Posts Tagged ‘આરોગ્યની ચાવી (ગાંધીજી) પ્રકરણ ૧ શરીર: Body’

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧- ભાગ બીજો- પૃથ્વી એટલે માટી – Earth

માર્ચ 7, 2013

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧- ભાગ બીજો- પૃથ્વી એટલે માટી – Earth

 

તા. ૧૩-૧૨-૪૨

આ પ્રકરણો લખવાનો હેતુ નૈસર્ગીક ઉપચારોનું મહત્ત્વ બતાવવાનો અને તેનો ઉપયોગ મેં કેવી રીતે કર્યો છે એ બતાવવાનો છે. એ વીશે થોડું તો ગત પ્રકરણોમાં કહેવાઈ ગયું છે. અહીં કંઈક વીસ્તારથી કહેવું છે. જે તત્ત્વોનું મનુષ્યરુપી પુતળું બન્યું છે, તે જ નૈસર્ગીક ઉપચારનાં સાધન છે. પૃથ્વી (માટી), પાણી, આકાશ (અવકાશ), તેજ (સુર્ય) ને વાયુનું આ શરીર છે. તે સાધનોનો ક્રમપુર્વક ઉપયોગ સુચવવાનો આ પ્રયત્ન છે.

 

સન ૧૯૦૧ની સાલ લગી મને કંઈ વ્યાધી થાય તો હું દાક્તરોની પાસે તો ન દોડતો, પણ તેઓની દવાનો થોડો ઉપયોગ કરતો. એક-બે વસ્તુ સ્વ. દાક્તર પ્રાણજીવન મહેતાએ બતાવી હતી. થોડો અનુભવ નાનકડી ઈસ્પીતાલમાં કામ કરતો ત્યાં મળેલો. બીજું વાચનથી પામેલો તે. મને મુખ્ય પજવણી બંધકોષની હતી. તેને સારુ વખતોવખત ફ્રુટ સૉલ્ટ લેતો. તેથી કંઈક આરામ મળતો, પણ નબળો થતો. માથું દુખે. બીજા પણ નાના ઉપદ્રવો થાય, એટલે દાક્તર પ્રાણજીવન મહેતાએ બતાવેલી દવા લોહ (ડાયલાઈઝ્ડ) અને નક્સવામીકા લેતો. તેથી સંતોષ ન થતો.

 

આ અરસામાં ખોરાકના મારા પ્રયોગો તો ચાલતા જ હતા. નૈસર્ગીક ઉપચારોમાં મને સારી પેઠે વીશ્વાસ હતો, પણ કોઈની મદદ ન હતી. છુટુંછવાયું વાંચેલું તે ઉપરથી મુખ્યત્વે ખોરાકના ફેરફાર ઉપર નભતો. પુશ્કળ ફરવાનું રાખતો તેથી કોઈ દીવસ ખાટલો સેવવો નહોતો પડ્યો. આમ મારું રગશીયું ગાડું ચાલતું હતું. તેવામાં જુસ્ટનું रीटर्न टु नेचर નામનું પુસ્તક ભાઈ પોલાકે મારા હાથમાં મુક્યું. તે પોતે તેના ઉપચારો નહોતા કરતા. ખોરાક જુસ્ટે બતાવેલો કંઈક અંશે લેતા. પણ મારી ટેવો જાણે તેથી તેણે મારી પાસે મજકુર પુસ્તક મુક્યું. તેમાં મુખ્યત્વે ભાર માટી ઉપર મુક્યો છે. મને લાગ્યું કે એનો ઉપયોગ મારે કરી લેવો જોઈએ. બંધકોષમાં સાફ માટીને ઠંડા પાણીમાં પલાળી તે પેડુ ઉપર મુકવી. જુસ્ટની ભલામણ માટી કંઈ કપડા વીના પેડુ ઉપર મુકવાની છે, પણ મેં તો ઝીણા કપડામાં જેમ પોલ્ટીસ મુકીએ તેમ પોલ્ટીસ બનાવીને આખી રાતભર પેડુ ઉપર રાખી. સવારે ઉઠ્યો, તો દસ્તની હાજત હતી ને જતાં તુરત દસ્ત બંધાયેલો ને સંતોષકારક આવ્યો. તે દીવસથી તે આજ લગી એમ કહી શકાય કે હું ફ્રુટ સૉલ્ટને ભાગ્યે જ અડ્યો હોઈશ. જરુર જણાયે કોઈક વાર એરંડીયું તેલ નાનો ચમચો પોણો સવારના લઉં છું ખરો. આ માટીની લોપરી ત્રણ ઈંચ પહોળી અને છ ઈંચ લાંબી હોય છે. બાજરાના રોટલાથી બમણી જાડી અથવા અડધો ઈંચ કહો. જુસ્ટનો દાવો છે કે, જેને ઝેરી સાપ ડંખ્યો હોય તેને જો માટીનો ખાડો કરી (માટીથી ઢાંકીને) તેમાં સુવાડવામાં આવે તો તે ઝેર ઉતરે છે. એવો દાવો સાબીત થાઓ કે ન થાઓ, પણ મેં જાતે જ ઉપયોગ કર્યો છે તે તો કહી જાઉં. માથું દુખતું હોય તો માટીની લોપરી મુકવાથી ઘણે ભાગે ફાયદો થયેલો મેં અનુભવ્યો છે. સેંકડોની ઉપર આ  પ્રયોગ કર્યો છે. માથું દુખવાનાં અનેક કારણો હોય છે એ જાણું છું. સામાન્યપણે એમ કહી શકાય કે, ગમે તે કારણથી માથું દુખતું હોય છતાં માટીની લોપરી તાત્કાલીક લાભ તો આપે જ છે. સામાન્ય ફોડા થયા હોય તેને પણ માટી મટાડે છે. વહેતા ફોડા ઉપર પણ મેં તો માટી મુકેલી છે. એવા ફોડા ઉપર મુકવાને સારુ સાફ કપડું લઈ તેને હું પરમૅંગેનેટના ગુલાબી પાણીમાં બોળું છું, ને ફોડાને સાફ કરીને ત્યાં માટીની લોપરી મુકું છું. ઘણે ભાગે ફોડા મટે જ છે. જેને સારુ મેં એ અજમાવેલ છે તેમાં કોઈ નીષ્ફળ ગયેલો કેસ મને યાદ નથી આવતો. ભમરી વગેરેના ડંખમાં માટી તુરત જવાબ આપે છે. વીંછીના ડંખમાં મેં માટીનો ખુબ ઉપયોગ કર્યો છે. સેવાગ્રામમાં વીંછીનો ઉપદ્રવ હંમેશની ચીજ થઈ પડેલ છે. જાણીતા બધા ઈલાજો ત્યાં રાખ્યા છે. કોઈને વીશે એમ ન કહી શકું કે તે તો અચુક ફાયદો કરે જ છે. કોઈ ઈલાજોથી માટી ઉતરતી નથી એટલું કહી શકાય.

 

તા. ૧૪-૧૨-૪૨

સખત તાવમાં માટીનો ઉપયોગ પેડુ ને માથા ઉપર, જો માથું દુખતું હોય તો કર્યો છે. તેથી હંમેશાં તાવ ગયો જ છે એમ ન કહી શકાય, પણ દરદીને તેથી શાંતી તો થઈ જ છે. ટાઈફૉઈડમાં મેં માટીનો બહોળો ઉપયોગ કર્યો છે. તે તાવ તેની મુદતે જ જાય છે, પણ માટીએ હંમેશાં દરદીને શાંતી આપી છે, ને બધા દરદીએ માટી માગી લીધી છે. સેવાગ્રામમાં દસેક કેસ ટાઈફૉઈડના થઈ ગયા. એક પણ કેસ ખોટો નથી થયો. ટાઈફૉઈડનો ભય સેવાગ્રામમાં નથી રહ્યો. એકેય કેસમાં દવાનો ઉપયોગ નથી કર્યો એમ કહી શકું. માટી ઉપરાંત બીજા નૈસર્ગીક ઉપચારો કર્યા છે ખરા. તે એને સ્થાને આપવા ધારું છું.

 

માટીનો ઉપયોગ છુટથી ઍન્ટીફ્લોજીસ્ટીનને બદલે સેવાગ્રામમાં કર્યો છે. તેમાં થોડું તેલ (સરસીયું) ભેળવવામાં આવે છે. એ માટીને સારી પેઠે ગરમ કરવી પડે છે, એટલે તે બીલકુલ નીર્દોષ બની જાય છે.

 

માટી કેવી હોવી જોઈએ એ કહેવાનું રહે છે. મારો પ્રથમ પરીચય તો ચોખ્ખી લાલ માટીનો હતો. પાણી મેળવવાથી એમાંથી સુગંધ છુટે છે. આવી માટી સહેજે મળતી નથી. મુંબઈ જેવા શહેરમાં તો કોઈ પણ પ્રકારની માટી મેળવવી મને તો મુશ્કેલ પડ્યું છે. માટી ચીકણી ન હોવી જોઈએ. છેક રેતાળ પણ નહીં. માટી ખાતરવાળી ન જ હોવી જોઈએ. સુંવાળી રેશમ જેવી હોવી જોઈએ. તેમાં કાંકરી ન હોવી જોઈએ. તેથી એને છેક ઝીણી ચાળણીમાં ચાળવી જોઈએ. તદ્દન સાફ ન લાગે તો માટીને શેકવી. માટી છેક સુકી હોવી જોઈએ. ભીની હોય તો તેને તડકે કે અંગાર ઉપર સુકવવી. સાફ ભાગ ઉપર વાપરેલી માટી સુકવી નાખ્યા પછી વારંવાર વાપરી શકાય. આમ વાપરવાથી માટીનો કોઈ ગુણ ઓછો થતો હોય તો હું જાણતો નથી. મેં આમ વાપરી છે ને તેનો ગુણ ઓછો થયો એવું અનુભવ્યું નથી. માટીનો ઉપયોગ કરનારાઓ તરફથી સાંભળ્યું છે કે, જમનાને કીનારે પીળી માટી મળે છે તે બહુ ગુણકારી છે.

 

સાફ ઝીણી દરીયાઈ રેતી એક બરની ખાવાનો પ્રયોગ દસ્ત લાવવાને સારુ કરાય છે, એમ ક્યુનેએ લખેલું છે. માટીનું વર્તન આમ બતાવવામાં આવ્યું છે : માટી કંઈ પચતી નથી. એને તો કચરાની જેમ બહાર નીકળવાનું જ છે. તે નીકળતા મળને પણ બહાર લાવે છે. આ વસ્તુ મારા અનુભવની બહાર છે, એટલે જે પ્રયોગો કરવા ધારે તેણે વીચારપુર્વક પ્રયોગ કરવો. એક-બે વેળા અજમાવી જોવાથી કંઈ નુકસાન થવાનો સંભવ નથી.

Advertisements

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧૦ બ્રહ્મચર્ય – Celibacy

માર્ચ 5, 2013

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧૦ બ્રહ્મચર્ય – Celibacy

બ્રહ્મચર્યનો મુળ અર્થ જે વડે બ્રહ્મ મળે એવી ચર્યા. સંયમ વીના બ્રહ્મ મળે જ નહીં. સંયમમાં સર્વોપરી ઈન્દ્રીયનીગ્રહ છે. સામાન્યપણે બ્રહ્મચર્ય એટલે સ્ત્રીસંગ ન કરવો ને વીર્યસંગ્રહ સાધવો. સર્વ ઈન્દ્રીયોનો સંયમ સાધનારને વીર્યસંગ્રહ સહજ ને સ્વાભાવીક થઈ પડે છે. સ્વાભાવીક રીતે થયેલો વીર્યસંગ્રહ જ ધારેલું ફળ આપે છે. એવો બ્રહ્મચારી ક્રોધાદીથી મુક્ત હોય, જ્યારે ઘણા કહેવાતા બ્રહ્મચારી ક્રોધી ને અહંકારી જોવામાં આવે છે. કેમ જાણે તેઓને ક્રોધ કરવાનો, અભીમાની થવાનો ઈજારો મળ્યો હોય નહીં!

