આરોગ્ય ટુચકા 371. મચ્છી-ફીશ

ઓગસ્ટ 24, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 371. મચ્છી-ફીશ : કેટલાક શાકાહારીઓ પણ ફીશ લેતા હોય છે. જેમને ફીશનો બાધ ન હોય તેમને માટે પ્રોટીનનો એ એક ઉત્તમ સ્રોત છે. વળી એમાં સારી જાતની ફેટ હોય છે, જે સારા કોલેસ્ટરોલનું સ્તર વધારે છે. એમાં રહેલ ઓમેગા-3 ફેટી એસીડ (એક પ્રકારની ચરબી) હૃદયનું સ્વાસ્થ્ય જાળવવામાં ઉપયોગી બને છે. સંશોધનોમાં જોવા મળ્યું છે કે લાંબું આયુષ્ય ધરાવનારા ઘણા લોકોનો ફીશ મુખ્ય આહાર હોય છે.
જો કે ફીશ અંગે એક પ્રોબ્લેમ એમાં રહેલ પારા (Mercury-Hg)નો છે. બહુ ઓછા પ્રમાણમાં મર્ક્યુરી વાંધાજનક ગણાતો નથી, પણ કેટલીક ફીશમાં એનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આથી કઈ ફીશ વધુ પ્રમાણ ધરાવે છે તે જાણીને એનો ઉપયોગ કરવો. સામાન્ય રીતે મોટી ફીશમાં મર્ક્યુરીનું પ્રમાણ વધુ હોય છે.

Advertisements

આરોગ્ય ટુચકા 370. મીઠું-નમકનો વપરાશ ઘટાડવા

ઓગસ્ટ 23, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 370. મીઠું-નમકનો વપરાશ ઘટાડવા : જરુરી પ્રમાણમાં કોથમીર-મરચાં વાપરવાં જેથી મીઠું વધુ વાપરવાની જરુર ન રહે. કચુંબરમાં મીઠું ન નાખતાં લીંબુ વાપરવું જોઈએ. પાપડ, અથાણાં, ચટણી, સોસ ન વાપરતાં કચુંબરનો ઉપયોગ કરવો. કેટલીક વાનગીઓમાં કોથમીર, લીલાં મરચાં, લીંબુ, જીરુ-મરી, મેથી, હીંગ, લસણ વગેરે સ્વાદ વધારનારા મસાલા જરુરી પ્રમાણમાં અને યોગ્ય મીશ્રણમાં વાપરવાથી મીઠું ઓછા પ્રમાણમાં કે કદાચ ન વાપરીએ તો પણ વાનગી સ્વાદીષ્ટ બની શકે. હાઈ બીપીમાં મીઠાનો વપરાશ ઘટાડવાથી લાભ થાય છે.

આરોગ્ય ટુચકા 369. કર્ણનાદ

ઓગસ્ટ 22, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 369. કર્ણનાદ : વીકૃત થયેલો કે અવળી ગતીવાળો વાયુ શબ્દનું વહન કરનારી શીરામાં રોકાઈ જવાથી કાનમાં જાત જાતના વીચીત્ર અવાજ સંભળાયા કરે છે. એને કર્ણનાદ કહે છે. એમાં અંતઃકર્ણમાં આવેલ કોકલીયા નામના અંગની વીકૃતી થાય છે.
કર્ણનાદ એ કફ-વાયુજનીત રોગ છે. સમભાગે સુંઠ, ગોળ અને ઘીનો સોપારી જેવડો લાડુ બનાવી દરરોજ સવારે ખાલી પેટે ખાવાથી પાચનશક્તી સુધરી કર્ણનાદ મટે છે. ઉપરાંત મધ ૧ ભાગ, આદુનો તાજો રસ ૨ ભાગ, તલનું તેલ ૧ ભાગ અને સહેજ સીંધવનું મીશ્રણ દીવસમાં ત્રણેક વખત બંને કાનમાં થોડું થોડું મુકતા રહેવાથી કર્ણનાદ લાંબા સમયે મટે છે.

