Posts Tagged ‘બરોળવૃદ્ધી’

યકૃતવૃદ્ધી

ડિસેમ્બર 12, 2010

(૧) કાચા પપૈયાનું ૧૦ ગ્રામ દુધ સાકર સાથે મેળવી ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી યકૃતવૃદ્ધી મટે છે.

(૨) કાચા પપૈયાનું શાક ખાવાથી યકૃતવૃદ્ધીમાં લાભ થાય છે. ખાસ કરીને નાનાં બાળકોને આ વીશેષ લાભકારી છે.

(૩) કાચા પપૈયાના દુધનાં ૧૦-૧૫ ટીપાં સવાર-સાંજ પાણી સાથે પીવાથી યકૃતવૃદ્ધી, બરોળવૃદ્ધી, અરુચી અને અપચો મટે છે.

(૪) ફુદીનાનો રસ યકૃતવૃદ્ધીમાં લાભકારક છે.

(૫) યકૃતવૃદ્ધી, મુત્રાવરોધ, મુત્રકષ્ટ, પ્રોસ્ટેટ(પુરુષાતન ગ્રંથી), પથરી અને સોજામાં વાયવરણો અકસીર ઔષધ છે.

(૬) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ આંતરે દીવસે સવારે કેટલાક દીવસ સુધી પીવાથી યકૃતની ક્રીયા નીયમીત બની યકૃતનો સોજો, યકૃતવૃદ્ધી અને પ્લીહોદર મટે છે.

બરોળવૃદ્ધી

ઓગસ્ટ 30, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બરોળવૃદ્ધી

(૧) કુમળાં વેંગણ અંગારામાં શેકી રોજ સવારે નરણા કોઠે ગોળ સાથે ખાવાથી જીર્ણ મૅલેરીયાના તાવથી બરોળ વધી ગઈ હોય અને તેથી શરીર પીળું પડી ગયું હોય તો તેમાં ફાયદો થાય છે.

(૨) ખજુરની ચાર-પાંચ પેશી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી તેમાં મધ નાખી સાત દીવસ સુધી પીવાથી બરોળની વૃદ્ધી મટે છે.

(૩) બેથી ચાર ચમચી કારેલાંનો રસ પીવાથી બરોળ વધી ગયેલી હોય તો તે નાની થાય છે.

(૪) કેરીનો રસ અને મધ મેળવીને પીવાથી મેલેરીયા પછી મોટી થઈ ગયેલી બરોળ નાની થઈને પુર્વવત્ બને છે.

(૫) એક મોટી ડુંગળી પર કપડું વીંટી કોલસાની ભરસાડમાં બફાઈ જાય એ રીતે શેકી, તેને રાત રહેવા દઈ સવારે નરણા કોઠે નવસાર અને હળદર ૦.૩૨-૦.૩૨ ગ્રામ (બબ્બે રતી) મેળવી ખાવાથી વધેલી બરોળ મટી જાય છે.

(૬) કાચા પપૈયાનું ૧૦ ગ્રામ દુધ સાકર સાથે મેળવી ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી બરોળવૃદ્ધી મટે છે.

(૭) લસણ, પીપરીમુળ અને હરડે એકત્ર કરી ખાવાથી અને ઉપર એક ઘુંટડો ગાયનું મુત્ર પીવાથી બરોળની વૃદ્ધી મટે છે.

(૮) સરગવાનો ક્વાથ સીંધવ, મરી અને પીપર મેળવીને પીવાથી બરોળની વૃદ્ધી મટે છે.

(૯) મૅલેરીયા કે બીજા કોઈ પણ કારણથી બરોળ વધી જાય કે બરોળની કોઈ તકલીફ થાય તો શરપંખાના પંચાંગનું અડધી ચમચી ચુર્ણ બે ચમચી મધ સાથે સવાર-સાંજ થોડા દીવસ લેવાથી બરોળના રોગો મટી જાય છે. શરપંખાને મુળ સહીત ઉખેડી, સુકવી, બારીક વસ્ત્રગાળ ચુર્ણ કરવું.

