Archive for the ‘સ્મારક’ Category

દેલવાડા સ્મારક(ગતાંકથી ચાલુ)

નવેમ્બર 20, 2008

દેલવાડા સ્મારક(ગતાંકથી ચાલુ) આ પછી આપણા પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાનીઓનું શ્રી રાજમોહન ગાંધીના હસ્તે ચંદ્રકો આપી સન્માન કરવામાં આવ્યું.

સુભાષચંદ્ર બોઝની આઝાદ હીંદ ફોજમાં આપણા વીભાગમાંથી દેલવાડાના ચાર ભાઈઓ, અલુરાના બે ભાઈઓ અને ભીનાર તથા નીમળાઈના એક એક એમ આઠ ભાઈઓ જોડાયા હતા. તેમને પણ બોલાવ્યા હતા. તેમને ચંદ્રક અર્પણ કરતી વખતે રાજમોહન ગાંધી અત્યંત ભાવવીભોર બની ગયા હતા. સૌ સૈનીકોને છાતી સરસા ચાંપી આલીંગન આપ્યું હતું. સ્વાતંત્ર્ય સૈનીકોને ચંદ્રક અર્પણ કરતાં પહેલાં વાંકા વળીને પોતાનો હૃદયભાવ વ્યક્ત કર્યો હતો. તેમના આ નીખાલસ અને નીરાભીમાની વર્તનથી લોકો ગદ્ગદીત થઈ ગયાં હતાં. આવું તો કદી કોઈએ જોયું જ નહોતું. આવો મોટો માણસ ગામડાંનાં માણસોને આ રીતે ભેટે! આ રીતે માન આપે!

આ રીતે આજનો આ કાર્યક્રમ પુરો થયો.

આઝાદીના સંગ્રામમાં જેમણે ભાગ લીધો છે તેવા વીરલાઓની સ્મૃતીને જીવંત રાખવા દેલવાડા સ્વાતંત્ર્ય સંગ્રામ સમીતીએ તેમનાં નામોની તક્તી પણ મુકી છે. તે આ પ્રમાણે છેઃ

