Posts Tagged ‘ચામડીના રોગો’

ચામડીના રોગો

મે 25, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ચામડીના રોગો

(૧) વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે.

(૨) જે જગ્યાએ ચામડી વીકારગ્રસ્ત લાગતી હોય ત્યાં જરા જરા દીવેલ દરરોજ દીવસમાં ત્રણ વખત ઘસતા રહેવું. સામાન્ય ખંજવાળ, અળાઈ અને સોરાઈસીસ કે એક્ઝીમા જેવા રોગો પણ દીવેલના નીયમીત પ્રયોગથી મટે છે.

(૩) ચામડીના રોગમાં ગાજરનો રસ દુધમાં મેળવી પીવો. ગાજરના રસ અને દુધનું પ્રમાણ જરુર મુજબ રાખવું.

(૪) ખંજવાળ, દરાજ, અળાઈ, એલર્જી, સોરાયસીસ જેવા દારુણ રોગોમાં પણ કોબીજનાં પાન અસરગ્રસ્ત ચામડી પર લપેટી રાખી મુકો કે પાટો બાંધી રાખો તો એ મટી જાય છે.

(૫) કાચા પપૈયાનું દુધ ચોપડવાથી ચામડીના રોગો સારા થાય છે.

(૬) રોજ સવારે ૨૦-૨૦ ગ્રામ મધ ઠંડા પાણીમાં મેળવી ચાર-પાંચ માસ પીવાથી દાહ, ખંજવાળ અને ફોલ્લી જેવા ચામડીના રોગો મટે છે.

(૭) તાંદળજાની ભાજી ખાવાથી ચામડીના વીકારો મટે છે.

(૮) નારંગી ખાવાથી ચામડીનાં દર્દો દુર થાય છે.

(૯) કારેલીનાં પાન વાટી તેની માલીશ કરવાથી જીર્ણ ત્વચારોગમાં ફાયદો થાય છે.

(૧૦) સફેદ કોઢ, ખરજવું, દાદર, સોરાયસીસ, રક્તમંડલ, ખસ, લુખસ, ખુજલી વગેરે તમામ પ્રકારના ત્વચા રોગોમાં ગરમાળાનાં પંચાંગ અધકચરાં ખાંડી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, ઠંડુ પાડી ગાળીને સવાર-સાંજ પીવું. ખાટી ચીજો (લીંબુ, આમલી, ટામેટાં વગેરે) બંધ કરવી. ઉકાળો તાજેતાજો બનાવીને સવાર-સાંજ પીવો. કબજીયાત હોય તો રાત્રે સુતી વખતે એક ચમચી ગરમાળાનો ગોળ ખાવો.

(૧૧) તેલમાં લાલ આખું કે દળેલું મરચું બાળવું. એ તેલ ગાળીને શીશીમાં સંઘરી રાખવું. અસરગ્રસ્ત ચામડી પર દરરોજ ચારેક કલાકને અંતરે લગાડી સહેજ ઘસતા રહેવું. પ્રયોગ નીયમીત એકાદ મહીનો કરવો જોઈએ. એનાથી ચામડીના રોગો મટે છે. એની કશી જ આડઅસરો નથી.

(૧૨) કોલીફ્લાવરમાં ગંધકનું પ્રમાણ સારું હોવાથી કોઈ પણ પ્રકારના ત્વચારોગમાં દરરોજ એનું શાક ખાવાથી એ જલદી મટી જાય છે.

(૧૩) દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઈ જેવા ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલીશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે.

(૧૪) ત્વચારોગમાં ખાંડ-ગોળ, બધી જ જાતનાં ફળ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી, સાબુ અને સીન્થેટીક કાપડ, તલ, શીંગદાણા, દહીં, ભીંડા, સક્કરીયાં વગેરે બંધ કરવું. મીઠું ઓછું કરી નાખવું. મેથી, પાલખ, તુવેરની દાળ, હળદર ઘણાં સારાં જે દરરોજ લઈ શકાય.