 

એમ પણ જોવામાં આવે છે કે, બ્રહ્મચર્યના પાલનના સામાન્ય નીયમોની અવગણના કરીને તેઓ કેવળ વીર્યસંગ્રહ કરવાની આશા રાખે છે. તેઓ નીરાશ થયા છે ને કેટલાક તો દીવાના જેવા બને છે. બીજા નીસ્તેજ જોવામાં આવે છે. તેઓ વીર્યસંગ્રહ કરી શકતા નથી ને કેવળ સ્ત્રીસંગ ન કરવામાં સફલ થાય તો પોતાને કૃતાર્થ થયેલા માને છે. સ્ત્રીસંગ ન કરવાથી જ બ્રહ્મચર્યપ્રાપ્તી થઈ ન કહેવાય. જે એ રસને બાળી શકે છે તે પુરુષ કે સ્ત્રીએ જ પોતાની જનનેન્દ્રીય ઉપર જીત મેળવી ગણાય. તેની વીર્યરક્ષા એ બ્રહ્મચર્યનું સીધું ફળ છે, પણ તે સર્વસ્વ નથી. ખરા બ્રહ્મચારીની વાણીમાં, વીચારમાં ને આચારમાં તરી આવે એવો પ્રભાવ જોવામાં આવે છે.

 

આવું બ્રહ્મચર્ય સ્ત્રીઓના સાથેના સંબંધથી કે તેના સ્પર્શથી અભડાશે નહીં. એવા બ્રહ્મચારીને સારુ સ્ત્રીપુરુષનો ભેદ નહીંવત્ થઈ જાય છે. આ વાક્યનો કોઈ અનર્થ ન કરે. એનો ઉપયોગ સ્વેચ્છાચારને પોષવાને કદી ન થાય. જેની વીષયાસક્તી બળીને ખાખ થઈ ગઈ છે, તેના મનમાં સ્ત્રીપુરુષનો ભેદ ટળી જાય છે, ટળવો જોઈએ. તેના ખુબસુરતીના ખ્યાલ જુદું જ રુપ પકડે છે. તે બહારના આકારને જોશે જ નહીં. જેના આચાર ખુબસુરત છે તે સ્ત્રી હો કે પુરુષ ખુબસુરત છે. તેથી રુપાળી સ્ત્રીને જોઈને તે વીહ્વલ નહીં થાય. તેની જનનેન્દ્રીયે પણ જુદું રુપ લીધું હશે, એટલે કે તે સદાયને માટે વીકારરહીત થશે. એ વીર્યહીન થઈ નપુસંક નહીં થાય, પણ તેના વીર્યનું પરીવર્તન થવાથી તે નપુસંક જેવો લાગશે. નપુસંકના રસ નથી બળતા એમ સાંભળ્યું છે. જેઓએ મને કાગળ લખ્યા છે, તેઓમાંના કેટલાકનો પુરાવો એ છે કે, જેઓ જનનેન્દ્રીયની જાગૃતી ઈચ્છે છે પણ તેની જાગૃતી નથી થતી છતાં સ્રાવ થઈ જાય છે. રસ રહ્યા છે તેથી તે બળ્યા કરે છે. આવા પુરુષ ક્ષીણવીર્ય હોઈ નપુસંક થયા છે; અથવા તે નપુસંક થવાની તૈયારી કરી રહ્યા છે. આ દયામણી સ્થીતી છે. પણ પોતાના રસ બળી જવાથી જે ઉર્ધ્વરેતા થયા છે તેનું નપુસંકત્વ સાવ જુદુ જ છે, અને તે સર્વને સારુ ઈષ્ટ છે. આવા બ્રહ્મચારી જવલ્લે જ મળે છે. બ્રહ્મચર્ય પાલનનું મારું વ્રત સને ૧૯૦૬ની સાલમાં લેવાયું. એટલે તે પ્રયત્નને છત્રીસ વર્ષ થયાં. હું મારી વ્યાખ્યાને પુર્ણ રીતે નથી પહોંચ્યો, પણ મારી દૃષ્ટીએ મારી પ્રગતી સારી થઈ છે ને ઈશ્વરની કૃપા હશે તો પુર્ણ સફળતા દેહ પડ્યા પહેલાં પણ મળે. મારા પ્રયત્નમાં હું મંદ નથી પડ્યો. બ્રહ્મચર્યની આવશ્યકતા વીશેના મારા વીચાર વધારે દૃઢ થયા છે એટલું હું જાણું છું. કેટલાક મારા પ્રયોગો સમાજની આગળ મુકવા જેટલી સ્થીતીએ નથી પહોંચ્યા. જો મને સંતોષ થાય તેટલે અંશે સફળ થશે તો તે સમાજની પાસે મુકવાની આશા રાખું છું. કેમ કે હું માનું છું કે તેવી સફળતાથી પુર્ણ બ્રહ્મચર્ય કદાચ પ્રમાણમાં સહેલું થાય.

 

તા. ૧૧-૧૨ ૪૨

આ પ્રકરણમાં જે બ્રહ્મચર્યની ઉપર હું ભાર દેવા માગું છું તે વીર્યરક્ષા પુરતું છે. પુર્ણ બ્રહ્મચર્યના જે અમોઘ લાભ છે તે આમાંથી નહીં મળે. છતાં તેની કીંમત જેવીતેવી નહીં હોય. એના વીના પુર્ણ બ્રહ્મચર્ય અસંભવીત છે. અને એના વીના, એટલે વીર્યસંગ્રહ વીના પુર્ણ આરોગ્ય જાળવવું અશક્યવત્ સમજવું. જે વીર્યમાં બીજા મનુષ્યને પેદા કરવાની શક્તી છે તે વીર્યનું ફોકટ સ્ખલન થવા દેવું એ મહા અજ્ઞાનની નીશાની છે. વીર્યનો ઉપયોગ ભોગને સારુ નથી, પણ કેવળ પ્રજોત્પત્તીને સારુ છે, એ પુર્ણપણે સમજાય તો વીષયાસક્તીને સ્થાન જ નથી રહેતું. સ્ત્રીપુરુષ-સંગમ પાછળ બંને નરનારી પછડાઈ મરે છે તે બંધ થાય, વીવાહનો અર્થ બદલાય, ને તે જે રીતે આજે જોવામાં આવે છે તે તરફ આપણને તીરસ્કાર છુટે. વીવાહ એ સ્ત્રીપુરુષ વચ્ચેના હાર્દીક અને આત્મીક ઐક્યની નીશાની હોવો જોઈએ, વીવાહીત સ્ત્રીપુરુષ પુર્ણ બ્રહ્મચારી ગણાવાને લાયક છે જો તેઓ પ્રજોત્પત્તીના શુદ્ધ કારણ વીના કદી સંગ કરવાનો વીચાર જ ન સેવે તો. એવો સંગ બંનેની ઈચ્છા થતાં જ સંભવે. એ સંગ આવેશમાં ન થાય. કામાગ્ની શાંત કરવાને કદી નહીં. સંગને કર્તવ્ય માની તે થાય પછી ફરી સંગની ઈચ્છા સરખી ન થવી જોઈએ. આ લખાણને કોઈ હાસ્યજનક ન ગણે. છત્રીસ વર્ષના અનુભવ પછી આ લખી રહ્યો છું એ વાંચનાર યાદ રાખે. હું જાણું છું કે સામાન્ય અનુભવની વીરુદ્ધ આ લખાણ જાય છે. સામાન્ય અનુભવની પાર આપણે જેમ જેમ જઈએ છીએ તેમ તેમ પ્રગતી સંભવે છે. અનેક સારીનરસી શોધો થઈ છે તે સામાન્ય અનુભવની સામે થઈને જ શક્ય બની છે. ચકમકમાંથી દીવાસળી ને દીવાસળીમાંથી વીજળીની શોધ એક જ વસ્તુને આભારી છે. જે ભૌતીક વસ્તુને લાગુ પડે છે તે આત્મીકને પણ લાગુ પડે છે. પુર્વે વીવાહ જેવી વસ્તુ જ ન હતી. સ્ત્રી-પુરુષ-સંગ ને પશુઓના સંગમાં ફરક ન હતો. સંયમ જેવી વસ્તુ ન હતી. કેટલાક સાહસીક માણસોએ સામાન્ય અનુભવને ઓળંગીને સંયમધર્મ શોધ્યો. એ સંયમધર્મ ક્યાં સુધી જઈ શકે છે એના પ્રયોગ કરવાનો આપણને અધીકાર છે ને તેમ કરવાનું કર્તવ્ય પણ છે. એટલે મારું કહેવું છે કે, મનુષ્યનું કર્તવ્ય સ્ત્રી-પુરુષ-સંગને હું સુચવું છું તે કક્ષાએ પહોંચવાનું છે, તે હસી કાઢવા જોગ નથી. તે સાથે મારું એ પણ સુચન છે કે, જો મનુષ્ય જીવન જેમ ઘડાવું જોઈએ તેમ ઘડાય તો વીર્યસંગ્રહ સ્વાભાવીક વસ્તુ થવી જોઈએ.

 

નીત્ય ઉત્પન્ન થતા વીર્યનો પોતાની માનસીક, શારીરીક અને આધ્યાત્મીક શક્તી વધારવામાં ઉપયોગ કરી લેવો જોઈએ. જે આમ ઉપયોગ કરતાં શીખે છે તે પ્રમાણમાં ઘણા ઓછા ખોરાકથી પોતાના શરીરને બાંધી શકશે. અલ્પાહારી હોવા છતાં તે શારીરીક શ્રમમાં કોઈથી ઉતરશે નહીં. માનસીક શ્રમમાં તેને ઓછામાં ઓછો થાક લાગશે. ઘડપણમાં આપણે જે ચીહ્ન જોઈએ છીએ તે આવા બ્રહ્મચારીમાં જોવામાં નહીં આવે. જેમ પાકેલું પાંદડું કે ફળ સહેજે ખરી પડે છે તેમ પોતાનો સમય આવ્યે માણસ સર્વ શક્તી ધરાવતો છતો ખરી પડશે. આવા માણસનું શરીર વખત જતાં ભલે ક્ષીણ દેખાય, પણ તેની બુદ્ધી ક્ષીણ થવાને બદલે નીત્ય વીકસવી જોઈએ. તેના તેજમાં પણ વધારો જ થવો જોઈએ. આ ચીહ્ન જેના વીશે ન જોવામાં આવે તેના બ્રહ્મચર્યમાં તેટલી ન્યુનતા સમજવી. તેણે વીર્યસંગ્રહની કળા નથી સાધી. આ બધું સાચું હોય – ને મારો દાવો છે કે સાચું છે – તો આરોગ્યની ખરી ચાવી વીર્યસંગ્રહમાં રહેલી છે.

 

તા. ૧૨-૧૨-૪૨

વીર્યસંગ્રહના થોડા મોટા નીયમો હું જાણું છું તે અહીં આપું છું:

 

૧. વીકારમાત્રની જડ વીચારમાં રહેલી છે, તેથી વીચારો ઉપર કાબુ મેળવવો. એનો ઉપાય એ છે કે, મનને ખાલી ન રહેવા દેવું, સારા ને  ઉપયોગી વીચારોથી ભરી મેલવું. અર્થાત્ પોતે જે કાર્યમાં રોકાયેલા હોય તેને વીશે ફીકર ન વેઠવી, પણ તેમાં કઈ રીતે નીપુણતા મળે એ વીચારવું ને તેનો અમલ કરવો. વીચાર અને તેનો અમલ વીકારોને રોકશે. પણ આખો વખત કામ નથી હોતું. મનુષ્ય થાક ખાય છે, શરીર આરામ માગે છે, રાતના ઉંઘ નથી આવતી, ત્યારે વીચારોના હુમલા સંભવે. આવા પ્રસંગોમાં સૌથી સર્વોપરી સાધન જપ છે. ભગવાનને જે રુપે અનુભવ્યો હોય અથવા અનુભવવાની ધારણા રાખી હોય, તે રુપને હૃદયમાં રાખીને તે નામનો જપ કરવો. જપ ચાલતો હોય ત્યારે બીજું કંઈ મનમાં ન હોવું જોઈએ. આ આદર્શ સ્થીતી છે. તેને ન પહોંચાય અને અનેક અણનોતરેલા વીચારો ચડાઈ કરતા હોય તેથી થાકવું નહીં, પણ શ્રદ્ધાપુર્વક જપ જપ્યા કરવો. તેના અંતે વીજય છે જ એમ નીશ્ચયપુર્વક માનવું એટલે વીજય થશે જ.

