Posts Tagged ‘દાન’

દાન

નવેમ્બર 12, 2013

દાન

ગીતામાં દાન વીષે સરસ કહેવામાં આવ્યું છે.

दातव्यमिति यद्दानं दीयतेऽपकारिणे ।        

देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ॥

यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः ।   

दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ॥

अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते ।

असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॥

 

દાન કરવું એ ફરજ છે,  કર્તવ્ય છે, દાન કરવું જોઈએ,  આથી ઉપકારની ભાવના વીના, બદલાની અપેક્ષા વીના, યોગ્ય સ્થળે, સમયે અને યોગ્ય પાત્રને જે દાન કરવામાં આવે છે તે સાત્વીક દાન છે.

 

પરંતુ બદલાની આશાથી અથવા કંઈક લાભ થશે એમ માની, ફળની આશા રાખી,  કચવાતા મને જે દાન કરવામાં આવે છે તેને રાજસી દાન કહેવાય.

જે દાન સત્કાર વગર, તીરસ્કારથી અને અયોગ્ય દેશકાળમાં કુપાત્રે આપવામાં આવે છે તે તામસી દાન છે.

 

આમ ગીતામાં દાનના ત્રણ પ્રકાર ગણાવવામાં આવ્યા છે.  એમાં પ્રથમ સાત્ત્વીક દાન.  પહેલો જ શબ્દ છે દાતવ્યમ્,  એનો અર્થ દાન કરવું એ કર્તવ્ય છે.  કર્તવ્ય એટલે કરવા જેવું,  એ જ કરવા યોગ્ય એવો થાય છે.  એનો અર્થ ફરજ નથી. ફરજ શબ્દ તો જાણે ઈચ્છા ન હોવા છતાં,  પરાણે કરવું પડે એવો થઈ ગયો છે.  મા-બાપ છે તો એની સેવા કરવી જ પડે ને.  નહીંતર સમાજમાં ખોટું દેખાય,  ખરાબ દેખાય,  લોકો ટીકા કરે. દાતવ્યમ્ દાન કરવા યોગ્ય છે. કેમ?  કેમ કે એ કરવાથી આનંદની પ્રાપ્તી થાય છે. દાન કરવું એમાં જ આનંદ છે. એટલું જ નહીં, એ દાન સ્વીકારનાર કોઈ મળે તો દાન કરનાર તેનો આભારી છે, એનો અનુગ્રહી છે. નહીં કે દાન લેનાર આભારી છે. આથી દાન સ્વીકાર્યા બદલ એને દક્ષીણા આપવામાં આવે છે. દક્ષીણાનો અર્થ છે દાન સ્વીકારનારનો આપણે આભાર માનીએ છીએ. અને એ આભાર દર્શાવવા માટે બીજું કંઈક વીશેષ આપવામાં આવે છે તે દક્ષીણા.

આ દાન દેશ, કાળ અને પાત્ર જોઈને આપ્યું હોય તો જ એ સાત્વીક. જેમ સરોવરના પાણીમાં એક કાંકરો નાખવાથી એમાં મોજાં પેદા થાય છે, અને જ્યાં સુધી એ પાણી વીસ્તર્યું હશે ત્યાં સુધી એ ફેલાશે. તે જ પ્રમાણે દાનનું એક કૃત્ય અનંત, અનાદી ચૈતન્ય સૃષ્ટીમાં(સમગ્ર બ્રહ્માંડમાં) એક કંપન પેદા કરે છે. અહીં આપેલ સરોવરના ઉદાહરણમાં સરોવર તો મર્યાદીત છે, આથી એમાં કંપન માત્ર સરોવરની સીમા સુધી જ ફેલાશે, પણ બ્રહ્માંડ તો અનંત છે, આથી એ કંપન પણ અનંત સુધી ફેલાશે. આથી પાત્રનું ખુબ જ મહત્ત્વ છે.

પાત્ર એટલે જેને ખાસ જરૂર છે, જે એ દાનનો યોગ્ય ઉપયોગ કરશે. જે એ દાનની કદર કરી શકે, એની મુલવણી કરી શકે. આપેલું દાન નકામું જશે નહીં, કે એનો દુરુપયોગ થશે નહીં એવાંને દાન આપવું. પાત્ર તરીકે કોઈ વ્યક્તી, સંસ્થા, પ્રાણી કંઈ પણ હોઈ શકે. વ્યક્તી અને સંસ્થા સમજવામાં તો કોઈ મુશ્કેલી નથી, હું પ્રાણી વીષે કહું. કોઈ પ્રાણી ભૂખ્યું છે, તેને ખાવાનું આપીએ તે સાત્ત્વીક દાન છે. દેશ એટલે સ્થળ. આમ એ યોગ્ય સ્થળ પણ છે. અને યોગ્ય સમયે કરેલું દાન પણ ગણાય. જે સમયે અને જે સ્થળે જેને જરૂર છે તેને બદલાની કોઈ પણ પ્રકારની અપેક્ષા વીના દાન કરવામાં આવે તે સાત્ત્વીક દાન.