(૧૫) ઘીમાં મરી વાટી લેપ બનાવી એક ચમચી જેટલું ચાટી જવાથી અને થોડું ચામડી પર પડેલાં લાલ ચકામા પર સવાર-સાંજ નીયમીત ચોપડવાથી લાલ ચકામા મટે છે.

(૧૬) ગરમીમાં અળાઈ, ખંજવાળ કે ચામડી લાલ થઈ જવા જેવા ત્વચારોગોમાં ગોખરુનો તાજો ઉકાળો હુંફાળો કે ઠંડો ૧-૧ કપ ત્રણ-ચાર વખત પીતા રહેવાથી લાભ થાય છે.

(૧૭) તલનું તેલ બરાબર ગરમ કરી, તેમાં ૧/૬ ભાગ વજન જેટલું કપુરનું ચુર્ણ નાખી માલીશ કરવાથી ખંજવાળ તથા ચામડીના સામાન્ય રોગો મટે છે. શરીરના દુખતા ભાગ પર કે શરીર જકડાઈ જવાની ફરીયાદમાં પણ આ તેલ લાભદાયી છે.

(૧૮) ખંજવાળ, અળાઈ, ફોલ્લા-ફોલ્લી વગેરે ચામડીના નાના-મોટા રોગોમાં દરરોજ દીવસમાં ચાર-પાંચ વાર થોડું થોડું કોપરેલ ઘસતા રહેવાથી રાહત થાય છે. સોરાયસીસ જેવા ગંભીર ત્વચા રોગમાં પણ કોપરેલ અદ્ભુત અસરો બતાવે છે.

(૧૯) અરડુસીનાં તાજાં કે સુકાં પાનનો એકાદ લીટર ઉકાળો બનાવી નાહવાના પાણીમાં નાખી દરરોજ સ્નાન કરવાથી દરાજ, ખંજવાળ, અળાઈ, ફોલ્લી-ફોલ્લા વગેરે નાના મોટા ચામડીના રોગો થતા નથી અને થયા હોય તો મટી જાય છે.

(૨૦) લીમડાના પચાસેક પાનનો તાજો રસ કાઢી સવાર-સાંજ પીવાથી ચામડીના બધા જ રોગો-ગડગુમડ, ખીલ અને સફેદ કોઢ પણ જડમુળથી મટી જાય છે.

(૨૧) ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગો મટાડવા અડધીથી એક ચમચી હરડે ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી સુખોષ્ણ દુધ અથવા નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.

હળદર

ડિસેમ્બર 16, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

હળદર તીખી, કડવી, સુકી, ગરમ અને શરીરના વર્ણને સુધારનાર છે.

હળદર મધુપ્રમેહ, મુત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવીકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ હીતાવહ છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પીત્ત, પીનસ, અરુચી, કુષ્ટ, વીષ, પ્રમેહ, વ્રણ, કૃમી, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

(૧) શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે.  આ મીશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.

(૨) મધ સાથે કે ગરમ દુધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.

(૩) કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું.

(૪) એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વીષ, અપચો વગેરે મટે છે.

(૫) અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે.

(૬) આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.

(૭) સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

(૮) સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે.

(૯) હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે.

(૧૦) હળદર, મીઠું અને પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.

(૧૧) હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.

(૧૨) હળદર અને સાકર ચુસવાથી અવાજ ખુલે છે, સ્વર સારો થાય છે.

(૧૩) એક મહીના સુધી રોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કોઈકે કંઈ ખવડાવી દીધું છે એવો વહેમ હોય તો તે મટી જાય છે.

(૧૪) આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર ચટાડવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે.

(૧૫) કફના રોગો જેવા કે શરદી-સળેખમ, ફ્લ્યુ-કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દુધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે.

(૧૬) પ્રમેહમાં આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ ઉત્તમ લાભ કરે છે.

(૧૭) દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.

વડ (ચાલુ)

ઓક્ટોબર 1, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વડ (ચાલુ) (૩) વડનાં પાકાં લાલ ફળ(ટેટાં) બીજ સહીત ખાવાથી સારી શક્તી મળે છે.