 

૨. વીચાર તેમ વાચા ને વાચન વીકારોને શમાવનારાં હોવાં જોઈએ. તેથી બોલમાત્ર તોળીને બોલવો, જેને બીભત્સ વીચાર ન આવે તેને મુખેથી બીભત્સ બોલી નીકળે જ નહીં.

 

વીષયને પોષનારું બહોળું સાહીત્ય પડ્યું છે. તેની તરફ મનને કદી જવા ન દેવું. સદ્ગ્રંથો અથવા પોતાના કાર્યને લગતા ગ્રંથો વાંચવા, તેનું મનન કરવું. ગણીતાદીને અહીં મોટું સ્થાન છે. દેખીતું છે કે જે વીકારોનું સેવન નથી ઈચ્છતો તે વીકારને પોષે એવા ધંધાનો ત્યાગ સેવશે.

 

૩. જેમ મગજ રોકાયેલું હોય તેમ જ શરીર રોકાયેલું હોવું જોઈએ – એવું કે રાત પડ્યે માણસને જે સુંદર થાક ચડેલો હોય તે પથારીમાં પડ્યો કે તુરત તેને નીદ્રાવશ કરે. એવાં સ્ત્રીપુરુષની નીદ્રા શાંત અને નીસ્વપ્ન હોય છે. જેટલું ખુલ્લામાં મહેનત કરવાનું મળે તેટલું વધારે સારું. જેને આવી મહેનત ન જ સાંપડે તેવાઓએ અચુક કસરત કરવી. ઉત્તમોત્તમ કસરત ખુલ્લી હવામાં વેગે ફરવાની છે. ફરતાં મોઢું બંધ હોય, શ્વાસ નાકેથી જ લેવાય. ચાલતાં બેસતાં શરીર ટટાર જ હોય. જેમતેમ બેસવું કે ચાલવું એ આળસની નીશાની છે. આળસમાત્ર વીકારનું પોષક છે. આસનોનો અહીં ઉપયોગ છે. જેના હાથ, પગ, નાક, કાન, જીભ ઈત્યાદી પોતાનાં યોગ્ય કામ યોગ્ય રીતે કરે છે, તેની જનનેન્દ્રીય કદી ઉપદ્રવ કરતી જ નથી, એ અનુભવ વાક્ય સૌ કોઈ માને એવી આશા રાખું છું.

 

૪. જેવો આહાર તેવો આકાર. જે માણસ અત્યાહારી છે, જેના આહારમાં કશો વીવેક નથી, તે પોતાના વીકારોનો ગુલામ છે. જે સ્વાદને ન જીતે તે ઈન્દ્રીયજીત કદી નહીં થઈ શકે. તેથી માણસે યુક્તાહારી ને અલ્પાહારી બનવું ઘટે છે. શરીર આહારને સારુ નથી, આહાર શરીરને સારુ છે. અને શરીર પોતાને ઓળખવા સારુ બન્યું છે. પોતાને ઓળખવો એટલે ઈશ્વરને ઓળખવો. એ ઓળખને જેણે પોતાનો પરમ વીષય બનાવ્યો છે, તે વીકારોને વશ નહીં થાય.

 

૫. પ્રત્યેક સ્ત્રીને માતા, બહેન કે દીકરી તરીકે જોવી. કોઈ પુરુષ પોતાની મા, બહેન કે દીકરી ઉપર વીકારી નજરે નહીં જુએ. સ્ત્રી પ્રત્યેક પુરુષને પીતા, ભાઈ કે દીકરા તરીકે જુએ.

 

મારાં બીજાં લખાણોમાં મેં વધારે નીયમો આપ્યા છે તે બધાનો સમાવેશ  પાંચમાં થઈ જાય છે. તેનું પાલન કરવાને સારુ મહાન વીકારને જીતવો બહુ સહેલું થઈ પડવું જોઈએ. જેને બ્રહ્મચર્ય પાળવાની ધગશ છે તે, એ પાલન અસંભવીત છે અથવા કરોડોમાંથી કોઈક જ પાળી શકે, એમ માનીને તેનો પ્રયત્ન નહીં છોડે. જે રસ તેના પાલનમાં છે તે બીજી કશી વસ્તુમાં નથી. હું બીજી રીતે કહું તો એમ કહેવાય કે, જે આનંદ ખરી રીતે નીરોગી શરીર ભોગવે છે તે આનંદ બીજી કશી વસ્તુમાં નથી, ને કોઈ શરીરને તે નીરોગીતા નહીં સાંપડે જે વીકારનું ગુલામ છે.

 

કૃત્રીમ અંકુશ : હવે કૃત્રીમ ઉપાયો વીશે થોડું લખું. ભોગ ભોગવવા છતાં કૃત્રીમ ઉપાયોથી પ્રજોત્પત્તી અટકાવવાની પ્રથા જુની છે. પણ પુર્વે તે છુપી રીતે ચાલતી. આ સુધારાના જમાનામાં તેને ઉંચું સ્થાન મળ્યું છે, ને ઉપાયો પણ પદ્ધતીસર રચાયા છે. એ પ્રથાને પરમાર્થની ઓઢણી ઓઢાડવામાં આવી છે. તેના હીમાયતી કહે છે કે, ભોગેચ્છા એક કુદરતી વસ્તુ છે, કદાચ તેને બક્ષીસને નામે પણ ઓળખાવાય. તેને કાઢવી અશક્ય છે, તેની ઉપર સંયમનો અંકુશ મુકવો મુશ્કેલ છે. અને જો સંયમ સીવાય બીજો કોઈ ઉપાય ન યોજવામાં આવે તો અસંખ્ય સ્ત્રીઓની ઉપર પ્રજોત્પત્તીનો ભાર પડે, ને ભોગથી ઉત્પન્ન થતી પ્રજા એટલી વધી પડે કે મનુષ્ય જાતીને સારુ એટલો ખોરાક જ ન મળી શકે. આ બે આપત્તીઓને અટકાવવા સારુ કૃત્રીમ ઉપાયો યોજવાનો માનવધર્મ થઈ પડે છે. મને આ દલીલમાં વજુદ નથી લાગ્યું, કેમ કે એ ઉપાયોથી બીજી ઉપાધીઓ મનુષ્ય વહોરી લે છે; અને સૌથી મોટું નુકસાન તો એ છે કે, સંયમધર્મનો લોપ થવાનો ભય પેદા થશે. એ રત્ન વેચી ગમે તેવો તાત્કાલીક લાભ થતો હોય તો તે જતો કરવો જોઈએ. પણ આ સ્થાને હું દલીલમાં ઉતરવા નથી ઈચ્છતો. જીજ્ઞાસુને મારી ભલામણ છે કે ‘નીતિનાશને માર્ગે’ નામનું મારું પુસ્તક મેળવે ને તેનું મનન કરે ને પછી તેના હૃદય ને બુદ્ધી જે કહે તે પ્રમાણે ચાલે. જેને એ પુસ્તક વાંચવાની ઈચ્છા કે ફુરસદ ન હોય તે ભુલેચુકે પણ  કૃત્રીમ ઉપાયોની પડખે ન ચડે. ભોગનો ત્યાગ કરવાનો ભગીરથ પ્રયત્ન કરે અને નીર્દોષ આનંદનાં ક્ષેત્રો છે તેમાંથી થોડાં પસંદ કરે. ખરો દંપતીપ્રેમ શુદ્ધ માર્ગે જાય, બંને ઉંચે ચડે એવાં કાર્યો શોધે, કે જેમાંથી વીષયવાસના સેવવા જેટલો અવકાશ જ ન મેળવી શકે. શુદ્ધ ત્યાગના થોડા અભ્યાસ પછી તેમાં રહેલો રસ તેમને વીષય ભણી જવા જ નહીં દે. મુશ્કેલી આત્મવંચનામાં પેદા થાય છે. ત્યાગનો આરંભ વીચારશુદ્ધીથી નથી થતો પણ કેવળ બાહ્યાચારને રોકવાના ફોકટ પ્રયત્નથી થાય છે. વીચારની દૃઢતાની સાથે આચારનો સંયમ શરુ થાય તો સફળતા મળ્યા વીના ન જ રહે. સ્ત્રીપુરુષની જોડી વીષયસેવન સારુ કદી તૈયાર નથી થઈ.

આરોગ્યની ચાવી- ગાંધીજી -પ્રકરણ ૯ તમાકુ – Tobacco

ફેબ્રુવારી 28, 2013

આરોગ્યની ચાવી- ગાંધીજી -પ્રકરણ ૯ તમાકુ – Tobacco

 

તમાકુએ તો આડો આંક વાળ્યો છે. તેના પંજામાંથી ભાગ્યે જ કોઈ છુટે છે. આખું જગત એક કે બીજે રુપે તેનું સેવન કરે છે. ટૉલ્સ્ટૉયે તો તેને બધાં વ્યસનોમાં ખરાબ ગણાવી છે. એ ઋષીનું વચન ધ્યાન આપવા યોગ્ય છે, કેમ કે તેમને શરાબ અને તમાકુનો બહોળો અનુભવ થયો હતો ને બંનેના ગેરફાયદા પોતે જાણતા હતા. એમ છતાં મારે કબુલ કરવું જોઈએ કે, શરાબ અને અફીણની જેમ તમાકુનાં માઠાં પરીણામો પ્રત્યક્ષ રુપે હું પોતે બતાવી નથી શકતો. એટલું કહી શકું કે, એનો ફાયદો હું એકેય જાણતો નથી. એ પીનાર મોટા ખર્ચમાં ઉતરે છે એ હું જાણું છું. એક અંગ્રેજ મેજીસ્ટ્રેટ તમાકુ ઉપર દર માસે પાંચ પાઉન્ડ એટલે રૂ. ૭૫ ખર્ચતો હતો. એનો પગાર દર માસે પચીસ પાઉન્ડ હતો. એટલે પોતાની કમાણીનો પાંચમો ભાગ (વીસ ટકા) ધુમાડામાં જતો હતો.

 

તમાકુ પીનારની વૃત્તી એવી બુઠ્ઠી થઈ જાય છે કે તે તમાકુ પીતી વેળાએ પડોશીની લાગણીનો ખ્યાલ નથી કરતો. રેલગાડીમાં મુસાફરી કરનારને એનો અનુભવ બરોબર મળે છે. તમાકુ નહીં પીનારથી તમાકુ પીવાથી નીકળતા ધુમાડા સહન નથી થઈ શકતા, પણ પીનાર ઘણે ભાગે પડોશીની લાગણીનો વીચાર નથી કરતો. તમાકુ પીનારને (ખાનારને) ઘણે ભાગે થુંકવું પડે છે. તે ગમે ત્યાં થુંકતાં સંકોચાતો નથી.

 

તમાકુ પીનારના મોંમાંથી એક પ્રકારની અસહ્ય બદબો નીકળે છે. એવો સંભવ છે કે તમાકુ પીનારની સુક્ષ્મ લાગણીઓ મરી જાય છે. એ મારવાને ખાતર માણસ તમાકુ પીતો થયો હોય એ સંભવે છે. એમાં તો શક નથી જ કે, તમાકુ પીવાથી એક જાતનો કેફ ચડે છે અને તે કેફમાં માણસ પોતાની ચીંતા કે પોતાનું દુખ ભુલે છે. ટૉલ્સ્ટૉયે પોતાના એક પાત્ર પાસે ઘોર કામ કરાવ્યું તેના પહેલાં તેને શરાબ પીવડાવ્યો. તેને કરવું હતું ભયંકર ખુન. શરાબની અસર થતાં છતાં તે ખુન કરતાં સંકોચાય છે. વીચાર કરતો કરતો સીગાર સળગાવે છે, તેના ધુમાડા કાઢે છે, ઉંચે ચડતો ધુમાડો નીહાળે છે, ને બોલી ઉઠે છે: “હું કેવો બીકણ છું! ખુન કરવું એ કર્તવ્ય છે તો પછી સંકોચ શો? ચાલ ઉઠ ને તારું કામ કર.” એમ તેની ડહોળાયેલી બુદ્ધીએ તેની પાસે નીર્દોષ માણસનું ખુન કરાવ્યું. હું જાણું છું કે આ દલીલથી બહુ અસર ન પડી શકે. બધા તમાકુ પીનાર કંઈ પાપી હોતા નથી. કરોડો પીનારા પોતાનું જીવન સામાન્યપણે સરળતાથી વીતાડે છે એમ કહી શકાય. છતાં વીચારવાને જરુર મજકુર દૃષ્ટાંતનું મનન કરવું ઘટે છે. ટૉલ્સ્ટૉયની મતલબ એ છે કે, તમાકુની અસરમાં આવી પીનાર ઝીણાં ઝીણાં પાપો કર્યા કરે છે.

