોક્ટરે મને એંજિઓપ્લાસ્ટીની (angioplasty) પ્રોસેસ વિષે વિગતવાર સમજાવ્યું.  પગની જાંઘ (groin) અથવા હાથના કાડાં (wrist) આગળથી નાનું સરખું કાણું પાડી, તે ભાગને ફ્રીઝ કરી, દરદીને બેભાન કર્યા વગર એક અત્યંત પાતળી ફ્લેક્સીબલ ટ્યૂબ, ફૂલાવ્યા વગરના બલૂન સહીત આર્ટરિમાં નાખીને જ્યાં બ્લોકેજ હોય ત્યાં લઈ જઈને બલૂનને ફૂલાવવામાં આવે છે અને એ જગ્યાએ એક સ્ટેન્ટ (stent), નાની જાળીવાળી ટ્યૂબ મૂકવામાં આવે છે, જેને લીધે આર્ટરિ પહોળી બને છે.  મેં સભાનપૂર્વક આ આખી પ્રક્રિયા વિડીયો સ્ક્રીન ઉપર જોઈ.  હું મનમાં વિચારતો હતો કે આ આધુનિક કોમ્પ્લીકેટેડ કાર્ડિયાક ટેકનોલોજીએ કેટલાંને જીવતદાન બક્ષ્યું હશે!  શું વિજ્ઞાન વિધિના લેખ ખોટા કરી શકે?!  રાત્રે ઇમરજન્સીમાં ઘરથી દોડાવવા બદલ મેં મારા ડોક્ટર દેવદૂતની માફી માગી ને ખરા અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો.  ખરેખર, આ દેવદૂત જીવનદાન આપવા આવ્યો હતો.

હસુ અને દીકરો હિરેન વેઇટિંગરૂમમાં વ્યાકુળતાથી ડોક્ટરની પ્રતીક્ષા કરતા હતા.  હસુ સાથેની વાતચીત હસુના શબ્દોમાં: – કાર્ડિયાક સેન્ટરના વેઇટિંગ રૂમમાં લગભગ બે અઢી કલાકથી હું અને હિરેન બેઠા હતા.  સમય જ્લ્દી જતો ન હતો.  એક એક પળ મિનિટ જેવી લાગતી હતી.  અણધાર્યા અનુચિત સમાચાર ડોક્ટર પાસેથી ના મળે એવી પ્રાર્થના કરતા અમે બન્ને ચૂપ થઈને બેઠા હતા.  વારે ઘડીયે મારુ અધીર મન ઓપરેશન થીયેટરમાં પહોંચી જતું હતું અને મનઘડિત કાલ્પનિક ભયથી બેચેન બનતું હતું.  મનને થોડી શાંતિ હતી કે મનુ આધુનિક એક્ષ્પર્ટોની છત્રછાયામાં છે.

દોઢ વાગ્યાની આસપાસ ડોક્ટર બહાર આવ્યા. મારા હ્રદયના ધબકારા વધવા માંડ્યા. મારી પાસે આવીને બોલ્યા: “મિસિસ પટેલ, વી પર્ફૉર્મડ કોરોનરી એન્જીઓગ્રાફી ઓન યોર હસબન્ડ એન્ડ ફાઉન્ડ ધેટ ફ્રન્ટ આર્ટરી ઇઝ કમ્પ્લીટલી બ્લોક્ડ, સો વી ડીડ એન્જીઓપ્લાસ્ટી એન્ડ પુટ અ સ્ટેન્ટ ઇન ધેટ આર્ટરી.  બ્લોકેજ ઇન અનધર આર્ટરી ઇઝ એબાઉટ ૮૦ તો ૮૫%.  વી વિલ ડુ એન્જીઓપ્લાસ્ટી વિધિન ટુ-થ્રી ડેઝ.  ઇટ ઇઝ ગુડ ધેટ યુ કૉલ્ડ ૯૧૧ રાઇટ અવે એન્ડ બોટ હીમ હીયર ઇન ટાઈમ.  હીઝ હાર્ટ હેસ સફર્ડ માઇનર ડેમેજ ઓન્લી.”  મને સંતોષ થયો.  ખૂબ નિરાંત થઈ. યમદૂતને ભગાડનાર, એ અવ્વલ ઇન્સાનનો હ્રદયપૂર્વક આભાર માનતા મે પૂછ્યું: “કેન આઈ સી હીમ, ઇઝ હી….?”, એમણે સ્મિત સહિત વાક્ય પુરુ કર્યું: “યસ, હી ઇઝ અવેક.”