(૪) હાડકું વધ્યું હોય, રસોળી વધી હોય તો વડનું દુધ, કઠ(ઉપલેટ) અને સીંધવ ચોપડી ઉપર વડની છાલ મુકી પાટો બાંધી રાખવો. ૧૦થી ૧૫ દીવસમાં વધેલું હાડકું બેસી જશે. ગાંઠ હશે તો ઓગળી જશે.

(૫) વડની કોમળ ટીશીઓ-નવા અંકુર અને મસુરની દાળ દુધમાં ખુબ લસોટી-વાટીને લગાવવાથી મોં પરના કાળા ડાઘ મટે છે.

(૬) વડની ટીશીઓ રોજ ગાયના દુધમાં લસોટી પીવાથી સ્ત્રીને ગર્ભસ્થાપન થાય છે.  વડની ટીશીઓ ઉત્તમ ગર્ભસ્થાપન છે. વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભ સુકાઈ જતો હોય તેમણે આ ઉપચાર કરવો.

(૭) સડેલા દાંતોમાં વડનું દુધ મુકવાથી સખત દુખાવો પણ શાંત થાય છે.

(૮) કમરના અને ઘુંટણના દુખાવા ઉપર વડનું દુધ લગાડવાથી ખુબ રાહત થાય છે.

(૯) વડના પાનનો રસ કાઢી પાણીમાં મેળવી પીવાથી ઉલટી મટે છે. ઉલટીમાં લોહી પડતું હોય તે પણ આ પ્રયોગથી મટે છે.

(૧૦) વધુ પડતા ઝાડા થતા હોય, મરડો મટતો જ ન હોય તો વડની છાલનો ઉકાળો પીવો. જરુર પડે તો તેમાં શેકેલા ઈન્દ્રજવનું ચુર્ણ નાખવું.

(૧૧) દરેક જાતનો પ્રમેહ વડની છાલના ઉકાળાથી મટે છે.

(૧૨) ડાયાબીટીસના રોગીએ વડની છાલનું ૧ ચમચી બારીક ચુર્ણ રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબમાં અને લોહીમાં ખાંડ ઓછી થાય છે.

(૧૩) પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તો વડની કુણી કુંપળો અને વડવાઈનો અગ્ર ભાગ સુકવી ચુર્ણ બનાવી સેવન કરવાથી લાભ થાય છે.

(૧૪) વડના તાજા અંકુરો પાણી સાથે પીસી ચટણી બનાવી ખાવાથી જે બહેનોને કોઠે રતવા હશે, વારંવાર ગર્ભપાત થઈ જતો હશે, શરીરની ગરમીને લઈ ગર્ભ ધારણ જ ન થઈ શકતો હશે તે દરેક અવસ્થામાં લાભ થશે અને ગર્ભધારણની શક્યતા વધી જશે. પ્રસુતા પણ જો વડાંકુરોની ચટણીનું નીયમીત સેવન કરે તો તેના ગર્ભને ઉત્તમ પોષણ મળે છે, અને ગર્ભની વૃદ્ધી સારી રીતે થાય છે.

(૧૫) વડના ટેટાનું ચુર્ણ સ્ત્રી-પુરુષ બંને નીયમીત સેવન કરે તો ગર્ભધારણની શક્યતા વધે છે. સ્ત્રીનાં પ્રજનનાંગોની ગરમી દુર થઈ તે ગર્ભધારણ માટે સક્ષમ બને છે.

(૧૬) પેટની અને આંતરડાંની ગરમી દુર કરવા માટે વડની છાલનો ઉકાળો ઉપયોગી છે.

(૧૭) શરીરમાં બળતરા થતી હોય તો વડના દુધમાં સાકર મેળવી સેવન કરવું. તે પીત્તપ્રકોપ શાંત કરશે. આંખની બળતરા, હાથપગના તળીયાની બળતરા, પેશાબની બળતરા, પેટની બળતરા વગેરે બધામાં તે ઉપયોગી થશે.

(૧૮) લોહીબગાડમાં, વારંવાર ચામડીના રોગો થતા હોય તેમાં વડના નાના કુણા પાનનો ઉકાળો કરીને પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો મટે છે.