(૧૦) પીપર, પીપરીમુળ, ચવક, ચીત્રક અને સુંઠ દરેક ૧૦-૧૦ ગ્રામ તથા હરડે ૫૦ ગ્રામને ભેગાં વાટી ચટણી જેવું બનાવવું. પછી રાતા રોહીડાની છાલ ૨૫૦ ગ્રામ અને બોર ૨૮૦ ગ્રામ લઈ તેનાથી ચાર ગણા પાણીમાં ચોથા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી ગાળીને ઉપરોક્ત ચટણી સાથે ૧૬૦ ગ્રામ ઘીમાં નાખી ધીમા તાપે ઘી સીદ્ધ કરવું. સવાર-સાંજ અડધી-અડધી ચમચી જેટલું આ ઘીનું સેવન કરવાથી વધી ગયેલી બરોળ યથાવત થઈ જાય છે.

(૧૧) મેલેરીયા મટી ગયા પછી કેટલાકને બરોળ મોટી થઈ જતી હોય છે. એક કપ પાણીમાં રાત્રે ઠળીયા કાઢેલું ચાર-પાંચ ખજુર પલાળી રાખવું. સવારે તેને એ જ પાણીમાં ખુબ મસળી નાની પા ચમચી શેકેલા કાંચકાનું ચુર્ણ મીશ્ર કરી ખુબ હલાવી પી જવું. છથી આઠ અઠવાડીયાં આ  ઉપચાર કરવાથી બરોળ તેની સામાન્ય અવસ્થામાં આવશે. શરીરમાં ઘટી ગયેલું લોહી અને વજન વધશે, ભુખ સારી લાગશેજુનો મેલેરીયા ઉથલો મારશે નહીં અને શારીરીક શક્તી, બળ, સ્ફુર્તી વધશે અને મળમુત્રાદી શારીરીક ક્રીયાના અવરોધ દુર થઈ જશે.

(૧૨) બરોળના રોગોનું ઉત્તમ ઔષધ છે શરપંખો. શરપંખાના મુળનું ચુર્ણ પાથી અડધી ચમચી જેટલું સવાર-સાંજ પાણી સાથે લેવાથી બરોળના રોગો મટે છે.

(૧૩) એક ઉત્તમ ઔષધનું નામ છે રગતરોહીડો.તેનાં પાન દાડમડીના પાન જેવાં જ હોય છે. શાખાઓને છેડે સુંદર કેસરીયા રંગનાં ફુલો શીયાળામાં આવે છે. રગતરોહીડો એ બરોળની રામબાણ દવા છે. મેલેરીયા કે પછી બીજા કોઈ કારણથી બરોળ બગડી હોય તો હરડેના ઉકાળામાં રગતરોહીડાની છાલના ટુકડા પલાળીને બીજા દીવસે આ ટુકડા સુકવી નાખ્યા પછી બનાવેલું અડધી ચમચી ચુર્ણ સવારે અને રાત્રે લેવાથી બરોળના રોગો, કમળો, લોહી જામી જવું, મસા, કૃમી, પ્રમેહ વગેરે મટે છે.

સુવા

નવેમ્બર 30, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સુવા : સુવા શરીરને પુષ્ટ કરનાર, બળપ્રદ, શરીરનો વર્ણ સુધારનાર, જઠરાગ્નીવર્ધક, માસીક લાવનાર, ગર્ભાશય, યોની અને શુક્રનું શોધન કરનાર, ગરમ, વાયુનાશક, પુત્રદા અને વીર્યપ્રદ છે. સંસ્કૃતમાં એને શતપુષ્પા કહે છે, કેમ કે એને પીળા રંગનાં સેંકડો ફુલ આવે છે.

સુવાની ભાજી ખવાય છે. સુવા કડવા, તીખા, ગરમ, ભુખ લગાડનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, સ્નીગ્ધ, હૃદય માટે હીતકારી તેમ જ વાયુ અને કફનાશક છે. કહેવું જોઈએ કે સુવા પરમ વાયુ હરનાર છે, જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે, ધાવણ વધારે છે અને પચવામાં હલકા છે.

