Posts Tagged ‘૬૦-૬૫ વર્ષ પહેલાંની વાત’

૬૦-૬૫ વર્ષ પહેલાંની વાત

ડિસેમ્બર 14, 2013

૬૦-૬૫ વર્ષ પહેલાંની વાત

 

લગભગ ૬૨ ઘરો અને વસ્તી લગભગ ૧૭૯ માણસોની એટલે કે દરેક ઘરમાં સરેરાશ માત્ર ૩ માણસોવાળા મારા ગામના બહુ થોડા નાના સરખા ભાગની જ આ વાત છે,  કેમ કે મોટા ભાગનાં લોકો પરદેશમાં વસવાટ કરતાં હતાં, કરે છે. મને ન્યુઝીલેન્ડમાં ૩૯ વર્ષ થયાં છે. આ વાતો છે ૬૦-૬૫ વર્ષ પહેલાંની. અમારા ગામમાં જેમ વ્યક્તીઓને ઉપનામો આપવામાં આવતાં તેમ અમારા વીસ્તારમાં બધે જ એમ થતું કે કેમ તેની મને માહીતી નથી. આજે પણ તે સમયમાં જેટલા પ્રમાણમાં આવાં નામો આપવામાં આવતાં તે પ્રમાણમાં ચાલુ છે કે કેમ તે પણ હું જાણતો નથી. આવાં નામો તે સમયે આપવામાં આવતાં એની આવનારી પેઢીઓને જાણ થાય એ માટે જે યાદ છે તે રજુ કરું છું. એમાં કોઈની ટીકા કરવાનો આશય નથી, કે ન તો કોઈને બદનામ કરવાનો હેતુ છે. અને કોઈએ બંધબેસતી પાઘડી પણ પહેરી ન લેવા વીનંતી.

સૌ પ્રથમ એક જ પ્રકારની ખોડખાંપણમાં પણ બે અલગ અલગ વ્યક્તીઓને કેવાં જુદાં નામો આપવામાં આવેલાં તે જોઈએ.

એક કાકાનો એક પગ જન્મથી જ ખોડો હતો. તેમને નામ મળ્યું મન્યો લંગડો. તે સમયે લોકો મનુભાઈ જેવા સુંદર નામને બગાડીને મન્યો કરી દેતાં. આજે એવું થાય છે કે કેમ તેની મને ખબર નથી. બીજા એક ભાઈને પણ એક પગમાં ખોડ હતી. એમને નામ આપવામાં આવેલું દામજી ખોડો. આ તફાવતનાં કારણો હું જાણતો નથી, પણ દામજીભાઈ વીષે સાંભળેલું કે ખાતર કાઢ્યા પછી ઉકરડાનો જે ખાડો હતો તે કુદી જવાની એમણે શરત બકેલી અને કુદવા જતાં ખાડામાં પડી ગયેલા, અને એ રીતે પગ ભાંગ્યો હતો.

પણ આ નામ બગાડવાની વાત આવી તો એક ભાઈનું નામ ખુબ સુંદર હતું – ધીરજભાઈ કે ધીરુભાઈ. એનું ‘ઢેકો’ નામ શી રીતે કરી દીધું હશે એ તો મને સમજાતું જ નથી. એમના પુત્રોનાં નામ પાછળ પણ પછી લોકોએ આ ‘ઢેકો’ નામ જોડી દીધું હતું. જેમ કે શીરીષ ઢેકો. શીરીષ એમના પુત્ર. બીજા ધીરજભાઈ કે ધીરુભાઈ પણ હતા, પણ તેમાંથી કોઈનું નામ આ રીતે બગાડવામાં કે બદલવામાં આવ્યું ન હતું. એમનું નામ કેમ બગાડવામાં આવ્યું હશે તે મારા માટે એક કોયડો(મીસ્ટરી) છે.

 

આ ધીરુ નામ સાથે જોડાયેલ એક જોક યાદ આવ્યો :

એક કાકા પર ફોન આવે છે :

કાકા : હલો, હલો! કોણ બોલે છે?

ધીરુ : એ તો હું ધીરુ બોલું છું.

કાકા : કોણ? કોણ બોલે છે? ધીરુ કેમ બોલે છે? મોટેથી બોલ ને.

ધીરુ : હા, કાકા, એ તો હું ધીરુ બોલું છું, ધીરુ, ધીરુ.

કાકા : અલ્યા ધીરુ શું જખ મારવા બોલે છે? મોટેથી બોલતાં શું થાય?