આરોગ્ય ટુચકા 368. જમ્યા પછી

ઓગસ્ટ 21, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 368. જમ્યા પછી : કેટલાક લોકો કહે છે કે જમીને તરત 100 ડગલાં ચાલો અને તમે 99 વર્ષનું આયુષ્ય મેળવો. ખરેખર એમાં કોઈ તથ્ય નથી. તરત ચાલવાથી પાચનક્રીયામાં વીક્ષેપ થશે અને આહારનાં તત્વોના શોષણમાં મુશ્કેલી પેદા થશે.
તે જ રીતે ખાધા પછી તરત સુઈ પણ ન જવું. તરત સુઈ જવાથી ખોરાકનું પાચન યોગ્ય રીતે થઈ શકતું નથી. આથી જઠરમાં ચેપની શક્યતા રહે છે.

આરોગ્ય ટુચકા 367. પપૈયું

ઓગસ્ટ 20, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 367. પપૈયું: દીવસમાં બે વખત સવારે તથા સાંજે પાકું પપૈયું ખાવાથી પાચનશક્તી સુધીરી શકે, અને એ રીતે ભુખ ઉઘડી શકે. વળી પપૈયું રેચક છે, આથી કબજીયાતમાં પણ ફાયદો થઈ શકે. વારંવાર શરદી થઈ જતી હોય, કફ રહેતો હોય, શ્વાસ-દમની તકલીફ હોય તેમાં પણ લાભ થાય છે. જો કે જેમની પીત્ત પ્રકૃતી હોય તેમને પપૈયું માફક આવશે નહીં. અથવા એનું પ્રમાણ પોતાને અનુકુળ આવે તે મુજબ લેવું.

આરોગ્ય ટુચકા 366. કોફી વીશે વધુ

ઓગસ્ટ 19, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 366. કોફી વીશે વધુ : એક કપ કોફીમાં આશરે 140 મીલીગ્રામ કેફીન હોય છે. એ તો જાણીતું જ છે કે કોફીમાં માનસીક અને શારીરીક ઉત્તેજના આપનાર એક તત્ત્વ કેફીન નામે રહેલું છે. પણ ઘણા લોકો એ જાણતાં હોતાં નથી કે જો કોફીનો સર્વોત્તમ ફાયદો ઉઠાવવો હોય તો આખા દીવસમાં 200-300 મીલીગ્રામ કરતાં વધુ કેફીન લેવું જોઈએ નહીં.
ઓછી કોફી પીનારા સામાન્ય રીતે રોજ એકાદ કપ (250 મી.લી.) પીતા હોય છે, જેમાં ઓછામાં ઓછું 140 મીલીગ્રામ કેફીન હોવાની શક્યતા છે, જો એ કોફીના બુંદદાણા ઉકાળીને બનાવી હોય તો. એ રીતે બનાવેલી 2-3 કપ કોફીમાં 280-420 મી.ગ્રા. કેફીન હશે. જો એ સાથે કેફીનયુક્ત ચા કે ચોકલેટ જેવાં અન્ય પીણા પણ લેવાતાં હોય તો એક કપ કોફી પીનાર પણ 300-400 મી.ગ્રા.ને સહેજે પાર કરી જાય.
પણ કોફીમાં કેટલું કેફીન હશે તે બુંદદાણાની ક્વોલીટી, કેવી રીતે બનાવવામાં આવી છે – ઉકાળીને, ઈન્સ્ટન્ટ, એસ્પ્રેસો કે ડીકાફે. વળી એને હળવી રોસ્ટ કરી છે કે વધુ એટલે કાળી. હળવી રોસ્ટ કોફીમાં કેફીન વધુ હોય છે. કાળી કોફીમાં તથા ઈન્સ્ટન્ટમાં કેફીન ઓછું હોય છે.
વધુ કેફીન લેવાથી ઉંઘમાં ખલેલ, ચીન્તા, ચેન ન પડવું તથા હૃદયની અનીયમીત ગતી જેવી સમસ્યાઓ પેદા થાય છે. જો કે જુદા જુદા લોકો પર અલગ અલગ અસર થાય છે. કેટલાકને નજીવા પ્રમાણમાં લીધેલ કેફીનથી પણ મુશ્કેલી પેદા થાય છે, જ્યારે કેટલાક લોકોને બહુ મોટા પ્રમાણમાં પણ કેફીનની વીપરીત અસર જણાતી હોતી નથી.
ઉત્તમ માર્ગ તો એ છે કે સામાન્ય પ્રમાણમાં જ કોફી પીવી અને પોતાના શરીર પર થતી અસરને ધ્યાનમાં લેતા રહેવું. દરેકે પોતાની કેફીન લેવાની ક્ષમતા જાતે શોધી લેવી. વીપરીત અસર જણાતાં એના પ્રમાણમાં ઘટાડો કરતા જવું. સ્વસ્થ મનુષ્ય માટે કદાચ દરરોજ 2-3 કપ કોફી પીવી સલામત ગણી શકાય.
મેં કોફીનો અખતરો કરી જોયો અને મને શરુઆતમાં એના વાયુ અને કફનાશક ગુણોનો ફાયદો જણાયો, પરંતુ એ ફાયદા સમય જતાં જળવાઈ રહ્યા નહીં એવો મારો અનુભવ છે. મેં મારા 81 વર્ષમાં સૌ પ્રથમ વખત કોફી ટ્રાઈ કરી જોઈ, એની વાયુ અને કફનાશક અસરના કારણે, પણ પ્રતીકુળ લાગતાં બેત્રણ માસ પછી છોડી દીધી.