સુવા બળતરા, આંખના રોગો, તાવ, ઉલટી, ઉદરશુળ, ઝાડા, આમ અને તરસનો નાશ કરે છે.

સુવાવડ વખતે સુવાનો છુટથી ઉપયોગ કરવાથી ધાવણ સારું આવે છે, અને એ ધાવણ બાળકને પચી જાય એવું આવે છે. માતાની કમર દુખતી નથી, આહાર જલદી પચી જાય છે અને વાછુટ સારી થાય છે. સુવાદાણા ગર્ભાશયને ઉત્તેજીત કરે છે આથી પ્રસુતી પછી ગર્ભાશયમાં કોઈપણ બગાડ રહેતો નથી.

સુવાનો અર્ક એટલે યંત્રથી બનાવેલા પાણીને ‘ડીલવૉટર’ કહે છે. નાનાં બાળકોના કાચા લીલા ઝાડા, ઉલટી, પેટ ફુલવું, ચુંક-આંકડી આવવી વગેરેમાં આ પાણી આપવામાં આવે છે.

સુવા કફ અને વાયુનું ઉત્તમ ઔષધ છે.

(૧) સુવાદાણાનું અડધીથી પોણી ચમચી ચુર્ણ એક ચમચી સાકર સાથે ચાવીને ખાઈ જવાથી પેટનો ગૅસ, આફરો, ભરાવો, અપચો, અરુચી અને મંદાગ્ની મટે છે.

(૨) રેચક ઔષધ સાથે સુવા લેવાથી પેટમાં ચુંક-આંકડી આવતી નથી.

(૩) સુવા અને મેથીનું અડધી અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ દહીંના મઠામાં થોડા દીવસ લેવાથી દુર્ગંધયુક્ત પાતળા ઝાડા મટે છે. ઝાડા આમયુક્ત હોય તો પણ આ ઉપચાર હીતકારી છે.

(૪) અડધી ચમચી જેટલું સુવાદાણાનું ચુર્ણ એક એક ચમચી સાકર અને ઘી સાથે મીશ્ર કરીને ચાટી જવું. ઉપર દુધભાત અથવા સાકર નાખી બનાવેલી ખીર ખાવી. બે-ત્રણ મહીના આ ઉપચાર કરવાથી વંધ્યા અને ષંઢ બંને બાળકો ઉત્પન્ન કરી શકે એવાં પ્રબળ બની શકશે અને નપુંસકતા- સેક્સની શીથીલતા દુર થશે. વૃદ્ધ મનુષ્યમાં પણ યૌવન પ્રકટ થશે.

(૫) સુવાની ભાજી વાયુનો નાશ કરે છે. એટલે વાયુના રોગોવાળાએ સુવાની ભાજી રોજ રાત્રે થોડી ખાવી.

(૬) રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મૃતીશક્તી વધે છે.

(૭) જઠરાગ્ની પ્રબળ કરવા ઈચ્છનારે ઘી સાથે, રુપની ઈચ્છા રાખનારે મધ સાથે, બળ પ્રાપ્તીની કામનાવાળાએ સાકર અને ઘી અથવા તો તલના તેલ સાથે અને જેમની બરોળ વધી ગઈ હોય તેમણે સરસીયા તેલ સાથે સુવાદાણાનો ઉપયોગ કરવો જોઈએ.

(૮) સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખાવાથી ભુખ ખુબ જ લાગે છે.

(૯) સુવાના ગુણોનો લાભ લેવા નાની પાથી અડધી ચમચી સુવાદાણાનું ચુર્ણ પ્રકૃતી અનુસાર બે ચમચી મધ અથવા ઘી સાથે સવાર-સાંજ લેવું.

વેંગણ

ઓક્ટોબર 17, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વેંગણ : વંેગણ પથ્ય શાક છે તેથી રોજ ખાવામાં વાંધો નથી. એ મધુર, ગરમ, તીક્ષ્ણ અને વીપાકમાં કટુ હોવાથી પીત્ત કરે છે.