આઝાદહીંદ ફોજના સૈનીકો

1. કાનજીભાઈ દાજીભાઈ દેલવાડા

2. કેશવભાઈ છીમાભાઈ દેલવાડા

3. ગોવીંદભાઈ દાજીભાઈ દેલવાડા

4. મગનભાઈ દયાળભાઈ દેલવાડા

5. લલ્લુભાઈ સોમાભાઈ અલુરા

6. સુખાબાઈ નાનાભાઈ અલુરા

7. નાનાભાઈ વાલાભાઈ ભીનાર

8. મકનભાઈ ભીખાભાઈ નીમળાઈ

દેલવાડાથી ગીરફતાર થયેલા આઝાદીના લડવૈયા

1. મણીભાઈ શનાભાઈ કરાડી

2. પરભુભાઈ છીબાભાઈ (પી.સી.) મટવાડ

3. દયાળભાઈ કેસરી મટવાડ

4. જેરામભાઈ ફકીરભાઈ (જેક) કરાડી

5. ડાહ્યાભાઈ બુધીયાભાઈ દેલવાડા

6. રણછોડભાઈ (છીમા) બુધીયાભાઈ દેલવાડા

7. વલ્લભભાઈ મંગાભાઈ દેલવાડા

8. નારણભાઈ ગાંડાભાઈ દેલવાડા

9. હરીભાઈ જગુભાઈ દેલવાડા

10. નાથુભાઈ જીવલાભાઈ દેલવાડા

11. રણછોડભાઈ જોગીભાઈ દેલવાડા

12. દયાળભાઈ જગાભાઈ રામા દેલવાડા

13. ડાહ્યાભાઈ દયાળભાઈ (ડી.ડી.) દેલવાડા

આઝાદીની લડતમાં સક્રીય છતાં ગીરફતાર ન થયેલા

1. મગનભાઈ રવજીભાઈ (રાજા) દેલવાડા

2. જસમતભાઈ જોગીભાઈ દેલવાડા

3. વલ્લભભાઈ પ્રેમાભાઈ દેલવાડા

4. ગોવીંદભાઈ રણછોડભાઈ દેલવાડા

5. નરસીંહભાઈ રણછોડભાઈ દેલવાડા

6. પ્રેમાભાઈ નાકાભાઈ દેલવાડા

7. સુખાભાઈ મોરારભાઈ દેલવાડા

8. નાનુભાઈ ડાહ્યાભાઈ દેલવાડા

9. જેરામભાઈ પ્રભુભાઈ દેલવાડા

10. છગનભાઈ દયાળભાઈ દેલવાડા

11. રણછોડભાઈ ગોવીંદભાઈ દેલવાડા

12. માવજીભાઈ ફકીરભાઈ તવડી

13. વલ્લભભાઈ ડાહ્યાભાઈ તવડી

14. મગનભાઈ મોરારભાઈ તવડી

15. ફકીરભાઈ સુખાભાઈ (F.S.Koli) તવડી

16. દેવદાસભાઈ નારણભાઈ ચૌહાણ તવડી

17. લલ્લુભાઈ નારણભાઈ ચૌહાણ તવડી

18. છગનભાઈ બુધીયા જીવણ તવડી

19. છીમાભાઈ રામાભાઈ(બળવંતના પીતા) તવડી

દેલવાડા સ્મારક (ચાલુ)

નવેમ્બર 19, 2008

રાજમોહન ગાંધીનું વક્તવ્ય દેલવાડા ગામ ખાતે બાંધવામાં આવેલ આ સ્વાતંત્ર્ય સ્મારક દેશની આઝાદી માટે જાનફેસાની કરનાર સૈનીકોના સમર્પણનું દ્યોતક છે.

ભારતની રાજધાની દીલ્હી ખાતે રહેતા રાજમોહન ગાંધીને દેલવાડા ગામ ક્યાં આવ્યું તેની કલ્પના જ નહોતી. એમણે દેલવાડા ગામની ધરતી પર પગ મુક્યો અને એ ધરતીના લોકોનો ગાંધી પ્રત્યેનો પ્રેમ જોયો, ગાંધી પ્રત્યેની ભક્તી જોઈ તેઓ ગદ્ગદીત થઈ ગયા. સત્ય, અહીંસા અને અસહકારનો ગાંધીનો મંત્ર આ દુરનાં ગામડાંમાં પણ કેવો જીવંત છે તે જોઈ ચકીત થઈ ગયા. પછી તેમણે પોતાનું વક્તવ્ય આપ્યુંઃ

દેલવાડા ગામની આજની આ પ્રજાસત્તાક દીનની સભા તથા સ્વાતંત્ર્ય સંગ્રામના સ્મારકનું અનાવરણ મારા જીવનના યાદગાર પ્રસંગોમાંનો એક પ્રસંગ બની રહેશે. મારા જીવનની અગત્યની દસ ઘટનાઓમાં આજનો આ પ્રસંગ અવીસ્મરણીય બની રહેશે. જે પ્રદેશના લોકો તેમના પુર્વજોને, પુર્વજોના ઈતીહાસને યાદ રાખે છે, તેમનું ભાવી ઉજ્જવળ છે.

સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રીય ચેતના જાગ્રત કરનારા સૌથી પ્રથમ મહાત્મા ગાંધી હતા. તેથી જ સુભાષચંદ્ર બોઝે તેમને રાષ્ટ્રપીતાકહ્યા હતા. મારામાં તો ગાંધીજીનું રક્ત છે, પણ આપ સહુમાં તો ગાંધીજીનો આત્મા છે. અહીં મારા હાથે આંબાના રોપાની વાવણી થઈ ત્યારે મને એમ થયું કે આઝાદીનું વૃક્ષ વાવનારે પોતાનું લોહી, આંસું અને પરસેવો રેડી એ વૃક્ષને કેવું ઉગાડ્યું છે!

ભારતને સંભાળવું હોય તો, સાચવવું હોય તો, આપણે આપણા આત્માને ઢંઢોળીએ. આ સ્મારકના સ્થાનેથી આપણને રોશની અને ઉર્જા મળી રહેશે.

ભારત છોડોની ચળવળ થઈ. પરંતુ આજે આઝાદીનાં આટલાં વરસ પછી વીપરીત પરીસ્થીતી જોવા મળે છે. વીદેશી એમ્બેસીઓ પર ભારત છોડવા ઈચ્છનારા નાગરીકોની લાંબી લાંબી કતારો દેશની પરીસ્થીતીનું કેવું દુઃખદ ચીત્ર રજુ કરે છે! ભારતનું યુવાધન વીદેશો તરફ ખેંચાય રહ્યું છે! એ આપણને શું સુચવે છે? શું સંદેશ આપે છે?

વીદેશની ધરતી પર ભારતીયોનો વીકાસ થાય છે, પણ અહીં ભારતમાં ભારતીયો પાછળ કેમ રહે છે? સરકાર અને દેશના નેતાઓ માટે આ ચીંતન કરવાનો વીષય છે.