આરોગ્ય ટુચકા 365. ખીલનો ઉપાય

ઓગસ્ટ 18, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 365. ખીલનો ઉપાય: મસુરની દાળ, મગફળી અને હળદરનું બારીક ચુર્ણ બનાવી થોડું પાણી નાખીને પેસ્ટ બનાવો. એને ખીલ થયા હોય ત્યાં લગાવી માલીશ કરો. આ રીતે થોડા દીવસો કરવાથી ધીમે ધીમે ખીલ દુર થશે.

આરોગ્ય ટુચકા 364. હીંગ (13)

ઓગસ્ટ 17, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 364. હીંગ (13)
1. હીંગ અને સુંઠ નાખેલા સહેજ ગરમ તેલની માલીશ કરવાથી કેડનો દુખાવો, સાંધાનો દુખાવો, અંગનું જકડાઈ જવું, લકવો વગેરે વાયુના રોગો મટે છે.
2. હીંગ તથા સુંઠ નાખેલું તેલ શુળ પર ચોળવાથી જલદી ફાયદો થાય છે.
3. હીંગ, સીંધવ અને ઘી ૧૦-૧૦ ગ્રામ લઈ ગાયના ૧૨૦ ગ્રામ મુત્રમાં મેળવી, ઉકાળી, માત્ર ઘી બાકી રહે ત્યારે પીવાથી વાઈ-અપસ્માર મટે છે.
4. હીંગને ૨૦૦ મી.લી. પાણીમાં ઉકાળી ૨૫ મી.લી. પાણી બાકી રહે ત્યારે ઉતારી પીવાથી વાતશુળ મટે છે. હીંગનું પ્રમાણ પોતાની પ્રકૃતી મુજબ લેવું.
5. હીંગને વરીયાળીના અર્કમાં આપવાથી મુત્રાવરોધમાં ફાયદો થાય છે.

આરોગ્ય ટુચકા 363. હીંગ (12)

ઓગસ્ટ 16, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 363. હીંગ (12)
1. સુંઠ, સાજીખાર(રાંધવામાં વપરાતો સોડીયમ બાઈકાર્બોનેટ) અને હીંગનું ચુર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારનાં શુળ મટે છે.
2. સુંઠ, સીંધવ અને હીંગ વાટીને પાણી સાથે લેવાથી પેટના શુળમાં લાભ થાય છે.
3. હળદર અને ધાણાજીરુ ભરેલી બરણીઓમાં આખી હીંગના થોડા ટુકડા મુકી રાખવાથી તેમાં જીવાત નહીં પડે.
4. હીંગ અને અડદનું ચુર્ણ અંગારા પર નાખી મોંમાં ધુણી લેવાથી હેડકી મટે છે.

આરોગ્ય ટુચકા 362. હીંગ (11)

ઓગસ્ટ 15, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 362. હીંગ (11)
સુંઠ, મરી, પીપર, કઠ, સીંધવ, જીરુ, વજ, હીંગ, વાવડીંગ, હરડે, ચીત્રક અને અજમોદ દરેક સરખા વજને લઈ બારીક ચુર્ણ બનાવી એનાથી બમણા ગોળમાં મેળવી ચણાના દાણા જેવડી ગોળી બનાવવી. એને દુર્નામકુઠારવટી કહે છે. (દુર્નામ એટલે હરસ અને કુઠાર એટલે કુહાડી- હરસ પર કુહાડી જેવી ઘાતક વટી.) આ વટીમાં જઠરાગ્ની પ્રદીપ્ત કરી આહારનું પાચન કરવાનો તથા કબજીયાત મટાડવાનો ઉત્તમ ગુણ રહેલો છે.