કુંવારપાઠુ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કુંવારપાઠાને અંગ્રેજીમાં યલો પ્લાન્ટ કહે છે. એના પાનના ગર્ભને લાબુ કહે છે, તથા છોડને પણ કેટલાક લોકો લાબુ કહે છે. એને બહુ પાણીની જરુર નથી. રેતીમાં એ બહુ સારી રીતે થાય છે. દરીયા કીનારે વધુ ફુલે ફાલે છે. ભારતમાં બધે જ થાય છે, પણ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં વધુ થાય છે. જમીનમાં કે કુંડામાં જામી ગયા પછી તેનાં જાડાં દળદાર રસભર્યાં પાન ચોતરફ કાઢે છે. કુંવારપાઠાના છોડ બેત્રણ ફુટ ઉંચા અને દળદાર લાંબાં અણીયારા પાનવાળા થાય છે. પાનને કીનારે ધાર પર અણીદાર કાંટા હોય છે.

કુંવારના પાનની વચ્ચે જ કારતક-માગસરમાં લાંબો પુષ્પદંડ નીકળે છે, જેને શેલડા કે શેલરા કહે છે. એ સ્વાદીષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે. એનું શાક અને અથાણું થાય છે. કુંવારની મીઠી અને કડવી બે જાતો થાય છે. કડવી જાતનાં પાન જાડાં, રસદાર અને ગરભથી ભરેલાં હોય છે. મીઠી કુંવારનાં પાન ઓછાં જાડાં અને નાનાં હોય છે. ગુણોની દૃષ્ટીએ બંને સરખી હોવાથી દવામાં બંને વપરાય છે.

પાનની અંદરનો સુકવેલો ગરભ એળીયો કહેવાય છે. એનાં પાન કાંટાવાળી ધારવાળાં, ભરાવદાર, લાંબાં અને અંદરથી ઘી જેવી લુવાબથી ભરેલાં હોય છે. આ પાનમાં ખુબ ગર્ભ-ઘાટો રસ ભર્યો હોય છે. તેના ગર્ભને કાઢી થોડી વાર રાખવાથી રસ થઈ જાય છે. ચોમાસમાં આ છોડની વચ્ચેથી એક દાંડી નીકળે છે, જેના પર ફુલ આવે છે. ફુલ બહારથી નારંગી રંગનાં, અંદરથી પીળાશ પડતાં અને ઉગ્ર ગંધવાળાં હોય છે. આ ફુલ સાકર જેવાં મીઠાં હોય છે. ફુલની દાંડી અને પાન બંનેનાં અથાણાં થાય છે. આ અથાણાં યકૃત-લીવરના રોગોનું ઉત્તમ ઔષધ છે.

કુંવારપાઠાના રસમાંથી એળીયો બનાવવામાં આવે છે. એળીયો મળને ખસેડનાર અને રેચક છે, તથા માસીકની શુદ્ધી કરે છે અને માસીક નીયમીત લાવે છે. યકૃત અને બરોળનું એ ઉત્તમ ઔષધ છે. કુંવારપાઠુ ત્રીદોષહર છે.

લાબુ-કુંવારપાઠુ મળને ભેદનાર, શીતળ, કડવું, નેત્રને હીતકર, રસાયન, મધુર, બૃંહણ, બળકારક, વીર્યવર્ધક તથા વાયુ, વીષ, ગુલ્મ, પ્લીહા, યકૃત, વમન, કફ, જ્વર, ગ્રંથી, અગ્નીદગ્ધ વ્રણ, વીસ્ફોટ, રક્તપીત્ત અને ચામડીના રોગો દુર કરનાર છે. ટુંકમાં કુંવાર રેચક, શોધક અને પીત્તશામક છે. લાબુના પાન વચ્ચેનો ગર-માવો અડધી ચમચી જેટલો સવાર-સાંજ લેવો. કુમાર્યાસવમાં મુખ્ય ઔષધ કુંવારપાઠું છે. એનાથી લીવરના રોગો, બરોળ વધી જવી, સ્ત્રીઓની માસીક સંબંધી વીકૃતીઓ, અકાળે માસીક બંધ થઈ જવું વગેરે મટે છે. પાંડુરોગ તથા રક્તાલ્પતામાં એ સારું પરીણામ આપે છે.

