Posts Tagged ‘એક ઘરવીહોણા પુરુષની વાત’

એક ઘરવીહોણા પુરુષની વાત

જાન્યુઆરી 29, 2012

એક ઘરવીહોણા પુરુષની વાત

અહીં વેલીંગ્ટન ન્યુઝીલેન્ડમાં ૧૫ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ઘરવીહોણા ૫૪ વર્ષીય એક પુરુષનું અવસાન થયું. એમનું નામ હતું શ્રી. બેન હાના. આ ભાઈ ઘણાં વર્ષોથી વેલીંગ્ટનમાં ભરબજારમાં રસ્તાના ફુટપાથ પર રહેતા હતા. આ રીતે ફુટપાથ પર જીવન ગાળનાર એ માત્ર એકલા ન હતા, બીજાઓ પણ છે. જો કે અહીં કોઈ ભીખારી નથી હોતું, કેમ કે જેમ પોતાની માલીકીનું ઘર ધરાવનાર બેકારને સરકાર તરફથી બેકારી સહાય મળે છે તેમ ઘરવીહોણાને પણ એ મળે જ છે. (એમની પાસે વસવાટનું કોઈ કાયમી સરનામું નથી હોતું, પણ એમના બેન્કના ખાતામાં એ પૈસા જમા થતા રહે છે.) વળી બેકારી સહાયનાં મળતાં નાણા જેમને પુરતાં થઈ પડતાં ન હોય તેમને સરકાર ઘરભાડા માટે પણ અમુક પ્રમાણમાં સહાય કરે છે, આથી કોઈએ ફુટપાથ ઉપર જીવન વ્યતીત કરવાની કોઈ જરુર રહેતી નથી. પણ કેટલાક લોકો પોતાની મરજીથી આ પ્રકારે જીવવાનું પસંદ કરે છે.

બેન કાયમ એક ધાબળો વીંટાળી રાખતા, આથી લોકો એમને ધાબળાપુરુષ તરીકે ઓળખતા. માઓરીઓની અમુક ધાર્મીક માન્યતાને એ ચુસ્તપણે માનતા. આથી લોકોમાં એ જાણીતા અને કંઈક અંશે પ્રીય અને કેટલાક દુકાનદારો તથા અન્ય લોકોમાં અળખામણા પણ હતા. કેમ કે એમની માન્યતા ઓછામાં ઓછાં કપડાં પહેરવાની હતી, આથી કેટલીક વાર સાવ નગ્ન પણ થઈ જતા. આથી એમના પર એક પોલીસ કેસ વખતે જજે એમને પાગલખાનામાં રાખવા જણાવેલું. એ મુજબ એકાદ વર્ષ એ પાગલખાનામાં પણ રહ્યા હતા, પરંતુ કશો ફરક ન પડતાં પાછા હતા ત્યાંના ત્યાં. કેટલાક નાના નાના ગુનાઓને લઈને કોર્ટકેસ પણ એમના પર થયેલા. મેં આ લખવાનું એટલા માટે વીચાર્યું કે એમના મૃત્યુના સમાચાર અહીંના રાષ્ટ્રીય ટેલીવીઝન પર તથા રેડીયો પર પણ આપવામાં આવ્યા હતા. કેમ કે એ એક સુપ્રસીદ્ધ વ્યક્તી બની ચુક્યા હતા. એમની અંતીમક્રીયામાં પણ ઘણા લોકોએ હાજરી આપી હતી. વેલીંગ્ટનના મેયર શીલીઆબહેને પણ શ્રદ્ધાંજલી આપેલી. કોઈકે એમના નામનું એક કાવ્ય રચેલું, જે અંતીમક્રીયાની વીધી સમયે ગાવામાં આવ્યું હતું. એમનું અવસાન પુરતા પોષણક્ષમ આહારનો અભાવ તેમ જ વધુ પડતા મદ્યપાનને કારણે થયું હોવાનું માનવામાં આવે છે. જો કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવામાં આવ્યું નથી.

પ્રસાર માધ્યમો દ્વારા શ્રી. બેન હાનાને આટલી પ્રસીદ્ધી આપવાની કેટલાક લોકોએ ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આ રીતે ઘરવીહોણી અને ગરીબીવાળી જીવનશૈલી અપનાવવાનું અમુક યુવાનોને પ્રોત્સાહન મળી શકે. આથી આવી બાબતને ગૌરવશાળી બનાવવી ઉચીત ન ગણાય. ઘરવીહોણી વ્યક્તીઓને સમજાવી યોગ્ય રહેણાકમાં જવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, આવે છે, પણ એમાં સફળતા મળવી મુશ્કેલ છે.

Advertisements