તે કફવાતનું શમન કરે છે તથા અગ્નીને પ્રદીપ્ત કરે છે. હૃદયને હીતકારી, ભુખ લગાડનાર, શુક્ર ધાતુ વધારનાર, તાવ, ઉધરસ તથા અરુચી મટાડનાર અને પચવામાં હલકાં છે. સફેદ વેંગણ કાળાં વેંગણ કરતાં ગુણમાં ઉતરતાં છે. જો કે સફેદ વેંગણ હરસમાં ગુણ કરે છે. ગરમ હોવાથી માત્ર શીયાળામાં જ ખાવા લાયક છે.

કુમળાં રીંગણાં ઉત્તમ, નીર્દોષ અને સર્વ દોષોને હરનારાં છે. જો કે વધારે પડતાં બીજવાળાં વેંગણ વીષ સમાન છે. શીયાળામાં વેંગણ પથ્ય હોવા છતાં પીત્તપ્રકોપ, અમ્લપીત્ત તથા હરસના દર્દીને અને સગર્ભા સ્ત્રીને માફક આવતાં નથી.

વેંગણ ઝીણો તાવ, કમળો, વાયુ, કફના રોગો અને પથરી મટાડે છે.

(૧) રાંધેલા વેંગણના ટુકડા પર વાલના દાણા જેટલો નવસાર ભભરાવવો. નવસાર ઓગળી જાય ત્યારે બધું ચાવીને ખાઈ જવું. એનાથી કમળો જલદી મટી જાય છે.

(૨) માસીક ઓછું, અનીયમીત કે નાની ઉંમરે જતું રહ્યું હોય તો એકાંતરે દીવસે બાજરીનો રોટલો, રીંગણનું શાક અને ગોળ ખાવાં.

(૩) બરોળ વધી ગઈ હોય તો સવાર-સાંજ એક કુમળું વેંગણ ચાવીને ખાઈ ઉપર ૧/૪ ચમચી શરપંખાના મુળનું ચુર્ણ લેવું.

ભાંગરાના ઉપયોગ

જુલાઇ 24, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ભાંગરાના ઉપયોગઃ (૧) ભાંગરો અજમા સાથે લેવાથી પીત્તનું જોર નરમ પડે છે.

(૨) ભાંગરાના કોગળા કરવાથી દાંતની તકલીફ મટે છે.

(૩) ભાંગરાનાં પાન, જાયફળ, વાવડીંગ, ચીત્રક, તગર, ગંઠોડા , તલ, શંખાવલી, અસીંદરો, રક્તચંદન, સુંઠ, લવીંગ, કપુર, આંબળાં, મરી, પીપર, તજ, એલચી, નાગકેસર દરેક ૨૦-૨૦ ગ્રામનું બારીક ચુર્ણ બનાવી તેને ભાંગરાના રસની ભાવના આપવી. આ ચુર્ણ પેટના અનેક રોગો મટાડે છે. હરસ અને યકૃતના રોગો પણ મટાડે છે.

(૪) ભાંગરો, શંખાવલી, બ્રાહ્મી, અંઘેડો, માલકાંગણી, ઉપલેટ, હરડે, આમળાં, ગુગળ, જીરુ, વજ અને ગરમાળાનો ગોળ દરેક ૧૦-૧૦ ગ્રામનું ચુર્ણ બનાવી તેને ભાંગરાના, અંઘેડાના અને બ્રાહ્મીના રસની ભાવના આપી નાની નાની ગોળી બનાવવી. એનાથી ઉન્માદ, અપસ્માર, બાળકોનું ઉંઘમાંથી ઝબકીને જાગી જવું, વીચારવાયુ, મગજનું અસ્થીરપણું વગેરે વ્યાધીઓમાં રાહત થાય છે. આ ગોળી ગાયના તાજા દુધ સાથે અથવા સહેજ ગરમ કરેલા ઘી સાથે લેવી.