દાંડીમાં એક એવું સ્મારક રચાવું જોઈએ જ્યાંથી દેશ અને દુનીયાને પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે, શક્તી અને રોશની મળે. દાંડીનું સ્મારક વીશ્વમાં અજોડ અને અદ્વીતીય બને એવી હું ઈચ્છા રાખું છું. ૪૨ની ચળવળમાં આ વીભાગના લોકોએ બહુ મહત્ત્વનો ભાગ ભજવી દેશનું ઋણ ચુકવવાનો પ્રયત્ન કર્યો છે.

મહાત્મા ગાંધીની હત્યા અને ઈંદીરા ગાંધીની હત્યા એ ભારતની લોકશાહી પ્રણાલીકામાં હીંસક રાજનીતીની પ્રતીતી કરાવે છે. અન્ય સાથે મતભેદ પડતાં તેને મારવાની કે મારી નાખવાની વૃત્તીથી દેશ કદી ઉન્નતી કરી શકતો નથી. વીશ્વમાં ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતની પ્રજા આજે જે મુશ્કેલીઓમાંથી, યાતનાઓમાંથી પસાર થઈ રહી છે તે ગૌરવ લેવા જેવી બાબત નથી. (વધુ આવતા અંકમાં)

દેલવાડા સ્મારક(ચાલુ)

નવેમ્બર 18, 2008

૨૬મી જાન્યુઆરી.

આજનો દીવસ જ એવો હતો. રળીયામણો, ઉજમાળો. દેશની આઝાદી માટે યુવાનોએ આપેલા બલીદાનને યાદ કરવાનો. તેમની કુરબાનીને વંદન કરવાનો.

હવામાં ક્યાંકથી આ શબ્દો ગુંજતા હતાઃ

અય મેરે વતન કે લોગો,

જરા આંખ મેં ભર લો પાની,

જો શહીદ હુએ હૈં ઉનકી

જરા યાદ કરો કુરબાની….

૧૯૪૨ની ક્રાંતી બાદ જે સ્વતંત્રતા સેનાનીઓ પરલોક સીધાવ્યા છે, તેમના પુનીત આત્માને અંજલી આપવાનો અને જે સ્વાતંત્ર્ય સેનાનીઓ આજે હયાત છે, તેમનું બહુમાન કરવાનો આ પ્રસંગ હતો. ઘણી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉભરાયો હતો.

દેલવાડા ગામની ભાગોળે જાણે વીશાળ રાષ્ટ્રધ્વજ લહેરાતો હોય તેમ ગામની યુવાન દીકરીઓ ભારતના ગૌરવભર્યા રાષ્ટ્રધ્વજના આબેહુબ રંગમાં લીલી, સફેદ અને કેસરી રંગની સાડીઓમાં સુસજ્જ થઈને ઉભી હતી. તેમના મસ્તક પર મુકેલ અને આંંબાનાં પાંદડાંથી તથા શ્રીફળથી શણગારેલ કુંભકળશ અત્યંત આકર્ષક લાગતા હતા. કરાડીના જેકભાઈ, દેલવાડાના ડાહ્યાભાઈ, જસમતભાઈ (સોલંકી) અને ડાહ્યાભાઈ (ડી.ડી.) શ્રી રાજમોહનનું સ્વાગત કરવા ઉભા હતા. રાષ્ટ્રધ્વજની ત્રીરંગી વેશભુષા પરીધાન કરેલી દીકીરીઓને જોઈને તેમની આંખ સામે ૪૨નાં દૃશ્યો ચીત્રપટની જેમ પસાર થતાં હતાં!

શ્રી રાજમોહન ગાંધી બરાબર ૧૦ને ટકોરે આવી પહોંચ્યા. સૌએ એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ગામડાને શોભે એ રીતે. સ્વાગત સમીતીના તમામ સભ્યોએ પણ જાણે પોતાના આપ્તજનને મળતા હોય તે રીતે ઉમળકાથી સ્વાગત કર્યું. એમનું સ્વાગત, એમનું સામૈયું અતી ભવ્ય હતું.

