લોહી શુદ્ધીકારક સ્વાદીષ્ટ પીણું

જુલાઇ 13, 2017

લોહી શુદ્ધીકારક સ્વાદીષ્ટ પીણું

બ્લોગ પર તા. 11-3-2017

 

વરીયાળી એ સુવા, ધાણા, પાર્સલી તથા ગાજરના કુટુંબની વનસ્પતી છે. એનો સોડમયુક્ત સ્વાદ અજમો અને જેઠીમધને મળતો આવે છે. એ એટલા બધા પ્રમાણમાં મળતો આવે છે કે કેટલાક લોકો વરીયાળીને અંગ્રેજીમાં એનીસીડ એટલે અજમો કહે છે, જે બરાબર નથી. વરીયાળીના છોડનાં બી જેને આપણે વરીયાળી કહીએ છીએ તે મુખવાસ તરીકે ખાવામાં બહુ પ્રચલીત છે, પણ આ ઉપરાંત વરીયાળીના છોડનાં બધાં જ અંગો ખાઈ શકાય છે. જેમ કે એનો જમીનની અંદરનો કંદ, એનાં ડાળાં, પાંદડાં અને ફુલ પણ ખાવામાં વપરાય છે.

આ સ્વાદીષ્ટ પીણું બનાવવા કોઈપણ પ્રકારનાં રસાયણ વાપરવામાં આવ્યાં ન હોય તેવો એટલે કે સજીવ ખેતી વડે ઉછેરેલ વરીયાળીના છોડનાં બધાં જ અંગો લેવાં, એક બીટરુટ એનાં પાંદડાં સહીત, સેલરીની 4 કે 5 દાંડી (જો કે એનો આધાર સેલરીની સાઈઝ પર રહેશે, મોટી સેલેરી હોય તો ઓછી દાંડી લેવી) અને અડધું લીંબુ. રસ કાઢવાના મશીન વડે આ બધાંનો રસ કાઢવો.

આમાં બીટરુટ, સેલેરી અને લીંબુના ગુણોથી તો મોટા ભાગના લોકો પરીચીત હોય છે, પણ વરીયાળીનો છોડ પણ ખુબ અગત્યનો છે. વરીયાળીના છોડમાંમાંના વીટામીન સીનો લાભ મળશે. ઉપરાંત એમાંથી સારા પ્રમાણમાં ખાદ્ય રેસા, અને અગત્યનાં મોલીબ્ડેનમ, મેંગેનીઝ, તાંબુ, પોટેશ્યમ અને ફોસ્ફરસ જેવાં મીનરલ્સ પણ મળશે. વળી વીટામીન બીનું એક ઘટક જેને ફોલેટ કહે છે તે પણ વીયાળીમાંથી મળશે.

લોહીના શુદ્ધીકરણ માટે આ એક ઉત્તમ સ્વાદીષ્ટ પીણું છે.

આરોગ્ય ટુચકા 10: ત્રીકટુ ચુર્ણ

જુલાઇ 12, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છ

10.ત્રીકટુ ચુર્ણ: ત્રણ તીખાં ઔષધો સુંઠ, મરી અને પીપરના સમાન ભાગે બનાવેલા ચુર્ણને ત્રીકટુ ચુર્ણ કહે છે. પોતાની પ્રકૃતી મુજબ કે જરુરીયાત અનુસાર 0.25 ગ્રામથી 4 ગ્રામ જેટલું ચુર્ણ મધમાં દીવસમાં ત્રણ વખત લેવું. (૧) શરદીમાં સવારે, બપોરે અને રાત્રે મધમાં અથવા પાણીમાં લેવું. (૨) ઉધરસમાં સવારે અને સાંજે મધમાં 2 ગ્રામ જેટલું ચાટવું. (૩) તાવ (ફ્લ્યુ-કફતાવ) હોય તો સવાર-સાંજ મધમાં બબ્બે ગ્રામ  લેવું. (૪) મંદાગ્નીમાં મધ અને જુના ગોળ સાથે છાસ અથવા લીંબુના રસમાં જમતાં પહેલાં 1-1 ચમચી લેવું. (૫) અરુચીમાં મધમાં અથવા લીંબુના રસમાં મીઠું મેળવીને લેવું. મધમાં લો તો એની ગોળી વાળવી. (૬) શુળ – છાતી, પેટ, પડખાં, સાંધા, કાનમાં સણકા આવતા હોય તો દીવસમાં બેત્રણ વાર મધમાં ચાટવું. (૭) સ્વરભેદ, અવાજ બેસી ગયો હોય તો મધમાં વાળેલી ગોળી ચુસવી અથવા મધમાં ચુર્ણ ચાટવું. (૮) કૃમી થયા હોય તો મધમાં 1-1 ગ્રામ ચટાડવું કે દુધમાં પીવડાવવું.