(૫) ભાંગરાનો પા ચમચી રસ એક કપ જેટલા દુધમાં નાખી સવાર-સાંજ પીવાથી કફના રોગો શાંત થાય છે અને મૅલેરીયા પછી વધી ગયેલી બરોળ મુળ સ્થીતીમાં આવી જાય છે, જીર્ણ જ્વર મટે છે. આ ઉપચાર-પ્રયોગ ૧૦થી ૧૫ દીવસ કરવો.

(૬) દીવાળી વખતે ભાંગરાનો છોડ મુળ સહીત ઉખેડી, છાંયડામાં સુકવી, ખુબ ખાંડી બારીક ચુર્ણ બનાવવું.  પાથી અડધી ચમચી ભાંગરાનું ચુર્ણ પાણી સાથે લેવાથી લીવર અને બરોળના રોગો, કમળો, હરસ અને ઉદર રોગોમાં ફાયદો થાય છે.

(૭) અડધી ચમચી ભાંગરાનો રસ એક ગ્લાસ દુધમાં સવારે અને સાંજે ૧૫-૨૦ દીવસ પીવાથી કફના પ્રકોપથી થતા રોગો, જીર્ણ મૅલેરીયા અને બરોળની વૃદ્ધીવાળો ઘણા સમયનો જીર્ણજ્વર મટે છે.

(૮) અડધી ચમચી ભાંગરાનો રસ બે ચમચી ઘીમાં મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે.

(૯) નીત્ય યુવાન રહેવા માટે રોજ રાત્રે અડધી ચમચી ભાંગરાનો રસ, એક ચમચી ઘી અને દોઢ ચમચી સાકર એક ગ્લાસ દુધમાં નાખી પીવું.

(૧૦) ભાંગરાનો રસ મધ સાથે ચાટવાથી છાતીમાં ભરાયેલો કફ છુટો પડે છે.

(૧૧) ભાંગરાનું ચુર્ણ અડધી ચમચી અને કાળા તલ બે ચમચી ભેગા વાટી ઘી સાથે ચાટવાથી સારી શક્તી આવે છે. લીવર કામ ન કરતું હોય, વારંવાર ઝાડા થઈ જતા હોય તો આ ઉપચાર કરવો.

ભાંગરાનું તેલ : ભાંગરાનો રસ અઢી લીટર, મેંદીનાં પાન ૨૫૦ ગ્રામ, ગળીનાં પાન ૨૫૦ ગ્રામ, આમળાં ૫૦૦ ગ્રામ, જેઠી મધ ૧૨૫ ગ્રામ, જટામાંસી ૨૫૦ ગ્રામ. બધાં ઔષધોને બારીક વાટી ભાંગરાના રસમાં મેળવવાં. મળી શકે તો વાટેલી બ્રાહ્મી ૨૫૦ ગ્રામ મેળવી એમાં તલનું તેલ દોઢ કીલો નાખી ધીમા તાપે પકાવવું. પાણીનો ભાગ ઉડી જાય અને તેલ બાકી રહે ત્યારે ઉતારી ઠંડુ પાડી ગાળી લેવું. તેમાં વાળો, સુખડ-ચંદન, કપુર પૈકી કોઈ પણ એકનો જરુર પુરતો પાઉડર નાખી થોડા દીવસ રાખી ગાળી લેવું, જેથી જરુરી સુગંધ આવશે. એ માથામાં નાખવા વપરાય છે.