(૧) કુંવારના પાનને છરી વડે ચીરી ગર્ભ કાઢી તેમાં હળદર મેળવીને કમળાના રોગીને આપવાથી લાભ થાય છે. આ ગર્ભને ચોળી નાખવાથી રસ બને છે. આ રસ પણ એકથી બે ચમચી પીવાથી કમળો મટે છે.

(૨) આર્તવના દોષો, હરસ, આફરો, ગોળો અને કબજીયાતમાં કુંવારનો ગર્ભ અને હળદરથી ફાયદો થાય છે.

(૩) કુંવારપાઠાના લાબાને દાઝેલા ભાગ પર લગાડવાથી ગમે તેવી બળતરા શાંત થાય છે, પાક થતો નથી અને પાક થયો હોય તો રુઝાઈ જાય છે.

(૪) આંખ આવી હોય તો લાબાને આંખમાં આંજવાથી આંખનો સોજો, ચીપડા, દુ:ખાવો, બળતરા, રતાશ વગેરે ખુબ ઝડપથી મટે છે.

(૫) કુંવારપાઠાનું ઘી જેવું લાબુ ૧-૧ ચમચી સવાર-સાંજ ખાવાથી લીવર અને બરોળના રોગો મટે છે. લોહીની ઓછપ ઘટે છે. શક્તી વધે છે. થાક અને દુર્બળતા દુર થાય છે.

(૬) માસીક સાફ આવતું ન હોય, ઓછું આવતું હોય, દુ:ખાવા સાથે આવતું હોય કે માસીકની બીજી કોઈ પણ ફરીયાદ હોય તો કુંવારપાઠાના નીયમીત સેવનથી તે મટે છે.

(૭) હાલતા-દુઃખતા દાંત પર કુંવારપાઠાનો રસ ઘસવાથી અને તેનો ટુકડો ચાવવાથી રાહત થાય છે.

(૮) આંખમાં કુંવારપાઠાનો રસ આંજવાથી આંખની તકલીફમાં રાહત થાય છે.

(૯) કુંવારપાઠું ડાયાબીટીસમાં અકસીર છે.

(૧૦) કાયમી ગૅસ, લીવર કે બરોળની તકલીફ, ભુખ ન લાગવી, અજીર્ણ, શુળ, અપચો,  વગેરેમાં ઘઉંના લોટમાં કુંવારપાઠાનો રસ નાખી રોટલી-ભાખરી બનાવી ખાવાથી લાભ થાય છે.

(૧૧) કુંવારપાઠાનો એકથી દોઢ ઈંચ લાંબો ટુકડો સવાર-સાંજ ખાવાથી કબજીયાત દુર થાય છે.

(૧૨) કુંવારપાઠાનો એક ચમચો રસ દીવસમાં ત્રણ વાર લેવાથી તેમ જ પેટ પર તેનો લેપ કરવાથી જલંધરમાં રાહત થાય છે.

(૧૩) કુંવારપાઠાના પાનના કાંટા કાઢી, વાટીને હળદર-મીઠું ભેળવી થોડું ગરમ કરી ગાંઠ કે સોજા પર લગાડવાથી રાહત થાય છે.

(૧૪) મોં આવ્યું હોય તો કુંવારનો રસ સાકર સાથે લેવો.

(૧૫) એસીડીટીમાં કુંવારનો રસ થોડી સાકર નાખીને લેવાથી રાહત થાય છે.

(૧૬) કુંવારપાઠાના રસમાં અડધી ચમચી હળદર નાખી દીવસમાં બે વાર પીવાથી તાવમાં રાહત થાય છે. કપાળ અને પગના તળીયે તેનો રસ ઘસવાથી તાવ તરત ઉતરી જાય છે.

(૧૭) થાઈરૉઈડમાં કુંવારનો દોઢથી બે ઈંચનો ટુકડો ખાવાથી ફાયદો થાય છે. હળદર-અને મીઠું નાખેલો કુંવારનો રસ ગરમ કરી ગળા પર લેપ કરવાથી રાહત રહે છે.

(૧૮) કુંવારરસના સેવનથી યુવાની લાંબો સમય ટકી રહે છે.

(૧૯) શરીરના ખુલ્લા અંગો પર કુંવારપાઠું ઘસવાથી વાતાવરણની અશુદ્ધીઓની અસર થતી નથી. ચામડીનો વાન ઉજળો થાય છે.

