Posts Tagged ‘વજન ઉતારનાર ૧૨ ભારતીય આહાર’

વજન ઉતારનાર ૧૨ ભારતીય આહાર

જૂન 19, 2017

વજન ઉતારનાર ૧૨ ભારતીય આહાર

ધ ટાઈમ્સ ઑફ ઈન્ડીઆના સૌજન્યથી (બ્લોગ પર તા. 19-6-2017 )

ઈશા સરકાર (મુંબઈ મીરર), ૧૨ જાન્યુઆરી ૨૦૧૧

બી. જે. મિસ્ત્રીના અંગ્રેજી ઈમેલ પરથી

આરોગ્યવર્ધક ઓછી ચરબી ધરાવનાર આહાર માટે તમારે કંઈ ઑલીવ ઑઈલ, સમુદ્રસેવાળ (sea weeds) કે સોયાબીન પર જ આધાર રાખવો પડે એવું નથી. ભારતીય આહાર પણ આરોગ્યદાયી હોય છે, જો એ તંદુરસ્ત અને હૃદયને ફાયદાકારક પદાર્થોને તેલમાં રાંધીને તૈયાર કર્યો હોય તો.

આયુર્વેદાનુસાર આપણી કુદરતી તલપને સંતોષવા અને તંદુરસ્તી જાળવવા દરરોજ છએ છ સ્વાદ – મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તુરા – નો આપણા આહારમાં  સમાવેશ કરવો જોઈએ. અહીં એવા ૧૨ પદાર્થો જણાવવામાં આવ્યા છે જે વજન ઘટાડવામાં મદદ કરશે ઉપરાંત તંદુરસ્તી જાળવશે.

હળદર: એમાં કર્ક્યુમીન નામનું રસાયણ હોય છે, જે હૃદયને નુકસાન કરનાર જીન્સને દુર કરે છે. આ બાબત વધુ સંશોધન થઈ રહ્યું છે. હળદરનું નીયમીત સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દુર થાય છે અને લોહીના ઉંચા દબાણમાં લાભ થાય છે. લોહીનું પરીભ્રમણ સુધરે છે, લોહીના ગઠ્ઠા જામતા નથી, આથી હાર્ટ એટેક સામે રક્ષણ મળે છે.

એલચી: તાસીરે ગરમ એવા આ તેજાનામાં ચયાપચય સુધારવાનો અને શરીરની ચરબીનું દહન કરવાનો ગુણ છે. એલચી સૌથી ઉત્તમ પાચન સુધારનાર ગણાય છે. એનાથી પાચનમાર્ગના અવયવો સુંવાળા થાય છે. બીજા આહારને વધુ અસરકારક રીતે પચાવવામાં શરીરને સહાય કરે છે.

મરચાં: મરચાંવાળી વાનગી ચરબીનું દહન કરનાર ગણાય છે. મરચામાં રહેલું કેપ્સીકન નામનું તત્ત્વ ચયાપચયમાં મદદ કરે છે. કેપ્સીકન ઉષ્ણતાજનક છે આથી મરચું ખાધા પછી ૨૦ મીનીટ બાદ શરીરને કેલરી બાળવામાં ઉત્તેજીત કરે છે.

કઢીલીમડો: દરરોજના આહારમાં કઢીલીમડાનાં પાદડાં વાપરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ પાંદડાંથી ચરબી અને હાનીકારક પદાર્થો દુર થાય છે, શરીરમાં જમા થયેલા ચરબીના થર ઓગળે છે, ઉપરાંત ખરાબ કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે. જો તમારું વજન વધુ પડતું હોય તો દરરોજના આહારમાં આઠથી દસ કઢીલીમડાનાં પાન લેવાનું રાખો. એને ઝીણાં સમારીને કોઈ પણ પીણામાં કે ભોજનમાં નાખી શકાય.

લસણ: લસણમાં એલીસીન નામનું રસાયણ હોય છે. એ ચરબી બાળનાર અસરકારક તત્ત્વ છે. વળી એ જંતુનાશક પણ છે. લસણ કૉલેસ્ટ્રોલ અને હાનીકારક ફેટ દુર કરે છે.