પપૈયુ

જૂન 1, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પપૈયું પપૈયાના દુધને સુકવીને બનાવેલું પેપન આહાર પચાવવમાં ખુબ જ ઉપયોગી છે. પપૈયાનું દુધ ઉત્તમ પાચક, કૃમીઘ્ન  અને વેદનાશામક છે. પપૈયું વૃદ્ધો માટે ઉત્તમ ફળ છે. એમાં વીટામીન એ, બી, સી અને ડી છે. વળી એમાં રહેલું પેપ્ટોન પ્રોટીનને પચાવવામાં ખુબ જ સહાયક થાય છે. ઘડપણમાં પાચનશક્તી નબળી હોય છે, આંખોનું તેજ તથા હૃદયનું બળ ઘટે છે, તથા નાડીતંત્રનું નીયમન ખોરવાય છે. આ બધી સમસ્યામાં પપૈયું આશીષરુપ છે. પપૈયું ખાવાથી વૃદ્ધોને પુરતી શક્તી મળી રહે છે. પપૈયું પૌષ્ટીક છે. પપૈયામાં વીટામીન સી મોટા પ્રમાણમાં છે. શરીરમાં વીટામીન સી વધુ પ્રમાણમાં હોય તો ત્વચા યુવાન દેખાય, તેના પર કરચલીઓ પડવાના પ્રમાણમાં તથા ત્વચાની રુક્ષતામાં ઘટાડો થાય છે. વીટામીન સી ત્વચા માટે ખુબ જરુરી છે.

(૧) તાજા પપૈયાનું દુધ દાદર કે દરાજ પર લગાડવાથી તે મટે છે.

(૨) પપૈયાનું દુધ ઉત્તમ પાચક, કૃમીઘ્ન, વેદનાશામક અને ભુખ લગાડનાર છે. મોં પર એ લગાડવાથી ખીલ અને તેના ડાઘા દુર થાય છે.

(૩) કાચું પપૈયું ચામડીના રોગોમાં અને પાકું પપૈયું પાચનતંત્રના રોગોમાં ઉપયોગી છે.

(૪) કાચા પપૈયાના દુધનાં ૧૦-૧૫ ટીપાં સવાર-સાંજ પાણી સાથે પીવાથી યકૃતવૃદ્ધી, બરોળવૃદ્ધી, અરુચી અને અપચો મટે છે.

નાળીયેર

મે 24, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નાળીયેર

नारिकेलफलं शीतं दुर्जरं बस्तिशोधनम् |

विष्टंभि बृहणं बल्यं वातपित्तास्रदाहनुत ||

નાળીયેર શીતળ, દુર્જર (પચવામાં ભારે) બસ્તીશોધક-મુત્રાશયની શુદ્ધી કરનાર, મળ રોકનાર, બૃંહણ-વજન વધારનાર, બળકારક અને વાયુ, પીત્ત અને રક્તવીકાર-લોહીબગાડ તથા દાહ-બળતરા મટાડનાર છે.  કોપરું બળ આપનાર, ઠંડું અને વજન વધારનાર છે. કોપરાના અનેકવીધ ઉપયોગો છે. તેનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, અમ્લપીત્ત, અરુચી, રક્તપીત્ત, ક્ષય, ઉલટી વગરેમાં કોપરાપાક અપાય છે. નારીયેળનું દુધ કોલેરામાં આપવાથી ઉલટી બંધ થાય છે. નારીયેળના છોડામાંથી કાઢેલો કાથો તકીયા, ગાદલા, ખુરશી વગેરેમાં ભરવામાં ઉપયોગી છે. નારીયેળનું તેલ વાળને વધારે છે તેટલું જ નહીં, વાળને તે કાળા અને સુંવાળા પણ બનાવે છે.

લીલું કોપરું સ્વાદીષ્ટ અને ટોનીક છે. કોપરેલ બળ આપનાર, વજન વધારનાર, વાળ માટે સારું, વાયુ અને પીત્તને હરનાર, પચ્યા પછી મધુર અને સોરાયસીસમાં તથા બીજા ચામડીના રોગોમાં ખુબ સારું છે. એ ખરજવું અને બીજા ચામડીના કષ્ટસાધ્ય અને અસાધ્ય રોગોમાં ઉપયોગી છે. કોપરેલ ઠંડું હોવાથી માથામાં નાખવાથી વાળ કાળા, સુંવાળા અને લાંબા થાય છે તથા ખરતા અટકે છે.

