ઈસબગુલ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઈસબગુલ : ઈસબગુલ ગુજરાતમાં ઉંઝાની આસપાસ ખુબ થાય છે. એને ઓથમી જીરુ, ઉમતી જીરુ, ઉંટીયું જીરુ, ઘોડા જીરુ, ઈસબગોળ વગેરે પણ કહે છે. ઈસબગુલને મશીનમાં ભરડવાથી જે સફેદ છોતરાં અલગ થાય છે એ જ ઈસબગુલની ભુસી. ઈસબગુલ કબજીયાત, રક્તાતીસાર, ઉનવા, બળતરા, દાહ, તૃષા અને રક્તપીત્તનો નાશ કરે છે. ઈસબગુલ મરડાનું ઉત્તમ ઔષધ છે. વળી એ કામશક્તી વધારનાર, મધુર, ગ્રાહી, શીતળ અને રેસાવાળું છે.

(૧) બહુમુત્રતામાં સાદા પાણી સાથે કાયમ સવાર, બપોર, સાંજ ૧-૧ ચમચો ઈસપગુલ ફાકવું.

(૨) એક ચમચી ઈસબગુલ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી તેમાં એક ચમચી બદામનું તેલ અને સાકર નાખી પીવાથી રેચ લાગી પેટની શુદ્ધી થાય છે.

(૩) એક ચમચી ઈસબગુલ અડધા ગ્લાસ ઉકળતા પાણીમાં નાખી ઢાંકી દેવું અને ઠંડુ પડવા દેવું. પછી તેમાં સાકર નાખી પીવાથી રક્તપ્રદર, અત્યાર્તવ, રક્તાતીસાર અને રક્તપ્રમેહ મટે છે. આ રોગોમાં થતો રક્તસ્રાવ મટે છે. આ ઉપચારથી અન્ય પ્રદર રોગોમાં પણ ફાયદો થાય છે.

(૪) એક ચમચી ઈસબગુલ અને એક ચમચી સાકર મેળવી રોજ રાત્રે દુધમાં નાખી પીવાથી થોડા દીવસોમાં જ વર્ષો જુની કબજીયાત મટે છે અને આંતરડામાં ચોંટેલા મળનો નીકાલ થાય છે.

(૫) બે ભાગ ઈસબગુલ, એક ભાગ એલચીદાણા અને ત્રણ ભાગ ખડી સાકર રાત્રે પાણીમાં ભીંજવી રાખી, સવારે મસળી, ગાળી પીવાથી ધાતુવૃદ્ધી તથા ધાતુપુષ્ટી થાય છે.

(૬) ઈસપગુલની ભુસી એક-બે ચમચી દુધમાં મેળવી સાકર નાખી મીશ્ર કરી તરત જ રાત્રે પીવાથી જુનો મરડો, કબજીયાત, આંતરડાનાં અલ્સર-ચાંદાં, આંતરડાની ગરમી તથા વાયુના રોગોમાં લાભ થાય છે.

(૭) બેથી ત્રણ ચમચી ઈસબગુલ રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી રાખી સવારે ખુબ મસળી ગાળી બે ચમચી ખડી સાકર મીશ્ર કરી પીવાથી જ્વરાતીસાર, રક્તાતીસાર (અલ્સરેટીવ કોલાયટીસ), જીર્ણાતીસાર, દુઝતા એટલે કે રક્તસ્રાવી હરસ-મસા, સર્વ પ્રકારના પ્રમેહ, દાહ, આંતરીક બળતરા, અને જુની કબજીયાત મટે છે.

(૮) બે ચમચી ઈસબગુલની ભુસીમાં એક ચમચી ખડી સાકર મીશ્ર કરી રોજ રાત્રે ફાકી જઈ ઉપર એક ગ્લાસ નવશેકું દુધ પીવાનો ઉપચાર એક-બે મહીના કરવાથી આંતરડામાં ચોંટી ગયેલો મળ દુર થાય છે. આંતરડાનું કાર્ય નીયમીત થવાથી અને જુનો મળાવરોધ દુર થવાથી કબજીયાત મટે છે. મળ સાફ ઉતારનાર અને કબજીયાત મટાડનારા ઔષધોમાં ઈસબગુલ ઉત્તમ ઔષધ છે.

ટૅગ્સ: ,

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.