 

હીન્દુસ્તાનમાં આપણે તમાકુ ફુંકીએ છીએ એટલું જ નહીં પણ તે સુંઘીએ છીએ, ને જરદાને રુપે તે ચાવીએ પણ છીએ. કેટલાક એમ માને છે કે, તમાકુ સુંઘવાથી લાભ થાય છે. વૈદ્ય-હકીમની સલાહથી તેઓ તમાકુ સુંઘે છે. મારો અભીપ્રાય છે કે તેની કશી જરુર નથી. તંદુરસ્ત માણસને આવી જરુર ન જ હોવી જોઈએ.

 

જરદો ખાનારનું તો કહેવું જ શું? તમાકુ ફુંકવી, સુંઘવી અને ખાવી એ ત્રણમાં ખાવી એ સૌથી વધારે ગંદી વસ્તુ છે. એમાં જે ગુણ મનાય છે એ કેવળ ભ્રમણા છે.

 

આપણામાં કહેવત છે કે, ખાય તેનો ખુણો; પીએ તેનું ઘર અને સુંઘે તેનાં લુગડાં એ ત્રણે બરાબર.

 

જરદો ચાવનાર સાવધાન હોય તે થુંકદાન રાખે છે ખરા, પણ ઘણાઓ પોતાના ઘરના ખુણામાં અથવા દીવાલ ઉપર થુંકતાં શરમાતા નથી. પીનાર ધુમાડાથી પોતાનું ઘર ભરી મુકે છે અને છીંકણી સુંઘનાર પોતાનાં કપડાં બગાડે છે. કોઈ પોતાની પાસે રુમાલ રાખે છે તે અપવાદરુપે છે. જેઓ આરોગ્યના પુજારી છે તે દૃઢ મન કરીને ગમે તે વ્યસનની ગુલામીમાંથી નીકળી જશે. ઘણાને આમાંનાં એક, બે કે ત્રણેય વ્યસનો હોય છે, એટલે તેને સુગ નથી ચડતી. પણ જો શાંત ચીત્તે વીચાર કરીએ તો ફુંકવાની ક્રીયામાં કે લગભગ આખો દીવસ જરદા કે પાનબીડાં વગેરેથી ગલોફાં ભરી રાખવામાં કે તમાકુની દાબડી ખોલી સુંઘવામાં કંઈ શોભા નથી. એ ત્રણે વ્યસનો ગંદાં છે.

આરોગ્યની ચાવી – ગાંધીજી : પ્રકરણ ૮ અફીણ – Opium

ફેબ્રુવારી 26, 2013

આરોગ્યની ચાવી – ગાંધીજી : પ્રકરણ ૮ અફીણ – Opium

 

જે ટીકા મદ્યપાનને વીશે કરી તે જ અફીણને પણ લાગુ પડે છે. બે વ્યસનમાં ભેદ છે ખરો. મદ્યપાન નશો ટકે ત્યાં લગી માણસને તોફાની કરી મુકે છે. અફીણ માણસને જડ બનાવે છે. અફીણી એદી બને છે, ઉંઘણશી થઈ જાય છે ને કંઈ કામનો નથી રહેતો.

 

મદ્યપાનનાં માઠાં ફળ આપણે રોજ જોઈ શકીએ છીએ તેમ અફીણની અસર તુરત નજરે નથી ચડતી. અફીણની ઝેરી અસર તુરત જોવી હોય તો તે ઓરીસા અને આસામમાં જોઈ શકાય છે. ત્યાં હજારો માણસો તે દુર્વ્યસનમાં ફસેલા જોવામાં આવે છે. જેઓ તે વ્યસનથી ઘેરાયેલા છે તેઓ મરવાના વાંકે જીવતા હોય એવા લાગે છે.

 

પણ અફીણની સૌથી ખરાબ અસર તો ચીનમાં થયેલી કહેવાય છે. ચીનાઓનાં શરીર હીન્દુસ્તાનીના કરતાં વધારે મજબુત હોય છે. પણ જેઓ અફીણના પાશમાં પડ્યા છે તે મડા જેવા જોવામાં આવે છે. જેને અફીણની લત લાગી છે તે દીનહીન બની જાય છે ને અફીણ મેળવવાને સારુ ગમે તે પાપ કરવા તૈયાર થઈ જાય છે.

 

ચીના અને અંગ્રેજ વચ્ચે લડાઈ થયેલી તે અફીણની લડાઈને નામે ઓળખાય છે. ચીનને હીન્દુસ્તાનનું અફીણ નહોતું જોઈતું, જ્યારે અંગ્રજોને ચીન સાથે તે અફીણનો વ્યાપાર કરવો હતો. આ લડાઈમાં હીન્દુસ્તાનનો પણ દોષ હતો. હીન્દુસ્તાનમાં કેટલાક હીન્દી અફીણના ઈજારદાર હતા. તેમાંથી કમાણી સારી પેઠે થતી હતી. હીન્દુસ્તાનની મહેસુલમાં ચીનથી કરોડો રુપીયા આવતા હતા. આ વેપાર પ્રત્યક્ષ રુપે અનીતીનો હતો, છતાં ચાલ્યો. છેવટે ઈંગ્લેન્ડમાં મોટું આંદોલન જાગ્યું ને અફીણનો વેપાર બંધ થયો. આમ જે વસ્તુ પ્રજાનો નાશ કરી શકે છે તેનું વ્યસન ક્ષણવાર પણ સહન કરવા જેવું નથી.

 

તા. ૧૧-૧૦-૪૨

આટલું કહ્યા પછી એમ કબુલ કરવું જોઈએ કે, વૈદકશાસ્ત્રમાં અફીણને બહુ મોટું સ્થાન છે. તે એવી દવા છે કે જેના વીના ન ચાલી શકે. એટલે અફીણનું વ્યસન મનુષ્ય સ્વેચ્છાએ છોડી દે એટલે ઉંચે સ્થાને પહોંચશે; ત્યારે પણ વૈદકશાસ્ત્રમાં અફીણનું સ્થાન રહી જવાનું છે. પણ જે વસ્તુ દવા તરીકે આપણે લઈ શકીએ છીએ એ આપણે વ્યસન તરીકે થોડી જ લઈ શકીએ છીએ? લેવા જઈએ તો એ જ ઝેરરુપ થઈ પડે છે. અફીણ તો પ્રત્યક્ષ ઝેર છે જ, એટલે વ્યસનરુપે સર્વથા ત્યાજ્ય છે.

આરોગ્યની ચાવી- ગાંધીજી – પ્રકરણ ૬ ચા, કૉફી, કોકો – Tea, Coffee, Cocoa

ફેબ્રુવારી 17, 2013

આરોગ્યની ચાવી- ગાંધીજી – પ્રકરણ ૬ ચા, કૉફી, કોકો – Tea, Coffee, Cocoa

 

આ ત્રણેયમાંથી એકેય ચીજની શરીરને જરુર નથી. ચાનો ફેલાવો ચીનમાંથી થયો કહેવાય છે. ચીનમાં તેનો ખાસ ઉપયોગ છે. ચીનમાં પાણી ઘણાંખરાં ચોખ્ખાં નથી હોતાં. પાણી ઉકાળેલું પીવાય તો પાણીમાં રહેલો બગાડ દુર કરી શકાય. કોઈ ચતુર ચીનાએ ચા નામનું ઘાસ શોધી કાઢ્યું. તે ઘાસ બહુ થોડા પ્રમાણમાં ઉકળતા પાણીમાં નખાય તો તે પાણીને સોનેરી રંગ આવે છે. જો એ રંગ પાણી પકડે તો તે ઉકળેલું છે એમ ચોક્કસ રીતે કહી શકાય. એમ સાંભળ્યું છે કે, ચીનમાં લોકો આવી રીતે ચાના ઘાસ વતી પાણીની પરીક્ષા કરે છે ને એ જ પાણી પીએ છે. ચાની બીજી ખાસીયત એ છે કે, ચામાં એક જાતની ખુશબો રહેલી છે. ઉપર પ્રમાણે બનેલી ચા નીર્દોષ ગણાય. આવી ચા બનાવવાની આ રીત છે: એક ચમચી ચા એક ગળણીમાં નાખવી. એને કીટલી ઉપર મુકવી. ગળણી ઉપર ઉકળતું પાણી ધીમે રેડવું. કીટલીમાં જે પાણી ઉતરે છે તેનો રંગ સોનેરી હોય તો જાણવું કે પાણી ખરેખર ઉકળ્યું છે.

 

તા. ૧૦-૯-૪૨

જે ચા સામાન્યતઃ પીવાય છે તેમાં કંઈ ગુણ તો જાણ્યો નથી, પણ તેમાં એક મોટો દોષ રહેલો છે. તેમાં ટૅનીન રહેલું છે. ટૅનીન એ પદાર્થ છે જે ચામડાને સખત કરવા સારુ વાપરવામાં આવે છે. એ જ કામ ટૅનીનવાળી ચા હોજરીને વીશે કરે છે. હોજરીને ટૅનીન ચડે એટલે તેની ખોરાકને પચાવવાની શક્તી ઓછી થાય છે. એથી અપચો ઉત્પન્ન થાય છે. એમ કહેવાય છે કે, ઈંગ્લેન્ડમાં અસંખ્ય ઓરતો આવી જલદ ચાની આદતથી અનેક રોગોનો ભોગ બને છે. ચાની આદતવાળાને પોતાના નીયમ પ્રમાણે ચા ન મળે તો તેઓ વ્યાકુળ બને છે. ચાનું પાણી ગરમ હોય છે. તેમાં ચીની (ખાંડ) પડે છે ને થોડું દુધ એ કદાચ એના ગુણમાં ગણી શકાય. એ જ અર્થ સારા દુધમાં શુદ્ધ પાણી નાખીને તેને ગરમ કરવામાં આવે ને તેમાં ચીની (ખાંડ) અથવા ગોળ નાખવામાં આવે તો સારી રીતે સરે છે. ઉકળતા પાણીમાં એક ચમચી મધ ને અરધી ચમચી લીંબુનો રસ નાખવાથી સરસ પીણુ બને છે. (આયુર્વેદના મતાનુસાર ઉકળતા પાણીમાં મધ નાખવું ન જોઈએ, પાણી ઉકાળ્યા પછી ઠંડું થવા દેવું. સીવાય કે કોઈ ખાસ ઔષધપ્રયોગમાં. -ગાંડાભાઈ)

 

જે ચાના વીશે કહ્યું તે કૉફીને વીશે ઓછાવત્તા પ્રમાણમાં લાગુ પડે છે. એને વીશે તો કહેવત છે કે

કફકટન, વાયુહરણ, ધાતુહીન, બલક્ષીણ;

લહુકા પાની કરે, દો ગુન અવગુન તીન.

એમાં કેટલું તથ્ય છે તે હું નથી જાણતો.

