Archive for મે 18th, 2024

કાકડી

મે 18, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

કાકડી લાંબી, ગોળ, બીવાળી, બી વીનાની એમ ઘણા પ્રકારની થાય છે, પણ બધા પ્રકારની કાકડીના ગુણ લગભગ સરખા હોય છે.

કાકડીમાં શરીરને ઉપયોગી ઘણાં વીટામીન હોય છે. જેમ કે એમાં વીટામીન બી1, બી2, બી3, બી5, બી6, વીટામીન સી, ફોલીક એસીડ વગેરે. ઉપરાંત એમાં કેલ્શ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ, ફોસ્ફરસ, પોટેશ્યમ અને ઝીન્ક પણ હોય છે.

થાક લાગે તો કેફીનયુક્ત ચા કે કોફી પીવા કરતાં કાકડી ખાવાથી થાક દુર થઈ જશે, અને કેફીનની આડઅસરથી પણ બચી જશો. કાકડીમાં વીવીધ વીટામીન અને કાર્બોહાઈડ્રેટ હોવાથી તરત જ સ્ફુર્તીનો અનુભવ થશે. એટલું જ નહીં એની વીધાયક અસર કલાકો સુધી રહેશે, જે ચા-કોફીમાં સંભવ નથી.

આંખમાં બળતરા થતી હોય તો આંખ પર કાકડીનાં પતીકાં મુકી  પાટો બાંધી થોડી વાર આરામ કરવાથી બળતરા ઘણી ઓછી થઈ જશે. વળી મોઢા પરની કરચલી દુર કરવા અને ચામડીને ચળકતી અને સુંવાળી બનાવવા કાકડીનાં પતીકાં થોડી વાર ઘસવાથી લાભ થશે.

શાકભજીના ગાર્ડનમાં જીવાત અને ગોકળગાય જેવાંથી નુકસાન થતું હોય તો કાકડીનાં પતીકાં એલ્યુમીનીઅમના વાસણમાં મુકવાથી જીવાત અને ગોકળગાય આવશે નહીં. કાકડીમાંનાં રસાયણ એલ્યુમીનીઅમ સાથેની પ્રક્રીયાથી એક પ્રકારની ગંધ પેદા કરે છે, જે માણસો પારખી શકતાં નથી, પણ આ જીવાત માટે એ ત્રાસદાયક હોય છે.

રાત્રે સુતાં પહેલાં થોડી કાકડી ખાવાથી સવારે સારી તાજગી અનુભવશો. સવારે નાસ્તો કર્યા પછી બપોરે જલદી ભુખ લાગતી હોય તો ફરીથી નાસ્તો કરવાને બદલે થોડી કાકડી ખાઈ લેવાથી ભુખ મટી જશે અને કામ કરવામાં સ્ફુર્તી અનુભવશો.

કાકડીના પતીકાને સ્ટેનલીસ સ્ટીલના વૉશબેઝીન પર ઘસવાથી સ્ટીલ ચમકતું થશે. ચામડાના બુટ પર ઘસવાથી એ ચમકી ઉઠશે. બાથરુમના અરીસા પર ઘસવાથી તેના પર ભેજ નહીં જામે. જમ્યા પછી સોપારી કે બીજું કંઈ ખાવાને બદલે કાકડી ખાવાથી મોં સાફ અને સુગંધીત રહેશે.