કોઈ વીદ્યાર્થી છે, ભણવામાં ઘણો હોંશીયાર,  પણ પૈસાના અભાવે ભણી શકે તેમ નથી.  તેને તે સમયે મદદ કરવામાં આવે તો તે સ્થળ,  સમય અને પાત્ર જોઈને કરેલું દાન ગણાય.  વળી બદલાની કોઈ અપેક્ષા ન હોય,  દાન કરનારને એણે દાન કર્યું તેની બધાંને જાણ થાય,  પોતે દાની છે એનો પ્રચાર થાય, વાહ વાહ થાય,  લોકો માન આપે એવી મનમાં લાગણી ન હોય.  આપણે કહીએ છીએ કે જમણો હાથ આપે એની ડાબા હાથને પણ જાણ ન થાય,  તો એ સાત્ત્વીક દાન. સાત્ત્વીક દાન જ ખરું દાન છે. એમાં દાન આપનારનો એ દાન લેનાર આભાર માને એવી ભાવના પણ ન હોય તો તે સાત્ત્વીક દાન.

જે દાન આપતાં મનમાં કંઈક રંજ થાય, કેમ કે ધનનો મોહ છે, લોભ છે, ધન પર પકડ છે,  આથી આપવાનું મન તો નથી, પણ આપવાથી કંઈક પાછું મળશે,  કંઈક લાભ થશે,  એવો લોભ છે, ‘પ્રતી ઉપકાર’ ઉપકાર કરે છે પાછો ઉપકાર મેળવવા,  બદલો મળશે એવી ભાવનાથી,  અથવા કોઈક ફળની પ્રાપ્તી થશે એમ માનીને દાન કરે છે. પણ એ બદલો મળશે કે કેમ, ફળની અપેક્ષા પુરી થશે કે કેમ તે દાન કરતાં પહેલાં તો નક્કી નથી.  આથી મનમાં કચવાટ છે. આપેલું નકામું તો નહીં જાય કે,  નગુણા લોકોને તો નથી આપી રહ્યો ને એવો ડર છે.  આ રાજસી દાન છે. જો કે રાજસી દાતા દાન લેનારનો સત્કાર તો જરુર કરશે, કેમ કે એની પાસે પાછું કંઈક મળશે એવી આશા એને હોય છે.

મોટા ભાગનાં દાન આ પ્રકારનાં હોય છે. જેમ કે અનેક કાવાદાવા કરીને ધન મેળવ્યું હોય,  તો એમાંથી થોડું દાન કરીને કરેલા પાપમાંથી છૂટકારો મળશે એમ માનીને દાન કરવામાં આવે. દાન કરવાથી અમુક લાભ થશે એવું હોવાથી દાન કરવામાં આવે છે. અમારા વેલીંગ્ટનમાં આવેલ ઈન્ડીયન હૉલ ‘ભારત ભવન’નો જ દાખલો લઈએ. અમુક રકમ સુધીનું દાન કર્યું હોય તેની પાસેથી હૉલનું ભાડું લેવું નહીં, અમુક રકમ સુધીનું દાન આપ્યું હોય તેમની પાસેથી અડધું ભાડું જ લેવું, એવો ઠરાવ લાવવાનું એક સમયે વીચારણા હેઠળ હતું, એવો મને ખ્યાલ છે. આ પ્રકારનું વલણ એટલું બધું સામાન્ય છે કે એમાં ભાગ્યે જ કોઈને કશું અજુગતું લાગે છે. પણ એ રાજસી દાનનું ઉદાહરણ છે. વેલીંગ્ટન ઈન્ડીયન એસોસીયેશનના એક જણ વીષે એવું સાંભળેલું કે પોતે અમુક વસ્તુનું દાન કરે,  પણ એને જ્યારે એ વસ્તુની જરૂર પડે ત્યારે એની પાસેથી ભાડું લેવામાં ન આવે. આ રાજસી દાન, જે સામાન્ય કોટીનું દાન છે. આમ દેખીતી રીતે જ જેને દાન કરવામાં આવે તે દાન આપનારનો આભાર માને એવી અપેક્ષા રાખવામાં આવે.  પણ એ થયું રાજસી દાન. આપણો રોજબરોજનો આ અનુભવ છે,  અને લોકોની એવી સામાન્ય માન્યતા છે કે આભાર તો માનવો જ પડે.  આમ રાજસી દાન બહુ જ સામાન્ય બાબત છે. એટલે કે મોટા ભાગનાં, ઘણું ખરું બહુ જુજ અપવાદો સીવાય લગભગ બધાં દાન રાજસી હોય છે.