રાઈનું તેલ: બીજાં તેલોની સરખામણીમાં રાઈના તેલમાં અસંપૃક્ત ચરબીનું પ્રમાણ ઓછું છે. એમાં એન્ટીઑક્સીડન્ટ પદાર્થ રહેલા છે અને મહત્વનાં વીટામીન છે. એ કૉલેસ્ટ્રોલ દુર કરે છે, જેનાથી હૃદયને લાભ થાય છે.

કોબીજ: કાચી કે રાંધેલી કોબીજ ખાંડ અને બીજા કાર્બોદીત પદાર્થોને ચરબીમાં પરીવર્તીત થતા અટકાવે છે. આથી વજન ઘટાડવામાં એ ઘણું મહત્ત્વ ધરાવે છે.

મગની દાળ: ફણગાવેલા મગમાં (વૈઢુંમાં) સારા પ્રમાણમાં વીટામીન એ, બી, સી અને ઈ હોય છે અને કેલ્શ્યમ, આયર્ન અને પોટેશ્યમ જેવા ઘણા ક્ષાર (મીનરલ્સ) હોય છે. વજન ઉતારવામાં બીજા કેટલાક આહારને બદલે આની ભલામણ કરવામાં આવે છે, કેમ કે એમાં બહુ જ નજીવા પ્રમાણમાં ચરબી હોય છે. એમાં પ્રોટીન અને રેસાનું પ્રમાણ ઘણું સારું હોય છે, જેનાથી કૉલેસ્ટ્રોલ ઘટે છે. રેસાનું ઉચ્ચ પ્રમાણ જટીલ કાર્બોદીતનું નીર્માણ કરે છે, જેથી પાચનક્રીયા સુધરે છે, રક્તશર્કરા વધતી નથી અને ખાધા પછી એમાં એકાએક ઉછાળો આવતો નથી.

મધ: વજન ઉતારવાની આ ઘરગથ્થુ દવા છે. શરીરમાં વધારાની જમા થયેલી ચરબીને એ ગતીશીલ કરી શરીરનાં સામાન્ય કાર્યો માટે શક્તી પુરી પાડવા પહોંચાડે છે. વજન ઉતારવા માટે વહેલી સવારે ૧૦ ગ્રામ એટલે એક ચમચી મધ ગરમ પાણીમાં લેવું.

છાસ: માખણ માટે દહીં વલોવ્યા પછી જે કંઈક ખાટું પ્રવાહી રહે છે તે છાસ.  એમાં માત્ર ૨.૨ ગ્રામ ફેટ હોય છે અને લગભગ ૯૯ કેલરી, જ્યારે દુધમાં ૮.૯ ગ્રામ ફેટ અને ૧૫૭ કેલરી હોય છે. એનું નીયમીત સેવન કરવાથી શરીરને જરુરી બધાંજ તત્ત્વો મળે છે, અને શરીરમાં વધારાની ચરબી અને કેલરી ઉમેરાતી નથી હોતી. આ રીતે વજન ઉતારવામાં એ સહાયક થાય છે.

કણસલાવાળાં ધાન્ય: જુવાર, બાજરી, રાગી જેવાં ધાન્યોમાં રેસાનું સારું પ્રમાણ છે. એનાથી કૉલેસ્ટ્રોલ શોષાય છે, અને પીત્તરસનું પ્રમાણ વધે છે, આથી ચરબી પચાવવામાં મદદ મળે છે.

તજ અને લવીંગ: ભારતીય રસોઈમાં એનો ઘણો વપરાશ થાય છે. આ તેજાના ઈન્સ્યુલીનના કાર્યમાં વધારો કરે છે, આથી ગ્લુકોઝનું સ્તર નીચું રહે છે. કુલ કૉલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે, અને એ રીતે ટાઈપ ૨ ડાયાબીટીસમાં ફાયદો થાય છે.

Advertisements