 

આરોગ્ય ટુચકા 9 : આહાર

જુલાઇ 11, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

  1. આહાર: આપણા આહારમાં મેંદો, કોફી, ખાંડ અને મીઠું વધુ પ્રમાણમાં હોય તો તે માણસને અપરાધી બનાવે છે. આ ચાર ચીજોને બાદ કરીને લીધેલા આહારથી માણસની બગડેલી બુદ્ધી સુધરી શકે છે. અપરાધીઓના પુનર્વસવાટ માટે ચાલતાં કેન્દ્રોનો અભ્યાસ કરતાં 80થી 85 ટકા અપરાધીઓની વીચીત્ર વર્તણુક માટે એમના આહારમાં રહેલાં ખાંડ અને મીઠું જ જવાબદાર હોવાનું સાબીત થયું છે. પચાસેક વ્યક્તીઓને ખાંડ અને નીમક વગરના, સાદી રીતે રાંધેલા ખોરાક પર રાખતાં એમના સ્વભાવ અને વર્તનમાં રહેલું જંગલીપણું અને ઉદ્ધતાઈ અદૃશ્ય થઈ ગયાં હતાં.

 

આરોગ્ય ટુચકા 8 – લસણ

જુલાઇ 10, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

લસણ: હૃદયરોગમાં સારું છે. એ ધાતુવર્ધક અને વીર્યવર્ધક-બળવર્ધક છે. એનાથી ગળું સારું રહે છે. લસણ હાડકાંના સંધાન માટે ઉપયોગી છે. એનાથી વર્ણ ખીલે છે. એ બુદ્ધી અને સ્મૃતીવર્ધક છે. લસણથી આંખનું તેજ વધે છે. એ પેટમાં વાયુનો ગોળો, અરુચી, અગ્નીમાંદ્ય, કૃમી, શ્વાસ (દમ), શુળ અને વાતરોગમાં શ્રેષ્ઠ ઔષધ તરીકે કામ કરે છે.

 

કોલેસ્ટ્રોલ

જુલાઇ 9, 2017

કોલેસ્ટ્રોલ

પીયુષભાઈના અંગ્રેજી ઈમેલ પરથી (બ્લોગ પર તા. 9-7-2017 )

પીયુષભાઈ આ ઈમેલની શરુઆતમાં પુછે છે: તમારી કોઈ કૉમેન્ટ? આ કંઈ બરાબર લાગતું નથી. એના જવાબમાં મારે જણાવવાનું કે મારી પાસે તો એની સત્યતા માટેની કોઈ સાબીતી નથી, આથી દરેક જણે પોતાના અનુભવને આધારે નીર્ણય કરવો. જે કંઈ અમલ કરો તે પોતાની જવાબદારી પર જ કરવો.

શરીરને હાનીકારક આહારમાંથી છેવટે કોલેસ્ટ્રોલને કમી કરી દેવામાં આવ્યું છે. અમેરીકન સરકારે છેવટે સ્વીકાર્યું છે કે કોલેસ્ટ્રોલ નુકસાનકારક નથી. 1970થી જે ચેતવણી કોલેસ્ટ્રોલવાળા આહારથી દુર રહેવાની આપવામાં આવતી હતી, જેથી હૃદયરોગ ન થાય કે રક્તવાહીનીઓ બ્લોક ન થઈ જાય, તેમાં હવે પીછેહઠ કરી છે.