જે દાન તીરસ્કારથી,  અપમાનપુર્વક,  પોતાનો હાથ ઉપર છે એવા અહંકારથી,  પોતે દાતા છે એવા ગુમાન સહીત આપવામાં આવે છે તે તામસી દાન. આવા દાનમાં દેશ, કાળ કે પાત્રનો વીચાર તો હોતો જ નથી.  તામસી પોતે જ પાત્ર નથી,  આથી જેને આપવાનું છે તે પાત્ર છે કે કેમ તે એ શી રીતે જાણી શકે?  આથી ઘણુંખરું તામસી દાનથી તો નુકસાન થવાની જ શક્યતા વધુ છે. જેને દાન કર્યું હોય તેને કાયમ માટે એના એહસાનમાં રાખવાનો ઈરાદો હોય છે.

દાન માત્ર ધનનું જ,  સંપત્તીનું જ હોય એવું નથી.  વીદ્યાદાન,  શ્રમદાન,  સહાનુભુતી, સાંત્વના વગેરેનાં દાન પણ છે. અને તે પણ ઉપર મુજબ ત્રણ પ્રકારનાં હોય છે.

દાન બાબતનો બીજો મુદ્દો જોઈએ.  ખરેખર તો જેને આપણે આપણું માનીએ છીએ તે આપણું છે?  આપણે તો એના માત્ર વાલી છીએ,  ટ્રસ્ટી છીએ.  આ શરીર સુદ્ધાંના આપણે માલીક નથી.  એ પણ છેવટે તો છુટી જશે,  ગમે તેટલા વળગી રહેવાનાં હવાતીયાં મારીશું તો પણ.

અને અહીં એક પૈસો આપીશું તો પરલોકમાં લાખ મળશે એમ માનીને જે લોકો દાન કરે છે, અને એવું લોકોને જે સમજાવે છે તે બંને ભારે અજ્ઞાની છે.  આપતી વખતે તો યાદ રાખવું જોઈએ કે મારું કશું છે જ નહીં.  આ યાદ તાજી કરાવવા માટે જ હીન્દુ ધર્મમાં દેવોની પુજા કરતી વખતે વારંવાર દાન મુકવાની વીધી આવે છે,  નહીં કે પુજા કરાવનાર પુરોહીતને માટે એ દાન છે. પુરોહીત એ લઈ જાય છે, એટલે એને પણ એમ જ લાગે છે કે એ દાન એના માટે છે.

હીન્દુ ધર્મમાં માણસના મૃત્યુ બાદ એની પાછળ શ્રાદ્ધ વગેરે કર્યા પછી જે દાન કરવાનો રીવાજ છે તે ઘણો જ મહત્ત્વનો છે.  ખરેખર તો ગતાત્માએ પોતે જે સંપત્તી મેળવી હોય-એને પુર્વજો તરફથી પરંપરાથી વારસામાં મળેલી નહીં- તે બધીનું દાન કરવું જોઈએ.  આથી સમાજમાં અસમાનતા બહુ જ ઓછી,  નામ પુરતી જ રહી શકે.

આપણા દેશમાં સામાન્ય રીતે પુર્વજો તરફથી ઘર-જમીન,  વેપાર-ધંધો વગેરે પરંપરાગત મળતાં હોય છે.  એ રાખી શકાય. પણ બાકીનું વ્યક્તીએ પોતે એ ઉપરાંત જે મેળવ્યું હોય તે બધાંનું દાન કરી દેવું જોઈએ. પણ ‘પરીયાં પરીયાં ખાય’ એ ખ્યાલ પાછળથી દાખલ થઈ ગયો.

આ ‘પરીયાં પરીયાં ખાય’નો ખ્યાલ જો ન હોત અને મૃત્યુ પામનારની માત્ર પુર્વજો પાસેથી  વારસાગત, પરંપરાથી મળતી આવેલી સંપત્તી જ એના વારસો રાખે અને વ્યક્તીએ એકઠી કરેલી સંપત્તી લોકહીત માટે દાનમાં આપી દે તો દરેક ગામમાં અને શહેરી વીસ્તારમાં અમુક નીશ્ચીત ભાગમાં ટ્રસ્ટ બનાવી એ સંપત્તી રાખવામાં આવે અને જરુરતમંદોને એમાંથી સહાય કરવામાં આવે તો સમાજમાં અસમાનતા નહીં રહે. કોઈને કોઈ પણ પ્રકારના અભાવથી સહન કરવાનું ન આવે. ઈર્ષ્યા, અદેખાઈ વગેરે અદૃશ્ય થઈ જાય. ધનવાનોનાં સંતાનો કેટલાયે દુર્ગુણોથી બચી જાય. ખરેખરો સાચો સમાજવાદ આવી જાય. સાથે સાથે યાદ રાખવું જોઈએ કે એકઠી કરેલી ધનસંપત્તી સમાજના અન્ય લોકોમાંથી જ આવેલી હોય છે. તમે જેટલું વધારાનું મેળવ્યું હોય છે, તેનાથી બીજા એટલા પ્રમાણમાં વંચીત રહ્યા છે.

Advertisements