સજાગ આ વાંસ, ઠાંસીને લીલથી ભરેલી હતી
બલૂનથી ફૂંક મારી, સંગીત કોક આપી ગયું

મનુ ગિજુ

 

એક ઘરવીહોણા પુરુષની વાત

જાન્યુઆરી 29, 2012

એક ઘરવીહોણા પુરુષની વાત

અહીં વેલીંગ્ટન ન્યુઝીલેન્ડમાં ૧૫ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ઘરવીહોણા ૫૪ વર્ષીય એક પુરુષનું અવસાન થયું. એમનું નામ હતું શ્રી. બેન હાના. આ ભાઈ ઘણાં વર્ષોથી વેલીંગ્ટનમાં ભરબજારમાં રસ્તાના ફુટપાથ પર રહેતા હતા. આ રીતે ફુટપાથ પર જીવન ગાળનાર એ માત્ર એકલા ન હતા, બીજાઓ પણ છે. જો કે અહીં કોઈ ભીખારી નથી હોતું, કેમ કે જેમ પોતાની માલીકીનું ઘર ધરાવનાર બેકારને સરકાર તરફથી બેકારી સહાય મળે છે તેમ ઘરવીહોણાને પણ એ મળે જ છે. (એમની પાસે વસવાટનું કોઈ કાયમી સરનામું નથી હોતું, પણ એમના બેન્કના ખાતામાં એ પૈસા જમા થતા રહે છે.) વળી બેકારી સહાયનાં મળતાં નાણા જેમને પુરતાં થઈ પડતાં ન હોય તેમને સરકાર ઘરભાડા માટે પણ અમુક પ્રમાણમાં સહાય કરે છે, આથી કોઈએ ફુટપાથ ઉપર જીવન વ્યતીત કરવાની કોઈ જરુર રહેતી નથી. પણ કેટલાક લોકો પોતાની મરજીથી આ પ્રકારે જીવવાનું પસંદ કરે છે.

બેન કાયમ એક ધાબળો વીંટાળી રાખતા, આથી લોકો એમને ધાબળાપુરુષ તરીકે ઓળખતા. માઓરીઓની અમુક ધાર્મીક માન્યતાને એ ચુસ્તપણે માનતા. આથી લોકોમાં એ જાણીતા અને કંઈક અંશે પ્રીય અને કેટલાક દુકાનદારો તથા અન્ય લોકોમાં અળખામણા પણ હતા. કેમ કે એમની માન્યતા ઓછામાં ઓછાં કપડાં પહેરવાની હતી, આથી કેટલીક વાર સાવ નગ્ન પણ થઈ જતા. આથી એમના પર એક પોલીસ કેસ વખતે જજે એમને પાગલખાનામાં રાખવા જણાવેલું. એ મુજબ એકાદ વર્ષ એ પાગલખાનામાં પણ રહ્યા હતા, પરંતુ કશો ફરક ન પડતાં પાછા હતા ત્યાંના ત્યાં. કેટલાક નાના નાના ગુનાઓને લઈને કોર્ટકેસ પણ એમના પર થયેલા. મેં આ લખવાનું એટલા માટે વીચાર્યું કે એમના મૃત્યુના સમાચાર અહીંના રાષ્ટ્રીય ટેલીવીઝન પર તથા રેડીયો પર પણ આપવામાં આવ્યા હતા. કેમ કે એ એક સુપ્રસીદ્ધ વ્યક્તી બની ચુક્યા હતા. એમની અંતીમક્રીયામાં પણ ઘણા લોકોએ હાજરી આપી હતી. વેલીંગ્ટનના મેયર શીલીઆબહેને પણ શ્રદ્ધાંજલી આપેલી. કોઈકે એમના નામનું એક કાવ્ય રચેલું, જે અંતીમક્રીયાની વીધી સમયે ગાવામાં આવ્યું હતું. એમનું અવસાન પુરતા પોષણક્ષમ આહારનો અભાવ તેમ જ વધુ પડતા મદ્યપાનને કારણે થયું હોવાનું માનવામાં આવે છે. જો કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવામાં આવ્યું નથી.

પ્રસાર માધ્યમો દ્વારા શ્રી. બેન હાનાને આટલી પ્રસીદ્ધી આપવાની કેટલાક લોકોએ ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આ રીતે ઘરવીહોણી અને ગરીબીવાળી જીવનશૈલી અપનાવવાનું અમુક યુવાનોને પ્રોત્સાહન મળી શકે. આથી આવી બાબતને ગૌરવશાળી બનાવવી ઉચીત ન ગણાય. ઘરવીહોણી વ્યક્તીઓને સમજાવી યોગ્ય રહેણાકમાં જવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, આવે છે, પણ એમાં સફળતા મળવી મુશ્કેલ છે.