Posts Tagged ‘વાળ’

નાળીયેર

મે 24, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નાળીયેર

नारिकेलफलं शीतं दुर्जरं बस्तिशोधनम् |

विष्टंभि बृहणं बल्यं वातपित्तास्रदाहनुत ||

નાળીયેર શીતળ, દુર્જર (પચવામાં ભારે) બસ્તીશોધક-મુત્રાશયની શુદ્ધી કરનાર, મળ રોકનાર, બૃંહણ-વજન વધારનાર, બળકારક અને વાયુ, પીત્ત અને રક્તવીકાર-લોહીબગાડ તથા દાહ-બળતરા મટાડનાર છે.  કોપરું બળ આપનાર, ઠંડું અને વજન વધારનાર છે. કોપરાના અનેકવીધ ઉપયોગો છે. તેનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, અમ્લપીત્ત, અરુચી, રક્તપીત્ત, ક્ષય, ઉલટી વગરેમાં કોપરાપાક અપાય છે. નારીયેળનું દુધ કોલેરામાં આપવાથી ઉલટી બંધ થાય છે. નારીયેળના છોડામાંથી કાઢેલો કાથો તકીયા, ગાદલા, ખુરશી વગેરેમાં ભરવામાં ઉપયોગી છે. નારીયેળનું તેલ વાળને વધારે છે તેટલું જ નહીં, વાળને તે કાળા અને સુંવાળા પણ બનાવે છે.

લીલું કોપરું સ્વાદીષ્ટ અને ટોનીક છે. કોપરેલ બળ આપનાર, વજન વધારનાર, વાળ માટે સારું, વાયુ અને પીત્તને હરનાર, પચ્યા પછી મધુર અને સોરાયસીસમાં તથા બીજા ચામડીના રોગોમાં ખુબ સારું છે. એ ખરજવું અને બીજા ચામડીના કષ્ટસાધ્ય અને અસાધ્ય રોગોમાં ઉપયોગી છે. કોપરેલ ઠંડું હોવાથી માથામાં નાખવાથી વાળ કાળા, સુંવાળા અને લાંબા થાય છે તથા ખરતા અટકે છે.

કુમળુ નાળીયેર પીત્તજ્વર અને પીત્ત મટાડનાર છે. એ પચવામાં ભારે, મુત્રાશયને સાફ કરનાર, ઝાડાને રોકનાર, પુષ્ટી અાપનાર, બળ અાપનાર, વાયુ, પીત્ત, લોહીબગાડ કે રક્તપીત્ત અને દાહ મટાડનાર છે. નાળીયેરનું પાણી ઠંડુ, હીતકારી, અગ્નીને પ્રદીપ્ત કરનાર, વીર્ય વધારનાર, પચવામાં હલકું, તરસ મટાડનાર અને નવા કોષોની ઉત્પત્તીને વેગ આપનાર છે.

નાળીયેર હૃદય માટે હીતકારી, પચવામાં ભારે, વીર્ય તેમ જ કામશક્તી વધારનાર, તરસ તથા પીત્તને મટાડનાર અને મુત્રમાર્ગને સ્વચ્છ કરનાર છે.

મોટાં લીલાં દસ નાળીયેરનું પાણી કાઢી ઉકાળવું. મધ જેવું ઘટ્ટ થાય ત્યારે ઉતારી તેમાં સુંઠ, મરી, પીપર, જાયફળ અને જાવંત્રીનું ચુર્ણ બરાબર ભેળવી બાટલીમાં ભરી લેવું.  આ ઔષધ સવાર-સાંજ અર્ધીથી એક ચમચી જેટલું લેવાથી અમ્લપીત્ત-એસીડીટી, પીત્તના રોગો ઉદરશુળ અને બરોળવૃદ્ધી મટે છે.

નાળીયેર ગુરુ, સ્નીગ્ધ, પીત્તશામક, મધુર, શીતળ, બળપ્રદ, માંસપ્રદ, પોષક, શરીરનું વજન વધારનાર, મુત્રશોધક અને હૃદય માટે પોષક છે. નાળીયેરનું પાણી શીતળ, હૃદયને પ્રીય, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, શુક્રવર્ધક, તરસ અને પીત્તને શાંત કરનાર, મધુર અને મુત્રાશયને સારી રીતે શુદ્ધ કરનાર છે. નાળીયેર માંસ અને કફની પુષ્ટી કરે છે. ટ્રીપ્ટોફેન અને લાઈસીન એ બે એમીનો એસીડ નાળીયેરમાં છે. આથી શરીરમાં નવા કોષોના નીર્માણ માટે નાળીયેર ઉપયોગી છે.

(૧) તાજા કોપરાને છીણી કપડા વડે નીચોવી જે પ્રવાહી નીકળે તે નાળીયેરનું દુધ ક્ષયહર છે. એ કોડલીવર ઑઈલ જેવું પૌષ્ટીક છે. અમેરીકા જેવો દેશ પણ ટી.બી.માં શરીરની પુષ્ટી માટે એનો ઉપયોગ કરે છે.

(૨) ક્ષયરોગમાં માથું દુખતું હોય તો નાળીયેરનું પાણી અથવા નાળીયેરનું દુધ સાકર નાખી પીવાથી લાભ થાય છે.

(૩) હાઈપર એસીડીટીમાં આ પાણી અત્યંત પથ્ય અને સુપાચ્ય છે. જ્વરની તરસમાં પણ તે હીતકર છે.

(૪) આહાર પચવાના સમયે એટલે કે જમ્યા પછી અઢી-ત્રણ કલાકે પેટમાં થતા દુખાવાને પરીણામશુળ કહે છે. પાણીવાળા નાળીયેરની આંખ ફોડી આંખેથી તેમાં ઠાંસોઠાંસ મીઠું(બને તો સીંધવ) ભરી દેવું. પછી તેને કાપડમાં વીંટાળી માટીનો લેપ કરી સુકવવું. સુકાયા પછી અડાયા છાણાની ભઠ્ઠીમાં શેકવું. શેકાયા પછી અંદરનો ભાગ કાઢી તેને બારીક લસોટી ચુર્ણ બનાવવું. આ ચુર્ણ ૧.૫ ગ્રામ અને લીંડીપીપરનું ચુર્ણ ૦.૫ ગ્રામ મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી ત્રણે દોષથી થયેલ પરીણામશુળ મટે છે.