(૨૦) માથાના વાળના રક્ષણ માટે તેની છાલ ઉતારી અંદરના ગર્ભને માથામાં ઘસી, વાળ સુકવી દેવા. થોડા સમય બાદ માલીસ કરી માથું ધોઈ નાખવાથી વાળ ચમકદાર કાળા બને છે, તથા વાળની વૃદ્ધી પણ થાય છે.

(૨૧) કુંવારનો ગર્ભ સાકર નાખી પીવાથી તાવનો દાહ શાંત થાય છે.

(૨૨) કુંવારનો રસ મોઢે ચોપડવાથી મોઢાનાં કાળાં ધાબાં-ડાઘા દુર થાય છે.

(૨૩) કુંવારનો રસ હળદર મેળવી પીવાથી બરોળ અને યકૃતની વૃદ્ધી મટે છે.

(૨૪) કુંવારના પાનના રસમાં હળદર, મધ અને સીંધવ મેળવી સવાર-સાંજ પીવાથી શ્વાસ-દમમાં કફ છુટો પડે છે.

(૨૫) અડધી ચમચી કુંવારનો ગર્ભ ખાઈને ઉપર એક ગ્લાસ ગરમ દુધ પીવાથી મળ એકદમ સાફ ઉતરે છે.

કુમાર્યાસવઃ કુંવારપાઠું (લાબુ કે લાબરું)માંથી બનાવવામાં આવતી એક પ્રવાહી દવાનું નામ છે કુમાર્યાસવ. ઘણી ફાર્મસીઓ આ દવા બનાવે છે. સારી ફાર્મસીની આ દવા ચારથી છ ચમચી જેટલી દરરોજ સવાર-સાંજ લેવાથી અનીયમીત માસીક, ઓછું માસીક, વધુ પડતું માસીક, કષ્ટદાયી માસીક વગેરે ત્રણથી ચાર માસના ઉપચારથી મટી જાય છે. વળી એનાથી ગર્ભાશયનો ક્ષય, વાતવ્યાધી, અપસ્માર, ઉધરસ, ક્ષય, આઠ પ્રકારના ઉદર રોગો, મંદાગ્ની, લીવરના રોગો, હરસ, બરોળના રોગો, સ્ત્રીબીજ ન બનવું વગેરે અનેક રોગોમાં પણ ફળદાયી પરીણામ મળે છે.

ટૅગ્સ: , , , , , , , , , , , , , , , ,

9 Responses to “કુંવારપાઠુ”

  1. Tarun Says:

    khub saras .. jankari che .. vaidraj vajan utarva mate kuvarpathu lai sakay ? jo lai sakay to riit janavso

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે તરુણભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર. વજન ઘટાડવા માટે કુંવારપાઠાનો ઉપયોગ થતો મારી જાણમાં નથી. પરંતુ નીચેની માહીતી આપને વજન ઘટાડવામાં કદાચ ઉપયોગી થશે.
      વજન ઘટાડવા
      (૧) અરણીના મુળનો ઉકાળો શીલાજીત સાથે સવાર-સાંજ પીવાથી અથવા ત્રણ ચમચી જેટલો એના પાનનો રસ પીવાથી ચરબી ઘટી જવાથી વજન ઓછું થઈ જાય છે.
      (૨) વજન ઘટાડવા ઘઉંને બદલે જવનો ઉપયોગ કરવો.
      (૩) દરરોજ એક પાકા લીંબુના રસમાં ૬૦ ગ્રામ મધ મેળવી ચાટવાથી વજન ઉતરે છે.
      (૪) ૨૫ ગ્રામ લીંબુનો રસ અને ૨૫ ગ્રામ મધ ૨૦૦ મી.લી. સહેજ ગરમ પાણીમાં ભોજન બાદ તરત જ પીવાથી એક-બે માસમાં શરીરમાં મેદની ઉત્પત્તી બંધ થાય છે અને વધેલો મેદ ઓછો થાય છે.
      (૫) સ્થુળતા અને ચરબી ઓછાં કરી શકાય તો લાંબું જીવન શક્ય બને.
      (૬) માત્ર મીઠું નાખેલું ચોખાનું ગરમ ગરમ ઓસામણ જેટલું ખાઈ શકાય તેટલું દરરોજ ખાવાથી વજન ઉતરી જાય છે.
      (૭) એક મહીના સુધી ત્રીફળા ગુગળ અથવા મેદોહર ગુગળની બબ્બે ગોળી ભુકો કરી સવાર-સાંજ લેવાથી અને રોજ રાત્રે સુતી વખતે અડધીથી એક ચમચી ત્રીફળા ચુર્ણ અથવા હરડે ચુર્ણ લેવાથી તેમ જ સવાર-સાંજ એક કીલોમીટર ઝડપથી ચાલવું, ભુખ લાગે તેનાથી ઓછું જમવું, અને મગ-ભાત અથવા મગની દાળ અને ભાત જ ખાવાથી મહીને પાંચથી છ કીલો વજન ઘટે છે. જેટલું વજન ઘટાડવું હોય ત્યાં સુધી આ પ્રમાણે જ રહેવું.
      (૮) નીયમીત રુપે ગરમાગરમ સુપ પીવાથી વજન ઉતારવાના કાર્યક્રમમાં ચમત્કારીક સફળતા મળે છે.
      (૯) સ્ત્રીઓને ૨૨૦૦ અને પુરષોને ૨૫૦૦ કેલેરી ખોરાકની જરુર પડે. એનાથી વધારાના ખોરાકની ચરબી બને છે, જેથી વજન વધે છે. આથી વજન ઘટાડવા ઈચ્છનારે પોતાની આ જરુર મુજબ આહાર લેવો જોઈએ.
      (૧૦) દરરોજ સવાર-સાંજ ભોજન બાદ એક મોટા ગ્લાસ હુંફાળા પાણીમાં એક આખું લીંબુ નીચોવી ધીમે ધીમે પી જવાથી શરીરનું વજન ઓછું થવા લાગે છે.
      (૧૧) સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં ચાર ચમચી મધ મેળવી પીવાથી અને આહારમાં તેલ, બટાટા, ઘી, ભાત વગેરે બંધ કરવાથી અચુક વજન ઉતરી જાય છે.

