Posts Tagged ‘ભારતીય હાઈકમીશન – વેલીંગ્ટન’

ભારતીય હાઈકમીશન – વેલીંગ્ટન

નવેમ્બર 29, 2013

ભારતીય હાઈકમીશન – વેલીંગ્ટન

અહીં વેલીંગ્ટનમાં ભારતીય હાઈકમીશનની ઑફીસ આવેલી છે. ભારતના વીઝા માટેની કાર્યવાહી અહીંથી થાય છે. વર્ષો પહેલાં હું જે ઑફીસમાં કામ કરતો તેની બાજુમાં જ આ ઑફીસ હતી. તે સમયે મને એમનો જે અનુભવ થયેલો તેનું જે સ્મરણ છે તે લગભગ ભારતના સરકારી કર્મચારીઓ જેવી તુમાખી જેવું એમનું વર્તન હતું એવું જ કંઈક છે. હાલમાં જ એક ભાઈએ એમને થયેલો ભારતીય હાઈકમીશનની ઑફીસનો અનુભવ મને જણાવ્યો.

વર્ષોથી ન્યુઝીલેન્ડમાં રહેતાં એક શ્વેત બહેન લીન્ડાને ભારત જવા માટે વીઝાની જરુર હતી. એમની પાસે બ્રીટીશ પાસપોર્ટ હતો. મુંબઈમાં રમાનારી બહેનોની વીશ્વ ક્રીકેટ ટુર્નામેન્ટ જોવા માટે એ બહેન જવાનાં હતાં.  જીવનભર લીન્ડાએ બહેનોની ક્રીકેટની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અમ્પાયર, કૉમેન્ટટેટર અને વહીવટકાર તરીકે પુશ્કળ સેવા કરી છે. તેઓ ન્યુઝીલેન્ડના ક્રીકેટ એસોસીયેશનનાં લાઈફ મેમ્બર પણ છે.

બહેનોની  વીશ્વ ક્રીકેટ ટુર્નામેન્ટ તા. ૩૧-૧-૧૩થી ૧૭-૨-૧૩ દરમીયાન રમાનાર હતી. આથી લીન્ડાબહેન પાછલી કેટલીક મેચ જોઈ શકાય એ રીતે મુંબઈ પહોંચવા માગતાં હતાં. એમણે કરેલી વીઝાની અરજીનું કશું પરીણામ ન જણાતાં એમણે એમના ઓળખીતા એક ઈન્ડીયન ભાઈ સુખદેવભાઈનો સંપર્ક કર્યો.

સુખદેવભાઈએ શુક્રવાર તા. ૮-૨-૧૩ રોજ બપોર પછી ૪-૪૦ વાગ્યે ઈન્ડીયન હાઈકમીશનની  ઑફીસમાં ફોન કર્યો. પરંતુ કશો સંપર્ક થઈ શક્યો ન હતો.

સુખદેવભાઈએ ફરીથી તા. ૧૨-૨-૧૩ના રોજ સવારે ૯-૩૦ વાગ્યે ફોન કર્યો, તો લાઈન કપાયેલી હોવાનો ટોન હતો. ફરીથી ૧૧-૦૦થી ૧૧-૩૦ દરમીયાન ટ્રાય કરી તો દર વખતે લાઈન કપાયેલીનો જ ટોન સાંભળવા મળ્યો. બપોર પછી ૪-૧૦ કલાકે પણ એ જ ટોન હતો.

આ પછી સુખદેવભાઈએ ભારતીય હાઈકમીશનની ઑફીસના એ જ ફોન નંબર ૪૭૩૬૩૯૦ પર તા. ૧૫-૨-૧૩ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યે ટ્રાય કરી તો લાઈન બીઝીનો ટોન મળ્યો. ૧૧-૩૫, ફોન બીઝી. ૧૧-૪૦ ફોન બંધ, લાઈન કપાયેલી. આથી એ દીવસે મોબાઈલ પર બપોરે ૧૨-૦૦ વાગ્યે ફોન કર્યો તો આન્સરમશીનમાં મેસેજ સાંભળવા મળ્યો.

આ પછી સુખદેવભાઈ ભારતીય હાઈકમીશનની ઓફીસે એ દીવસે એટલે ૧૫-૨-૧૩ના રોજ ગયા. એમણે વીઝા ઑફીસરની મુલાકાત લીધી અને બહેન લીન્ડાને વીઝા આપવા બાબત શી મુશ્કેલી છે તેની તપાસ કરી. બહેન લીન્ડા પાસે બ્રીટીશ પાસપોર્ટ હોવાના કારણે વીલંબ થયો છે એમ કહેવામાં આવ્યું, જે સુખદેવભાઈને ગળે ઉતર્યું નહીં. સુખદેવભાઈની દલીલ એ હતી કે હવે બધું કામ ઈમેઈલ દ્વારા ખુબ ઝડપથી કરી શકાય. આ વાતચીત દરમીયાન એમણે વીઝા ઑફીસરને એમનું નામ પુછ્યું. આથી વીઝા ઑફીસરે સુખદેવભાઈને “ગેટ આઉટ” કહીને બહાર કાઢી મુક્યા.

સુખદેવભાઈ આ પછી તા. ૨૧-૨-૧૩ના રોજ ભારતીય હાઈકમીશ્નરના નામે એક  પત્ર લખીને એમના નીવાસસ્થાને હાથોહાથ આપી આવ્યા. હાઈકમીશ્નર તરફથી એનો જવાબ તા. ૨૫-૨-૧૩ના રોજ મળ્યો, જેમાં સૌ પ્રથમ તો જણાવવામાં આવ્યું હતું:

“તમને પડેલી મુશ્કેલી બદલ હું માફી ચાહું છું.”

હવે અહીં સરખામણી કરો – કામ કરનાર સરકારી કર્મચારી અને જેના માટે એ કામ કરે છે તે બોસના વર્તનની.

ભારતમાં સરકારી કર્મચારી માટે આચારસંહીતા અંગે હાલમાં જ મારા વાંચવામાં નીચે મુજબ આવ્યું છે.

(સરકારી ખાતાંઓ માટે સુચના)

“જાહેર જનતા સાથેના વ્યવહારમાં ક્યાંય અવીનય, તોછડાપણું કે બીનજરુરી કઠોરતા પેસી ન જાય તે જોવું. લોકશાહીમાં કદાચ કોઈ પ્રજાજનના વર્તનમાં તોછડાઈ, ક્રોધ કે અધીરાઈ દેખાય, તો પણ સરકારી અધીકારીએ પોતે ધીરજ રાખી, ગૌરવ જાળવી સામે શીષ્ટતા જ દાખવવી રહી. સહાનુભુતી કે સમભાવ સરકારી અધીકારીઓનો એક આવશ્યક ગુણ હોવો ઘટે અને તે રુબરુ મુલાકાત વેળા તેમ જ લખાણમાં સૌજન્યરુપે પ્રગટ થવો જોઈએ.”

સરકારી ખાતાની આ સુચનાને પેલા વીઝા ઑફીસર ભાઈ ધોઈને પી ગયા લાગે છે.

Advertisements