કુમળુ નાળીયેર પીત્તજ્વર અને પીત્ત મટાડનાર છે. એ પચવામાં ભારે, મુત્રાશયને સાફ કરનાર, ઝાડાને રોકનાર, પુષ્ટી અાપનાર, બળ અાપનાર, વાયુ, પીત્ત, લોહીબગાડ કે રક્તપીત્ત અને દાહ મટાડનાર છે. નાળીયેરનું પાણી ઠંડુ, હીતકારી, અગ્નીને પ્રદીપ્ત કરનાર, વીર્ય વધારનાર, પચવામાં હલકું, તરસ મટાડનાર અને નવા કોષોની ઉત્પત્તીને વેગ આપનાર છે.

નાળીયેર હૃદય માટે હીતકારી, પચવામાં ભારે, વીર્ય તેમ જ કામશક્તી વધારનાર, તરસ તથા પીત્તને મટાડનાર અને મુત્રમાર્ગને સ્વચ્છ કરનાર છે.

મોટાં લીલાં દસ નાળીયેરનું પાણી કાઢી ઉકાળવું. મધ જેવું ઘટ્ટ થાય ત્યારે ઉતારી તેમાં સુંઠ, મરી, પીપર, જાયફળ અને જાવંત્રીનું ચુર્ણ બરાબર ભેળવી બાટલીમાં ભરી લેવું.  આ ઔષધ સવાર-સાંજ અર્ધીથી એક ચમચી જેટલું લેવાથી અમ્લપીત્ત-એસીડીટી, પીત્તના રોગો ઉદરશુળ અને બરોળવૃદ્ધી મટે છે.

નાળીયેર ગુરુ, સ્નીગ્ધ, પીત્તશામક, મધુર, શીતળ, બળપ્રદ, માંસપ્રદ, પોષક, શરીરનું વજન વધારનાર, મુત્રશોધક અને હૃદય માટે પોષક છે. નાળીયેરનું પાણી શીતળ, હૃદયને પ્રીય, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, શુક્રવર્ધક, તરસ અને પીત્તને શાંત કરનાર, મધુર અને મુત્રાશયને સારી રીતે શુદ્ધ કરનાર છે. નાળીયેર માંસ અને કફની પુષ્ટી કરે છે. ટ્રીપ્ટોફેન અને લાઈસીન એ બે એમીનો એસીડ નાળીયેરમાં છે. આથી શરીરમાં નવા કોષોના નીર્માણ માટે નાળીયેર ઉપયોગી છે.

(૧) તાજા કોપરાને છીણી કપડા વડે નીચોવી જે પ્રવાહી નીકળે તે નાળીયેરનું દુધ ક્ષયહર છે. એ કોડલીવર ઑઈલ જેવું પૌષ્ટીક છે. અમેરીકા જેવો દેશ પણ ટી.બી.માં શરીરની પુષ્ટી માટે એનો ઉપયોગ કરે છે.

(૨) ક્ષયરોગમાં માથું દુખતું હોય તો નાળીયેરનું પાણી અથવા નાળીયેરનું દુધ સાકર નાખી પીવાથી લાભ થાય છે.

(૩) હાઈપર એસીડીટીમાં આ પાણી અત્યંત પથ્ય અને સુપાચ્ય છે. જ્વરની તરસમાં પણ તે હીતકર છે.

(૪) આહાર પચવાના સમયે એટલે કે જમ્યા પછી અઢી-ત્રણ કલાકે પેટમાં થતા દુખાવાને પરીણામશુળ કહે છે. પાણીવાળા નાળીયેરની આંખ ફોડી આંખેથી તેમાં ઠાંસોઠાંસ મીઠું(બને તો સીંધવ) ભરી દેવું. પછી તેને કાપડમાં વીંટાળી માટીનો લેપ કરી સુકવવું. સુકાયા પછી અડાયા છાણાની ભઠ્ઠીમાં શેકવું. શેકાયા પછી અંદરનો ભાગ કાઢી તેને બારીક લસોટી ચુર્ણ બનાવવું. આ ચુર્ણ ૧.૫ ગ્રામ અને લીંડીપીપરનું ચુર્ણ ૦.૫ ગ્રામ મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી ત્રણે દોષથી થયેલ પરીણામશુળ મટે છે.