(૧૯) તમામ જાતની અશક્તીમાં વડનું દુધ આપી શકાય. કામ કરતાં થાકી જવાય, સ્ફુર્તીનો અભાવ હોય, શરીરમાં નબળાઈ વર્તાતી હોય ત્યારે વડનું દુધ પતાસામાં આપવું.

(૨૦) હૃદય નબળું પડી ગયું હોય, મગજ બરાબર કામ કરતું ન હોય, શરીર નંખાઈ ગયું હોય ત્યારે પણ વડનું દુધ પતાસામાં સેવન કરવાથી લાભ થાય છે.

પીલુડી

જૂન 20, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પીલુડી કાગડાઓને એ પ્રીય હોવાથી એને કાકમાચી પણ કહે છે. પીલુડીને કાળી પોપટી પણ કહે છે. એના છોડવા ચોમાસામાં ઉગી નીકળે છે. અને બારે માસ જોવા મળે છે. છોડ ચાર-પાંચ ફુટ ઉંચા થાય છે. એની ડાળીઓ રીંગણી, મરચીની જેમ આડી અવળી નીકળેલી હોય છે. પાન મરચીના પાનને મળતાં, ફુલ ધોળાં, ફળ ગોળ વટાણા જેવડાં-કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે લાલ, કથ્થાઈ અને કાળા રંગનાં થાય છે.

એના પંચાંગનું ચુર્ણ અડધીથી એક ચમચી અને એનો રસ એકથી બે ચમચી લઈ શકાય.

પીલુડીનાં પાનની ભાજી ખવાય છે. સોજાવાળા દર્દી માટે આ ભાજી ખુબ સારી છે.

પીલુડી વાયુ, પીત્ત અને કફ ત્રણે દોષો દુર કરે છે. એ રસાયન છે. સોજા પર પાનનો રસ ચોપડવો તથા પાનની ભાજી ખાવી.

એ શોથઘ્ન છે, આથી સર્વાંગ સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો-વા અને સોજો હોય તો પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી ખુબ રાહત થાય છે. સોજો અને દુખાવો બંને મટી જાય છે.

(૧) ચેપી રોગ સીફીલીસમાં પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી તે મટી જાય છે.

(૨) સોરાયસીસ નામના ચામડીના હઠીલા રોગમાં પણ પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી સારી અસર થાય છે.

(૩) પીલુડીના આખા છોડનો એટલે કે તેનાં પંચાંગનો ઉકાળો સવાર-સાંજ પીવાથી રક્તશુદ્ધી થાય છે અને ત્વચારોગો મટે છે, શરીર નીરોગી બને છે.

લીવરના રોગોમાં પીલુડીનો રસ ઉપયોગી છે.

(૪) એનાં પાનનું શાક વાતરક્ત, હરસ, સોજા, આમવાત, ઉદરરોગો, ચામડીના રોગો અને કમર જકડાઈ જતી હોય તેમાં ખાવાથી લાભ થાય છે. સોજા માટે એ ખુબ પ્રસીદ્ધ છે. એના પાનનો રસ સોજા પર લગાવવામાં આવે છે.

(૫) પીલુડી મૈથુનશક્તી વધારનારી અને રસાયન છે. એ ગરમ પણ નથી અને ઠંડી પણ નથી. એ રેચક અને કુષ્ઠનાશક છે.

(૬) ચામડીના અઢાર પ્રકારના કોઢ, શુળ, હરસ, સોજા અને ખંજવાળનો નાશ કરે છે.

(૭) કોઢમાં પીલુડીનો રસ બે ચમચી પીવો અને ડાઘા ઉપર ચોપડવો.

(૮) વીસર્પ(ગુમડાં)માં પાનનો રસ ઘી નાખી ચોપડવો.

(૯) સોજામાં પાનનું શાક બનાવી ખાવું.

(૧૦) ઉરુસ્તંભ એટલે કમર જકડાઈ ગઈ હોય તો મીઠા-નમક વગરનું પીલુડીના પાનનું શાક ખાવું.