 

મનુકાકાની ઉંમર દામજીભાઈ કરતાં વધુ હતી. દામજીભાઈ પણ મારા કરતાં ઉમ્મરમાં ઘણા મોટા હતા.  મનુકાકાનાં બધાં જ બાળકો મારા કરતાં ઘણાં મોટાં. આથી મનુકાકાને જન્મથી ખોડ હોવા છતાં એમનું લંગડો ઉપનામ ક્યારથી શરુ થયું હશે તે હું જાણતો નથી. કદાચ અલગ અલગ રીતે આવેલી ખોડને કારણે અલગ નામો હશે? ખાડો કુદવાને લીધે આવેલી ખોડને યાદ રાખવા દામજી ખોડો? કે બંનેની ચાલવાની અલગ અલગ સ્ટાઈલને લીધે અલગ નામો હશે? મને ખ્યાલ છે ત્યાં સુધી મનુકાકાને ચાલવામાં લાકડીનો સહારો લેવો પડતો, જ્યારે દામજીભાઈ લાકડીની મદદ વીના પણ ચાલી શકતા. જો કે અમુક જાહેર પ્રસંગોએ તો દામજીભાઈ લાકડી સાથે રાખતા એવું સ્મરણ છે. તે સમયે આધેડ કે વૃદ્ધ લોકો ખાસ પ્રસંગોએ ચોક્કસ પ્રકારની લાકડી રાખતા એ રીતે પણ દામજીભાઈ કદાચ લાકડી રાખતા એમ બને, ચાલવાના સહારા માટે નહીં.

બીજા બે જણા જેમના બંનેના ઉપલા હોઠ જન્મથી જ થોડા થોડા કપાયેલા હતા. અમારે ત્યાં એને રાવળા પુરુષ કહેવામાં આવે છે. એમાં એક કાકાનો હોઠ વધુ પડતો, ઠેઠ નાક સુધી કપાયેલ હતો, જ્યારે બીજા ભાઈનો હોઠ થોડો ઓછો. આથી બુધીભાઈ ગુંગણું બોલતા અને એમને કહેતા બુધો લવો, પણ કાનજીભાઈને બોલવામાં કોઈ તકલીફ ન હતી, આથી એમને કાનજી ખાંડો કહેતા.

એક જણ બધા ભાઈઓમાં સૌથી નાના હતા. એમની માને પોતાનો એ નાનો દીકરો બહુ વહાલો. મા કદાચ કહેતાં કે એ દીકરો તો મારો નવાઈનો છે. બસ, નામ પડી ગયું રામજી નવાઈ. આ પછી એમને બધા રામજી નવાઈને નામે જ ઓળખવા લાગ્યા.

એક કાકા મોહનભાઈને બે પુત્રો હતા. એકનું નામ વીઠ્ઠલભાઈ અને બીજાનું નામ સુરેશભાઈ. વીઠ્ઠલભાઈને લોકો વીઠ્ઠલ અસલ કહેતા. બહુ મોડી મોડી મને આ નામ કેમ અપાયેલું તેની ખબર પડી. મોહનકાકાનાં સુરેશભાઈનાં બા સાથે બીજી વખતનાં લગ્ન હતાં. એટલે કે સુરેશભાઈ આ મોહનકાકાના દીકરા ન હતા, એમનાં બા એમનાં પ્રથમ લગ્નના પુત્રને પોતાની સાથે લાવ્યાં હતાં. માત્ર વીઠ્ઠલભાઈ જ કાકાના પુત્ર તો હતા. આમ મોહનકાકાના ખરેખરા પુત્ર વીઠ્ઠલભાઈ જ છે એ હકીકત દર્શાવવા લોકોએ વીઠ્ઠલ અસલ કહેવાનું શરુ કર્યું હતું. આપણી હીન્દુ સંસ્કૃતી પીતૃપ્રધાન સંસ્કૃતી હોવાને કારણે પીતાનો વંશ પુત્ર દ્વારા જ આગળ ચાલે છે એમ માનવામાં આવે છે. જો કે બંને ભાઈઓના નામ સાથે પીતા તરીકે તો મોહનભાઈ જ બોલાતું, વીઠ્ઠલભાઈ મોહનભાઈ અને સુરેશભાઈ મોહનભાઈ.

બીજું એક નામ યાદ આવે છે. એમનું નામ હતું સોમાભાઈ. લોકો એને સોમો ‘જીયો’ કહેતા. એનું કારણ હું જાણતો નથી, અને આ ‘જીયો’ શબ્દ કયા અર્થમાં લોકો વાપરતા તે પણ મને ખબર ન હતી. કેમ કે સોમાભાઈનું આખું નામ સોમાભાઈ રણધીરભાઈ પટેલ હતું. પણ ગુજરાતી લેક્સીકોનમાં જોયું તો ‘લાડકો’, ‘વરરાજા’ એવો ‘જીયો’ શબ્દનો અર્થ આપેલો છે. એ અર્થમાં આ શબ્દ અમારા  વીસ્તારમાં તે સમયે વપરાતો હશે કે કેમ અને એટલા માટે નામ પડ્યું હશે કેમ એ બાબત હું કશું કહી શકું નહીં, અને આજે તો આ અંગે કોઈ પ્રકાશ પાડી શકે તેવું હોવાની શક્યતા જણાતી નથી. કેમ કે એ નામધારી કાકાનું અવસાન મારા ખ્યાલ મુજબ ૧૯૮૭માં થયેલું, અને એમના પુત્રની ઉમ્મર પણ લગભગ મારી ઉમ્મર જેટલી હતી, અને એમના એ પુત્ર પણ ઘણાં વરસ પહેલાં ગુજરી ગયા છે.