શ્રી રાજમોહન ગાંધી દેલવાડાના ઐતહાસીક સ્વાતંત્ર્ય સંગ્રામ સ્મારક પાસે આવી થંભી ગયા. ભાવવીભોર બની ગયા. પોતાના દાદાજીએ માંડેલા સ્વરાજ્ય યજ્ઞમાં લોકોની દેશભક્તી જોઈને કેવા કેવા અને ક્યાં ક્યાંના લોકોએ કુરબાની આપી છે તે જોઈને તેઓ ગદ્ગદીત થઈ ગયા. પોતાના શુભ હસ્તે સ્મારકના દરવાજા પર બાંધેલી લાલગુલાબી પટ્ટી કાપીને વીધીવત્ ઉદ્ઘાટન કર્યું. આઝાદી અમર રહો”, “ગાંધી બાપુ કી જય”, “વંદે માતરમ્ના અવાજોથી ગગન ગાજી ઉઠ્યું.

દેવોને પણ ઈર્ષ્યા આવે એવું દુર્લભ એ દૃશ્ય હતું.

યુવાન ભાઈબહેનોએ સમુહગીત ગાયુંઃ

સ્વરાજની સરવાણી ફુટી,

દેલવાડા ગામના ચોરે રે,

સ્થંભ અનેરા સ્થાપી દીધા,

સંગ્રામના આ લોકે રે

સ્થાનીક લોકકવી દ્વારા રચાયેલું પોતીકો ભાવ લઈને આવતું આ ગીત સૌને સ્પર્શી ગયું. (વધુ આવતા અંકમાં)

દેલવાડા સ્મારક (ચાલુ)

નવેમ્બર 17, 2008

દેલવાડા સ્મારક (ચાલુ) હું ૧૯૯૫માં પાછો ન્યુઝીલેન્ડ ગયો. ત્યાં મીત્રવર્તુળમાં સ્મારકના વીચારો રજુ કર્યા. ઑક્લેન્ડવાસી ઘણા ભાઈઓને વીચારો ગમ્યા. ખર્ચને પહોંચી વળવા ઑક્લેન્ડમાં એક સમીતીની રચના કરવામાં આવી. જેના અધ્યક્ષપદે મટવાડના શ્રી છોટુભાઈ છીમાને નીયુક્ત કરવામાં આવ્યા. ૧૨ વર્ષની કીશોરવયે ન્યુઝીલેન્ડ આવેલા દેલવાડાના મણીલાલ છગનભાઈએ ફાળો એકઠો કરવામાં તનમનધનથી મદદ કરી. એ રીતે ન્યુઝીલેન્ડમાં ફાળો એકઠો થયો. હું પાછો ભારત આવ્યો. ખર્ચને પહોંચી વળવા દેલવાડા વીભાગ અને કાંઠા વીભાગનાં ગામોમાંથી પણ લોકોએ હોંશે હોંશે ફાળો આપ્યો.

દેલવાડા-કાંઠા વીભાગ અને આસપાસનાં ગામોમાંથી રચવામાં આવેલી સ્થાનીક સમીતીએ ઉદ્ઘાટન માટે ૨૬મી જાન્યુઆરી ૧૯૯૭નો પ્રજાસત્તાક દીન પસંદ કર્યો. સ્મારકના ઉદ્ઘાટન માટે ગાંધીજીના પૌત્ર માનનીય શ્રી રાજમોહન ગાંધીને વીનંતી કરવામાં આવી. જેનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો.

ગામની પ્રાથમીક શાળા, ગામનાં યુવાન ભાઈબહેનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી સુંદર તૈયારી કરી. પુર્ણાના બંને કાંઠાનાં ગામોમાં નીમંત્રણો મોકલાયાં. લોકો આવ્યાં. ઉપરાંત ન્યુઝીલેન્ડ, ઈન્ગ્લેન્ડ, કેનેડા અને દક્ષીણ આફ્રીકાથી પણ કેટલાક વતનપ્રેમીઓ પધાર્યા હતા.

શહીદસ્મારક-દેલવાડા (ગતાંકથી ચાલુ)