આનો અર્થ એ થયો કે ઈંડાં, બટર, પુર્ણ ચરબીવાળું દુધ અને એની બનાવટો, સુકો મેવો, કોપરું અને કોપરેલ તથા માંસ એ બધું ખાવામાં કોઈ જોખમ નથી. અને એ બધું નુકસાનકારક આહારની યાદીમાંથી બાકાત થઈ ગયું છે.

દર પાંચ વર્ષે અમેરીકાનું ખેતીવાડી ખાતું આહાર માર્ગદર્શીકામાં સુધારાવધારા કરે છે. 2015ના આહાર માર્ગદર્શન સલાહકાર સમીતી (આ.મા.સ.સ.) એના સંશોધનમાં કહે છે: પહેલાં અમેરીકનોને રોજનું 300 મી.ગ્રા. કરતાં વધુ કોલેસ્ટ્રોલ ન લેવાની ભલામણ કરવામાં આવી હતી. હવે આ ભલામણ ચાલુ રાખવાનું વીચાર્યું નથી, કારણ કે હવે પ્રાપ્ય પુરાવા મુજબ આહારમાં લેવામાં આવતા કોલેસ્ટ્રોલ અને લોહીમાં જમા થતા કોલેસ્ટ્રોલ વચ્ચે કોઈ નોંધપાત્ર સંબંધ સ્થાપીત થતો નથી, જે અમેરીકન હાર્ટ એસોસીએશન અને અમેરીકન કોલેજ ઓફ કાર્ડીઓલોજી સાથે સુસંગત હોય.

એ મુજબ આહાર માર્ગદર્શન સલાહકાર સમીતી લોકોને વધુ પડતા કોલેસ્ટ્રોલવાળાં આહારદ્રવ્યો લેવા સામે લાલબત્તી ધરશે નહીં. એને બદલે વધુ પડતી ખાંડ ખાવા સામે લોકોને ચેતવશે કે અહારમાં સાવચેતી રાખવા જેવો જોખમકારક પદાર્થ તે ખાંડ છે.

અમેરીકાના એક કાર્ડીઓલોજીસ્ટ ડૉક્ટર કહે છે કે એ એક યોગ્ય નીર્ણય છે, આ પહેલાં આપણે આ આહાર બાબત ખોટા હતા. દસકાઓ સુધી આપણે ભ્રમીત રહ્યા. જ્યારે આપણે કોલેસ્ટ્રોલ સમૃદ્ધ ખોરાક લઈએ, ત્યારે આપણું શરીર કોલેસ્ટ્રોલ ઓછા પ્રમાણમાં બનાવે છે. જ્યારે કોલેસ્ટ્રોલવાળો ખોરાક જેમ કે ઈંડાં, બટર, કલેજું વગેરે ન લઈએ ત્યારે વધુ ઝડપથી શરીર એ બનાવવા માંડે છે.

કોલેસ્ટ્રોલ વીશે સત્ય હકીકત

આપણા શરીરમાં મોટાભાગનું કોલેસ્ટ્રોલ તો યકૃત (લીવર) બનાવે છે. આપણું મગજ મુખ્યત્વે કોલેસ્ટ્રોલનું બનેલું છે. જ્ઞાનતંતુઓના કોષોને કાર્યશીલ રાખવા માટે કોલેસ્ટ્રોલ જરુરી છે. કેટલાંક અગત્યનાં હોર્મોનના ઉત્પાદન માટે પણ કોલેસ્ટ્રોલ જરુરી છે. એ દર્શાવે છે કે શરીરમાં કોલેસ્ટ્રોલનું ઉંચું સ્તર જરુરી હોય છે. અને એ જે તે વ્યક્તીમાં યકૃતની તંદુરસ્ત સ્થીતી બતાવે છે.

હૃદયરોગ પ્રતીબંધક અભ્યાસના એક સહનીયામક ડૉક્ટર કહે છે કે હૃદયરોગ થવાનાં કારણો માટે સંપૃક્ત ચરબીવાળો અને કોલેસ્ટ્રોલવાળો આહાર કંઈ જવાબદાર નથી. આ સૈકાનો એ મોટામાં મોટો ભ્રમ છે.

