Archive for the ‘આરોગ્ય’ Category

અમ્લપીત્તનો (એસીડીટીનો) ઈલાજ

મે 11, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

એસીડીટી શાંત કરવાનો એક સહેલો અને અસરકારક ઉપાય ઠંડું દુધ છે. એક ગ્લાસ માત્ર ઠંડુ દૂધ ખાંડ કે બીજું કશું પણ નાખ્યા વીના પીવાથી એસીડીટીમાં રાહત થાય છે.

થોડો ગોળ ખાઓ

પેટની ગરમીમાં ગોળ ખાવાથી પણ આરામ થાય છે. ગોળ ખાધા પછી એક ગ્લાસ પાણી પીવું. જો ગોળ ખાધા પછી એક સામાન્ય ગ્લાસ કરતાં ઓછું પાણી પીશો તો કફ થઈ શકે છે. તો ગોળ ખાઈને એક ગ્લાસ ભરીને પાણી પીવાથી પેટ તરત જ ઠંડુ થઈ જશે અને એસીડીટી દુર થઈ જશે.

જીરુ અને અજમો પણ અસરકારક છે

 અજમાની તાસીર ગરમ છે પણ જીરુ ઠંડુ છે. જો પેટમાં એસીડીટી કે બળતરા થતી હોય તો, એક ચમચી જીરૂ અને અજમો લઇને પેનમાં શેકી લો. જ્યારે બંને ઠંડા થાય ત્યારે તેમાંથી અડધી ચમચી લઈ એક ચમચી સાકર સાથે ખાઓ. ભોજન પછી બાકીની અડધી ચમચી એક ચમચી સાકર સાથે લેવી. આ પછી તરત પાણી પીવું નહીં, પણ ઓછામાં ઓછી દસ મીનીટ પછી બહુ જ ઓછા પ્રમાણમાં પાણી પી શકો.

આંજણી 

એપ્રિલ 27, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

(૧) હળદર અને લવીંગને પાણીમાં ઘસીને પાંપણ પર લગાડવાથી ત્રણ દીવસમાં આંજણી મટી જાય છે.

(૨) ચણાની દાળને વાટીને પાંપણ પર લગાડવાથી આંજણી મટે છે.

(૩) મરી પાણીમાં ઘસી આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફુટી જાય છે.

(૪) ત્રીફળાથી સીદ્ધ કરેલું ઘી સવાર-સાંજ બબ્બે ચમચી લેવાથી રતાંધળાપણું દુર થાય છે. આંખોનું તેજ વધે છે. આંખની આસપાસ ખંજવાળ, ઝાંખપ, આંજણી, આંખોની બળતરા-ગરમી તથા કબજીયાત દુર થાય છે.

સામાન્ય ચેપને કારણે આંજણી ન થાય એ માટે સ્વચ્છતા જાળવવી બહુ જરૂરી છે.

આંખની પાંપણ પર અને ખુણામાં ચેપ લાગે છે. ત્યારે તે ભાગ ઉપસી આવે છે. આંખની પાંપણના વાળના મુળમાં પણ ચેપ લાગે છે.

૩૦થી ૫૦ વર્ષની વચ્ચેનાં લોકો અને નાનાં બાળકોમાં આ તકલીફ જોવા મળે છે.

લક્ષણો: અસરગ્રસ્ત આંખ લાલ થાય તે આંજણીનું પહેલું લક્ષણ છે. આંજણી થઈ હોય તે ભાગ ઉપસી આવે તે અગાઉ તે જગ્યાએ દુખાવો થાય અને તે ભાગ નરમ થઈ જાય. આંખમાં ખંજવાળ આવે છે, પાંપણ સુજી જાય છે, આંખની પાંપણની ઉપર કે અંદરની બાજુ એક ફોડલી ઉપસી આવે છે.

મોટા ભાગની આંજણી તો આપમેળે જ સારી થાય છે.

કેટલીક વાર આંજણી મટાડવાની દવા લગાડવાથી પણ એ વારંવાર થતી હોય છે. અને સુર્યપ્રકાશ કે ટ્યુબલાઈટનો વધુ પડતો પ્રકાશ પણ સહન થઈ શકતો હોતો નથી.