નવેમ્બર 16, 2008

શહીદસ્મારક-દેલવાડા
(ગતાંકથી ચાલુ)પ્રેમનું મુલ્ય તો આંકી શકાતું નથી. ચુકવી પણ શકાતું નથી. પણ પી.સી. અને મારો જીવ એક, કોઠો એક. અમને બંનેને એક સાથે એવો વીચાર આવ્યો કે આપણે દેલવાડામાં રાષ્ટ્રીય સ્મારક રચવું જોઈએ. મારો સ્વભાવ એવો કે એક વાર મનમાં જે વાત ઉગી, જે વાત બહુજનહીતાય હોય, લોકકલ્યાણ અર્થે હોય, તેમાં ઢચુપચુ ન રાખું. પાર કરું જ. અમે બંને મીત્રોએ દેલવાડા ગામના આગેવાનોને વાત કરી. દેલવાડા ગામના આગેવાનો તો ખુશ ખુશ થઈ ગયા. ગામના ગૌરવ માટે આથી વીશેષ શું? વળી ભવીષ્યની પેઢીને સ્વતંત્રતાની લડતનો અને એ લડતમાં પોતાના ગામના વડીલોએ કેવો ભાગ ભજવ્યો છે, તેનો સાચો ઈતીહાસ જાણવા મળશે. એ રીતે સ્મારકનો વીચાર આકાર ધારણ કરવા લાગ્યો. ગામના પાદરમાં જગ્યા પસંદ કરવામાં આવી. જગ્યા મેળવવા માટે જમીનના માલીક શ્રી જગુભાઈ સુખાભાઈ પટેલને વીનંતી કરવામાં આવી. જગુભાઈએ તો અંતરના ઉમળકાથી વીનંતીનો સ્વીકાર કર્યો. જગ્યા દાનમાં આપવાનું વચન પણ આપી દીધું. અને તે જ ક્ષણે જાણે સ્મારકનું મુર્ત સ્વરુપ ખડું થઈ ગયું. (વધુ આવતા અંકમાં)

સ્વાતંત્ર્ય સંગ્રામ સ્મારક – દેલવાડા

નવેમ્બર 14, 2008

સ્વાતંત્ર્ય સંગ્રામ સ્મારક દેલવાડા

દેલવાડા અને તેની આસપાસનાં લોકોએ કાંઠાવીભાગના સ્વાતંત્ર્ય સેનાનીઓને જે સાથસહકાર આપ્યો તેની પાછળ કોઈ સ્વાર્થ નહોતો, બીજી કોઈ ગણતરી નહોતી. ગણતરી હતી તે આટલી જ કે પાડોશી ધર્મ બજાવવાનો છે. જે લોકો માભોમની મુક્તી માટે માથે કફન બાંધીને નીકળ્યા છે તેની પડખે રહેવાનું છે, તેમને સાચવવાના છે. લોકોએ જોખમ ખેડીને સહકાર આપ્યો હતો. ખબર તો હતી, જો પકડાય તો આવી જ બનવાનું છે. બધું ફનાફાતીયા થઈ જવાનું છે. તેમ છતાં એ જોખમ ખેડ્યું હતું. જો કે એક ધરપત પણ હતી. અમારાં ગામડાંઓ ગાયકવાડી રાજ્યનાં છે, એટલે ગાયકવાડી સરકારની મંજુરી વીના બ્રીટીશ પોલીસો આવી શકવાના નથી.

પુર્ણા અને મીંઢોળાની વચ્ચે કુલ ૨૮ ગામો આવેલાં છે. તે પૈકી માત્ર દેલવાડા ગામે જ સહુ પ્રથમ આઝાદીના લડવૈયાઓને આશરો આપ્યો હતો. પછીથી તવડી, સાગરા, મીરજાપોર, અલુરા, ભીનાર, નીમળાઈ, કરાંખટ, કાદીપોર, ધામણ વગેરે ગામોએ પણ પોત પોતાની સગવડ પ્રમાણે સાથ આપ્યો. તેમાં દેલવાડા મુખ્ય મથક હતું. મરોલી કાંઠા વીભાગમાં દેલવાડા ગામ નવસારીથી ઘણું દુર. તે દીવસે તો સડક પણ નહીં. કાચા રસ્તા. પગે ચાલીને જ બધે જવાનું. પણ લોકો હીંમતવાળાં, સાહસીક, આતીથ્યભાવનાવાળાં. જરુર પડે તો બલીદાન દેવાની તૈયારીવાળાં. એટલે સ્વાતંત્ર્ય સેનાનીઓને અંતરના ઉમળકાથી આવકારેલા. સાથસહકાર આપેલો. તે દીવસોમાં દેલવાડા ગામ અને દેલવાડા ગામનો સીમાડો સેંકડો સ્વાતંત્ર્ય સેનાનીઓથી ઉભરાતો હતો. બીજા ગામોમાં હશે તે તો જુદા. આ બધાની જમવા કરવાની, રહેવા કરવાની વ્યવસ્થા કરવી તે કામ સરળ નહોતું જ. પણ તમારું અંતર સાફ હોય તો મુશ્કેલમાં મુશ્કેલ કોયડો પણ સરળ બની જાય છે. કહે છે ને કે અમી ભરેલું અંતર જેનું તેને માટે કોઈ વસ્તુ અશક્ય નથી. બધું બરાબર સચવાઈ ગયું. (વધુ આવતા અંકમાં)