      प्रभातकाले शिशिराम्बु पिबेन्मधुप्रयुक्तम् |
      गणनाथोऽपि भवेत् किलास्थशेषः ||
      પ્રભાતકાલે=સવારે, શિશિર=ઠંડુ, અમ્બુ=પાણી, પિબેત્=પીએ, મધુપ્રયુક્તમ્=મધ સાથે, ગણનાથ અપિ=ગણપતિ પણ, ભવેત્= થાય છે, કિલાસ્થશેષ=હાડપિંજર
      ‘સવારે ઠંડા પાણીમાં મધ મેળવી પીવાથી ખુદ ગણપતી પણ હાડપીંજર થઈ જાય છે.’ એવું આયુર્વેદમાં કહેવાયું છે. પરંતુ આ મધ શુદ્ધ હોવું જોઈએ. અહીં ન્યુઝીલેન્ડમાં મારા પત્નીએ આ પ્રયોગ કરી જોયો હતો અને વજન ઘટવાને બદલે વધ્યું અને ડાયાબીટીસની અસર જણાવા માંડી હતી. વળી જેને પહેલેથી ડાયાબીટીસ હોય તે આ પ્રયોગ કરી ન શકે.)
      (૧૨) શુદ્ધ લાખનો ત્રણેક નાની ચપટી પાઉડર એક ગ્લાસ લીંબુના શરબતમાં સવારે નરણા કોઠે નીયમીત લેવાથી શરીરનો મેદ ઓછો થઈ વજન ઘટે છે. આ ઉપચારની કોઈ આડઅસર નથી અને ગમે તે ઉંમરની વ્યક્તી આ ઉપચાર કરી શકે.