 

તા. ૭-૧૦-૪૨

જે અભીપ્રાય મેં ચાકૉફી વીશે આપ્યો તે જ કોકો વીશે છે. જેની હોજરી નીયમસર ચાલે છે તેને ચા, કૉફી કોકોની મદદની જરુર રહેતી નથી. સામાન્ય ખોરાકમાંથી તંદુરસ્ત મનુષ્યો બધો સંતોષ મેળવી શકે છે, એમ હું બહોળા અનુભવથી કહી શકું છું. મેં મજકુર ત્રણે વસ્તુનું સારી પેઠે સેવન કર્યું છે. જ્યારે એ વસ્તુઓ લેતો ત્યારે મને કંઈક ઉપદ્રવ તો રહ્યા જ કરતો. એ વસ્તુઓના ત્યાગથી મેં કશું ખોયું નથી અને ઘણું મેળવ્યું છે. જે સ્વાદ ચા ઈત્યાદીમાંથી મેળવતો તેના કરતાં અધીક સામાન્ય ભાજીઓના ઉકાળામાંથી મેળવું છું.

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૫ મસાલા: Spices

ફેબ્રુવારી 11, 2013

 

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૫ મસાલા: Spices

ખોરાકનું વીવેચન કરતાં મેં મસાલા વીશે કશું કહ્યું નથી. નીમકને મસાલાના બાદશાહ તરીકે ગણી શકાય. કેમ કે નીમક વીના સામાન્ય માણસ કંઈ ખાઈ જ નથી શકતો. તેથી તેનું નામ સબરસ પણ ગણાયું છે. કેટલાક ક્ષારોની શરીરને આવશ્યકતા છે. તેમાં નીમક આવી જાય છે. એ ક્ષારો ખોરાકમાં હોય જ છે. પણ અશાસ્ત્રીય રીતે રંધાવાથી કેટલાકનું પ્રમાણ ઘટી ગયું હોય, તે નોખા પણ લેવા પડે છે. આવો અત્યંત જરુરી એક ક્ષાર નીમક છે. એટલે ગયા પ્રકરણમાં તેને થોડા પ્રમાણમાં છુટું ખાવાને સ્થાન આપ્યું છે.

 

પણ જેની સામાન્યપણે આવશ્યકતા નથી એવા અનેક મસાલા સ્વાદને ખાતર અને પાચનશક્તી વધારવાને ખાતર લેવામાં આવે છે. જેવા કે મરચાં (લીલાં ને સુકાં), મરી, હળદર, ધાણાજીરુ, રાઈ, મેથી હીંગ ઈત્યાદી.

 

આને વીશે મારો અભીપ્રાય પચાસ વર્ષના જાતઅનુભવ ઉપર બંધાયેલો છે કે, આમાંના એકેયની શરીરને પુર્ણ રીતે આરોગ્યવાન રાખવા સારુ આવશ્યકતા નથી. જેની પાચનશક્તી છેક નબળી થઈ ગઈ હોય તેને, કેવળ ઔષધરુપે, નીશ્ચીત મુદતને સારુ તે ધારેલી માત્રામાં લેવાં પડે તો ભલે લે. પણ સ્વાદને સારુ તો તેનો આગ્રહપુર્વક નીષેધ ગણાવો જોઈએ. મસાલામાત્ર, નીમક પણ, અનાજ શાકના સ્વાભાવીક સ્વાદને હણે છે. જેની જીભ બગડી નથી તેને સ્વાભાવીક રસમાં જે સ્વાદ આવે છે તે મસાલા ને નીમક નાખ્યા પછી નથી આવતો. તેથી જ મેં નીમક લેવું હોય તો ઉપરથી લેવાનું સુચવ્યું છે. મરચું તો હોજરીને ને મોંને બાળે છે. જેને મરચાની આદત નથી તે પ્રથમ તો મરચું ખાઈ જ નહીં શકે. ઘણાનાં મોંઢાં આવી ગયેલાં મેં જોયાં છે. અને એક માણસ, જેને મરચાંનો અત્યંત શોખ હતો તેનું તો મરચાંએ ભરજુવાનીમાં મોત આણ્યું. દક્ષીણ આફ્રીકાના હબસી મસાલાને અડકી જ નહીં શકે. હળદરનો રંગ તેઓ મસાલામાં નહીં સાંખી શકે. અંગ્રેજો આપણા મસાલા નથી લેતા.

નોંધ: (ગાંડાભાઈ) વર્ષો પહેલાં હું દેશમાં હતો ત્યારે અસ્વાદના પ્રયોગ તરીકે મેં ઘણા સમય સુધી મરચું છોડી દીધું હતું. અહીં ન્યુઝીલેન્ડ આવ્યા બાદ પણ અમુક સમય સુધી મરચું છોડ્યું હતું. પણ બધા મસાલા નહીં, માત્ર મરચું.

આરોગ્યની ચાવી ગાંધીજી-પ્રકરણ ૪ ખોરાક: Food

ફેબ્રુવારી 1, 2013

આરોગ્યની ચાવી ગાંધીજી-પ્રકરણ ૪ ખોરાક: Food

 

તા. ૨-૯-૪૨

હવાપાણી વીના માણસ જીવી જ નથી શકતો એ ખરું, પણ મનુષ્યનો નીર્વાહ તો ખોરાકથી જ થઈ શકે. અન્ન એનો પ્રાણ છે.

 

ખોરાક ત્રણ જાતનો કહેવાય: માંસાહાર, શાકાહાર ને મીશ્રાહાર. અસંખ્ય માણસો મીશ્રાહારી છે. માંસમાં માછલાં અને પક્ષીઓનો સમાવેશ થાય છે. દુધને કોઈ પણ રીતે આપણે શાકાહારમાં નથી ગણી શકતા. તેમ લૌકીક ભાષામાં એ કદી માંસાહારમાં નથી ગણાતું. સ્વરુપે તો એ માંસનું જ એક રુપ છે. જે ગુણ માંસમાં છે તે ઘણે ભાગે દુધમાં છે. દાક્તરી ભાષામાં એની ગણતરી પ્રાણીજ ખોરાક-ઍનીમલ ફુડ-માં કરવામાં આવી છે. ઈંડાં સામાન્ય રીતે માંસમાં ગણાય છે. હકીકતમાં એ માંસ નથી. અને હાલ તો ઈંડાં એવી રીતે પેદા કરવામાં આવે છે કે મરઘીને મરઘો બતાવવામાં નથી આવતો, છતાં તે ઈંડાં મુકે છે. આ ઈંડાં કદી પાકતાં નથી. તેમાં મરઘું નહીં થઈ શકે. એટલે જેને દુધ પીવામાં હરકત નથી તેને આ બીજા પ્રકારનાં ઈંડાં લેવામાં કશી હરકત ન હોવી જોઈએ.

 

દાક્તરી મત મુખ્યત્વે મીશ્રાહાર તરફ ઢળે છે. જો કે પશ્ચીમમાં દાક્તરોનો એક મોટો સમુદાય નીકળ્યો છે જેનો દૃઢ અભીપ્રાય છે કે, મનુષ્યના શરીરની રચના જોતાં એ શાકાહારી જ છે. એના દાંત, હોજરી વગેરે એને શાકાહરી સીદ્ધ કરે છે. શાકમાં ફળોનો સમાવેશ કર્યો છે. અને ફળોમાં સુકાં અને લીલાં બંને આવી જાય. સુકાંમાં બદામ, પીસ્તાં, અખરોટ, ચીલગોજા વગેરેનો સમાવેશ થાય છે.

 

મારો પક્ષપાત શાકાહાર તરફ હોવા છતાં અનુભવે મારે કબુલ કરવું પડ્યું છે કે, દુધ અને દુધમાંથી નીપજતા પદાર્થો – માખણ, દહીં વગેરે વીના મનુષ્ય શરીરનો નીભાવ સંપુર્ણ રીતે નથી થઈ શકતો. મારા વીચારોમાં આ મહત્ત્વનો ફેરફાર થયો છે. મેં દુધઘી વીના છ વર્ષ ગાળ્યાં છે. તે વખતે મારી શક્તીમાં કશી ન્યુનતા નહોતી આવી. પણ મારા અજ્ઞાનને લીધે હું ૧૯૧૭ની સાલમાં સખત મરડાનો ભોગ બન્યો. શરીર હાડપીંજર થઈ ગયું. હઠપુર્વક દવા ન લીધી અને એટલી જ હઠપુર્વક દુધ કે છાસ ન લીધાં, શરીર કેમેય ન બાંધી શકાય. દુધ ન લેવાનું મેં વ્રત લીધું હતું. દાક્તરે કહ્યું, “પણ તે તો ગાયભેંસનાં દુધ વીશે હોય, બકરીનું દુધ કેમ ન લેવાય?”

ધર્મપત્નીએ ટાપસી પુરી ને હું પીગળ્યો. ખરું જોતાં જેણે ગાયભેંસના દુધનો ત્યાગ કર્યો હોય તેને બકરી વગેરેના દુધની છુટ હોવી ન જોઈએ. કેમ કે એ દુધમાં પદાર્થો એક જ જાતના હોય છે. ફરક કેવળ માત્રાનો જ છે. એટલે મારા વ્રતના અક્ષરનું જ પાલન થયું. તેનો આત્મા તો હણાયો. ગમે તેમ હોય, બકરીનું દુધ તુરત આવ્યું ને મેં લીધું. મને નવચેતન આવ્યું. શરીરમાં શક્તી આવી ને ખાટલેથી ઉઠ્યો. એ અને એવા બીજા અનેક અનુભવો ઉપરથી હું લાચારીથી દુધનો પક્ષપાતી થયો છું. પણ મારો દૃઢ વીશ્વાસ છે કે, અસંખ્ય વનસ્પતીઓમાં કોઈક તો એવી છે જ કે દુધ અથવા માંસની સંપુર્ણ ગરજ સારે અને તેના દોષથી મુક્ત હોય. પણ આ શોધ તો થાય ત્યારે ખરી.

 

મારી દૃષ્ટીએ દુધ અને માંસમાં દોષ તો રહ્યા જ છે. માંસને સારુ આપણે પશુપંખીનો નાશ કરીએ છીએ. અને માના દુધ સીવાય બીજા દુધનો અધીકાર આપણને ન હોય. આ નૈતીક દોષ ઉપરાંત બીજા દોષો કેવળ આરોગ્યની દૃષ્ટીએ રહ્યા છે. બંનેમાં તેના માલીકના દોષો ઉતરે જ છે. પાળેલાં પશુ સામાન્યપણે તંદુરસ્ત નથી હોતાં. જેમ મનુષ્યમાં તેમ પશુઓમાં પુશ્કળ રોગો થાય છે. ઘણી પરીક્ષાઓ થતાં છતાં, ઘણા રોગો પરીક્ષકની નજર બહાર રહી જાય છે. બધાં પશુઓની સારી પરીક્ષા અસંભવીત લાગે છે. મારી પાસે ગૌશાળા છે. મીત્રોની મદદ સહેજે મળી રહે છે. પણ મારાથી ખાતરીપુર્વક ન કહી શકાય કે, મારી પાસે રહેલાં પશુઓ નીરોગી જ હોય. એથી ઉલટું એમ જોયું છે કે, જે ગાય નીરોગી માનવામાં આવતી હતી તે છેવટે રોગી સીદ્ધ થઈ છે. એ શોધ થતાં પહેલાં તો રોગી ગાયના દુધનો ઉપયોગ થયો હતો. આસપાસના ખેડુતો પાસેથી પણ દુધ સેવાગ્રામ આશ્રમ લે છે. તેઓના ઢોરની પરીક્ષા કોણ કરે? દુધ નીર્દોષ છે કે નહીં એ પરીક્ષા કઠીન વસ્તુ છે. એટલે દુધને ઉકાળીને જેટલો સંતોષ મળી શકે એટલેથી કામ ચલાવવું રહ્યું. બીજે બધે આશ્રમના કરતાં ઓછી જ પરીક્ષા હોવાનો સંભવ છે. જે દુધ દેતાં પશુઓને વીશે લાગુ પડે છે તે માંસને સારુ કતલ થતાં પશુઓને વીશે વધારે લાગુ પડે છે. પણ ઘણે ભાગે તો ભગવાન ભરોસે જ આપણું કામ ચાલે છે. મનુષ્ય પોતાના આરોગ્યની ચીંતા ઓછી જ કરે છે. તેણે પોતાને સારુ વૈદ્ય, દાક્તરો, હકીમ વગેરેનો કોટ ચણી રાખ્યો છે, ને પોતાને સુરક્ષીત માને છે. તેની મોટી ચીંતા ધનપ્રતીષ્ઠા વગેરે મેળવવાની રહે છે ને તે ચીંતા બીજી ચીંતાઓને ગળી જાય છે. એટલે જ્યાં લગી કોઈ પારમાર્થીક વૈદ્ય, દાક્તર, હકીમ ખંતપુર્વક સંપુર્ણ ગુણવાળી વનસ્પતી શોધી નથી શક્યા , ત્યાં લગી મનુષ્ય માંસાહાર, દુધાહાર કર્યે જશે.