“ખરાબ કોલેસ્ટ્રોલ” જેવી કોઈ ચીજ જ નથી.

તમે તમારા કોલેસ્ટ્રોલનું સ્તર બદલવાનો પ્રયાસ છોડી દઈ શકો. કેટલાયે અભ્યાસોમાં એ કોઈ પણ પ્રકારની શંકા વીના પુરવાર થયું છે કે કોલેસ્ટ્રોલને લીધે હૃદયરોગ થતો નથી. અને એના અભાવે હૃદયરોગનો હુમલો અટકશે નહીં. જેમને હાર્ટએટેક થયા છે તેમાંના મોટાભાગનાં લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ સામાન્ય જ હતું.

આપણા શરીરને ચયાપચય માટે રોજ 950 મીગ્રા. કોલેસ્ટ્રોલની જરુર પડે છે, અને યકૃત જ મોટાભાગનું એ પેદા કરે છે. માત્ર 15% કોલેસ્ટ્રોલ જ આપણે લીધેલા આહારમાંથી મળે છે. જો આહારમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય તો 950 મી.ગ્રા. જેટલું લેવલ જાળવી રાખવા આપણા લીવરે એટલું વધુ કામ કરવું પડે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ ઉંચું હોય તો તે બતાવે છે કે લીવર બરાબર રીતે કાર્ય કરી રહ્યું છે.

નીષ્ણાતો કહે છે કે ખરાબ (LDL) કોલેસ્ટ્રોલ કે સારું (HDL) કોલેસ્ટ્રોલ જેવું કશું હોતું નથી. માનવશરીરમાં કોલેસ્ટ્રોલથી રક્તવાહીનીઓ બ્લોક થઈ જતી જોવામાં આવી નથી.

 

Please share the recent facts about CHOLESTEROL

https://www.washingtonpost.com/news/wonk/wp/2015/02/ 10/feds-poised-to-withdraw-longstanding-warnings-about-dietary-cholesterol/?utm_term=.1982832f86fa

આરોગ્ય ટુચકા 7. તલ

જુલાઇ 8, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

7. તલ: દાંતના આરોગ્ય માટે નરણા કોઠે 40 ગ્રામ કાળા તલ ખુબ ચાવીને ખાઈ ઉપર ઠંડું પાણી પીવું. એ પછી ત્રણ કલાક પછી નાસ્તો કરવો. કાળા તલમાં 100 ગ્રામમાં 1450 મી.ગ્રા. કેલ્શીયમ હોય છે, જ્યારે એટલા જ દુધમાં 210 મી.ગ્રા. કેલ્શીયમ હોય છે.

 

આરોગ્ય ટુચકા ૬ – ખટાશ

જુલાઇ 7, 2017

આરોગ્ય ટુચકા ૬ – ખટાશ

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

૬. ખટાશ: અથાણાં, રાયતાં, દહીં, છાસ, કાંજીનો ઉપયોગ થોડા પ્રમાણમાં કરવો જોઈએ. ખાટો રસ પાચક-દીપક (જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર), દેહને પુષ્ટ કરનાર, ઈન્દ્રીઓની શક્તી વધારનાર, વાયુનું અનુલોમન કરનાર, હૃદયને તૃપ્ત કરનાર, રુચી ઉત્પન્ન કરનાર, પચવામાં હલકો, ઉષ્ણ અને સ્નીગ્ધ છે. વધુ પ્રમાણમાં પીત્ત વધારે છે, લોહી બગાડે છે, માંસપેશીઓને ઢીલી કરે છે, અશક્તી આવે છે, માંદા અને કમજોરને સોજા આવે છે, કંઠમાં અગન બળે છે, છાતી અને હૃદયમાં દાહ થાય છે, બ્લડપ્રેશર વધે છે અને ખસખુજલી થાય છે. આથી જ ખાટા રસવાળો આહાર વધુ પ્રમાણમાં લેવો નહીં.