      મેદ-જાડાપણું
      (૧) શરીરનું જાડાપણું દુર કરવા માટે ૧-૧ ચમચો વાવડીંગના ચુર્ણમાં સહેજ શીલાજીત તથા એક ચમચી મધ એકત્ર કરી દરરોજ સવાર-સાંજ લેવું. લાંબા સમયે શરીરનો મેદ ઓછો થાય છે.
      (૨) વેંગણ મેદ ઘટાડે છે.
      (૩) નાની ઉંમરે શરીર પર મેદ વધી જાય કે અન્ય કારણથી શરીર પર કરચલીઓ પડે, રંગ ઝાંખો પડે ત્યારે ગરમ પાણી સાદુ અથવા ગરમ કરી જરાક ઠરેલા પાણીમાં ૧-૨ ચમચી મધ ઉમેરીને પીવાથી લાભ થશે.
      (૪) ફોતરાં કાઢેલા જવને ત્રીફળાના ઉકાળામાં એક કલાક સુધી પલાળીને સુકવી લેવા. આ સુકવેલા જવને દળી રોટલી કે ભાખરી બનાવી ખાવી. ઘઉં, ચોખા, તળેલું અને મીઠાઈ બંધ કરવાં. લીલોતરી ભાજી, સલાડ, કઠોળ સાથે જવની રોટલી-ભાખરી જ ખાવી. આ ઉપચારથી ધાર્યા પ્રમાણે વજન ઘટાડી શકાય છે. ડાયાબીટીસવાળા માટે પણ આ ઉપચાર ખુબ જ હીતાવહ છે.
      (૫) એરંડાના પાનનો ક્ષાર હીંગ સાથે મીશ્ર કરી ચોખાના ઓસામણ-ધોવાણ સાથે લેવાથી પણ મેદ નાશ પામે છે.
      (૬) મેદ ઓછો કરવા સવાર-સાંજ ૧-૧ વાડકી કારેલાંનો રસ પીવો. આહારમાં કારેલાનું શાક વધુ પ્રમાણમાં લેવું. કારેલાનું નીયમીત અને વીશેષ પ્રમાણમાં સેવન કરવાથી શરીરનો મેદ જરુર ઘટે છે.
      (૭) દરરોજ એક કપ ગૌમુત્રમાં પાંચેક ગ્રામ શુદ્ધ ગુગળ મેળવી સવાર-સાંજ નીયમીત સેવન કરવાથી શરીરનો મેદ ઘટે છે. મેદ ઉતારવાના અન્ય ઉપચાર સાથે સહાયક ઉપચાર તરીકે પણ આ કરી શકાય. બહુ જ અકસીર પ્રયોગ છે. ગૌમુત્ર બજારમાં તૈયાર પણ મળે છે.
      (૮) બપોરની ઉંઘ છોડી દેવી, પરસેવો થાય તેટલો શરીરશ્રમ કરવો, હાથ ચીકણા ન થાય તેવો લુખો ખોરાક ખાવો અને ભુખ લાગે તેટલું જ ખાવાથી મેદવૃદ્ધી અટકે છે.
      મેદરોગ-હૃદયરોગ-બ્લડપ્રેશર-ડાયાબીટીસ
      ૧. ચીકણા-તળેલા, ગળપણ, વાસી અને વાયડા પદાર્થો બંધ કરવા.
      ૨. ગોળ, ઘી, ખાંડ, મલાઈ, માખણ, ઠંડાં પીણાં, દુધપાક, શીખંડ, બાસુદી, દહીં, ફ્રુટસલાડ, ફ્રીઝ કે બરફનું પાણી, ફરસાણ, મગ-તુવેર સીવાયનાં કઠોળ, વેજીટેબલ ઘી બંધ.
      ૩. દરરોજ સવારે લાંબે ફરવા જવું અને માફકસર કસરત કરવી. એનાથી ઉપરોક્ત તકલીફમાં ફાયદો થશે.

      Like

  2. tarun Says:

    Khub khub dhanyawad …

    Like

  3. Suresh Says:

    I hv dry exema since 2 years ant that’s happens after comming in Melbourne. I did not hv any issue when I was in India. Could u please shown ne some Ayurvedic medicine.
    Waiting for ur reply.
    Thanks
    Suresh

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે.
      મારા બ્લોગની મુલાકાત બદલ આપનો હાર્દીક આભાર. ચામડીના રોગો બાબત મારા બ્લોગમાં આપ નીચેની માહીતી જોઈ શકશો. આમ છતાં આપને નીચેની લીન્ક જોવા વીનંતી.
      https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