 

હવે યુક્તાહાર ઉપર વીચાર કરીએ. મનુષ્ય શરીર સ્નાયુ બાંધનાર, ગરમી આપનાર, ચરબી વધારનાર, ક્ષારો આપનાર અને મળને કાઢનાર દ્રવ્યો માગે છે. સ્નાયુ બાંધનાર દ્રવ્યો દુધ, માંસ, કઠોળ તથા સુકા મેવામાંથી મળે છે. દુધ, માંસનાં દ્રવ્યો કઠોળાદી કરતાં વધારે સહેલાઈથી પચે છે ને સર્વાંશે વધારે લાભદાયી છે. દુધ અને માંસમાં દુધ ચડી જાય છે. માંસ પચી ન શકે ત્યારે પણ દુધ પચી શકે છે એમ દાક્તરો કહે છે, ને માંસાહાર નથી કરતા તેને તો દુધની બહુ ઓથ મળે છે. પચવામાં રાંધ્યા વગરનાં ઈંડાં સહુથી સારાં ગણાય છે. પણ દુધ કે ઈંડાં બધાંને સાંપડતાં નથી. એ બધેય મળતાં પણ નથી. દુધને વીશે એક અગત્યની વસ્તુ અહીં કહી જાઉં. જેમાંથી માખણ કાઢી લેવામાં આવે છે એ દુધ નકામું નથી. તે અત્યંત કીમતી પદાર્થ છે. કેટલીક વેળા તો તે માખણવાળા દુધ કરતાં પણ ચડી જાય છે. દુધનો મુખ્ય ગુણ સ્નાયુવર્ધક પ્રાણી દ્રવ્ય આપવાનો છે. માખણ કાઢી લીધા પછી પણ એ દ્રવ્ય કાયમ રહે છે. છેક બધું માખણ કાઢી શકાય એવું યંત્ર હજુ લગી તો બન્યું નથી. બનવાનો સંભવ પણ ઓછો જ છે.

 

તા. ૪-૯-૪૨

પુર્ણ દુધ કે અપુર્ણ દુધ ઉપરાંત બીજા પદાર્થોની જરુર રહે છે. બીજો દરજ્જો ઘઉં, બાજરો, જુવાર, ચોખા વગેરે અનાજોને આપી શકાય. હીન્દુસ્તાનમાં પ્રાંતે પ્રાંતે અનાજ નોખાં જોવામાં આવે છે. ઘણે ઠેકાણે કેવળ સ્વાદને ખાતર એ જ ગુણવાળાં એકથી વધારે અનાજ એકીવખતે ખાવામાં આવે છે. જેમ કે ઘઉં, બાજરો ને ભાત ત્રણેય વસ્તુ સાથે થોડી થોડી લેવાય છે. શરીરના પોષણ સારુ આ મીશ્રણ જરુરી નથી. એથી માપ ઉપર અંકુશ જળવાતો નથી ને હોજરીને વધારે પડતું કામ અપાય છે. એક જ અનાજ એકી વખતે લેવું ઠીક ગણાશે. આ અનાજોમાંથી મુખ્યત્વે સ્ટાર્ચ મળે છે. બધાં અનાજોમાં ઘઉં રાજા છે. દુનીયાની ઉપર નજર નાખીએ તો ઘઉં વધારેમાં વધારે ખવાય છે. આરોગ્યની દૃષ્ટીએ ઘઉં મળે તો ચાવલ અનાવશ્યક છે. જ્યાં ઘઉં ન મળે અને બાજરો, જુવાર ઈત્યાદી ન ભાવે કે રુચે તો ચાવલ લેવા ઘટે છે.

 

તા. ૬-૯-૪૨

અનાજ માત્રને બરાબર સાફ કરીને ઘરની ઘંટીમાં દળી, ચાળ્યા વગર વાપરવું જોઈએ. (દેશમાં હતો ત્યારે વર્ષો સુધી મેં જાતે દળીને ખાધું હતું. એ માટે ઘરની પરંપરાગત સામાન્ય ઘંટીમાં મોટરકારમાંની જુની બૉલબૅરીંગ – નવસારીમાં રવીવારના હાટમાં તે એ સમયે એક રુપીયામાં મળતી –  મેં નાખી હતી, જેથી દળવામાં બહુ સરળતા રહેતી. -ગાંડાભાઈ) તેની ભુંસીમાં સત્વ છે અને ક્ષારો છે. એ બંને બહુ ઉપયોગી પદાર્થો છે. વળી એમાં એવો પદાર્થ હોય છે કે જે પચ્યા વગર નીકળી જાય, તે સાથે મળને પણ કાઢે છે. ચાવલનો દાણો નાજુક હોવાથી કુદરતે તેની ઉપર પડ બનાવ્યું છે, જે ખાવાના ઉપયોગનું હોતું નથી, તેથી ચાવલને ખાંડવામાં આવે છે. ઉપલું પડ કાઢવા પુરતા જ ચાવલને ખાંડવા જોઈએ. યંત્રમાં ખાંડેલા ચાવલને તો, ભુસી છેક નીકળી જાય ત્યાં લગી ખાંડવામાં આવે છે. આનું કારણ એ છે કે, જો ભુસી રાખવામાં આવે છે તો ચાવલામાં તુરત ઈયળ કે ધનેડાં પડે છે, કારણ કે ચાવલની ભુસીમાં બહુ મીઠાશ રહેલી છે. અને ઘઉં કે ચાવલની ભુસીને કાઢતાં માત્ર સ્ટાર્ચ રહી જાય છે. અને ભુસી જતાં અનાજનો બહુ કીમતી ભાગ છુટી જાય છે. ઘઉં-ચાવલની ભુસી એકલી રાંધીને પણ ખાઈ શકાય. તેની રોટલી પણ બની શકે. કોંકણી ચાવલનો તો આટો કરીને તેની રોટલી જ ગરીબ લોકો ખાય છે. ચાવલના આટાની રોટલી આખા ચાવલ રાંધીને ખાવા કરતાં કદાચ વધારે પાચક હોય ને ઓછી ખાવાથી પુરતો સંતોષ આપે.

 

આપણામાં રોટલીને દાળમાં કે શાકમાં બોળીને ખાવાની ટેવ છે. આથી રોટલી બરોબર ચવાતી નથી. સ્ટાર્ચના પદાર્થો જેમ ચવાય ને મોઢામાં રહેલા થુંક (અમી)ની સાથે મળે તેમ સારું. એ થુંક (અમી) સ્ટાર્ચને પચાવવામાં મદદ કરે છે. ચાવ્યા વીના ખોરાક ગળી જવામાં આવે તો તે મદદ ન મળી શકે. તેથી ચાવવો પડે એવી સ્થીતીમાં ખોરાક ખાવો લાભદાયી છે.

 

સ્ટાર્ચપ્રધાન અનાજ પછી સ્નાયુ બાંધનાર કઠોળને બીજું પદ આપવામાં આવે છે. દાળ વીનાના ખોરાકને સહુ કોઈ અપુર્ણ ગણે છે. માંસાહારીને પણ દાળ તો જોઈએ જ. જેને મજુરી કરવી પડે છે, અને જેને પુરતું કે મુદ્દલ દુધ મળતું નથી, તેને દાળ વીના ન ચાલે એ સમજી શકાય છે. પણ જેને શારીરીક કામ ઓછું પડે છે, જેવા કે મુત્સદ્દી, વેપારી, વકીલ, દાક્તર કે શીક્ષક, અને જેને દુધ મળી રહે છે, એને દાળની જરુર નથી, એમ કહેતાં મને જરા પણ આંચકો નથી આવતો. સામાન્યપણે પણ લોકો દાળને ભારે ખોરાક માને છે ને સ્ટાર્ચપ્રધાન અનાજ કરતાં બહુ ઓછા પ્રમાણમાં લે છે. દાળોમાં વાલ, વટાણા બહુ ભારે ગણાય છે, મગ ને મસુર હળવાં. દેખીતું છે કે, માંસાહરીને દાળની મુદ્દલ જરુર નથી. એ માત્ર સ્વાદને સારુ દાળ ખાય છે. કઠોળને ભરડ્યા વીના રાતભર પલાળીને ફણગા ફુટે ત્યારે તોલા જેટલું ચાવવામાં આવે તો ફાયદો કરે છે.

 

ત્રીજું પદ શાક અને ફળને આપવું ઘટે. શાક અને ફળ હીન્દુસ્તાનમાં સસ્તાં હોવાં જોઈએ, પણ એમ નથી. તે કેવળ શહેરીઓનો ખોરાક ગણાય છે. ગામડાંઓમાં લીલોતરી ભાગ્યે જ મળે અને ઘણી જગ્યાએ તો ફળ પણ નહીં. આ ખોરાકની અછત એ હીન્દુસ્તાનની સભ્યતા ઉપર એક મોટો ડાઘ છે. દેહાતીઓ ધારે તો લીલોતરી પુશ્કળ ઉગાડી શકે છે. ફળઝાડોને વીશે મુશ્કેલી છે ખરી, કેમ કે જમીન-વપરાશના કાયદા સખત છે ને ગરીબોને દબાવનારા છે. પણ આ તો વીષયાંતર થયું.

લીલોતરીમાં પાંદડાંની ભાજીઓ (પત્તીભાજી) જે મળે તે સારા પ્રમાણમાં રોજ શાકમાં લેવી જાઈએ. જે શાકો સ્ટાર્ચપ્રધાન છે એની ગણતરી અહીં શાકમાં નથી કરી. સ્ટાર્ચપ્રધાન શાકોમાં બટેટાં, શક્કરીયાં, કંદ, સુરણ ગણાય. એને અનાજનું પદ આપવું જોઈએ. બીજાં શાક સારા પ્રમાણમાં લેવાવાં જોઈએ. કાકડી, લુણીની ભાજી, સરસવ, સુવાની ભાજી, ટમેટાં રાંધવાની કશી જરુર નથી. તેને સાફ કરી બરોબર ધોઈને થોડા પ્રમાણમાં કાચાં ખાવાં જોઈએ.

 

ફળોમાં મોસમનાં ફળ મળી શકે તે લેવાં. કેરીની મોસમમાં કેરી, જાંબુની મોસમમાં જાંબુ, જામફળ, પપૈયાં, અંગુર, ખાટાંમીઠાં લીંબુ, સંતરાં, મોસંબી વગેરે ફળોનો ઠીક ઉપયોગ થવો જોઈએ. ફળ સવારમાં ખાવાં ઉત્તમ છે. દુધ અને ફળ સવારે ખાવાથી પુર્ણ સંતોષ મળી રહે છે. જેઓ વહેલા જમે છે તેઓ સવારના એકલાં ફળ ખાય એ ઈષ્ટ છે.

 

કેળાં સરસ ફળ છે. પણ એ સ્ટાર્ચમય હોવાથી રોટલીની જગ્યા લે છે. કેળાં ને દુધ તથા ભાજી સંપુર્ણ ખોરાક છે.