મારા દાદાના કાકાનું નામ હતું કાળીદાસ. અમારું ઘર સાધારણ ટેકરા પર હતું. આજે ટેકરા જેવું કશું રહ્યું નથી, લગભગ રસ્તાની સપાટીએ ઘરો છે. કહો કે રસ્તો ઘરની સપાટીએ આવી ગયો છે – માટીપુરાણ  કરવાને લીધે. આ માટીકામ દ્વારા ગામમાં જ્યાં ઉંડી નાળ હતી તે પુરી દેવાનો ખ્યાલ મારા ખાસ મીત્ર સરપંચ હતા ત્યારે તેમને આવેલો અને ગામની અમુક સ્થળોની તાસીર જ એમણે બદલી નાખી હતી. મારા બાળપણમાં નદીની રેલનાં પાણી અમારા ઘર સુધી એક વાર આવેલાં મેં જોયેલાં. રસ્તો એટલો બધો નીચો હતો – ઉંડી નાળ હતી. સાઈકલ પર સવાર થઈને અમારા ઘરનો ટેકરો ચડવામાં ઘણી મુશ્કેલી રહેતી. અમારો આ ટેકરો કારાવાળાના ટેકરા તરીકે ઓળખાતો. આજે હજુ એ નામ ચાલુ છે કે કેમ તેની ખબર નથી. પણ પાંચમી પેઢીએ મારા પીતરાઈ ભાઈના એક પુત્રને લોકો કારીયા તરકે ઓળખે છે. એનું નામ ‘કારીયો’ નથી. પણ એ નામે એ ઓળખાય છે. એમાં મને આશ્ચર્ય એ બાબત છે કે એનું નામ વીનય, પણ એને વીનય કારીયો નથી કહેતા, માત્ર ‘કારીયો’ કહે છે. જેમ કે “કારીયો આજે કેમ દેખાતો નથી?” અને હા, એ કંઈ વાને શામળો તો નથી જ.

આ નામની વાત સાથે બીજા એક નામ વીશે. કોણ જાણે કેમ પણ એ સમયે અમારી આ નાની સરખી જગ્યામાં ‘ગાંડાભાઈ’ નામધારી ભાઈઓ મને યાદ આવે છે તે મુજબ સાત જણા હયાત હતા. તેમ ડાહ્યાભાઈ પણ સાત મારા ખ્યાલમાં આવે છે, કદાચ વધુ પણ હોય. અને આ તો ૧૭૯ માણસોની વસ્તી, જેમાં બહેનોનો પણ સમાવેશ થાય છે. અને એ સમયે જે હયાત હતા એમનાં જ નામ.

બહેનોનો ઉલ્લેખ થયો તો એક કાકીનું નામ યાદ આવે છે. એમને લોકો ‘પલકડી’ કહેતાં. એ નામ શી રીતે લોકોએ પાડ્યું હશે અને એનો અર્થ શું થાય એ બાબતમાં હું સાવ અજ્ઞાન છું. એમનું નામ તો ખુબ સુંદર હતું, સુશીલા કાકી. તો લોકો એને સુશીલા પલકડી કેમ કહેતા? સાથે સાથે એક કાકાનો ઉલ્લેખ કરી લઉં. એમણે જીદંગીભર કદી પગરખાં પહેર્યાં ન હતા. આથી તેઓ ‘અઢવણ’ તરીકે ઓળખાતા. એમના પગરખાં ન પહેરવા પાછળના કારણની પણ મને જાણ નથી. કદાચ વર્ષો પહેલાં હતી, પણ અત્યારે કશું યાદ આવતું નથી.

બીજું એક નામ ભંગીયો છીપકો. ખરેખર એ કાકાનું નામ હતું ભાણાભાઈ છીબાભાઈ. એનું આવું ભાણાભાઈનું ભંગીયો અને છીબાભાઈનું છીપકો કેમ  થયું હશે કે લોકોએ કરી દીધું હશે એનું મને ખરેખર આશ્ચર્ય થાય છે. મારા ખ્યાલ મુજબ આ કાકા સારા સ્વભાવના હતા.

ફરીથી જણાવવાનું કે કોઈ પણ વ્યક્તીની ટીકા, નીચાજોણું કે ખણખોદ માટે આ લખ્યું નથી. અહીં દર્શાવેલ નામધારી સહુ વ્યક્તીઓ માટે મને માન અને આદર હતાં અને છે.

Advertisements