આરોગ્ય ટુચકા 5. અનાજ

જુલાઇ 6, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

5. અનાજ: એમાં ઘઉં ઉત્તમ છે. જવ પણ સારા. ડાયાબીટીસવાળાએ ઘઉં કરતાં જવ વાપરવા. જો કે ઘઉંનું પ્રોટીન ઉંચી જાતનું છે અને એ શક્તીપ્રદ છે.

આરોગ્ય ટુચકા 4 – શાક

જુલાઇ 5, 2017

સ્વાસ્થ્ય ટુચકા 4:  શાક

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

શાક: આયુર્વેદમાં શાક ઓછાં ખાવાં જોઈએ એવું કહેવામાં આવ્યું છે. મોટા ભાગનાં શાક વાયુ કરે છે, આથી શાકમાં તેલનું પ્રમાણ વધારે હોવું જોઈએ. વળી એમાં જે તે શાકને અનુરુપ મસાલા પણ જરુરી પ્રમાણમાં હોવા આવશ્યક છે. શાકમાં ભાજીઓ વધુ લેવી. બટાટાની સુકી ભાજી વધુ ન ખાવી જોઈએ. મેથી, તાંદળજો, પાલખ, સુવા, મુળાનાં કુમળાં પાન, અળવીનાં પાન (પાતરાં)ની ભાજી શાક તરીકે સારી.

આરોગ્ય ટુચકા – ૩. દીવેલ

જુલાઇ 4, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

૩. દીવેલ: એ વાયુના રોગોનું એક ઉત્તમ ઔષધ છે. વાયુના રોગમાં સુંઠના ઉકાળામાં દીવેલ પીવાથી લાભ થાય છે. દીવેલ મધુર છે, અને મધુર રસ વાયુનાશક છે. મધુર રસ શીત હોય છે, તો પણ દીવેલ ઉષ્ણ છે. ઉષ્ણ દ્રવ્ય વાતહર હોય છે. દીવેલ દીપન છે, જઠરાગ્નીને સતેજ કરે છે. દીવેલમાં તીખો અને તુરો એ બે રસ પણ છે.  દીવેલ સુક્ષ્મ છે, આથી ધમની, શીરા, લસીકા વગેરે રક્તવાહીનીઓનું શુદ્ધીકરણ કરે છે. દીવેલ ચામડીના આરોગ્ય માટે સારું છે. માલીસ અને ખાવામાં એમ બંને રીતે વાપરવાથી ચામડી સ્નીગ્ધ, સ્વચ્છ અને સુંદર રહે છે. દીવેલ વૃષ્ય એટલે વાજીકરણ-શુક્રવર્ધકછે. દીવેલ પીવાથી શરીરની શક્તી વધે છે. દીવેલનો વીપાક મધુર હોવાને કારણે એ ઉષ્ણ અને તીક્ષ્ણ હોવા છતાં ગરમ પડતું નથી. દીવેલ વયઃસ્થાપક છે, એના સેવનથી ઉંમર જણાતી નથી. દીવેલ વાયુ અને કફના રોગો મટાડે છે, જેમાં કમરનો દુખાવો, પગમાં ગોટલા ઘાલવા, ઘુંટણનો સોજો અને દુખાવો, રાંઝણ(સાયટીકા), સંધીવા, લકવા વગેરે વાયુના રોગો અને કફ, દમ, શરીરનું ભારેપણું, જઠરાગ્નીની મંદતા, મરડો વગેરે કફરોગોનો સમાવેશ થાય છે. દીવેલ રેચક છે. એ માટે વાત, પીત્ત કે કફ દોષાનુસાર સુંઠનો ઉકાળો, ગોમુત્ર, દુધ, ચા, નગોડના પાનનો ઉકાળો, રાસ્નાદી ક્વાથ, મગનું ઓસામણ, ત્રીફલાનો ક્વાથ વગેરે પૈકી કોઈ એક સાથે દીવેલ લઈ શકાય. ગર્ભીણી સ્ત્રીએ દીવેલ ન લેવું. માથામાં પણ દીવેલ નાખવું ન જોઈએ.