 

મનુષ્યના ખોરાકમાં થોડેઘણે અંશે ચીકણા પદાર્થની જરુર છે. તે ઘી-તેલથી મળી રહે છે. ઘી મળી રહે તો તેલની કશી આવશ્યકતા નથી. તેલો પચવામાં ભારે હોય છે; શુદ્ધ ઘીનાં જેટલાં ગુણકારી નથી. સામાન્ય માણસને ત્રણ તોલા ઘી મળે તો પુરતું મનાવું જોઈએ. દુધમાં ઘી આવે જ છે. એટલે જેને ઘી ન પરવડે તે એકલું તેલ લે તો ચરબી મળી રહે છે. તેલોમાં તલનું, કોપરાનું, મગફળીનું સારું ગણાય. એ તાજાં હોવાં જોઈએ. તેથી દેશી ઘાણીનાં મળે તો સારાં. ઘી-તેલ બજારમાં મળે છે તે લગભગ નકામાં જેવાં હોય છે, એ ખેદની અને શરમની વાત છે. પણ જ્યાં લગી કાયદા વડે કે લોકકેળવણી વડે વેપારમાં પ્રામાણીકપણું દાખલ ન થાય, ત્યાં લગી લોકોએ કાળજી રાખીને ચોખ્ખી વસ્તુઓ મેળવવી રહી. ચોખ્ખીને બદલે જે તે મળે તેથી સંતોષ ન માનવો. ખોરું ઘી કે ખોરું તેલ ખાવા કરતાં ઘી-તેલ વીના રહેવું વધારે પસંદ કરવા જેવું છે.

 

જેમ ચીકટની ખોરાકમાં જરુર છે તેમ જ ગોળખાંડની. જો કે મીઠાં ફળોમાંથી પુશ્કળ મીઠાશ મળી રહે છે છતાં બેથી ત્રણ તોલા ગોળખાંડ લેવામાં હાની નથી. મીઠાં ફળો ન મળે તો ગોળખાંડની જરુર હોય. પણ આજકાલ મીઠાઈ ઉપર જે ભાર મુકવામાં આવે છે તે બરોબર નથી. શહેરનાં માણસો બહુ વધારે મીઠાઈ ખાય છે. દુધપાક, બાસુદી, શીખંડ, પેંડા, બરફી, જલેબી વગેરે મીઠાઈઓ ખવાય છે. તે બધાં અનાવશ્યક છે. વધારે પ્રમાણમાં ખાવાથી નુકસાન કરે છે. જે દેશમાં કરોડો માણસોને પુરું અન્ન પણ નથી મળતું, ત્યાં જેઓ પકવાન ખાય છે તે ચોરીનું ખાય છે એમ કહેવામાં મને મુદ્દલ અતીશયોક્તી નથી લાગતી.

 

જેમ મીઠાઈનું તેમ જ ઘી-તેલનું. ઘી-તેલમાં તળેલી વસ્તુઓ ખાવાની કશી આવશ્યકતા નથી. પુરી, લાડુ વગેરે બનાવવામાં જે ઘીનો ખર્ચ થાય છે એ કેવળ વગર વીચાર્યું ખર્ચ છે. જેને ટેવ નથી તેઓ આ વસ્તુ ખાઈ જ શકતા નથી. અંગ્રેજો આપણા મુલકમાં આવે છે ત્યારે આપણી મીઠાઈઓ અને ઘીમાં રાંધેલી વસ્તુઓ ખાઈ જ નથી શકતા. ખાનારા માંદા પડ્યા છે એ મેં ઘણી વાર જોયું છે. સ્વાદો કેળવેલી વસ્તુ છે. જે સ્વાદ ભુખ પેદા કરે છે તે સ્વાદ છપ્પન ભોગમાં નથી. ભુખ્યો માણસ સુકો રોટલો અત્યંત સ્વાદથી ખાશે. જેનું પેટ ભર્યું છે તે સારામાં સારું ગણાતું પકવાન નહીં ખાઈ શકે.

 

તા. ૮-૯-૪૨

કેટલું અને કેટલી વખત ખાવું એ વીચારીએ. ખોરાકમાત્ર ઔષધરુપે લેવો જોઈએ; સ્વાદને ખાતર કદી નહીં. સ્વાદમાત્ર રસમાં રહ્યો છે, અને રસ ભુખમાં છે. હોજરી શું માગે છે એની ખબર બહુ થોડાને રહે છે, કેમ કે આદત ખોટી પડી ગઈ છે.

 

જન્મદાતા માતાપીતા કંઈ ત્યાગી અને સંયમી નથી હોતાં. તેમની ટેવો થોડેઘણે અંશે બચ્ચાંમાં ઉતરે છે. ગર્ભાધાન પછી માતા જે ખાય છે તેની અસર બાળક ઉપર પડે જ. પછી બાલ્યાવસ્થામાં માતા અનેક સ્વાદો કરાવે છે. પોતે ખાતી હોય એ બાળકોને ખવડાવે છે. એટલે હોજરીને ખોટી ટેવ બચપણથી જ પડેલી હોય છે. તેને વટી જનાર તો બહુ વીચારી થોડા જ હોઈ શકે. પણ જ્યારે મનુષ્યને ભાન થાય છે કે, તેના શરીરનો તે સંરક્ષક છે અને શરીર સેવાર્પણ થયું છે ત્યારે શરીરસુખાકારીના નીયમો જાણવાની તેને ઈચ્છા થાય છે, ને તે નીયમોનું પાલન કરવાનો તે મહાપ્રયાસ કરે છે.

 

તા. ૯-૯-૪૨

ઉપરની દૃષ્ટીએ બુદ્ધીજીવી મનુષ્યનો રોજનો ખોરાક નીચે પ્રમાણે યોગ્ય ગણાય:

  1. બે રતલ ગાયનું દુધ.
  2. છ ઔંસ એટલે પંદર તોલા અનાજ (ચોખા, ઘઉં, બાજરી ઈત્યાદી મળીને).
  3. શાકમાં પાંદડાં (પત્તી-ભાજી) ત્રણ ઔંસ અને પાંચ ઔંસ બીજાં શાક.
  4. એક ઔંસ કાચું શાક.
  5. ત્રણ તોલા ઘી કે ચાર તોલા માખણ.
  6. ત્રણ તોલા ગોળ કે સાકર.
  7. તાજાં ફળ જે મળે તે રુચી અને શક્તી પ્રમાણે. રોજ બે ખાટાં લીબું હોય તો સારું.

આ બધાં વજન કાચા એટલે વગર રાંધેલા પદાર્થનાં છે. નીમકનું પ્રમાણ નથી આપ્યું. રુચી પ્રમાણે ઉપરથી લેવું જોઈએ. ખાટા લીંબુનો રસ શાકમાં ભેળવાય અથવા પાણી સાથે પીવાય.

 

આપણે દીવસમાં કેટલી વાર ખાવું જોઈએ? ઘણા તો માત્ર બે જ વખત ખાય છે. સામાન્ય રીતે ત્રણ વખત ખવાય છે. સવારે કામે ચડતાં પહેલાં, બપોરે, ને સાંજે કે રાતે. આથી વધારે વખત ખાવાની કશી જરુર નથી હોતી. શહેરોમાં કેટલાક વખતોવખત ખાય છે. આ નુકસાનકારક છે. હોજરી આરામ માગે છે.

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૩: પાણી – Water

જાન્યુઆરી 24, 2013

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૩: પાણી – Water

તા. ૧-૯-૪૨

શરીરને ટકાવવામાં હવાથી બીજો દરજ્જો પાણીનો છે. હવા વીના માણસ થોડી ક્ષણ જ જીવી શકે. પાણી વીના કેટલાક દીવસ કાઢી શકાય. પાણીની બહુ જરુરીયાત હોવાથી કુદરતે પાણી પણ પુશ્કળ પ્રમાણમાં પુરું પાડ્યું છે. પાણી વીનાની મરુભુમીમાં માણસ વસી શકતો જ નથી, જેથી સહરાના રણ જેવા પ્રદેશમાં કંઈ વસતી જોવામાં આવતી નથી.

 

દરેક માણસે આરોગ્ય જાળવવાને સારુ પાંચ રતલ પાણી પેટમાં જાય તેટલું પ્રવાહી લેવું જોઈએ. પાણી સ્વચ્છ હોવું જોઈએ. ઘણે ઠેકાણે પાણી સ્વચ્છ હોતું નથી. કુવાનું પાણી પીવામાં જોખમ હોય છે. છીછરા કુવા કે વાવ જેમાં માણસ ઉતરી શકે છે તેનું પાણી પીવા લાયક નથી હોતું. દુખની વાત એ છે કે, પાણી પીવા લાયક છે કે નહીં એ આંખ હંમેશાં બતાવી નહીં શકે, સ્વાદ પણ બતાવી નહીં શકે. નજરને અને સ્વાદને શુદ્ધ લાગતું પાણી પીવામાં ઝેરરુપ હોઈ શકે. તેથી અજાણ્યા કુવાનું કે અજાણ્યા ઘરનું પાણી ન પીવાની પ્રથા અનુસરવા જેવી છે. બંગાળમાં તળાવો હોય છે તેનાં પાણી ઘણી વેળા પીવા લાયક નથી હોતાં. મોટી નદીઓનાં પાણી પણ જ્યાં સ્ટીમરો અને વાહનોની આવજા હોય છે ત્યાં પીવા લાયક નથી હોતાં. આમ છતાં કરોડો માણસો આવાં પાણી પીને ગુજારો કરે છે એ વાત સાવ સાચી છે, છતાં અનુસરવા લાયક ન જ ગણાય. કુદરતે જીવનશક્તી બહોળા પ્રમાણમાં ન આપી હોત તો મનુષ્ય જે છુટો લે છે તેથી તેનો ક્યારનો લોપ થઈ ગયો હોત. આપણે તો અહીં પાણીનો આરોગ્ય સાથેનો સંબંધ તપાસીએ છીએ. જ્યાં પાણીના શુદ્ધપણા વીશે શંકા હોય ત્યાંનું પાણી ઉકાળીને પીવું જોઈએ. આનો અર્થ એ થયો કે, માણસે પોતાનું પાણી સાથે લઈને ફરવું જોઈએ. અસંખ્ય માણસો ધર્મના નામે મુસાફરીમાં પાણી નથી પીતા. અજ્ઞાની માણસો જે ધર્મના નામે કરે છે તે આરોગ્યના નીયમો જાણનાર આરોગ્યને ખાતર કાં ન કરે? પાણીને ગાળવાની પ્રથા વખાણવા લાયક છે. એથી પાણીમાંનો કચરો નીકળી જાય છે. પાણીમાંનાં સુક્ષ્મ જંતુઓ તો નથી નીકળતાં. એનો નાશ કરવા સારુ પાણી ઉકાળ્યે જ છુટકો. ગળણું હંમેશાં સાફ હોવું જોઈએ. એમાં કાણાં ન હોવાં જોઈએ.

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૨ હવા : Air

ડિસેમ્બર 28, 2012

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૨ હવા : Air

તા. ૩૧-૮-૪૨

શરીરને સૌથી વધારે અગત્યની વસ્તુ હવા છે. તેથી જ કુદરતે હવાને વ્યાપક બનાવી છે. એ આપણને વગર પ્રયત્ને મળી રહે છે.

 

હવા આપણે નસકોરાં વડે ફેફસાંમાં ભરીએ છીએ. ફેફસાં ધમણનું કામ કરે છે. તે હવા લે છે ને કાઢે છે. બહાર રહેલી હવામાં પ્રાણવાયુ હોય છે. તે ન મળે તો મનુષ્ય જીવી ન શકે. જે વાયુ બહાર કાઢીએ છીએ એ ઝેરી હોય છે. તે જો તુરત આસપાસ ફેલાઈ ન જાય તો આપણે મરી જઈએ. તેટલા સારુ ઘર એવાં હોવાં જોઈએ કે તેમાં હવાની આવજા છુટથી થયા કરે.

