Archive for the ‘સ્વાતંત્ર્ય સંગ્રામના સીપાઈઓ’ Category

સ્વાતંત્ર્ય સંગ્રામના સીપાઈઓ (ગતાંકથી ચાલુ)

નવેમ્બર 23, 2008

દયાળભાઈ મોયાભાઈ-કફોડી હાલત આચાર્ય મણીભાઈ પટેલ કરાડી બાલાફળીયામાં રહેતા હતા. તેઓ આ લડતના સુત્રધાર હતા. એટલે પોલીસો મોસમમીયા સાથે બાલાફળીયામાં મળસ્કે જ આવી ગયા હતા. મણીભાઈએ અગમચેતી વાપરી દયાળભાઈ મોયાભાઈને સાવચેત કર્યા હતા કે રાત્રે ઘરે રહેશો નહીં. પણ દયાળભાઈ ઘરે જ રહ્યા હતા. પોલીસ સીધી અમારા ઘરમાં અને દયાળભાઈના ઘરમાં ઘુસી ગઈ. ગોવીંદભાઈ અને દયાળભાઈ સાથે જ માળ ઉપર છુપાયા હતા. અમારે ત્યાં આવી ઘરની જડતી લેવી શરુ કરી. અમારો પેટારો ખોલવાનો કહ્યો. એ ખોલવામાં વીલંબ થયો એટલે બંદુકનો કુંદો મારી માને માર્યો. પેટારો ખુલ્યો. પોલીસે બધું રફેદફે કરી નાખ્યું. તેઓ બંદુક શોધતા હતા.

બીજી બાજુ દયાળભાઈની પત્નીને પોલીસોએ મારઝુડ શરુ કરી. દયાળભાઈથી આ જુલમ જોવાયો નહીંં, અને ખુબ ઝનુનથી માળ ઉપરથી કુદકો મારી પોલીસ ઉપર હુમલો કર્યો. દયાળભાઈના ઘરમાં ધમાસણ મચી ગઈ. એટલે અમારા ઘરમાં આવેલા પોલીસો પણ દયાળભાઈના ઘર તરફ ધસી ગયા. આ તરફ ગોવીંદભાઈ આ તકનો લાભ લઈ છટકી ગયા.

પોલીસો ઘણા હતા. દયાળભાઈ એકલા. એમને પકડી લીધા અને બેફામ માર માર્યો. એમનો નોકર દુધ દોહતો હતો, એને પણ પકડી લીધો અને ખુબ માર માર્યો. જેઓ પહેલે દીવસે પકડાયા હતા તેઓને ખુબ માર પડ્યો. કારણ કે મટવાડના ઉતારાની આગળની ઝપાઝપીનો ગુસ્સો ઉતારતા હતા. મોસમમીયો ઉભો ઉભો બડબડાટ કરતો હતો, પણ એને ક્યાં ખબર હતી કે મોસમમીયાની મોસમ હવે પુરી થવાની હતી. સ્વરાજનો સુર્યોદય પુર્વમાં ઝળાંહળાં થઈ રહ્યો હતો. બ્રીટીશ સરકારના આખરી ધમપછાડા હતા. (વધુ આવતા અંકમાં)

સ્વાતંત્ર્ય સંગ્રામના સીપાઈઓ

નવેમ્બર 21, 2008

સ્વાતંત્ર્ય સંગ્રામના સીપાઈઓ

લેખક- ભાનુભાઈ કાનજીભાઈ પટેલ ઃ કેનેડા

૧૯૪૨નો અંગ્રેજી સરકાર સામેનો બળવો એ પ્રજાનો આખરી અને નીર્ણાયક બળવો. મુંબઈમાં મળેલી કોંગ્રેસની સમીતીએ હીંદ છોડોના ઠરાવની સાથોસાથ એક ઈન્કીલાબી સુત્ર પ્રજાને આપ્યું-કરેંગે યા મરેંગે’. પ્રજાએ આ સુત્ર ઝીલી લીધું, અને સમગ્ર દેશ ઈન્કીલાબ ઝીંદાબાદ, કરેંગે યા મરેંગેના સુત્રોથી ગાજી ઉઠ્યો. નહીંં નમશે નહીંં નમશે નીશાન ભુમી ભારતનું’, ‘અમે લીધી પ્રતીજ્ઞા પાળીશું રેજેવાં ગીતોથી દેશનું હવામાન ગાજવા લાગ્યું. આ યુદ્ધમાં, લોકક્રાંતીમાં અનેક કીશોરો, યુવાનો, બુઝર્ગોએ ઝંપલાવ્યું. પ્રત્યેકના દીલમાં આગ પ્રજ્વલીત બની હતી.

આપણે સ્વાતંત્ર્ય સેનાનીનો અર્થ સંકુચીત બનાવી દીધો છે. જે જેલમાં ગયા તે જ સ્વાતંત્ર્ય સેનાની એવો સંકુચીત અર્થ કર્યો. પણ જેઓ બ્રીટીશ સરકાર સામે યુદ્ધે ચઢ્યા અને ભુગર્ભમાં રહીને સરકાર વીરુદ્ધ પ્રવૃત્તીઓ કરી, તે પછી વ્યક્તીગત ધોરણે કરી હોય કે સામુહીક ધોરણે, એવા તો અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ આ દેશમાં વસે છે. અહીં થોડા વળી ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે.

૨૨મી ઑગષ્ટ ૧૯૪૨ના દીવસે મટવાડમાં પોલીસ અને પ્રજા સમાસામે આવી ગઈ. આઝાદીની આગ ભભુકી ઉઠી. એ આગમાં, સ્વાતંત્ર્યની આગમાં કાંઠાની ત્રણ વ્યક્તી- રણછોડભાઈ લાલાભાઈ કરાડી, મોરારભાઈ પાંચીયા અને મગનભાઈ ધનજી મટવાડ, મોખલા ફળીયા આ ત્રણે હોમાઈ ગયા. દેશને કાજે શહીદ થઈ ગયા. શહીદીની તવારીખનો આંકડો દેશમાં ઘણો મોટો છે.

૨૨મી ઑગષ્ટના પ્રત્યાઘાતરુપે રોષે ભરાયેલી બ્રીટીશ પોલીસે તે રાતથી જ દમનનો દોર શરુ કરી દીધો. રાતભર મટવાડમાં રંજાડ કર્યો. વહેલી પરોઢે કરાડીમાં પ્રવેશ કર્યો. (વધુ આવતા અંકમાં)