આંખોનું તેજ વધારવા

એપ્રિલ 20, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

માણસ જેમ વૃદ્ધ થાય તેમ એની આંખો નબળી પડે છે. દૃષ્ટીક્ષમતા ઘટતાં ધીમે ધીમે એને ડ્રાઈવીંગ કરવામાં તથા પુરતો પ્રકાશ ન હોય ત્યારે વાંચવામાં મુશ્કેલી પડવાની શરુ થાય છે. એમાં કેસર બહુ મદદ કરી શકે છે. કેસરના ઉપયોગ દ્વારા આંખોનું તેજ 97% જેટલું વધારી શકાય છે! એ એક હકીકત છે કે આપણી આસપાસની દુનીયાની 90% માહીતી આપણે આપણી આંખોની મદદથી મેળવીએ છીએ. દૃષ્ટી નબળી પડતાં દરરોજનાં કામો કરવામાં જેમ કે સવારે ચાલવા જવું કે સમાચાર પત્ર વાંચવામાં મુશ્કેલી શરુ થાય છે.

એ ખરું કે વીજ્ઞાન અને ટેક્નોલોજીએ કરેલી પ્રગતી વડે કોન્ટેક્ટ લેન્સ અને ચશ્મા વડે એમાં રાહત મળી શકે, પણ એનાથી કંઈ દૃષ્ટીશક્તી આપણને પાછી મળી શકતી નથી, માત્ર કામચલાઉ રાહત જ આપે છે.

સિલ્વીઆ બીસ્ટી નામના વૈજ્ઞાનીકે એક કુદરતી ઉપાય આ અંગે શોધ્યો છે, જેનાથી ઉંમરના કારણે ગુમાવેલ દૃષ્ટી પાછી મળી શકે છે, અને ઉંમરના કારણે થતું વધુ નુકસાન અટકાવી શકાય છે. આ માટે કેસરનો ઉપયોગ કરવામાં આવે છે.

એ માટે 1 કપ પાણીમાં 1 ગ્રામ કેસર નાખી ખુબ ધીમા તાપે ઉકાળવું. એકાદ મીનીટ ઉકાળ્યા પછી એને ઠંડુ પડે એટલે ગાળી લેવું. આ પછી એમાં એક ચમચી મધ નાખી સાંજે સુતાં પહેલાં પીવું. 1 કે 2 સપ્તાહમાં આ પ્રયોગથી દૃષ્ટી પાછી મળી શકે છે.

કેસરના આપ્રયોગથી બીજા લાભ પણ થાય છે. એનાથી લોહીનું પરીભ્રમણ સુધરે છે, સ્મરણશક્તીમાં ફાયદો થાય છે, સંધીવા પણ સારો થાય છે અને કોલેસ્ટ્રોલ ઘટી શકે છે, આથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.

વધતી ઉંમરે દૃષ્ટીશક્તી જાળવી રાખવા 40ની ઉંમર પછી લોકોએ આ પ્રયોગ શરુ કરી દેવો જોઈએ. કેસર ઘણું ગરમ હોય છે, આથી જેની પીત્ત પ્રકૃતી હોય તેને માફક ન આવે એવું બને, આથી પ્રયોગ કરતાં પહેલાં તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લેવી.

અલ્પાહાર મદદરુપ છે.

એપ્રિલ 13, 2024

એક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે જે લોકોએ પોતાના આહારમાં બે વર્ષ સુધી 14%નો ઘટાડો કર્યો હતો તેમની રોગપ્રતીકારક શક્તીમાં (ઈમ્યુનીટીમાં) વધારો થયેલો જોવા મળ્યો હતો, જે આપણા લોહીમાંના ઈમ્યુનીટી માટે જવાબદાર ટી-શ્વેતકણોમાં થતા વધારાને આભારીત છે.

મનુષ્યની જેમ ઉમ્મર વધે છે તેમ આપણા લોહીમાંના શ્વેતકણોમાંના ઈમ્યુન શક્તી વધારાનારા ખાસ પ્રકારના કોષ જેને ટી-કોષ કહે છે તે ઘટતા જાય છે. આના કારણે વૃધ્ધ લોકોની રોગ સામે અને ખાસ કરીને અમુક પ્રકારનાં કેન્સર સામે રક્ષણ મેળવવાની શક્તીમાં ઘટાડો થતો જાય છે. આહારમાં ઘટાડો કરવામાં આવે તો આ ઈમ્યુનીટીમાં વધારો કરવામાં મદદરુપ કોષો સંકોચાતા અટકે છે, અને ઈમ્યુનીટીમાં ઘટાડો થતો અટકી શકે.

શતાવરી

એપ્રિલ 7, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

શતાવરીને અંગ્રેજીમાં એસ્પરેગસ (asparagus) કહે છે. એની સીઝન અહીં ન્યુઝીલેન્ડમાં બહુ ટુંકી હોય છે.