 

પણ આપણને હવા ફેફસાંમાં ભરતાં અને કાઢતાં બરોબર આવડતું નથી. તેથી જોઈએ તેવી રક્તની શુદ્ધી થતી નથી. કેમ કે હવાનું કામ રક્તની શુદ્ધી કરવાનું હોય છે. કેટલાક તો મોઢેથી હવા લે છે. આ ખરાબ ટેવ છે. નાકમાં કુદરતે એક જાતની ચાળણી રાખી છે, જેથી હવામાં રહેલી નકામી વસ્તુઓ અંદર જવા નથી પામતી, તેમ જ તે ગરમ થાય છે. મોંથી લેતાં હવા સાફ થઈને અંદર નથી જતી ને ગરમ પણ નથી થતી. તેથી દરેક માણસે પ્રાણાયામ શીખી લેવાની જરુર છે. એ ક્રીયા સહેલી તેટલી આવશ્યક છે. પ્રાણાયામના જુદા જુદા પ્રકારો હોય છે, તે બધામાં પડવાની જરુર હું નથી માનતો. તેમાં ફાયદો નથી એમ કહેવાની મતલબ નથી. પણ જે માણસનું જીવન નીયમબદ્ધ ચાલે છે તેની બધી ક્રીયા સહજરુપે ચાલે છે, અને તેમાં જે લાભ છે તે અનેક પ્રક્રીયાઓ બતાવવામાં આવે છે તેમાંથી નથી મળતો.

 

હાલતાં, ચાલતાં, સુતાં માણસે મોં બંધ રાખવું એટલે સહેજે નાક પોતાનું કામ કરશે જ. જેમ સવારના આપણે મોં સાફ કરીએ છીએ, તેમ જ નાક પણ સાફ કરવું જોઈએ. નાકમાં મેલ હોય તો તે કાઢી નાખવો.  તેને સારુ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ સાફ પાણી છે. જેનાથી ઠંડું સહન ન થાય તે નવશેકું કરી લે. હાથ વતી કે એક કટોરા વતી પાણી નાકમાં ચડાવી શકાય છે. એક નસકોરા વાટે ચડાવી બીજા વાટે કાઢી શકાય. નાકથી પાણી પી પણ શકાય છે.

 

હવા ચોખ્ખી જ લેવાની જરુર છે. તેથી રાતના આકાશ નીચે અથવા ઓસરીમાં સુવાની ટેવ પાડવી એ સારું છે. હવાથી શરદી લાગી જવાનો ડર ન રાખવો. ટાઢ વાય તો બરાબર ઓઢવું.  નાક વાટે તાજી હવા રાતના પણ મળવી જ જોઈએ.  મોઢું ઢાંકવાથી લોકો ગુંગળાઈને મરી જાય છે. તેથી ઓઢવાનું ગળાની ઉપર ન જાય એમ સુવું. માથે ઠંડી લાગે તે સહન ન થાય તો માથું એક રુમાલ વડે ઢાંકવું.

 

સુતી વખતે દીવસે પહેરેલાં કપડાં ન વાપરતાં બીજાં ને ઓછામાં ઓછાં વાપરવાં. લંગોટીમાત્રથી કામ સરે છે. રાતના શરીરને આપણે ઢાંકીએ છીએ એટલે શરીર જેટલું મોકળું રખાય તેટલો ફાયદો જ છે. દીવસનાં કપડાં પણ જેટલાં મોકળાં હોય તેમ સારું.

 

આપણી આસપાસની હવા ચોખ્ખી જ હોય છે એમ નથી હોતું. બધી હવા એકસરખી જ હોય છે એમ પણ નથી હોતું. પ્રદેશે પ્રદેશે હવા બદલાય છે. પ્રદેશની પસંદગી આપણા હાથમાં નથી હોતી. પણ જે પ્રદેશમાં રહેવાનું થાય ત્યાં તો પસંદગીને થોડોઘણો અવકાશ હોય છે, હોવો જોઈએ. સામાન્ય નીયમ આમ મુકી શકાય: જ્યાં બહુ ભીડ ન હોય, આસપાસ ગંદકી ન હોય, ત્યાં હવાઅજવાળાં મળી શકે એવું ઘર શોધવું.

 

આરોગ્યની ચાવી (ગાંધીજી) પ્રકરણ ૧ શરીર: Body

ડિસેમ્બર 6, 2012

આરોગ્યની ચાવી (ગાંધીજી) પ્રકરણ ૧ શરીર: Body

તા. ૨૮-૮-૪૨

શરીરનો પરીચય કરીએ તે પહેલાં આરોગ્યનો અર્થ જાણી લેવો ઠીક ગણાશે. આરોગ્ય એટલે શરીર-સુખાકારી. જેનું શરીર વ્યાધીરહીત છે, જેનું શરીર સામાન્ય કામ કરી શકે છે, એટલે જે મનુષ્ય વગર થાક્યે દસ-બાર માઈલ ચાલી શકે છે, સામાન્ય મજુરી થાક વીના કરી શકે છે, સામાન્ય ખોરાક પચાવી શકે છે, જેની ઈન્દ્રીઓ અને મન આબાદ છે, એનું શરીર સુખાકારી ભોગવે છે. આમાં મલ્લ શરીરનો કે અતીશય દોડનાર, કુદનારનો સમાવેશ નથી થતો. એવાં અસાધરણ બળ બતાવનારાં રોગગ્રસ્ત હોઈ શકે છે. એવાં શરીરનો વીકાસ એકાંગી કહેવાય.

ઉપરોક્ત આરોગ્ય જે શરીરને સાધવું છે તે શરીરનો અમુક અંશે પરીચય આવશ્યક છે.

પુર્વે કેવી તાલીમ લેવાતી હશે તે દૈવ જાણે; સંશોધકો કંઈક જાણે. આજની તાલીમનું જ્ઞાન આપણને બધાંને થોડુંઘણું છે જ. એ તાલીમને આપણા રોજના જીવન સાથે કંઈ જ સંબંધ નથી હોતો. શરીર જેનો આપણને સદાય ઉપયોગ છે, તેનું જ્ઞાન આપણને એ તાલીમ વાટે નહીં જેવું જ મળે છે. તેમ જ આપણા ગામનું, આપણા ખેતરનું જ્ઞાન. પણ દુનીયાની ભુગોળનું જ્ઞાન આપણે પોપટની જેમ પામીએ છીએ. એનો ઉપયોગ નથી એમ કહેવાનો અહીં આશય નથી. પણ બધી વસ્તુ પોતાના સ્થાને શોભે. શરીરનું, ઘરનું, ગામનું, ગામના સીમાડાનું, ગામના ખેતરોની વનસ્પતીઓનું, તેના ઈતીહાસનું જ્ઞાન સારું હોવું જોઈએ. તેના પાયા ઉપર રચાયેલું બીજું જ્ઞાન આપણને કામ આપી શકે.

તા. ૨૯-૮-૪૨

શરીર પંચમહાભુતોનું બનેલું છે:

પૃથ્વી, પાણી આકાશ, તેજ અને વાયુ,

એ પંચતત્ત્વનો ખેલ જગત કહેવાયું.

શરીરનો વ્યવહાર દશ ઈન્દ્રીયો અને મનની ઉપર આધાર રાખે છે. દશ ઈન્દ્રીયોમાં પાંચ કર્મેન્દ્રીયો છે ને પાંચ જ્ઞાનેન્દ્રીયો. પાંચ જ્ઞાનેન્દ્રીયો તે હાથ, પગ, મોં, જનનેન્દ્રીય અને ગુદા. જ્ઞાનેન્દ્રીયો તે સ્પર્શ કરનારી ત્વચા, જોનારી આંખ, સાંભળનારા કાન, અને સ્વાદ કે રસ ઓળખનારી જીભ. મન વડે આપણે વીચાર કરીએ છીએ. કોઈ મનને અગીયારમી ઈન્દ્રીય તરીકે ઓળખાવે છે. આ ઈન્દ્રીયોનો વ્યવહાર સંપુર્ણ ચાલતો હોય ત્યારે મનુષ્ય આરોગ્ય ભોગવે છે એમ કહેવાય. એવું આરોગ્ય કોઈકને જ સાંપડતું જોવામાં આવે છે. શરીરની અંદર રહેલા વીભાગો આપણને આશ્ચર્યચકીત કરે છે. શરીર જગતનો એક નાનકડો પણ આબાદ નમુનો છે. જે તેમાં નથી તે જગતમાં નથી.  જે જગતમાં છે તે શરીરમાં છે. તેથી ‘यथा पिंडे तथा ब्रह्मांडे’ એ મહાવાક્ય નીકળ્યું છે. એટલે આપણે જો શરીરને પુર્ણ રીતે ઓળખી શકીએ તો જગતને ઓળખીએ છીએ એમ કહેવાય. પણ એવી ઓળખ દાક્તરો, વૈદ્યો, હકીમો સુદ્ધાં નથી પામી શક્યા, તો આપણે સામાન્ય પ્રાણી ક્યાંથી જ પામીએ? હજુ લગી કોઈ હથીયાર નથી શોધાયું કે જે મનને ઓળખે. તજ્જ્ઞો શરીરની અંદર અને બહાર જે ક્રીયાઓ ચાલે છે તેનું આકર્ષક વર્ણન આપી શકે છે, પણ તે ક્રીયાઓ કેમ ચાલે છે એ બતાવી નથી શક્યા. મોત શા સારું આવે છે એ કોણે જાણ્યું? ક્યારે આવશે એ કોણ કહી શક્યું છે? અર્થાત્ મનુષ્યે ઘણું વાંચ્યું, વીચાર્યું, અનુભવ્યું, પણ પરીણામે તેને પોતાના અલ્પજ્ઞાનનું જ વધારે ભાન થયું છે.

શરીરની અંદર જે અદ્ભુત ક્રીયાઓ ચાલે છે તેની ઉપર ઈન્દ્રીયોની સુખાકારીનો આધાર છે. શરીરમાં રહેલાં બધાં અંગો નીયમનમાં રહે તો વ્યવહાર સુંદર ચાલે. એક પણ અંગ અટકે તો ગાડી અટકી પડે. તેમાંયે હોજરી પોતાનું કામ બરોબર ન કરે તો તો શરીર ઢીલું થઈ જાય છે. તેથી અપચા કે બંધકોશને જે અવગણે છે તે શરીરના ધર્મ નથી જાણતા. અનેક રોગો એમાંથી ઉત્પન્ન થાય છે.

તા. ૩૦-૮-૪૨

હવે શરીરનો ઉપયોગ શો છે તે વીચારીએ.

હરેક વસ્તુનો સદુપયોગ કે દુરુપયોગ હોઈ શકે છે. આ નીયમ શરીરને વીશે પણ લાગુ પડે છે.  શરીર સ્વાર્થ કે સ્વછંદને સારુ કે બીજાને બગાડવા સારુ વપરાય તો તેનો દુરુપયોગ થયો. એ જગતમાત્રની સેવા અર્થે વપરાય, તે વડે સંયમ સધાય, તો તેનો સદુપયોગ થયો. મનુષ્યશરીરને જો આપણે, આત્મા જે પરમાત્માનો અંશ છે, તેની ઓળખ કરવા વાપરીએ તો તે આત્માને રહેવાનું મંદીર બને છે.

શરીરને મળમુત્રની ખાણ તરીકે વર્ણવવામાં આવ્યું છે. એક રીતે જોતાં તેમાં જરાય અતીશયોક્તી નથી. જો શરીરની એ જ ઓળખ હોય તો તેનું જતન કરવામાં કશો અર્થ નથી. પણ જુદી રીતે ઓળખીએ, તેને મળમુત્રની ખાણ કહેવાને બદલે તેમાં કુદરતે મળમુત્રાદીને કાઢનારા નળો પણ મુક્યા છે એમ સમજીએ, તો તેને સારું રાખીને તેને સાચવવાનો ધર્મ પેદા થાય છે. હીરાની કે સોનાની ખાણમાં જુઓ તો તે ખરે જ માટીની ખાણ છે, પણ તેમાં સોનું કે હીરો છે એ જ્ઞાન માણસની પાસે કરોડો રુપીયા ખરચાવે છે ને તેની પાછળ અનેક શાસ્ત્રજ્ઞોની બુદ્ધી કામ કરે છે. તો આત્માના મંદીરરુપ શરીરને સારુ શું ન કરીએ? આ જગતમાં જન્મ પામીએ છીએ તે તે જગતનું લેણ ચુકવવા સારુ, એટલે તેની સેવા કરવા સારુ. એ દૃષ્ટીએ જોતાં મનુષ્યે પોતાના શરીરના સંરક્ષક બનવાનું છે. એનું તેણે એવી રીતે જતન કરવું જોઈએ કે જેથી તે સેવાધર્મના પાલનમાં સંપુર્ણ કામ આપી શકે.