      ચામડીના રોગ
      (૧) વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે.
      (૨) જે જગ્યાએ ત્વચા વીકારગ્રસ્ત લાગતી હોય ત્યાં જરા જરા દીવેલ દરરોજ દીવસમાં ત્રણ વખત ઘસતા રહેવું. સામાન્ય ખંજવાળ, અળાઈ અને સોરાઈસીસ કે એક્ઝીમા જેવા રોગો પણ દીવેલના વ્યવસ્થીત પ્રયોગથી મટે છે.
      (૩) ચામડીના રોગમાં ગાજરનો રસ દુધમાં મેળવી પીવો. ગાજરના રસ અને દુધનું પ્રમાણ જરુર મુજબ રાખવું.
      (૪) ખંજવાળ, દરાજ, અળાઈ, એલર્જી, સોરાયસીસ જેવા દારુણ રોગોમાં પણ કોબીજનાં પાન અસરગ્રસ્ત ચામડી પર લપેટી રાખી મુકો કે પાટો બાંધી રાખો તો એ મટી જાય છે.
      (૫) કાચા પપૈયાનું દુધ ચોપડવાથી ચામડીના રોગો સારા થાય છે.
      (૬) રોજ સવારે ૨૦-૨૦ ગ્રામ મધ ઠંડા પાણીમાં મેળવી ચાર-પાંચ માસ પીવાથી દાહ, ખંજવાળ અને ફોલ્લી જેવા ચામડીના રોગો મટે છે.
      (૭) તાંદળજાની ભાજી ખાવાથી ચામડીના વીકારો મટે છે.
      (૮) નારંગી ખાવાથી ચામડીનાં દર્દો દુર થાય છે.
      (૯) કારેલીનાં પાન વાટી તેની માલીશ કરવાથી જીર્ણ ત્વચારોગમાં ફાયદો થાય છે.
      (૧૦) સફેદ કોઢ, ખરજવું, દાદર, સોરાયસીસ, રક્તમંડલ, ખસ, લુખસ, ખુજલી વગેરે તમામ પ્રકારના ત્વચા રોગોમાં ગરમાળાનાં પંચાંગ અધકચરાં ખાંડી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, ઠંડુ પાડી ગાળીને સવાર-સાંજ પીવું. ખાટી ચીજો(લીંબુ, આમલી, ટામેટાં વગેરે) બંધ કરવી. ઉકાળો તાજેતાજો બનાવીને સવાર-સાંજ પીવો. કબજીયાત હોય તો રાત્રે સુતી વખતે એક ચમચી ગરમાળાનો ગોળ ખાવો.
      (૧૧) તેલમાં લાલ આખું કે દળેલું મરચું બાળવું. એ તેલ ગાળીને શીશીમાં સંઘરી રાખવું. અસરગ્રસ્ત ચામડી પર દરરોજ ચારેક કલાકને અંતરે લગાડી સહેજ ઘસતા રહેવું. પ્રયોગ નીયમીત એકાદ મહીનો કરવો જોઈએ. એનાથી ચામડીના રોગો મટે છે. એની કશી જ આડઅસરો નથી.
      (૧૨) કોલીફ્લાવરમાં ગંધકનું પ્રમાણ સારું હોવાથી કોઈ પણ પ્રકારના ત્વચારોગમાં દરરોજ એનું શાક ખાવાથી એ જલદી મટી જાય છે.
      (૧૩) દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઈ જેવા ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલીશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે.
      (૧૪) ત્વચારોગમાં ખાંડ-ગોળ, બધી જ જાતનાં ફળ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી, સાબુ અને સીન્થેટીક કાપડ, તલ, શીંગદાણા, દહીં, ભીંડા, સક્કરીયાં વગેરે બંધ કરવું. મીઠું ઓછું કરી નાખવું. મેથી, પાલખ, તુવેરની દાળ, હળદર ઘણાં સારાં જે દરરોજ લઈ શકાય.
      (૧૫) ઘીમાં મરી વાટી લેપ બનાવી એક ચમચી જેટલું ચાટી જવાથી અને થોડું ચામડી પર પડેલાં લાલ ચકામા પર સવાર-સાંજ નીયમીત ચોપડવાથી લાલ ચકામા મટે છે.
      (૧૬) ગરમીમાં અળાઈ, ખંજવાળ કે ચામડી લાલ થઈ જવા જેવા ત્વચારોગોમાં ગોખરુનો તાજો ઉકાળો હુંફાળો કે ઠંડો ૧-૧ કપ ત્રણ-ચાર વખત પીતા રહેવાથી લાભ થાય છે.
      (૧૭) તલનું તેલ બરાબર ગરમ કરી, તેમાં ૧/૬ ભાગ વજન જેટલું કપુરનું ચુર્ણ નાખી માલીશ કરવાથી ખંજવાળ તથા ચામડીના સામાન્ય રોગો મટે છે. શરીરના દુખતા ભાગ પર કે શરીર જકડાઈ જવાની ફરીયાદમાં પણ આ તેલ લાભદાયી છે.
      (૧૮) ખંજવાળ, અળાઈ, ફોલ્લા-ફોલ્લી વગેરે ચામડીના નાના-મોટા રોગોમાં દરરોજ દીવસમાં ચાર-પાંચ વાર થોડું થોડું કોપરેલ ઘસતા રહેવાથી રાહત થાય છે. સોરાયસીસ જેવા ગંભીર ત્વચા રોગમાં પણ કોપરેલ અદ્ભુત અસરો બતાવે છે.
      (૧૯) અરડુસીનાં તાજાં કે સુકાં પાનનો એકાદ લીટર ઉકાળો નાખેલા પાણીથી દરરોજ સ્નાન કરવાથી દરાજ, ખંજવાળ, અળાઈ, ફોલ્લી-ફોલ્લા વગેરે નાના મોટા ચામડીના રોગો થતા નથી અને થયા હોય તો મટી જાય છે.
      (૨૦) લીમડાના પચાસ પચાસ પાનનો તાજો રસ કાઢી સવાર-સાંજ પીવાથી ચામડીના બધા જ રોગો-ગડગુમડ, ખીલ અને સફેદ કોઢ પણ જડમુળથી મટી જાય છે.
      (૨૧) ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગો મટાડવા અડધીથી એક ચમચી હરડે ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી સુખોષ્ણ દુધ અથવા નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.
      શુષ્ક ચામડી
      (૧) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી શરીર પર માલીશ કરવાથી ચામડીની શુષ્કતા મટે છે.
      (૨) સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનામાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતાં લાલ લાલ ચાંઠાં, ચામડીની શુષ્કતા વગેરે મટે છે.
      (૩) બેસન સાથે દહીં મેળવી ચોળવાથી શુષ્ક ચામડી સુંવાળી બને છે.
      (૪) એક ડોલ ગરમ કે ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી સ્નાન કરવાથી ચામડી મુલાયમ થાય છે.
      Thank you.
      Best regards.
      Gandabhai Vallabh