ઔષધી તરીકે એના ઘણા ઉપયોગો છે. આયુર્વેદમાં શતાવરીને યુવાની ટકાવી રાખનાર ઔષધ ગણવામાં આવે છે. એનાથી વધુ લાંબું જીવી શકાય છે. એનાથી રોગપ્રતીરોધક શક્તી વધે છે તથા માનસીક શક્તીમાં પણ વધારો થાય છે. શતાવરી કામોત્તેજક છે. એ ગ્રાહી એટલે ઝાડો અટકાવનાર પણ છે, આથી મરડામાં એનો ઉપયોગ કરવામાં આવે છે.

શતાવરી ઠંડી છે, આથી પીત્તમાં વાપરી શકાય. કેન્સરનાં ટ્યુમર, બ્લડપ્રેશર, સોજા, સંધીવા, માનસીક બીમારી વગેરેમાં પણ શતાવરી ઉપયોગી છે. વળી શતાવરી યકૃત (લીવર), મુત્રપીંડ-કીડની, વંધ્યત્વ વગેરેમાં પણ ઉપયોગી છે. શતાવરી ડીમેન્શીયા, અલ્ઝાઈમર અને પાર્કીન્સનમાં પણ અકસીર છે.

શતાવરીનો ઉપયોગ: શતાવરીના ચુર્ણને પાણીમાં ભેળવીને લઈ શકાય. એનો સ્વાદ મધુર અને જરાક કડવો હોય છે. જો એનો સ્વાદ પસંદ ન પડે તો એમાં દુધ અથવા કોઈ ફળરસ ઉમેરી શકાય. સ્મુધી બનાવીને પણ વાપરી શકાય. એનું પ્રમાણ પોતાની જરુરીયાત અને પ્રકૃતી અનુસાર નક્કી કરવું. એ માટે તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ લેવી.

આયુર્વેદ અનુસાર શતાવરી કોઈ પણ રીતે નુકસાનકારક નથી.

ખાતરીનું ભેળસેળ વીનાનું ડબ્બાપેક શતાવરી મળી શકતું હોય તો તે પણ વાપરી શકાય. એને યોગ્ય પ્રમાણમાં રાંધીને પાણીમાં મીક્સ કરી વાપરવું.

લોહ તત્ત્વની ઉણપ  

માર્ચ 30, 2024

ઉંમર વધતાં પાચનશક્તી નબળી પડે, આથી પણ કદાચ લોહતત્ત્વની ઉણપ વરતાય છે. લોહ તત્ત્વ જે આહારમાંથી મળે છે એ પૈકી ખજુર અને કાળી સુકી દ્રાક્ષ મને વધુ પસંદ છે. કેટલાક વખતથી હું ખાંડનો ઉપયોગ બને ત્યાં સુધી કરતો નથી. ગોળ અવારનવાર વાપરું છું. ગોળમાં પણ લોહ હોય છે, પણ ડાયાબીટીસવાળા એ લઈ ન શકે. વળી એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી ન શકાય. સવારના નાસ્તા માટે હું ઓટની રાબ બનાવું છું. એમાં હવે આગલા દીવસે પાણીમાં ભીંજવી રાખેલ ખજુર અને કાળી દ્રાક્ષ નાખું છું. પહેલાં હું એ રાબ ઉકાળતી વખતે ખજુર-દ્રાક્ષ પણ નાખી દેતો, એટલે કે ખજુર-દ્રાક્ષને પણ ઉકાળીને વાપરતો હતો.

થોડા વખત પર લોહની ઉણપ મને હોય એમ લાગ્યું. આથી બીજો કોઈ ફેરફાર ન કરતાં ખજુર-દ્રાક્ષને ચમચી અને ફોર્ક વડે મીક્ષ કરી રાબ ઉકાળીને તૈયાર થયા પછી એમાં નાખવાનું શરુ કર્યું, અને લોહ તત્ત્વની ઉણપ મને દુર થઈ ગયેલી લાગી. આમ ખજુરને ઉકાળવાથી કદાચ લોહ તત્ત્વ અમુક પ્રમાણમાં નષ્ટ થતું હોય અથવા એનું પાચન યોગ્ય રીતે ન થતું હોય એમ બને. એમ મને લાગે છે. કે કદાચ એનું યોગ્ય પાચન થઈ શકતું નહીં હોય.

બીજી એક બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે લોહના ચયાપચયમાં ચા અવરોધ પેદા કરે છે. આથી લોહયુક્ત આહાર લીધા પછી તરત ચા પીવી ન જોઈએ.