(૧૨) વાતજન્ય કાસ એટલે કોરી-કફ વગરની ઉધરસમાં પીલુડીના પાનનો બે ચમચી રસ એક ચમચી મધમાં સવાર-સાંજ પીવો.

ત્રીકટુ

એપ્રિલ 3, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ત્રીકટુ : સુંઠ, લીંડીપીપર અને કાળા મરીના વજનાનુસાર સમાન ભાગે બનાવેલા ચુર્ણને ત્રીકટુ કહે છે. આ ત્રીકટુ અગ્નીને પ્રદીપ્ત કરનાર, દમ, ઉધરસ, ચામડીના વીવીધ રોગો, ગોળો-ગૅસ, પ્રમેહ, કફપ્રકોપ, સ્થુળતા-મેદ, હાથીપગુ અને પીનસ-સળેખમ મટાડે છે.

(૧) અડધીથી એક ચમચી ત્રીકટુ સવાર-સાંજ પાણી સાથે લેવાથી ઉપરની તકલીફ મટે છે. પીત્તપ્રકૃતી કે પીત્તના રોગોમાં ન લેવું.

(૨) અડધી ચમચી જેટલું ત્રીકટુ ચુર્ણ દહીં અને ગોળ સાથે ખાવાથી લાંબા સમયની જુની શરદી અને સળેખમ મટે છે.

(૩) ત્રીકટુ ચુર્ણનો લેપ ઘુંટણ પર કરવાથી ઘુંટણનો વા અને સોજો મટે છે.

કાળીજીરી

ડિસેમ્બર 27, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાળીજીરી : કાળીજીરી એક ખુબ જ ઉપયોગી ઔષધ છે. એ કૃમીને મારતી નથી, પણ કૃમીને મુર્છીત કરીને મળ સાથે બહાર કાઢી નાખે છે અને એથી કૃમી શરીરને નુકસાન કરતાં બંધ થાય છે. કૃમી, જીર્ણજ્વર, અશક્તી, રક્તાલ્પતા, પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગૅસ, મંદાગ્ની વગેરેમાં કાળીજીરી ખુબ જ હીતાવહ છે.

મોટી વ્યક્તીએ પાથી અડધી ચમચી અને બાળકોએ ચારથી પાંચ ચોખાભાર રોજ રાતે આઠથી દસ દીવસ લેવી.

(૧) મધમાખી, ભમરી, કાનખજુરો કે જીવજંતુ કરડે તો તે સ્થાન પર કાળીજીરી પાણીમાં લસોટી લેપ કરવો,

(૨) નળ ફુલી ગયા હોય તો પા ચમચી કાળીજીરીના ભુકાનો એક કપ પાણીમાં ઉકાળો કરીને પીવો.

(૩) તલના તેલમાં કાળીજીરી લસોટી લગાવવાથી ખરજવું મટે છે.

(૪) શરીર તપેલું રહેતું હોય, અથવા જીર્ણજ્વર રહેતો હોય, પેટમાં કૃમી થયા હોય, આમનું પાચન થતું ન હોય, તથા ખસ, ખંજવાળ અને ચામડીના રોગોમાં પા ચમચી જેટલા કાળીજીરીના ભુકાનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ તાજેતાજો ઉકાળો પીવાથી આઠથી દસ દીવસમાં આ વીકૃતીઓ શાંત થાય છે.

(૫) કાળીજીરી અડધી ચમચી અને કાળા મરી અડધી ચમચીનું ચુર્ણ એક કપ પાણીમાં રાત્રે પલાળી સવારે ગાળીને પીવાથી થોડા દીવસમાં જુનો નળ વીકાર મટે છે.

(૬) પા ચમચી જેટલું કાળીજીરીનું ચુર્ણ એક ચમચી મધમાં મીશ્ર કરી ચાટવાથી પેટના કૃમી નાશ પામે છે.

(૭) કાળીજીરી બાળી તેની રાખનો તલના તેલમાં મલમ કરીને લગાડવાથી ચામડીના રોગો મટે છે.