      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about health)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

  4. ફારૂક Says:

    વૈદજી તમારા જ્ઞાનના સાગરમાંથી એક લોટો મને આપવાની મહેરબાની કરશોજી. હુ એલોવિરા હર્બલશેમ્પુ બનાવી વેપાર કરવા માંગુ છું ઘણી કોશિશ શેમ્પુ બનાવા માટે પણ સફળતા ના મળીં પણ જો ઇશ્રવરની મહેરબાની થાય અને તમે શેમ્પુ બનાવાની રીત અને સામ્રગી એક વર્ષ શેમ્પુ બગડે નહિ આટલી મદદ કરશોં. મહેરબાની

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે ફારુકભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      ભાઈ ફારુક, પહેલાં તો મારે એ કહેવાનું કે હું વૈદ્ય નથી, કે કોઈ પણ પ્રકારનો આરોગ્ય ચીકીત્સક પણ નથી. મને બહુ બચપણથી આયુર્વેદમાં રસ છે, અને તેથી થોડું વાંચન કરતો રહું છું, અને થઈ શકે તે પ્રયોગો પણ કરું છું. આયુર્વેદની મારી જાણકારી પણ બહુ જ સીમીત છે. જે કંઈ નજીવી જાણકારી છે તે બીજાઓને કદાચ ઉપયોગી થાય એ દૃષ્ટીએ બ્લોગ બનાવી મુકી છે અને મુકતો રહું છું. પરંતુ દીલગીર છું કે આપને જે માહીતીની જરુર છે તેમાં હું મદદ કરી શકું તેમ નથી. માફ કરશો, આ બાબત હું કશું જ જાણતો નથી.
      હા, કુંવારપાઠાના વાળ બાબતના ઉપયોગાનુસાર (માથાના વાળના રક્ષણ માટે કુંવારપાઠાની છાલ ઉતારી અંદરના ગર્ભને માથામાં ઘસી, વાળ સુકવી દેવા. થોડા સમય બાદ માલીસ કરી માથું ધોઈ નાખવાથી વાળ ચમકદાર, કાળા બને છે, તથા વાળની વૃદ્ધી પણ થાય છે.) જો કોઈ રીતે શેમ્પુમાં એનો સમાવેશ કરવામાં આવે તો લાભપ્રદ બની શકે, પણ એ કઈ રીતે કરી શકાય એ બાબત હું સાવ અજ્ઞાન છું.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  5. અનામિક Says:

    nice

    Like

  6. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અનામિક,
    મારા બ્લોગની મુલાકાત લઈ પ્રોત્સાહક ટીપ્પણી લખવા માટે હાર્દીક આભાર.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.