આંખોની કાળાશ, આંખોનું સ્વાસ્થ્ય

માર્ચ 23, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

(૧) આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.

(૨) કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દીવસમાં જ આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે.  સાથે સાથે પ્રોટીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ.

(૩) બટાટાના રસમાં બેત્રણ ટીપાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂનાં પુમડાં બોળી આંખો પર મુકવાથી આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે. 

(4) મોઢાની કાળાશ, ખીલ મટાડવા અને મુખસૌંદર્ય માટે આમળાનો ઉકાળો કરી ગાળી એ પાણીથી મોં ધોવું અને આંખો પર છાંટવું. સુકાં આમળાં કફ અને ચીકાશને દુર કરે છે, ચાંદાં મટાડે છે.

આંખ માટે ગાયનું ઘી:  ઘી સ્મરણ શક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પીત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે.

ગાયનું ઘી પચી ગયા પછી મધુર અને આંખ માટે હીતકર છે. એ માટે એને પગના તળીયે ઘસવું જોઈએ. જો આંખો નબળી હોય, તેમાં દાહ અને ખંજવાળ હોય તો ગાયનું ઘી કેટલાક દીવસ પગના તળીયે ૧૫ મીનીટ ઘસવું.  આંખ તેજસ્વી અને સ્વસ્થ બની જશે.

તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે.

ત્રીફળાથી સીદ્ધ કરેલું ઘી સવાર-સાંજ બબ્બે ચમચી લેવાથી રતાંધળાપણું દુર થાય છે. આંખોનું તેજ વધે છે. આંખની આસપાસ ખંજવાળ, ઝાંખપ, આંજણી, આંખોની બળતરા-ગરમી તથા કબજીયાત દુર થાય છે.

જો બીજી કોઈ રીતે નુકસાનકારક ન હોય (જેમ કે લોહીનું ઉંચું દબાણ-બ્લડપ્રેશર) તો શીર્ષાસન અને નીયમીત વ્યાયામ કરવો.

વૃદ્ધાવસ્થાને આરામદાયક બનાવો

માર્ચ 17, 2024

સાત દીવસો પૈકી ત્રણ કે ચાર દીવસ માત્ર 30 મીનીટ જેટલું ચાલવાથી પણ ખુબ લાભ થાય છે. કોઈ પણ પ્રકારની મુસીબત વીના તમે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી શકશો. આપણાં અંગો નબળાં પડી જવાનું એક મહત્ત્વનું કારણ શર્કરા-ગ્લુકોષનું યોગ્ય પાચન થઈ શકતું નથી હોતું તે છે, એવું એક અભ્યાસમાં જોવામાં આવ્યું છે. ચાલવા જેવી સાવ સામાન્ય કસરત પણ ગ્લુકોષનું પાચન બહુ સરળતાથી કરી શકે છે. જો તમે આખો દીવસ ડેસ્ક પર બેસીને વીતાવતા હો કે કંપ્યુટર સાથે જ આખો સમય તમારો જતો હોય તો વચ્ચે વચ્ચે ઉભા થઈ જરાક આંટા મારી લો. જરાક હાથ-પગ હલાવી જુઓ. અનુકુળતા હોય તો થોડું નૃત્ય કરી લો, જે પાચનક્રીયા માટે બહુ મદદગાર થશે. એ બાબત લોકો શું કહેશે એની ચીંતા કરવાની જરુર નથી.

કહેવાય છે કે કામના સ્થળે જપાનમાં તો કેટલીક કંપનીઓમાં દર 20 મીનીટે બેલ વગાડવામાં આવે છે અને બધાં જ એકી સાથે કામ બંધ કરી, ઉભાં થઈ જરા આળસ મરડી શરીરનું હલનચલન સમુહમાં જ કરી લે છે. આ રીતે હળવાશ અનુભવવાથી લોકો વધુ ઉત્પાદકશીલ પણ બને છે.

પ્લેસીબો-મનની શક્તીનો પ્રભાવ

માર્ચ 9, 2024

ડૉ. બી એમ હેગડે કહે છે:

દુખાવો એક ક્ષણમાં દુર કરવા માટેનું સૌથી વધુ અસરકારક ઔષધ જો આ દુનીયામાં હોય તો તે છે મોર્ફીઆ-અફીણનો અર્ક. શરીરમાં દુખાવો ધરાવતાં કેટલાંક લોકોને એવું કહીને મોર્ફીઆ આપવામાં આવ્યું કે એ લોકોને વીટામીનની જરુર હોવાથી વીટામીનનો ડોઝ આપવામાં આવ્યો છે. એમાંના કોઈને પણ દુખાવો ઓછો થયો નહીં.

બીજાં કેટલાંક લોકોને નમક-મીઠાનું પાણી એવું કહીને આપવામાં આવ્યું કે એ મોર્ફીઆ છે, જે દુખાવાની અકસીર દવા છે. તરત જ બહુ જ આશ્ચર્યજનક રીતે બધાં લોકોનો દુખાવો ગાયબ થઈ ગયો. આ પ્રયોગ પ્લેસીબો શું ભાગ ભજવે છે, મનની શક્તી શરીર પર કેવી ગજબની અસર કરે છે તે બહુ જ સરસ રીતે સ્પષ્ટ કરે છે. જ્યારે મન પ્રસન્ન હોય છે, ત્યારે દેહ પણ પ્રસન્નતા અનુભવે છે.

આમાં એક વાત મહત્ત્વની છે કે આ ઔષધ લેનારાંને ખરેખર જે કહીને ઔષધ આપવામાં આવ્યું હોય છે તેમાં રજમાત્ર પણ શંકા હોતી નથી. પ્લેસીબો ઔષધ આપનાર ડૉક્ટર પર ભારોભાર શ્રદ્ધા હોય, સહેજ પણ શંકા ન હોય તો જ એની અસર થાય છે. આથી કેટલીક વાર ડૉક્ટર એમ કહીને પ્લેસીબો આપે છે કે, “તમે ખરેખર ખરા સમયે જ તમારી આ ફરીયાદ લઈને આવ્યા છો. આ તકલીફ માટે હાલમાં જ આ ઔષધ શોધાયું છે અને એને બહુ જ અકસીર માનવામાં આવે છે.”

કેફીન

માર્ચ 2, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

આજકાલ ઘણા લોકો દીવસની શરુઆત કોફીના કપથી કરે છે. આથી એમને પોતાના શરીરમાં સ્ફુર્તી માલમ પડે છે, તાજગી અનુભવે છે, શક્તીનો સંચાર થયેલો લાગે છે.

કેટલાક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે કેફીન દ્વારા તમે વધુ વખત સખત કસરત કરી શકો, ઉપરાંત થાક પણ ઓછો અનુભવશો. એટલે કે તમે વધુ સારી સફળતા મેળવી શકો અને કસરતનો વધુ લાભ મેળવી શકો.  

હા, એ ખરું કે કેટલાક લોકોને એ લાભ કેટલી વાર કોફી પીવામાં આવે છે કે કોફીનું પ્રમાણ કેટલું હોય તે મુજબ વધુ કે ઓછો થઈ શકે. એટલે કે તમારે માટે કોફીનો પુરતો લાભ લેવો હોય તો માટે એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે શોધી કાઢવું પડે. બધાંને માટે એ સરખું હોઈ ન શકે. પણ પ્રયોગ વડે અજમાયશ કરીને જો તમને પુરતી તાજગી કે શક્તી માલમ ન પડતી હોય તો તમે જરુર મુજબ પ્રમાણ વધારી શકો.

કોફી કેટલાક રોગોમાં પણ લાભકારક માલમ પડી છે. જેમ કે પારકીનસન્સ, હૃદયની અમુક તકલીફ અને અમુક પ્રકારનાં કેન્સર. જો કે વધુ પડતી કોફી પીવાથી એની અનીચ્છનીય સાઈડઈફેક્ટ પણ જોવામાં આવી છે. પણ એની જોખમકારક ખરાબ અસર માટે તો બહુ જ વધારે કપ કોફી પીવામાં આવે તો જ કદાચ થાય. એટલે કે 10 ગ્રામ જેટલું કેફીન નુકસાનકારક થઈ પડે. વધુ પડતી કોફી પીવાથી એનું બંધાણ થવાની અને ન પીવાય તો માથાના દુખાવા જેવી ફરીયાદની શક્યતા રહે છે. એવા સંજોગોમાં કોફીનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ, અથવા પાણી પીવાનું પ્રમાણ વધારવું, જેથી કોફીને કારણે ચયાપચય (મેટાબોલીઝમ)ની સ્પીડ ઘટાડી શકાય.

આનો બીજો ઉપાય સવારમાં કોફીને બદલે ગ્રીન ટી લેવાનો છે. ગ્રીન ટીમાં રહેલાં અમુક તત્વો સ્વાસથ્ય માટે બહુ જ લાભકારક હોય છે, અને સાથે સાથે એમાં કોફી કરતાં કેફીન માત્ર ત્રીજા ભાગનું જ હોય છે.